Divya Nayan

12 Views

દિવ્ય નયન
Paravani Ank – 14

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

સાધકની ઝંખનાને આનંદઘનીય પુટ મળે ત્યારે એ ઝંખના શબ્દદેહે આ રીતે રણઝણશે : ‘પંથડો નીહાળું રે બીજા જિન તણો રે…’

પ્રભુ! તારા માર્ગને મારે જોવો છે.

પ્રભુનો માર્ગ…     પ્યારો, પ્યારો માર્ગ…

એ માર્ગે ચાલીએ ને તરોતાજા થઇ જઇએ.

‘રામચરિત માનસ’ નો એક પ્રસંગ યાદ આવે. 

રામચંદ્રજીને પિતાના આદેશથી જંગલમાં જવાનું છે. સીતામાતાની ઇચ્છા છે કે પોેતે પણ પતિની જોડે જ હોય.

રામચંદ્રજી સમજાવે છે : ત્યાં કાંટા, કાંકરામાં ચાલવાનું. તમે થાકી જશો.

સીતા માતાએ કહ્યું : આપની જે પણ આજ્ઞા હોય તે શિરોધાર્ય જ છે. પરંતુ એક વિનંતી કરું કે મને થાક નહિ લાગે…

કારણ કેવું તો મીઠડું છે!

તુલસીદાસજી સીતા માતાના શબ્દોને આ રીતે મૂકે છે :

‘મોહિ મગ ચલત ન હોહિહી હારી,
ખિન ખિન ચરન સરોજ નીહારી.’

દેવ! હું આપની પાછળ ચાલતી હોઇશ. આપના ચરણકમળનું ક્ષણે ક્ષણે દર્શન કરતી હોઇશ…

આ ચરણકમળનું દર્શન. થાક ક્યાંથી લાગે?

•••

‘પંથડો નીહાળું રે…’

પણ કયા નેત્રથી એ માર્ગને નીહાળવો?

‘ચરમ નયન કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર…’ બહારની આંખોથી તો એ માર્ગને જોઇ નહિ શકાય.

•••

સમ્યગ્ રીતે માર્ગનું નિશ્ચિતીકરણ જ ન થાય તો ચાલવાની વાત ક્યાં રહે?

એક પ્રશ્નનો ઉત્તર અહીં મળે છે. પ્રશ્ન સાધકને થાય કે અતીતની યાત્રામાં ઘણીવાર પ્રભુની સાધના મળી, તેનું આરાધન કર્યું, તોય સંસાર ચાલુ કેમ રહ્યો?

આ બિન્દુને પૂજ્યપાદ મહોપાધ્યાય માનવિજય
મહારાજે પરમતારક શ્રી અનંતનાથ પ્રભુની સ્તવનામાં વિસ્તાર્યું છે :

‘તપ જપ કિરિયા મોગરે રે, ભાંગી પણ ભાંગી ન જાય;
એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય… ’

કડીની પૃષ્ઠભૂ આ છે : ભક્ત કહે છે કે પ્રભુ! તારી અને મારી વચ્ચે અંતર કેટલું? તેં કર્મરૂપ આવરણની ભીંત તોડી નાખી. મારી એ ભીંત હજુ મજબૂત છે.

એ ભીંતને તોડવા માટે તપનો હથોડો લીધો, ઠોકંઠોક કરી, પણ ભીંતનું પ્લાસ્ટર પણ તૂટ્યું નહિ.

જપનો હથોડો લીધો. લાખો વાર જપ કર્યો. પરિણામ : શૂન્ય.

અનુષ્ઠાનો ઘણાં કર્યાં. પરિણામ એ જ. હવે?

હવે શું કરવાનું?

પ્રભુ! સદ્​ગુરુના કહેવાથી તારી આજ્ઞારૂપી હથોડી લીધી, ભીંતને અડાડી, ભીંત જમીનદોસ્ત!

એક બાજુ : તપ, જપ, ક્રિયા; જ્ઞાવિહોણાં;
ફળ કશું નહિ.

બીજી બાજુ : આજ્ઞાપૂર્વકનાં તપ, જપ, ક્રિયા; ફળ તત્કાળ.

•••

પહેલા માર્ગનું નિશ્ચિતીકરણ. પછી ચાલો, ને  આ રહી મંઝિલ !

બહારનાં નેત્રોથી પ્રભુનો માર્ગ જોઇ શકાતો નથી. એ માટે જોઇએ છે દિવ્ય નયન. ‘જેણે નયણે કરી મારગ જોઇએ રે, નયણ તે દિવ્ય વિચાર…’

વિશિષ્ટ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન કે મન: પર્યવજ્ઞાન એ દિવ્ય નયન છે. પણ એ દિવ્ય નયન અત્યારે  છે નહિ.

તો શું કરવું?

ન બહારની આંખોથી પ્રભુનો માર્ગ દેખાય. તર્ક તો સાધના માર્ગમાં તદ્દન અપ્રતિષ્ઠિત છે. એટલે એ પણ નકામો થયો. તો શું કરવું?

ઉત્તર સરસ અપાયો છે : જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ માત્ર સાધના માર્ગે જવામાં સાધકને સહાયક નહિ થાય. મોહનીયનો ક્ષયોપશમ જોઇશે.

દર્શન મોહનીયનો ક્ષયોપશમ માર્ગનું સ્પષ્ટીકરણ કરી આપશે. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ દ્વારા પ્રભુના માર્ગે વેગથી દોડાશે.

આ જ સંદર્ભમાં, પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે વાસિત બોધ શબ્દ મૂક્યો છે.

વાસિત બોધ શબ્દની વ્યાખ્યા આ રીતે તેમણે આપી : ‘તરતમ જોગે રે, તરતમ વાસના રે, વાસિત બોધ…’

વાસિત બોધ મોહનીયના ક્ષયોપશમથી થાય છે. અને એ ક્ષયોપશમ કઇ રીતે થાય એ વાત પણ અહીં સ્પષ્ટ થાય છે.

•••

યોગ-સદ્​ગુરુયોગના બે પ્રકારો : સામાન્ય (તર) અને વિશેષ (તમ). એ સદ્​ગુરુયોગ દ્વારા જ્ઞાન ચિત્તમાં વાસિત બનશે. એ વાસિતતા પણ બે પ્રકારે હશે : સામાન્ય (તર) અને વિશેષ (તમ). એ વાસિતતાથી યુક્ત બોધ તે વાસિત બોધ.

•••

સદ્​ગુરુયોગ…

સદ્​ગુરુનાં ચરણોમાં થયેલ સમર્પણ.

સદ્​ગુરુનાં ચરણોમાં ઝુકાશે ક્યારે? સાધકનો
અહંકાર શિથિલ બનેલ હશે ત્યારે.

સમર્પણ : જ્યાં સદ્​ગુરુ છે, તમે નથી. તમારી ઇચ્છાઓ નથી. ઇચ્છાઓની પાછળ રહેલ અહંકાર નથી.

શિષ્યને વર્ધમાન તપની ૧૦૦મી ઓળી સદ્​ગુરુએ કરાવી. ૧૦૦ દિવસ રોજ આયંબિલનું પચ્ચક્​ખાણ સદ્​ગુરુએ આપ્યું. ૧૦૧મા દિવસે શિષ્ય આવે છે. વંદના કરે છે. પચ્ચક્ખાણનો આદેશ માગે છે અને ગુરુદેવ તેને એકાસણાનું પચ્ચક્ખાણ આપે છે. શિષ્ય પ્રેમથી ગુરુદેવની એ પ્રસાદીને ઝીલે છે.

૧૦૧મા દિવસે ઉપવાસ થાય તો જ ૧૦૦મી ઓળી સર્ટિફાઈડ થાય એ શિષ્યને ખ્યાલ છે. પણ એને સંબંધ ૧૦૦મી ઓળી પરિપૂર્ણ કરવા જોડે નથી. એને સંબંધ ગુરુ આજ્ઞા જોડે છે.

એ કારણ પણ જાણવા નથી ઇચ્છતો કે ગુરુદેવે ઉપવાસનું પચ્ચક્ખાણ કેમ ન આપ્યું.

એ ગુરુદેવ જાણે.

ગુરુદેવને લાગ્યું હોય કે ૧૦૦ ઓળી પૂર્ણ થઇ તેનું એને અભિમાન થશે. માટે ૧૦૦ આયંબિલ ભલે કરે. ૧૦૦મી ઓળી પૂર્ણ નથી થવા દેવી.

•••

મારા જીવનની એક ઘટના મને યાદ આવે. એક મૈથિલ પંડિતજી પાસે દર્શનશાસ્ત્રના ગ્રન્થોનો અભ્યાસ મારો ચાલતો હતો. ગ્રન્થનું છેલ્લું સૂત્ર આવ્યું ત્યારે તેમણે કહ્યું : ‘अब रहने दो! शेषं श्री गणेशाय…’ 

મેં પૂછ્યું તો મને કહે : हमारी यह प्राचीन परंपरा है, ग्रन्थ को कभी पूर्णतया नहि पढने का। थोडा रहने देने का। पूर्ण ग्रन्थ पढ लेंगे हम, तो अहंकार आयेगा कि हमने यह ग्रन्थ पढ लिया है।

•••

સદ્​ગુરુયોગ બે જાતના થયા : સામાન્ય અને વિશેષ.

સાધક સંપૂર્ણતયા સદ્​ગુરુનાં ચરણોમાં ઝૂકી ગયો છે, તે વિશિષ્ટ સદ્​ગુરુયોગ. સમર્પણમાં થોડી કચાશ છે, તો સામાન્ય સદ્​ગુરુયોગ.

••• 

વિશિષ્ટ સદ્​ગુરુયોગની
એક ઘટના યાદ આવે. સો વર્ષ પૂર્વેની.

ભરૂચમાં જ્ઞાની ગુરુદેવ પધાર્યા. 

અનુપચંદભાઈ આદિ જિજ્ઞાસુ શ્રોતાઓએ માસકલ્પની અને વાચનાની વિનંતી કરી.

ગુરુદેવે વિનંતી સ્વીકારી.

એક ગ્રન્થની વાચના ચાલુ થઇ. એક પંક્તિનો અર્થ ગુરુદેવે કર્યો. વાચના પછી અનુપચંદભાઈ ગુરુદેવ પાસે ગયા. વંદન કરી પૂછ્યું : ગુરુદેવ! થોડા સમય પહેલાં આ જ પંક્તિનો અર્થ એક ગુરુદેવ પાસેથી આ રીતે મળેલો. તો મારા સાંભળવામાં/સમજવામાં ચૂક નથીને?

ગુરુદેવે કહ્યું : મેં કર્યો એ જ અર્થ મને બરોબર લાગે છે. અનુપચંદભાઈએ ખૂબ વિનયપૂર્વક ‘તહત્તિ’ કર્યું.

એ પછી વિચાર કરતાં ગુરુદેવને લાગ્યું કે અનુપચંદભાઈએ કહેલ અર્થ પણ સંગત છે.

ભવભીરુ ગુરુદેવે બીજે દિવસે વાચનામાં કહ્યું કે એક પંક્તિના બે અર્થ થાય છે. કયો અર્થ સાચો તે જાણવું છે. એ માટે બધા વાચનાર્થીઓ કાલથી અટ્ઠમ, ૩ આયંબિલ કે ૩ એકાસણા કરે, અને મુનિસુવ્રત દાદાનો જાપ કરવાનો. પૂર્વ પુરુષો પાસેથી મેં સાંભળ્યું છે કે આમ કરવાથી અહીંના અધિષ્ઠાયક દેવ જાગૃત થાય છે અને સીમંધર દાદા પાસેથી સાચો અર્થ મેળવી આપે છે. ત્રીજી રાતે સ્વપ્નમાં તમને આનો ભાસ થશે.

ગુરુદેવ સહિત બધાએ તે પ્રમાણે કર્યું. ત્રીજી રાત્રે સ્વપ્નમાં બધાને ભાસ થયો કે અનુપચંદભાઈએ કરેલ અર્થ સાચો છે.

ચોથી સવારે વાચનાર્થી શ્રાવકો દેરાસરે આવેલ. બધા કહે : અનુપચંદભાઈ, અમને સંકેત મળ્યો કે તમે કરેલ અર્થ સાચો છે.

એક જ્ઞાની ગુરુદેવે કરેલ અર્થ કરતાં પોતાની સ્મૃતિમાં રહેલ અર્થ વધુ સ્પષ્ટ હતો, આવું જાણવા છતાં અહંકારની રેખા અનુપચંદભાઈમાં ઊઠતી નથી.

બધા શ્રાવકોને તેમણે કહ્યું : દર્શન કરીને આપણે ગુરુદેવ પાસે જઇશું : વંદન, પચ્ચક્ખાણ માટે. પણ ત્યારે કોઇએ પણ ઈશારો સુદ્ધાં કરવાનો નથી કે અમને એવો સંકેત મળ્યો છે.

પણ, ઉપાશ્રયે જતાં ગુરુદેવે જ કહ્યું : અનુપચંદભાઈ, તમારો અર્થ સાચો છે !

•••

આ જે નિર્મળ પ્રજ્ઞા હતી, તે મોહનીયના ક્ષયોપશમથી મળી હતી.

મોહનીયના ક્ષયોપશમથી નિર્મળ બનેલ ચિત્તની ભૂમિકા પર સદ્​ગુરુના શબ્દો વરસે છે અને ચિત્ત એ શબ્દોથી વાસિત/ભાવિત બને છે.

વાસિતતા/ભાવિતતા…

ચંદનના ટુકડાને કોઇ કાપે, ઘસે, બાળે, એ સુગંધ જ પસરાવે છે. કારણ કે એના અણુ અણુમાં સુગંધ પ્રસરેલી છે.

આ જ રીતે, સમર્પિતતાની પૃષ્ઠભૂ પર જ્યારે સદ્​ગુરુના શબ્દો વરસે છે ત્યારે તે ભાવકના ચિત્તના અણુ-અણુમાં પ્રસરી જાય છે.

•••

સદ્​ગુરુનું વરસવું.

ભક્ત દ્વારા એ વર્ષાના બુંદ-બુંદનું ઝિલાવું.

સદ્​ગુરુ ચાર રીતે બોધ આપે છે : શબ્દથી, ઈશારાથી, ચેહરાના ભાવો વડે અને પોતાના શરીરની ઊર્જા દ્વારા.

•••

સાધક ગુરુદેવનાં ચરણોમાં ઝૂક્યો. એને પાંચ-સાત મિનિટમાં જવું પડે તેમ હતું. તેણે ગુરુદેવને પ્રાર્થના કરી : ગુરુદેવ ! મને હિતશિક્ષા આપો!

ગુરુદેવ તૈયાર જ હતા. પણ તેઓ યોગ્ય/
એપ્રોપ્રિયેટ ક્ષણની રાહમાં હતા. એવી ક્ષણ, જ્યારે શ્રોતા પૂર્ણતયા સજ્જ હોય, અને પોતાના શબ્દો એના અસ્તિત્વના સ્તર પર ઊતરે.

ગુરુદેવ પાંચ મિનિટ કંઇ બોલતા નથી. સાધકને જવું પડે તેમ છે. એ ગુરુને વંદન કરીને જાય છે.

એ દશેક ડગલાં ચાલ્યો હશે અને ગુરુદેવે કહ્યું : ઊભો રહે ! પાછો ફર !

પહેલાં તો સાધકને થયું કે ગુરુદેવ મને પાછો બોલાવી રહ્યા છે. એ ગુરુદેવ તરફ ફર્યો. પણ તેમના મુખને જોતાં જ એને ખ્યાલ આવી ગયો કે ગુરુદેવે તો ઉપદેશ આપી દીધો છે ! ‘તું વિભાવમાં જઇ રહ્યો છે. ઊભો રહે. અને સ્વભાવ દશા તરફ પાછો ફર!’

ગુરુના શબ્દો… ને વાસિત બોધ!

•••

શબ્દ તો સ્થૂળ છે. સદ્​ગુરુ ક્યારેક ઈશારામાં ઘણું બધું આપી દેતા હોય છે.

પૂજ્ય કલાપૂર્ણસૂરિ દાદાને એક ભક્તે પૂછેલું : ગુરુદેવ! પ્રભુ ક્યાં છે?

દાદાએ પોતાની કોમળ આંગળીઓને હવામાં ઝુલાવી અને કહ્યું : પ્રભુ આ રહ્યા! ભક્તે એ વખતે ગુરુદેવની આંખોમાં જોયું અને તેને ત્યાં પ્રભુ દેખાયા…

સદ્​ગુરુનો ઈશારો… ને વાસિત બોધ !

•••

એથી પણ સૂક્ષ્મ રીત છે ઉપદેશ આપવાની : ચહેરા પરના ભાવો, ફેસિયલ એક્સપ્રેસન્સ.

પ્રશમ રસની વાત તેઓ કરતા હોય છે ત્યારે તેમના ચહેરા પર પ્રશમ રસ ‘દેખાતો’ હોય છે !

સાધક આ પ્રશમ રસને જોઇને ‘વાસિત બોધ’ ને પામી જાય છે.

•••

સૌથી વધુ સૂક્ષ્મ રીત છે, બોધ આપવાની : ઊર્જા.

તમે શાન્ત થઇને ગુરુદેવના ઉપનિષદ્​માં બેઠેલ હો અને ગુરુદેવના દેહમાંથી વહેતી ઊર્જા તમને બધું આપી જાય…

•••

‘તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર…’

આ વાસિત બોધ દ્વારા પ્રભુના માર્ગને ભક્ત જોઇ શકે છે.

મોહનીયનો ક્ષયોપશમ થયો છે. વાસિત બોધ મળ્યો છે. અને ત્યારે, સદ્​ગુરુના કથનના મર્મને પામીને સાધક પ્રભુના માર્ગને યથાતથ જુએ છે.

પ્રભુની કૃપા વડે એ માર્ગ પર એ ચાલે છે… ને, મોક્ષ આ રહ્યો !

PARAVANI ANK 14

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : પરમ પાવનશ્રી આચારાંગજીનું એક
નાનકડું સૂત્ર છે : ‘ सुत्ता अमुणी, मुणीणो सया जागरंति…’
(ગૃહસ્થો સૂતેલ હોય છે. મુનિઓ સતત જાગૃત હોય છે.) પ્રભુના મુનિવરની/પ્રભુનાં સાધ્વીજીની નિરન્તર ચાલતી જાગૃતિ વિષે કંઇક કહેશો?

ઉત્તર : સામાન્ય મનુષ્ય પાસે ત્રણ દશા હોય છે : તથાકથિત જાગૃતિ, સ્વપ્ન દશા અને નિદ્રા.

કહેવાતી જાગૃતિ અને સ્વપ્ન દશા બેઉ લગભગ એક સરખા છે.

કારણ કે એવી જાગૃતિ અને સ્વપ્ન, બેઉમાં વિકલ્પોની હારમાળા ચાલતી હોય છે. નિદ્રામાં હોશ ચુકાયેલ હોય છે.

મુનિ પાસે જે જાગૃતિ છે, તે છે વાસ્તવિક જાગૃતિ. એ જાગૃતિની વ્યાખ્યા આવી છે : જ્યાં વિકલ્પો, સ્થૂળ રૂપે નથી, અને સ્વરૂપ દશાની ધારામાં વહેવાનું ચાલુ હોય છે.

•••

આપણી પરિભાષાની આ જાગૃતિને હિન્દુ પરંપરા ઉજાગર દશા કહે છે. (જૈન પરિભાષા પ્રમાણે ઉજાગર દશા તેરમે ગુણઠાણે હોય છે.)

ઉજાગર દશા યોગીઓની લાડકી બેટી કહેવાય
છે. અને તેથી, તેને ઉજાગરને બદલે ચતુર્થી, તુર્યા… આવાં નામોથી સંબોધવામાં આવે છે.

•••

‘શિવસૂત્ર’ નું એક સૂત્ર છે : ‘त्रिषु चतुर्थं तैलवदासेच्यम्…’

ઉજાગરને (આપણી પરિભાષાનુસાર જાગૃતિને – વાસ્તવિક જાગૃતિને) ત્રણમાં સહેજ સહેજ નાખવી.

પહેલાં તથાકથિત જાગૃતિને લઇએ. એમાં જાગૃતિની છાંટ ઉભારવી છે.

દર કલાકે પાંચ મિનિટ વિકલ્પો (વિચારો) વગર, શાન્ત ચિત્તે રહીએ. અથવા તો ૫-૭ કલાકે અર્ધો કલાક આ રીતે રહીએ. તો વાસ્તવિક જાગૃતિને તથાકથિત જાગૃતિમાં, આંશિક રૂપે, ઉતારી કહેવાય.

આ પ્રક્રિયાને હવે આગળ લંબાવીએ. સ્વપ્ન આવે ત્યારે જાગૃતિ આવી જાય…

ગુર્જિએફે એ માટે એક પ્રયોગ બતાવ્યો છે. રાત્રે સૂતાં પહેલાં મનને સજેસન આપો કે સ્વપ્ન ખોટાં છે, ખોટાં છે… મિથ્યા છે… પછી સ્વપ્ન આવશે ત્યારે આ ‘સ્વપ્ન ભ્રમણા છે.’ એ વાત પણ મનમાં ઊભી થશે. ને સ્વપ્ન અટકી જશે.

એ પછી નિદ્રા…

હું ઘણી વાર કહેતો હોઉં છું : જે થાકે, તે સૂઇ જાય, શરીર થાકે કાર્યો કરીને. કોન્સ્યસ મન થાકે વિચારો કરીને. થાકે તે સૂઇ જાય. તમે તો જાગો જ છો! આજની યૌગિક ભાષામાં એને ‘કોન્સ્યસ સ્લીપ’ કહેવાય છે.

‘સંથારા પોરિસી’ સૂત્રમાં સાધક બોલે છે : ‘અતરંત પમજ્જએ ભૂમિં.’ જ્યારે રાત્રે પડખું બદલવાનંુ હોય ત્યારે સંયમી/સાધક રજોહરણ કે ચરવળા વડે શરીરના તે ભાગને અને સંથારાના તે ભાગને પૂંજે છે અને પછી પડખું બદલે છે.

શરીર ભલે સૂતું હોય. સાધક જાગૃત છે!

•••

‘मुणीणो सया जागरंति…’ મુનિવરો/સાધ્વીજીઓ
સતત આત્મભાવમાં જાગૃત હોય છે.

વિકલ્પો સાધકને બહિર્ભાવમાં લઇ જાય, પણ આ જાગૃતિમાં વિકલ્પો નથી. અને સ્વગુણોની કે સ્વરૂપ દશાની ધારામાં જ સાધક આનંદમગ્ન રહે છે.

•••

‘પંચવિંશતિકા’ માં મહોપાધ્યાય યશોવિજય મહારાજે દીક્ષાના – નિશ્ચય દીક્ષાના એક વર્ષ પછી આ જાગૃતિની વાત કરી છે :

जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते।
उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते॥

તે મુનિવરો/સાધ્વીજીઓ સતત આત્મભાવમાં
જાગૃત છે. પર-ભાવમાં સૂતેલ છે. પરદ્રવ્યનો ઉપયોગ કરવો પડે ત્યારે પણ તેઓ તે દ્રવ્યો પ્રતિ ઉદાસીન છે. અને સ્વગુણોની ધારામાં તેઓ લીન હોય છે.

•••

કેટલી તો મઝાની વાત છે આ જાગૃતિ! ‘मुणीणो सया जागरंति…’

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *