‘મન સાધ્યું તેણે સઘળું સાધ્યું…’
Paravani Ank – 06
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
મુલ્લાજી ગધેડા પર બેસીને જઈ રહ્યા હતા. સામેથી આવતા એક ભાઈએ કહ્યું : મુલ્લાજી, સવારી કઈ બાજુ ઉપાડી? મુલ્લા કહેઃ ગધેડાને પૂછો.
ગધેડો તો કંઈ બોલતો હશે! પેલા સજ્જનને લાગ્યું કે મુલ્લા પોતે ક્યાં જાય છે એ છુપાવવા માગે છે. હશે, જેવી એની મરજી.
થોડીવાર પછી મુલ્લાનો જીગરી દોસ્ત મળ્યો. એણે પણ પૃચ્છા કરી. મુલ્લાએ એને પણ એ જ જવાબ આપ્યો. મિત્ર બગડ્યોઃ ગાંડા શું કાઢે છે? ગધેડો કંઈ બોલતો હશે. તું બોલને, ક્યાં જાય છે?
મુલ્લાજીએ કહ્યું : વાત એ છે કે ગધેડાને લગામ-બગામ તો હોતી નથી. (અરબસ્તાનમાં ગધેડાનો ઉપયોગ મુખ્ય હોય છે.) હવે મારે જવું હોય પૂર્વમાં ને ગધેડું ચાલે પશ્ચિમમાં. મારે જવું હોય ઉત્તરમાં ને ગધેડું ચાલે દક્ષિણમાં. હવે શું કરવું? ભરબજારે ગધેડા જોડે કુસ્તી કરીએ તો કંઈ થોડા સારા લાગવાના છીએ? એટલે નક્કી કર્યું છે મેં કે ગધેડા પર બેસી જવું. એને જવું હોય ત્યાં જાય…
•••
સામાન્ય મનુષ્યની વાત પણ આવી જ છેને! મન રૂપ ગધેડા પર એનું નિયંત્રણ નથી. મનને જ્યાં જવું હોય ત્યાં જાય. કોઈ જ રોકટોક વગર.
આના માટે શું કરી શકાય? બે રસ્તા છે મનને નિયંત્રિત કરવા માટેના : એક માર્ગ છે ભક્તનો. બીજો છે સાધકનો.
•••
ભક્તનો માર્ગ શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં બતાવ્યો. અર્જુનને તેઓ કહે છે :
मय्येव मन आधत्स्व, मयि, बुद्धिं निवेशय।
निवसिष्यसि मय्येव, अत ऊर्ध्वं न संशयः।।
અર્જુન! તું તારું મન અને બુદ્ધિ મને આપી દે.
એથી શું થશે?
મઝાનો કોલ પરમચેતનાનો : પછી તું મારામાં જ રહીશ… મારા ગુણો પ્રત્યે જ તારું મન સતત ખેંચાશે. તું ચિન્તન પણ મારા ગુણોનું કર્યા કરીશ.
નિર્મળ ગુણોની અનુપ્રેક્ષા… અને અલપઝલપ અનુભૂતિની ઝલક મળવા માંડશે.
•••
મૃગાવતી સાધ્વીજીની કથા આપણે ત્યાં પ્રસિદ્ધ છે. મૃગાવતીજી પ્રભુ મહાવીર દેવના સમવસરણમાં ગયેલા. પરમાત્માના મધુર, મધુર શબ્દો સંભળાઈ રહ્યા હતા… સમયનો ખ્યાલ ન આવ્યો. ઉપાશ્રયે પહોંચતાં સહેજ અંધારું થઈ ગયું.
ગુરુણીજી ચંદનાજીએ બધાની વચ્ચે એમને ઠપકો આપ્યો. ‘તમને ખ્યાલ નથી આવતો? આટલું મોડું કેમ થયું?’
ગુરુણીજીના એ શબ્દોને મૃગાવતીજી અત્યંત બહુમાનપૂર્વક સ્વીકારે છે. ‘કેવાં ગુરુણીજી મળ્યાં છે! કેવી મારી કાળજી લે છે!’
આ ગુરુબહુમાન તેમને કેવળજ્ઞાન અપાવનાર બન્યું.
•••
એમને કેવળજ્ઞાન થઈ ગયું. આપણને ન મળ્યું.
શું કારણ?
મૃગાવતીજીએ મન અને બુદ્ધિ (અહંકારયુક્ત વિચારસરણી)ને ગુરુણીજીનાં ચરણોમાં મૂકી દીધેલાં…
માત્ર આ મન (સંજ્ઞાયુક્ત વિચારસરણી) અને બુદ્ધિ ન છોડી શક્યા આપણે; કેવળજ્ઞાન દૂર જ છે!
ગુરુ શિષ્યને ઠપકો આપે અને એ મનને લઈ આવે તો…? ‘આમાં મારો શું અપરાધ? પ્રભુના પ્યારા શબ્દો સાંભળતાં સમયનું ભાન ક્યાંથી રહે?’
ક્યારેક શિષ્ય રંગાયેલ હાથે – અપરાધ કરતાં – પકડાઈ જાય અને ગુરુ ઠપકો આપશે, તોય એ કહેશેઃ હા, મારી ભૂલ થઈ. પણ મને બધાની વચ્ચે કેમ કહો છો? એકાન્તમાં કહોને!
આ મન અને અહંકારને કારણે આપણું કેવળજ્ઞાન કદાચ અટકી ગયું.
મૃગાવતીજીએ મન અને બુદ્ધિ ગુરુનાં ચરણોમાં મૂક્યાં. અને તેઓ પામી ગયાં…
•••
મન અને બુદ્ધિ જ એ અવરોધ છે, જેના કારણે આપણી સાધનાયાત્રા ખોડંગાઈ જાય છે.
આવા સમયે આ વચન કેટલું તો મીઠું લાગે છેઃ ‘મન અને બુદ્ધિને તું મારામાં સ્થિર કરી દે… પછી તું મારામાં જ રહીશ…’ મતલબ કે સ્વગુણચિંતનની અને સ્વગુણ અનુભૂતિની ધારામાં તું રહીશ.
આ થયો ભક્તનો માર્ગ.
•••
સાધકનો માર્ગ કયો; જે દ્વારા સાધક મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે?
એ માર્ગની ચર્ચા ‘યોગશાસ્ત્ર’ના 12મા પ્રકાશમાં કલિકાલ-સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે કરી છે.
પ્યારું સાધનાસૂત્ર ત્યાં આવ્યું :
औदासीन्यनिमग्नः प्रयत्नपरिवर्जितः सततमात्मा।
भावित-परमानन्दः क्वचिदपि न मनो नियोजयति।।
ઉદાસીનભાવમાં ડૂબેલ, પ્રયત્નો જેના છૂટી ગયા છે તેવો તથા પરમઆનંદમાં ડૂબેલ સાધક મનને ક્યાંય જોડતો નથી.
મન બહાર કેમ જાય છે?
‘ઉપમિતિ’માં સિદ્ધર્ષિજીએ એનો સરસ ઉત્તર આપ્યો છેઃ
‘अनाद्यभ्यासयोगेन, विषयाशुचिकर्दमे।
गर्ते शूकरसंकाशं, याति मे चटुलं मनः।।’
રાગદ્વેષ કે અહંકારમાં સુખ છે જ નહિ. માત્ર પીડા છે. પણ અનાદિકાલીન અભ્યાસથી મન એમાં જાય છે.
એ મનને સ્થિર કરવાનો ઉપાય યોગશાસ્ત્રે બતાવ્યો.
સાધક પાસે જો ત્રણ સજ્જતાઓ હોય તો એ પરમાં ઉપયોગને નહિ જવા દે.
•••
પહેલી સજ્જતા : સાધક ઉદાસીનભાવમાં ડૂબેલ હોય.
ઉદાસીન શબ્દ બહુ પ્યારો શબ્દ છે. ઉત્ + આસીન આ બે શબ્દોના જોડાણથી ઉદાસીન શબ્દ બનેલ છે.
ઉદાસીન એટલે ઊંચે બેઠેલ. ભેખડ પર રહેલ માણસ નદીને જુએ છે, પણ નદીના પાણીની છાલકોથી એ ભીંજાતો નથી. એને એ દૃશ્યની અસર થતી નથી.
એક સંતે એકવાર વાચનામાં કહેલું : તમે નદી ઊતરો ત્યારે પાણીનો સ્પર્શ તમને ન થવો જોઈએ. દેખીતી રીતે, આ ઘટના નામની નદીની વાત હતી… સાધક ઘટનાં-અપ્રભાવિત જ હોય.
સાધકો ગુરુની વાતના હાર્દને પામી ગયા. પણ થોડાક મહેમાનો આવેલા તે દિવસે. તેમણે ગુરુનું આ વાક્ય સાંભળી વિચાર્યું : આ શી રીતે બની શકે? (એ યુગમાં પુલ ન હતા) હા, ગુરુ ચમત્કારિક છે. પાણી ઉપર, હવામાં તેઓ ચાલતા હશે.
સાંજે જ ગુરુને નદીને પાર કરી ક્યાંક જવાનું થયું. મહેમાનો જોડે હતા. તેમણે જોયું તો ગુરુ પાણીમાં પગ મૂકીને નદી ઊતરતા હતા… બહાર જઈને ગુરુ આશ્રમમાં પણ આવી ગયા.
મહેમાનો મુંઝાયા… એ હિન્દુ ગુરુએ હસતાં હસતાં કહ્યું : નદી ઊતરતાં પાણી મારા પગને સ્પર્શ્યું હશે. હું પાણીને સ્પર્શતો નહોતો. કારણ કે હું પ્રભુને જ સતત સ્પર્શી રહ્યો હોઉં છું… ‘રોમે રોમે પરમ સ્પર્શ.’
અહીં હતો ઉદાસીનભાવ. તમે કોઈ અનુપ્રેક્ષામાં હો કે ભક્તિ આદિની ધારામાં; એ સમયે ઘટતી અન્ય ઘટનાઓમાં તમારો ઉપયોગ ક્યાંથી હોય?
•••
ઉદાસીનભાવમાં ડૂબેલ સાધક.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજના જીવનની એક ઘટના યાદ આવે છે. સૌધર્મેન્દ્રે પરમતારક સીમંધર દાદાને પૂછ્યું કે દાદા, ભરતક્ષેત્રમાં અત્યારે જ્ઞાની પુરુષ કોણ છે? પ્રભુએ દેવચન્દ્રજીનું નામ આપ્યું.
સૌધર્મેન્દ્ર પૂજ્યશ્રીના દર્શન માટે પૂજ્યશ્રી બિરાજમાન હતા ત્યાં આવે છે. તે સમયે પૂજ્યશ્રી પ્રવચન આપી રહ્યા હતા. સાદા વેષમાં સૌધર્મેન્દ્ર પાછળ આવીને બેસી ગયા સભામાં.
પોતાના વિશિષ્ટ શ્રુતબળ દ્વારા પૂજ્યશ્રીને સૌધર્મેન્દ્ર આવ્યાનો ખ્યાલ આવી ગયો. પણ જે રીતે પ્રવચન તેઓશ્રી આપતા હતા, એ જ રીતે આપતા રહ્યા. સૌધર્મેન્દ્રને જ્ઞાનથી પ્રભાવિત કરવાની ઈચ્છા લેશમાત્ર નહોતી ને!
•••
આથી જ, ‘औदासीन्यनिमग्न’ સાધક પ્રયત્નવિહોણો હોય છે એમ કહ્યું. વિભાવ તરફ જતી બધી પ્રવૃત્તિઓ નિરર્થક થઈ ગઈ. ઈન્દ્રને પ્રભાવિત કરવાની વૃત્તિ નથી. એટલે તે અંગેની પ્રવૃત્તિ પણ થતી નથી.
ઈન્દ્ર પાસેથી કશું જોઈતું જ નથી. તો શા માટે ઈન્દ્રને પ્રભાવિત કરવાનું મન થાય?
અને વૃત્તિ નથી તો પ્રવૃત્તિ ક્યાંથી રહેશે?
•••
ઉદાસીન દશામાં ડૂબેલ અને વૈભાવિક પ્રવૃત્તિઓથી મુક્ત સાધક પરમ આનંદમાં મગ્ન હોય છે.
હવે છે માત્ર આનંદ જ આનંદ.
ઘટના આમ ફરે કે તેમ ફરે; સાધકના ભીતરી આનંદને ઘટના સહેજ પણ ઓછો કરી શકતી નથી.
કોઈ પ્રશંસાના શબ્દો બોલે કે કોઈ નિંદાના શબ્દો બોલે; સાધક માટે તો શબ્દ એટલે પુદ્ગલ… અને પૌદ્ગલિક ઘટના જોડે પોતાને સંબંધ કેવો?
આવો પરમ આનંદમાં મહાલતો સાધક મનને ક્યાંય (પરમાં) જોડતો નથી. ‘क्वचिदपि न मनो नियोजयति।।’
•••
મન બહાર કેમ ભટકે છે એનો ખ્યાલ છે?
ભીતરનો આનંદ નથી પકડાતો; ઉપયોગ સ્વ ભણી જતો નથી; એટલે અનાદિની આદત મુજબ મન પરમાં જતું રહે છે.
પર તરફ જતાં મનને રોકો… આંશિક ભીતરી આનંદને માણો… એ આનંદની આછીસી ઝલક પણ પરમાં જતા ઉપયોગને પાછો ફેરવી શકશે.
સામાયિકમાં રહેલ સાધકને ખરેખર સમભાવના આનંદનો અનુભવ થાય તો એ દ્વેષની દુનિયામાં જઈ શકે?
પચાસ ડિગ્રી ગરમીમાં એ.સી.ની ઠંડક માણ્યા પછી, અને એ ઠંડક માણી શકાય તેમ છે હવે પણ; તો કોણ બળબળતા તાપમાં જશે?
મનનું નિયંત્રણ તમારા હાથમાં જ છે. એક જાગૃતિ છે તમારી પાસે. મન પરમાં જવાની કોશિશ કરશે ત્યાં જ તમે એને સ્વાધ્યાય, ભક્તિ આદિના ઊંડાણમાં એ રીતે લઈ જશો કે એ પર તરફ નહિ જાય…
•••
મન ક્યાં ક્યાં ભટકતું હતું એની દર્દીલી દાસ્તાન પૂજ્ય આનંદઘનજી મહારાજ આપે છેઃ રાત અને દિવસ, શહેરમાં ને જંગલમાં, પાતાળમાં ને આકાશમાં મન સતત ગતિ કર્યા કરે છે. સાવ નિરર્થક ભ્રમણ.
ઉપમા આપીઃ ‘સાપ ખાય ને મુખડું થોથું.’ સાપ કોઈને ડંખ મારે ત્યારે લોકભાષામાં એમ કહેવાય કે ‘સાપે આને ખાધો.’ પણ એમાં સાપને શું મળ્યું?
તેમ, મન આમ તેમ બધે ફર્યું; એને શું મળ્યું?- સિવાય કે અશાન્તિ.
પણ એ મન પર નિયંત્રણ તમારું હોય તો…?
યોગીરાજ આનંદઘનજી મહારાજ કહે છેઃ ‘મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી…’
અને છેલ્લે પ્રાર્થના કરે છે યોગીરાજ :
મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, તે આગમથી મતિ આણું ;
‘આનંદઘન’ પ્રભુ! માહરું આણો, તો સાચું કરી જાણું…
પ્રભુ! આવા મનને પણ તેં નિયંત્રિત કર્યું છે… અને આપ અયોગી બનેલ છો. આટલી જ પ્રાર્થના છેઃ મારા મનને પણ નિયંત્રિત કરવાનું બળ આપ મને આપો!
PARAVANI ANK 06
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
પ્રશ્ન : આપણી પરંપરામાં એક સરસ સુભાષિત છે : ‘गुरोस्तु मौनं व्याख्यानम्. शिष्यस्तु छिन्नसंशय000”
આ શ્લોકના ઊંડાણમાં અમને લઈ જાવ.
ઉત્તર : સુભાષિત એમ કહે છે કે સદ્ગુરુનું પ્રવચન મૌનમાં જ ચાલે અને શિષ્યના સંશયો દૂર થઈ જાય.
દેખીતી રીતે, સદ્ગુરુના ઑરા ફિલ્ડ (ઊર્જાક્ષેત્ર)ના સંબંધમાં આ વાત છે. તમે શાન્ત થઈને સદ્ગુરુનાં ચરણોમાં બેસો અને તમારા બધા જ પ્રશ્નો છૂ થઈ જાય.
હું ઉત્તરાર્ધમાં થોડો ફેરફાર કરું છુઃ ‘शिष्यस्तु छिन्नविकृतिः…’
સદ્ગુરુના ઊર્જાક્ષેત્રમાં બેસતાં શિષ્યના વિકારો દૂર થઈ જાય.
પૂર્વાર્ધને પણ ક્યારેક હું બદલું છું. ‘गुरोस्तु व्याख्यानं मौनम्…’ સદ્ગુરુ દોઢ કલાક બોલે, તો પણ તેઓ મૌનમાં હોય… ભીતર શબ્દોની કોઈ લકીર સરજાતી જ નથી ને!
બુદ્ધ માટે એમ કહેવાય છે કે તેઓ 40 વર્ષ બોલેલા… બૌદ્ધ ધર્મની બે મુખ્યા શાખા : હીનયાન, મહાયાન.
એક શાખા કહે છે કે ભગવાન બોલ્યા જ નથી. બીજી શાખા કહે છે કે તેઓએ 40 વર્ષ ઉપદેશ આપ્યો.
પાછળથી આર્યોએ એનું સમાધાન આપ્યુઃં બુદ્ધ બોલવા છતાં મૌનમાં જ હતા. ભીતર આછીસી લકીર પણ સર્જાઈ નહોતી.
આ સન્દર્ભમાં એક સરસ ગીત વાંચવા મળેલું, જે અહીં મૂકું છું. (મેં વાંચ્યું ત્યાં રચનાકારના નામનો ઉલ્લેખ નહોતો…)
સદ્ગુરુનું સાન્નિધ્ય પૂરતું,
કશું બીજું ના ખપનું…
ઊઠે બેસે હરે ફરે કે
મૌન રહે કે બોલે;
અનેક રૂપે અનેક રીતે,
કેવળ એ ઢંઢોળે…
પલક માત્રમાં પછી પરખીએ,
શું સાચું? શું સપનું…?
રાજી થઈને સતત રાખવી,
વીંધાવા તૈયારી;
ત્વરા તીવ્રતા તીર સમી,
દે લખ ચોરાશી તારી…
ને ઝોળી છલકાવે એવી,
તુચ્છ બને જગ સુખનું…
કશું બીજું ના ખપનું…
સદ્ગુરુનું સાન્નિધ્ય પૂરતું.
•••