એક હૃદયસ્પર્શી સંવાદ
Paravani Ank – 04
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
શિષ્યે ગુરુદેવનાં ચરણોમાં વંદના કરીને પૂછ્યું : ગુરુદેવ! મને સ્વાનુભૂતિની દીક્ષા આપોને!
એની આંખોની ભીનાશ કહેતી હતી કે ગુરુદેવ! સ્વાનુભૂતિને પામવી એ જ તો મારું અવતારકૃત્ય છે ને! આપશ્રીએ પણ મને વારંવાર એ ભણી જવા પ્રેરણા કરી છે. પ્યારા ગુરુદેવ! મને મારા ભીતરના પરમ વૈભવની ઝાંખી કરાવતી એ અનુભૂતિનો માર્ગ બતાવો!
ગુરુએ પોતાનો પ્રેમાળ હાથ શિષ્યના મસ્તક પર મૂક્યો અને કહ્યું : બેટા! સ્વાનુભૂતિ ક્યાં દૂર છે? આ રહી એ!
સ્વાનુભૂતિ માટેનાં સાધનાસૂત્રો શિષ્યને આપતાં ગુરુદેવે કહ્યું : પરમ વિરાગી બનીને તું સદ્ગુરુને સંપૂર્ણતયા સમર્પિત થયો એટલે સ્વાનુભૂતિ તારા હાથમાં!
શબ્દો દ્વારા શિષ્ય પર અપાર વાત્સલ્ય વરસાવતાં ગુરુદેવે કહ્યું : બેટા! પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજે 4થા પંચસૂત્રમાં ‘आयओ गुरुबहुमाणो’ (ગુરુબહુમાન તે જ મોક્ષ) કહીને મોક્ષ તારી હથેળીમાં મૂકેલો છે. આજે પરમ વૈરાગ્ય અને સદ્ગુરુસમર્પણની સાધના-પ્રક્રિયા દ્વારા સ્વાનુભૂતિને તારી હથેળીમાં હું મૂકું છું.
શિષ્યની ધન્યતાનો કોઈ પાર ન રહ્યો.
•••
પરા કે પશ્યન્તીના લયમાં ઊતરી આવેલ‘હૃદય પ્રદીપ ષટ્ત્રિંશિકા’ ગ્રન્થમાં આ હૃદયસ્પર્શી સંવાદ આવે છે.
આ સંવાદમાં સદ્ગુરુદેવે આપેલ સાધના સૂત્રોની પગદંડીએ થોડીક લટાર મારીએ.
•••
પહેલું ચરણ : પ્રબળ વિરક્તિ.
ધધકતો વૈરાગ્ય, જે પ્રારંભિક કક્ષાની સાધનાને પુષ્ટ કરે. એવા પરમ વિરાગીની આંખો ક્યારેક જોવાય છે; લાગે કે એ આંખોમાં પર પદાર્થ કે પર વ્યક્તિનો પ્રવેશ પણ સંભવી ન શકે.
આવો પરમ વૈરાગ્ય ન હોય તો શું થાય એની ચર્ચા કચ્છી સંત ડાડા મેકરણે એમના એક પદમાં કરી છે : ‘બાફ નીકંધી બારણે, તો ઠામ પકંધો કીં? ’
પૃષ્ઠભૂમિથી વાત સમજીએ. કુંભાર માટીના ઘડા વગેરેને ઘડ્યા પછી – આકાર આપ્યા પછી પરિપક્વ બનાવવા માટે એમને નીંભાડામાં મૂકે છે. નીંભાડામાં ઘડા મુકાય. પછી એને ચારે બાજુથી લીંપીને પૅક કરવામાં આવે. અને નીચે અગ્નિ પેટાવેલો હોય એ અગ્નિની વરાળથી કામ પરિપક્વ થાય છે.
ડાડા મેકરણ સવાલ એ કરે છે કે નીંભાડો બરોબર પૅક ન થયો હોય અને વરાળ ઠેક ઠેકાણેથી બહાર નીકળી જતી હોય તો વાસણ પાકે ખરાં?
વૈરાગ્યનો અગ્નિ સાધકના ચિત્તમાં પૂર્ણતયા સંગૃહિત ન થાય તો શું સાધના પરિપક્વ થઈ શકે?
•••
પરમ વૈરાગ્ય.
મર્મગ્રાહી ચિન્તન મહાત્મા બુદ્ધનું છે. તેઓ કહેતા : કોઈ વ્યક્તિ નદી કિનારે ટહેલવા માટે જાય. બની શકે કે કિનારા પર ઊગેલ નાળીયેરી આદિનાં વૃક્ષો એના ચિત્તને સમ્મોહિત કરે, યા હરિયાળી લાૅન તેને આકર્ષી શકે. પરંતુ ક્ષણેક્ષણે વહેતા પાણીના પ્રવાહમાં ચિત્તને આકર્ષિત કરવાની કોઈ તાકાત ખરી? જે છે, છે અને નથી; તમારા મનમાં એ કઈ રીતે પ્રતિબિંબિત થાય?
હેરાકલતૂનું પ્રસિદ્ધ નિવેદન યાદ આવે : You can’t step twice in the same river એક જ નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી.
•••
જીવન છે એક પરપોટો. ને ઘટનાઓ છે પરપોટાના પરપોટા. આપણે આપણા જીવનને પરમ ચૈતન્ય સાથે જોડવા ઈચ્છીએ છીએ કે પરપોટા સાથે?
પરપોટાવાળી વાત કર્તૃત્વભાવનો છેદ પણ ઉડાડે છે. આ બધા કાર્યો પરપોટા જેવાં જ છે, તો પછી આ પરપોટો મેં બનાવ્યો ને આ પરપોટો તેં બનાવ્યો આ વાતો અસંબદ્ધ પ્રલાપ જેવી જ થઈ રહે. અને મારો પરપોટો મોટો ને બીજાઓના નાના; આ વાત તો કેવી લાગે?
કર્તાભાવની પાછળ છે અહંકાર. કર્તૃત્વ શિથિલ થતાં અહંકારનું શૈથિલ્ય. ને જો હું ઉડ્યો, તો મને આ ગમે છે.. મને આ નથી ગમતું.. એ કહેનાર જ કોઈ નહિ હોય ને!
કેવી મઝા!
ન રહે બાંસ, ન બજે બાંસુરી,
‘હું’ જ નથી, તો ‘મેં કર્યુ’ ક્યાંથી આવશે?
આ જ ચિંતનબિંદુ આપણા નિમિત્તવાદનો આધારસેતુ બનશે.
કર્તૃત્વનો લોપ છે, છતાં, વ્યવહાર જગતમાં આપણે કાર્યો/ઘટનાઓના પ્રવાહ સાથે રહેતા હોઈએ છીએ. ત્યારેય એ કાર્યોના કર્તૃત્વને પરમચૈતન્ય કે સદ્ગુરુચૈતન્ય સાથે જોડી શકાશે.
•••
પરમ વિરાગ…
વિરાગ શબ્દના બે અર્થ છે : રાગ શિથિલ બન્યો હોય એ સંઘટના તો વિરાગ છે જ; બીજો અર્થ પણ ગજબનો મોહક છે : વિશેષ રાગ – પ્રભુ પર / પ્રભુની આજ્ઞા પર; તે વિરાગ.
એટલે પરમાત્માનું / તેમની આજ્ઞાનું પરમ સમ્મોહન. તમે એના વિના એક ક્ષણ રહી ન શકો. આ સ્થિતિને મઝાથી વ્યાખ્યાયિત કરી મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજે : ‘બિછુરત જાયે પ્રાણ…’ ‘જલ બિન મછલી’ જેવી ભક્તની હાલત.
•••
આવો પરમ અનુરાગ શી રીતે મળે?
મિલન અને ગુણકલન પછી આ પરમ અનુરાગ મળે છે.
પરમાત્માનું દર્શન થતાં / મિલન થતાં અહોભાવથી હૃદય પુલકિત બની જાય. એ પછી, પ્રભુએ આપેલ આજ્ઞાધર્મના ગુણો અનુભવાતાં એ પ્રેમ વધુ ઉત્કટ બને છે. આખરે એ એવા ગાઢ અનુરાગમાં ફેરવાય છે કે તમે ‘એ’ના વિના ક્ષણ પણ ન રહી શકો.
વેણીરામ પુરોહિત આ અવસ્થાને અનુભવીને કહે છે : ‘તમારા વિનાના અમે અમારા વિનાના…’ પ્રભુ! તારા વિનાના હોવાનો શો અર્થ?
•••
પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે 4થા પંચસૂત્રકના પ્રારંભમાં સાધક માટે અભિપ્રવ્રજિત શબ્દ વાપર્યો છે.
સાધક પાસે પહેલાં અભિવ્રજ્યા હોય. પછી પ્રવ્રજ્યા-ભાગવતી દીક્ષા…
અભિવ્રજ્યા..
પરમાત્માનું પરમ સમ્મોહન…
પ્રવ્રજ્યા…
‘પરમાત્મા/તેમની આજ્ઞા સિવાયનું બીજું બધું છૂટી જાય…’
•••
સ્વાનુભૂતિ માટેનું પહેલું ચરણ પરમ વૈરાગ્ય અને બીજું ચરણ છે તત્ત્વવેત્તા સદ્ગુરુનાં ચરણોમાં સમર્પણ.
આત્માનુભૂતિવાન સદ્ગુરુ, જેમની પાસે ભીતરની દુનિયાનું અભ્રાન્ત દર્શન છે. સ્વમાં જ પ્રતિષ્ઠિત મહાપુરુષ.
‘સમાધિ શતક’ યાદ આવે :
‘વાસ નગર વન કે વિષે, માને દુવિધ અબુધ; આતમદર્શી કું વસતિ, કેવળ આતમ શુદ્ધ…’
એ મહાપુરુષ નથી નગરમાં, નથી જંગલમાં; તેઓ છે માત્ર સ્વની વૈભવી દુનિયામાં.
શાસ્ત્ર કહે છે : ‘દીવાઓ દીવસયં’. એક દીવાથી સેંકડો દીપ પ્રજ્વલિત થઈ ઊઠે. તેમ અનુભૂતિવાન સદ્ગુરુનાં ચરણોમાં બેસનાર, તેમણે કહ્યું તે કરનાર સાધક સ્વાનુભૂતિવાળો બની શકે છે.
તમારી અત્યારની સાધનાનું સ્ટેન્ડ પોઈન્ટ સદ્ગુરુ જાણે છે. અને એને કઈ રીતે ઊચકી શકાય તેમ છે, એ પણ સદ્ગુરુ જાણે છે.
સાધકે માત્ર સમર્પિત થવાનું છે.
•••
શિષ્ય સમર્પિત ન થાય તો સદ્ગુરુના હાથ બંધાયેલા છે.
એક પ્રશ્ન જાગૃત સાધકને થાય જ કે અતીતની યાત્રામાં ઘણા બધા સદ્ગુરુઓ મળ્યા… એમનાં પ્રવચનો સાંભળ્યા. થોડાંક અનુષ્ઠાનો પણ થયાં… તો પછી સંસાર ચાલુ કેમ રહ્યો?
ભૂલ શોધવી જોઈએ.
અરણિક મુનિવર વેશ્યાને ત્યાંથી ગુરુદેવ પાસે આવ્યા. ચરણોમાં ભાવથી ઝૂક્યા.. ગુરુદેવે તે સમયે શક્તિપાત કર્યો.
શક્તિપાત દ્વારા ભીતર તો આમૂલચૂલ ક્રાન્તિ સર્જાઈ; આપણે એને કદાચ ન સમજી શકીએ. પણ બહાર પણ કેટલી ક્રાન્તિ સર્જાઈ? જે અરણિક મુનિ વૈશાખ અને જેઠની બળબળતી બપોરે ખુલ્લા પગે ચાલી નહોતા શકતા; એ ધગધગતી શિલા પર સંથારો કરીને બેસી ગયા.
પ્રશ્ન થશે : સદ્ગુરુ એ હતા, શિષ્ય પણ એ હતો; ગુરુવરે પહેલાં શક્તિપાત કેમ ન કર્યો?
જવાબ આ મળશે : સદ્ગુરુ દીક્ષાના દિવસથી જ શક્તિપાત માટે વિચારતા હતા, પણ એ નહોતા કરી શકતા.
કારણ?
સાધનાનું ઊંડાણ અહીં જોવા મળે છે. અરણિક મુનિ તપસ્વી હતા, સ્વાધ્યાયશીલ હતા. સંયમયોગોમાં અગ્રેસર હતા. માત્ર તેઓ માનતા હતા કે હું સાધના કરું છું. ગુરુદેવને માત્ર પૂછવાનું.
કેટલી મોટી ભૂલ થઈ ગઈ?
સાધનાજગતના કર્તા સદ્ગુરુને સાક્ષી બનાવી દેવામાં આવ્યા.. સાક્ષી બનવાનું હતું એ સાધક કર્તા બની ગયો.
કર્તૃત્વ… સૂક્ષ્મ અહંકાર.. સંપૂર્ણ સમર્પણનો અભાવ.
પણ –
વેશ્યાને ત્યાંથી ગુરુદેવ પાસે આવતા અરણિક મુનિને સમજાયું કે પોતે પોતાના પર – સાધનાના સંદર્ભમાં – આધાર રાખતા હતા, એ વ્યર્થ હતો. સદ્ગુરુનાં ચરણોનું શરણ ન મળે તો સંસારમાં – આ કીચડમાં હું ક્યાંય ફસાઈ જઈશ.
સંપૂર્ણ સમર્પણ આવ્યું. ગુરુદેવનાં ચરણોમાં તેઓ ઝૂક્યા. સમર્પિત શિષ્ય પર ગુરુએ શક્તિપાત કરી દીધો.
•••
શિષ્યનું સમર્પણ જ ગુરુની શક્તિને ઝીલી શકે છે.
શક્તિપાત…
સદ્ગુરુ પોતાની સાધનાની શક્તિ શિષ્યને/સાધકને આપે તે શક્તિપાત.
•••
સદ્ગુરુ વાસક્ષેપ આપે છે ત્યારે તેમના પવિત્ર હાથમાંથી નીકળતી ઊર્જા ભક્તને મળે છે.
બાય ધ વે : એક સંગોષ્ઠિમાં મેં હમણાં કહેલું : હું જ્યારે માની લઉં કે યશોવિજય વાસક્ષેપ આપે અને સામી વ્યક્તિનું કાર્ય થાય.. ત્યારે, મારા હાથમાંથી માત્ર ચંદનની ભૂક્કી જ ખરે, ઉર્જા-બુર્જા ન હોય. પ્રભુ સાથેના જોડાણથી જ એ શક્તિ આવે છે. એટલે કે એ શક્તિ પ્રભુની છે. સદ્ગુરુ પ્રભુઆજ્ઞાને સંપૂર્ણતયા સમર્પિત હોય છે. એ રીતે તેમનું પ્રભુ સાથેનું જોડાણ સ્થિર થયેલ છે. એ સદ્ગુરુને સમર્પિત સાધકે બનવું છે.
પછી – સ્વાનુભૂતિ આ રહી!
•••
સદ્ગુરુ સાધકને એની ભૂમિકાને યોગ્ય સાધના આપશે. એને ઘૂંટાવરાવશે. એ સાધના વિકસિત થાય એ માટે યોગ્ય વાતાવરણ આપશે… અને સાધનામાં અવરોધ આવશે તો તેને હટાવશે.
કેવી મજા!
વિરાગી સાધકના સમર્પણની સામે સ્વાનુભૂતિ!
PARAVANI ANK 04
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
પ્રશ્ન : સ્વાનુભૂતિ મેળવવી જ છે. હું મને ન અનુભવું તો કેમ ચાલે? ગુરુદેવ! સ્વાનુભૂતિ માટેની મારી સજ્જતાની વાત કરો ને!
ઉત્તર : સ્વાનુભૂતિ માટેની તમારી ઝંખના સરસ છે. છ મહિના માટે નીચે પ્રમાણેની સાધનાને ઘૂંટવાથી તમે સ્વાનુભૂતિની યાત્રા શરૂ કરી શકશો.
1. પરરસ મુક્તિ : રાગ, દ્વેષ, અહંકારની ધારામાં જવું નથી. એવી જાગૃતિ તમારી જોઈએ કે ખાતા રાગ થયો, તમને તરત ખ્યાલ આવે. અને રાગદશામાંથી તમે પાછા ફરી જાવ.
કોઈના પ્રત્યે દ્વેષ અથવા અહંકાર પેદા થાય કે તરત ખ્યાલ આવી જવો જોઈએ.
ખ્યાલ આવતાં પહેલાં કેટલી સેકન્ડ કે મિનિટ તમે પરભાવમાં રહ્યા એની નોંધ તમારે રાખવાની છે. (રોજે રોજની કલાક-મિનટ સાથેની નોંધ)
2. ભેદજ્ઞાનનો અભ્યાસ : નઅમૃત વેલથની સજ્ઝાયની આ કડી રોજ ચિંતનમાં લેવાની છે :
‘દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે;
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે…’
I am a bodiless experience.
I am a nameless experience.
આ સૂત્રને ભીતર ઉતારવું છે.
આ ભેદજ્ઞાનનો અભ્યાસ એ રીતે આગળ વધવો જોઈએ કે તમને કોઈ કડવાશથી બોલે તો ય તમને એની અસર ન થાય. ‘મને ક્યાં કહે છે કોઈ? હું તો અક્ષય / શાશ્વત, નિર્મળ આત્મતત્ત્વ છું. ’
હા, સામી વ્યક્તિએ તમારા હિત માટે કહ્યું હોય તો એને સ્વીકારી લેવું.
3. 10 મિનિટ શાન્ત ચિત્તે બેસવું. આંખો બંધ, શરીર ટટ્ટાર.
વિચારો આવી જાય તોય તેમને જોઈ લેવા. તેમાં ભળવું નહિ.
જોવા અને ભળવાનો ફરક આ રીતે સમજાશે; 25 કિ.મી. દૂર પહાડ પર આગ લાગેલ હોય, કોઈ વ્યક્તિ એટલે દૂરથી આગ જોશે ત્યારે એ માત્ર જોશે; આગની દાહકતાનો અનુભવ એને થતો નથી. અને બાજુમાં સગડી સળગતી પડેલ હોય તો ગરમી લાગશે જ.
વિચારોને જોવાનો મતલબ છે કે તમે એ આસક્તિ કે દ્વેષના વિચારોની એટલી બધી અસરમાં નથી.
આ 10 મિનિટવાળી સાધના રોજ ઓછામાં ઓછી 3 વાર કરવી. વધુ થાય તો પણ સારું.
આ ચાર ચરણોને 6 મહિના સુધી ઘૂંટવા છે. રોજ બધી નોંધ કરવાની છે. અને જોતાં રહેવું છે કે આપણે આગળ વધ્યા કે નહિ.
4. પરમાં ન ભળાય એ માટે નિર્વિકલ્પ દશાને ઘૂંટવી છે.
એ માટે –
(અ) જમતી વખતે કોઈ પદાર્થ પર આસક્તિ થઈ આવે તો તે વિચારમાં ભળવું નહિ. આસક્તિના વિચારોને પણ જોવા.
(આ) વિચારો બહુ આવતા હોય – કોઈ કારણવશ – ત્યારે તેમને અટકાવવા માટે ‘નમો અરિહંતાણં’ પદનો ભાષ્યજાપ કરવો. (સહેજ મોટેથી, loudly ઉચ્ચાર કરવો.)
•••