Parapruchha

18 Views

પરાપૃચ્છા

❓ પ્રશ્ન : સર્વ આત્માઓ પર નિરપેક્ષ પ્રેમ / ચાહત થાય એ માટે શું વિચારવું જોઈએ?

💫 ઉત્તર : ચાહત જ્યારે વ્યાપક બને છે ત્યારે તેમાંથી અપેક્ષા નીકળી જાય છે. અપેક્ષાના કિનારાથી મુક્ત ચાહતની નદી ફેલાયા જ કરે છે, ફેલાયા જ કરે છે. કિનારા જ તો નદીના વ્યાપને રોકતા હતા ને!

—•—

પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર પણ ચાહતની નદીને સમંદરમાં ફેરવશે.

પ્રભુએ કહ્યું છે : “सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्” (દશવૈકાલિક સૂત્ર, હારિભદ્રી ટીકા). સર્વ આત્માઓ પ્રત્યેનો મૈત્રીભાવનો પરિણામ તે જ સાધુત્વ.

થાય કે, મારા પ્રભુ સ્નેહને આટલો ફેલાવવાનો કહે છે, તો એ બાજુ હું ડગ ભરું.

અને, ભક્તે તો ડગ જ ભરવાના છે. પછીની યાત્રા તો પ્રભુ પોતે જ કરાવરાવે છે.

—•—

ભગવદ્દગીતામાં બે પરસ્પર વિરોધી લાગે તેવાં સૂત્રો આવે છે :
उद्धरेदात्मनात्मानं।
(પોતાની જાતે જ પોતાનો ઉદ્ધાર સાધક કરે.)

અને

तेषामहं समुद्धर्ता।
(ભક્તોનો ઉદ્ધાર કરનાર હું છું.)

વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞા અહીં સરસ રીતે સમાધાન આપે છે : પહેલાં ભક્તે સંકલ્પ કરવો જોઈએ કે પોતે ભીતરી યાત્રા કરશે… આ સંકલ્પ – તીવ્ર ઝંખના સુધી ભક્ત / સાધકનું કર્તૃત્વ છે અને એટલે કહ્યું : उद्धरेदात्मनात्मानं। પછીનું કર્તૃત્વ પ્રભુનું છે : तेषामहं समुद्धर्ता।

તો, મૈત્રીભાવના વિસ્તાર માટે પ્રથમ જોઈશે સાધકની ઈચ્છા, તીવ્ર ઝંખના અને પછી પ્રભુની કૃપા.

✨ ✨ ✨ ✨ ✨

❓ પ્રશ્ન : સાક્ષીભાવ એટલે શું?

💫 ઉત્તર : સાક્ષી બનવું એટલે માત્ર જોનાર બનવું. ઘટનાઓ ઘટી રહી છે; તમે માત્ર એ જુઓ છો; તમને એની અસર નથી થતી; તો સાક્ષીભાવ.

ધારો કે, દૂર પર્વત પર આગ લાગી છે, 25 કિ. મી. દૂરથી – નીચેના કોઈ ગામથી – તમે એને જુઓ છો; તો એ આગની ગરમી તમે અનુભવતા નથી. પણ બાજુમાં જ સગડી હોય તો…?

માત્ર આગ દેખાય છે ત્યાં સાક્ષીભાવ છે. પણ ઘટનાની અસર થઇ, ત્યાં સાક્ષીભાવ ખંડિત થઇ જાય છે. ઘટનાને કારણે રાગ, દ્વેષ થયા તો સાક્ષીભાવ ગયો.

—•—

ભક્તના લયમાં, સાક્ષીભાવ એટલે પ્રભુ-પ્રભાવિતતા. મયણા સુંદરી આ પ્રભુ-પ્રભાવિતતા / પ્રભુવચન-પ્રભાવિતતા હતી. શ્રીપાળ કુમાર જોડે લગ્નબંધનથી બંધાવા તેઓ જઈ રહ્યાં છે, ત્યારે પરિસ્થિતિ કેવી તો અકળાવનારી હતી!

શ્રીપાળ રાસના રચયિતા મહર્ષિ મયણા સુંદરીના તે વખતના ચહેરા પર અને હૃદય પર શબ્દોનો કૅમેરો ફેરવી મઝાની છબી આલેખે છે : ‘મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ…’

મયણાના મુખની એક રેખામાં પણ ગ્લાનિ દેખાતી નથી. એના હૃદયમાં સહેજ પણ વિષાદ નથી…

કારણ શું?

રાસકાર મહર્ષિના શબ્દો છે; જે મયણાજીના ભાવોને સ્પષ્ટ કરે છે : ‘ જ્ઞાનીનું દીઠું હુવે રે…’

જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે જોયું છે, તે જ થઇ રહ્યું છે. તો પછી તેમાં વિષાદ શાનો?

—•—

આજે સાંજે છ વાગે કઈ ઘટના તમારા જીવનમાં ઘટવાની છે, એ તમને ભલે ખબર નથી. પરંતુ અનંત કેવળજ્ઞાની ભગવંતોએ તો પોતાના જ્ઞાનમાં એ જોયેલ છે.

હવે અનંત જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં દેખેલ ઘટના ઘટશે, ત્યારે તમે ઘટના સામે લડશો કે ઘટનાને સ્વીકારશો?

કદાચ અપ્રિય ઘટના ઘટી છે, પણ એનો અસ્વીકાર થાય તો અનંત કેવળજ્ઞાની ભગવંતોના જ્ઞાનને આપણે ન સ્વીકાર્યું એમ જ કહેવાય ને?

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *