આંતરયાત્રા
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
ભીતર ઊતરવાનો એક ક્રમ આવો છે ઃ
સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા, અનુભૂતિ.
અર્થાનુપ્રેક્ષા અનુભૂતિનું દ્વાર બની રહેવું જોઈએ. અનુભૂતિ માટેના માર્ગોની જ તેમાં વિચારણા થશે.
પિસ્તાલીસ આગમ ગ્રંથોમાં રહેલી ભાગવતી આજ્ઞાનો સાર, નિચોડ પૂજ્યપાદ મહોપાધ્યાયજી યશોવિજય મહારાજાએ “શ્રીપાળ રાસ’માં શબ્દબદ્ધ કર્યો.
આગમ-નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે;
આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે…
આ સૂત્રની શબ્દાનુપ્રેક્ષા તો સ્પષ્ટ જ છે ઃ
આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં ન જવું.
અર્થાનુપ્રેક્ષામાં સૂત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે
કાર્ય-કારણભાવ સૌ પ્રથમ સમજાશે.
પરભાવમાં ન જવું એ સાધન છે.
સ્વભાવમાં સ્થિર થવું તે સાધ્ય છે.
થોડુંક આગળ વધીએઃ, “પરભાવમાં ન જવું’ એમ કહ્યું છે. પરદ્રવ્યોનો ઉપયોગ, સાધનામાર્ગમાં ઉપયોગી હોય તે રીતે થઈ શકશે.
હું ઘણીવાર કહેતો હોઉં છું ઃ પ્રભુ કહે છે કે, બેટા! રોટલી-દાળનો ઉપયોગ તું કરી શકે છે, પણ રોટલી-દાળમાં ઉપયોગ (રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે) તું નથી રાખી શકતો.
એવા સાધકો આજે છે, જેમને દિવસમાં પાંચ વાર ભોજન આપો તો ય જમી લે છે… અને પાંચ દિવસ ભોજન ન અપાય તો ખ્યાલ સુદ્ધાં નથી હોતો કે નથી ખાધું.
“સમાધિશતક’માં મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ આવા સાધકની દશાને વર્ણવતાં કહે છે ઃ
“દેખે ભાખે આૈર કરે, જ્ઞાની સબ હી અચંભ;
વ્યવહારે વ્યવહાર સું, નિશ્ચય મેં થિર થંભ…’
ભીતર ડૂબેલ કોઈ સાધક પાસે ભક્તો આવતા હોય… પણ એ પોતાની દશામાં જ મગ્ન હોય… ક્યારેક એવા સાધકને એમનો અનુયાયી કહે કે, સાહેબ! ભક્તો આવ્યા હોય ત્યારે આપ એમની સામે જૂઓ, કંઈક બે-ચાર શબ્દો એમની સાથે બોલો તો સારું લાગે.
અને ત્યારે, પૂજ્ય જંબૂવિજય મહારાજ જેવા કોઈ સાધક કહી ઊઠે ઃ અચ્છા, આવું કરવું પડે? તો ચાલો, કરી લઈએ. થોડુંક બોલી દઈએ. વાસક્ષેપ આપી દઈએ, આવું કરવું પડે તો કરી લઈએ… “વ્યવહારે વ્યવહાર સું, નિશ્ચય મેં થિર થંભ…’ પણ એ વખતે ય એ સાધક નિશ્ચય દશામાં ગરકાવ હોય છે. આ બધું ય ચાલ્યા કરે અને આત્મભાવમાં રમવાનું ય ચાલ્યા કરે. તો, પરભાવમાં ન જવું એ સાધન થયું. આત્મભાવમાં જવું તે સાધ્ય.
પરભાવમાં ન જવાય એ માટે જોઈશે પ્રબળ જાગૃતિ.
ભીતરનો આનંદ જ્યારે બળુકો થઈને પ્રગટેલ હોય ત્યારે તો આ જાગૃતિ અલગ જ હોય છે પણ પ્રારંભ દશામાં પણ એ એવી તો જોઈએ જ કે પરદ્રવ્યોનો ઉપયોગ થયા કરે ત્યારે ય રાગ-દ્વેષની ધારામાં ન જવાય.
જાગૃતિ એ હશે કે પરદ્રવ્યો એ રીતે પસંદ કરાય કે એમાં રાગાદિના પ્રવેશને અવકાશ ઓછો રહે. જેમ કે રોટલી-દાળનું ભોજન, સાદાં સફેદ વસ્ત્રો.
અર્થાનુપ્રેક્ષા, આ જાગૃતિ અનુભૂતિમાં ઢળશે… પછી હશે માત્ર આત્મભાવ… બહાર જેવું કંઈ હશે જ નહીં… પરભાવ ગયો ને!
સંત નિસર્ગદત્તજીને એક મુમુક્ષુએ પૂછેલું ઃ “અમે બહાર છીએ. આપ ભીતર છો. બહારથી અંદર આવવાનો માર્ગ બતાવો ને!’
સંતે કહેલું ઃ “બહાર જેવું કંઈ છે જ નહીં. માર્ગની વાત ક્યાં કરો છો?’
અંંતઃપ્રવિષ્ટ સાધકની આ મઝાની દશા…
સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા… અને લો અનુભૂતિ આ રહી!
PARAVANI ANK 01