વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : विसोगे अदक्खो
માત્ર જોવું એટલે શું? આંખની અંદર ઘટનાના આકારો ઉપસી રહ્યા છે. પણ જે મન એ આકારોને જોઇને ઘટનાનું નિર્વચન કરે – કે ઘટના સારી છે કે ખરાબ – એ મન totally સૂતેલું છે; તમે પોતે જાગૃત છો.
અત્યારની તમારી જાગૃતિ વાસ્તવિક જાગૃતિ નથી. તમારા સ્વપ્નની અંદર પણ સતત વિચારો ચાલ્યા કરે છે અને તમારી કહેવાતી જાગૃતિમાં પણ વિચારો ચાલ્યા કરે છે. વિકલ્પો બંધ થયા છે અને તમે સ્વગુણની કે સ્વરૂપની ધારામાં ચાલી રહ્યા છો – એ વાસ્તવિક જાગૃતિ.
એ જાગૃતિ લાવવા દર કલાકે-બે કલાકે પાંચ-દસ મિનિટ કોઈ જ વિચાર કરવાનો નહિ. માત્ર દ્રષ્ટાભાવ. દ્રષ્ટા માત્ર જોવાની પળોમાં હોય, દર્શનની પળોમાં હોય – એ એનો મોક્ષ છે. અને દ્રષ્ટા દ્રશ્યોની સાથે પોતાની ચેતનાને એકાકાર કરે – એ એનો સંસાર છે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૯
દેવાધિદેવ, પરમતારક, ત્રિલોકેશ્વર, અખિલબ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વરસની સાધનાની આંતરકથા.
પ્રભુ લગભગ કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહ્યા છે. ક્યારેક વિહાર, ક્યારેક પારણું. લગભગ કાયોત્સર્ગ ધ્યાન. અને એ સિવાય પ્રભુ ક્યારેક દ્રષ્ટાભાવમાં રહ્યા છે. એ દ્રષ્ટાભાવની સાધનાનું સૂત્ર આપણી સામે છે: ‘विसोगे अदख्खु।’ વરસાદ ચાલી રહ્યો છે. પ્રભુ મુસાફરખાનામાં પધાર્યા છે. સેંકડો લોકો વરસાદના કારણે અટકી ગયેલા એ મુસાફરખાનામાં બેઠેલા છે. પ્રભુ ત્યાં આવીને ધ્યાન કરે છે. ધ્યાનમાં તો પ્રભુ અંતરલીન બની ગયા. Totally introvert બની ગયા.
પણ ધ્યાન પૂરું થયું. વરસાદ વરસવાનો ચાલુ છે. એ વખતે પ્રભુ શું કરે છે? કાયોત્સર્ગ ધ્યાનમાં પ્રભુ હતા, ત્યારે તો ભીતર ડૂબી ગયેલા. પણ કાયોત્સર્ગ ધ્યાન પૂરું થયું છે. હવે પ્રભુ શું કરે છે? ‘विसोगे अदख्खु’ પ્રભુ એ ઘટનાને માત્ર જોઈ રહ્યા છે.
એ જોવું એટલે શું? આંખની અંદર એ ઘટનાના આકારો ઉપસી રહ્યા છે. પણ જે મન એ આકારોને જોઇને ઘટનાનું નિર્વચન કરે કે ઘટના સારી છે કે ખરાબ. એ મન totally સુઈ ગયું છે. પ્રભુ જાગૃત છે. અને પ્રભુએ અમારા માટે પણ એક શ્રદ્ધા વ્યક્ત કરી કે ‘मुणिणो सया जागरंति ‘ सुत्ता अमुणी’ ‘मुणिणो सया जागरंति.’ ગ્રહસ્થ સુતેલાં હોય, મારા મુનિઓ – મારી સાધ્વીઓ સતત જાગૃત હોય. એ જાગૃતિ એટલે શું? એ જાગૃતિનો મતલબ એ છે કે વિકલ્પો બંધ થયા છે અને તમે સ્વગુણની કે સ્વરૂપની ધારામાં ચાલી રહ્યા છો. અત્યારે તમે જાગૃત કહેવાઓ પણ આંશિક રીતે અને એમાં પણ વિચારોનું ઘોડાપુર જયારે ચાલતું હોય ત્યારે તો તમારી જાગૃતિ અને તમારી સ્વપનાવસ્થા એ બે માં ફરક શું પડે? સ્વપ્નમાં પણ વિચારોનું ઘોડાપુર ચાલતું હોય. દિવસે જે વિચારેલું હોય એ વિચારોની ટેપ રાતના ખુલ્યા કરે સ્વપ્નની અંદર. તો તમારાં સ્વપ્નની અંદર પણ સતત વિચારો ચાલ્યા કરે છે, તમારી જાગૃતિમાં પણ વિચારો ચાલ્યા કરે છે. તો આ તમારી જાગૃતિ છે એ વાસ્તવિક જાગૃતિ નથી. વાસ્તવિક જાગૃતિ બનાવવી હોય તો શું કરવું પડે? વિકલ્પોને ઓછા કરવા પડે. અને હોંશમાં-awerness માં તમારે આવવું પડે.
એના માટે હું એક નાનકડી સાધના આપું છું. વિકલ્પોના સમુદ્રની અંદર જાગૃતિનો ટાપુ. એક માણસ નાવડી લઈને દરિયામાં ઘૂમતો હોય. અઠવાડિયું-દસ દિવસ તો વાંધો નહિ આવે. એની પાસે મીઠું પાણી છે એ પીશે. એની પાસે ભાથું વિગેરે છે એ ખાશે.પણ મીઠું પાણી ખલાસ થઈ ગયું, ખાવાનું ખલાસ થઈ ગયું અને બપોરે જે તડકો પડે નાવડીમાં સીધો, એનાથી એ અકળાઈ ગયો છે. ત્યારે એને થાય કે કોઈ ટાપુ મળે, બેટ મળે તો બહુ સારું. બેટમાં વૃક્ષ નીચે રહીએ, ઝાડના મીઠા મીઠા ફળ ખાઈએ અને ઝરણાનું મીઠું પાણી.
તો તમે પણ આ કામ કરી શકો. કલાકે બે કલાકે ત્રણ કલાકે પાંચ દસ મિનિટ માટે જાગૃતિ લાવી શકો. એ દસ મિનિટ વિચાર કરવાનો નહિ. માત્ર દ્રષ્ટાભાવ. પ્રભુની સાધનામાં જે કહ્યું: પ્રભુ માત્ર જોતા હતા એટલે કે વિચાર નહોતો. દ્રષ્ટાભાવનો મતલબ આ જ છે: તમે જુઓ છો, માત્ર જુઓ છો. પણ એ દ્રશ્ય સારું છે કે ખરાબ છે, આવો કોઈ વિચાર તમારાં મનમાં આવતો નથી. અત્યાર સુધી શું કર્યું બોલો? કોઈ પણ દ્રશ્ય જોયું, કોઈ પણ ઘટના જોઈ. સારી છે એમ માની રતિભાવ કર્યો. ખરાબ છે એમ માની એના પ્રત્યે દ્વેષ કર્યો. હવે જોવું નથી. આ જન્મમાં કોને જોવાના? એક પ્રભુને અને એક તમારાં નિર્મળસ્વરૂપને. બે ને જ જોવાના છે ને?
સમાધિશતકમાં કહ્યું, “દેખે નહિ જબ ઓર કુછ, તબ દેખે નિજ રૂપ.” તમારે તમારાં સ્વરૂપને જોવું છે. એના માટેની આ મજાની સાધના આપી. દેખે નહિ જબ ઓર કુછ, તબ દેખે નિજ રૂપ- બીજું કંઇ જ ન દેખાય ત્યારે તમને તમારું રૂપ દેખાશે. પણ તમારું મન આમાં, આમાં, આમાં સત્તર વસ્તુમાં ભળેલું હશે તો તમે તમારાં સ્વરૂપને જોશો શી રીતે? તો અત્યાર સુધી દ્રશ્યોને જોયા, ઘટનાઓને જોઈ. સારા અને ખરાબમાં એનું વર્ગીકરણ કર્યું. અને એ વર્ગીકરણ કરીને રાગ અને દ્વેષ કર્યો, અને કર્મબંધ કર્યો. સમ્યગ્દર્શન મળે પછી જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ મળે છે. એ જ્ઞાતાભાવ એટલે તમે માત્ર જાણો છો. એ સારું છે કે એ ખરાબ છે, એવું વર્ગીકરણ તમારે કરવાનું નથી.
મને પગની તકલીફ છે. હું પાટ પર બેસું છું. ખુરશી ઉપર પણ બેસું છું. ક્યાંક વિહારમાં પાટ પણ ન હોય, ખુરશી પણ ન હોય. કોઈ ટેબલ હોય તો એના ઉપર બેસું. મારે બેસવા માટે સાધન જોઈએ છે. પણ મારે ચેર જોઈએ એટલે મરુન કલરની જ જોઈએ, કોફી કલરની નહિ ચાલે એવું મારા મનમાં નથી. માત્ર બેસવા માટે કંઇક જોઈએ છે. એ જ રીતે કોઈ પણ મુનિ હોય. શરીર છે. ઉપવાસ કર્યો, બે ઉપવાસ કર્યા, ત્રણ ઉપવાસ કર્યા. લાગે છે કે શરીરને કંઇક આપવું પડશે. કંઇક આપવાનું છે. જે નિર્દોષ મળી ગયું એ આપી દીધું. તમારે શું હોય? ગમે તે ચાલે. ભાઈ પેટ ભરવું છે ને. લાવો ને જે તૈયાર હોય તે ચાલશે. તો સમ્યગ્દર્શન મળે એટલે જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ મળે. અને જ્ઞાતાભાવ-દ્રષ્ટા ભાવ મળે એટલે પદાર્થોને જણાય, દ્રશ્યો દેખાય પણ એમાં ક્યાંય રાગ-દ્વેષ નહિ થાય.
અધ્યાત્મઉપનિષદમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું: ‘દ્ર્ષ્ટો द्रष्टो: द्रुगात्मता मुक्ति:, द्रश्ये कात्म्यं भवभ्रम:”’ મોક્ષ અને સંસારની બહુ જ સાદી વ્યાખ્યા એમણે આપી દીધી. ગુજરાતી ભાષામાં પણ એમણે વ્યાખ્યા આપી છે. મોક્ષ અને સંસારની. વાસુપૂજ્ય પ્રભુના સ્તવનમાં: ‘કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર’ મનની અંદર રાગ-દ્વેષ-અહંકાર છે: તમે સંસારમાં છો. મનમાંથી રાગ-દ્વેષ-અહંકાર ગયો: તમે મોક્ષમાં. ‘કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.’
મોક્ષ એટલે શું? મોક્ષની આપણે બે વ્યાખ્યા કરીએ. નિષેધાત્મક રીતે કરીએ તો શું? મોક્ષ એટલે શું? રાગ-દ્વેષ-અહંકાર આદિનો આત્યંતિક ક્ષય. સંપૂર્ણ ક્ષય એ મોક્ષ. વિધેયાત્મક રીતે મોક્ષની વ્યાખ્યા કરીએ તો તમારું સ્વરૂપદશામાં હોવું એનું નામ મોક્ષ. તમે તમે હો એનું નામ મોક્ષ. અત્યારે તમે તમે નથી. એ છે અનાદિ આત્મા અને કહે છે ‘હું’ આ છું! ભાઈ! તું આ શરીર નથી. તું અંદર રહેલ આત્મા છે. આનંદઘન ચૈતન્ય ‘તું’ છે. તો સ્વરૂપસ્થિતિ એ મોક્ષ.
તો અત્યારે મોક્ષ આપણી પાસે નથી. આંશિક મોક્ષ જરૂર છે. આંશિક રૂપે રાગ-દ્વેષ-અહંકારનો ક્ષયોપશમ ક્ષય આપણે થોડો-થોડો-થોડો કરી શકીએ છીએ. એ જ રીતે સ્વરૂપદશાનો થોડો-થોડો-થોડો અનુભવ આપણે અત્યારે કરી શકીએ છીએ. સમ્યગ્દર્શન મળ્યું. પાંચમે ગુણઠાણે ગયા, છઠ્ઠે ગયા, સાતમે ગયા. તમારી સ્વની અનુભૂતિ થોડી-થોડી-થોડી સ્પષ્ટ થવા લાગવાની. અને તેરમે ગુણઠાણે વિતરાગદશા મળે ત્યારે સંપૂર્ણતયા તમે સ્વરૂપદશામાં ડૂબી જશો.
તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે: ‘द्रष्टो: द्रुगात्मता मुक्ति:, द्रश्ये कात्म्यं भवभ्रम:” દ્રષ્ટા માત્ર જોવાની પળોમાં હોય, દર્શનની પળોમાં હોય એ એનો મોક્ષ છે. અને દ્રષ્ટા દ્રશ્યોની સાથે પોતાની ચેતનાને એકાકાર કરે એ એનો સંસાર છે. સાધનાના સ્તર ઉપર સંસાર અને મોક્ષની આ એક અદ્ભુત્ત વ્યાખ્યા. આંખ ખૂલ્લી છે. કંઇક દેખાઈ ગયું પણ એ દેખાઈ ગયું એ કઈ રીતે? માત્ર જોવાનું થયું કે એ દ્રશ્ય સાથે તમારી ચેતનાનું ભળવાનું થયું?
ઉત્તરાધ્યયનસૂત્રમાં પ્રભુએ કહ્યું: “चक्खुस्स रूवं गहणं वयंति.. समो य जो तेसु स वीयरागो.” આંખ ખુલ્લી છે તો દ્રશ્ય દેખાશે. પણ એ દ્રશ્ય જોયા પછી એને સારા અને ખોટામાં વર્ગીકૃત કરવું નથી.
તમને તકલીફ શું થઈ છે કે તમારું મન સોસાયટી દ્વારા પ્રભાવિત છે. તમારાં ઉપર છે ને માસહિપ્નોટિઝમનો પ્રભાવ છે. તમે જે સમાજમાં ઉછરેલા છો. એ સમાજ જે માને છે એ જ તમે માનો છો. અને એને કારણે દ્રશ્યોનું વર્ગીકરણ કરવા તમે મંડી પડયા. આ સારું કહેવાય આ ખરાબ કહેવાય.
એક ભિખારી હોય એ ઝુંપડાને ખરાબ કહે, પણ 1bhk નો જુનું ખખડી ગયેલો ફ્લેટ પણ એને મળે ને તો પણ એ પ્રભુનો પાળ માને. એને એ 1bhk નો જેને તમે હાથ પણ ન અડાડો એ એને આશીર્વાદરૂપ લાગે છે. એની દ્રષ્ટિ એ છે. તમારી પાસે 2bhk નો, 3bhk નો સારો ફ્લેટ છે. છતાં એ જુનો થઈ ગયેલો છે. હવે તમારી નજર ક્યા છે? કોઈ નવો ફ્લેટ, સરસ. 3bhk નો 4bhk નો લઇ લો. એ સારો. તો સારા અને ખોટાની વ્યાખ્યા શું? દાખલા તરીકે એક દીકરો હોય, પતિ-પત્ની હોય. 2bhk નો ફ્લેટ પૂરતો થઈ ગયો. મહેમાન આવે તો હોલમાં રહી શકે. હવે 3bhk નો ફ્લેટ, 4bhk નો ફ્લેટ સારો, એવું કોણ કહે છે? સમાજે આપેલું મન કહે છે. જરૂરિયાત તો પૂરી થઈ ગઈ. 2bhk માં. જરૂરિયાત બાકી રહી? તો જરૂરિયાતથી વધારે જોઈએ છે શા માટે? તમારી પાસે જેટલી વધારે સંપત્તિ હોય, જેટલા સારા પદાર્થો વધારે હોય એમ તમને સોસાયટી સારી માને છે. અને તમારે સોસાયટીનું સર્ટિફિકેટ જોઈએ. કે અમારું જોઈએ?
ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, ‘રીઝવવો એક સાંઈ.’ મારે દુનિયાને રીઝવવી નથી એક માત્ર મારા ભગવાનને રીઝવવા છે. તમારે કોને રીઝવવા છે બોલો? દુનિયાને રીઝવી રીઝવીને થાકી ગયા, કહું છું. દુનિયા રીઝાવવાની છે ક્યારે?
વિનોબાજી સમાજને ગીધ દ્રષ્ટિ કહેતા. તમે આર્થિક રીતે બહુ ઉંચે ચડી ગયા છો તો તમારી નોંધ સમાજ લે છે પણ કઈ રીતે લે છે. કે બેટો ક્યારે પડે એ જોઈએ. આટલો ઉંચે પહોંચી ગયો છે, હવે ક્યારે પડે છે? લોકોની નજર ત્યાં હોય છે. અને એવો ઉંચે ગયેલો માણસ હોય અને એનો દીકરો કે દીકરી અડધી રાત્રે ભાગી જાય જોઇ લો આખા સમાજના મોબાઇલ ધણધણવા મંડી પડે. સાંભળ્યું પેલાનો દીકરો, પેલાની દીકરી ભાગી ગયા. સમાજને રસ ક્યાં છે? તમે ઉંચે જાવ એમાં નહિ, તમે પડો એમાં. અને એ સમાજનું સર્ટિફિકેટ તમારે જોઈએ છે? હવે નક્કી કરો પ્રભુનું અને સદ્ગુરુનું જ સર્ટિફિકેટ જોઈએ.
તો બહુ મજાની સાધના આ સૂત્રમાં આપી દ્રષ્ટાભાવની. કે ઘટનાઓને માત્ર જોતા શીખો.
બોલો તમે ફ્લેટો વધારે જોયા મુંબઈમાં કે અમારા મહાત્માઓએ જોયા. અને આ અમારા મહાત્માઓ વર્ષોથી કદાચ મુંબઈને પોતાના પગલાંથી બડભાગી બનાવતા હોય એમણે તો દરેક પરામાં સેંકડો ફ્લેટો જોઈ લીધા હોય. તમે ફ્લેટ જુવો ત્યારે, બહુ સરસ છે હો. આપણે પણ આવો જ ફ્લેટ લેવો જોઈએ એવો વિચાર આવે. મહાત્માને શું વિચાર આવે બોલો? એ તમારો બંગલો હોય અને લોન-બોન ઉગાડેલી હોય અને માળી એને કાપતો હોય તો મહાત્મા ત્યાં વહોરવા માટે આવે, એમને દર્દ થાય છે. કે આ અનર્થદંડનું પાપ. શા માટે આ માણસ કરે છે? એટલે ફ્લેટોને જોયા વધારે મહાત્માઓએ. તમે પૂછો સાહેબ કયો ફ્લેટ સારો? તો શું કહેશે. ભાઈ એકેય ફ્લેટ સારો નહિ. ઉપાશ્રય સારો કહેવાય.
પાટણના મંત્રીની વાત આવે. એ જમાનામાં લાખો સોનામહોરો ખર્ચી સાત માળની હવેલી બનાવેલી. વાસ્તુપૂજા ભણાવી. ગુરુદેવના પગલાં કરાવ્યા. બહુ મોટા આચાર્ય ભગવંતના પગલાં કરાવ્યા. મંત્રી જૈન છે પણ ધર્મમાં એટલો ઊંડો ઉતરેલો નથી. હવે એને થાય છે કે આ આચાર્ય ભગવંત, કેટલા મોટા આચાર્ય ભગવંત. કેટલા રાજાઓ, કેટલા મંત્રીઓ એમના ભક્ત છે તો સાહેબજીને તો કેટલાય બંગલામાં જવાનું થયેલું હોય. મારો બંગલો મેં એવો બનાવ્યો છે કે કદાચ પાટણમાં તો નહિ પણ બીજા રાજ્યોની અંદર પણ આવો બંગલો નહિ હોય. તો ગુરુદેવ જો કહે ને કે બંગલો બહુ સરસ બન્યો તો એકદમ રાજીપો થઈ જાય. વ્યાખ્યાન ચાલુ હતું. ગુરુદેવને તો કહેવાય નહિ કંઈ. પણ એક નાના મહાત્મા હતા છેડે બેઠેલાં. એમના કાનમાં મંત્રીએ કહ્યું કે જરાક ગુરુદેવને કહો ને આટલાં બધા બંગલા સાહેબે જોયા હશે. આવો બંગલો કદાચ નહિ જોયો હોય. તો સાહેબજી આ બંગલાની પ્રશંસા કરે. નાના મહાત્માએ કહ્યું, મંત્રી તમને ધર્મનો ખ્યાલ છે? કોઈ પણ ગુરુ તમારાં ઘરને સારું કહી શકે? એની અનુમોદના કરી શકે? તમારાં ઘરમાં આરંભ-સમારંભ થવાનો. તમારાં ઘરની અનુમોદના અમે કરીએ તો એ બધા આરંભ-સમારંભનું પાપ અમને લાગે. તો મંત્રીએ કહ્યું, કોઈ રસ્તો ખરો? તો કહે હા રસ્તો છે. આ તમારી હવેલી એને પૌષધશાળા તરીકે તમે જાહેર કરી દો તો ગુરુદેવ પ્રશંસા કરે. એ સદ્ગુરુનું સર્ટિફિકેટ લેવાની કેવી ઈચ્છા! કોઈ વિચાર કર્યો નથી, કોઈ ઘરવાળાને પૂછવાની જરૂર નથી. ઉભો થઈ ગયો અને કહ્યું કે આ હવેલી મારા માટે બનાવેલી અને એકદમ નિર્દોષ. પૌષધશાળા તરીકે આજે સંઘને સમર્પિત કરું છું. અને મહાત્માઓ અહી ઉતરશે અને લોકો પણ બધી આરાધના અહિયાં કરશે. અને એ વખતે ગુરુદેવે કહ્યું કે વાહ, બહુ સરસ લાભ લીધો. બોલો, અમારું સર્ટિફિકેટ મફતમાં મળે?
તો દ્રષ્ટાભાવની સાધના તમારાં જીવનમાં બહુ ઉપકારી નીવડે છે. નહીતર કંઇક જુવો છો. આ જોયું, આ સારું છે, વસાવવું છે. આજે ઉપભોક્તાવાદ બહુ વધી ગયો છે. કેમ? સારી પ્રોડક્શન કંપનીનું એડવરટાઇઝનું બીલ કરોડોની અંદર હોય છે. કારણ સમજે છે કે હજુ એ વસ્તુ પ્રોડક્શનના સ્તર ઉપર છે. બજારમાં આવી પણ નથી, એ પહેલા લોકોના મનને પકડી લો. લોકોના મનમાં તમે દાખલ થઈ જાઓ કે આ વસ્તુ બહુ સારી છે, સારી છે, સારી છે. એટલે બજારમાં આવી નથી અને ઉપડી નથી. તમારાં મનને પકડવા માટે એ લોકો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. અને એના કારણે થાય શું? એક ટી.વી. તમારી પાસે છે. Already બરોબર ચાલે છે. હવે પછી એકદમ મોટું બતાવ્યો, એકદમ પતલો. હવે તો એકદમ કાગળ જેવો નીકળવાનો છે. પણ એનાથી ફરક શું પડે? શ્રાવકના ઘરે ટી.વી. જ ન હોય પહેલી વાત. પણ કદાચ છે તો પણ જે છે એનાથી ચલાવતા શીખો ને. આ કાઢો નવું લાવો, નવું આવ્યું ને નવું કાઢો ને પાછું નવું લાવો.
એક દ્રષ્ટાભાવ આવી જાય. અને એકદમ સાદાઈથી તમારું જીવન જીવવાનું શરુ થઈ જાય. તમારા જીવનની ૮૦%-૯૦% stress દૂર થઈ જાય. આજના મનોવૈજ્ઞાનિકો આજના યુગને stress age કહે છે. તણાવનો યુગ. હું કહું છું કે પ્રભુશાસન જેને મળ્યું એ stress free age માં. અમે લોકો તો પરમઆનંદમાં. પણ તમે પણ આનંદમાં છો. તમને પણ કોઈ શાતા પૂછો તો તમે શું કહો? લક્ષ્મીજી પસાય કહો, કે દેવ ગુરુ પસાય. શું કહો?
પ્રભુનો દ્રષ્ટાભાવ એવો હતો કે દ્રશ્ય સાથે પ્રભુનો સંબંધ થતો નથી. અમને પણ પ્રભુએ એ આજ્ઞા આપી. જેથી રાગ-દ્વેષાત્મક દ્રશ્યો સાથે અમારો સંબંધ રચાતો નથી. અમારો સંબંધ પ્રભુની આજ્ઞા સાથે એવો જોડાઈ ગયો છે કે અમારો મનનો સંબંધ રાગ-દ્વેષાત્મક કોઈ દ્રશ્યો સાથે ક્યારેય પણ જોડાઈ શકે નહિ. એટલે પ્રભુએ અમારા મનને આજ્ઞા સાથે અત્યંત રીતે જોડી દીધું. એટલે અમારા મનમાં calculation એ જ હશે, પ્રભુની આજ્ઞા ક્યાં પળાય છે? એક બહુ સારું મકાન છે. પણ ત્યાં પારિષ્ઠાપનિકા વગેરેની વ્યવસ્થા નથી. હવા વિગેરે બહુ સરસ છે. બીજું બધું સારું છે. એક એવી જગ્યા છે, પતરાંવાળુ છે પણ બાજુમાં ચોક છે. પરઠવવાની વ્યવસ્થા છે. તો સાધુ એ પ્રતિકુલનને પસંદ કરશે. કેમ? એના માટે ઘટનાનું નિર્વચન અલગ છે. જ્યાં પ્રભુની આજ્ઞા પળાય તે સારું. તમે શું કહો છો? ઇન્દ્રિયો અને મનને જે ગમે તે સારું. અને એ પણ તમારાં મનને ગમે તે સારું એમ નહિ. સમાજના મનને ગમે. બરોબર. તો અમારી ભૂમિકા આ આવી કે પ્રભુની આજ્ઞા ક્યાં પળાય છે, જ્યાં પ્રભુની આજ્ઞા સારી રીતે પળાય એ સરસ સ્થાન.
વજ્રકુમારે દીક્ષા લીધી. બાળમુનિ હતા. લગભગ ૧૧ વરસનું વય એમનું જ્યારે હતું. ત્યારે એકવાર ગુરુદેવ સાથે વિહાર યાત્રા ચાલુ હતી. ઘણીવાર મોટું જંગલ રહેતું તો એ આચાર્ય ભગવંત પણ કોઈ સાર્થવાહ જતો હોય તો એની સાથે જતા. પણ નાનું જંગલ હોય અને શિકારી પશુઓનો બહુ ભય ન હોય, તો જાતે પણ ઉતરી જતા. એ જમાનામાં સદીઓ પહેલા, સહસ્ત્રાપ્દીઓ પહેલા ભારતમાં એટલાં તો જંગલો હતા. મેં મારી સાંભરણમાં જોયેલું છે. એક ગામથી બીજે ગામ જઈએ વચ્ચે ખેતરો તો બહુ ઓછા હોય. જંગલ જ જંગલ હોય. અત્યારે એમ કહે છે વૈજ્ઞાનિકો કે ધરતીનો ૨૫ ટકા ભાગ જંગલોથી કવર હોવો જ જોઈએ. ગુજરાતનું સેટેલાઈટથી હમણાં જોયું તો એમને ટપકાની દ્રષ્ટીએ ૫ થી ૭ ટકા લીલોતરી લાગી પણ ઊંડાણથી જોયું ત્યારે ખબર પડી કે એમાં મહત્તમ તો બાવળિયા જ હતા. જે ધરતી માટે પણ નકામાં, માણસ માટે પણ નકામાં. જે ગરમી વધી ગઈ, અમારા વિહારો પણ થોડા દુર્લભ થયા, આ બધાનું કારણ આ થયું. જંગલો કપાઈ ગયા. પર્યાવરણનો નાશ તો એટલો બધો થયો છે. જંગલો ખતમ થઈ ગયા, નદીઓ સુકાઈ ગઈ. આપણા ઉત્તરગુજરાતમાં એક પણ નદી વહેતી નથી. બધી સુકાઈ ગયેલી નદીઓ છે. નદીઓ સુકાઈ ગઈ છે. સુકાભઠ્ઠ રણોની અંદર ધરતી જે છે તે ફેરવાવા લાગી. પહેલા એક ગામથી નીકળીએ ત્યારે નેળિયું હોય. ધૂળવાળો રસ્તો. પગને પણ આરામ મળે. અને બે બાજુ હાથીયાછોડ. હાથી જેટલા ઊંચા છોડ. બપોરે ચાર વાગે ચાલીયે ને ઉનાળામાં તો પણ ઠંડી હવા એમાં આવે. કારણ કે સીધી હવા આવે નહિ ગરમ, ચળાઈને આવે, ઠંડી હવા હોય. તો એ જે દિવસો માણેલા છે ને એકદમ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય હતું. આજે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય આજે ખોરવાઈ ગયું છે. અમારે પણ રોડો ઉપર જ વિહાર કરવો પડે. કાચા રસ્તા રહ્યા નહિ. ખતમ થઈ ગયા. એક ગામથી બીજે ગામ રોડ બાજુમાં થઈ ગયો. એટલે ખેતરો વાળાએ રસ્તો દબાઈ દીધો. આ વાળો આમ દબાવે અને પેલો વાળો આમ દબાવે, રસ્તો પૂરો.
તો બે-ત્રણ દિવસનું પાર કરી શકાય એવું જંગલ હતું. આચાર્ય ભગવંત અને મુનિવૃંદ એ જંગલને પાર કરે છે. અને જંગલમાં તો ભિક્ષા મળવાનો કોઈ સવાલ જ નહોતો. બધાને ઉપવાસ જ છે. એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રીજો ઉપવાસ. ચોથા દિવસે અટવીની – એ જંગલની બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અને સામે એક છાવણી દેખાઈ. કોઈ સાર્થવાહ આમથી આમ જતો હોય અને એની છાવણી પડેલી હોય તો દેખાય. હાથી, ઘોડા, પાલ. માણસો બધા આમથી આમ ફરતા હોય એ દેખાય. અને એ વખતે એ સાર્થમાંથી તંબુમાંથી એક ભાઈ આવ્યો. વિનંતી કરે છે, સાહેબજી! અમારા માટે બનાવી છે રસોઈ, નિર્દોષ રસોઈ છે, આપ અમને લાભ આપો. ગુરુદેવે વજ્રમુનિને કહ્યું: બેટા જઈ આવ. ભિક્ષા લઇ આવ. એ અગ્યાર વર્ષના મુનિ ત્રણ દિવસના ઉપવાસ છે. ગુરુની આજ્ઞા. અમારા માટે ગુરુની આજ્ઞા એટલે ઓચ્છવ.
એક વાત તમને કહું, ગુરુ આજ્ઞાનું પાલન તો તમે પણ કરો. પણ પાલન કઈ રીતે કરો એ જોવાનું છે. તમે શ્રાવક છો, આ બધા અમારા મુનિઓ છે. અમે લોકો આજ્ઞા આપી એનું પાલન એ લોકો પણ કરવાના, તમે પણ કરવાના. પણ એ કઈ રીતે કરવાના? જેમ કે શરીરના સ્તર ઉપર તો તમે પણ કરી જ લો. સાહેબે કહ્યું કે, આટલું કરવા જેવું છે. કરો, એમ પણ ન કહે કદાચ, કરવા જેવું છે, તમે કરી લો. પણ એ વખતે સદ્ગુરુએ મને આજ્ઞા આપી. ઓહ! હું કેટલો બડભાગી! કે સદ્ગુરુએ મને આજ્ઞા મળી! મારું જીવન બડભાગી બની ગયું! ગુરુ એક શિષ્યને કહે, પાંચ ઘડા પાણી લઇ આવ. એ પાંચ ઘડા પાણી લાવે. ચલો ગુરુએ કહ્યું છે ને લઇ આવું.
ગુરુએ બીજા શિષ્યને બીજા દિવસે કહ્યું: બેટા! એક ઘડો પાણી લાવવાનું છે. અને એને એટલો બધો આનંદ થાય છે આમ.. નાચે છે..! ગુરુદેવની આજ્ઞા મળી મને! એ ઘડાનું પડીલેહણ કરે છે ને નાચતો હોય છે! ઘડાને દોરી નાંખે છે ,નાચતો હોય છે! એ ડાંડો હાથમાં લઇ, કપડો-કામળી પહેરી વહોરવા માટે જાય. ધર્મલાભ દઈને વહોરે. વહોરીને આવે અને પાણીને ઠારે.
તો ત્યાં પૂછવામાં આવ્યું કે પેલાએ પાંચ ઘડા પાણી લાવેલું ગુરુની આજ્ઞાથી. આને એક ઘડો પાણી લાવ્યું છે. નિર્જરામાં ફરક કેટલો? તો કહે નિર્જરામાં જમીન અને આકાશ જેટલું અંતર છે. પાંચ ઘડા પાણી લાવ્યો એની નિર્જરા કદાચ બે કે ત્રણ ટકા માંડ છે. અને આ એક ઘડો પાણી લાવ્યો છે, એની નિર્જરા નેવું થી પંચાણું ટકા છે. આજ્ઞાને માત્ર શરીરના સ્તર ઉપર તમે ઝીલી લો તો લાભ શરીરને થાય તમને શું મળે? તમારું મન, તમારું ચિત્ત, તમારું અસ્તિત્વ પૂરેપૂરું ગુરુમય એ ક્ષણોમાં બની જાય. ગુરુએ પાંચવાર તમને કામ સોંપ્યું તો શું થાય પછી? શું થાય? ગુરુદેવ મને જ જોઈ ગયા છે કે! કે આમ રાજીના રેડ થઈ જાઓ? કેવી ગુરુની કૃપા મારી ઉપર! ગુરુદેવ પહેલા મને જ યાદ કરે!
તો ગુરુદેવે વજ્રમુનિને કહ્યું, બેટા! ગોચરી લઇ આવ. એ વહોરવા જાય છે. ત્યાં ગયા. કેટલા ટેલેન્ટેડ છે! અને કેટલા પ્રભુ આજ્ઞાને સમર્પિત છે! વિચાર કરો. પરિસ્થિતિ કેવી છે? જંગલમાંથી નીકળ્યા છે, ત્રણ દિવસના ઉપવાસ બધાને છે. અહિયાં કદાચ ગોચરી ન મળે તો આગલું ગામ ક્યારે આવશે એ પણ ખબર નથી. અને એ ગામ ન આવે. જંગલ પૂરું થયું પણ ગામ તો આવ્યું નથી કોઈ. અને એ ગામ ન મળે ત્યાં સુધી કોઈ ભિક્ષા મળવાનો સંભવ નથી. છતાં પણ એષણા એટલી પૂરી કરે છે, એ બરોબર જુવે છે. જોતા એમને ખ્યાલ આવી ગયો કે આ તો માણસ નથી, દેવ છે બધા. આંખ બધાની સ્થિર હતી, આંખ બધાની સ્થિર હતી. સમજી ગયા આ તો દેવ છે.
એક સ્તુતિકારે સ્તુતિમાં લખ્યું છે કે પ્રભુ મને દેવની ઈર્ષ્યા એક જ બાબતમાં આવે છે. એના ભોગોને કારણે નહિ, બીજા કોઈ કારણે નહિ. પણ એની આંખો અપલક હોય છે, એના કારણે મને દેવની ઈર્ષ્યા આવે છે. મારી આંખો પણ અપલક હોય તો હું તને સતત જોઈ શકુ. અત્યારે તારા દર્શન કરું છું અને વચ્ચે વચ્ચે મારી આંખો બંધ થઈ જાય છે. અને એટલે જ સુરદાસે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તને જોવાના. રૂપરાશે તું. તને જોવા માટે મારી પાસે બે આંખ, અને બે આંખ પણ વારંવાર બંધ થાય એવી. તો એમણે પ્રાર્થના શું કરી? ‘લોચન રોમરોમ પ્રતિ માંગુ.’ પ્રભુ એક જ પ્રાર્થના કરું છું, મારા એક-એક રૂંવાડે એક-એક આંખ હોય. ‘લોચન રોમરોમ પ્રતિ માંગુ.’ બસ સાડા ત્રણ કરોડ આંખો ઉગી જાય. તને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું.
વજ્રમુનિને ખ્યાલ આવી ગયો કે આ તો દેવતા છે. કહી દીધું ભાઈ! તમારી ભિક્ષા અમારે કામ ન આવે, ભગવાને ના પાડી છે. દેવ મિત્રદેવ હતો. દેવલોકની અંદર બે સાથે હતા. એ દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો ને ખ્યાલ પડ્યો કે આ મારા મિત્ર મુનિ બનેલાં છે. ત્રણ-ત્રણ દિવસના ઉપવાસ છે. હવે આમ તો આ લોકો ગોચરી લે નહિ. શું કરવું જોઈએ? અને એણે આ યુક્તિ રચી. પણ આ બાબતમાં એ પકડાઈ ગયા.
તો આજ્ઞા પ્રત્યેનું કેટલું સમર્પણ? There is no compromisation. સહેજપણ compromisation નથી. કે આવી અવસ્થામાં લઇ લઈએ. ના, અમે ન લઇ શકીએ જઈએ. એ દેવ એમના સત્વથી પ્રસન્ન થઈ ગયા કે વાહ! આવી અવસ્થાની અંદર પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આટલો બધો રાગ!
તો અમારા માટે પ્રભુની આજ્ઞા વરદાનરૂપે આવેલી છે. કે અમારું મન આજ્ઞા સાથે સંકળાઈ ગયું. કોઈ ઘટના સાથે નહિ, કોઈ દ્રશ્ય સાથે નહિ. કોઈ દ્રશ્ય સારું નથી, કોઈ દ્રશ્ય ખરાબ નથી. કોઈ ઉપાશ્રય સારો નથી, કોઈ ઉપાશ્રય ખરાબ નથી. જવાહરનગરના ભવ્ય ઉપાશ્રયમાં ચાર મહિના રોકાઈને પૂનમની સાંજે વિહાર કરશું. ગામડામાં જઈશું. પતરાંવાળો ઉપાશ્રય પણ મળે. તમે પીડિત ક્યાં થાઓ? અને અમે પીડિત ક્યાં ન થઈએ? એ બતાવું. અમને આ ઉપાશ્રયનું સ્મરણ પણ નહિ થાય. અને સ્મરણ નથી એટલે ત્યાં દુઃખ નહિ થાય. ઓહો, એ કેવો ઉપાશ્રય હતો! બહુ સારો હતો, આ તો કેવો છે?! એક સવાલ કરું? જેનું સ્મરણ પણ દુઃખદાયી હોય એ પદાર્થ કેવો હોય? તમારી પાસે જે સંપત્તિ છે, કદાચ ગઈ અને એને યાદ કરો. જેનું સ્મરણ પણ દુઃખદાયી છે!
આજે તો ઘણા દેશોમાં એટલો ભયંકર અત્યાચાર ચાલી રહ્યો છે. લાખો લોકો માઈગ્રેટ થઈ રહ્યા છે. એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા છે. એ માત્ર શરણાર્થી તરીકે આવે છે. તંબુમાં રહેવાનું. એ પોતાનો મહેલ, પોતાનો બંગલો બધું જ છૂટી ગયું. કરોડો રૂપિયા. માત્ર જીવ બચાવીને એ લોકો નીકળી જ ગયા છે. એ તંબુમાં રહેતો હોય. અને બીજું બાજુના તંબુમાં રહેતો હોય જે સાવ ત્યાં આગળ ભિખારી જેવો હતો. એ ભિખારી જેવો હતો એ માને કે ચાલો અહી તો બહુ સારું છે. ટાઇમસર ખાવાનું મળી જાય ત્રણ ટાઈમ. શરણાર્થી તંબુમાં બધું તો મળી જ જાય. અને પેલો કરોડોપતિ એ પોતાના બંગલાને યાદ કરે, પોતાની સંપત્તિને યાદ કરે, બેમાંથી દુઃખી કોણ? તો જે સંપત્તિનું સ્મરણ પીડા આપે એ વસ્તુ કેવી હોય બોલો? જેના સ્મરણથી પીડા થાય એ વસ્તુ કેવી હોય?!
તો પ્રભુની સાધનાનું સૂત્ર હતું. “विसोगे अदख्खु.”
આજે આપણી આ વાચનાયાત્રા માંગલિક રહેશે. ૧૭ મી તારીખથી આ જ સમયે ફરી પાછી આપણી વાચનાયાત્રા આ જ વિષય ઉપર ફરી ચાલુ રહેશે. કાલથી શિબિર ચાલુ થાય છે એટલે ચાર દિવસ માટે વાચના માંગલિક છે પણ આ જ સમયે પ્રવચન તો રહેવાનું જ છે.