ચિદાનન્દ કી મોજ મચી હૈ…
Paravani Ank – 12
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
એક મઝાનું ધ્યાનસૂત્ર ભક્તિયોગના ઉદ્ગાતા પૂજ્ય મોહનવિજય મહારાજે આપ્યું : ‘ધ્યાનની તારી રે લાગી નેહસું…’
પ્રભુ પ્રત્યેના પ્રેમથી લાગી ધ્યાનની તન્મયતા (તારી). ભક્તિ અને ધ્યાનને સાધન-સાધ્ય તરીકે પ્રસ્તુત કરવાની આ રીત કેટલી તો મોહક લાગે છે!
આ બાજુ પ્રભુ પ્રત્યેનો પ્રેમ. પેલી બાજુ ધ્યાન. વાહ! કેટલું મઝાનું આ સમીકરણ! સરસ, હૃદયંગમ સાયુજ્ય.
પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગાઢતાથી જ્યારે અસ્તિત્વમાં પ્રસરે છે ત્યારે વિભાવને રહેવાની જગ્યા જ ક્યાં રહેશે?
વિભાવશૂન્યતા વિકલ્પશૂન્યતાની પૃષ્ઠભૂ પર સ્વાનુભૂતિનું આ મઝાનું અવતરણ.
‘ધ્યાનની તારી રે લાગી નેહસું…’ પ્રભુ-પ્રીતિની, ભક્તની, પ્રગાઢ આન્તરદશામાં પર તરફ લઇ જનાર વિકલ્પો ક્યાં? ને ઉપયોગ પરમાં નહિ ભળે, તો સ્વમાં જ રહેશેને!
સેંકડો સાધનાગ્રન્થો જે બાજુ ઈંગિત કરવા ચાહે છે, તે સૂત્ર આ છે : ઉપયોગને સ્વ ભણી લઇ જાવ! સ્વનું સ્વમાં રહેવું તે જ ધ્યાન!
‘ધ્યાનની તારી રે લાગી નેહસું…’ કડીની સાધના પંચપદીના રૂપમાં આપણને મળે છે :
ચેતનાની અહોભાવાત્મ પ્રભુમયતા.
પરમાંથી રસનું ઓછું થવું.
ઉપયોગનું પરમાં જવાનું ઓછું થાય.
ઉપયોગ સ્વ ભણી જાય.
ઉપયોગ સ્વમાં સ્થિર થઇને (થોડો સમય) રહે.
સ્વમાં ડૂબવાની આ ક્ષણોનું વર્ણન મહોપાધ્યાય યશોવિજય મહારાજે એક પદમાં કર્યું : ‘ગુરુ નિરંતર ખેલા…’ સતત ખેલની/સાક્ષીભાવજન્ય હળવાશની પળોનો અનુભવ સદ્ગુરુ કરે છે.
કર્તૃત્વ છે ત્યાં થાક રહેવાનો.
અસ્તિત્વમાં/Beingમાં આનંદ જ આનંદ… ઘટના આમ ઘટે કે તેમ ઘટે;
જેણે માત્ર પર્યાયોને જોવાના જ છે તે તો મઝામાં જ હોય ને!
કોઇ ગાળો આપે તોય જ્ઞાની કહેશે : આ તો પર્યાય છે. એને જોવાનો હોય. એમાં ભળવાનું ન હોય. અને કોઇ પ્રશંસા કરે તો…? તોય એ જ ઉત્તર!
રમણ મહર્ષિને કો’કે પૂછેલું : ભક્તો આપના ગળામાં ફૂલોના હાર પર હાર પહેરાવે… ઘણું સન્માન કરે… એ સમયે આપને શું થાય?
મહર્ષિ હસ્યા. એમણે કહ્યું : રથયાત્રામાં ભગવાનના રથને બળદો જોડાયેલ હોય, એમના ગળામાંય લોકો ફૂલની માળા પહેરાવે. પણ બળદને તો ભાર વધે. બીજું શું થાય?
‘ગુરુ નિરંતર ખેલા…’
સ્વરમણતાની આ ક્ષણોને, મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શ્રી શાન્તિનાથ પ્રભુની સ્તવનામાં વિસ્તારી : ‘ચિદાનંદ કી મોજ મચી હૈ, સમતા રસ કે પાન મેં…’
પ્રભુના પ્રશમ રસનું પાન અને ચિદાનંદની મસ્તી.
પ્રભુના પ્રશમ રસને માત્ર જોવો નથી, પીવો છે. અનુભવવો છે. જોવાની પ્રક્રિયામાં દૃશ્ય તમારાથી દૂર છે. પણ પીઓ છો ત્યારે…?
યાદ આવે ચિદાનન્દજી મહારાજ : ‘જિને એ પિયાલા પિયા તિનકું, ઓર કેફ રતિ કૈસી?’
‘સમતા રસ કે પાન મેં…’ પ્રભુના પ્રશમ રસને પીઓ. અનુભવો.
કોણ પી શકશે એ પ્રશમ રસનો પ્યાલો? એને પીવાની રીત સદ્ગુરુ બતાવે છે. અને એટલે જ આનંદઘનજી ભગવંતે કહ્યું : ‘સગરા હોય સો ભર ભર પીવે, નગરા જાયે પ્યાસા…’ સદ્ગુરુને સમર્પિત વ્યક્તિને સમતા રસના – પરમ રસના પ્યાલાના પ્યાલા ભરીને પીવા મળે છે.
પ્રભુના પ્રશમ રસને જોતાં ભીતરી પ્રશમ રસનું દર્શન, અનુભવન.
હવે?
ચિદાનંદ… ચિદ્ (જ્ઞાન) અને આનંદ.
જ્ઞાન જ્ઞાયક ભણી જશે. આનંદ જ આનંદ.
જ્ઞાન જ્ઞેયો તરફ જાય. અને જ્ઞેય પદાર્થો આદિમાં સારા, નરસાની કલ્પના કરી રાગ અને દ્વેષને આત્મા ઉપાર્જિત કરે.
પણ જ્ઞાન જ્ઞાયક તરફ જાય તો…?
સ્વ સ્વરૂપનું ભાન અનુભૂતિ ઊઘડતી જાય. ‘હું
છું નિર્મલ ચૈતન્ય, હું છું આનંદઘન…’
મહોપાધ્યાય યશોવિજયજી યાદ આવે : ‘જ્ઞાયક ભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે…’
તમે છો જ્ઞાતા. સાક્ષી. કશુંક ઘટી રહ્યું છે આજુબાજુમાં, પણ તેની સાથે તમારો સંબંધ રચાતો નથી. પર્યાયો ઘટિત થયા કરે. તમે પર્યાયોના માત્ર સાક્ષી છો. એ પર્યાયોમાં તમારે તમારા ઉપયોગને મૂકવાનો નથી.
‘ચિદાનંદ કી મોજ મચી હૈ…’ મહોપાધ્યાયજીને એક ભાવકે કહેલું : ગુરુદેવ! આપ તો આ મસ્તીમાં છો જ. અમને એની થોડી વાત તો કરો!
ત્યારે એમણે કહ્યું : ‘જિન હી પાયા, તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં…’ ભાઈ, આ મસ્તીને શબ્દોમાં કેમ સમાવવી? જેણે મેળવી તેણે એ અનુભવી. એવા શબ્દો જ આ દુનિયામાં નથી; જે એ અનુભવને સમાવી શકે.
‘રસ્તો એક જ છે’, મહોપાધ્યાયજીએ આગળ કહ્યું, ‘તું એને અનુભવ. અનુભૂતિ વિના, માત્ર શબ્દોથી એ મસ્તીને જાણી ન શકાય. માણો… માત્ર એક જ માર્ગ છે…’ (‘તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સહુ સાન મેં…’)
ન શબ્દો દ્વારા એને સમજી શકાય; ન વિચારોથી; માત્ર અનુભવથી જ એને પામી શકાય. ‘કઠોપનિષદ્’નું સૂત્ર યાદ આવે : ‘नायमात्मा प्रवचनेन लभ्य:, न मेधया, न बहुना श्रुतेन…’
સાધકોના એક વૃન્દ સાથે સંગોષ્ઠિ ચાલતી હતી. એક સાધકે પૂછ્યું : અમે ક્યાં અટકીએ છીએ? અમારી સાધના ક્યાં અટકી ગઇ છે?
વિચારક સાધકો બધા હતા. મેં કહ્યું : તમારી સાધના અનુપ્રેક્ષાએ અટકી છે… તમે એક શબ્દ પર કલાકો સુધી બોલી શકો છો કે ઘણું બધું લખી શકો છો. પણ ધ્યાન ક્યાં? અનુભૂતિ ક્યાં?
શબ્દો કે વિચારો અનુભૂતિ તરફ લઇ જાય ત્યારે તો તે સાર્થક; પણ શબ્દો કે વિચારો તેમની ભૂમિકાએ અટકી જાય તો તે સાધક માટે કાર્યક્ષમ નથી.
સાધકોને પણ લાગ્યું કે પોતે અનુપ્રેક્ષાએ અટકી ગયા છે, તે બરોબર નથી. અનુભૂતિ સુધી જવું છે.
અનુભૂતિની ક્ષણોમાં જ આ કેફિયત આવી :
‘ચિદાનન્દ કી મોજ મચી હૈ, સમતા રસ કે પાન મેં…’
પૂજ્ય આનંદઘનજી ભગવંત યાદ આવે :
‘અનુભવલાયક વસ્તુનો રે, જાણવો એહિ ઈલાજ; કહન સુનન કછુ નહિ પ્યારે…’
અનુભૂતિ થતાં શબ્દો અને વિચારો કેવા તો નિસ્તેજ બને છે એનું આલંકારિક વર્ણન સંત કબીરજીએ આપ્યું : ‘દુલહા દુલહન મિલ ગયે, ફિકી પડી બારાત…’ આત્મા સ્વરૂપદશામાં ડૂબ્યો. હવે ક્યાં શબ્દો? ક્યાં વિચારો?
મઝાની વાત આ સ્તવનાનાં બે વિધાનો/સ્ટેટમેન્ટ્સની છે. એક વિધાન આપણે જોયું : ‘જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં…’
એના પછી તરત આ વિધાન આવ્યું : ‘પ્રભુગુણ અનુભવ ચન્દ્રહાસ જયું, સો તો ન રહે મ્યાન મેં…’ પ્રભુગુણના અનુભવ રૂપી ચન્દ્રહાસ તલવાર મ્યાનમાં કેમ રહી શકે?
બેઉ વિધાનો પહેલી નજરે સામસામા લાગે. પણ એવું નથી. તારણ એ આવે કે અનુભવને શબ્દોમાં કહી શકાતો નથી. પણ અનુભૂતિમાન મહાપુરુષના મુખ સામે તમે જુઓ કે તરત તમે એ અનુભૂતિને ‘જોઇ’ શકો.
શ્રીપાળ રાસમાં મહોપાધ્યાયજી કહે છે :
‘અનુભવ મેરુ છિપે કિમ મોટો?’ તણખલાને છુપાવી શકાય. અનુભવ તો મેરુ પર્વત છે, તેને કેમ કરી છુપાવી શકાય?
અનુભૂતિમાન મહાપુરુષોના મુખ પર દેખાતી એ દિવ્ય શાન્તિને માત્ર જોવી નથી; એને અનુભવવી છે.
એક બીજી પણ મઝાની પરંપરા, આ સન્દર્ભે, આપણે ત્યાં છે : જીવન્ત ગુરુ અને ગ્રન્થ ગુરુની.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ મારા ગ્રન્થ ગુરુ છે. એમના સ્તવનની એકાદ પંક્તિ વાંચું કે રટું; અવર્ણનીય આનંદ વ્યાપી રહે છે. એ આનંદ અનુભૂતિ ભણી દોરી જાય છે.
અભિનંદન જિન સ્તવનાની આ પંક્તિ ઘણી વાર હૃદયનો કબજો લઇ લે છે :
‘આત્મવિભૂતે પરિણમ્યો,
ન કરે તે પરસંગ હો…’
ભીતરના આનંદમાં ડૂબ્યા; હવે પરનો સંગ ક્યાં? આ શબ્દ-સ્પર્શ એવો તો થઇ રહે ગ્રન્થગુરુનો કે પરનો સંગ છૂટી જાય.
ગ્રન્થગુરુ જોડેનો સંબંધ તેમના શબ્દોમાં રહેલ અનુભૂતિને હાથવગી બનાવી દે છે.
‘ચિદાનંદ કી મોજ’ હવે ક્યાં દૂર છે?
PARAVANI ANK 12
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
પ્રભુકૃપાની અનુભૂતિ…
પ્રશ્ન : પ્રભુની કૃપાનો પ્રત્યક્ષ અનુભવ ક્યારે થયો આપને?
ઉત્તર : ગુરુકૃપાથી પ્રભુકૃપાનો અનુભવ થયો. ત્રીસ વર્ષની વય સુધી કૃપા શું છે એનો ખ્યાલ
સુદ્ધાં ન હતો. પૂર્વના ને પશ્ચિમના ચિન્તકોને વાંચ્યા કરતો. પણ એ વાંચન ઉપરછલ્લું જ હતું.
અગણિત અતીતથી જે રીતે અહમ્ના કોચલામાં સફર થયા કરતી હતી, તેવી જ આ સફર હતી.
પણ હું નિપટ ‘અજ્ઞાની’ હતો ને.
•••
ગુરુદેવશ્રી બધું જોઇ રહ્યા હતા. એમણે જોયું કે યશોવિજય વાંચે છે ઘણું, પણ એની ભીતર કશું જતું હોય એવું લાગતું નથી… શબ્દોની દુનિયામાં જ એ અટવાઈ ગયો છે.
ગુરુદેવની કરુણા મુખરિત બની. એકવાર એમણે મને બોલાવ્યો. હું વન્દના કરીને તેઓશ્રીનાં ચરણોમાં બેઠો. તેમણે પૂછ્યું : પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને તેં વાંચ્યા છે?
મેં કહ્યું : ના જી.
ગુરુદેવે કહ્યું : તું એમને વાંચ. મેં કહ્યુંઃ સાહેબજી, તેમના કયા ગ્રન્થથી શરૂઆત કરું?
ગુરુદેવે કહ્યું : પહેલાં ‘યોગબિન્દુ’ વાંચ.
મેં ‘યોગબિન્દુ’ વાંચવાનું શરૂ કર્યું. તેમાં છેલ્લે આવ્યું : ‘विदुषां शास्त्रसंसारः, सद्योग-रहितात्मनाम्.’ (યોગ-ચક્ષુ વિનાના વિદ્વાનો પાસે ગ્રન્થોનો પણ એક સંસાર હોય છે!)
આ પંક્તિએ જોરદાર તમાચો મારી બહિર્વૃત્તિઓ પર લગાવ્યો. હું શું કરી રહ્યો હતો? સામાન્ય વ્યક્તિ પાસે પદાર્થોનો સંસાર હોય છે. મારી પાસે હતો શાસ્ત્રોનો સંસાર.
શબ્દસ્પર્શ, ગ્રન્થગુરુનો, એવો તો ઊંડાણમાં ગયો કે બહિર્વૃત્તિઓ ખરવા લાગી.
પ્રભુની કૃપાનો આ પ્રત્યક્ષ અનુભવ.
એ કૃપા ભીતર ઊતરતી ગઇ; અંધારું ઉલેચાવા લાગ્યું. પૂજ્યપાદ રામવિજય મહારાજના
શબ્દોમાં કહું તો ‘અધ્યાતમ રવિ ઊગ્યો, મુજ ઘટ, મોહતિમિર હર્યું…’
પ્રભુકૃપાએ મોહના અંધારાને હરી લીધું.
•••
પૂજ્ય ગુરુદેવે ગ્રન્થગુરુ તરીકે મને હરિભદ્રસૂરિ મહારાજ આપ્યા. પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરિ દાદાએ મને ગ્રન્થગુરુ તરીકે પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ આપેલા.
•••