યાત્રા : સ્વરૂપદશા ભણીની
ભક્તિયોગાચાર્ય શ્રીમદ્ વિજય યશોવિજયસૂરિ મ.સા.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે પરમતારક સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં સ્વરૂપબોધથી સ્વરૂપપ્રાપ્તિ સુધીની એક હૃદયંગમ સાધનાની વાત કરી છે.
મોહાદિકની ઘૂમિ અનાદિની ઊતરે હો લાલ,
અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ;
તત્ત્વરમણ શુચિધ્યાન ભણી જે આદરે હો લાલ,
તે સમતા રસ ધામ સ્વામી મુદ્રા વરે હો લાલ…
સ્વરૂપ બોધ, સ્વરૂપ રમણતા, સ્વરૂપ ધ્યાન, સ્વરૂપ પ્રાપ્તિ..
ક્રમશ: ચારે ચરણોને જોઈએ.
પહેલું ચરણ : સ્વરૂપ બોધ.
હું કેવો છું? “અમલ અખંડ અલિપ્ત.’ હું નિર્મલ છું. હું અખંડાકાર ઉપયોગ રૂપ છું. હું અલિપ્ત છું. આ થયો સ્વરૂપ બોધ. મોહનીયના ક્ષયોપશમથી આ બોધ થાય.
આનંદ સ્વરૂપ, પરના સંગથી અલિપ્ત એવું આત્મદ્રવ્ય હું છું.
“હું આનંદઘન ચૈતન્ય છું’ આવો માત્ર શાબ્દિક બોધ તમને શરીરની ભૂમિકા સાથે જ જકડી રાખે છે કે અહંકારની ભૂમિકા સાથે.
ઘણા આધ્યાત્મિક ગ્રન્થોનો સ્વાધ્યાય કરનાર સાધકને કોઈ કહે કે તમે તો બહુ જ્ઞાની છો; અને સાધકની ભીતર અહંકાર ઊછળે તો એણે માનવું પડે કે એની પાસે માત્ર જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. મોહનીયનો નહિ.
હું નાનો હતો ત્યારની એક ઘટના, આજે મને યાદ આવે છે, પરમ પાવન પાલીતાણામાં, પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં, ચાતુર્માસ.
એ વખતે ગિરિવિહાર ધર્મશાળામાં બપોરે પૂજ્ય પંન્યાસજી ભગવંત અભયસાગરજી મહારાજની વાચનાઓ ચાલતી… હું સાંભળવા જતો. તેઓશ્રી વારંવાર કહેતા : સાધનામાર્ગમાં આગળ જવા માટે મોહનીયનો ક્ષયોપશમ જરૂરી છે.
તેઓશ્રી એક ઉદાહરણ આપતા : એક સાધકે કલાકમાં પચાસ ગાથા કરી. પણ પછી મેં પચાસ ગાથા કરી તેનો અહંકાર આવે તો એણે શું કર્યુ? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો કર્યો; પણ મોહનીયનો ઉદય કર્યો. આમાં એને શું મળ્યું?
મોહનીયના ક્ષયોપશમથી આત્મબોધ થાય.. રાગદ્વેષથી પર (અમલ), અખંડ અને કર્મથી અલિપ્ત હું છું.
અષ્ટાવક્ર ઋષિ યાદ આવે : ” ‘न ते सङ्गोऽस्ति केनापि…’ ‘ આત્મન્! તને કશાનો સંગ છે જ નહિ. તું અસંગ છે. રાગ-દ્વેષ પણ તારું સ્વરૂપ ક્યાં છે?
સાધકે એક શબ્દના ફેરફાર સાથે આ સાધનાસૂત્રને ઘૂંટવું જોઈએ : ‘न मे सङ्गोऽस्ति केनापि…’ ‘ હું અસંગ છું. હું અમલ છું તો અસંગ જ છું ને! રાગ-દ્વેષના વિભાવથી હું દૂર છું.
આછીસી આવી અનુભૂતિ તે આત્મબોધ. પહેલું ચરણ.
બીજું ચરણ : સ્વરૂપ રમણતા.
આછીસી અનુભૂતિ હવે ઘેરી બને છે.
શુદ્ધ સ્વરૂપ દશામાં રહેવાનું થયા કરે છે. એવી દશા હોય છે અહીં કે ક્યારેક ખવાઈ જવાય. ક્યારેક કો’ક યાદ કરાવે તો. નહિતર, ખ્યાલ પણ ન રહે કે ખાવાનું બાકી છે.
ભીતરનો આનંદ અહીં એવો તો અદ્ભુત હોય છે કે બહાર અવાતું નથી. એ સાધકને હવે બાહ્યજગત જોડે સંબંધ રહેતો નથી.
આવા સાધક માટે બાહ્યજગત હોતું જ નથી.
સંત નિસર્ગદત્તજીને પુછાયેલું કે તમે અંદર છો. અમે બહાર છીએ. તો બહારથી અંદર આવવાનો માર્ગ કયો?
એમણે કહ્યું : બહાર જેવું કંઈ છે જ નહિ, માર્ગની વાત ક્યાં કરો છો?
સ્વરૂપ રમણી સાધકની આ મઝાની દશા હોય છે.
ઠીક છે, કોઈક કહે કે આ રીતે કરવું પડે તો એ કરી પણ લે છે. પણ એ કૃત્ય જોડે એનો સંબંધ રચાતો નથી.
“સમાધિશતક’ કહે છે :
આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ;
ઈન્દ્રજાળ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ…
સ્વરૂપ રમણી સાધકને આ બધી બાહ્ય જગતની ક્રિયાઓ ખેલ જેવી લાગે છે.
બહાર જવાનું કોઈ પ્રયોજન ન રહ્યું.
પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે : “આત્મવિભૂતે પરિણમ્યો, ન કરે તે પર સંગ હો.’ જે સાધક આન્તરવૈભવ વડે પરિપૂર્ણ બનેલ છે, તે પરનો સંગ ન જ કરે ને!
તમે સ્વયંસંપૂર્ણ છો, તો પરની જરૂરત ક્યાં છે?
સ્વરૂપ રમણતા.
તાત્ત્વિક/નિશ્ચય ચારિત્રની આ ભૂમિકા છે.
ત્રીજું ચરણ : સ્વરૂપધ્યાન
રમણતા પછી ધ્યાન.
ધ્યાન એટલે તન્મયતા.
સ્વરૂપ અથવા સ્વગુણમાં તન્મયતા.
હવે સાધક બહુ જ ઊંડે પહોંચી ગયો છે. વીતરાગદશા આદિની તે અનુભૂતિ કરી રહ્યો છે. તેની ધ્યાનની ધારા ધર્મધ્યાનથી શુક્લધ્યાન તરફ જાય છે.
સ્વરૂપમાં ડૂબવાના આ આનંદને સાધક કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકે?
રામકૃષ્ણ પરમહંસ કહેતા : મીઠાની પૂતળી દરિયામાં ઊતરી; પાણીનું માપ લેવા; હવે બહાર કોણ આવશે?
જે પ્રગાઢ ધ્યાન દશામાં છે, તે તો ભીતર જ છે. બહારની દુનિયાવાળાને એ સમાચાર કઈ રીતે આપે?
અને કદાચ કોઈ ધ્યાનની દુનિયાની અંદરની દુનિયાની વાત કરવાની કોશિશ કરે, તોય કયા શબ્દોમાં કરે?
સંયોગ-વિયોગજન્ય રતિ કે અરતિમાં ડૂબેલ માણસને અસંયોગ-જન્ય પરમ આનંદની વાત એ કઈ રીતે કરે?
કશું કરવાનું નહિ, માત્ર ભીતર ડૂબો અને આનંદ મળે આ વાત સામાન્ય જનને પલ્લે કેમ પડે? “પરમ અક્રિયતા અમૃત પીધું…’ આ વાત ભીતરી આનંદના અનુભવ વિના કેમ સમજાય?
ચોથું ચરણ : સ્વરૂપ દશાની પ્રાપ્તિ.
તીર્થંકર ભગવંતો, કેવળી ભગવંતો અને સિદ્ધ ભગવંતો પાસે આ સ્વરૂપ દશાની પરાકાષ્ઠા હોય છે. કેવી હોય છે એ પરાકાષ્ઠા?
તુમે પ્રભુ જાણંગ રીતિ સર્વ જગ દેખતા હો લાલ,
નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા હો લાલ,
પરપરિણતિ અદ્વેષપણે ઉવેખતા હો લાલ;
ભોગ્યપણે નિજશક્તિ અનંત ગવેષતા હો લાલ.
- સુવિધિજિન સ્તવના (પૂ. દેવચંદ્રજી)
ત્યાં છે સર્વ જગત પ્રત્યે જ્ઞાતાભાવ. ચૈતન્ય માત્રમાં જ્ઞાન, આનંદ આદિ ગુણોની પૂર્ણતાનું દર્શન. કર્મના ઉદયે સંસારી આત્માઓમાં રહેલ કામ-ક્રોધાદિનું અદ્વેષપૂર્ણ નિરીક્ષણ અને સ્વરૂપ અને સ્વગુણનું ભોક્તૃત્વ.
આનંદ જ આનંદ ત્યાં છે.
એક અખંડ લય સ્વરુપસ્થિતિનો અનંત સમય સુધી ચાલ્યા જ કરશે. ચાલ્યા જ કરશે.