સ્થૂળથી સૂક્ષ્મ ભણીની યાત્રા…
Paravani Ank – 17
પ.પૂ. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.સા.
પંચાચારમયી પ્રભુની સાધના… શાન્તિદાયિની. આનંદમયી. પંચાચારમય સાધક ક્યારેય વિષાદમય ન હોય. એ હોય માત્ર આનંદમય.
•••
પંચાચાર સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ઢળે છે. આપણે એક એક આચારને સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે જોઇએ.
•••
સ્થૂળ જ્ઞાનાચારમાં સાધક નક્કી કરી શકે કે પોતે દિવસમાં કેટલા કલાક ગ્રન્થ-સ્વાધ્યાયમાં રત રહેશે. સૂત્રાનુપ્રેક્ષા પણ એ કરે અને અર્થાનુપ્રેક્ષા પણ કરે.
સૂક્ષ્મ જ્ઞાનાચારમાં જ્ઞાન હૃદય-સ્પર્શી બનશે. જ્ઞાન જે શબ્દ અને વિચારરૂપે હતું તે અનુભૂતિ તરફ ઢળશે.
‘યોગસાર’નું એક મઝાનું સાધના સૂત્ર છે : आज्ञा तु निर्मलं चित्तं, कर्तव्यं स्फटिकोपमम्।
સૂત્રાનુપ્રેક્ષા તો તરત થઇ જશેઃ મનને સ્ફટિક જેવું નિર્મળ, પારદર્શી બનાવવું તે પ્રભુની આજ્ઞા…
અર્થાનુપ્રેક્ષાને એ રીતે લેવી છે કે અનુભૂતિનાં દ્વારને તે ખોલી શકે.
‘મનને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું’ નો મતલબ એ થયો કે મનમાં રાગ, દ્વેષ, અહંકારનું ડહોળાણ ન હોય. ઔષધિ નાંખવાથી બધો ડહોળ – રાગ, દ્વેષનો – બેસી ગયો હોય અને મનની ઉપરની સપાટી એકદમ સ્વચ્છ હોય…
અર્થાનુપ્રેક્ષા કરનાર સાધકની આ વિચારસરણી છે. એવું શું કરી શકાય કે રાગ-દ્વેષનો ડહોળ નીચે બેઠેલ હોય; – તળિયે. નિમિત્તો મળશે, પણ એમની અસર ન થાય એ માટેની જાગૃતિ સાધક પાસે જોઇશે. ઊંડું તત્ત્વજ્ઞાન આમાં સહાયક બને.
અને એ પછી આવે અનુભૂતિ. જ્યારે નિમિત્તો મળવા છતાં તમને જરાય અસર થતી નથી.
આ થઇ જ્ઞાનાચારની સ્થૂળમાંથી સૂક્ષ્મ ભણીની યાત્રા.
•••
ખંભાતમાં બે દિગ્ગજ જ્ઞાનિપુરુષો ભેગા થયા : મહોપાધ્યાય યશોવિજયજી અને મહોપાધ્યાય માનવિજયજી.
બન્ને મહાત્માઓનાં પ્રવચનો અલગ અલગ સમયે ચાલે. શ્રોતાઓ ઉમળકાથી બેઉ જ્ઞાનિપુરુષોના જ્ઞાનને માણે.
મહો. યશોવિજયજી મહારાજની શૈલી તાર્કિક હતી. દલીલો દ્વારા તેઓ પોતાની વાતને પુષ્ટ કરતાં કરતાં આગળ ચાલતા. મહો. માનવિજય મહારાજનાં પ્રવચનોમાં કથાઓ આવે, ક્યાંક તેઓ અનુરૂપ ગીતને પણ વણી લે… ટૂંકમાં, એકની વિદ્વદ્ભોગ્ય શૈલી. અન્ય મહાત્માની લોકભોગ્ય શૈલી.
એકવાર મહોપાધ્યાય માનવિજય મહારાજ પાસે બે-ચાર અગ્રણીઓ બેઠેલા. તેમણે કહ્યુંઃ સાહેબજી, આપનું પ્રવચન તો ખૂબ જ મનભાવન હોય છે. પરંતુ મહો. યશોવિજય મહારાજના પ્રવચનમાં એટલી મજા નથી આવતી.
સામાન્ય વ્યક્તિ માટે અહંકારને ઉદિત કરવા માટેનું મોટું નિમિત્ત આ હતું. ‘યશોવિજયજી કરતાંય મારું પ્રવચન લોકોને સારું લાગે છે.’
પણ, આ જ્ઞાની મહાપુરુષ હતા. તેમણે કહ્યુંઃ મારાં પ્રવચનો તમારા જેવા શ્રોતાઓ માટે છે. મહોપાધ્યાયજીનાં પ્રવચનો મારા જેવા શ્રોતાઓ માટે છે.
તળિયે (સત્તામાં) બેઠેલ અહંકારનો ડહોળ હવે ઉપર આવે જ શી રીતે?
આ થયો સૂક્ષ્મ જ્ઞાનાચાર. ‘आज्ञा तु निर्मलं चित्तम्।’ અહીં આત્મસાત્ થયેલ છે.
•••
બીજી પણ એક સરસ અનુપ્રેક્ષા છે, જે તમારી નિરહંકાર દશાને મુખરિત કરે. ‘પાંચસો-હજાર માણસોએ તમને સાંભળ્યા. તેઓ ખુશ પણ થયા. તમારી પ્રવચનશૈલીની પ્રશંસા કરી. એ સમયે તમે વિચારી શકો : સાત અબજ મનુષ્યોથી છલકાતી આ દુનિયામાં સાતસો માણસોએ મને જાણ્યો કે ન જાણ્યો, શું ફરક પડે? મારી સાધનામાં એનાથી શો ફરક પડી શકે?’
•••
પ્રભુનાં પ્યારાં, પ્યારાં વચનોને શ્રદ્ધાના, અહોભાવના સ્તર પર ઝીલીએ તે સ્થૂળ દર્શનાચાર. અને એ વચનો ભીતર આત્મસાત્ થાય, અનુભૂત થાય તે સૂક્ષ્મ દર્શનાચાર.
પરમપાવન શ્રી આચારાંગજીનું એક સૂત્ર છેઃ ‘एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु निरए।’ હિંસા, ક્રોધ આદિ વિભાવોના સંદર્ભે પ્રભુએ આ સૂત્ર કહ્યું છે. એનો અર્થ થશે : આ (ક્રોધ વગેરે) જ ગાંઠ છે, આ જ અજ્ઞાન છે, આ જ મૃત્યુ છે અને આ જ નરક છે…
અહોભાવના સ્તર પર આ સૂત્રને ઝીલીશું ત્યારે આંખો ભીની બની જશેઃ મારા પ્રભુની આ કેવી કરુણા ! મારા પ્રભુનો આ કેવો મારા પરનો પ્રેમ !
પ્રેમ-પરક આ સૂત્રની વ્યાખ્યા પહેલાંની પૃષ્ઠભૂ આ હશે : નાનું ગામ. પતિ-પત્ની અને નાનું બાળક. પતિ બહાર ગયેલ છે. નાનું બાળક અને મા બેઉ ઘરમાં છે. માટલામાં પાણી ખલાસ થયું છે. માને પાણી ભરવા જવું છે. પણ બાળની સંભાળ કોણ રાખે? આજુ-બાજુના ઘરવાળા ખેતરે ગયા છે.
છેવટે, બાળક પાસે રમકડાં અને ચોકલેટોનો ઢગલો કરી મા પાણી ભરવા જાય છે. આ બાજુ, બાળક થોડીક વાર તો રમકડાંથી રમે છે. પછી કંટાળે છે. ત્યાં તેની નજર રસોડામાં સળગતાં લાકડાં તરફ ગઇ.
આગની જ્વાળાઓ ઊંચી-નીચી થઇ રહી છે. એ ભાંખોડિયા ભરતું રસોડા તરફ જાય છે.
મા પાણી ભરીને આવે છે. નજર તો તરત બાળક પર જાય જ. જુવે તો, બાળકને અને ચૂલાને દોઢ ફૂટનું અંતર. દોડતી આવી મા. એનો હાથ પકડીને ખેંચીને કહે છે : નહિ, બેટા! ત્યાં ન જવાય. એ તો બાળી નાખે…
આ જ લયમાં પેલું સૂત્ર રટીએ તો તરત પ્રભુમાની કરુણા, એનો પ્રેમ ભીતરને હલબલાવી નાખે… ઓહ! મારા પર મારા પ્રભુની કેવી પ્રેમ વર્ષા !
આ થયો સ્થૂળ દર્શનાચાર.
•••
હવે સૂક્ષ્મ દર્શનાચાર…
પ્રભુના એ શબ્દો આત્મસાત્ થઇ રહે. વિભાવો તરફ જવાય જ નહિ…
શુદ્ધની આછીસી ઝલક મળે… જે સાધકને લગભગ વિભાવોમાં ન જવા દે…
•••
સ્થૂળ ચારિત્રાચારમાં પાંચ સમિતિ અને શુભ રૂપ ત્રણ ગુપ્તિઓ રહેશે…
નિક્ષેપણા સમિતિની સજ્ઝાયમાં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ સમિતિયુક્ત શ્રમણની સાધનાને આ રીતે બિરદાવે છે :
‘અભિલાષી નિજ આતમ તત્ત્વના;
સાખી કરી રે સિદ્ધાંત;
નાખી સર્વ પરિગ્રહ સંગને;
ધ્યાનાકાંખી રે સંત…’
બે વાત કહી : પ્રભુનાં પ્યારાં વચનો જ જેમનો પ્રાણ છે, એવા આ સાધકો આત્મતત્ત્વની અનુભૂતિના અભિલાષી હોય છે. અનુભૂતિને વધુ ને વધુ તીક્ષ્ણ બનાવવી છે ને !
બીજી વાત : સંપૂર્ણતયા અપરિગ્રહી થઇને તેઓ માત્ર ધ્યાનમાં જ રહેવા આતુર હોય છે.
અપરિગ્રહનો મતલબ છે : સાધકની ચેતના રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે એક પણ પદાર્થ કે વ્યક્તિમાં ન જતી હોય તેવી દશા.
પરરસમાંથી મુક્તિ મળી, એટલે સ્વરસની ધારામાં વહેવાનું…
•••
પારિષ્ઠાપનિકા સમિતિની વિધિ બતાવ્યા પછી તેની સજ્ઝાયમાં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે : ‘વળી એહ દ્રવ્યથી, ભાવે પરઠવે રે; બાધક જે પરિણામ…’
દ્રવ્યથી પારિષ્ઠાપનિકા તો બરોબર… ભાવથી પારિષ્ઠાપનિકા એ છે કે સાધનાને બાધક પરિણામો/ભાવોનો ત્યાગ થાય.
સાધનાને બાધક જે તત્ત્વ દેખાય, તેનો ત્યાગ… હવે અવરોધ વિનાની સાધના કેવી તો મસ્ત મસ્ત ચાલશે !
•••
એષણા સમિતિની સજ્ઝાયમાં મુનિ આહારની એષણા કરીને તે વાપરે તેમાં પણ મુનિની અસંગ દશા જ છે એ વાત જણાવતાં કહ્યું :
‘આતમ તત્ત્વ અનંતતાજી,
જ્ઞાન વિના ન જણાય;
તેહ પ્રગટ કરવા ભણીજી,
શ્રુત સજ્ઝાય ઉપાય…’
આત્મતત્ત્વના ઊંડાણને પામવા માટે તેનું જ્ઞાન જરૂરી છે. અને જે શરીર એ સ્વાધ્યાયમાં રમમાણ છે, તેને ટેકો આપવા માટે મુનિ આહાર લે છે.
આ જ સજ્ઝાયમાં સમિતિયુક્ત મુનિના ભાવૈશ્વર્યને બતાવાયું છે :
‘ચેતનતા ચેતન તણીજી,
નવિ પરસંગી તેહ;
તિણે પર સન્મુખ નવિ કરે જી,
આતમરતિ વ્રતી જેહ…’
ચેતનની ચૈતન્ય શક્તિ ક્યારેય પરની સંગિની નથી હોતી. તેથી આત્મરતિ મુનિ પોતાની શક્તિને ક્યારેય પરસમ્મુખા થવા દેતા નથી.
સજ્ઝાયની આ કડી તો કેટલી હૃદયંગમ છે !
‘તત્ત્વરુચિ, તત્ત્વાશ્રયાજી, તત્ત્વરસિક નિર્ગ્રન્થ;
કર્મ ઉદયે આહારતાજી, મુનિ માને પલિમંથ…’
મુનિ છે તત્ત્વરુચિ, તત્ત્વાશ્રયી અને તત્ત્વરસિક. આવા મુનિ અશાતા વેદનીયકર્મના ઉદયે વાપરે છે; પણ એ ગોચરીની ક્ષણો એમને પલિમંથ-સ્વાધ્યાયહાનિ જેવી દેખાય છે.
•••
આ પાંચ સમિતિના પાલન સાથે શુભ ત્રિગુપ્તિનું પાલન પણ સ્થૂળ ચારિત્રાચારમાં છે.
શુભ મનોગુપ્તિ :– મનમાં માત્ર સારા વિચારો/સારા ભાવો જ આવે. પ્રભુની આજ્ઞાને અસમ્મત રાગ, દ્વેષનો વિચાર આવે જ નહિ.
શુભ વચનગુપ્તિ :– પ્રભુઆજ્ઞાને આધીન થઇને જ બોલવું. ધર્મકથા આદિ ગુરુદેવની આજ્ઞાપૂર્વક થઇ શકે.
શુભ કાયગુપ્તિ :– ઊઠતાં, બેસતાં કાયાની પ્રમાર્જના આદિ એવી રીતે હોય કે કોઇ જીવની વિરાધના ન થાય.
•••
હવે સૂક્ષ્મ ચારિત્રાચાર; જેમાં ત્રણે ગુપ્તિઓ શુદ્ધ છે.
એ ગુપ્તિઓનું વર્ણન પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે સજ્ઝાયમાં કર્યું છે. કલિકાલસર્વજ્ઞશ્રીએ યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં અમનસ્કતાની વાત કરીને શુદ્ધ મનોગુપ્તિની વાત કરેલી છે.
શુદ્ધ મનોગુપ્તિની વાત કરતાં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે :
‘વીર્ય ચપલ પર સંગમી રે, એહ ન સાધક પક્ષ;
જ્ઞાન ચરણ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ…’
આત્મવીર્ય, આત્મશક્તિને સાધક માત્ર જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનામાં જ મૂકે છે. મનના વિચારો ઉપયોગથી-આત્મવીર્યથી દોડે છે, તો સાધક પોતાના વિચારોને પરનો સંગ કરનારા કેમ કરે? જ્ઞાનદશાની મંદતાને કારણે ઉપયોગનું આધિપત્ય યોગો પર ન રહ્યું. એટલે મન અનાદિની સંજ્ઞાઓના પ્રવાહમાં વહીને વિભાવ-સંગી બને છે. અને આના જ અનુસંધાનમાં એક સરસ સાધના-સૂત્ર આવ્યું :
‘પર સહાય ગુણવર્તના રે, વસ્તુધર્મ ન કહાય;
સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય…’
સાધક પોતાના ગુણોમાં રહે, આનંદ, સમભાવ આદિમાં; ત્યાં શું એણે ચિત્તની સહાય લેવી પડે? સ્વાનુભૂતિ આદિના લક્ષ્યવાળો સાધક પરની-ચિત્તની સહાયથી સ્વમાં જતો નથી.
કેટલું સરસ સાધના સૂત્ર !
•••
આવું જ સૂત્ર યોગપ્રકાશના 12મા પ્રકાશમાં આવ્યું :
‘औदासीन्यनिमग्नः, प्रयत्नपरिवर्जितः सततमात्मा।
भावित परमानन्द:, क्वचिदपि न मनो नियोजयति’॥
ઉદાસીન દશામાં ડૂબેલ અને કર્તૃત્વ/કાર્યથી વિમુક્ત સાધક પરમ આનંદમાં ડૂબેલ હોય છે. અને એથી એ મનને ક્યાંય જોડતો નથી. જ્યારે કંઇ જ કરવાનું નથી, માત્ર હોવાનું છે – સ્વમાં, ધ્યાન-દશામાં, ત્યારે આનંદ જ આનંદ હોય ને !
•••
વચનગુપ્તિની સજ્ઝાયમાં કહ્યું :
‘અનુભવ રસ આસ્વાદતા, કરતા આતમધ્યાન,
વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન.’
મુનિવર અનુભવના રસને આસ્વાદતા હોય છે, આત્મધ્યાનમાં તેઓ મગ્ન હોય છે. ભીતરી આનંદની આ ક્ષણોમાં બોલી કેમ શકાય? ‘ન વદે મુનિ અનિદાન.’ જેમને કોઇ નિદાન, અભીપ્સા નથી તે મુનિ શા માટે બોલે?
અને આવું જ મઝાનું બીજું સાધના સૂત્ર : ‘ભાષા પુદ્ગલ વર્ગણા, ગ્રહણ નિસર્ગ ઉપાધ; કરવા આતમવીર્યને, શાને પ્રેરે સાધ?’
બોલવાની પ્રક્રિયામાં શું થાય છે? ભાષા વર્ગણાના પુદ્ગલોને તમે પકડો છો. અને છોડો છો. મઝાનો પ્રશ્ન પૂજ્યશ્રીજી પૂછે છે : પુદ્ગલોને પકડવા અને છોડવા માટે સાધક પોતાની આત્મશક્તિનો ઉપયોગ કરી શકે?
ભાષાસમિતિ અને વચનગુપ્તિના સંબંધની વાત કરતાં તેમણે કહ્યું :
‘વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય;
તેહ સર્વથા ગોપવે, પરમ મહારસ થાય…’
મુનિ સ્વાધ્યાયમાં રત હોય છે. કારણ કે એને બીજું કંઇ બોલવું નથી. પણ એ સ્વાધ્યાય (ગોખવાનું, બીજાને સમજાવવાનું, પ્રવચન આપવાનું આદિ) પણ જાય ત્યારે તેઓ મહામૌનમાં પ્રવેશે છે. અને ત્યારે પરમરસ તેમને મળે છે.
•••
કાયગુપ્તિની સજ્ઝાયમાં મઝાની કડી આવી :
‘આતમવીર્ય ફુરે પર સંગ જે,
તે કહિએ તનુયોગોજી;
ચેતન સત્તા રે પરમ અયોગી છે,
નિર્મળ સ્થિર ઉપયોગોજી.’
આત્મશક્તિ (ઉપયોગ) પરના (શરીરના) સંગે પ્રવૃત્ત થાય, તેને કાયયોગ થશે. પરંતુ આત્મસત્તા તો પરમ અયોગી છે. એ છે નિર્મળ, સ્થિર ઉપયોગ… સ્વનું સ્વમાં રહેવાપણું. ત્યાં પર ક્યાંથી આવ્યું?
એ જ લયમાં આગળ કડી આવે છે :
‘વીર્ય સહાયી રે આતમધર્મનો,
અચલ સહજ અપ્રયાસોજી;
તે પરભાવ-સહાયી કિમ કરે,
મુનિવર ગુણ આવાસોજી.’
વીર્ય/આત્મશક્તિને સ્વ તરફ લઇ જવામાં જ કામમાં લેવાની છે. તે વીર્યને સાધક પરભાવ તરફ જવામાં સહાયક બનાવી શકે?
અગણિત જન્મોથી આ ભૂલ ચાલી. ઉપયોગને એવી રીતે પ્રવૃત્ત કરાયો કે એ અશુભ મનોયોગ આદિ તરફ લઇ જનાર જ થાય. હવે એ ભૂલનું પુનરાવર્તન નહિ જ.
આત્મશક્તિને ત્રણ વિશેષણો અપાયાં : ‘અચલ, સહજ, અપ્રયાસોજી…’
આત્મશક્તિ નિશ્ચલ છે. તે સતત સ્વરૂપમાં સ્થિરતાની દશાને નિર્ણીત કરે છે.
આત્મવીર્ય સહજ, અકૃત્રિમ. જ્યાં સહજતા છે ત્યાં થાક નથી. અસહજતા આવી કે થાક જ થાક.
તમે સાધનામાર્ગે થોડાક આગળ વધો ત્યારે તમને આ સહજતાનો અનુભવ થાય છે. ત્યારે સ્વમાં રહેવું સહજ લાગે. પરમાં જવું અસહજ લાગે.
એક સાધકની આ કેફિયત : હવે બોલવું પડે છે ને થાક લાગે છે. બૌદ્ધિકો સમક્ષ વિચારીને બોલવાનું હોય ત્યારે બહુ થાકી જવાય.
મેં એમને પૂછ્યું : પછી આ અસહજ દશામાંથી તમે બહાર શી રીતે આવો છો? એમણે કહ્યું : નિર્વિકલ્પ સ્થિતિમાં થોડી વાર રહું અને ફ્રેશ થઇ જાઉં.
સહજતા છે, માટે અપ્રયાસ છે. પરમાં જ પ્રયાસ કરવો પડે છે; જેના પરિણામે થાક લાગે છે.
•••
મને એક ઘટના યાદ આવે છે : ત્રીસેક વર્ષ પહેલાંની, જ્યારે મારું હાઈપર ટેન્શન વધુ રહેતું હતું. એક ડૉક્ટર પ્રવચન સાંભળવા માટે આવતા હતા. એમણે પ્રવચન પહેલાં મારું બ્લડપ્રેસર માપ્યું. પછી પણ માપ્યું. મને કહે : સાહેબ, બોલ્યા પછીનું બ્લડપ્રેસર વધુ છે. તમારે પ્રવચનો છોડવા જોઇએ.
મેં હસીને કહ્યું : ડૉક્ટર ! મારે તો બોલવું નથી. હું તો મૌનની ધારાનો માણસ છું. પણ લોકોને મારા શબ્દો (મારા કંઠેથી વહેતાં પ્રભુનાં પ્યારાં વચનો) જોઇએ છે, માટે હું બોલું છું.
ડૉક્ટર મારી સાક્ષિભાવની ધારાથી પરિચિત હતા. એમણે કહ્યું : બ્લડ પ્રેસર જે વધે છે બોલવાથી, તેનું કારણ એક જ છે અને તે છે શરીરને પડતો શ્રમ. આ માત્ર બોડી-રીએક્સન જ છે.
મેં કહ્યું : એના માટેનો ઉપાય?
ડૉક્ટર અનુભવી હતો. તેમણે કહ્યું : પ્રવચન આપ્યા પછી તરત રૂમમાં જઇ 15 મિનિટ શવાસને સૂઇ રહેવું… મેં કહ્યું : આ તો સરળ ઉપાય છે ! બોડી-રીલેક્સેસન થઇ જાય…
આ ઉપાયથી ખરેખર સારું લાગ્યું. શવાસન સાધકને સહજ દશામાં લઇ જાય ને!
•••
પહેલાં સ્થૂળ તપાચાર તરીકે બાહ્ય તપ. બાહ્ય તપને અભ્યન્તર તપનું ઉદ્દીપક કહ્યું છે ને !
ઉણોદરી તપને લો. ભોજનમાં થોડી ભૂખ હતી અને ઊઠી ગયા. અભ્યન્તર તપ સ્વાધ્યાય-ધ્યાનાદિમાં જવા માટે આ અત્યંત ઉપયોગી છે. ભોજન કર્યા પછી તરત તમે સ્વાધ્યાયાદિ કરી શકશો. પણ જો પેટપૂર ખવાયેલું હશે તો ભોજન પછી ચોપડી લઇને બેસશો ને આંખો ઘેરાશે. તમારે સૂઈ જવું પડશે.
કારણ એ છે કે ઓછું ભોજન લીધું હોય તો શરીરનું તંત્ર જઠર (પેટ)ને અને મગજને એક સાથે લોહી પહોંચાડી શકશે. વધુ ખવાયું હશે તો એના પાચન માટે શરીરનું તંત્ર બ્લડ સપ્લાય વધુ પ્રમાણમાં જઠરને કરશે. મગજને લોહીનો પુરવઠો ન મળવાથી તે થોડો સમય વિશ્રામ લેશે.
•••
વૃત્તિ સંક્ષેપ (ભોજ્ય દ્રવ્યોની ઓછાશ) અને રસત્યાગ (ઘી, દૂધ આદિ વિગઈનો ત્યાગ) પણ શરીરને હળવું રાખશે. જેથી સાધનામાં આગળ સરી શકાય.
શરીરને તો રોટલી, શાક અને દૂધ મળે એટલે ભયો ભયો ! એને વધારાના કોઇ પદાર્થની જરૂરિયાત નથી.
•••
કાયક્લેશ તપમાં પરિષહોની સાથે આસનજય પણ આવે છે. આસનો પણ ભીતર જવા માટે બહુ જ ઉપયોગી છે. ગોદોહાસન મઝાનું આસન છે. ભરવાડ ગાય દોહવા બેસે, ત્યારે પોતાના શરીરનો પૂરો ભાર પગની આંગળીઓ અને અંગૂઠા પર નાખે છે. પગની પાની અધ્ધર થયેલી હોય છે. આ ગોદોહાસન. (ગાયને દોહવા માટે થતા શરીરના અવસ્થાંતર જેવું જ અવસ્થાંતર તે ગોદોહાસન.)
આનાથી શું થાય છે?
તમે 10 કિલોમીટર ચાલશો. પગના તળિયા પર દબાવ આવશે. પણ પગના આંગળાં કે અંગૂઠા પર દબાવ નહિ આવે… આ દબાવથી રાગ-વૃત્તિ ઓછી થાય છે. એ સ્થળે એવી ગ્લેન્ડ્સ આવેલ છે, જે દબાવાથી આ પરિણામ મળે છે.
એ જ રીતે, ચૈત્યવન્દન કરતી વખતે પગની પીંડી પર શરીરનો ભાર જાય છે ત્યારે, પીંડીમાં રહેલી ગ્લેન્ડ્સ (ગ્રંથિઓ) સક્રિય બને છે. એને કારણે અહોભાવની ધારા છલકાય છે.
•••
સંલીનતામાં અંગોપાંગોને સંકોચી રાખવાથી
આગળની સાધના માટે શરીર ટ્રીટ થાય છે.
અનશન (ઉપવાસ, આયંબિલ આદિ) તો મઝાની ઘટના છે જ. શરીર શુદ્ધ બને. સાધના માટેની એક સક્ષમતા ઊભી થાય…
એમાંય, આયંબિલનો તપ… ઉણોદરી પૂર્વકનો એ તપ. લાંબો સમય સુધી કરી શકાય… અને સાધના માટે જે શરીરની હળવાશ-બૉડી રીલેક્સેસન જોઇએ છે, તે પણ મળી જાય…
•••
હવે અભ્યન્તર તપ.
અભ્યન્તર તપમાં બે ત્રિપદી છે : સાધન ત્રિપદી અને સાધ્ય ત્રિપદી. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ એ સાધન ત્રિપદી છે. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ એ સાધ્ય ત્રિપદી છે.
બાહ્ય તપાચારે શરીરને હળવું બનાવ્યું. એ રીતે મન પણ થોડું હળવું (સ્ટ્રેસ-ફ્રી) બન્યું.
અભ્યન્તર તપની સાધન ત્રિપદી, સાધ્ય ત્રિપદી માટે પાયાનું કામ કરશે.
સાધનામાં મુખ્યતયા અવરોધક અહંકાર છે. એ ‘હું’ નું વાવાઝોડું સાધનાના તંબુને જમીનદોસ્ત કરી નાખે છે. ‘મેં આમ કર્યું, મેં તેમ કર્યું…’ કર્તૃત્વના જંગલની બહાર શી રીતે નીકળાય?
સાધના doing નથી, એ તો being છે.
તો અભ્યન્તર તપાચારની આ પ્રથમ ત્રિપદી કઇ રીતે કામ કરે છે, તે જોઇએ.
રાગ-દ્વેષ આદિને કારણે થયેલ અપરાધોના દર્દથી વ્યથિત સાધક ગુરુદેવ પાસે આવે છે. ગુરુદેવ એને પ્રાયશ્ચિત્ત આપીને હળવો બનાવે છે. રાગ-દ્વેષ સહેજ ઓછા થયા.
વિનય ગુણ અહંકારને શિથિલ કરશે. મહાપુરુષોનાં ચરણોમાં ઝૂકો. જ્ઞાનીઓનાં ચરણોમાં ઝૂકો…
વિનય પછીની વૈયાવચ્ચની સાધના તો અત્યુત્તમ. આપણા ભારતીય સંસ્કારોમાં વડીલોના સન્માનની વાત છે, એ કારણે વડીલોનાં ચરણોમાં ઝૂકવા છતાં ઝૂકનાર બચી ગયો તો?
એ ઝૂકનારને હાંકી કાઢવા માટે વૈયાવચ્ચ… નાનાની પણ સેવા કરો. ગ્લાન મુનિની સેવા કરો. ઝૂકો, ઝૂકો, ઝૂકો ! આ ઝૂકવું એવું ઘટિત થાય કે ‘હું’ ને ભાગવું જ પડે ઊભી પૂંછડીએ !
•••
હવે તપાચારની સાધ્યત્રિપદી : સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ.
સ્વાધ્યાય દ્વારા આત્મતત્ત્વનું યથાતથ જ્ઞાન મળે. ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા આત્મતત્ત્વની અનુભૂતિ થાય.
સ્વાધ્યાય. એવા ગ્રન્થોનું પરિશીલન, જેથી આત્મતત્ત્વનું વિશદ જ્ઞાન મળે. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, અધ્યાત્મબિન્દુ જેવા ઘણા ગ્રન્થો પૂર્વજોએ આપણને આપ્યા છે.
સ્વાધ્યાય… શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા… ઊંડાણ ભર્યું સ્વનું ચિન્તન.
•••
એ પછી અનુભૂતિ. ધ્યાન અને કાયોત્સર્ગ એ છે સ્વાનુભૂતિનાં સશક્ત માધ્યમો.
ધ્યાન અને કાયોત્સર્ગ છે ત્રિગુપ્તિ-સાધના. ગુપ્તિના બે પ્રવાહો છે : શુભ અને શુદ્ધ.
અત્યારે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ તેમાં કાયગુપ્તિ શુદ્ધ છે. બીજી બે ગુપ્તિઓ શુભની છે. કારણ કે નવકાર મહામંત્ર કે લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરો છો ત્યારે ઉચ્ચારણ અંદર ચાલુ છે. મનનો ઉપયોગ તે ઉચ્ચારણ પર, સૂત્રની સંખ્યા પર છે.
ધ્યાનમાં જો નિર્વિકલ્પ દશા અનુભવાય તો ત્યાં મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુદ્ધના થયા. અપ્રકંપ રીતે ઊભા રહીને કે બેઠા રહીને ધ્યાન થાય ત્યારે કાયગુપ્તિ પણ શુદ્ધની છે. પરંતુ ઈર્યા સમિતિપૂર્વક મુનિ ચાલે છે, જ્યારે એણે શુભ વિચાર પણ કરવાનો નથી. (પાંચે પ્રકારના સ્વાધ્યાયને છોડીને દૃષ્ટિપ્રમાર્જના કરવાપૂર્વક ચાલવું તે ઈર્યા સમિતિ છે.) ત્યારે કાયગુપ્તિ શુભની છે. (ચાલવાની પ્રવૃત્તિ થાય છે ને !)
તો, આ ત્રિગુપ્તિ સાધના તે ધ્યાન. મન, વચન, કાયાના યોગો નિયંત્રિત થયા. હવે ઉપયોગને આત્માભિમુખ બનાવવાનો છે.
આનંદ જ આનંદ.
•••
બધી જ ક્રિયાઓ સાધક અપ્રમત્ત રૂપે કરે તે સ્થૂળ વીર્યાચાર. ખમાસમણ દેતાં પંચાંગ પ્રણિપાત, વન્દન દેતાં સંડાસા પૂંજવાના ઈત્યાદિ બધું જ અપ્રમત્ત રૂપે કરવું તે સ્થૂળ વીર્યાચાર.
•••
સૂક્ષ્મ વીર્યાચાર આ છે : ઉપયોગનું સ્વ તરફ વળવું. વીર્યને, આત્મશક્તિને પર તરફ ન જવા દેતાં માત્ર આત્મગુણ અને આત્મસ્વરૂપના અનુભાવન પ્રતિ આત્મશક્તિનું વહેવું.
•••
પંચાચારમયી આ સાધનાની પૃષ્ઠભૂ પર ‘જ્ઞાનસાર’ ના શ્લોકને અનુપ્રેક્ષિત કરીએઃ
यश्चिद्दर्पणविन्यस्त-समस्ताचारचारुधीः।
क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति॥
જે યોગી પુરુષે પોતાના શ્રુત-દર્પણ વડે પાંચે આચારોનો મહિમા જોયો છે, અને એનું માધુર્ય આસ્વાદ્યું છે, તે નિરુપયોગી પરદ્રવ્યમાં મૂંઝાય ખરો?
નહિ જ.
આ આનંદ સામે એ તો સાવ નગણ્ય છે.
•••
પરપદાર્થને એક વિશેષણ આપ્યું : અનુપયોગી, નિરર્થક.
પરપદાર્થોનો જે સમૂહ સામાન્ય વ્યક્તિ પાસે છે, તેમાંથી એને પોતાને-આત્મતત્ત્વને તો પદાર્થોની જરૂર છે જ નહિ; શરીરને પણ કેટલા પદાર્થો જોઇએ? રહેવા માટે ઘર. ખાવા માટે દાળ-રોટી… અને એ મળી શકે એટલું ધન. આથી વધુ સાધકને શું જોઇએ?
એક ફિલોસોફરે કહેલું કે આજના માણસે નકામી વસ્તુઓના સંગ્રહ વડે ઘરને ગોડાઉનમાં ફેરવી નાખ્યું છે.
રસિયન લેખક ગોર્બાચેવને અમેરિકા પ્રવચનો આપવાં જવાનું થયું. સરકારી અધિકારીઓ અમેરિકાના જોવા જેવા બે-ચાર સ્થળે સાહિત્યકારને લઇ ગયા; એક સુપર મૉલમાં પણ તેમને લઇ જવામાં આવ્યા. અઢળક ચીજો…
મૉલમાંથી બહાર નીકળ્યા પછી પૂછવામાં આવ્યું કે સાહેબ, આપને કેવો લાગ્યો આ મૉલ?
ગોર્બાચેવે હસતાં હસતાં કહ્યું : ખરેખર આનંદ થયો આ મુલાકાતથી. પણ આનંદ એટલા માટે કે અમારા દેશવાસીઓ આ બધી વસ્તુઓ વિના પણ બહુ જ આનંદથી જીવે છે. મતલબ કે આવી નકામી ચીજોની અમારે જરૂરિયાત નથી પડતી.
•••
‘क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति।’
સાધકના માટે સૂત્ર આ જ છે : પરદ્રવ્ય મારા માટે નિરર્થક છે. કારણ કે એ ‘હું’ તરીકે પોતાના આનંદઘન સ્વરૂપને જુએ છે.
શરીર માટે અનિવાર્ય જરૂરી હોય તેવા પદાર્થો ગ્રહણ કરતી વખતે પણ રાગદશા તેને નથી હોતી. પરમપાવન ‘દશવૈકાલિક સૂત્ર’ કહે છે : ‘तं पि संजम-लज्जट्ठा, धारिंति परिहिंतिअ’ મુનિઓ વસ્ત્ર પહેરે છે એ પણ વિભૂષા માટે નહિ, હું સારો દેખાઉં એ માટે નહિ, (કારણ કે શરીરમાં હું બુદ્ધિ જ નથી ને !) માત્ર સંયમની મર્યાદા માટે વસ્ત્રો પહેરવાના છે.
આહાર શા માટે શરીરને આપવાનો? ‘मुक्खसाहण हेउस्स, साहुदेहस्स धारणा।’ મોક્ષના સાધનરૂપ સાધુ દેહના પોષણ માટે. નહિ કે રસાસ્વાદ માટે.
કેટલી મઝાની આ પરંપરાઓ !
•••
શ્રેષ્ઠિપુત્ર મૃગાપુત્ર મહાભિનિષ્ક્રમણ/દીક્ષા લેવા જવા તૈયાર થયા, તે ક્ષણોનું માર્મિક ચિત્રણ પરમપાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવ્યું છે : ‘रेणुयं व पडे लग्गं, णिद्धुणित्ताण निग्गओ…’ કપડાં પર પડેલ ધૂળને ખંખેરીને કોઇ ચાલી નીકળે, તેમ મૃગાપુત્ર પદાર્થો આદિ પરના રાગ વગેરેને છોડીને ચાલી નીકળ્યા.
•••
‘કપડાં પરથી ખંખેરાતી રજ…’ સરસ શબ્દો છે. કપડું અને ધૂળ અલગ છે. એ જ રીતે આત્મતત્ત્વ અને રાગાદિ તત્ત્વો અલગ જ છે. એટલે જ જ્ઞાનસાર કહે છે કે ‘अलिप्तो निश्चयेनात्मा।’ આત્મા નિશ્ચય દૃષ્ટિએ દ્રવ્યકર્મ (કર્મના પરમાણુઓ) અને ભાવકર્મ (રાગ, દ્વેષ આદિ)થી અલગ જ છે.
વસ્ત્રનું રજ સાથે તાદાત્મ્ય નથી. તેવી જ રીતે આત્માનો રાગાદિ સાથે તાદાત્મ્ય સંબંધ નથી. માત્ર સંયોગ સંબંધ છે, જેને ઉપાયોથી (સાધનાથી) દૂર કરી શકાય છે.
PARAVANI ANK 17
•••
પરાપૃચ્છા
– ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ મ.
Ruchi–Bodh–Anubhuti
પ્રશ્ન : આત્મતત્ત્વની અનુભૂતિનો સરળ માર્ગ કયો?
ઉત્તર : આપણા યુગના સાધનામનીષી પૂજ્યપાદ ગુરુદેવ પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે અનુભૂતિનો માર્ગ આ રીતે બતાવ્યો છે : રુચિ, બોધ અને અનુભૂતિ.
માત્ર બે જ ચરણો; ને અનુભૂતિ આત્મસાત્ થઇ જાય.
•••
પહેલું ચરણ : રુચિ.
રુચિની વ્યાખ્યા : Ask and you shall receive. સદ્ગુરુનાં ચરણોમાં સાધક જાય. એની ઈચ્છા છે કે ગુરુદેવ આત્મતત્ત્વની અનુભૂતિની, તેના માર્ગની વાત કરે.
આ ઈચ્છા તીવ્ર ઝંખનાના સ્તરની છે. પૂજ્યપાદ દેવચન્દ્ર મહારાજ યાદ આવે : ‘રુચિ તેણે પાર ઉતાર…’ પ્રભુ! તારા જ્ઞાન, દર્શન, વીતરાગદશા આદિ ગુણોને જોયા… તે બહુ જ ગમ્યા… આ ગમવાના/રુચિના બળ પર તું મને પેલે પાર લઇ જા!
પ્રભુના ગુણો જેવા જ ગુણો આપણી પાસે છે. આપણા ગુણો કર્મોથી ઘેરાયેલ છે.
રુચિ, તીવ્ર ગમો એ ગુણો પરનો; કર્મોના વાદળને હટાવશે અને ભીતરી પ્રકાશ ઝળહળી ઊઠશે.
•••
બીજું ચરણ : બોધ.
પૂજ્યશ્રીજીએ આપેલ બોધની વ્યાખ્યા : Seek and you shall find.
ભીતરથી માર્ગ સૂઝ્યા કરે. મોહનીયના ક્ષયોપશમને કારણે સ્પષ્ટ પ્રતીતિ થાય કે આ જ માર્ગ છે.
રુચિમાં જે મોહનીયનો ક્ષયોપશમ હતો, તે અહીં થોડો ગાઢ બન્યો છે.
પ્રભુએ કહેલ માર્ગમાં હવે સંદેહ નથી રહેતો.
રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા એ માર્ગ. અને આત્માનુભૂતિ તે મંઝિલ. આ બોધ સ્પષ્ટ થઇ રહે છે.
•••
ત્રીજા ચરણે અનુભૂતિ.
પૂજ્યપાદશ્રી કહે છે : ‘Knock and the doors are opened!’ અનુભૂતિ આ રહી!
ધીરા ભગતે કહ્યું : ‘તરણા ઓથે ડુંગર, ડુંગર કોઇ દેખે નહિ…’ વૃક્ષોના ઝુંડ પાછળ કે સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોની પાછળ ડુંગર હોય અને ન દેખાય તેવું બને. પણ તણખલા પાછળ ડુંગર હોય ત્યારે…?
‘હું શરીર છું’ એવા ભ્રમના તણખલા પાછળ સત્યનો – આત્મતત્ત્વની અનુભૂતિનો પર્વત નહોતો દેખાતો…
રુચિ અને બોધ પછી હવે તે તત્ત્વની અનુભૂતિ થઇ..
•••