Prarthana : Antaryami Satheni Guftagu

10 Views

પ્રાર્થના : અન્તર્યામી સાથેની ગુફ્તેગૂ
Paravani Ank – 11

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

એક માતાએ, મેળામાં, દીકરાને કહ્યું : બેટા! તું મારો હાથ પકડી રાખજે.

દીકરાએ ના પાડી.

કારણ મઝાનું હતું. દીકરાએ કહ્યું : મા! કદાચ કોઇ પળે મારો હાથ તારા હાથથી છુટ્ટો પડી જાય તો…? તું જ મારો હાથ પકડી રાખ.

માએ તેમ જ કર્યું.

આ જ લયમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે : ‘તુમિ આમાર નયને નયન રેખો…’ પ્રભુ! તમે મારી આંખોમાં આંખ પરોવી રાખો!

હા, મને બહુ ગમે તમારી આંખોમાં આંખ પરોવીને બેસવાનું. બહુ જ ગમે. પણ કોઇ નિર્બળ ક્ષણે મારી આંખો બીજે ક્યાંક ઠરે તો…?

માટે, તું મારી આંખોમાં આંખ પરોવી રાખ!

•••

પ્રાર્થના : અન્તર્યામી સાથેની ગુફ્તેગૂ.

અમૃતવિજય મહારાજે એક હૃદયંગમ પ્રાર્થના પ્રભુનાં ચરણોમાં પેશ કરી છે.

ન કોઇ પ્રસ્તાવના, ન કોઇ પૂર્વભૂમિકા. હા, અન્તર્યામી સાથે વાતડી/ગોઠડી છે ને! ‘તું ગત મેરી જાને જિનજી!’ પ્રભુ! તું અન્તર્યામી છે. અને તેથી મારા હૃદયની વાત તું જાણે છે.

અને તું જાણે છે, છતાં હું જણાવવાનો… કારણ કે તારી જોડે વાત કરવાની મજા આવે છે.

‘મૈં જગવાસી, સહી દુખરાશિ, સો તો તુમ સે નહિ છાને…’ હું જગતમાં રહું છું, માટે દુઃખી છું; આ વાત તમારાથી છાની થોડી છે?

‘સબ લોકન મેં જિન કી સત્તા, દેખત દરિસન જ્ઞાને…’ તમે કેવળજ્ઞાન વડે જુઓ છો કે હું દુઃખી છું; તો મને સુખી કેમ નથી કરતા?

જગવાસિતા ત્યાં દુઃખ. પ્રભુવાસિતા ત્યાં સુખ. મને તમારાં ચરણોમાં જ રાખો ને!

•••

પ્રાર્થનામાં વેદનામિશ્રિત અધિકાર દ્વારા એક નવો આરોહ પેદા થાય છે : ‘ઈન કારણ ક્યા તુમ સેં કહેવો, કહીએ તો ન સૂને કાને…’

તમે જાણો છો; તો પછી તમને કહીને શું કરવાનું? અને કહીએ તોય શું? મારી વાત તમે ક્યારે સાંભળો છો?

ભક્તનો આ વિશેષાધિકાર. પોતાની વાત સીધી રીતે સંભળાતી ન લાગે ત્યારે ભક્ત આ ભાષાને વાપરે છે.

•••

યાદ આવે ઉદયનાચાર્ય. પ્રખર દાર્શનિક અને એટલે જ પાછળથી થયેલ પરમ ભક્ત. શંકરાચાર્ય કહે છે તેમ “तर्कः अप्रतिष्ठितः” સૂત્ર દરેક તાર્કિકની અનુભૂતિનું જ હોય છે.

હિન્દુ સંસ્કૃતિ પર બૌદ્ધ સંસ્કૃતિનું આક્રમણ થયું ત્યારે હિન્દુ સંસ્કૃતિની સુરક્ષામાં ઉદયનાચાર્યનો મોટો ફાળો.

એક ગામમાં તેઓને આવવાનું થાય છે. એ ગામમાં મહાદેવજીનું મંદિર હતું; જે આકસ્મિકરૂપે બંધ થઇ ગયેલું. ઘણા ભક્તોએ ઘણી પ્રાર્થના કરી, પણ મંદિર ખૂલે નહિ.

અને એમાં ઉદયનાચાર્યને ત્યાં આવવાનું થયું. ગામ લોકોને શ્રદ્ધા કે આજે તો પ્રભુ પોતાના આ ભક્તને દર્શન આપશે જ.

ઉદયનાચાર્ય ગામમાં પ્રવેશ્યા અને મંદિરે સીધા ગયા. સવારના નવેક વાગ્યા હશે. મંદિરના દ્વાર બંધ હતા. ઉદયનાચાર્યે ગામના અગ્રણીને ઈશારાથી પૂછ્યું : દ્વાર કેમ બંધ છે?

અગ્રણીએ બધી વાત કરી, અને ઉમેર્યું કે ગુરુજી, આજે દ્વાર જરૂર ખૂલી જશે…

ઉદયનાચાર્યે પ્રાર્થના કરી. પણ દ્વાર ન ખૂલ્યા. એ વખતે તેમણે પ્રભુને કહ્યું :

ऐश्वर्य मदमत्तोऽसि, मामवज्ञाय तिष्ठसि।
समापतिते तु बौद्धे, मदधीना तव स्थितिः।।

…તું મારી અવજ્ઞા કરે છે? બૌદ્ધોના આક્રમણ
સમયે હું હતો તો તું ટક્યો છે!

ખટાક્ કરતાં દ્વાર ખૂલી ગયા.

•••

‘ઈન કારણ ક્યા તુમ સેં કહેવો, કહીએ તો ન સૂને કાને…’ તમે જાણો છો, માટે તમને શું કહું? અને કહું છું તો તમે કાન ધરતા નથી!

ભક્તહૃદયને લાગે છે કે થોડું વધુ કહેવાઇ ગયું પ્રભુને. એટલે હવે તાન-પલટો આવે છે : ‘અપનો હી જાન નિવાજ કીજે, દેઈ સમકિત દાને…’ હું તમારો જ છું ને, પ્રભુ? તો પછી, મારે કહેવાનું શા માટે હોય? મારી ઈચ્છાને જાણીને મને સમ્યગ્દર્શન તું જ આપી દે ને !

અને હવે સમાપન : ‘માનો અજિત પ્રભુ! અરજી એ ઈતની, જ્યું અમૃત મન માને…’

•••

પ્રાર્થનાની વાત હોય ત્યારે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ભાવવિશ્વમાંથી પસાર થવાનું બહુ જ ગમે.

‘ઈન કારણ ક્યા તુમ સેં કહેવો?’ પંક્તિ પરનું આ ભાષ્ય કેટલું તો મઝાનું છે!

‘હે જીવનવલ્લભ!
મારા મર્મની કથા, અંતરની વ્યથા
કશું જ તમને નહિ કહું.
જીવન અને મન
કેવળ તમને અર્પણ કરેલ છે.
તો બધું સમજી લો. હું વળી શું કહું?’

•••

પ્રસિદ્ધ ચિન્તક રૂમી યાદ આવે છે –

‘પ્રભુ!
અમે તો વાંસળી છીએ,
જેનું સમગ્ર સંગીત તારું છે.

અમે તો પર્વત છીએ,
જે તારા સાદને જ પ્રતિધ્વનિત કરે છે.

અમે તો શતરંજના એ મહોરા છીએ,
જેમને તું પંક્તિમાં ગોઠવે છે અને
તારી ઈચ્છા પ્રમાણે ચલાવે છે…’

ભક્ત છે ઈચ્છારહિત. ‘એ’ની જે ઈચ્છા હોય તે… એનું પૂરું જીવન પ્રભુકૃપા પર આધારિત છે. અને એટલે જ રૂમી એક જગ્યાએ કહે છે :

‘આશિકોનો તો એક જ પંથ છે, ધર્મ છે, સંપ્રદાય છે :
સ્વને ઓગાળી નાખવું.
સ્વને સમર્પિત કર્યા વિના
સત્ત્વને પામવાનો કોઇ માર્ગ નથી.

તો, ઓગાળી નાખો તમને.
સમગ્ર વિસર્જિત થાય ત્યાં સુધી શૂન્ય બની જાવ.
આવો અને જુઓ, મેં તો સમગ્રને પામી લીધું છે
શૂન્યતામાં જ.’

•••

કુન્દનિકા કાપડિયા આ જ લયને આગળ વિસ્તારે છે :

‘મારી પ્રાર્થનાના શબ્દો જ્યારે શમી જાય અને
તેનો ધ્વનિ પણ આકાશમાં લય પામે
ત્યારે મારા ભાવનાં સ્પન્દનો હૃદયમાં ઝંકૃત થયા કરશે.

એ ભાવની લહરીઓ પણ
તમારે ચરણે ઢળી, ઊછળી, ઓસરી જાય
ત્યારે મારા પ્રાણના ગભીર તટે તમારો સ્પર્શ રહેશે.’

•••

સંત જ્ઞાનેશ્વર આ જ અભેદાનુભૂતિના લયને અભિવ્યક્ત કરે છે :

‘વૃત્તિ સહિત,
મારા અહંકારને ઓગાળી દે,
મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં-
નિવૃત્તિમાં તારી છાપ ઊપસવા દે,
મારા મનને
તારાં ચરણોમાં રહેવા દે.
મારા દેહ-ઈન્દ્રિયાદિ સર્વ
તારામય થાઓ!
નામશેષ થઇ જાઉં…’

•••

નામશેષ થઇને નિત્ય આનંદ લોકમાં પ્રવેશવાની ઝંખના કુંદનિકા કાપડિયાના શબ્દોમાં :

ભગવાન!
બધું અમને આપવા પાછળ,
જરૂર, તમારો કોઇ હેતુ છે. અને
બધું અમારી પાસેથી લઇ લેવા પાછળ પણ
તારો કોઇ ચોક્કસ હેતુ છે.

બન્નેમાં તારી કૃપા જ કામ કરે છે.

માર્ગ ફૂલનો હોય કે કાંટાનો,
એના પર ચાલીને હું તારા ભુવનમાં પહોંચું.

જ્યાં સંપત્તિ સંપત્તિ નથી,
ને વિપત્તિ વિપત્તિ નથી.

જ્યાં બાહ્ય આવરણો અને
આભાસો ખરી પડે છે…

જ્યાં સર્વ કાંઇ તારી લીલાનો જ આનંદ છે,

બધી પરિસ્થિતિઓમાંથી
હળવાશથી પસાર થઇ
આ નિત્ય આનંદલોકમાં પહોંચું…

એવી મને સ્થિરતા આપજે,
એવી મને ગતિ આપજે…

•••

પ્રભુ પાસેથી આ ગુફ્તેગૂ. એની સાથેની ક્ષણો. કેવી તો મીઠડી હોય!

ન્યૂ જર્સી, અમેરિકામાં રહેતાં ભક્તહૃદયા જિજ્ઞાબહેનની એક કવિતા ભાવકને પ્રભુ સાથેની અંતરંગ ગોઠડી તરફ લઇ જાય છે :

‘એક સાવ ખાનગી વાત આજે કહું, માત્ર તારી ને મારી વાત, બીજું કોઇ ન જાણે, ન સમજે એ વાત :

હું તને ચાહું છું, મારા પ્રભુ! એ ચાહત, જે તેં યુગોથી મને કરી, જન્મોથી અકારણ વાત્સલ્ય તેં વહાવ્યું, પણ એ પ્રેમ એકતરફી જ રહ્યો; હું તો અજાણ બની રખડતી રહી.

આજે કોઇક ભીની ક્ષણે મેં તને જોયો, તારું વાત્સલ્ય, તારી કરુણા મેં સહેજ પીધી; અને તું ગમ્યો, તને સહસા જ નમી જવાયું અને ત્યાં તો તારી અનરાધાર ચાહત અનુભવાઇ…

મારો હું જરાક ભૂંસાયો, ને રોમે રોમમાં સ્પન્દન બનીને તું છવાયો; આ ચાહતને હજુ ખીલવા દે, વિકસવા દે કે મારો મોક્ષ છે આ જ ચાહત, પ્રભુ! એક સાવ ખાનગી, ને તોય જાહેર વાત : ‘હું તને ચાહું છું, મારા પ્રભુ!’

•••

કુંદનિકા બહેનની એક હૃદયંગમ પ્રાર્થના વડે,
આ યાત્રાને અત્યાર પૂરતી, થોભાવીએ;

‘જીવનની સ્પર્ધામાં આગળ નીકળી જવાની આકાંક્ષાથી,
પાછળ રહી જવાના ભયથી સતત દોડતા રહીએ છીએ. 

કોઇક વાર તારો સાદ સંભળાય છે, પણ અમે કહીએ છીએ :
પછી, પછી હમણાં સમય ક્યાં છે?’

તું માર્ગમાં થોડાં વિઘ્નો મૂકે છે, કે અમે સહેજ અટકીએ, જરા પાછળ ફરીને જોઇએ. પણ અમે તો બમણા ઝનૂનથી આગળ વધીએ છીએ અમારી હોશિયારી વડે અમારા પ્રશ્નોનો ઉકેલ શોધીએ છીએ. અને એક દિવસ બધું જ પડી ભાંગે છે. તે દિવસે ખ્યાલ આવે છે કે આ તે કેવી મૂર્ખતા! પ્રેમ તને કરીએ છીએ એમ મનને મનાવ્યું પણ દોટ તો બીજી જ વસ્તુ પાછળ મૂકી, આધાર તો બીજા બળોનો જ લીધો… પણ સાંજ ઢળ્યે સરવૈયું કાઢ્યું ત્યારે જણાયું કે કેવી તુચ્છ બાબતોમાં જીવન વહી ગયું…

વરદાનોનો ધોધ આંગળીઓ વચ્ચેથી સરી ગયો,
દિવસ ડૂબી ગયો ને અંતરમાં દીવો થયો નહિ.

PARAVANI ANK 11

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : પ્રભુના અભિષેક સમયની આ કડીનો રહસ્યાર્થ સમજાવશો?

‘જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર;
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાય ચકચૂર…’

ઉત્તર : ભીતરી મેરુ અભિષેક સમયની આ કડી છે. મેરુ પર્વત પર પ્રભુનો અભિષેક થયો ત્યારે આપણે હતા કે નહિ, તે ખબર નથી. પરંતુ આ ભીતરી મેરુ અભિષેક તો દરેક સાધક કરી શકે.

મેરુ પર્વત કયો? પ્રભુનો અભિષેક જ્યાં થાય છે, તે પાંડુક વનની શિલા કઇ?

આપણી કરોડરજ્જુને યૌગિક ભાષામાં મેરુદંડ કહેવાય છે. મેરુ ક્યારેય ન ઝૂકે, તેમ આ કરોડરજ્જુ સીધી જ રહેવી જોઇએ.

પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન આ બધાં આસનોમાં પગની પરિસ્થિતિમાં ફરક પડે છે. કરોડરજ્જુ તો ટટ્ટાર જ જોઇએ.

તો, આ મેરુદંડ તે અંદરનો મેરુ પર્વત. અને પાંડુક વનની શિલા છે સહસ્રાર.

સહસ્રાર હજાર પાંખડીવાળું કમળ છે (મસ્તકમાં ચોટીના ભાગની નીચે), જે જન્મો જન્મોથી બીડાયેલ હોય છે. ‘ત્રણ રીતે આ કમળ ખીલે છે : (1) સદ્​ગુરુના વાસક્ષેપથી, (2) સદ્​ગુરુ દ્વારા અપાતી મન્ત્રદીક્ષા દ્વારા. સદ્​ગુરુ એવી રીતે મંત્ર આપે કે એ કાન દ્વારા સીધો સહસ્રારમાં જાય અને સહસ્રાર ખીલે. (3) કુંડલિની શક્તિ મૂલાધારથી ઉપર ચઢીને સહસ્રારમાં આવે ત્યારે…’

આ સહસ્રારમાં પ્રભુ બિરાજમાન છે એવી ભાવના કરવી. અને પછી અભિષેક ચાલુ થશે.

અભિષેક આન્તરિક છે, તો કળશ અને જળ પણ આન્તરિક જ રહેશે. જ્ઞાનનો/જ્ઞાતાભાવનો કળશ અને સમભાવ રૂપી જળ…

•••

જ્ઞાતાભાવ.

જ્ઞેયોનું (પદાર્થો/વ્યક્તિઓનું) જ્ઞાન કર્યા પછી સાધક રાગ-દ્વેષમાં સરે છે, તે છે અજ્ઞાન.

પણ માત્ર તમે જાણી રહ્યા છો. સારા કે નરસાનો ભાવ પદાર્થો આદિ માટે તમે નથી કરતા, તો એ છે જ્ઞાતાભાવ.

ખુરસી ખુરસી છે. એ સારી છે કે ખરાબ છે એ વાત એક ભ્રમણા જ હતી. જે જ્ઞાતાભાવ આવતાં અદૃશ્ય થાય છે.

પીળા કલરની ખુરસી હોય કે રાખોડી રંગની; શો ફરક પડે છે? નીચે બેસવાની તકલીફ છે, તો ખુરસી પર બેસો. ટેબલ હોય તોય ચાલે. પાટ પણ ચાલે.

આને ઉપયોગિતાવાદ કહેવામાં આવે છે. જરૂરી હતું; વપરાશ કર્યો; આગળ ચાલો…

•••

કળશમાં જ પાણી ભરી શકાય ને! જ્ઞાતાભાવના કળશમાં જ સમભાવનું જળ ભરી શકાશે.

જ્ઞાતાભાવ ન હોય તો શું થાય? આ પદાર્થ સારો, આ પદાર્થ ખરાબ… આ પદાર્થ તો મારે કોઇ પણ સંયોગોમાં ચાલે જ નહિ… આવી ગમા-અણગમાની સતત વૃત્તિઓ ચાલતી હોય એ મનમાં સમભાવ કઇ રીતે આવી શકે?

જ્ઞાતાભાવથી સભર મનના કળશમાં સમભાવનું જળ રહેશે.

ન ગમો, ન અણગમો. માત્ર સમભાવ…

•••

આ સમરસનો અભિષેક જ્યારે થાય અને પૂરું અસ્તિત્વ એમાં ભીંજાઈ ગયું હોય; કર્મ શી રીતે રહેશે? સત્તામાં રહેલ કર્મ ઉદયમાં આવશે. પણ એ વખતે સમભાવ હોવાથી એ કર્મની નિર્જરા જ થશે.

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *