Param Ras-nu Paan : Aatmanubhuti

14 Views

પરમ રસનું પાન : આત્માનુભૂતિ
Paravani Ank – 15

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

માની આંગળી પકડીને મામાને ઘેર – નજીકના ગામે જવાનું હોય, અંધારું થોડું ઊતરી આવ્યું હોય; ત્યારે બાળક પૂછેઃ ‘મા! મામાનું ઘર કેટલે?’ મા કહે છેઃ ‘દીવો બળે એટલે…’ જો, પે…લી મેડી પર દીવો દેખાય ને, એ જ મામાનું ઘર !

માની આંગળી પકડીને ચાલવાનું. માર્ગ જ કેટલો મજાનો થઇ જાય ! મા અલક મલકની વાતો કરે. ને બાળક થાકે તો વ્હાલથી ઊચકી લે.

•••

ગુરુમાની આંગળી પકડીને સાધનામાર્ગે ચાલવાનો આનંદ તો કેવો અદકેરો હોય! એ માર્ગે ચાલવાનો આનંદ તો એક દિવ્ય અનુભવ જ હોય છે, પણ ગુરુમાની સાથે ચાલવાનું હોય ત્યારે એ આનંદ કેટલો તો વધી જાય ! સદ્​ગુરુના ઑરા ફિલ્ડ (ઊર્જા ક્ષેત્ર)માં ચાલવાનો એ અનુભવ… અનાયાસ ચલાતું હોય.

ઑરા ફિલ્ડ વાહન બની રહે. લિફ્ટ પણ.

•••

સદ્​ગુરુની કૃપા વિના સાધનામાર્ગે કઇ રીતે જઇ શકાય?

એ કૃપા ઑરા ફિલ્ડ રૂપે સક્રિય બને. શક્તિપાત
રૂપે પણ સક્રિય બને.

અગણિત જન્મોથી રાગ, દ્વેષના વર્તુળમાં રાચનાર આપણને તેમાંથી મુક્ત કરનાર છે પ્રભુકૃપા. સદ્​ગુરુકૃપા.

•••

ચાલો, આવી એક મજાની યાત્રાએ. તમે વાંચતાં જશો અને તમારો અનુભવ હશે કે તમે તે તે ચરણ/પડાવ પર પહોંચી રહ્યા છો. યાત્રાના પાંચ પડાવ છે. છઠ્ઠા પડાવે છે મંઝિલ.

યાત્રાના પાંચ પડાવો :

નિન્દા અને પ્રશંસામાં સમાનતા.

મૌન.
સંતોષ.
અપરિગ્રહ.
સ્થિરચિત્તતા.
મંઝિલ છે : ભક્તિ.

•••

પહેલો પડાવ.

તુલ્યનિન્દાસ્તુતિત્વ. જ્યારે સાધક જ્યોતિર્મય
સ્વયંને અનુભવવા માટે નીકળ્યો છે ત્યારે શબ્દોમાં –
પુદ્​ગલોમાં શા માટે અટકે?

મીરાં યાદ આવે : ‘કોઇ નિંદે કોઇ બંદે, મૈં અપની ચાલ ચલૂંગી.’

સાધકની મીટ જ્યોતિર્મય સ્વરૂપ તરફ સ્થિર થઇ છે. શબ્દોનો ખ્યાલ પણ એને કેમ આવશે?

પોતે પાંચ મિનિટ પહેલાં કોઇને કશુંક કહ્યું હશે. એ સાધકને થોડી વાર પછી, પૂછાય છે : તમે એને શું કહેલું? એ નમ્રતાથી કહેશે : મને યાદ નથી કે મેં શું કહેલું.

•••

એક જ્ઞાની મહાત્મા એક ગામમાં પધાર્યા. ગામમાં, શ્રી સંઘમાં બે પક્ષ પડી ગયેલ. પણ આ મહાત્મા તરફ બધાને શ્રદ્ધા.

શ્રી સંઘના અગ્રણીઓએ બેઉ પક્ષની વાત સાંભળવા માટે સમય માગ્યો. ગુરુદેવે કહ્યું : રાત્રે પ્રતિક્રમણ પછી વારાફરતી બેઉ પક્ષવાળા મહાનુભાવો આવી જાય.

રાત્રે પહેલા પક્ષના શ્રાવકો આવ્યા. દશ જ મિનિટમાં એમની મૂળ વાત સમજાઇ ગઇ. પણ પછી તો માત્ર દ્વેષનો ઊભરો હતો. ‘તેમણે આમ કર્યું…’ એક કલાકે તેઓ બહાર ગયા. પણ બન્યું એવું કે ઉપાશ્રયના અંધારાનો લાભ લઇ બીજા પક્ષનો એક ભાઈ આવી ગયેલો. એણે બધું જ સાંભળેલું. આ લોકો નીકળે એ પહેલાં એ નીકળી ગયેલો. અને પોતાના પક્ષવાળાને કહ્યું કે આ લોકોએ સાહેબને આમ, આમ કહ્યું છે.

બીજા પક્ષવાળા આવ્યા. ‘ત્રિકાળ વંદન’ કહીને એ લોકો બેઠા. એમણે પહેલાં જ પૂછ્યું કે સાહેબજી, અમારા માટે એમણે આ પ્રમાણે કહ્યું હતું?

ગુરુદેવે કહ્યું : એ લોકોએ શરૂઆતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો, એ મેં સાંભળી લીધેલો. પણ એ પછી એનો વિસ્તાર જ હતો. જે મેં સાંભળ્યો નહોતો. એથી, તે લોકોએ બીજું શું કહ્યું, તે મારા ખ્યાલમાં નથી. તમે પણ તમારી હકીકત ટૂંકમાં કહેશો તો હું એ સાંભળીશ.

બન્ને પક્ષોની રજૂઆત સાંભળી બીજે દિવસે સવારે ગુરુદેવે જે ચુકાદો આપ્યો, તે બેઉ પક્ષને સ્વીકાર્ય બન્યો… સંઘમાં આનંદનું વાતાવરણ સર્જાયું.

•••

સાધનામાર્ગે જવામાં અનુપયોગી તમામ શબ્દોને ‘બિનજરૂરી’ના ખાનામાં મૂકનાર સાધકને પ્રશંસાના શબ્દો કે નિન્દાના શબ્દો બિનજરૂરી જ લાગવાના.. ને !

•••

પ્રશમરતિ પ્રકરણમાં ભગવાન ઉમાસ્વાતિજીએ
આ સાધના આપી છે : ‘તે જ બોલવું કે સાંભળવું; જેનાથી સાધનામાર્ગે આગળ વધાતું હોય.’

•••

સાધનાનો પહેલો પડાવ :

તુલ્ય -નિન્દાસ્તુતિત્વ.

બુદ્ધ પાસે એક સાધક આવ્યો. એણે કહ્યું : ભગવન્ ! મને દીક્ષા આપો.

બુદ્ધે જોયું કે સાધકને સ્વપ્રશંસા ગમે છે ને નિન્દાથી તે અકળાય છે. તેમણે કહ્યું : ‘બાજુમાં કબ્રસ્તાન છે ત્યાં તું જા. અને એક એક કબરમાં પોઢેલ વ્યક્તિની પ્રશંસા કરી આવ’. સાધકે તે રીતે તે કાર્ય કર્યું. બીજા દિવસે એ બધાની નિન્દા કરવાનું સૂચવ્યું. તેણે એ કામ પણ કર્યું.

બુદ્ધ પૂછે છે : ‘તેં પ્રશંસા કરી અને નિંદા પણ કરી; તેની તેમના પર શું અસર થઇ હશે?’ સાધક કહે છે : ‘ભગવન્! એ તો મરી ગયેલ છે. એમને કઇ રીતે અસર થાય?’

બુદ્ધે કહ્યું : ‘તારી પ્રશંસા અને તારી નિન્દા માટે પણ તું મૃત બનેલ હોય, ત્યારે તને દીક્ષા આપી શકાય.’

સાધકને વાત સમજાઇ. તેણે એ માટે સાધના ઘૂંટી અને પછી દીક્ષિત થયો.

•••

બીજાે પડાવ : મૌન.

શબ્દોના મૌનથી પ્રારંભાઈને વિચારોના મૌન સુધી જવાની સાધના અહીં કરવાની હોય છે.

જ્ઞાનસારે મૌનની સરસ વ્યાખ્યા આપી : ‘पुद्​गलेष्वप्रवृत्तिस्तु, योगानां मौनमुत्तमम्।’ વિચારોનું મૌન બહિર્ભાવના મૌન સુધી લંબાય છે.

વિભાવોમાં શી રીતે જવાય છે? દેખીતી રીતે, વિચારો દ્વારા જ. 

રાગ કે દ્વેષનો વિચાર મનમાં ઊઠ્યો… એ વિચારની શૃંખલા જો ચાલી તો રાગ કે દ્વેષની ધારા મનમાં વહેવા લાગશે. પણ જો એ વિચારોને તમે તોડી શકો તો…?

ચા પીવા તમે બેઠા. તમને એ ટેસ્ટી લાગી… હવે જો એ સમયે ‘ચા સરસ છે…’ આ વિચારો ચાલશે, તો રાગની/આસક્તિની ધારા મનમાં વહેશે.

પણ, એ સમયે ફોન આવે. કોઇ અપ્રિય સમાચાર સાંભળવામાં આવે. મન એ વિચારોમાં જાય. હવે આસક્તિ ક્યાં છે?

•••

તો ક્રમ આવો થશે : વિચારથી વિભાવ. એની સામે, વિચારોનું મૌન વિભાવના દૂરીકરણ માટે સશક્ત માધ્યમ બને.

•••

ત્રીજું ચરણ : સંતોષ. (सन्तुष्टो येनकेनचित्)

અહીં સાધકને સ્વયં પૂર્ણતાનો ખ્યાલ આવે છે. એને સમજાય છે કે શરીરને રોટલી-દાળ અને વસ્ત્રો આપવાનાં છે. પોતાને કશું જ જોઇતું નથી.

સ્વામી રામ હિમાલયમાં સાધના કરતા. હિમાલયની કડકડતી ઠંડીમાં માત્ર લંગોટી તેઓ પહેરતા.

કહેતા : ‘હમ બાદશાહ હૈ!’ એક વિદેશી જિજ્ઞાસુએ પૂછ્યું : ‘આપ કે પાસ તો સિર્ફ એક હી વસ્ત્ર હૈ, ઔર આપ બાદશાહ?’ સ્વામીજી હસ્યા. એમણે કહ્યું : ‘યહ જો વસ્ત્ર રહ ગયા હૈ, ઇતની હી તો બાદશાહત મેં કમી હૈ! શરીર હૈ, ઇસલિયે ઉસ કી આવશ્યકતા હોતી હૈ…’

•••

ગોંડલના મહારાજા ભગવતસિંહજી. બહુ જ સારા વિદ્વાન. ભગવદ્ ગોમંડલ જેવા શબ્દકોષની રચના તેમણે જ કરાવરાવેલી.

તેઓ બહુ જ સાદા.

મહારાજા હોવા છતાં ઝભ્ભો અને પાયજામો પહેરી ગોંડલની સડકો પર ફરતા. કો’કે પૂછ્યું ,
તો કહે : ભાઈ, અહીં બધા મને ઓળખે છે. પછી ભપકાદાર કપડાં શા માટે?

એક વાર લંડન ગયેલા. ગરમીના સમયમાં સવારે એ જ સાદો પોષાક પહેરી વૉક લેતા હતા. કો’કે પૂછ્યું, તો કહે : અહીં ગમે તેટલા ભપકાદાર કપડાં પહેરી ફરું, મને કોણ ઓળખવાનું હતું !

•••

ચોથો પડાવ : અપરિગ્રહ.

ઘર પર પણ એની પોતાની માલિકીયત નથી. ઘર એટલે રૈનબસેરા. अनिकेत:।

ઘર તમારું ન હોય; પૃથ્વી આખી તમારી !

રાજા પ્રસેનજિતે કહેલું : જે ગુરુનો આશ્રમ મોટો હશે, તે મારા ગુરુ હશે.

ઘણા તથાકથિત ગુરુઓ આશ્રમની સરહદોને વિસ્તારતા ગયા. એ અરસામાં રાજાને બુદ્ધને મળવાનું થયું. વૃક્ષ નીચે બુદ્ધ બેઠેલા. તેમની પ્રશાંત મુખમુદ્રા… રાજા પ્રભાવિત બન્યા. પૂછ્યું : આપનો આશ્રમ ક્યાં ? બુદ્ધ કહે છે : આ પૃથ્વી એ જ મારો આશ્રમ ! રાજા તેમના ઉપાસક બન્યા.

•••

પાંચમો પડાવ : સ્થિરચિત્તતા.

લક્ષ્ય નક્કી છે : સ્વાનુભૂતિ. માર્ગ પણ કેવો મજાનો છે ! હવે એ જ માર્ગ પર કદમ ભરાયા કરે છે.

•••

અને –
આ રહી મંઝિલ !
ભક્તિ.

ભક્તિ એટલે પ્રભુની આજ્ઞાનું પાલન. નિશ્ચય આજ્ઞા છેઃ સ્વમાં સ્થિર હોવું. પ્રભુ કહે છે : તું તારામાં સ્થિર થા !

અને આ નિશ્ચય આજ્ઞા તરફ જવાનો માર્ગ તે વ્યવહાર આજ્ઞા…

•••

ભગવદ્​ગીતામાં આવેલ આ શ્લોક છે. સાધનાને કેટલી સરસ રીતે, અને સરળ રીતે અહીં ઊંચકવામાં આવી છે.

પહેલા પડાવે શબ્દો સાથેની, પુદ્​ગલ સાથેની, સાંઠગાંઠ છૂટી.

જ્યોતિર્મય આત્મા અજ્યોતિર્મય પુદ્​ગલોને શા માટે પકડે?

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ યાદ આવે (અષ્ટ પ્રવચન માતાની સજ્ઝાય) :

ભાષા વર્ગણ પુદ્​ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાધ;

કરવા આતમવીર્યને, શાને પ્રેરે સાધ?

બોલનાર ભાષા વર્ગણાનાં પુદ્​ગલોને પકડે છે અને છોડે છે. (પ્રભુઆજ્ઞા પ્રમાણે બોલવાનું હોય એ વાત અપવાદરૂપે છે.) પુદ્​ગલોને પકડવાં
અને છોડવાં માટે સાધક આત્મશક્તિ શા માટે વાપરે?

બીજા પડાવે નિર્વિકલ્પ દશા.

ત્રીજા અને ચોથા પડાવે છે પરરસ મુક્તિ. સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે આ અત્યંત અનિવાર્ય ગુણ છે.

પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે કહ્યું કે પરમરસ/સ્વાનુભૂતિ ત્યારે જ મળે, જ્યારે પુદ્​ગલ અનુભવનો ત્યાગ/પરરસ મુક્તિ થયેલ હોય…

પાંચમો પડાવ છે
લક્ષ્યાનુસંધાન પૂર્વક ચાલવાનો.

અને છઠ્ઠે પડાવે સ્વાનુભૂતિ !

•••

PARAVANI ANK 15

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : ઉપયોગ પરમાં ન જાય, એ માટે શું કરવું?

ઉત્તર : (૧) ઉપયોગને બહાર લઇ જનાર તત્ત્વોને રોકવાં જોઇએ. વસ્ત્રોમાં વધુ પડતો રસ હોય અને એને કારણે મન બહાર જતું હોય તો વસ્ત્રોમાં સાદગી લાવો. આખરે, વસ્ત્ર તો શરીરે પહેરવાનાં છેને ! મને નહિ.

એ માટે હું એક લિટમસ ટેસ્ટ આપું છું. તમે પૂજા કરીને ઘરે આવ્યા. તમારાં વસ્ત્રો વોર્ડરોબમાં હતાં. તમે પહેર્યાં. તમે ઝભ્ભો અને પાયજામો પહેરો છો.

વસ્ત્રો પહેરી તમે નાસ્તો કર્યો, નાસ્તો કર્યા પછી આંખો બંધ કરી તમે વિચારો કે આજે તમે મરૂન કલરનો ઝભ્ભો પહેર્યો છે કે ઍસ કલરનો અથવા કૉફી કલરનો? જવાબ સાચો મળે તો સાધના અધૂરી. જવાબમાં સ્પષ્ટતા ન હોય તો સાધના બરોબર.

જવાબ અસ્પષ્ટ ક્યારે આવે? જ્યારે મને વસ્ત્રો ન પહેર્યાં હોય. માત્ર શરીરે જ પહેર્યાં હોય.

(૨) આવું જ તમે ભોજન સમયે કરી શકો. ટેસ્ટી વાનગી કોઇ છે. આસક્તિ એને ખાતાં આવે છે. ત્યારે ઉપયોગને પરમાંથી, આસક્તિમાંથી હટાવવા માટે તમે મનને ડાયવર્ટ કરી શકો. સરસ મજાની સ્તવનાની પંક્તિઓમાં મનને મૂકી શકો.

(૩) જાગૃતિ તમારી પ્રબળ જોઇએ. જે ક્ષણે મન પરમાં જવા તૈયાર થાય. તમે એને શુભના કોઇ પણ કાર્યમાં રોકી દો.

ક્યારેક ભીડને કારણે મન પરમાં જતું હોય ત્યારે એકાન્તમાં જઇને બેસો.

•••

બેસ્ટ સેલર કથા ‘સિદ્ધાર્થ’ ના લેખક હરમાન હેસ પ્રસિદ્ધિની ટોચ પર હતા. ત્યારે એમને સાધનાનો રસ લાગ્યો. ‘સિદ્ધાર્થ’ વાંચતાં આપણને પણ લાગે કે એના સર્જકની મનોભૂમિકા કેવી હશે.

સાધના માટે એકાન્તમાં જવા તેમણે વિચાર્યું. દૂરના કોઇ ટાપુ ઉપર તેમણે બંગલો ખરીદ્યો. અને એક દિવસ ત્યાં પહોંચી ગયા તેઓ. સાથે બે કર્મચારીઓ; રસોઈ આદિ માટેના.

હરમાન હેસને તો એ એકાન્ત જીવન બહુ જ ગમી ગયું. તેમણે પોતાના બંગલાની બહાર બોર્ડ પર લખાવરાવ્યું કે ‘જે માણસે ૬૫ વર્ષ સમાજસેવા આદિ કાર્યોમાં આપ્યાં હોય, તેને નિવૃત્ત જીવન જીવવાનો અધિકાર છે. મારા એકાન્તમાં કોઇએ ખલેલ ન પાડવી.’

થોડા સમય પછી અમેરિકાના એક પ્રસિદ્ધ અખબારના તંત્રીને હરમાન હેસ ક્યાં ગયા છે, એ સમાચાર મળ્યા.

તેઓ ફોટોગ્રાફર આદિ સાથે એ ટાપુ પર આવ્યા. આવા મોટા ગજાના સર્જક એકાન્તવાસમાં હોય, અને તેમનો સાક્ષાત્કાર (ઈન્ટરવ્યુ) પોતાના અખબારમાં છપાય, એ કોઇ પણ તંત્રી માટે મોટી સિદ્ધિ જ ગણાય ને!

બંગલાઓમાં ફરતાં ફરતાં હરમાન હેસનો બંગલો તો જડી ગયો. પણ બોર્ડ પરનું લખાણ વાંચતાં જ તંત્રી પાછા ફરી ગયા. આવી વ્યક્તિના એકાન્તમાં ખલેલ કઇ રીતે પાડી શકાય !

સાધક પણ આ રીતે એકાન્તમાં જઇ ઉપયોગને પરમાં જતો રોકી દે.

કેવી મજાની વાત !

એ એકાન્તમાં નથી ટીવી, નથી અખબાર, નથી કોઇ પુસ્તકો… ન શબ્દો, ન દૃશ્યો, ન કોઇ ઘટનાઓ… બહાર જવાના બધા માર્ગો બંધ થઇ ગયા ને !

•••

તો, આ રીતે ઉપયોગ જ્યાં જ્યાં પરમાં જઇ શકે તેમ છે, એ બધાં દ્વારો બંધ કરવાનાં છે.

પછી એક મજાનું સૂત્ર ખૂલશે : ઉપયોગ બહાર નથી; તો અંદર જ છે !

•••

ઉપયોગ સ્વમાં સ્થિર થાય અને જે આનંદ અનુભવાય; તે તમને/તમારા ઉપયોગને પરમાં નહિ જવા દે.

અષ્ટાવક્ર ઋષિ કહે છે :

अहो जनसमूहेऽपि, न द्वैतं पश्यतो मम।
अरण्यमिव संवृत्तं, क्व रतिं करवाण्यहम्॥

ભીડમાં પણ ઋષિને એકાન્તનો અનુભવ થાય છે ! એક આત્મતત્ત્વનો અનુભવ એવો થયો છે કે બીજું કંઇ (પુદ્​ગલદ્રવ્ય) દેખાતું જ નથી !

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *