Nij Swaroop Je Kiriya Saadhe

16 Views

નિજ સ્વરૂપ જે કિરિયા સાધે
Paravani Ank – 13

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

ડૉક્ટરે એક સદ્​ગૃહસ્થને તપાસીને કહ્યું : તમને હાઈપર ટેન્સન અને ડાયાબિટીસ છે. દવા એ માટે આપું છું. એની સાથે હમણાં રોજ પાંચ કિ.મી. ચાલો!

ડૉક્ટરની વાત માની એ સજ્જન રોજ એ રીતે મોર્નિંગ વૉક કરે છે. અઢી કિલોમીટર ઘરેથી દૂર જઇ ફરી ઘરે આવી જાય. તેમનું લક્ષ્ય કોઇ સ્થળ નથી. એ ઘરે જ રહે છે. માત્ર સવારે વૉક કરી આવે છે.

ચાલનારા બે જાતના હોય છે. એક, મોર્નિંગ વૉકર્સ, જેમને ક્યાંય જવાનું નથી હોતું. ઘરેથી નીકળી ઘરે આવવાનું.

બીજા ચાલનારા છે લક્ષ્યની તરફ જનારા. એમનું ગન્તવ્ય બિન્દુ સ્પષ્ટ છે. અને તે મંઝિલ તરફ લઇ
જનાર માર્ગ પર તેઓ ચાલે છે.

•••

સાધનાપથના યાત્રિક તરીકે આપણું લક્ષ્ય શું?

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે આપણી સાધનાને સાધ્ય સાથે સાંકળતાં કહ્યું : ‘નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે…’ જે સાધના દ્વારા
સાધક નિજ સ્વરૂપને પામે તે જ વાસ્તવિક સાધના.

અને એની સામે તેમણે સ્પષ્ટ કર્યું કે જે ક્રિયા દ્વારા સાધકનો રાગ-દ્વેષ વધે તે સાધના નથી. અહંકાર જેનાથી વિકસે તે સાધના નહિ.

સાધક લક્ષ્યને સામે રાખીને ચાલનાર યાત્રિક છે. મોર્નિંગ વૉકર માત્ર નહિ.

•••

આ વાત બરોબર સમજવી છે. નહિતર, સાધન સાધ્યમાં ફેરવાઇ જશે.

સાધ્ય છે નિજ સ્વરૂપની અનુભૂતિ. સ્વાનુભૂતિ. જેમ જેમ રાગ-દ્વેષ આદિ ઓછા થતા જાય તેમ સ્વનો અનુભવ સ્પષ્ટ થતો જાય.

આ સાધ્ય તરફ જે ક્રિયા આપણને લઇ જાય છે, તે સાધન.

•••

સ્વાધ્યાય, ભક્તિ આદિ અહોભાવથી ભરપૂર ક્રિયાઓ સાધન છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ એ સાધ્ય છે.

સ્વાધ્યાય સ્વાનુભૂતિમાં કઇ રીતે ફેરવાય છે? ત્રણ તબક્કા ત્યાં છે : (1) વાંચન/શ્રવણ (2) અનુપ્રેક્ષા (3) અનુભૂતિ.

શ્રીપાળ રાસની એક કડી વાંચી –

આગમ નોઆગમ તણો,
ભાવ તે જાણો સાચો રે;
આતમભાવે સ્થિર હોજો,
પરભાવે મત રાચો રે…’

આત્મભાવમાં સ્થિરતા અને પરભાવથી દૂર હટવું આ બે સાધનાઓ અહીં આપી. આ થયું પહેલું ચરણ.

•••

હવે અનુપ્રેક્ષા… પરભાવથી જેમ દૂર થવાય તેમ આત્મભાવમાં સ્થિરતા આવે.

અહીં શબ્દ છે પરભાવ. એટલે કે રાગ, દ્વેષ, અહંકાર આદિ.

તમે જમવા બેઠા. રોટલી, શાક તમે ખાધા. પણ તેમાં સારા-નરસાપણાનો ભાવ રાખવો નથી. શરીર માટે જરૂરી હતું, અપાઇ ગયું.

જમતી વખતે તમે સ્તવનાની કોઇ પંક્તિ પર મનને કેન્દ્રિત કરો તો… એવું બની શકે કે તમે શું ખાધું એ પણ તમારા ખ્યાલમાં ન હોય.

તો, ભોજનની ક્રિયા થઇ. પણ કર્તા-જમનાર એ વખતે, એ ક્રિયામાં ગેરહાજર હતો.

•••

રાગ આદિ પરભાવની શિથિલતા જેમ વધતી ચાલે તેમ વૈરાગ્ય આદિ ગુણોનો ઉઘાડ વધતો ચાલે.

અનુપ્રેક્ષા અહીં અનુભૂતિની પૂર્વભૂમિ રૂપે છે.

ગુસ્સો કેમ આવે છે? અનુપ્રેક્ષાથી પકડાય કે ‘હું’ ના કારણે ગુસ્સો આવે છે. ‘મને કેમ
આમ કીધું? મારી જોડે આમ કેમ કર્યું?’

પણ આ ‘હું’ વાસ્તવિક છે? તમે તો શરીરને પેલે પાર, મનને પેલે પાર રહેલ અસ્તિત્વ છો. શરીર તે ‘હું’ ક્યાં છે?

‘હું’ ની ગુંચ જો ઉકલાય તો ક્રોધ છૂ!

અનુપ્રેક્ષા અનુભૂતિમાં પલટાઈ… વાસ્તવિક ‘હું’ તમને મળ્યું.

અહીં વાંચન અને અનુપ્રેક્ષા સાધન બન્યા. અનુભૂતિ સાધ્ય બની.

•••

એ જ રીતે, ભક્તિ કરતાં, પ્રભુને જોતાં આંખો ભીની, ભીની બને તે પ્રથમ ચરણ. અને પ્રભુની વીતરાગ દશા આદિ જોઇ તે મારી ભીતર છે એવી અનુપ્રેક્ષા થવી તે બીજું ચરણ. અને એ દશાની આંશિક અનુભૂતિ તે ત્રીજું ચરણ.

•••

કેટલી મઝાની પ્રભુની આ સાધના! અહોભાવથી એ શરૂ થાય અને સ્વાનુભૂતિમાં પર્યવસિત થાય.

પ્રભુની આ વ્યવહાર અને નિશ્ચયના Balancing વાળી સાધના પર ઓવારી ગયેલો સાધક હું છું.

•••

રાગ-દ્વેષની શિથિલતા માટે પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે બે માર્ગ આપ્યા – જોડ-તોડનો માર્ગ અને તોડ-જોડનો માર્ગ.

ભક્ત માટે જોડ-તોડનો માર્ગ છે. સાધક માટે તોડ-જોડનો. સૂત્ર આવ્યું : ‘પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ…’ રાગ-દ્વેષની શિથિલતા અને પરમ પ્રીતિ સાથે/નિજ સ્વરૂપ સાથે જોડાવાનું.

ભક્તનો માર્ગ જોડ-તોડનો છે. પ્રભુની પ્રીતમાં ડૂબી ગયો ભક્ત. હવે પરભાવ ક્યાં છે? શિથિલ થઈ ગયો તે.

પ્રભુના ગુણોમાં ડૂબવું કહો કે

સ્વગુણોમાં ડૂબવું કહો; વાત એકની એક છે.

પ્રભુનું દર્શન થાય… એમની પ્રશાન્ત મુખમુદ્રા જોઇએ. એ પ્રશમ રસને જોયા જ કરીએ… જોયા જ કરીએ… અને ભીતર એક વહેણ ચાલુ થઇ જાય…

કેટલું તો સરળ, સરળ; મધુરું, મધુરું આ છે!
માધુર્ય તો પ્રભુના દ્વારે જ હોયને!
‘मधुराधिपतेरखिलं मधुरम्।’

•••

યાદ આવે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજાની સ્તવનાનું મુખડું : ‘મેરે પ્રભુસું પ્રગટ્યો પૂરન રાગ…’ પ્રભુનું દર્શન અને પરમ સમ્મોહન. હવે છે માત્ર પરમપ્રીતિ, પૂર્ણ પરમપ્રીતિ.

પૂર્ણ રાગ. પ્રભુના રાગ/પ્રેમથી પૂરું હૃદય છલછલાઈ ઊઠ્યું હોય. બીજા એક પણ પદાર્થ કે વ્યક્તિના પ્રેમને રહેવાની જગ્યા જ નથી હવે.

પ્રભુ પરનો પૂર્ણ પ્રેમ શું કરે?, ‘પૂરન મન, પૂરન સબ દિસે, નહિ દુવિધા કો લાગ…’ હવે મન થયું પૂર્ણ. બધું જ પૂર્ણ, પૂર્ણ હવે લાગે છે.

શ્રીપાળકુમારને ધવલ શેઠ ગુણવાન લાગે છે. ગુણોથી પૂર્ણ લાગે છે. એની પાછળ આ પૂર્ણ મન છે.

સૃષ્ટિને ફેરવવાની નથી. માત્ર દૃષ્ટિને ફેરવવાની છે.

•••

ઉપનિષદ્​ના ઋષિ પણ પૂર્ણતાના દૃષ્ટિબિન્દુને ઉભારતાં કહે છે –

ॐ पूर्णमदः पूर्णमिदं, पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवावशिष्यते॥

આ પણ પૂર્ણ, પેલું પણ પૂર્ણ. પૂર્ણથી પૂર્ણ વધે છે. અને પૂર્ણમાંથી પૂર્ણ લઇ લ્યો, તોય પૂર્ણ બચે છે.

•••

મીરાંએ પૂર્ણ મનની વાટને પેટાવીને આન્તર-દીપ પ્રજ્વલિત કરવાની વાત કરી છે –

સુરત નિરત કો દીવલો જોયો,
મનસા પૂરન બાતી;
અગમ ઘાણી કો તેલ સિંચાયો,
બાલ રહી દિન રાતી

નિરંતર પ્રભુસ્મૃતિનું કોડિયું, પૂર્ણ મનની વાટ અને પ્રભુકૃપાનું તેલ… હવે દીપ સદાને માટે પ્રજ્વલિત!

હા, કોડિયું, વાટ અને તેલ હોવા છતાં જીવન્ત દીપની પ્રજ્વલિત વાટ જોડે સાધકે પોતાના દીપની વાટને સ્પર્શાવવી જોઇએ. ને એનો દીપ જળી ઊઠે!

જીવન્ત દીપ તે સદ્​ગુરુ. શાસ્ત્રમાં એટલે જ કહ્યું – સદ્​ગુરુના એક દીપથી સેંકડો દીપો પ્રજળી ઊઠે છે. ‘दीवाओ दीवसयं…’

•••

પૂર્ણ મન તે વાટ. ‘મનસા પૂરન બાતી…’ પૂર્ણ મન થાય છે પ્રભુ પ્રત્યેના પૂર્ણ પ્રેમથી. હૃદયમાં છે માત્ર પ્રેમ પ્રભુ પ્રત્યેનો. એ પ્રેમ પ્રભુના વચનના પ્રેમમાં ફેરવાઇને જીવસૃષ્ટિ જોડેના પ્રેમમાં ફેરવાય…

બધા પ્રત્યેનો વિશુદ્ધ પ્રેમ જે હૃદયમાં છે, તે હૃદયમાં રાગ, દ્વેષ, અહંકાર ક્યાંથી ટકશે?

•••

રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા… આંશિક સ્વાનુભૂતિ. આ જ છે આપણું સાધ્ય.

એ પ્રભુપ્રેમના સાધન વડે આવે, સ્વાધ્યાય સાધન વડે આવે કે પ્રભુએ કહેલ અન્ય અનુષ્ઠાનો
વડે આવે; આપણને જલસો જ છે ને!

સાધન કોઇ પણ હોય, સાધ્ય તરફની ગતિ ચાલુ હોવી જોઇએ.

‘નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે…’ એક કડીમાં પૂજ્યપાદશ્રીએ કેવું તો ભગવત્ સાધનાનું રહસ્ય ખોલી આપ્યું છે! યોગીરાજ આનંદઘનજી ભગવંતનાં ચરણોમાં વન્દના.

PARAVANI ANK 13

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : પ્રભુકૃપાના વિશેષ કોઇ અનુભવની વાત કરશો? 

ઉત્તર : યોગની દુનિયાને આસ્વાદવી છે એવો વિચાર આવ્યો. (પ્રભુએ જ આપ્યો ને! ‘લલિત વિસ્તરા’ સૂત્રની પંજિકા કહે છે : ‘भगवत्​ प्रसादलभ्यत्वात्​ कुशलाशयस्य…’ એક પણ સારો વિચાર પ્રભુની કૃપાથી જ મળે છે.)

એના માટે યોગીપુરુષોનાં ચરણોમાં બેસવું જોઇએ, કોની પાસે જવું? ક્યાંથી યૌગિક પરંપરાનો અનુભવ લેવો? આવા વિચારોમાં હતો.

બપોરે અલપઝલપ નિદ્રા આવી. એ ક્ષણોમાં સંદેશ સંભળાયો કે બેટા! તારે વળી બહાર જવાની શી જરૂર છે? મારા તરફથી તને પૂરું માર્ગદર્શન મળ્યા કરશે.

ઊઠ્યો. પેલા શબ્દો કાનમાં ગૂંજતા હતા.

વાહ ! પ્રભુ મારી આટલી કાળજી લે છે !

જોકે, શ્રદ્ધાશીલ મનની પાછળ એક બુદ્ધિવાદી મન પણ હતું. એ કહેતું હતું : આ સ્વયં સંસ્ફુરણ (ઓટો સજેસન) તો નહિ હોય ને !

પણ, સર્વસમર્થ પ્રભુ માટે આ બુદ્ધિવાદી મનને ચૂપ કરવું એ તો ડાબા હાથનો જ ખેલ હતો ને !

એ જ દિવસે સાંજે એક ભાઈ આવ્યા. તેમના હાથમાં યોગમાર્ગ પરનું એક પુસ્તક હતું. મને તેમણે એ આપ્યું. ‘આપ વાંચજો !’ મારા રસના સેંકડો પુસ્તકોનો વાંચનાર હું. પણ આ પુસ્તકનો મને ખ્યાલ જ નહોતો.

અને, મારી નવાઇ વચ્ચે, હું જ્યાં અટકતો હતો, ત્યાંથી આગળની દિશા ચીંધતું એ પુસ્તક હતું.

અઠવાડિયા પછી એક સાધક મળવા આવ્યા. અને એમણે પોતાની સાધનાના વિકાસની વાત કરી. અહીં પણ એ જ ઘટના આવર્તિત થઇ. પુસ્તક જે પડાવે મને લઇ ગયેલું, એનાથી આગળના પડાવે એ હતા. અને એથી, એમની વાતોમાંથી મને એ પછીનો પડાવ મળી ગયો.

પછી તો – આ સિલસિલો ચાલ્યોય.

‘એ’ ણે પોતાનું વચન બરોબર પાળ્યું. મને આગળના ને આગળના પડાવે તેઓ દોરતા જ રહ્યા.

•••

કેવી ‘એ’ ની કૃપા !

મારી તો પ્રાર્થના પણ નહોતી. માત્ર એક પ્રશ્ન : યોગમાર્ગે હું કઇ રીતે આગળ વધું?

પ્રભુએ કહ્યું : હું તને, તારી સજ્જતા પ્રમાણે, ઊચકીશ. અને તારી સજ્જતાને વધારી પણ આપીશ.

એણે કહ્યું અને એ પ્રમાણે તેણે કર્યું.

Surrender ની સામે Care ના સૂત્રનો તો ખ્યાલ હતો. પણ મારા સમર્પણ વિના, અરે, મારી પ્રાર્થના પણ નહોતી, છતાં એણે અહેતુકી કૃપા વરસાવી.

કલિકાલ સર્વજ્ઞ શ્રી યાદ આવે :
‘त्वमकारणवत्सलः…’ પ્રભુ ! તું અહેતુક વાત્સલ્યનો ભંડાર છે.

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *