Hu Hu Na Hou, Toh Shu Hou?

7 Views

‘હું હું ન હોઉં, તો શું હોઉં?’
Paravani Ank – 03

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

બૌદ્ધ ભિક્ષુની આંખમાં આંસુ હતાં.

ભક્તે પૂછ્યું : ગુરુજી, આંખો ભીની કેમ છે?

ભિક્ષુ કહે છે : સાંજે બુદ્ધ ભગવાન પાસે વંદન માટે જઈશ અને ત્યારે કદાચ ભગવાન પૂછશે કે તું આનંદ જેવો જ્ઞાની કે મુદ્ગલાયન જેવો પરમ વિરાગી ભિક્ષુ કેમ ન બન્યો? કદાચ હું પ્રભુને વિનમ્રતાથી કહી શકું કે પ્રભુ! તમે મને એવો ન બનાવ્યો માટે…

પણ જો તેઓ પૂછે કે તારું ચિત્ત સ્થિર કેમ નથી? તારું ચિત્ત ડામાડોળ કેમ છે? તો હું શું પ્રત્યુત્તર આપીશ? કારણ કે દીક્ષા વખતે પ્રભુએ મને નથિરચિત્તથ નામ આપેલું છે…

ભિક્ષુની વેદના આ હતી : ‘હું હું ન હોઉં તો શું હોઉં?’

આપણી પણ જો આ વેદના હોય તો સ્વાનુભૂતિ ભણીની યાત્રા શરૂ થઈ રહે.

સ્વાનુભૂતિ માટેનો એક મજાનો ક્રમ પૂજ્ય વિજય લક્ષ્મીસૂરિ મહારાજે નજ્ઞાનપંચમીથ પર્વના દેવવંદનમાં 

આપ્યો છે.

શબ્દથી શબ્દાતીતતા સુધીનો એ હૃદયંગમ માર્ગ છે.

મજાની વાત એ છે કે સામાન્ય સાધક જે ભૂમિકા પર છે, ત્યાંથી જ યાત્રાનો પ્રારંભ તેઓશ્રી સૂચવી રહ્યા છે.

વૈખરીથી પરા સુધીની એ મજાની યાત્રા…

•••

કડીઓ મજાની છે :

અનામીના નામનો રે, કિસ્યો વિશેષ કહેવાય?

એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય…

ધ્યાન ટાણે પ્રભુ! તું હોવે રે, અલખ અગોચર રૂપ,

પરા પશ્યંતી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપ…

•••

વૈખરી… પહેલો પડાવ.

અહીં શબ્દો છે… પણ માત્ર શબ્દો… અર્થનું ઊંડાણ નથી મળતું.

‘આત્મા’ શબ્દની વ્યુત્પત્તિ આ સ્તરે આવી કરશે સાધક : નતે તે વિભિન્ન પર્યાયોમાં જવા છતાં પણ જે પોતે નિત્ય છે, તે આત્મા છે. (अतति- गच्छति तांस्तान् पर्यायान् इति आत्मा)

શાબ્દિક રૂપે આ વાત સમજાવા છતાં મનગમતા પર્યાયોની ઉત્પત્તિ સમયે રતિભાવ અને અણગમતા પર્યાયો સામે આવે ત્યારે અરતિભાવ થઈ જાય છે.

પંક્તિ મજાની ખૂલે છે : ‘અનામીના નામનો રે, કિસ્યો વિશેષ કહેવાય? એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય…’

આત્મા છે અનામી.

તમે એને આત્મા કહો, ચૈતન્ય કહો કે બીજું કંઈક કહો એ તમારી દુનિયા તરફ ખૂલતી ઘટના છે. પેલી દુનિયા જોડે એને શું લાગે વળગે?

ત્યાં છે અશબ્દદશા. અનુભૂતિ.

•••

ગુરુએ શિષ્યને કહ્યું : મેં સાંભળ્યું છે કે તું આત્મતત્ત્વ પર સરસ બોલે છે. જરા મારી સામે બોલી બતાવ તો!

ગુરુની સમક્ષ બોલવાનું! છક્કા જ છૂટી જાય ને! પણ ગુરુની આજ્ઞા…

શિષ્યે દોઢ કલાક સુધી, અસ્ખલિત રીતે, ઘણા બધા ગ્રન્થોના ઉદાહરણોને ટાંકીને વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યું.

પણ આ તો ગુરુ હતા. એમને શિષ્ય પાસે માત્ર શબ્દોની ભૂમિકા જોઈતી નહોતી. એમને જોઈતી હતી અનુભૂતિ. ગુરુ શિષ્યના ચહેરા સામે જોતા હતા.

પ્રવચન પૂર્ણ થયું. ગુરુએ શિષ્યને કહ્યું : ભાખરીનાં ચિત્રોથી પેટ ન ભરાય. તારી પાસે તો ભાખરીનાં ચિત્રો જ છે. અનુભૂતિ ક્યાં છે?

•••

વૈખરી… શબ્દાળુતા… માત્ર શબ્દો… માત્ર શબ્દો…

મધ્યમા… બીજા પડાવે, વિચારો થોડાક વધુ ભળે છે શબ્દોમાં. મધ્યમામાં રહેલ સાધક આત્મદ્રવ્યની નિત્યતા અને પર્યાયોની અનિત્યતાને બૌદ્ધિક રીતે સમજી/સમજાવી શકે છે.

પણ, વિચારોથી ય શું થાય?

નિર્વિચાર દશાને તો માત્ર અનુભવી શકાય…

કઠોપનિષદ્ યાદ આવે : नायमात्मा प्रवचनेन लभ्यः , न बहुना श्रुतेन

ન શબ્દોથી આત્માનુભૂતિ થાય, ન વિચારોથી.

હા, શબ્દનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તમે શબ્દને અનુપ્રેક્ષામાં લઈ જઈ, એને ઘૂંટી અનુભૂતિમાં ફેરવી શકો.

એ રીતની ચર્ચા કડી કરે છે. 

‘ધ્યાન ટાણે પ્રભુ તું હોવે રે, અલખ અગોચર રૂપ; પરા પશ્યન્તી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપ…’

પશ્યન્તી અને પરાની ભૂમિકાએ ધ્યાનસ્થ મુનિવરો આત્માના અલક્ષ્ય-વિચારોને પેલે પારના અને અગોચર-વાણી દ્વારા, શબ્દ દ્વારા અવ્યાખ્યેય રૂપને અનુભવે છે.

•••

પશ્યન્તીમાં પણ આત્માનુભૂતિ છે. પરામાં પણ.

એમ માની શકાય કે પશ્યન્તીમાં આત્મગુણોની અનુભૂતિ અને પરામાં આત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે.

પ્રારંભિક સાધક માટે સ્વગુણોની અનુભૂતિ સરળ પડે છે.

સમત્વ, આનંદ, પ્રશમરસ આદિ આત્માના ગુણોની અનુભૂતિ પશ્યન્તીના લયમાં મળશે.

વિકલ્પોને સ્વિચ ઓફ કરતાં ફાવી ગયું કે તરત તમે તમારી ભીતર નિરંતર વહેતા સમત્વને અનુભવી શકશો.

ઝરણાને કાંઠે બેઠેલ વ્યક્તિ ઝરણાના મનોહર નાદને સાંભળી શકે. પણ એ જ સમયે કોઈ વરઘોડો ત્યાંથી પસાર થાય અને જોરથી ઢોલ-નગારા વાગતા હોય તો એ અવાજમાં પેલો નાદ સંભળાતો બંધ થઈ જાય છે. એ જ રીતે વિકલ્પોને કારણે ઉપયોગ પરમાં જાય છે અને ભીતરની લહેરોને માણવાનું ચુકાઈ જાય છે.

•••

પાવાપુરી તીર્થ (રાજસ્થાન)માં ચાતુર્માસ હતું અમારું. પર્યુષણા મહાપર્વ પછી મીરપુર તીર્થે જવાનું થયું. ચારે બાજુ આવેલ નયનરમ્ય પર્વતો દ્વારા ઘેરાયેલું એ તીર્થસ્થળ અદ્ભુત છે.

પૂરો દિવસ પ્રભુભક્તિમાં ગયો.

રાત્રે ‘સંથારા પોરિસી’ પછી હું સૂવાની તૈયારી કરું છું, ત્યાં જ અત્યંત મધુર નિનાદ મારા કાન પર અથડાયો… મઝાની, લયબદ્ધ સંગીતની અનુભૂતિ થવા લાગી. થોડીવારમાં એ લયબદ્ધતા જેવી ભીતરી લયબદ્ધતા પેદા થઈ.. આપણી પરંપરા આને નાદાનુસંધાનની પ્રક્રિયા કહે છે. બહારના નાદથી ભીતરના નાદનું પ્રગટવું.

કલાકો સુધી એ અનુભૂતિ ચાલી…

સવારે પાંચ વાગ્યે પેલો બહારનો નાદ સંભળાતો બંધ થયો.

મેં સવારે તીર્થના મેનેજરને પૂછ્યું : રાત્રે શેનો અવાજ સંભળાતો હતો? એમણે કહ્યું, આ વર્ષે વરસાદ બહુ પડ્યો છે. પર્વતોની ચોટી પર ભરાયેલ પાણી સતત ટપક્યા કરે છે, એનો એ અવાજ હતો…

મેં ફરી પૂછ્યું : સવારે એ અવાજ સંભળાતો બંધ કેમ થયો?

એ કહે : સાહેબજી, જંગલ બોલતું થયું એટલે એ અવાજ દબાઈ ગયો.

મેં મનમાં કહ્યું : અમારે ય આવું જ છે ને! વિકલ્પો બોલકા થઈ ઊઠે, એટલે ભીતરી નાદ તરફનું અનુસંધાન હટી જાય!

•••

જે મહાપુરુષોએ ભીતરી નાદ-અનાહત નાદ સાંભળેલો, એમણે જ એના સમાન નાદને બહાર શોધ્યો. પરિણામે, ઘંટનો મંદિરમાં પ્રવેશ થયો.

ઘંટનું પેન્ડુલમ એની દિવાલ સાથે ટકરાય છે ત્યારે જે અવાજ થાય છે એ નહિ પણ પેન્ડુલમ વચ્ચે આવી જાય અને પછી ‘રમ્ – રમ્ – મ્’ – જેવો જે ધ્વનિ સંભળાય છે, એના પર ધ્યાન જો બરોબર જાય તો નાદાનુસંધાન ચાલુ થઈ જાય.

હિન્દુ પરંપરા ‘ૐ’ ના નાદને વિશ્વવ્યાપી ગણે છે. એમાં પણ છેલ્લે જે ‘મ…’ નો ધ્વનિ થાય છે, તે નાદાનુસંધાનને જન્માવી શકે. (બિન્દુને લંબાવીએ તે નાદ…)

•••

જો કે, અનાહત નાદ પણ ધ્વનિરૂપ હોવાથી પૌદ્ગલિક સંઘટના છે અને એથી, સાધકે એને પણ પેલે પાર જવાનું હોય છે.

•••

સમત્વ આપણો ગુણ છે.

રાગ, દ્વેષ, અહંકાર વિભાવ છે.

વિકલ્પો દ્વારા મન જે ક્ષણે રાગ આદિનો અનુભવ કરતું હોય, એ ક્ષણે સમત્વનો અનુભવ કઈ રીતે થઈ શકે?

નિર્વિકલ્પ દશાને પુષ્ટ બનાવવા માટે એક નાનકડો પ્રયોગ કરો. દશ મિનિટ શાન્ત ચિત્તે બેસી રહેવું. વિચાર આવે તો એનેય જોવાનો. વિચારમાં ભળવાનું નહિ.

બને તો, દિવસમાં 3-4 વાર એ પ્રયોગ કરો. સતત છ મહિના આ અભ્યાસ ઘૂંટાય તો વિકલ્પો પર તમારું નિયંત્રણ સ્થપાઈ શકે.

•••

પશ્યન્તીના લયમાં સ્વગુણાનુભૂતિ, પરાના લયમાં સ્વરૂપાનુભૂતિ.

આપણું સ્વરૂપ કેવું છે?

નિર્મળ, અખંડ…

નિર્મળ ચેતના છે આપણી. રાગ-દ્વેષથી વિમુક્ત. એ દશાનો અનુભવ કરવો છે… તમે છો શાન્ત, શાન્ત, શાન્ત…

તમારા નિર્મળ સ્વરૂપની એક ઝલક તમે મેળવી શકો.

અખંડાકાર ચેતના છે તમારી. સ્વના ઉપયોગમાં જ સતત રહેનારી…

•••

લેખના પ્રારંભમાં ટાંકેલ બૌદ્ધ ભિક્ષુની કેફિયતને ફરીથી જોઈએ. ‘હું હું ન હોઉં તો શું હોઉં?’

એક ચુભન.. વેદના…

આપણી આવી જ વેદના આપણને સ્વાનુભૂતિના યાત્રાપથે મોકલશે.

•••

વાણીના ચાર પ્રકાર રૂપે આલેખાતા વૈખરીથી પરા સુધીના ક્રમને અનુભૂતિવાન સદ્ગુરુએ અહીં શબ્દથી અનુભૂતિના સ્તર ભણી લંબાવ્યો છે.

અનુભૂતિવાન સદ્ગુરુનાં ચરણોમાં વંદન.

PARAVANI ANK 03

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : ચોથા પંચસૂત્રમાં આવેલ એક નાનકડા સૂત્રખંડ – आयओ गुरुबहुमाणो – ને આપ વાચનામાં ઘણી વાર દોહરાવો છો. બે જ શબ્દોના એ મજાના સૂત્રખંડનું ઊંડાણ સમજાવશો તો આનંદ થશે.

પ્રશ્નકર્તા : મુનિ નિર્મલયશવિજય

ઉત્તર : आयओ गुरुबहुमाणो… સૂત્રખંડનો અર્થ : ગુરુ બહુમાન એ જ મોક્ષ.

ધીરે ધીરે એ સૂત્રખંડમાં ઊતરીએ.

1) પહેલી વાત તો એ છે કે બહુમાનભાવ અહંકાર ભાવને તોડે છે અને આ બહુ જ મહત્ત્વપૂર્ણ વાત છે.

સાધનામાર્ગમાં જતાં ત્રણ અવરોધો નડે છે : રાગ, દ્વેષ, અહંકાર. એમાં પણ અહંકાર મુખ્ય અવરોધ છે. હું ને જ્યાં ગમો થાય છે ત્યાં રાગ.. નહુંપ ને અણગમો થાય ત્યાં દ્વેષ.

આ અહંકારને કઈ રીતે શિથિલ કરવો? એ માટે બહુમાનભાવની વાત કરી અહીં.

2) નમસ્કાર મહામંત્રનું ‘નમો’ પદ પણ આ માટે જ છે. નમો,નમો, નમો… તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ.

‘નમો સિદ્ધાણં’ ભાવથી બોલતાં એવી મનઃસ્થિતિ જરૂર મળે જ્યારે કોઈની જોડે તમને અપ્રીતિ ન હોય. દેખાતા બધાય આત્માઓ ભવિષ્યના સિદ્ધ ભગવંતો જ છે ને!

નમસ્કાર મહામંત્રનો જાપ ખૂબ કરો, ખૂબ કરો, પણ એ સમયે જોતાં જાવ કે તમારું ઝૂકવું ઘટિત થયું?

3) આ ઝૂકવું ખરેખર કેવું હોય છે એ આ ઘટના વાંચીને તમે જાણી શકશો.

જાપાનનો સમ્રાટ.

ગુરુદેવના ચરણમાં આવ્યો… ઝૂક્યો…

ગુરુએ પૂછ્યું : તું બહારથી ઝૂકેલો કે ભીતરથી?

વિનીત સમ્રાટ કહે છે : ગુરુદેવ! એ તો આપ જ કહી શકો… હું તો છું સાવ અજ્ઞાની.

ગુરુએ કહ્યું : એક કામ કર. અહીંથી નીકળી પગપાળા, તારા રાજમહેલને આંટો દઈ ફરી અહીં આવ. ખુલ્લાં પગે જવાનું છે. જુત્તાં ને હાથમાં રાખી કપાળે તે કૂટતાં કૂટતાં જવાનું છે.

રાજાએ એ પ્રમાણે ચાલવાનું શરૂ કર્યુ. ચારેક કિલોમીટરનો પ્રવાસ હતો. મંત્રીઓ દોડતા આવ્યા : મહારાજ! રથમાં બેસો.. આપને ક્યાં જવું છે? ખુલ્લા પગે… ના, ના… મહારાજ, રથમાં બેસી જાવ.

રાજા કશું સાંભળતા નથી. દોડ્યે જાય છે. નાનાં છોકરાં બૂમો મારતા : રાજા ગાંડો થઈ ગયો!

ગુરુ પાસે રાજા આવ્યો. જુત્તાં કપાળે કૂટવાથી કપાળ લોહી-લોહી થઈ ગયેલું. સમ્રાટ ગુરુનાં ચરણોમાં ઝૂક્યો… ગુરુદેવ! આપે કૃપા કરી. ખરેખર ઝૂકવું એટલે શું તે આપે સમજાવ્યું… હું આપે કહ્યું એ રીતે ફર્યો તો ખરો, પણ લોકો મારા માટે શું માનશે આવી બધી વાતો તો મનમાં હતી જ. એટલે મારું ‘હું’ પૂરેપૂરું ઝુક્યું તો નથી જ.

ગુરુ હસ્યા.

4) એક પ્રશ્ન એ થાય કે ગુરુબહુમાન તે મોક્ષ એ સૂત્રને બદલે પ્રભુબહુમાન તે મોક્ષ આવું સૂત્ર કેમ નહિ?

ગુરુબહુમાન ઘણી રીતે અઘરું છે.

સદ્ગુરુ પોતાની ફરજની રૂએ તમારા દોષો બતાવશે. તમારું હું કેટલું શિથિલ થયું છે, એના આધાર પર તમે ગુરુના આ દૃષ્ટિ- બિન્દુને સ્વીકારી શકશો.

વિનીત શિષ્ય, ગુરુ દ્વારા પોતાના દોષની વાત સાંભળતાં રાજી થશે, એની આંખો ભીંજાશે.

જેવું મૃગાવતીજી માટે બનેલું. પ્રભુના સમવસરણમાંથી પોતાના ઉપાશ્રયે પહોંચતાં મૃગાવતી સાધ્વીજીને થોડુંક મોડું થઈ ગયું અને ગુરુણીજી ચંદનબાલાજીએ એમને આડે હાથ લીધી : આ તમને શોભે છે? આટલા મોડા અવાય?

મૃગાવતીજીની આંખો ભીની બને છે : 

કેવા શ્રેષ્ઠ ગુરુણીજી મળ્યાં છે! મારી કેવી કાળજી કરે છે! બુદ્ધિ અને અહંકાર શિથિલ બન્યા, કેવળજ્ઞાન તેમને મળી ગયું!

એની સામે, બુદ્ધિ અને અહંકારને કારણે આપણો સંસાર ચાલુ રહ્યો.

પહેલાં બુદ્ધિ આવે : આમાં મારો શું અપરાધ છે? પ્રભુના સમ્મોહક શબ્દોનું શ્રવણ ચાલતું હતું, સમયનો ખ્યાલ ક્યાંથી આવે?

ક્યારેક અહંકાર આવે. રંગાયેલ હાથે પકડાઈ જવાયું તો શિષ્ય કહી દે : હા, મારી ભૂલ છે. પણ તમે મને એકાન્તમાં કહો. જાહેરમાં શા માટે કહો છો?

ગુરુ દોષ બતાવશે તમારા. તમને એ ગમે? ગમશે?

બની શકે કે સાધકની દોષદૃષ્ટિ પ્રબળ હોય અને એ દોષદૃષ્ટિ સદ્ગુરુમાં પણ દોષોને જોવાનું કામ કરે…

સદ્ગુરુની વાત તો બાજુએ રાખીએ; કોઈના પણ દોષો તમને દેખાય છે કેમ? એનામાં દોષ છે માટે નહિ, તમારી દોષદૃષ્ટિ છે માટે.

સીધી વાત છે. એ વ્યક્તિમાં ગુણો તો અનેક છે. તમને એ ન દેખાયા (દોષ જ દેખાયા) કેમ? ગુણદૃષ્ટિ તમારી પાસે નથી.

હવે લાગશે કે ગુરુબહુમાન કેટલું તો અઘરું છે!

5) ગુરુદેવ પરનું બહુમાન એમની આજ્ઞાના બહુમાનમાં પર્યવસિત થશે.

આજ્ઞાનું બહુમાન રાગ-દ્વેષ-અહંકાર આદિની શિથિલતા ભણી સાધકને લઈ જશે.

પહેલાં શિથિલીકરણ, પછી વિલીનીકરણ; મોક્ષ આ રહ્યો!

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *