‘જ્યોતસું જ્યોત મિલત જબ ધ્યાવત…’
Paravani Ank – 05
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
ઉન્મની કરણઃ કેટલાક ઉપાયો
‘યોગસાર’ ગ્રન્થની એક સરસ પંક્તિ યાદ આવે છેઃ ‘उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लय<000’ મુનિના ચિત્તનો સમરસના ઊંડાણમાં પ્રવેશ એ જ છે ઉન્મનીકરણ.
કબીરજી કહે છેઃ ‘કહે કબીર યહ ઉન્મન રહણી, સો સાહિબ કો પ્યારી…’
આ ઉન્મનીકરણ શું છે?
‘યોગશાસ્ત્ર’ના બારમા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજે આ દશાનું વિગતે વર્ણન આપ્યું છે.
ઉન્મનીકરણ એટલે મનને પેલે પારની દશા. જેને યોગશાસ્ત્ર અમનસ્ક દશા કહે છે.
કેવી મઝાની વાત!
મન ન હોય, અને તમે હો.
ગુર્જિએફના જીવનની એક ઘટના છે.
સમી સાંજનો સમય.
એક સાધક યોગાચાર્ય ગુર્જિએફ પાસે આવ્યો. તેણે કહ્યુઃં ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો!
ગુરુએ જોયું કે એ માત્ર સામાન્ય જિજ્ઞાસાને વશ થઈને આ વાત કરી રહ્યો છે. સાધનાની અદમ્ય ઝંખના એની પાસે નથી. માત્ર જ્ઞાત મનના સ્તર પર તો સાધના ઝિલાય પણ કેમ?
ગુરુએ કહ્યુઃ આ હૉલમાં ઉપર લાકડાના બીમ ગોઠવતા સુથારો હમણાં જ ગયા છે. આ એક બીમ સેન્ટરમાં નથી. તું ઉપર ચઢ! બીમને સેન્ટરમાં લાવી દઈએ.
પેલો સાધક ઉપર ચઢ્યો. ગુરુ કહે છેઃ ‘થોડોક ડાબી તરફ લે બીમને.’ પેલાએ ડાબી તરફ ખસેડ્યું. ગુરુ કહે છેઃ ‘નહિ, નહિ. આ તો વધુ ખસી ગયું. સહેજ જમણી તરફ લે.’ એમ ગુરુ ડાબું, જમણું; ડાબું, જમણું કરાવતા રહ્યા. દિવસે કામ કરીને થાકીને આવેલ માણસ… અને આ કસરત… એ થાકી ગયો. થાકના કારણે એને સહેજ ઊંઘ આવી ગઈ, ગુરુ જોઈ રહ્યા હતા બધું. એ માણસ એ રીતે વ્યવસ્થિત બેઠો હતો કે પડે તેમ નહોતો.
બે મિનિટ ગુરુએ એને ઊંઘવા દીધો. ત્રીજી મિનિટે ગુરુએ જોરથી કહ્યુઃ એય, શું કરે છે?
પેલાએ આંખ ખોલી. ગુરુ સામે જોયું. અને એને સાધનામાર્ગની ઝલક મળી ગઈ.
શું થયું?
ઊંઘમાંથી ઝબકીને એ બહાર આવ્યો ત્યારે થોડી સેકન્ડો એવી હતી; જ્યાં જ્ઞાત મન (કૉન્સ્યસ માઈન્ડ) ગેરહાજર હતું. એ પોતે હાજર હતો. એ ક્ષણોમાં ગુરુનો ચહેરો દેખાયો. એ ચહેરા પરની અપાર શાન્તિ દેખાઈ. અને મારે પણ આ શાન્તિને પામવાની છે એવું એના મનમાં સ્થિર થઈ ગયું.
કૉન્સ્યસ માઈન્ડ અનાદિના સંસ્કારોથી વાસિત થયેલું હોવાથી ખાવા-પીવા આદિમાં જ એનો રસ છે, સાધનામાં નહિ… એટલે, સાધનામાર્ગે જવા ઈચ્છનારે આ મનને બાજુ પર મૂકવું જોઈએ.
આને જ અમનસ્ક દશા કે ઉન્મનીકરણ કહેવાય છે.
તમને પણ આવો અનુભવ થાય. મહેમાનગતિએ ગયા હો. રાત્રે તમે ઊઠ્યા બાથરૂમ જવા માટે. વીજળી ગુલ છે. તમે હાથમાં ટૉર્ચ લો છો.
પણ થોડીક સેકન્ડો તમને ખ્યાલ નથી આવતો કે બાથરૂમ કઈ તરફ છે. દિવસે તમે ઘણીવાર ગયેલ હતા, છતાંય. પછી તરત સ્મૃતિ આવી જાય છે.
આ વચલી ક્ષણો જે હતી, તે મૂલ્યવાન હતી.
એટલા માટે કે એ ક્ષણોમાં તમારું વિકલ્પોવાળું મન ઊંઘેલું હતું, અને તમે જાગતા હતા. આ જ જાગૃતિ સાચી છે. જ્યાં વિકલ્પો પણ નથી. નિદ્રા પણ નથી. જાગૃતિ છે.
અત્યારે તમારી પાસે ત્રણ દશા મુખ્યત્વે છેઃ કહેવાતી જાગૃતિ, સ્વપ્નાવસ્થા અને નિદ્રા. પહેલી બેમાં વિકલ્પોનું ઘોડાપૂર છે. ત્રીજી અવસ્થામાં હોશ નથી.
જાગૃતિ અવસ્થા એવી છે, જેમાં વિકલ્પો નથી; હોશ છે.
આ જ લયમાં પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહ્યુઃ “सुत्ता अमुणी. मुिणणो सया जागरंति000” ગૃહસ્થો સૂતા હોય છે. જ્યારે મુનિઓ સદા જાગૃત હોય છે.
ઉજાગર અવસ્થા તેરમે ગુણઠાણે હોય છે. સાતમે ગુણઠાણે જાગૃતિ છે. છટ્ઠે ગુણઠાણે પણ એની નાની આવૃત્તિ હોય જ.
પહેલાં તમારી તથાકથિત જાગૃતિને પકડો. વચ્ચે વચ્ચે એવો
સમય લાવો કે વિકલ્પો ન હોય (બહુ જ ઓછા હોય) અને જાગૃતિ તમારી પૂર્ણ હોય.
તથાકથિત જાગૃતિ પછી સ્વપ્નાવસ્થાને પકડાય. પછી નિદ્રાને. એ સંદર્ભમાં જ, એક સરસ શબ્દ હમણાં પ્રચલિત બન્યો છેઃ ‘કૉન્સ્યસ સ્લીપ…’
આ જ કૉન્સ્યસ સ્લીપની વાત ‘સંથારા પોરિસી’ સૂત્રમાં છેઃ “अतरंत पमज्जए भूिमं000” રાત્રે પડખું બદલવાનું થાય ત્યારે તે ભૂમિનું પ્રમાર્જન સાધક કરે. સાધકનું શરીર સૂતું હોય, કૉન્સ્યસ માઈન્ડ સૂતું હોય અને એ પોતે જાગતો હોય!
અને સાફ ગણિત છેને! જેને થાક લાગે તે સૂઈ જાય. શરીરને થાક લાગે… વિચારો સતત ચાલુ રહેવાને કારણે જ્ઞાત મનને થાક લાગે.
તમે તો છોઃ Ever fresh, ever green.
અમનસ્કદશાની એક ઝલક અહીં મળે છે. જ્યારે મન સૂતું હોય છે. તમે જાગતા હો છો. એ સમયે તમે છો મનને પેલે પાર…
આ દશાને, પામવા માટેનું સાધનાસૂત્ર ‘યોગશાસ્ત્ર’માં આવ્યુઃં સાધક અત્યાર સુધી મનના વિચારોને, એ જેમ આવે તેમ, ચાલવા દેતો હતો. હવે એણે નક્કી કર્યું છે કે મનની સક્રિયતા અટકી જવી જોઈએ. સાધકના નિયંત્રણમાં મન આવ્યું. એથી એ ઈચ્છે ત્યારે જ મનને સક્રિય બનવા દે – શાસ્ત્રાનુપ્રેક્ષા આદિ સમયે.
સાધક જો મનને બહિર્ભાવ તરફ જવા આદેશ નથી આપતો. તો હવે એ મન ઈન્દ્રિયોને કઈ રીતે ઉત્તેજિત કરી શકે?
હવે બહાર જનાર મનનું કોઈ જ પ્રયોજન ન રહ્યું.
સાધક અમનસ્ક દશા ભણી આગળ વધે.
આ અમનસ્ક દશા મળતાં ભીતર જે અનુભૂતિ થાય, તેની વાત પણ ત્યાં કરાઈ છેઃ જ્યારે વિચારો ઢળી પડે છે; મનની સક્રિયતાનું કોઈ પ્રયોજન હોતું નથી; ત્યારે ભીતરી જ્યોતિનો અનુભવ થાય છે.
આ પ્રક્રિયાને મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે પરમતારક શ્રી શીતલનાથ પ્રભુના સ્તવનમાં આ રીતે વર્ણવી છેઃ ‘જ્યોતસું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા…’
પરમાત્મા છે જ્યોતિર્મય. આ પરમાત્માનું ધ્યાન એવી રીતે કરાય, જેથી સાધક પણ જ્યોતિર્મય બની જાય.
અને જ્યોતિર્મય સાથે જ્યોતિર્મયનું મિલન ઘટિત થઈ રહે! આને અભેદ મિલન કહેવાય છે. કૈવલ્ય કે મોક્ષપ્રાપ્તિ બાદ જે અભેદ મિલન થશે તે શાશ્વતીના લયનું હશે.
રિઝ્યો સાહિબ સંગ ન પરિહરે ભાંગે આદિ અનંત…
પરંતુ અત્યારે આપણે ધ્યાન-દશામાં જે અનુભવ કરીશું, એ થોડા સમયનો હશે.
એ ધ્યાન શી રીતે થશે? સૂત્ર મઝાનું આપ્યુઃં ‘જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત…’ જ્યોતિર્મય સાથેનું આ અનુસંધાન જ્યોતિર્મય સાધક જ કરી શકે.
મઝાની વાત થઈ.
પરમાત્માના ગુણોને તમે સાંભળો છો યા એ પર ચિંતન કરો છો… તમે એ ક્ષણોમાં જ્યોતિર્મય નથી.
શબ્દ પૌદ્ગલિક ઘટના. વિચાર પણ પૌદ્ગલિક ઘટના. અનુભૂતિનું ઝરણું તમારી ભીતર ચાલુ થાય તો જ તમે જ્યોતિર્મય બની શકો.
પ્રશમ રસનો સમંદર છે પરમાત્મા. તમારે એ પરમચેતના સાથે તાદાત્મ્ય સાધવું છે, અભેદાનુભૂતિ કરવી છે, તો તમારી ભીતર પ્રશમ રસની અનુભૂતિનું ઝરણું ચાલવું જોઈએ.
એ ઝરણું સમુદ્રને મળશે…
તમારી ભીતર પ્રશમરસની અનુભૂતિ જેટલો સમય છે, તેટલો સમય અભેદાનુભૂતિ તમારી રહી…
હેમચન્દ્રાચાર્યજીની અનુભૂતિપૂત આ વાણીઃ “निष्कलमुदेित तत्त्वम्” મનની પેલે પાર તમે ગયા, નિષ્કલંક – જ્યોતિર્મય તત્ત્વની અનુભૂતિ તમે કરી શકશો.
અમનસ્ક દશાની ક્ષણોમાં જ્યારે જ્યોતિર્મય તત્ત્વ જોડે સાધકનું અનુસંધાન થાય છે ત્યારે, દેહાધ્યાસ એનો નષ્ટ થયેલ હોય છે.
એ ક્ષણોમાં, શરીર પારાની જેમ વિખરાઈ ગયું છે આવો અનુભવ પણ થાય. શરીર છે જ નહિ પોતાને આવો પણ અનુભવ થાય. ઊડી ગયું હોય શરીર કે તે ઓગળી ગયું હોય આવો પણ અનુભવ થાય.
એ અનુભવની ધારાને જ શબ્દદેહ આપતાં કલિકાલસર્વજ્ઞશ્રી કહે છેઃ આ ઉન્મની ભાવના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થવાથી નિર્મલ આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. ત્યારે યોગી મુક્ત પુરુષ જેવો શોભે છે.
એ જ અનુભૂતિની આગળની અભિવ્યક્તિઃ જાગૃત અવસ્થામાં આત્મ-સ્વરૂપમાં રમણ કરતો યોગી લયસ્થ બને છે; આત્મસ્વરૂપમાં લીન બને છે, ત્યારે સૂતેલા જેવો લાગતો તે યોગી મુક્તાત્માઓથી સહેજ પણ ઊતરતો નથી.
અમનસ્ક દશાનું આ વર્ણન સાંભળી કોને એ દશા પ્રાપ્ત કરવાનો વિચાર ન આવે?
કલિકાલસર્વજ્ઞશ્રીને જે અનુભૂતિ અમનસ્ક દશામાં થઈ, એનું આ વેધક વર્ણનઃ મોક્ષ વહેલો થાય કે મોડો; પણ પરમાનન્દ તો અત્યારે અનુભવાય છે. એવો પરમ આનન્દ, જેની આગળ દુનિયાના કહેવાતા તમામ સુખો તણખલાં જેવા થઈ જાય.
અમનસ્ક દશાની એક વિશિષ્ટ કાર્ય-સાધકતાની વાત આચાર્યશ્રી અહીં કરે છેઃ અન્તસ્તરમાં જે દોષો/શલ્યો ઊંડા, ઊંડા ઘૂસી ગયા છે; તેમને કાઢવા માટે, વિશલ્યીકરણ માટે અમનસ્ક દશા વિના બીજું કોઈ જ સાધન નથી.
કેટલી સીધી વાત!
જે મનના ઊંડે સુધી દોષો ફેલાયેલ છે. એ મનને જ તડકે મૂકી દો! ચાલો, આગળ!
‘તસ્સ ઉત્તરી.’ સૂત્રમાં ‘વિસલ્લી કરણેણં’ની જે વાત છે, તે આ. ઊંડે રહેલ દોષો/શલ્યોને કાઢી નાખવા.
કાયોત્સર્ગમાં તમે ત્રિગુપ્ત સાધનામાં જાવ છો, ત્યાં મનોગુપ્ત પણ હો છો.
ચાલો, મનને પેલે પાર… જ્યાં છે આનંદ જ આનંદ.
PARAVANI ANK 05
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
પ્રશ્ન : આપના પ્રવચનમાં એક વાર સાંભળેલુઃં તમે ચિદાકાશમાં છો, ચિત્તાકાશમાં નથી, તો વિચારો જોડે તમારે; શું લેવા-દેવા? વિચારો ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો.
ચિદાકાશ અને ચિત્તાકાશ વિશે થોડી સમજૂતી આપશો.
ઉત્તર : બે આકાશ છે : ચિત્તાકાશ અને ચિદાકાશ. તમે જ્યારે વિચારોની દુનિયામાં હો છો ત્યારે તમે ચિત્તાકાશમાં હો છો. ચિત્તનું/મનનું કાર્ય જ તો એ છેને!
સામી બાજુ, જ્ઞાન અને આનંદની દુનિયામાં તમે વિહરો છો ત્યારે તમે ચિદાકાશમાં છો. (ચિદ્ એટલે જ્ઞાન)
ચિદાકાશમાં શી રીતે વિહરવું?
એક ચિંતકે સરસ પંક્તિઓ આપી છેઃ
ચિદાકાશમાં હોય વિહરવું, પ્રથમ મીંચવી આંખો;
કોઈ પ્રતિષ્ઠા કામ ન આવે, પત્થરની એ પાંખો…
અદ્ભુત કડી છે આ!
પહેલી વાતઃ ‘પ્રથમ મીંચવી આંખો.’ ચિદાકાશમાં જવું હોય તો આ બહારની આંખોને મીંચી દેવી છે.
એ આંખો દ્વારા પરના દોષો જોઈને એ વ્યક્તિત્વો પર દ્વેષ-બુદ્ધિ રાખીને વિકલ્પોમાં જ તમે વહ્યા છો.
કંઈક જોયું, ગમ્યું; આસક્તિની ધારામાં તમે વહો છો. રાગના વિચારો જ વિચારો…
સીધો ઉપાય છે આઃ ‘મીંચવી આંખો…’ આંખો જ બંધ… જોવાય નહિ, ગમો-અણગમો થાય નહિ.
વિચારો પાંખા પડે. ચિદાકાશમાં જવાની આ સાધકની પહેલી સજ્જતા.
રાગ-દ્વેષ થોડા શિથિલ બન્યા; પણ અહંકારનું શું?
તમે જાગૃત સાધક હો તો રાતની નીરવ શાન્તિમાં દિવસ દરમ્યાન આવેલ વિચારોને જુઓ. તમને લાગશે કે થોડી થોડી વારે ‘‘હું’’ ડોકિયા કરતું હતું… મેં એ ભાઈને આમ કહ્યું અને એ તો પ્રભાવિત થઈ ગયા! (ભાઈ, કોઈ પ્રભાવિત થયું નથી. તું જ તારા આ વિચારથી ‘પ્રભાવિત’ બને છે!)
‘હું આમ ને હું તેમ…’ શું છે આ હું?
માતા-પિતાએ આપેલ શરીર અને સમાજે આપેલ નામ; તમે એ પર સ્ટીકર લગાડ્યુઃં ‘હું…’
આ ‘હું’ છે પથ્થરની પાંખ. ચિદાકાશમાં વિહરવા માટે એ કામ નહિ આવે. ‘કોઈ પ્રતિષ્ઠા કામ ન આવે, પથ્થરની એ પાંખો…’
ગમો-અણગમો શિથિલ બન્યો; અહંકાર શિથિલ બન્યો; ચિદાકાશમાં વિહરવાની તમારી સજ્જતા નીખરી ગઈ છે.
હવે ચિદાકાશમાં વિહરો!
•••