વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject: निराश
તમને તમારો અનુભવ થાય પછી જે આનંદની છોળો અંદર ઉછળે છે – એને તમે કહી શકતા નથી. You can experience it; you can’t say it! અષ્ટાવક્ર ઋષિએ એ અવસ્થાનું વર્ણન કરતાં કહ્યું: आत्मविश्रान्तितृप्तेन निराशेन गतार्तिना. જે સાધક ભીતર ડૂબી ગયો, એ ઈચ્છા વગરનો હોય અને પીડા વગરનો હોય.
ઈચ્છા ક્યારે હોય? જયારે તમને લાગે કે તમે અપૂર્ણ છો, ત્યારે પૂર્ણ બનવા માટે કંઈક કરવાની ઈચ્છા થાય. તમારી પૂર્ણતા જો બીજાઓના આધારે હોય, તો એમના certificate માટે તમારી ઇચ્છાઓની દોડ સવારથી સાંજ ચાલ્યા જ કરે.
પણ જો – માત્ર પ્રભુનું અને સદ્ગુરુનું certificate મારે જોઈએ – આવું તમે નક્કી કર્યું, તો તમે निराश બની ગયા! અને ઈચ્છા નથી, તો પીડા પણ નથી. ઈચ્છા હોય તો બે વસ્તુ થાય: ઈચ્છાની પૂર્તિ થઈ, તો રતિભાવ અને ઈચ્છા પૂરી ન થઈ, તો અરતિભાવ. પણ જો ઈચ્છા જ ન હોય, તો આનંદ જ આનંદ!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૨
પરમતારક દેવાધિદેવ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પ્રભુ મહાવીરદેવની સાધનાની આંતરકથા.
મોટાભાઈના આગ્રહથી બે વર્ષ પ્રભુને ગ્રહસ્થપણામાં વધારે રહેવું પડ્યું. એ વખતે એ બે વર્ષ સુધી પ્રભુએ જે સાધના ત્રિપદીને ઘૂંટેલી એની વાત આપણે જોઈ રહ્યા છીએ. “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” આત્માનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનું ઊંડાણ. આ સાધના ત્રિપદી બે વર્ષ સુધી લગાતાર પ્રભુએ ઘૂંટી.
આત્માનુભૂતિ: તમને તમારો અનુભવ થાય અને પછી જે આનંદની છોળો અંદર ઉછળે છે તમે એને કહી શકતા નથી. You can experience it, you can’t say it.
અષ્ટાવક્રઋષિ બેઠેલાં. કોકે પૂછ્યું, ભીતરની દુનિયાનો આનંદ આપ માણી રહ્યા છો, થોડીક વાતો તો એની કરો. એ વખતે અષ્ટાવક્ર ઋષિએ કહ્યું, “आत्मविश्रान्तितृप्तेन निराशेन गतार्तिना। अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते।।” એમણે કહ્યું, ભીતરનો આનંદ, શબ્દોમાં એને કઈ રીતે અભિવ્યક્ત કરવો? બે વાત છતાં ય એમને કહી કે જે સાધક ભીતર ડૂબી ગયો એ ઈચ્છા વગરનો હોય અને પીડા વગરનો હોય.
નિરાશેન ગતાર્તિના – કોઈ ઈચ્છા રહી નથી. એકવાર સુરતથી મારે ડીસા તરફ જવાનું હતું. સુરતના એક બહુ સારા સાધક મારી પાસે આવતા હતા. એમને ખ્યાલ આવ્યો કે મારે ઉત્તર ગુજરાતમાં જવાનું છે. એમણે મને કહ્યું કે સાહેબ તમે ભરૂચથી જ પસાર થવાના, બીજો કોઈ માર્ગ છે નહિ. ભરૂચમાં નર્મદા નદીના પુલથી બિલકુલ નજીકમાં એક યોગીનો આશ્રમ છે. આત્મતત્વ ઉપર એટલી ઊંડાણથી એ વાતો કરે છે કે આપણને આનંદ થઈ જાય. મને એ સાધકે કહ્યું, સાહેબ આપની ઈચ્છા હોય ને તો એ યોગી સાથે આપની મુલાકાત થાય એવું હું ગોઠવું. મેં એ ભાઈને કહ્યું, હવે આવી કોઈ ઈચ્છા રહી નથી. આત્મતત્વની અનુભૂતિ થઈ ગઈ; હવે કોઈ વ્યક્તિ એ અનુભૂતિને કઈ રીતે અભિવ્યક્ત કરે છે એની જોડે મારે કોઈ સંબંધ નથી. આત્મતત્વ વિશે કોઈની પાસે સાંભળવાની પણ ઈચ્છા મને રહી નથી. કારણ કે એનો અનુભવ થઈ ગયો છે. તો અષ્ટાવક્ર ઋષિ કહે છે, જેને અનુભૂતિ થઈ ગઈ એની પાસે કોઈ ઈચ્છા હોતી જ નથી.
ઈચ્છા શા માટે હોય? તમને જયારે પણ લાગે કે તમે કંઇક અપૂર્ણ છો તો પૂર્ણ બનવા માટે હું આ ચીજ કરું. તમારી પૂર્ણતા બીજાઓની અપેક્ષાએ છે. બીજાઓ એમ કહે કે તમે ખરેખર આગળ વધ્યાં છો. ત્યારે જ તમને લાગે કે તમે જીવનમાં કંઇક પામેલાં છો અને એટલે તમારી દોડ સવારથી સાંજ સુધી ચાલુ છે. બીજાનું સર્ટિફિકેટ જોઈએ. તમે જો નક્કી કરો કે માત્ર પ્રભુનું અને સદ્ગુરુનું સર્ટિફિકેટ જોઈએ છે; તમે અત્યારે પ્રસન્ન થઈ જાઓ. તમે સ્વયં સંપૂર્ણ છો જ. પ્રભુની અને સદ્ગુરુની પ્રસન્નતા મારે જોઈએ. એમનું સર્ટિફિકેટ મારે જોઈએ આવું તમે નક્કી કર્યું, કોઈ ઈચ્છા તમારી પાસે રહેશે નહિ. કારણ, તમે કરોડપતિ હોવ તો ગુરુનું સર્ટિફિકેટ મળે એવું તો કઈ છે નહિ. અહીંયા પૈસા સાથે કોઈ જ સંબંધ નથી. અહીંયા સંબંધ કોની સાથે? ચારિત્રની સાથે. અમારી સભામાં અબજોપતિ હોય તો પાછળ બેસશે. સામાયિક લઈને બેઠેલો સામાન્ય વ્યક્તિ આગળ બેસશે. અહિયાં પૈસાની કોઈ કિંમત નથી. અહી કિંમત માત્ર તમારાં આચરણની, માત્ર તમારાં ચારિત્રની છે.
તો નિરાશેન – કોઈ ઈચ્છા રહેતી નથી. અને ઈચ્છા નથી તો પીડા પણ નથી. અમે એકદમ આનંદમાં કારણ શું? કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા હોય તો બે વસ્તુ થાય. ઈચ્છાની પૂર્તિ થઈ તો રતિભાવ. ઈચ્છા પૂરી ન થઈ તો અરતિભાવ. પણ ઈચ્છા જ ન હોય તો આનંદ જ આનંદ. તો અષ્ટાવક્રઋષિ કહે છે, કે અંદરનો જે આનંદ છે એને હું અનુભવી શકું છું પણ કહી શકતો નથી. પણ ક્યારેક ક્યારેક એવી કોઈ ઘટના ઘટે કે જે ઘટના દ્વારા એ અનુભૂતિવાન ની અનુભૂતિની આછીસી ઝલક આપણને મળી જાય.
પૂજ્યપાદ પ્રેમસુરિદાદાના શિષ્ય યશોદેવસૂરિદાદા. એમના શિષ્ય ત્રિલોચનસૂરિ મહારાજ. ત્રિલોચનસૂરિ મહારાજ સાહેબ એકવાર વિહાર યાત્રામાં હતા. ઘણાં બધા શિષ્યો જોડે હતા. થોડાક આગળ હતા, થોડાક પાછળ હતા. વચ્ચે થોડો સમય એવો નીકળ્યો જયારે આચાર્ય ભગવંત એકલાં જ હતા. હાઈવે ઉપર વિહારયાત્રા ચાલતી હતી. પાછળથી એક ટ્રક આવી. ટ્રક વાળાની ગફલતને કારણે ટ્રકનો સહેજ આછોસો ભાગ સાહેબના શરીરને અડી ગયો. સાહેબજી પડી ગયા. સારું થયું કે રોડની ધાર ઉપર સાહેબજી ચાલતા હતા. ધક્કો લાગ્યો સાહેબજી બાજુમાં રેત ઉપર પડયા, એટલે ખાસ કાંઈ વાગ્યું નથી. ટ્રક ડ્રાઈવર એકદમ ભલો માણસ. એને થયું કોઈ સંત આ રીતે પડી ગયા. એટલે ટ્રક ઉભી રાખી. સાહેબ ભાનમાં જ હતા. ધીરે-ધીરે બેઠા થઈ રહ્યા છે. ડ્રાઈવરે સાહેબને બેઠા કર્યા. પગે લાગ્યો અને એણે કહ્યું, સાહેબ મારી ભૂલને કારણે તમને તકલીફ પડી. કંઇક વાગ્યું હશે. મારી ગાડીમાં આપને નજીકના શહેરની હોસ્પિટલમાં એડમીટ કરાવી દઉં. સાહેબજી એ ના પાડી કે અમે એ રીતે વાહનનો ઉપયોગ કરતા નથી અને મને એવું વાગ્યું પણ નથી. પણ ટ્રક ડ્રાઈવરના આંખમાં આંસુ છે. મારા કારણે એક સંતને આવી પીડા થઈ! એ વખત સાહેબજીએ કહ્યું, કે તું જલ્દીથી અહીંથી નીકળી જા. પાછળ મારા શિષ્યો આવે છે. શિષ્યોનો કોઈ વાંધો નથી. કારણ, શિષ્યો તો મારી આજ્ઞામાં છે. હું કહી દઉં કે ડ્રાઈવરને છોડી દો એટલે છોડી જ દેવાના છે. પણ જોડે થોડાક યુવાનો પણ આવી રહ્યા છે અને એ યુવાનો પાસે ગુરુભક્તિ છે. એમને ખબર પડશે કે આચાર્ય ગુરુદેવને આ રીતે ટ્રક વાળાએ અડફેટમાં લીધા. એ લોકોનો ક્રોધ ભભૂકી ઉઠશે. કદાચ તને મારશે. તારી ટ્રકનો નંબર લઇ લેશે. તું પરિવારવાળો માણસ કોર્ટમાં ધક્કા ખાઈને હેરાન થઈશ. તું જતો રહે. તો પણ પેલો જવા તૈયાર નથી. સાહેબ ભૂલ મારી છે. એ વખતે ગુરુદેવે કહ્યું, હું એક સંત છું. એક સંત તને આજ્ઞા કરે છે, ‘તું જતો રહે’. અને એ ટ્રક ડ્રાઈવર આંખમાં આંસુ સાથે ત્યાંથી ટ્રક લઈને વિદાય થાય છે.
અહિયાં આપણને લાગે કે કેવો સમભાવ ઘૂંટાયેલો હશે. સ્વાનુભૂતિ એટલે સમ્યગ્દર્શન. અને સમ્યગ્દર્શન આવેલું હોય તો સમભાવ પ્રગાઢમાત્રામાં હોય. કેવો સમભાવ? ટ્રક ડ્રાઈવરની શું ભૂલ?! જે ક્ષણે જે ઘટના ઘટવાની હતી. તે ઘટી ગઈ છે. તમારે પણ સમભાવમાં રહેવું હોય ને તો ક્રમબદ્ધ પર્યાય એ મજાની વિચારણા છે. જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે. અનંત કેવળજ્ઞાની ભગવંતોએ એ ઘટનાને એ સમયે ઘટતી પોતાના જ્ઞાનમાં જોયેલી છે તો એ મિથ્યા ક્યાંથી થશે? તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે અને એ વખતે તમે જો માની શકો કે અનંત કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં આ ઘટનાને આ રીતે ઘટિત થતી જોયેલી હતી અને એ જ રીતે એ ઘટના ઘટી છે તો એ ઘટનાનો મારે સ્વીકાર કરવો જોઈએ.
એક બહુ મજાની વાત તમને કહું, “અણગમતી ઘટનાનો અસ્વીકાર, એ કેવળજ્ઞાની ભગવંતોના જ્ઞાનનો અસ્વીકાર છે.” અણગમતી ઘટના ઘટી ગઈ. તમે એ ઘટનાનો અસ્વીકાર કરો છો, એ ઘટનાનો જ માત્ર અસ્વીકાર ન થયો; અનંત કેવળજ્ઞાની ભગવંતોના જ્ઞાનનો પણ અસ્વીકાર થયો. જો આપણને ખ્યાલ જ છે કે આ ઘટનાને અનંત કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જોયેલી છે છતાં આપણે એ ઘટનાનો અસ્વીકાર કરીએ તો એ અસ્વીકાર “અંત: તો ગત્વા” અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનના અસ્વીકારમાં પરિણમે છે.
અને એક બીજી વાત મેં કહેલી, યાદ રહી હોય તો? કે કારેલાનું શાક પણ બનાવતા બહુ સરસ આવડતું હોય તો આંગળા ચાટી ચાટીને માણસ ખાઈ જાય એ શાક ને. છે કારેલા જ, પણ બનાવવાની મેથડ બહુ મજાની હતી. એમ અપ્રિય ઘટના જ છે પણ એ અપ્રિય ઘટના ઉપર અંનત કેવળજ્ઞાની ભગવંતોની નજર પડી હવે એ ઘટના અપ્રિય રહી શકે ખરી?! મારા કે તમારાં ઉપર પ્રભુની નજર પડે, આપણે કેટલા રાજી થઈ જઈએ. એક મહાપુરુષની નજર આપણા ઉપર પડે, આપણે કેટલા રાજી થઈ જઈએ! તમારાં ઉપર તો એક બે ચાર મહાપુરુષોની દ્રષ્ટિ પડી હશે. આ તમારાં જીવનમાં જે અપ્રિય ઘટના ઘટી એના ઉપર અનંત કેવળજ્ઞાનીઓની નજર પડેલી છે. હવે એ ઘટના અપ્રિય ક્યારેય રહી શકે ખરી? એ તો મજાની મજાની થઈ જાય.
એક બીજી મજાની વાત છે. કોઈપણ ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે. એની મેળે ઘટ્યા કરે છે. ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે તો એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા તમારી પાસે નહિ? એક સાધુ ભગવંતને કોઈક ગાળો આપે તો તમારી દ્રષ્ટિએ એ ઘટના અપ્રિય છે. મુનિભગવંત માટે એ ઘટના પ્રિય છે. કેમ? એ ગાળો આપે છે, મારું કર્મ નિર્જરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સાધકને પૂછવામાં આવ્યું; કે તું આવી જગ્યાએ સાધના કરવા જાય છે, ગુરુ પૂછે છે કે ત્યાં અનાડી માણસો તારા ઉપર લાકડીઓ ઠોકશે એ વખતે તારી feelings શું હશે? એ વખતે મુનિ કહે છે, ગુરુદેવ! હું માનીશ કે ખાલી લાકડી જ મારે છે ને. મારું શરીર તો અકબંધ છે. ગુરુ આગળ પૂછે છે, એ માણસ તલવાર લઈને આવે. તલવાર તારા ગળા ઉપર અડાડે અને એક જ ક્ષણમાં ધડ અને માથું તારું અલગ થાય એવું હોય. એ વખતે તને શું વિચાર આવશે? એ વખતે મુનિ શું કહે છે… “ણત્થિ જીવસ્સ ણાસુ ત્થી એહિ ભિક્ખુ વિચિન્તએ” આ તો મારા શરીરનો નાશ થઈ રહ્યો છે, મારો નાશ ક્યાં થાય છે?! હું તો અમર છું.
એક હિંદુ સંન્યાસી સો એક વરસ પહેલા થયા. બિલકુલ મૌનમાં રહેતા. કોઈને એમના નામની ખબર નહિ. બોલે જ નહિ. એમનો જુનો પરિચય કોઈની પાસે હતો નહિ. તો લોકો એમને મૌનીબાબા તરીકે ઓળખતાં. એ મૌનીબાબા એક સાંજે એક ગામથી થોડી દુર આવેલ એક વૃક્ષની નીચે ઉભા રહ્યાં. લાગ્યું જગ્યા ઠીક છે. રાત્રે અહિયાં રહી જઈએ. ઝાડ નીચે એમણે બેઠક જમાવી. થોડે દુર લશ્કરની છાવણી હતી અને એ વખતે આપણો દેશ પરાધીન હતો. બ્રિટીશરોનું શાસન હતું. લશ્કરી છાવણીનો એક સૈનિક ફરતો હતો. ત્યાં એને આ સંતને જોયા. સંતને પૂછ્યું, આપ કોણ હો? ક્યાં નામ હૈ આપકા? કહાં સે આયે? સંત મૌનમાં. બોલવું જ નથી. પેલા સૈનિકને શંકા થઈ. કદાચ કોઈ જાસુસ-બાસુસ તો નહિ હોય. લશ્કરી છાવણી અમારી બાજુમાં છે. ૧૮૫૭નો બળવો તરત જ થઈ ગયેલો, એટલે બ્રિટીશરો પણ સતર્ક હતા. એ સૈનિક પોતાના ઉપરી પાસે ગયો. જે બ્રિટીશર હતો. અને એણે કહ્યું કે આ રીતે એક સાધુ જેવો માણસ દેખાય છે પણ એ કંઈ બોલતો નથી. અધિકારી ત્યાં પહોંચી ગયો. ભરેલી બંદુક સાથે. ભારતમાં રહેતો હતો. થોડુક હિન્દી એને આવડતું હતું. એણે પૂછ્યું, તુમ કોન હો? ક્યાં નામ હૈ તુમ્હારા? બાબા મૌનમાં. પેલાને શંકા પડી. એણે કહ્યું, પાંચ મિનિટ મેં તુમ્હારા નામ બોલ દો. કહાં સે આયે? તુમ કહાં જાને વાલે હો? સબ બાત બતા દો. વરના એ બંદુક મેરે પાસ હૈ, ટ્રીગર દબાઉંગા, ગોલી છુટેગી તુમ મર જાઓગે. પણ હવે જેના માટે જીવન અને મૃત્યુ એક સરખા હોય એને મોતની ધમકી એ ડગાવી શકે ખરી?
ભગવદ્ ગીતાએ એક બહુ સરસ વાત કરી, “वासांसि जीर्णानि यथा विहाय” મૃત્યુ એટલે શું? એક મહાપુરુષને ક્યારેક જુઓ. ૯૨/૯૫/૯૮ વરસનું વય હોય. જવાની તૈયારી આવી ગઈ હોય. ડોક્ટરોએ કહેલું હોય હવે થોડા કલાકોનો મામલો છે. એ વખતે તમે એ મહાપુરુષને જોજો. એમના ચહેરા ઉપર એ જ શાંતિ, એ જ આનંદ છે. એમને પૂછો, સાહેબ હવે જવાની વેળા આવી. તો એ હસવા માંડશે. એ કહેશે સાધના માટે આ શરીર જુનું થઈ ગયું છે એટલે જુનું શરીર છોડી દેવાનું નવા શરીરમાં સાધના શરૂ કરી દેવાની. વસ્ત્ર જુનું થઈ ગયું, ફેંકી દો, નવું વસ્ત્ર પહેરી લો. અને મહાપુરુષો માટે આ જ વાત છે. એમની સાધના અસ્તિત્વના સ્તર સુધી ગયેલી છે. અને એથી જીવન ભલે બદલાય, સાધનાનો દોર અણછૂટ્યો, વણછૂટ્યો ચાલવાનો છે. એટલે વચ્ચે વચ્ચે મેં બે ત્રણ વાર મેં તમને કહ્યું કે જે તમારી સાધના છે એ અસ્તિત્વના સ્તરની હોવી જોઈએ.
Conscious mind ના લેવલની સાધના તમારી પાસે હશે તો શું થશે? જીવન પૂરું થશે. સાધના પૂરી થશે. એક અત્યંત વિદ્વાન માણસ હોય. મરી જાય. ફરીથી માણસ તરીકે જન્મે. એવો વિદ્વાન હતો કે રાત્રે બાર વાગે ૫૦૦૦ માણસોની સભામાં કોઈ જ તૈયારી વિના ૫ કલાક બોલવું હોય તો બોલી શકે. આવો એ વિદ્વાન! મરી ગયો, ફરી મનુષ્ય જન્મમાં આવ્યો. અને બે વરસનો થયો. ABCD એને શીખવાડો. કેમ ભાઈ? ગયા જનમનું ક્યાં ગયું? ગયા જન્મનું જે હતું. એ Conscious mind ના લેવલનું હતું. અને Conscious mind ના લેવલનું હતું એ જન્મ બદલાય પછી રહેતું નથી. જે તમારાં અસ્તિત્વના સ્તર ઉપર છે એ જન્મોથી તમારી જોડે છે. એ જ પેલો વિદ્વાન બે વરસનો બાળક બનેલ છે. A BCD એને આવડતી નથી, પણ એને રમકડું આપશો એ મોઢામાં નાખશે. કેમ? આહારસંજ્ઞા અસ્તિત્વના સ્તર પરની છે….
…..કે સાહેબને આમ carving બહુ ગમી ગયું લાગે છે. કોતરકામ ગમી ગયું છે. સાહેબ છે ને સરસ? ત્યારે સાહેબે કહ્યું હું તો એ જોવા માંગું છું કે તું મરીને આમાં કીડા તરીકે ક્યાં ઉત્પન્ન થઈશ? અને પછી ગુરુ. ગુરુનું duel action હોય. એ dual action ત્યાં પ્રગટ થયું. પહેલા ગુરુ એને પ્રેમથી પંપાળે. નજીક લાવે, બુચકારે અને પુચકારે… જ્યાં નજીક આવે ને એક ધોલ ઠોકી દે.
ગુરુએ એ ભક્તને કહ્યું. સંસારમાં રહે છે. તારે ઘર પણ જોઈએ. ફર્નિચર પણ જોઈએ. આટલો બઘો રાગ એના ઉપરનો! આ તારો આના ઉપરનો રાગ, જડ ઉપરનો રાગ તને અહીંયા જ લાવીને કદાચ ઉત્પન્ન કરશે. અને એ ભક્ત સાંભળીને પાણી-પાણી થઈ ગયો. પરસેવો-પરસેવો એને વળી ગયો. સાહેબ! હું આમ ઉત્પન્ન થઈશ કીડા રૂપે? હા, થઈ શકે. મિથ્યાદ્રષ્ટિ દેવો ક્યાં ઉત્પન્ન થાય? એમને વાવડી બહુ ગમે, વૃક્ષો. અને વેલડીઓ બહુ ગમે તો એ વનસ્પતિકાયમાં કે અપ્કાય માં જ ઉત્પન્ન થાય.
પેલા સંત માટે જીવન અને મૃત્યુ માત્ર પર્યાય હતા. મેં એક સાધના કાલે આપેલી ખબર છે? પર્યાયોમાં જવું નથી. માત્ર શુદ્ધ દ્રવ્યમાં જવું છે. એક ઘટના એટલે પર્યાય. શરીરમાં રોગ આવ્યો એટલે પર્યાય બન્યો. શરીર પણ એક પર્યાય છે. દ્રવ્ય તો આત્મદ્રવ્ય. જે નિત્ય છે. શરીર પર્યાય. આ વખતે આ પર્યાયમાં છીએ. આવતા જન્મમાં કયા પર્યાયમાં હોઈશું? શરીર પર્યાય. શરીરમાં રોગો આવે એ પણ પર્યાય. તો પર્યાયોને જોવાના. અને આત્મદ્રવ્યમાં જવાની કોશિશ કરવાની.
સંત માટે જીવન પણ એક પર્યાય હતો, મૃત્યુ પણ પર્યાય હતો. પેલો કહે મારી નાંખીશ. તું કહે છે હું મરી જવાનો. હું ક્યાં મરી જવાનો છું? હું તો અમર છું. પેલાએ કહ્યું પાંચ મિનિટ મેં દેતા હૂં. બોલના હૈ તો બોલ દો વરના ગોલી ડાલ દુંગા. પ્રેમથી જોઈ રહ્યા છે. મારી નાંખે તો મારી નાંખે. એ મારનાર ક્યાં છે? મારો પર્યાય મૃત્યુનો આવેલ હશે તો જ હું મરીશ. અને એટલે એવા સંત કદાચ મરી જાય તો પણ મારનાર તરીકે પેલી વ્યક્તિને કલ્પવા એ તૈયાર નથી. મારા પર્યાયને કારણે મૃત્યુ આવ્યું. અને પેલાએ ખરેખર ટ્રીગર દબાવ્યું, ગોળી છૂટી શરીર તો ખતમ થવાનું જ હતું. એ મૌની બાબા ક્યારેય પણ બોલે નહિ એ વખતે બોલ્યા, તુમ ભી ભગવાન હો. મોજમાં આવી ગયા. મજા આવી ગઈ. અને મજા આવી ગઈ એટલે બોલ્યા, તુમ ભી ભગવાન હો. ભગવાન શું કરે? જીવન-મૃત્યુ ના ચકરાવમાંથી બહાર કાઢે. તે પણ મૃત્યુના ચકરાવમાંથી મને બહાર કાઢ્યો.
નિરાશેન ગતાર્તિના – કોઈ ઈચ્છા રહેતી નથી.
એક ક્ષણ વધારે જીવું એવી ઈચ્છા હોતી નથી. જે ક્ષણે જે ઘટના ઘટવાની હોય એ ઘટ્યા કરે મારે એ ઘટનાને માત્ર જોવાની છે. તમને જો ઘટનાઓ જોતા આવડે. પર્યાયોને જોતા આવડે તમે આનંદઘન અત્યારે બની ગયા. Now and here. હું આમ પણ છે ને ઉધારી કરતો નથી. Now and here. અત્યારે તમે આનંદઘન બની જાવ. જે પર્યાય ખુલ્યો એને જોવાનું. કોઈએ ગાળો આપી તો એ પણ જોવાનું. કોઈએ લાકડી ઠોકી તો એ પણ જોવાનું. બધું જોવાનું જ છે. અમે જે મજામાં છીએ. એનું કારણ આ છે. અને આપણે પ્રભુની સાધનામાં પણ આ જ વાત જોવી છે. કે પ્રભુ દ્રવ્યદ્રષ્ટિક કેવા હતા? અને પર્યાયો ઉપરથી પ્રભુની દ્રષ્ટિ કેવી નીકળી ગઈ?
પ્રભુની સાધનામાં એક સરસ વાત આવે છે કે પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. પ્રભુને થયું કે આર્ય દેશોમાં લોકો સંતોના ભક્ત છે અને એટલે અહિયાં મને એ લોકો વધારે ઉપદ્રવ આપતા નથી. મારે મારા કર્મોને ખેરવવા છે તો મારે ઉપસર્ગો જોઈએ છે. પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. ઘણી વાર એવું બન્યું છે. પ્રભુ કોઈ ગામમાંથી પસાર થતા હોય. એ અનાડી લોકો જેમણે ક્યારેય પણ સંતોને જોયા નથી. એ લોકો શિકારી કુતરા પ્રભુની પાછળ છોડે છે. અને એ શિકારી કુતરા પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચેલોચા કાઢી નાંખે. ક્યારેક પ્રભુની પીઠ ઉપર લાકડીઓનો વરસાદ વરસાવે. પ્રભુ આગળ જાય. જંગલ આવ્યું. હવે પ્રભુએ સીધુ જ સાધનામાં ઉતરી જવું છે.
તો એ વખતે આચારાંગસૂત્રમાં શિષ્ય પ્રશ્ન કરે છે સુધર્માસ્વામી ભગવાનને, કે ગુરુદેવ! આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી, હવે પ્રભુને સાધનામાં જવું છે. પ્રભુ સાધનામાં ઊંડા ઉતરી જશે ત્યારે તો એ માત્ર અંદર જ હશે. પણ અત્યારે હજુ સાધનામાં ગયા નથી એ વખતે હમણાં જે ઘટના ઘટી, એનું સ્મરણ હોય કે ન હોય? કેટલી મોટી ઘટના ઘટી છે! એ તો પ્રભુ હતા અને એમનું એ શરીર બળ હતું. આપણે તો એ યાતનાને શરીરના સ્તર ઉપર પણ સહન ન કરી શકીએ. પગમાંથી માંસના લોચેલોચા કાઢી નાંખેલા. પીઠ ઉપર એટલી લાકડીઓ ઠોકી છે. પીઠ સુજી ગઈ છે. આવી ઘટના હમણાં જ ઘટી છે અને શિષ્ય પૂછે છે કે આ ઘટનાનું સ્મરણ પ્રભુને હોય કે નહિ? તો કહે, “નથી હોતું.” અરે! આટલી મોટી ઘટના ઘટી ગઈ, અને એનું સ્મરણ નહિ! જવાબ એટલો સરસ અપાયો. સુધર્માસ્વામી ભગવાને જવાબ આપતા કહ્યું, કે જે વખતે ઘટના ઘટી એ વખતે પ્રભુનો ઉપયોગ ઘટનામાં ન હતો. તો પાછળથી સ્મરણ કોણ કરે? ઘટના ઘટી ત્યારે પ્રભુ શરીરમાં ગેરહાજર હતા. પ્રભુ તો સ્વમાં હતા, પ્રભુ તો આત્માના આનંદમાં હતા. શરીરના સ્તર પર ઘટના ઘટી છે. પ્રભુ શરીરના સ્તરે ગેરહાજર હતા. હવે ઘટના વખતે તમે ન હોવ તો પાછળથી સ્મરણ કઈ રીતે આવે?!
એક ઘટના ઘટી. તમે હજાર હતા. અને તમારી ઉપર ઘટના ઘટી છે. પાછળથી તમે યાદ કરો. આવું થાય. પણ ઘટના વખતે તમે હોવ જ નહિ. તો પાછળથી યાદ કોણ કરે? તો સુધર્માસ્વામી ભગવાને કહ્યું, એ ઘટના ઘટી શરીરના સ્તર ઉપર. પ્રભુ એ વખતે શરીરના સ્તર પર હતા જ નહિ. પ્રભુ ચોવીસ કલાક માત્ર ને માત્ર ભીતર જ રહેતા હતા.
અને આ સંદર્ભમાં એક મજાની સાધનાની વાત હું કરું છું. એ સાધના એ છે કે તમારી ભીતર આવો એક રૂમ હોવો જોઈએ. નાનકડા ટાઉનમાં કે ગામમાં કોઈ સુખી માણસ રહેતો હોય, દીકરા મુંબઈ કે સુરત રહેતા હોય. વેકેશનનો ટાઇમ હોય ત્યારે બધા દીકરાઓ પિતાને-માતાને મળવા માટે ઘરે જાય. તો એ ઘર નાનકડાં પૌત્રાઓની કિલકારીઓથી ગુંજી ઉઠે. એ ધમાચકડી છોકરાઓ મચાવતા હોય. ૧૦-૧૨ છોકરાઓ ભેગા થઈ જાય નાના નાના પછી બાકી શું રાખે? ઉનાળાનો સમય છે. રસ-પૂરી બરોબર ખાધેલાં છે. અને એ ઘરનો માલિક આરામ લેવા માટે જાય છે. એક રૂમ – બેડરૂમ A.C છે. એ રૂમ અંદરથી બંધ કરી દીધો. A.C ચાલુ થઈ ગયું. હવે બહાર જે ઘોંઘાટ છે, એ બહાર છે. અંદર આવતો નથી. બરોબર.? દરેક સાધક પાસે આવો એક બેડરૂમ જોઈએ. ઇનર બેડરૂમ. આઉટર સ્પેસનો બેડરૂમ તમારી પાસે છે. ઇનર સ્પેસમાં આવો બેડરૂમ તમારી પાસે નથી. દરેક સાધક પાસે આવો એક બેડરૂમ જોઈએ. કંઇક ઘટના ઘટી. મનમાં રાગ કે દ્વેષનું તોફાન શરૂ થાય એવું હોય તમે તમારાં પેલા ઇનર બેડરૂમમાં જતા રહો. બોલો આ વ્યવસ્થા ગમી ગઈ? કંઈ પણ ઘટના ઘટશે. ઘટના ઘટે અને અસર ન થાય તો નંબર વનમાં તમે. પણ ઘટના ઘટે અને અસર થાય એવું છે તો તમારે શું કરવાનું? એ બેડરૂમમાં ઘુસી જવાનું. એવો એક શાંત અંદર વિસ્તાર છે, એમાં તમે પહોંચી ગયા. કોઈ ઘોંઘાટ… નિમિત્તોનો કોઈ અવાજ ત્યાં આવી શકે એમ નથી.
આપણે સાધનાને જીવંત રૂપમાં લાવવી છે. વર્ષોથી મહાત્માઓને સાંભળો છો પણ તમારી સાધના કેટલી વેગ વાળી બની? ઓફીસ ખોલવાની. સાંજે છ વાગે ઘરે આવવાનું. આટલું જ નક્કી હોય ને આમ? પૈસા મળે ન મળે. પ્રોફિટ થાય, લોસ થાય એ જોડે કોઈ સંબંધ નહિ ને? શું? સંબંધ શેની સાથે? મારે તો ૧૦ વાગે ઓફીસ ખોલી દેવાની. ૬ વાગે ઓફીસ બંધ કરી દેવાની. પૈસા આવ્યા તો પણ ઠીક, ન આવ્યા તો પણ ઠીક, પ્રોફિટ થયો તો પણ ઠીક, લોસ થયો તો પણ ઠીક. ત્યાં તમારી ક્રિયા પરિણામ સાથે જોડાય છે. હું દુકાને જાઉં છું, ઓફિસે જાઉં છું. શા માટે? પૈસા કમાવવા માટે. પ્રવચનમાં તમે આવો છો, બહુ સરસ.
એક ભાઈ મને એક જગ્યાએ કહે સાહેબ પર્યુષણ પુરા થાય લોકો બહુ ઓછા થઈ જાય. મેં એને હસતા-હસતા કહ્યું. ઓછા થાય એની ક્યાં માંડે છે મેં કીધું. એ લોકો આવે છે. જે લોકો આવે છે એ જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કેમ? ખાલી આવવાનું, ખાલી જવાનું કંઈ મેળવવાનું નહિ. બરોબરને? ઓફીસ ખોલી દેવાની, ઓફીસ બંધ કરી દેવાની. પૈસા મળ્યા ના મળ્યા કોઈ ખ્યાલ નથી. What’s your achievement? મારે તમને પૂછવું છે.
એક પ્રવચન સંભળાય અને મેઘકુમાર દીક્ષિત થઈ જાય. મેઘકુમારે very first time પ્રભુની દેશના સાંભળી. એક જ દેશના સંભળાઈ, મેઘકુમાર clean bold થઈ ગયા. ઘરે આવ્યાં. ધારિણી માં ને કહ્યું માં! હું પ્રભુ વિના એક ક્ષણ હવે રહી શકું એમ નથી. આ પ્રભુને સાંભળ્યા. પ્રભુને પીધા. પ્રભુને જોયા. એ હદે પ્રભુનું સંમોહન લાગેલું છે કે એ પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. એક દેશના પ્રભુએ સંભળાઈ મેઘકુમાર clean bawled થઈ ગયા.
તમે કેટલા પ્રવચને થવાના? કમસેકમ એટલું તો થાય કે આ પ્રવચનો સાંભળીને ઘરે જાઓ. પા કલાક- અડધો કલાક, કલાક તમે તમારી રોજીંદી દુનિયામાં ભળી ન શકો, આવું બની શકે? રાગનું નિમિત્ત આવ્યું, ટેસ્ટી ચા આવી-ટેસ્ટી નાસ્તો આવ્યો. તમને એની અસર ન થાય કારણ કે તમે વ્યાખ્યાનની અસરમાં હોવ. અમારી અસર કેટલી બોલો? એક ચાનો શોખીન માણસ હોય ને ચાની પણ અસર થાય. ટેસ્ટી ચા પીધી હોય ને અડધો કલાક સુધી. આહ, બહુ મજા આવી. બહુ મજા આવી. આ પ્રવચનની અસર કેટલો ટાઇમ?
આજે જરાક માર્ક કરીને જોજો. આજે તો ચૌદશ છે એટલે આયંબિલ જ હશે એટલે નાસ્તો નહિ કરવાનો હોય. પણ કદાચ નાસ્તો કરવાનો હોય તો એ નાસ્તો કર્યા પછી તમે તમારાં મનને ટટોળજો કે એ નાસ્તો કર્યો ત્યારે સહેજપણ રાગ થયેલો? અને તમને દેખાય કે ના શરીર નાસ્તો કરતો હતો. હું માત્ર પ્રવચનમાં જે વાતો આવી એને જ વાગોળતો હતો. division પડી ગયું. શરીર નાસ્તો કરનાર હતું. મન પ્રવચનના પદાર્થોમાં ડૂબેલું હતું. આટલું તમને લાગે. એક કલાક અસર રહે ને તોપણ હું માનું કે અત્યારે result બહુ સારું છે. અને એક કલાક રહે પછી ત્રેવીસ કલાક ઉપર લઇ જતા કોઈ વાંધો નહિ આવે.