Anubhuti-Diksha

17 Views

અનુભૂતિ-દીક્ષા
Paravani Ank – 16

પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.

મિત્રવર, આચાર્યપ્રવર શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ એક પ્રવચનમાં, ભક્તિમતી મીરાંની એક પંક્તિને ટાંકીને, તે પર ભાષ્ય કરી રહ્યા હતા.

પાછળથી એક ભાવકે પૂજ્યશ્રીને પૂછેલું : ગુરુદેવ ! મીરાં કઇ દૃષ્ટિમાં હશે?

આચાર્યપ્રવરે કહ્યું : ભાઈ, જ્ઞાની મહાપુરુષો જ આનો જવાબ આપી શકે. હું ન કહી શકું, પણ એ પછી તેઓશ્રીએ જે કહ્યું તે એમની ભીતરી પરિણતિનું પરિચાયક હતું. તેઓશ્રીના આ શબ્દો હતા : મીરાંના શબ્દો પરથી તેની અનુભૂતિનું જે અનુમાન હું કરી શકું છું; એવી અનુભૂતિ મારી પાસે નથી. મારે એ મેળવવી છે.

•••

આચાર્યશ્રીએ મીરાંની અનુભૂતિની વાત કરી. મીરાંની એક પ્રાર્થનામાં એની અનુભૂતિ પ્રકટ થતી દેખાય :

સદા સેવા કરતી હૂં,
સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હૂં;
ભક્તિમારગ દાસી કો દિખલાઓ,
મીરાં કો પ્રભુ ! સાંચી દાસી બનાવો. 

પ્રાર્થના ઉત્તરાર્ધમાં છે. પૂર્વાર્ધમાં મીરાં પોતાની સાધનાની કેફિયત પ્રસ્તુત કરે છે. હા, મીરાંને ખ્યાલ છે કે પ્રભુ બધું જાણે છે. પણ તેણીને બીજા કોઇ જોડે બોલવું ગમતું નથી. તેથી પ્રભુને જ બધી વાત કરે ને !

‘સદા સેવા કરતી હૂં,
સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હૂં…’

શરીરના સ્તર પર સેવા ચાલુ છે. મનના સ્તર પર પ્રભુનું સ્મરણ. સ્મરણ તીવ્ર બને છે અને એ ધ્યાનમાં પરિવર્તિત થાય છે. ધ્યાન પાંખું બને છે ત્યારે સ્મરણ પ્રગાઢ બની રહે છે.

સાધનાની ભૂમિકા પર રહેલ મીરાં પ્રભુને પ્રાર્થે છે : ‘ભક્તિ મારગ દાસી કો દિખલાવો, મીરાં કો પ્રભુ સાંચી દાસી બનાવો !’

આ ભક્તિ એટલે સ્વરૂપદશાની પ્રાપ્તિ.

ભક્તિ એટલે પ્રભુઆજ્ઞાપાલન. અને પ્રભુની નિશ્ચય આજ્ઞા આ જ છે ! ‘તું તારા સ્વરૂપમાં સ્થિર થા !’

•••

અનુભૂતિ.

સ્વરૂપદશાની પ્રાપ્તિ.

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે એ યાત્રાનું સુરેખ વર્ણન પ્રાર્થનામાં કર્યું :

અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત;
પ્રભુ સન્મુખ વંદન કરીને, માંગીશ આતમ હેત…

હોવાપણું, being એ સ્વભાવ. મઝાની વાત ‘આપણો’ શબ્દથી કરી. પ્રભુ ! તારો જે સ્વભાવ, તે મારો સ્વભાવ. મને તેં સાધના-દીક્ષા આપી, પ્રભુ ! હવે સ્વભાવ-દીક્ષા આપ !

એ સ્વભાવ-દીક્ષા માટેની મારી જે સજ્જતા જોઇતી હોય, તે પણ તમે મને આપો !

‘સજ્જતા બે છે : વૈરાગ્ય અને રુચિ.’

વૈરાગ્ય એટલે પર તરફની અશ્રદ્ધા. એવો ધબકતો વૈરાગ્ય, જે પરની દુનિયાથી સાધકને અલવિદા અપાવી દે.

રુચિ એટલે તીવ્ર ઝંખના, સ્વરૂપ દશાને પામવાની… અને, સ્વરૂપદશા આ રહી !

•••

અલિપ્ત સ્વરૂપની અનુભૂતિ. અખંડ દશાની અનુભૂતિ.

સાધક અનુભવે છે કે તે રાગ, દ્વેષ, મોહથી અલિપ્ત છે.

રાગ, દ્વેષ ક્યાં છે?

મનના સ્તર પર, ચિત્તના સ્તર પર.
એટલે જ રાગ, દ્વેષનો ઉદય
ચાલતો હોય અને સાધક
પોતાના આનંદને અનુભવતો હોય.

સત્તામાં છે રાગ, દ્વેષ. તો ઉદયમાં આવશે. પણ એ વખતે ઉપયોગને ઉદયાધીન બનાવવો કે સ્વસત્તાધીન તે સાધક નક્કી કરી શકે છે.

અશાતાના ઉદય વખતે તો પ્રફુલ્લ રહેનારા મહાત્માઓ ઘણા જોયા છે આપણે. ઉદય અશાતાનો શરીરના સ્તર પર. ઉપયોગ પોતાના આનંદમાં.

આવું જ રાગ-દ્વેષના ઉદય વખતે કેમ ન થાય? સાધક પોતાની વીતરાગ દશા પર ઉપયોગ મૂકી શકે. હવે સાધક બન્યો અલિપ્ત.

•••

આ અલિપ્તતાને બતાવતું સૂત્ર ‘અષ્ટ પ્રવચન માતાની સજ્ઝાય’માં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે આપ્યું :

‘મોહ ઉદયે અમોહી એહવા,
શુદ્ધ નિજ સાધ્ય લય લીન રે…’

ઉદય મોહનો, ઉપયોગ શુદ્ધ નિજ સ્વરૂપમાં.

કેવી મઝાની વાત !

અને સરળ પણ કેટલી !

કારણ : અનાદિની સંજ્ઞાઓથી વાસિત મન. મનને એ આદત પડેલી છે કે સંજ્ઞાઓની બાબતમાં એ ઊંધું ઘાલીને દોડ્યા કરે.

મનને તે બાજુએ જતું અટકાવવા માટે વિચારોના પ્રવાહને સ્થગિત કરવો જોઇએ.

યાદ આવે મહર્ષિ પતંજલિ : ‘निर्विचार वैशारद्ये अध्यात्मसंप्रसाद: …’ નિર્વિચારની કુશલતા હોય છે ત્યારે અધ્યાત્મનો પ્રસાદ સાધક પર વરસે છે. અને એ ઝીલી પણ શકે છે.

•••

નિર્વિકલ્પ દશા અને નિર્વિચાર દશા બે શબ્દો છે.

વિકલ્પ એટલે એવો વિચાર, જેમાં રાગ-દ્વેષ ભળેલ છે. વિચાર એટલે છુટ્ટોછવાયો વિચાર : ‘હવા આવે છે,’ ‘પાંદડાં હલી રહ્યા છે.’

સાધનામાર્ગે પ્રારંભમાં વિકલ્પો દૂર થવા જોઇએ. એ પછી નિર્વિચાર દશા મળી જશે.

•••

‘निर्विचारवैशारद्ये अध्यात्मसंप्रसाद:…’ પ્રસાદ છે અહીં અલિપ્ત દશાની અનુભૂતિ.

‘મોહનો ઉદય ચાલે છે (મનમાં…), હું નિર્મોહી છું !’ કેવી મઝાની અનુભૂતિ !

‘आकाशमिव पङ​्केन…’ આકાશને કાદવથી ખરડવા કોઇ પ્રયાસ કરે, પણ શું આકાશ ખરડાઈ શકે?

હું છું આકાશ.
‘રાગ-દ્વેષનો કાદવ મને શું કરી શકે?’
હું છું બધાથી પર.
હું છું કેવળ મુજમાં,
ન અન્યમાં…

•••

‘મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે…’

આ ચમત્કાર કઇ રીતે થયો કે હું માત્ર હું જ હોઉં. શુદ્ધ ચૈતન્ય. અનુભૂતિ નિજત્વની. પરત્વની અનુભૂતિ ગઇ.

ચમત્કારનું કારણ છે : ‘શુદ્ધ નિજ સ્વરૂપ તરફ મંડાયેલ મીટ.’  ‘હું આ જ છું.’ કુંદકુંદાચાર્ય કહે છે :
‘कोहे कोहो…’ ક્રોધ હોય તો તે ક્રોધમાં. મારામાં ક્રોધ ક્યાં છે?

જરૂર, આ નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં રાખીને વ્યવહાર સાધના કરવી છે. વાસ્તવમાં, જો રાગ-દ્વેષની અસર સાધક પર થતી હોય તો તેણે ત્યાગ, વૈરાગ્ય, ક્ષમાભાવ આદિ સાધના દ્વારા રાગ-દ્વેષની અસર ઓછી થાય તે માટે યત્ન કરવો જોઇએ.

સાધનામાં જેમ જેમ આગળ વધાતું જાય, તેમ તેમ તેણે જોવું જોઇએ કે પોતાના રાગ-દ્વેષ શિથિલ થયા?

પહેલા મળે છે તેવું જ નિમિત્ત મળવા છતાં ક્રોધ ઓછો આવે છે, એવું બને છે?

•••

અલિપ્ત દશાની અનુભૂતિ. અખંડ દશાની અનુભૂતિ. ચૈતન્યના અખંડ પ્રવાહની અનુભૂતિ.

શરૂઆતમાં સાધકે શુભમાં મનની અખંડ ધારા રહે તે પ્રમાણે કરવું જોઇએ. શુભ યોગો ભલે બદલાય, પણ મન માત્ર શુભયોગોમાં જ રહે.

ભક્તિની ક્ષણોમાં ભક્તિની અખંડ ઉપયોગ ધારા ચાલે… સ્વાધ્યાયની ક્ષણોમાં તેની.

ઉપયોગને ખંડિત કરનાર છે વિચારો/વિકલ્પો. દેરાસરમાં માત્ર પ્રભુરૂપને જોઇને એમાં ડૂબેલ મનને આજુબાજુના કોઇ દૃશ્ય સંબંધી વિચારો બહાર લાવી દે છે.

શુભયોગમાં મન સાતત્ય પૂર્વક રહે એ આપણી અત્યારની પ્રાર્થના હોય.

આગળના ગુણસ્થાનકોમાં ઉપયોગ શુદ્ધમાં રહેશે.

‘અધ્યાત્મસાર’ના યોગાધિકારમાં એવી દશામાં વર્તતા મુનિવરનું વર્ણન આવ્યું :

એવા મુનિ વહોરવા જાય કે વાપરવાની ક્રિયા કરતા હોય, તેમની તે ક્રિયાઓ ધ્યાનમાં અવરોધક નથી, કારણ કે તેઓનું શરીર જ ગોચરી વાપરતું હોય છે. મનમાં તેની અસર બિલકુલ હોતી નથી.

‘असङ्​गात्’ પદ મૂક્યું છે. શરીર વાપરવાની ક્રિયા કરે છે. તેમના મનમાં તે ક્રિયાનો સંગ નથી.

•••

‘અપૂર્વ અવસર’માં આ દશાનું વર્ણન આવ્યું :

શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો…’

આ સમદર્શિતા…

‘યોગશતક’ યાદ આવે : ચન્દનના ટુકડા જેવા મુનિ. ચન્દનને ઘસો, બાળો, એ માત્ર સુગંધ જ ફેલાવે… તેમ, મુનિના દેહ પર ગમે તેવા ઉપસર્ગોની ઝડી વરસે, તેઓ હસતા જ રહેશે.

‘અપૂર્વ અવસર’ કહે છે :
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. (૮)

અલિપ્ત દશાની અનુભૂતિ. અખંડ ઉપયોગની અનુભૂતિ.

પ્રભુ પાસે એ અનુભૂતિ માગી, અને મળી.

તમને તમારી અનુભૂતિ કરવામાં વાર શું લાગે?

અજ્ઞાન દશાને કારણે ‘હું’ શરીર સુધી સીમિત થયેલ હતું. જ્ઞાનદશા આવી. હું એટલે ‘અલિપ્ત ચેતના…’ હું એટલે ‘અખંડાકાર ઉપયોગ…’ આ ખ્યાલ આવ્યો હવે?

પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે તેમ મોહનું તિરોહિત થવું, અને શુદ્ધ સ્વરૂપનું પ્રકટ થવું. અનુભૂતિ.

પૂજ્ય વીરવિજય મહારાજ યાદ આવે :

‘અનુભવ રંગ વધ્યો ઉપયોગે,
ધ્યાન સુપાન મેં કાથા ચૂના…’

ઉપયોગ સ્વમાં જેમ જેમ ભળે, તેમ અનુભૂતિમાં-આત્માનુભૂતિમાં નિખાર આવે. ઉપમા પણ કેવી મઝાની આપી : ધ્યાનના પાનમાં કાથો ને ચૂનો લગાવવામાં આવ્યો. એની લિજ્જત કેવી હોય !

શબ્દોની પેલે પારની એ ઘટના…

પણ તમે એનો અનુભવ કરી શકો છો.

•••

પૂજ્ય મહોપાધ્યાય માનવિજય મહારાજ યાદ આવે :

‘તું અનુભવ રસ દેવા સમરથ,
હું પણ અર્થી તેહનો;
ચિત્ત વિત્ત ને પાત્ર સંબંધે,
અજર રહ્યો હવે કેહનો?

પ્રભુ ! અનુભૂતિ આપવા સમર્થ છે. મારે તે જ જોઇએ.

મારું ચિત્ત અનુભૂતિ માટે લાલાયિત છે. હું જો પાત્ર તને લાગતો હોઉં તો અનુભૂતિ રૂપ સંપત્તિ (વિત્ત) આપવામાં ઢીલાશ કેમ કરે છે, પ્રભુ !

મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ સંદર્ભમાં જ કહ્યું : ‘મોડું વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય?’

•••

પ્રભુ ! મને અનુભૂતિ દીક્ષા આપો !
સ્વાનુભૂતિ-દીક્ષા આપો !

PARAVANI ANK 16

•••

પરાપૃચ્છા

– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.

પ્રશ્ન : વાસનાઓ થોડી પણ ઝરી હોય, ખરી હોય, ત્યારે સાધકની દશા કેવી હોય?

ઉત્તર : અષ્ટાવક્ર ગીતાનો એક શ્લોક યાદ આવે છે :

जानन्नपि न जानाति, पश्यन्नपि न पश्यति।
ब्रुवन्नपि न च ​ब्रूते, कोऽन्यो निर्वासनादृते॥

વાસનાની શિથિલતાવાળો સાધક, પરરસથી મુક્ત સાધક જાણવા છતાં જાણતો નથી. જોવા છતાં જોતો નથી. બોલવા છતાં બોલતો નથી.

ક્રિયા છે, કર્તાનો રસ નથી.

બૌદ્ધ દર્શનની એક શાખા એમ માને છે કે ભગવાન બુદ્ધે ચાલીસ વર્ષ ઉપદેશ આપ્યો. બીજી શાખા એવું માને છે કે બુદ્ધ બોલ્યા જ નથી.

પાછળથી આચાર્યોએ એ સમાધાન આપ્યું કે બોલાયું ખરું, પણ સહજ રીતે. શ્રોતાવૃન્દ માટે જરૂરી શબ્દો હતા, તે અપાઇ ગયા. બોલતી વખતે અને ન બોલવાના સમયે આન્તર દશા તેમની સમાન જ હતી.

•••

પરમપાવન ‘દશવૈકાલિક’ સૂત્રમાં મુનિવરની/શ્રમણીની ભીતરી ઉદાસીન દશાની વાત કરતાં પરમ પાવન દશવૈકાલિક સૂત્રે કહ્યું :

ण य दिट्ठं सुयं सव्वं, भिक्खु अक्खाउमरिहइ ।

મુનિરાજ સ્વાધ્યાય કે ચિન્તન કરી રહ્યા છે. ઊંડા ઊતરી જવાયું છે. ત્યાં કોઇ બે વ્યક્તિઓ મુનિરાજની નજીક બેસીને કંઇક ચર્ચા કરી રહ્યા છે. કોકે પાછળથી મુનિરાજને પૂછ્યું : ‘એ બે જણ શું વાત કરતા હતા?’ મુનિરાજ શું કહે? કાન ખુલ્લા હતા. કાનની ડેલીએ શબ્દોએ પ્રવેશ પણ કર્યો હશે. એ શબ્દોની વ્યાખ્યા કરનાર મન ત્યાં ક્યાં હતું?

•••

અંદરનો રસ આવ્યો. એક ઝરણું ચાલુ થઇ ગયું : રસનું. હવે બહારની દુનિયામાં શું થઇ રહ્યું છે, એ સાધકને કઇ રીતે ખ્યાલમાં હોય? મન/ઉપયોગ ભીતર છે. બહારના સમાચાર એને આપે કોણ?

•••

ગુરુ નાનક એક ગામમાં ગયેલા. જોડે સાધકો પણ હતા. રોજ સવાર-સાંજ પ્રાર્થના થતી. લોકો ખૂબ ભક્તિવાળા હતા. એક માણસ વિરોધી હતો, ગામમાં. અને તે સંતના ઉતારાની નજીક રહેતો હતો. બીજું તો તે શું કરી શકે? સંતની પ્રાર્થનાના સમયે પોતાના ત્યાં ૫-૭ ઢોલીઓને બોલાવી જોશથી ઢોલ વગડાવે.

એક દિવસ સાધકોએ ગુરુ પાસે ફરિયાદ કરી કે ઢોલનો અવાજ એવો સંભળાય છે કે પ્રાર્થનામાં ખલેલ પડે છે.

ગુરુ નાનક નવાઈમાં પડ્યા. ઢોલનો અવાજ…? મને તો ક્યારેય સંભળાયો નથી… કેવી તન્મયતા તેમની પ્રાર્થનામાં હશે!

‘ण य दिट्ठं सुयं सव्वं…’

કાનની ડેલી સુધી શબ્દો/ધ્વનિ આવી જાય… પણ સાંભળનાર ક્યાં છે? એ તો પ્રભુના ગુણોના અનુપ્રેક્ષણમાં, અનુભૂતિમાં ડૂબેલ છે.

•••

ઉદાસીન દશામાં આવું પણ સૂત્ર મળશે :
‘कुर्वन्नपि न करोति…’

રામકૃષ્ણ પરમહંસ હોલમાં બેઠેલા હોય. સેંકડો દર્શનાર્થીઓ તેમને ભાવથી વંદન કરતા હોય. પરમહંસ પોતાનામાં ડૂબેલ હોય. કોઇ નજીક આવે. કશુંક પૂછે. રામકૃષ્ણ ઉત્તર પણ આપે. ફરી પોતાનામાં ડૂબેલા લાગે.

લોકોની વંદનાનો સ્વીકાર થાય છે. ઉત્તર અપાય છે. પણ એ ક્રિયા સાથે તાદાત્મ્ય રચાતું નથી. તાદાત્મ્ય છે માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે.

•••

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *