Maun Dhyan Sadhana Shibir 04 – Vachana – 2

526 Views 33 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : ધ્યાન ચાર ભગવંત બતાવે

ધ્યાન એટલે art of living. તમે તમને પોતાને મળી શકો, તમે તમારામાં સ્થિર રહી શકો – એના માટેનો જે ઉપાય, એનું નામ ધ્યાન. ધ્યાન એ માર્ગ; સ્વાનુભૂતિ એ મંઝિલ.

રહત વિકાર સ્વરૂપ નિહારી. નિશ્ચયનયની દ્રષ્ટિએ તમે શુદ્ધ આત્મસ્વરૂપ છો. રાગનો ઉદય આવે ત્યારે રાગને માત્ર જુઓ; એમાં ભળો નહિ. રાગને તમે જુઓ, એટલે તમે દ્રષ્ટા અને રાગ દ્રશ્ય બની ગયો. આ દ્રષ્ટાભાવ એ જ આત્માના દર્શન ગુણની અનુભૂતિ.

ગુણ-વિચાર નિજ ગુણ જે લહે. પ્રભુના અનંત ગુણોમાંથી કોઈ પણ ગુણ ઉપર અનુપ્રેક્ષા કરો અને પછી એ ગુણની અનુભૂતિ કરો. પહેલો જ ગુણ દેખાશે ઉદાસીનદશા. સમવસરણમાં બિરાજમાન પ્રભુના મુખ પર કેવી ઉદાસીનદશા છે! એ જ ઉદાસીનદશા તમારી ભીતર પણ છે. પ્રભુમાં એ ગુણ પ્રગટ છે; તમારામાં ઢંકાયેલો છે. એનો અનુભવ કરવા માટે નિર્વિકલ્પ દશામાં જવું પડે.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૪ (ઘાટકોપર) – વાચના – ૨

દિયાણા તીર્થમાં યાત્રા માટે જવાનું થયું. એકદમ નૈસર્ગિક સૌંદર્યથી સભર સ્થળે દિયાણા તીર્થ આવેલું છે. અને ત્યાં નંદીવર્ધન રાજાએ ભરાવેલ પ્રભુ મહાવીરદેવની મૂર્તિ છે. દર્શન કર્યા ભાવ વિભોર બનાયું.

બપોરે ઉપાશ્રયમાં હું બેઠેલો. એ વખતે એક વિદ્વાન આવ્યા. એમણે પરિચય આપ્યો કે જોધપુરની university માં એ પ્રોફેસર છે. પ્રોફેસર તો હતા જ, સાથે શ્રી શ્રી રવિશંકરના art of living ના પ્રચારક પણ હતા. વાતમાંથી વાત નીકળી. ત્યારે મેં હસતાં હસતાં પ્રોફેસરને કહ્યું, કે પ્રોફેસર શ્રી શ્રી રવિશંકરે તો હમણાં art of living ની વાત કરી, પ્રભુ મહાવીર દેવે ૨૫૫૦ પહેલાં art of living ની વાત કરેલી છે.

સાધના એટલે શું? ધ્યાન એટલે શું? art of living. અમે લોકો ever fresh છીએ, ever green છીએ. કારણ એક જ- પ્રભુની સાધના અમને મળી છે. પ્રભુની એક સાધના છે સર્વસ્વીકારની. જે પણ ઘટના ઘટી રહી છે એને જુઓ; એને સ્વીકારો. acceptance, rejection નહિ.

પર્યાયો નક્કી થયેલા હોય છે. આપણને ખ્યાલ નથી પણ આ દિવસે સાંજે મારા કે તમારા જીવનમાં કોઈ ઘટના ઘટવાની છે. એનો ખ્યાલ અનંત કેવલજ્ઞાનીઓને છે. તો એ પ્રમાણે ઘટના ઘટવાની જ છે. એ ઘટના ઘટે આપણે એનો સ્વીકાર કરીએ… ઘટના પ્રિય હોય તો પણ સ્વીકાર, અપ્રિય હોય તો પણ સ્વીકાર. ઘટના plain ઘટના છે. માત્ર ઘટના… સારા અને નરસાનું title આપણી બુદ્ધિ લગાડે છે. કોઈ પણ પ્રસંગ માત્ર પ્રસંગ જ છે. એ સારો પણ નથી. ખરાબ પણ નથી. આપણે sticker કઈ રીતે લગાવીએ છીએ… આપણા અહંકારને કારણે… તમારા હું ને કોઈએ ઉત્તેજિત કર્યું, કોઈએ કહ્યું તમે બહુ સારું બોલ્યા, એ વ્યક્તિ સારી, એ ઘટના સારી… કેમ… કે એ ઘટનાએ તમારા અહંકારને ઉત્તેજિત કર્યો. એની સામે કોઈએ કહ્યું, શું યાર તમે બોલ્યા, કંઈ ધડ માથું કઈ સમજાતું જ નહોતું. એ વ્યક્તિ તમને ખરાબ લાગશે કારણ એણે તમારા અહંકારને એકદમ ખેંચી લીધો. તો અહંકારને ઉત્તેજિત કરે એ ઘટના સારી, એ વ્યક્તિ સારી, એ પદાર્થ સારો. ઘટના સારી કે નરસી એનું મૂળ કારણ તમારો અહંકાર.

હવે જેના આધારે તમે મૂલવણી કરી એ આધાર બિંદુ જ ખોટું છે. હું એટલે કોણ? હું એટલે આનંદઘન ચૈતન્ય. એ આનંદઘન ચૈતન્યને મેળવવા માટે ચાર માર્ગોની વાત આપણે ત્યાં થઇ છે. ધ્યાન એટલે બીજું કંઈ નહિ; તમે તમને મળી શકો, તમે તમારામાં સ્થિર રહી શકો, એના માટેનો જે ઉપાય એનું નામ ધ્યાન. ધ્યાન એટલે માર્ગ. સ્વાનુભૂતિ એ આપણી મંઝિલ. તો ચાર ધ્યાનની વાત આપણી પરંપરામાં છે. ચારે ચાર માર્ગ મંઝિલ તરફ તમને લઇ જાય છે. માર્ગની વ્યાખ્યા શું? જે મંઝિલ તરફ તમને લઇ જાય એ માર્ગ.

તો રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત આ ચાર ધ્યાનની વાત આપણે ત્યાં છે. સ્વરોદય વિજ્ઞાનની અંદર પૂજ્યપાદ ચિદાનંદજી મહારાજે એનું વર્ણન આપણી ભાષામાં આપ્યું છે. શરૂઆત, ઉઘાડ એટલો મજાનો છે… “ચાર ધ્યાન ભગવંત બતાયે, તે મોરે મન અધિકે ભાયે” પ્રભુ એ ચાર ધ્યાન, આત્માનુભૂતિના ચાર માર્ગો બતાવ્યા છે. તે મોરે મન અધિકે ભાયે – અને એ એકેક માર્ગ મને બહુ જ ગમે છે. સંસ્કૃતમાં ભક્તિ સૂત્રો ઘણા છે. ભક્તિ સ્તોત્રો પણ ઘણા છે. પણ એ બધામાં ટોચનું સ્તોત્ર છે મધુરાષ્ટક. ‘મધુરાધિપતેરખિલં મધુરમ્’ માધુર્યના અધિપતિ જે પરમાત્મા છે એમનું બધું જ મધુર. વચનં મધુરમ્, ચલનં મધુરમ્, મધુરાધિપતેરખિલં મધુરમ્ સમવસરણમાં બેસીને પ્રભુ દેશના આપે, કેટલું મજાનું મજાનું એ દ્રશ્ય લાગે! પ્રભુ સોનાના કમળ ઉપર વિહાર કરતા હોય, કેટલી ભવ્ય ઘટના એ લાગે! વચનં મધુરમ્, ચલનં મધુરમ્, મધુરાધિપતેરખિલં મધુરમ્. માધુર્યના અધિપતિ પરમાત્મા છે. અને એટલે એમનું બધું જ મધુરું મધુરું રહેવાનું.

અંજનશલાકા પ્રસંગે પ્રવચનમાં હું ઘણીવાર કહેતો હોઉં છું… કે પાંચ કલ્યાણક એ તો મોટી મોટી ઘટના છે. બાકી પ્રભુના જીવનની એક – એક  ક્ષણ કલ્યાણક છે. એક – એક ક્ષણ મધુર છે. તો ચિદાનંદજી મહારાજા કહે છે, ધ્યાન ચાર ભગવંત બતાયે, તે મોરે મન અધિકે ભાયે – બહુ જ ગમ્યા; કારણ કે પ્રભુએ બતાવેલા છે. આ જ વાત મહોપાધ્યાયજીએ શ્રીપાળ રાસમાં કરી – “યોગ અસંખ્ય જિનવર કહ્યા” પ્રભુએ અસંખ્ય યોગોની વાત કરી છે. અને એ બધા જ યોગો મને ગમે છે. કારણ? પ્રભુએ આપેલા છે. એટલે આપણે એ ધ્યાન કરવું છે, જે પ્રભુએ આપેલું છે.

મુંબઈમાં જ ગોવાલિયા ટેંક, માટુંગા, ગોરેગાંવ આ બધા સ્થળોમાં ચાતુર્માસમાં સવારની ચતુર્વિધ સંઘની વાચનાઓ થતી. એમાં મેં આ ધ્યાનની પ્રસ્તુતિ આપેલી. એ ધ્યાનની વાતો સાંભળ્યા પછી, એ ધ્યાનને practically કર્યા પછી ઘણા બધા સાધકો મારી પાસે આવેલા, કે સાહેબ આપણી પાસે આટલી સરસ સાધના છે, એ તો ખબર જ નહોતી. અમે તો ક્યાંય ને ક્યાંય જઈ આવ્યા સાધના માટે, ધ્યાન માટે… પણ ઘર આંગણે આટલી સરસ ધ્યાનની પ્રસ્તુતિ છે, અને ધ્યાનનું performing આટલું સરસ છે. એ તો પહેલી વાર જોયું. તો ધ્યાન ચાર ભગવંત બતાયે, તે મોરે મન અધિકે ભાયે – પ્રભુએ ચાર ધ્યાન બતાવ્યા. રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત.

પહેલું ધ્યાન – રૂપસ્થ ધ્યાન. કેટલી  સરસ એની પ્રસ્તુતિ છે. “રહત વિકાર સ્વરૂપ નિહારી , તાકી સંગત મનસા ધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોયો” રૂપસ્થ ધ્યાન એટલે શું? અંધાર ભર્યા અનંત અતિતને ક્યારેક કોક તેજ કિરણ મળે, આંખો ચકાચોંદ થઇ જાય. શું છે આ…! પ્રકાશ એટલે શું એનો ખ્યાલ નહોતો… માત્ર અંધકારમાં જ રહેવાનું હતું. પ્રકાશનું પહેલું કિરણ મળ્યું. રૂપસ્થ ધ્યાન એટલે આપણા ભીતરના અંધાર ઘેરા ખંડમાં પ્રકાશનું પહેલું કિરણ. શું મજાની વાત કરી છે. રહત વિકાર સ્વરૂપ નિહારી  –  ભગવાનનું દર્શન કરવું કદાચ થોડું અઘરું છે. પણ તમારી અંદર ક્રોધ ઉઠ્યો… તમે એને જુઓ.. તમારી ભીતર આસક્તિ ઉઠી; તમે એને જુઓ.

સવારે તમે ચા પીતા હોવ, tasty ચા છે તો મનની અંદર આસક્તિનો ભાવ આવે છે… ચા બહુ tasty છે. મજેદાર છે. લિજ્જતદાર છે. એ વખતે એક તત્વ એવું છે, જે આસક્તિને પણ જોઈ શકે. ચા ને જોઈ શકે.. ચા માં ઉઠેલી આસક્તિને પણ જોઈ શકે. પ્રયોગ કરજો ક્યારેક… આસક્તિ મનની અંદર છે. રાગની ધારા મનની અંદર છે. અને એને જોનાર કોક છે. એ જોનાર જે છે ને; એ જ તમે છો. તમે માત્ર અને માત્ર દ્રષ્ટા છો. વૈભાવિક કાર્યોની અંદર કર્તૃત્વ તમારું છે જ નહિ. Doing એ સંસાર, being એ સાધના. Doing totally ખરી પડે. તો આસક્તિ ઉઠી; એને જુઓ. તો જોનાર જે છે એ પ્રગટ થયો. એ જોનાર જે પ્રગટ થયો; એ જ આત્મા. એ જ તમે. ચા માં આસક્તિ કરનાર મન conscious mind, unconscious mind જે અનંત જન્મોથી રાગ – દ્વેષની ધારામાં પડેલું છે. પણ તમે, તમે રાગમાં પણ નથી. દ્વેષમાં પણ નથી. રાગનો ઉદય, ક્રોધનો ઉદય ક્યાં સુધી… મન સુધી… ચિત્ત સુધી… લેશ્યા સુધી… તમારામાં નહિ.

નિશ્ચયનયની દ્રષ્ટિએ તમે શુદ્ધ આત્મસ્વરૂપ છો. અને એટલે જ રાગનો ઉદય આવે ત્યારે માત્ર રાગને જુઓ; રાગમાં ભળો નહિ. એટલે ૨ શબ્દો આપણી પરંપરામાં છે… ઉદયાધિન ચેતના અને સ્વસત્તાધિન ચેતના. અત્યાર સુધી શું થયું… રાગનો ઉદય થયો; રાગમાં ભળ્યા. નવો રાગનો બંધ કર્યો, એ સત્તામાં ગયો, ફરી ઉદયમાં આયો. અનંત જન્મથી આ ચક્કર ચાલુ રહ્યું. એ ચક્રને થંભાવવું હોય તો શું કરવાનું… રાગને જોવાનો.. જુઓ એટલે શું થાય…? તમે દ્રષ્ટા છો, રાગ દ્રશ્ય છે. દ્રષ્ટા અને દ્રશ્ય એક હોય ખરા…? હું ટેબલને જોવું છું, ટેબલ દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું, તો દ્રષ્ટા અને દ્રશ્ય બે અલગ રહેવાના. તો રાગનો ઉદય થયો; હું મારામાં છું… તો હું જો દ્રષ્ટાભાવમાં આવ્યો તો રાગ ઉદયમાં આવીને નિર્જરી જશે.

અશાતાવેદનીયમાં તમને ખ્યાલ આવી જાય છે. અશાતાનો ઉદય આયો , તમે હાય – હોય કરો તો નવું કર્મ બાંધો. અને સમભાવે તમે એને enjoy કરો તો એ કર્મને તમે ફેરવી શકો. તો રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી – પહેલા જોયો… રહત વિકારી સ્વરૂપ નિહારી… નિહારવું એટલે જોવું… તમારી અંદર ઉઠેલા વિકારને તમે જોયો. જોયા પછી શું કરવાનું છે… તાકી સંગત મનસા ધારી… મનમાં તમારા ઉપયોગમાં તમારે નક્કી કરવાનું છે કે રાગ અલગ છે, હું અલગ છું… એ વખતે શું થાય છે… નિજ ગુણ અંશ લહે જબ કોય – દ્રષ્ટાભાવ; એ તમારો ગુણ… એ દ્રષ્ટાભાવ તમને મળ્યો.

જોવું અલગ… દ્રષ્ટાભાવ અલગ. વસ્તુને કે વ્યક્તિને જુઓ, સારી અને નરસી તરીકે કલ્પો… રાગ – દ્વેષ કરો, એ જોવાની વાત છે, દ્રષ્ટાભાવની વાત નથી. દ્રષ્ટાભાવમાં તમે જુઓ છો; પણ એની જોડે સંબંધ રચતા નથી. ગઈ કાલે કહ્યું હતું એમ, વસ્ત્રો પહેર્યા પણ મનની જોડે એનો સંબંધ રચાતો નથી કે સારા છે કે બરોબર નથી… રોટલી – શાક ખાધું શરીરે… તમને ખ્યાલ નથી કે કેવું હતું… શું ખાધું એ પણ તમને ખબર નથી. કારણ? તમારા મન સાથે એનો સંયોગ રચાયો નથી. આ એક બહુ અદ્ભુત ઘટના છે. વર્તમાનકાળમાં તમારા મન સાથે કોઈ ઘટનાનો સંયોગ ન રચાય, તો ભવિષ્યમાં એનું સ્મરણ ક્યાંથી થાય…?

પ્રભુ મહાવીરદેવની સાધનામાં એક સરસ વાત આવે કે પ્રભુ અનાર્ય દેશમાં ગયા, અનાડી લોકો પ્રભુની પીઠ પર લાકડીઓ વરસાવતા, શિકારી કૂતરાઓ પાછળ છોડતાં, એ પ્રભુની પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી લેતાં. પ્રભુ આગળ જાય, ધ્યાનમાં જવું છે, એ વખતે આચારાંગ સૂત્રમાં પ્રશ્ન કરાયો, કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટેલી હતી, પ્રભુને એનું સ્મરણ હોય કે નહિ?આટલી મોટી ઘટના ઘટી ગઈ છે… લાકડીઓનો વરસાદ પીઠ ઉપર વરસેલો, પગની પિંડીમાંથી માંસના લોચે – લોચા નીકળી ગયા, આટલી મોટી ઘટના ઘટી છે… એનું સ્મરણ દસ મિનિટ પછી પ્રભુને હોય કે નહિ? જવાબ આપ્યો – સ્મરણ હોતું નથી. કેમ સ્મરણ ન હોય… તો કહ્યું કે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં નહોતા, સ્વમાં હતા… ભલે આપણે આટલી ઉંચી કક્ષાએ ન જઈ શકીએ.. તમે કોઈ લાફો મારે અને તમે કદાચ તટસ્થ ના રહી શકો, પણ ૨ -૪ ગાળો ચોપડાવે… તો તટસ્થ રહી શકો ને..?

દ્રષ્ટાભાવ… જે પણ ઘટના ઘટી રહી છે, એનો સ્વીકાર. ન એ ઘટના સારી છે, ન એ ઘટના ખરાબ છે. શુભ ઘટના હોય એ સારી છે. બાકી બીજી બધી ઘટનાઓ જે છે, એમાં સારી કે નરસી એવું વર્ગીકરણ કરવાનું જ નથી. ઘટના માત્ર ઘટના છે. તો નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોયો – એ વખતે પહેલું ધ્યાન આવ્યું. રૂપસ્થ ધ્યાન. સ્વરૂપનું ધ્યાન થયું. દ્રષ્ટાભાવ એટલે શું…? આત્માનો ગુણ- દર્શન ગુણ… એ દર્શન ગુણનો સ્પર્શ થયો.

બીજું ધ્યાન છે – પદસ્થ ધ્યાન. માર્ગ ભિન્ન ભિન્ન છે. એટલા માટે કે સાધકોની પેટર્ન અલગ અલગ હોય તો સાધનાની પેટર્ન પણ અગણિત હોય. એક તો ચાર જ માર્ગ આપ્યા, બાકી અસંખ્ય માર્ગો છે સાધનાના… કેમ? તો કહે કે સાધકોની પેટર્ન તો અગણિત છે તો સાધનાની પેટર્ન પણ અગણિત રહેવાની. તમે જ્યાં પહોંચ્યા છો, ત્યાંથી તમને આગળ લઇ જવાના છે. પેલા સાધક જ્યાં છે, ત્યાંથી એમને આગળ લઇ જવાના છીએ. મુંબઈ આવવું બધાનું લક્ષ્ય હોય, કોઈ કોયતુંર છે, કોઈ હૈદરાબાદ છે, કોઈ બરોડા છે. માર્ગ અલગ રહેવાના… મંઝિલ એક, માર્ગ અલગ. તો રૂપસ્થ ધ્યાન દ્વારા પણ તમે સ્વાનુભૂતિને મેળવી શકો. દ્રષ્ટા બની જાવ માત્ર… આનંદ જ આનંદ.

ઘટના ઘટ્યા કરે, તમે એને જોયા કરો. ઘટના જોડે સંબંધ રચવાનો જ નહિ. ન સંબંધ રચાય, ન એનું સ્મરણ પાછળથી હોય. ઘટના આવી ને ગઈ. પદસ્થ ધ્યાન એટલે સમવસરણમાં બિરાજમાન પરમાત્માનું ધ્યાન. પણ આપણે સમવસરણનું ધ્યાન નહિ, પણ પ્રભુનું ધ્યાન કરવું છે. અત્યાર સુધી શું થયું… અતિતની યાત્રામાં આપણે સમવસરણમાં ગયેલા, ૬૪ ઇન્દ્રોને જોઈ લીધા… અપ્સરાઓના નૃત્યને જોઈ લીધું, પણ જે જોવાનું હતું, પરમાત્માના મુખ ઉપરનો ઉદાસીન ભાવ, એ આપણે જોયો નહિ. આજે તમે પ્રભુનું દર્શન કરવા જાવ ત્યારે પણ આ પદસ્થ ધ્યાન તમે કરી શકો છો.

તો એની મજાની કડી છે, “તીર્થંકર પદવી પ્રધાન, ગુણ અનંત કો માનું સ્થાન, કુણ વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે” છેલ્લું ચરણ કેટલું મજાનું છે. ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે – હું કહું છું એમ નહિ… આ આપણી પરંપરા… કોઈ પણ ગુરુ એમ નહિ કહે કે હું તમને આ જ્ઞાન આપું છું.

અમે લોકો યોગોદ્વહન કરીએ. સૂત્રોને પામવા માટેની યોગ્યતા માટે ક્રિયા કરીએ ત્યારે ગુરુદેવ સૂત્રો આપે અમને પણ એ વખતે એક સરસ શબ્દ વાપરે છે….. “ખમાસમણાણ હત્થેણ” હું તને આચારાંગ સૂત્ર નથી આપતો. સદ્ગુરુઓની પરંપરા એ તને આપે છે; હું નથી આપતો. એ જ ખામણામાં તમે બોલો સારીયો, વારીયો, ચોઈયો, ગુરુદેવ આપે મારી આટલી બધી care કરી… આપના ઋણમાંથી હું મુક્ત કઈ રીતે થઇ શકું..? ત્યારે ગુરુ જવાબમાં કહે છે –  આયરિઅ સંતિઅં – આ તો દરેક ગુરુ કરતા હોય છે, આમાં મેં કંઈ નવું નથી કર્યું; સદ્ગુરુ હોય તો યોગક્ષેમ કરે. એટલે આ તો routine છે. તો ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે – આ પદસ્થ ધ્યાન છે, એવું સદ્ગુરુ કહે છે. તો હવે એમાં શું કરવું છે… ‘તીર્થંકર પદવી પ્રધાન’ તીર્થંકર પદ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ.

એક વાત સમજો, તીર્થંકર ભગવાન છે, સોનાના કમળ ઉપર વિચરે છે કે સમવસરણમાં બેસીને દેશના આપે છે… એ બધું ઔદયિક ભાવની ઘટના છે. તીર્થંકર નામ કર્મના ઉદયથી થાય છે. એટલે એ ઔદયિક ભાવની ઘટના જોડે પ્રભુને કોઈ સંબંધ નથી. આપણે કહીએ ને પ્રભુ સર્વજ્ઞ. પ્રભુ બધું જાણે, નહિ પ્રભુના જ્ઞાનમાં જણાયા કરે. દુનિયાને પ્રભુએ જાણવી નથી. આ દુનિયામ શું જાણવા જેવું છે બોલો.. હમણાં એક પ્રોફેસરે કહેલું કે આજનું છાપું વાંચો કે બે વર્ષ પહેલાનું છાપું વાંચો.. શું ફરક પડ્યો…! આ લૂંટ થઇ, આ બળાત્કાર થયો, અને આ ખૂન થયું. પેપર આજનું હોય કે ૨ વર્ષ પહેલાનું હોય. શું ફરક પડ્યો. દુનિયામાં કંઈ ઘટના નવી ઘટે છે?

કોરોના કાળ વખતે કેટલાક લોકો ગિરનાર ગયેલા, ત્યાં કોઈક યોગીઓ મળ્યા. તો આ જે ભક્તો હતા, એ તો કોરોના થી ત્રસ્ત્ત થઇ ગયેલા, યોગીને કહ્યું કે યે કોરોના આ ગયા, એસા હો ગયા, એસા હો ગયા… તો યોગી શું કહે છે… યે તો હોતા હી રહતા હૈ. યે તો હોતા હી રહતા હૈ. ડટ્ટણ સે પટ્ટણ, પટ્ટણ સે ડટ્ટણ, એક તુંમ્હે આશ્ચર્ય લગતા હૈ, હમે કોઈ આશ્ચર્ય નહિ લગતા.

એટલે એક એવી માન્યતા છે કે world ની સામે anti – world છે, પ્રતિ વિશ્વ… અને અહીંયા જે ઘટે છે, એવું બધું ત્યાં ઘટી રહી છે. બીજી એક થીયરી એવી છે કે ૨ – ૫ હજાર વર્ષે ઈતિહાસ ફરીથી જે છે, એ repeat થયા કરે છે. જે પ્રમાણે થયું હતું એ પ્રમાણે પાછું ચાલ્યા કરે. એટલે દુનિયામાં કંઈ જાણવા જેવું છે જ નહિ. માત્ર તમારી ભીતર જ ડૂબવા જેવું છે.

અધ્યાત્મ બિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાયે કહ્યું, કે એક આત્મતત્વ જણાઈ ગયું તો બધું જણાઈ ગયું.. પછી કંઈ બાકી રહેતું નથી. મનુષ્યોમાં શું જોવાનું…? આ તમારું શરીર છે ,એવું શરીર બધાનું છે. એમાં છે શું? કોઈએ કપડાં આવા પહેર્યા તો કોઈએ કપડા આવા પહેરાયા. એમાં જોવા જેવું શું છે? તો પદાર્થોમાં પણ જોવા જેવું શું છે…? તમારે માટે આવશ્યક પદાર્થો હોય એટલાનો ઉપગોગ કરો. પણ એમાં પણ ચેતનાને મુકો નહિ. કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ વ્યક્તિમાં તમારી ચેતનાને તમારા મનને ન મુકો. પ્રભુની મોટામાં મોટી આશાતના કંઈ તમને ખબર છે? તમારા ઉપયોગને, તમારા મનને તમે પર પદાર્થમાં કે પરવ્યક્તિમાં મુકો એ તમે પ્રભુની કરેલી મોટામાં મોટી આશાતના. પ્રભુએ કહ્યું છે… તું તારામાં સ્થિર થા. તમે મંડી પડ્યા છો.

આનંદધનજી ભગવંતે અઢારમાં સ્તવનમાં બહુ સરસ વાત કરી… કે પ્રભુ શાસન એટલે શું? “શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસો રે” શુદ્ધ આત્માનુભૂતિ. અને એ પણ સદાકાળ માટે એ પ્રભુ શાસન. “શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસો રે,પરતણી છાંયડી જીહાં પડે તે પરસમય નિવાસો રે” – નિશ્ચયથી પ્રભુ શાસન મળેલું ક્યારે કહેવાય..? આત્માનુભૂતિ થયેલી હોય ત્યારે… એટલે જ આપણે સ્વનો અનુભવ કરવો છે. ૩૦૦૦ કિલોમીટર દૂર ધરતીકંપ થયો છે, અને એના live દ્રશ્યો તમે ટી.વી. ઉપર જોઈ રહ્યા છો. પણ તમારી અંદર શું હલચલ મચે છે એને તમે જોઈ શકતા નથી. એટલે આનંદધનજી ભગવંતે કહ્યું “હલચલ મેલી ખબર લે ઘટકી” બહારની દુનિયાની આળ – પંપાળ છોડી દે; તારી પોતાની ખબર રાખ.

તો તીર્થંકર પદવી પ્રધાન. સમવસરણ છે, સોનાના કમળો છે, ૬૪ ઇન્દ્રો છે. પણ પ્રભુનો ઉપયોગ સ્વમાં છે. પ્રભુ ક્યાં છે? તમારી ગમે તેવી પ્રશંસા થાય, યશ નામકર્મનો ઉદય થયો, તમારે તટસ્થ રહેવાનું છે. તમારે સ્વમાં રહેવાનું છે. મીરાંએ કહેલું “કોઈ નિંદે, કોઈ બંદે, મેં આપણી ચાલ ચલુંગી” કબીરજી એ તો કહ્યું ‘નિંદક નિયરે રે રાખીએ, અંગન કુટિયા બીછાય,’ તમારે સાત માળની હવેલી હોય તો વાંધો નહિ, પણ એક નાનકડી ઝુંપડી રાખજો, એમાં તમારા નિંદકને રાખજો… નિંદક એટલે શું? – દર્પણ. Reception માં જવાનું છે, દર્પણમાં મોઢું જુઓ, રેઝરથી વાળ કાપતાં થોડા દાઢીના વાળ રહી ગયા છે. કાનમાં સાબુ ભરાઈ ગયો છે. પછી શું કરવાનું દર્પણને પટકવાના? ને કેમ…? મારા ચહેરા ઉપર ડાઘ છે, તું બતાવનાર કોણ..? દર્પણનો આભાર માનો…? દર્પણ ગમે…? દર્પણ જેવા માણસો ગમે…? કોઈ કહે તમે ચૈત્યવંદન કર્યું, સ્તવન તો બહુ સરસ રીતે ગાયું, પણ નમુત્થુણં, જાવંતિ, જાવંત એમાં કોઈ સંપદા નહિ, ફટાફટ તમે બોલી ગયા, એ બરોબર ન કહેવાય… તમે શું કહો…? બેસ બેસ હવે તું શું કરે છે, મને ખબર છે. ત્યાં દર્પણને પટકી દીધું.

તો પ્રભુ કેવલજ્ઞાનથી માત્ર જુએ છે. માત્ર જુએ છે. કંઈ સારું નથી, કંઈ ખરાબ નથી. તમારા c.c.t.v. માં દ્રશ્યો પકડાયા કરે, એમ કેવલજ્ઞાનમાં દ્રશ્યો પકડાયા કરે. પ્રભુ સ્વમાં હોય. તો “તીર્થંકર પદવી પ્રધાન ગુણ અનંત કો માનું સ્થાન” પ્રભુ અનંતા ગુણોના સ્વામી છે, એમનો એક ગુણ પકડો, પહેલા એના ઉપર અનુપ્રેક્ષા કરો, અને અનુપ્રેક્ષા કર્યા પછી એ ગુણની અનુભૂતિ કરો, પહેલો જ ગુણ પ્રભુનો દેખાશે – ઉદાસીનદશા. બધું જ થઇ રહ્યું છે. હજારો લોકો પ્રભુને સાંભળી રહ્યા છે.

આપણી તરફ છે ને પ્રભુના પ્રવચનનો આપણે અર્થ એવો કરવાનો કે કેવી મારા પ્રભુની કરૂણા કે personally for me પ્રભુએ આટલા બધા શબ્દો આપ્યા! પ્રભુની બાજુ કાંઈ જ નથી. ભાષા વર્ગણાના પુદ્ગલો આટલા ખપાવવાના છે, ખપાવી લો. આટલું બોલશો તો ભાષાવર્ગણાના પુદ્ગલો ખપશે. મોક્ષે જતાં પહેલા હિસાબ તો પૂરો કરવો પડે ને… તમારે તો હમણાં નિરાંત છે… હમણાં ક્યાં મોક્ષ છે… એટલે હિસાબ ચૂકતે કરવો નથી. પણ તમારે જમા વધારે કે ઉધાર વધારે… સાચું કહેજો… કયું પાસું તમારું વધારે સબળ…? મન શુદ્ધમાં કે શુભમાં કેટલી વાર રહે…? અને અશુભમાં કેટલી વાર રહે…?

પ્રભુએ આચારાંગ સૂત્રમાં એક સાધના આપી… કે બેટા! તારી એક શુદ્ધ ક્ષણ મને આપ. “खणं जाणाहि पंडिआ” આપણે તો ઓવારી ગયા, પ્રભુએ તો જીવન આપ્યું છે. અને પ્રભુએ માંગી માંગીને એક ક્ષણ માંગી. એક મિનિટ, આપણે કહ્યું પ્રભુ આપી. ત્યાં પ્રભુ પાછા પકડે આપણને, મને જે ક્ષણ તું આપીશ એ ગંદી – ગોબરી નહિ ચાલે… એ મિનિટની અંદર રાગ – દ્વેષ અને અહંકાર કોઈનું પ્રતિબિંબ પડેલું ન હોવું જોઈએ… આવી શુદ્ધ ક્ષણ તું મને આપ. ૫૮ સેકંડ સરસ ગઈ. ૫૯ મી સેકંડ કોઈ વ્યક્તિ આવી, તમારી અણગમતી હતી અને મનમાં તિરસ્કારનો ભાવ ઉઠ્યો, આ ક્યાંથી આવી.. ખલાસ. એ મિનિટ કચરાટોપલીમાં નાંખી દેવાની.

શુદ્ધ ક્ષણો કેટલી મળે…? અને શુભ ક્ષણો કેટલી મળે? તમારું શુભ જે છે ને એમાં સંપૂર્ણ શુભ નથી. શુભની ક્રિયા હોય, મન થોડુક શુભમાં હોય, કોઈક ઘટના ઘટે ને પાછું અશુભમાં જતું રહે. એકવાર એક ગુરુએ કહેલું કે તમે મને થોડીક ક્ષણો આપી દો, શુદ્ધની… પછી હું તમને કોલ આપું છું કે અશુદ્ધમાં તમે જલ્દી જઈ ન શકો…

એક સાધક અનુભવી હતો. એણે કહ્યું ગુરુદેવ! શુદ્ધ ક્ષણો ઘણીવાર મળી, પણ નિમિત્ત મળતાં પાછો અશુદ્ધમાં ઉંધે માથે પટકાયો છું. ગુરુ પારદ્ર્શ્વા છે, ગુરુએ કહ્યું તું જેને શુભ કહે છે, શુદ્ધ કહે છે, એ શુદ્ધ તો નહતું જ. શુભ હતું. પણ પૂરું શુભ નહતું. એટલે શુભ અને અશુભનું મિશ્રણ હતું. તો ૬૦ – ૪૦ હોય, તો ૪૦ – ૬૦ પણ થઇ શકે છે. ૬૦% શુભ અને ૪૦% અશુભ હતું કારણ કે unconscious mind માં અશુભનો એક પ્રવાહ ચાલ્યા કરતો હોય છે. conscious mind તમે સાફ કરી દો. તો પણ unconscious ની અંદર અશુભનો પ્રવાહ ચાલતો હોય છે. એટલે ગુરુએ કહ્યું, એ તારું શુભ ૬૦ – ૪૦ કે ૭૦ – ૩૦ હતું. નિમિત્ત મળતા એ ૩૦ – ૭૦ માં પલટાઈ ગયું. એટલે ખાસ તો આપણે એ કરવું છે.. કે માત્ર conscious mind ને સાફ નથી કરવું. Unconscious mind ને સાફ કરવું છે. ‘તસ્સ ઉત્તરી’ માં કાર્યોત્સર્ગ કરતાં પહેલા આપણે બોલીએ કે શા માટે હું કાર્યોત્સર્ગ કરું છું? વિસોહી કરણેણં, વિસલ્લી કરણેણં… વિશુદ્ધકરણ એટલે conscious mind ને સાફ કરવાનું. વિસલ્લીકરણ એટલે unconscious mind માં રહેલા કચરાને પણ સાફ કરવો.

ઘણીવાર તમારો અનુભવ હશે. બે કલાક, ત્રણ કલાક ભક્તિની ધારામાં વહ્યા. સરસ સંગીતકાર, સરસ સંવેદના આમ અઢી કલાક તમે પકડાઈ રહ્યા શુભની અંદર, બહાર ગયા, આમંત્રણ હતું ચા – નાસ્તો કરીને પધારજો. ચા આવી કપમાં. વેઈટરે પીરસી, ઠંડી ચા, બેસ્વાદ ચા, એક ઘૂંટડો ભર્યો… અને સીધું જ બોઈલર ફાટ્યો. શું વ્યવસ્થા છે આ લોકોની…! ચા નું ઠેકાણું નથી, પૌઆ ઠંડા, ચા ઠંડી, અમદાવાદમાં આવું થયેલું, એક ભાઈને આ જ ઘટના ઘટી. પણ એ જાગૃત સાધક હતો તો એને વિચાર આવ્યો, કે અઢી કલાક ભક્તિધારામાં મારું મન રહ્યું. અઢી કલાક શુભમાં રહેલું મારું મન અડધી મિનિટ ચા નો કપ sip કરાયો, એટલામાં અઢી કલાકની સાધના ખતમ થઇ ગઈ…! એ વખતે હું અમદાવાદમાં હતો એ ભાઈ મારી પાસે આવ્યા, વંદન કર્યું અને એમણે આ સવાલ પૂછ્યો… ત્યારે મેં કહ્યું કે ભક્તિધારા હતી જ તમારા મનમાં, તમે ભીના બનેલા પણ તમારું conscious mind ભીનું બનેલું. conscious mind ભીનું બનેલું, unconscious mind માં તો રાગ – દ્વેષ અહંકાર હતા જ. એટલે unconscious mind સાફ નહિ થયેલું. અઢી કલાકના conscious mind ના શુદ્ધિકરણ ની સામે અડધી મિનિટ નું સંજ્ઞાવાસિત મન જીતી ગયું.

એટલે conscious mind ને હું સંજ્ઞાવાસિત મન કહું છું. Unconscious mind પણ સંજ્ઞાવાસિત છે. આપણે મનને આજ્ઞાવાસિત કરવાનું છે. તમારી પાસે પણ મન છે. અમારી પાસે પણ મન છે. ફરક ક્યાં પડ્યો..? તમારી પાસે સંજ્ઞાવાસિત મન છે. અમારી પાસે આજ્ઞાવાસિત મન છે. ખાવાનું પણ કઈ રીતે વાપરવાનું…? પ્રભુએ કહ્યું છે એમ… ચાલવાનું, કઈ રીતે ચાલવાનું…? મારા પ્રભુએ કહ્યું છે એમ.. તો મેં પેલા ભાઈને કહ્યું કે આજ્ઞાવાસિત મન અઢી કલાક માટે તમારું થયું, પણ અડધી મિનિટ નું સંજ્ઞાવાસિત મન જીતી ગયું. એટલે conscious mind અને unconscious mind બેઉને સાફ કરવા પડશે. કારણ કે conscious mind ને સાફ કર્યું પણ unconscious mind માં કચરો એટલો છે પાછો આવી જવાનો.

માતાઓને તો એક અનુભવ હશે, ઘરમાં ભોયરું હોય, વરસાદ ખુબ પડ્યો હોય, આજુ બાજુમાં બધે પાણી ભરાયેલું હોય, તો ભોંયરામાં નીચેથી પાણી ફૂટશે. સાફ કરે ભોંયરું… સ્વચ્છ કરે, થોડીવારમાં પાછું પાણી ભરાઈ જશે. કેમ…? આજુબાજુ પાણી છે. એટલે લાદીને વીંધીને પાણીને આવતાં વાર નહિ લાગે. એમ conscious ને તમે સાફ કરશો પણ unconscious માં જે કચરો છે એ તો એમ ને એમ રહ્યો તો unconscious માંથી પાછું conscious માં આવી જશે. એટલે જ હું વારંવાર કહું છું. તમે તમારી સાધના ને ક્યાં મૂકી? Conscious mind સુધી. સાંભળ્યું તો કાનનો ઉપયોગ થયો. ક્રિયા કરી શરીરનો ઉપયોગ થયો. બહુ બહુ તો વાચનાના પદાર્થોને સહેજ અનુપ્રેક્ષામાં લીધા, તો conscious mind નો ઉપયોગ કર્યો. તો સાધના ક્યાં સુધી ગઈ…? શરીર સુધી, conscious mind સુધી… unconscious તો એમનેમ રહ્યું. એનો કચરો એમનેમ રહ્યો. એટલે એ unconscious નો કચરો સાફ ન થાય ત્યાં સુધી શું થાય…

હું ઘણીવાર કહું છું- દુશ્મન જ્યાં હોય, ત્યાં ગોળી લાગવી જોઈએ, દુશ્મન બંકરમાં હોય અને કોઈ સૈનિક બહાર ભડાકા કરે તો શું થાય..! રાગ – દ્વેષ ક્યાં છે? અસ્તિત્વના સ્તર પર – unconscious mind માં, અને તમે સાધના ક્યાં લઇ ગયા…? માત્ર conscious mind માં… તો પ્રભુનું દર્શન કર્યું? પણ કોને કર્યું…?

ચાલો અતિત અનંતમાં સમવસરણમાં દર્શન થયું પણ પ્રભુનો ઉદાસીનભાવ દેખાયો નહિ, હવે પ્રભુનું દર્શન એવી રીતે કરો કે પ્રભુનો ઉદાસીનભાવ દેખાય. સોનાની આંગી હોય, હીરાનો મુગટ હોય પ્રભુની મુદ્રા સહેજે બદલાતી નથી હો…તમે તો કોઈ સારું કામ કર્યું હોય ને એક ફૂલનો હાર પહેરાવે ને તો ય તમારું મોઢું બદલાઈ જાય.

રમણ મહર્ષિને કોકે પૂછેલું કે લોકો જ્યાં જાવ ત્યાં ફૂલોના હારથી તમને લાદી દે છે. તો એ વખતે તમારી feeling શું હોય…? મહર્ષિ કહે છે, કે ભગવાનની રથયાત્રા હોય, અને ભગવાનના રથને આપણે બળદ જોડીએ, હવે બળદ પણ એ દિવસે પવિત્ર થઇ જાય. તો એને પણ ફૂલના હારથી આપણે લાદી દઈએ… પણ બળદ માટે વજન વધે એથી બીજું કંઈ થાય નહિ.

ભગવદ્ ગીતાએ કહ્યું ‘તુલ્ય નિંદા, સ્તુતિ: મૌનમ્’ “તુલ્ય નિંદા સ્તુતિ:” નિંદા હોય કે સ્તુતિ હોય કોઈ ફરક નથી. સુરેશ દલાલને જયા મહેતા એ પૂછેલું કે તમે જ્યાં જાવ છો, ત્યાં તમારા autograph માટે પડાપડી થાય છે, લોકો તમારો સત્કાર કરે છે, એ વખતે તમારી feeling શું હોય…? સુરેશ દલાલે સ્પષ્ટ જવાબ આપ્યો, હું સંત નથી કે  એવો દાવો કરું કે મને અહંકાર નથી થતો પણ આ ઘટના એવી હોય છે કે નળ નીચે બેઠા ને પાણી વહ્યા કરતું હોય. એમ આ રોજની ઘટના થઇ ગઈ એટલે લાંબી અસર થતી નથી. પરની દુનિયામાં શેની અસર કરો તમે…? અસર ઉભી કરવાની સ્વની દુનિયામાં જ છે.

તો પ્રભુને જોઇને સ્વમાં જવું છે. પ્રભુનું દર્શન શેના માટે…? પ્રભુ જેવા થવા માટે… ઓછો સોદો નથી…! પ્રભુ તારા જેવો તું મને બનાવી આપ. He is ever ready. પ્રભુ તૈયાર છે. તો “તીર્થંકર પદવી પ્રધાન, ગુણ અનંત કો માનું સ્થાન, કુણ વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે” તો હવે એ જે ઉદાસીનદશા છે પ્રભુની, તમે જોઈ, હવે વિચાર એ કરો કે એ જ ઉદાસીનદશા મારી ભીતર છે. પ્રભુમાં જેટલા ગુણો છે એટલા મારામાં અને તમારામાં છે. પ્રભુમાં પ્રગટ છે આપણામાં ઢંકાયેલા છે. ફરક આટલો જ છે. આપણી અંદર જ છે. કેવલજ્ઞાન આપણને થશે ત્યારે કેવલજ્ઞાન બહારથી આવવાનું નથી. અંદર જ છે.

તો એ ઉદાસીનદશાનો વિચાર કરો. કે મારી અંદર જ એ ઉદાસીનદશા છે. તો મારી અંદર જે છે એનો અનુભવ હું શા માટે ન કરું…! તો હવે આ સવાલ થશે. વિચાર સુધી તમે જવાના કે પ્રભુમાં ઉદાસીનદશા છે. મારામાં પણ છે. અનુભૂતિ સુધી જવું છે. અનુભૂતિ સુધી ક્યારે જવાય…? એના માટે શું કરવું પડે…? નિર્વિકલ્પ દશામાં જવું પડે. સૌથી મોટી તકલીફ – વિચારો પરનું  તમારું નિયંત્રણ નથી એ જ છે. વિચારો – તમારું મન અનંત સમયથી પરની અંદર ઘૂમતું આવ્યું છે. તો એ Computer માં પ્રોગ્રામ જ ખોટો feed થયેલો છે તો computer એ જ રીતે ચાલવાનું છે પછી. એટલે મન સતત તમને પરના વિચારોમાં લઇ જશે. આ આવો.. ને આ આવો… અરે! ભાઈ! તને કોણે જજ બનાવ્યો છે…? તું કહે છે, આ માણસ આવો… આ માણસ આવો… આ બહેન આવા.. અરે! પણ તને કોણે જજ બનાવ્યો…?

ભગવાને તને કહ્યું છે?! ખાલી એક નાનકડી સ્પર્ધા હોય ને ગરબા સ્પર્ધા… એના પર નિર્ણાયક નક્કી થયેલા હોય ને એ જ નિર્ણય આપી શકે કે આ first નંબર ઉપર… બીજા કોઈ નંબર આપી શકે..? તો તમે બધાને નંબર આપવા મંડી પડ્યા. પણ તમને કોણે નિર્ણાયક તરીકે બનાવ્યા?

તો વિચારો તમને પરમાં લઇ જાય છે. એ વિચારો નું નિયંત્રણ થઇ શકે તો સ્વમાં જવું આસન છે. એટલે આપણે જે સાધના પદ્ધતિ કરીએ છીએ એ એ જ છે કે પહેલા આપણે ભાવ પ્રાણાયામ કરશું. એટલે સમભાવના આંદોલનોને લઈશું. કારણ કે આપણી આજુબાજુમાં positive ઉર્જા અને negative ઉર્જા બેઉ છે. તમે મનની અંદર જેવું suggestion આપો એવી ઉર્જા પકડાય. તમે એકદમ સવારે ઉઠ્યા, અકારણ ખુશખુશાલ છો, તો પ્રસન્નતાના આંદોલનો પકડવાના. ને તમે ઉઠ્યા ને તમે નાખુશ છો તો અપ્રસન્નતાના આંદોલનો ઝીલાવાના.

એ પછી બીજા ચરણમાં ભાષ્ય જાપ કરીએ એટલે ધ્વની ના આંદોલનો આ હોલને એક સાધના હોલમાં convert કરે. એ પછી ત્રીજા ચરણમાં મનને એકાગ્ર કરવાની આપણે કોશિશ કરીએ છીએ. કે મન સતત પરમાં જઈ રહ્યું છે એ મનને એક પદમાં સ્થિર કરવું અને એક પદમાં જે મન સ્થિર થયું એ સ્વમાં સ્થિર કેમ ન રહે!? એટલે ચોથા ચરણે આપણે સ્વમાં એને સ્થિર કરીએ છીએ.

તો practical શરૂ…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *