મારા પ્રભુનું શાસન! આમ બોલો અને આંખ આંસુથી ભરાઈ જાય…
વસ્તુપાળ મંત્રીની વાત આવે, કે એકવાર ધોળકામાં એ હતા, વીરધવલ રાજાએ કહ્યું કે તમે મારા મંત્રી બનો, ગુજરાત રાજ્યના મંત્રી બનો. વસ્તુપાળે કહ્યું – કે મહારાજ તમારી નોકરી હું સ્વીકારું અને તમારી નોકરી કરતા પ્રાણ જાય તો એને જવા પણ દઉં. પણ એક વાત છે, જન્મથી મારા પ્રભુની અને મારા ગુરુની નોકરી મેં સ્વીકારેલી છે. એટલે તમારી આજ્ઞા મારા પ્રભુ કે ગુરુની આજ્ઞાની વિરુદ્ધની હશે, તો તમારી આજ્ઞાને માનીશ નહિ. આ શરતે હું મંત્રી થવા તૈયાર છું. રાજાને લાગ્યું, યોગ્યમાં યોગ્ય વ્યક્તિ આ જ છે. રાજાએ એની શરત કબૂલ કરી.
એકવાર એવું બન્યું, આચાર્ય ભગવંત ધોળકામાં પધારેલા. જોડે એક બાલમુનિ હતા. બાલમુનિ ઉપાશ્રયનો કાજો લીધો. સૂપડીમાં ભર્યો. વિધિ એવી છે કે નીચે જઈ યોગ્ય રીતે પરઠવવો પડે. બાલમુનિ હતા, એમને ખ્યાલ ન રહ્યો. ઉપરથી એમણે એ કચરો ફેંક્યો. રાજાના મામા નીચેથી પસાર થતાં હતા. એમના માથા ઉપર કચરો પડ્યો. રાજાનો મામો, એટલે power તો હતો જ. હું કોણ.. રાજાનો મામો. જૈન ધર્મથી અનજાણ, જોયું બાલમુનિ. ઉપર ચડ્યો. ધડાક કરતો એક લાફો બાલ મુનિરાજને લગાવી દીધો. અને નીચે ઉતરી ગયો. ઉપાશ્રયમાં એક શ્રાવક હતો એણે જોયું – એની તાકાત નહોતી કે રાજાના મામા સાથે પડી શકે. પણ એ તરત વસ્તુપાળ ને ત્યાં જાય છે.
વસ્તુપાળ જમવા બેસવાની તૈયારી કરતા હતા, અને આને સમાચાર આપ્યા. કે બાલમુનિરાજને રાજાના મામાએ લાફો માર્યો. એ જ ક્ષણે વસ્તુપાળ કહે છે મારા ગુરુ પર હાથ વીંઝનાર એ માણસનો હાથ તોડી ન નાંખું ત્યાં સુધી હું જમું નહિ. આ શાસનનો રાગ કેવો હશે! આપણે તો બહુ, બહુ તો વિરોધનો ઠરાવ કરી નાંખીએ. અને વસ્તુપાળે રાજાના મામાને શોધવાની તજવીજ આદરી.
મામા તો રાજાની પાસે ગયા, રાજાને વાત કરી, રાજા કહે જુઓ મામા વસ્તુપાળ ધર્મના મામલામાં મારું કહ્યું માનશે નહિ. અને એ વસ્તુપાળે નક્કી કર્યું છે, તમારો હાથ કાપી નાંખવો તો કોઈની તાકાત નથી કે તમને બચાવી શકે. હું પણ તમને બચાવી શકું એમ નથી. મામા ગભરાઈ ગયા. મારો હાથ કપાઈ જાય, ઠુંઠો થઇ જાઉં, પછી આખી જિંદગી કોઈને મોઢું કેમ બતાવું. તો રાજા ને પૂછ્યું, ભાણા કોઈ રસ્તો? તો રસ્તો એક છે “આપણા રાજમહેલના પાછળના દરવાજેથી સીધા ઉપાશ્રયમાં જતાં રહો, અને મોટા ગુરુ જે છે, એમના ચરણોમાં પડો. માફી માંગી લો. અને એ ગુરુ માફી આપી દેશે પછી વસ્તુપાલની તાકાત નથી કે વસ્તુપાળ કંઈ કરી શકે. વસ્તુપાળની ઉપર અત્યારે કોઈ હોય તો એના ગુરુ એક જ છે.
મામા તો ગયા ગુરુ પાસે, ગુરુના ચરણોમાં પડ્યા, ગુરુએ માફી આપી. વસ્તુપાળને સમાચાર મળ્યા, મામા ક્યા? તો કહે કે ગુરુદેવ પાસે ગયા છે, વસ્તુપાળ ત્યાં આવે છે. પણ ઉપાશ્રયની બહાર આવ્યા. તલવાર વિગેરે બધું મૂકી દેવું પડે. ગુરુદેવ પાસે ગયા. વિનયથી વંદન કર્યું. એ વખતે ગુરુદેવે કહ્યું, વસ્તુપાળ! આને હવે તારે હાથ પણ અડાડવાનો નથી. એ તારો સાધર્મિક બની ગયો છે. એને મારા ચરણોની અંદર શરણાગતિ માંગી છે. મેં એને શરણ આપ્યું છે. એટલે હવે તારે એને આંગળી પણ અડાડવાની નહિ. વસ્તુપાળે કહ્યું, તહત્તિ ગુરુદેવ. આ શાસન અસ્તિત્વના સ્તર પર વસેલું હતું. કંઈ પણ થઇ જાય, મારા પ્રભુનું શાસન એના એક પણ અંગને સહેજ પણ આંચ ન આવવી જોઈએ.