ગુરુપૂર્ણિમા ની હિતશિક્ષા
વિભાવના બહુ જ મજાની છે.
૩૫૯ દિવસ સદ્ગુરુ વરસી જ રહ્યા છે; વરસી જ રહ્યા છે. ભક્ત, સાધક, શિષ્ય આ ઋણમાંથી મુક્ત થવા માટે શું કરી શકે? એક દિવસ એવો રાખ્યો કે જ્યારે તમે સદ્ગુરુના ચરણોમાં કંઈક સમર્પી શકો.
શું સમર્પવું? જે પણ સારું છે, એ એણે જ આપેલું છે; આપણો તો કોઈ અધિકાર નથી એના ઉપર. ખીસા ખાલી માણસો છીએ આપણે. આપણે સદ્ગુરુ ચેતનાના ચરણોમાં શું સમર્પિત કરીએ?
પણ, ભક્ત હૃદય પાસે બધા જ જવાબો હોય છે. એક ભક્તે પ્રભુને કહેલું કે “त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये” જે તેં દીધેલું છે, એને જ હું તારા ચરણોમાં સમર્પિત કરું છું. મારી પાસે મારું કહેવાય – એવું તો કંઈ છે જ નહિ! જીવન તેં આપ્યું. સંસ્કારો તેં આપ્યા. જીવનને મજાનું મજાનું તેં બનાવ્યું. બસ, તેં જે આપ્યું છે, એને જ તારા ચરણોમાં સમર્પિત કરું છું. જે જીવન સદ્ગુરુએ તમને આપ્યું…
દીક્ષા વખતે માત્ર રજોહરણ આપ્યું નથી. તમારા હૃદયનું, જીવનનું પૂરેપૂરું રૂપાંતરણ કર્યું છે. હ્રદયના કેન્દ્રમાં જે ‘હું’ બિરાજમાન હતો, એને ત્યાંથી ગબડાવીને સદ્ગુરુએ પરમચેતનાને મૂકી દીધી!
આટલું બધું મજાનું જીવન કર્યું કોણે? સદ્ગુરૂએ. બસ એ જીવનને, એ જીવનની ક્ષણ – ક્ષણને સદ્ગુરુ ચેતનાના ચરણોમાં સમર્પિત કરવી છે.
આજે સદ્ગુરુ ચેતનાને કહી દઈએ કે તમે વરસ્યા; ખુબ વરસ્યા. પણ હું ભીનો બન્યો કે નહિ એ તમે જાણો. રેઈનકોટ – બુદ્ધિનો અને અહંકારનો – કદાચ મેં પહેરેલો છે, તો એ રેઈનકોટને કાઢો તમે. મને તો મારી બુદ્ધિ, મારો અહંકાર સરસ લાગે છે; રેઈનકોટ મજાનો લાગે છે, તો હું કાઢીશ કેમ?!
તમે મારી બુદ્ધિને છીનવી લો. તમે મારા અહંકારને છીનવી લો. આપવું કંઈ નથી આજે, પણ તમે કંઈક મારું લઇ લો – એ ભાવના છે. બુદ્ધિને લઇ લો; મેધા આપો, પ્રજ્ઞા આપો. અહંકાર ને લઇ લો; શ્રદ્ધા આપો…
સદ્ગુરુ તૈયાર. તમે તૈયાર?!
તમારી બુદ્ધિ હજુ તમને પ્યારી લાગે છે. અહંકાર સાથે જોડાયેલી જે વિચારસરણી – એ બુદ્ધિ. અને શ્રદ્ધા સાથે જોડાયેલી વિચારસરણી – એ મેધા, એ પ્રજ્ઞા.
તો આજે સદ્ગુરુને ખુલ્લી offer આપી દઈએ કે તમે મારી બુદ્ધિને પૂરેપૂરી લઇ લો. તમે મારા અહંકાર ને પૂરેપૂરો લઇ લો. અને મને તમારી દુનિયામાં પ્રવેશ આપો.
આ એક બહુ મજાની વાત છે. તમે તમારા અહંકારને દૂર ન કરી શકો – કોઈ વાંધો નથી. તમે તમારી બુદ્ધિને દૂર ન કરી શકો – કોઈ વાંધો નથી. પણ સદ્ગુરુને તમારે કહેવું જોઈએ, કે સાહેબ મારી બુદ્ધિને લઇ લો, મારા અહંકારને છીનવી લો, અને તમારા ચરણોમાં મને સ્થાન આપો. જ્યાં સુધી બુદ્ધિ અને અહંકારના શરણે આપણે છીએ, ત્યાં સુધી સદ્ગુરુના ચરણો મળવા મુશ્કેલ છે.
મીરાં એ કહ્યું : ભવસાગર સબ સૂખ ગયો હૈ, ફિકર નહિ મોહે તરનન કી; મોહે લાગી લગન ગુરુ ચરણન કી. ગુરુના ચરણોની સ્પર્શના એવી રીતે થઇ; હવે બુદ્ધિ નથી, અહંકાર નથી, માત્ર સમર્પણ છે. અને માત્ર સમર્પણ છે, તો સંસારનો સાગર સુકાઈ ગયો!
તો સદ્ગુરુને, સદ્ગુરુચેતનાને એક જ વસ્તુ કહેવી છે કે મારી બુદ્ધિને, મારા અહંકારને છીનવી લો. મને એ સારા લાગે છે, હું છોડી શકું એમ નથી. તમે પરાણે પણ મારી પાસેથી એ લઈ લો અને મને તમારા ચરણોમાં સ્થાન આપી દો.