Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 60

152 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : મારું સુખ મારા હાથમાં

આખું જીવન આનંદમય બનાવવાની એક master key છે : મારું સુખ મારા હાથમાં; મારું સુખ બીજાના હાથમાં નહિ.

તમે અત્યારે બીજાના હાથમાં તમારું સુખ મૂકેલું છે. બધા કહે કે તમે સારા – તો તમને લાગે કે હું સારો છું અને તો તમે મજામાં રહેશો. પણ તમારું એવું પુણ્ય નથી કે બધા તમને સારા જ કહે! એટલે તમે પીડામાં રહો છો. શા માટે તમે તમારું સુખ બીજાના હાથમાં મૂકો છો?! તમારું સુખ તમારા હાથમાં જ રાખો.

action ની સામે reaction ની દુનિયામાં તમે છો; ઈંટનો જવાબ પથ્થરથી. એમાં તમારો અનુભવ શું? કર્મબંધની તો વાત જવા દો; એ reaction આપવાથી શરીરના સ્તર પર, મનના સ્તર પર કેટલી બધી પીડા થાય છે? અને જો action સામે non-action આવી જાય, તો!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૦

દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વરસની સાધનાની આંતરકથા.

પ્રભુ એકવાર અનાર્ય દેશમાં પધાર્યા છે. પ્રભુને લાગ્યું, કે આર્યદેશના લોકો સંતોના પૂજક છે અને એથી મને જો વધારે ઉપસર્ગો નહિ આપે તો મારું કર્મ ખરશે કેમ? આપણો આર્યદેશ પહેલાંથી સંતોનો પૂજક રહ્યો છે.

એક ઘટના મને યાદ આવે છે. અમે લોકો પાલીતાણાથી ઊના-અજાહરાની યાત્રા માટે નીકળેલા. એક જગ્યાએ સીધો જ બાવીસ કિલોમીટરનો સ્ટોપ આવતો હતો. એ પહેલા દહેરાસર, ઉપાશ્રય, ઘરો કોઈ જ વ્યવસ્થા નહોતી. સીધો જ બાવીસ કિલોમીટરે વ્યવસ્થા હતી. તો વિચાર્યું કે આઠેક કિલોમીટર સાંજે જઈએ તો સવારે ચૌદ જતું રહેવાય. તપાસ કરી નવ કિલોમીટર ઉપર એક ગામ હતું. ઉપડ્યા. સાંજે ત્યાં પહોંચ્યા. ત્યાં દેરાસર, ઉપાશ્રય કોઈ વ્યવસ્થા નહોતી. પણ હિંદુનું ગામ હોય ત્યાં સંતોને બધી જ વ્યવસ્થા મળી જ જાય. અમે ગામમાં જવાનો  વિચાર કરીએ એ પહેલાં રોડ ઉપર જ એક હાઈસ્કૂલ દેખાઈ. તો વિચાર્યું કે હવે ગામમાં જવાની જરૂરત ક્યાં છે? હાઈસ્કૂલનો દરવાજો ખુલ્લો હતો. અંદર ગયા. પટાવાળો હતો. એને પૂછ્યું, કે ભાઈ રાતવાસો અમે અહિયાં કરી શકીએ? સૌરાષ્ટ્ર સંતોનો પૂજક દેશ છે. એ પટાવાળો કહે છે, મહારાજ સાહેબ! આ બધું તમારું જ છે. સંતોનું છે. સંતોની કૃપાથી બધું થયું છે. તમારે વળી પૂછવાનું હોય? આ તમારું જ છે બધું. થોડી ગરમી હતી તો વિચાર્યું કે બહાર કોરીડોર માં સંથારો કરી દઈશું. પણ એણે તો રૂમ ખોલવા માંડ્યા. મેં કહ્યું, ભાઈ રૂમની જરૂરિયાત નથી. નહિ મહારાજ સાહેબ તમે અમારા મહેમાન છો, મહેમાનને બહાર સૂવાડીએ અમે? બે-ત્રણ રૂમ ના પાડવા છતાં ખોલી આપ્યા. અમે કાજો લઇ અને બધી વિધિ કરવા માંડ્યા.

ત્યાં તો એ ગામમાં પહોંચી ગયો પટાવાળો. ગામના અગ્રણીઓને કહ્યું, સંતો આવ્યા છે. જૈન સંતો આવ્યા છે. પાંચ અગ્રણીઓ દોડતા આવ્યા. વંદન કરીને બેઠા. એ કહે મહારાજ સાહેબ! જૈન સંતો અમારા ત્યાં કોઈ દિવસ ગામમાં પધાર્યા નથી. આપ પહેલીવાર પધાર્યા અમને બહુ આનંદ છે. પણ તમારી વિધિ શું હોય અમને ખબર નથી. સાંજનો ટાઇમ થઈ ગયો છે, વાળું કરવાનો ટાઈમ છે, તો તમે અમારે ત્યાં પ્રસાદી લેવા આવશો કે બ્રાહ્મણ મહારાજને બોલાવીને રસોઈ કરાવીએ? તમે કઈ રીતે જમો અમને ખબર નથી. મેં કહ્યું, ભાઈ! સુર્યાસ્ત થઈ ગયો. અમારે પાણીની ટીપું પણ હવે કામ ન આવે. આવતી કાલે સામે ગામ જઈશું ત્યાં અમારા ભગવાનનું દર્શન કરીશું. અને એ પછી અમે પાણી લઇ શકીશું. ઠીક છે મહારાજ સાહેબ! તમારી જે વિધિ હોય એ તો તમારે પાળવી જ પડે. તો તમે અમારા ગામનો રોટલો પણ નહિ લો એમ ને? પાણી પણ નહિ લો. ચાલો બિસ્તર તો લઇ આવીએ. સુવા માટે જોઈએ. મેં કહ્યું, અમે લોકો ઊંચકીને લાવ્યા છીએ એને જ પાથરીને સુઈ જવાનું. તો કહે મહારાજ! ફાનસ તો લઇ આવીએ. આ electricity કયારેક જતી રહે છે. ફાનસ તો હોય યો કામ આવે. મેં કહ્યું, અમારે ક્યાં રાત્રે ચોપડા ચીતરવા છે! હમણાં અમે અમારી વિધિ કરીશું, અડધો-પોણો કલાકની અને પછી અમે સુઈ જઈશું. સવારે વહેલા ઉઠી, અમારું પ્રતિક્રમણ વિગેરે કરી અને પછી અમે રવાના થઈશું. ફાનસની ક્યાં જરૂર છે?! એ લોકોની આંખમાં આંસુ. મહારાજ સાહેબ તમે અમારા ગામમાં આવ્યા. અમારો રોટલો તમને ન ખપે, અમારું પાણી તમે નહી લો, અમારું બિસ્તર તમે નહી લો, અમારું ફાનસ તમે નહિ લો. તો અમને શું લાભ મળ્યો? મેં કહ્યું, આટલી સરસ જગ્યા રાત્રે ઉતરવા માટે તમે આપી છે, એ મોટામાં મોટો લાભ છે. અને એથી પણ વધારે લાભ તમારે જોઈ તો હોય તો અડધો-પોણો કલાકની અમારી ક્રિયા અમે કરી લઈએ, પછી આવો તો આપણે ધર્મકથા કરીએ. તો મહારાજ સાહેબ તૈયાર અમે.

અમે પ્રતિક્રમણ પૂરું કરીએ ત્યાં સુધીમાં હાઈસ્કૂલનું મોટું કમ્પાઉન્ડ આખું જ લોકોથી ભરાઈ ગયેલું. એક કલાક દેશના આપી અને એમાં જૈન સાધુના આચારોની વાત કરી. એ પછી, પ્રવચન પછી. ૫-૭-૧૦ લોકો આવ્યા. બધાની આંખમાં આંસુ. મહારાજ સાહેબ, પ્રભુ માટે તમે આટલી સરસ અને કડક આચરણા કરો છો. પ્રભુ તમને જ મળવાના, અમને તો ક્યાંથી મળે? અમે સંસારમાં રહેનારા. ખાઈ-પી ને મજા કરનારા. અમને પ્રભુ ક્યાંથી મળે?! પ્રભુ તો તમને જ મળે.

તો આર્યદેશ સંતોનો પૂજક છે. પ્રભુએ વિચાર્યું કે મારા કર્મો બાકી છે. પ્રભુ અનાર્યદેશમાં જાય છે. જ્યાં લોકોને સંત એટલે શું? એનો ખ્યાલ નથી. ત્યાં એ અનાડી લોકો પ્રભુની પીઠ ઉપર લાકડીઓનો વરસાદ વરસાવે છે. શિકારી કુતરાઓ પાછળ છોડે. જે પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે-લોચા કાઢી નાંખે.

ભગવાન સુધર્માસ્વામી આચારાંગસૂત્રમાં કહે છે, ‘णो सुकरमेयमेगेसिं’ આ પ્રભુ જ સહન કરી શકે. બીજા કોઈની તાકાત નથી. એ પ્રભુ બહાર જાય ગામની. જંગલ શરૂ થાય. પ્રભુને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહેવું છે. એ વખતે આચારાંગસૂત્રમાં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી ગઈ. પ્રભુને આ ઘટનાનું સ્મરણ હોય કે ન હોય? એ વખતે ભગવાન સુધર્મા સ્વામી કહે છે, કે પ્રભુને આ ઘટનાનું સ્મરણ નથી હોતું! “एयाइं से उरालाइं गच्छइ णायपुत्ते असरणाए” એક પણ શરીર પર ઘટેલી ઘટનાનું પ્રભુને સ્મરણ નથી. શિષ્ય નવાઈમાં પડી જાય છે. આટલી મોટી ઘટના ઘટી ગઈ. પીઠ પર લાકડીઓનો વરસાદ વરસ્યો, શિકારી કુતરાઓએ પગની પિંડીમાંથી માંસના લોચે-લોચા કાઢી નાંખ્યા અને છતાં આ ઘટનાનું સ્મરણ પ્રભુને નથી. કેમ નથી? એ વખતે ગુરુ કહે છે કે જે વખતે ઘટના ઘટી એ વખતે પ્રભુ ઘટનામાં ન હતા, સ્વમાં હતા. ઘટના વખતે તમે ઘટનામાં હોવ તો પાછળથી એનું સ્મરણ તમે કરી શકો, પણ ઘટના વખતે ઘટનામાં ન હો તો?

તમારું ઓપરેશન થયું. એનેસ્થેસિયા તમને આપવામાં આવ્યું. તમારું પેટ ચીરી નાંખવામાં આવ્યું. એ ઘટનાનું સ્મરણ તમને થવાનું નહિ. કેમ? એ ઘટના ઘટી ત્યારે તમે હાજર નહોતા. એનેસ્થેસિયા આપેલો. તમે બેભાન થઈ ગયેલા હતા. તમારું મન એ ઘટનામાં પરોવાય શી રીતે? મન તો સુઈ ગયેલું હતું. તો પ્રભુએ આ સાધના દ્વારા એક સિદ્ધાંત આપ્યો કે જો તમે ઘટના ઘટે ત્યારે ઘટનામાં ન હોવ તો પાછળથી સ્મરણ થવાનું નથી. એટલે મનને ક્યાંથી ક્યાં ફેરવવું આના ઉપર આખી જ સાધના નિષ્પન્ન થઈ છે. અમે લોકોએ આ જ મનને પ્રભુની આજ્ઞામાં મૂકી દીધું. તમે પણ તમારાં મનને ક્યાં મુકવું… એના માટે સ્વતંત્ર છો. મનને ઘટનામાં મુકવું કે પ્રભુની આજ્ઞામાં મુકવું?

એકવાર મેં કહેલું, એક ભાઈએ કહ્યું, કે સાહેબ શું કરીએ નિમિત્તવાસી છીએ. એટલે નિમિત્ત ઘટે, ઘટના થાય એની અસર થઈ જાય છે. એ વખતે મેં કહ્યું, કે બે ઘટના હોય એક સાદી, એક અત્યંત ભારે. બે નિમિત્ત હોય તો એમાં અસર કોની વધારે થાય? એક સામાન્ય નિમિત્ત, કોકે કહ્યું કે એમને કામ બરોબર ફાવ્યું નહિ. ખાલી આટલુ જ. બીજાએ સીધુ જ બોમ્બાડબેન્ડ કર્યું, આને? આને કામ સોંપાય? આ તો વિવાહની વરસી કરે એવો છે, આ માણસને ક્યારેય કોઈ કામ સોંપાય નહિ. તમે સોંપ્યું; તમે જ બુદ્ધિના બારદાન છો, આવાને કામ સોંપાતું હશે! બે નિમિત્ત આવ્યાને? એક સાદું નિમિત્ત હતું, આમનું કામ બરોબર નહિ. પેલાએ તો સીધુ જ ઉખેડી નાખ્યું તમારાં ‘હું’ ને. આને?! આને કામ સોંપાય?! આ માણસને?! તમને અસર કોની થાય વધારે? સાદા નિમિત્તની કે ભારે નિમિત્તની? ભારે નિમિત્તની બરોબર.

હવે એ જ વાત કરીએ આપણે. પ્રભુના શબ્દો અને સામાન્ય વ્યક્તિના શબ્દો. સામાન્ય વ્યક્તિઓના શબ્દોને આપણે સામાન્ય નિમિત્ત ગણીએ, પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને આપણે વિશિષ્ટ નિમિત્ત ગણીએ. બરાબર? કોઈકે કહ્યું, આ માણસનું કામ બરાબર નહિ, આ આમ નહિ, આ આમ નહિ. પણ એ વખતે તમારી નજર ક્યાં હોય ? મારા પ્રભુ શું કહે છે? મારા પ્રભુ જો એમ કહેતા હોય કે ગમે તેવી ઘટના ઘટે, તારે એ ઘટનામાં જવાનું નથી, તારે સ્વમાં જ રહેવાનું છે તો તમે કયા નિમિત્ત તરફ નજર કરો? સામાન્ય નિમિત્ત ઉપર કે વિશિષ્ટ નિમિત્ત ઉપર?

તમે તો આચારાંગસૂત્ર કંઠસ્થ કરી દીધું, ઉત્તરાધ્યયનસૂત્ર કંઠસ્થ કરી દીધું. ભગવાને કહ્યું, ‘ઉવસમેણ હણે કોહં’ ક્રોધને દૂર કરવો હોય તો માત્ર સમભાવ જરૂરી છે. હું તમને કહું છું, actionની સામે re-action ની દુનિયામાં તમે છો. તમારો અનુભવ શું? અમને પ્રભુએ સૂત્ર આપ્યું, action સામે non-action. તમારી પાસે કયું સૂત્ર છે? Actionની સામે re-action. ઈંટનો જવાબ પથ્થરથી બરાબર? તો actionની સામે re-action કદાચ છે તમારી પાસે. હવે એક અનુભવ તો કરો કે actionની સામે non-action આવે તો ખરેખર મજા આવે કે ન આવે?

બુદ્ધના જીવનની એક ઘટના આવે છે. એક માણસે વિના કારણે બુદ્ધ ભગવાન ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો. દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ. બુદ્ધ હસતા જ રહ્યા. Actionની સામે non-action. હું ઘણીવાર કહું છું, આપણે નાના હતા ને ત્યારે જુના પેલા ટાયરના પૈડાંને ફેરવતા. પણ એ ટાયર ફરે ક્યારે? સાયકલનું હોય કે ગમે તે હોય, બાઈકનું હોય. આખું હોય તો.. અડધું હોય તો ફરે ખરું? Action કોઈએ આપ્યું એ માણસ સ્વતંત્ર છે, action એણે આપી દીધું. તમારે re-action આપવું કે ન આપવું એના માટે તમે સ્વતંત્ર છો. પણ તમે actionની સામે reaction કરો છો. શું થયું? પૈડું આખું થઈ ગયું ને ફરવા માંડ્યું. પછી વરઘોડો ચાલ્યો તમારો. બુદ્ધ ભગવાનની પાસે actionની સામે non-action છે. અમારા મુનિવરો પાસે, અમારી સાધ્વીજીઓ પાસે શું હોય? Actionની સામે non-action. Reaction નહિ, ક્યારેય પણ નહિ. બુદ્ધ હસતા ને હસતા હોય છે. પેલો માણસ પચ્ચીસ મિનિટે થાકી ગયો. સામે બે-ચાર શબ્દો મળે ને તો પેટ્રોલ પુરાય પાછું અને ગાડી આગળ ચાલે. પણ સામે બોલવાનું તો નથી એક શબ્દ, ઉપરથી હસતા રહે છે. બુદ્ધ હસે છે. પચ્ચીસ મિનિટે પેલો થાકી ગયો. ગયો…

એ પછી પટ્ટશિષ્ય આનંદે પૂછ્યું, કે ભગવાન! આને આટલી બધી ગાળો આપી; તમને સહેજ પણ ગુસ્સો ન આવ્યો?! તમારી પાસે master key કઈ છે? ત્યારે બુદ્ધે કહ્યું, કે મને એ માણસની દયા આવતી હતી. કેમ? એક કુવો હોય. નપાણીયો કુવો. જેમાં પાણી છે જ નહિ. માત્ર રેત અને કાંકરા જ છે. પાણી સુકાઈ ગયું છે. હવે એમાં કોઈ ડોલ નાંખે અને આમ આમ આમ ફેરવ્યા કરે એથી શું થાય? પાણી છે જ નહિ અંદર, તો પાણી આવવાનું હતું? એમ એ બિચારાએ પચ્ચીસ મિનિટ સુધી ડોલ અંદર નાંખ નાંખ કરી પણ હું તો નપાણીયો કુવો છું. ગુસ્સો થવાની કોઈ સંભાવના જ ભીતર નથી રહી એટલે એણે reaction માટે મહેનત ગણી કરી પણ એની મહેનત નિષ્ફળ ગઈ. મને એના ઉપર દયા આવતી હતી. કરુણા આવતી હતી.

તો તમને આ સૂત્ર ગમે? મારે પૂછવું છે. ચલો આપણે એટલું કરીએ. Actionની સામે reactionનો અનુભવ તમને છે. છે ને? હવે actionની સામે non-actionનો અનુભવ કરો. એ તો કરી શકાય. અને પછી મને કહો કે અનુભવ કેવો રહ્યો તમારો? હું અત્યારથી ગેરંટી આપું કે તમારો અનુભવ શાનદાર જ  રહેવાનો છે. કારણ. Actionની સામે reaction તમે આપો છો ને ત્યારે તમારું સમીકરણ ખોટું છે. તમે એમ માનો છો, એને મને કહ્યું હું એને દબાઈ દઉં, કેમ મને કહી જાય?! પણ વાત એ છે કે તમે ગમે તેટલા ગુસ્સાથી બોલશો માથું દુખવા કોનું આવવાનું છે? અડધો કલાક non-stop ગુસ્સે થાવ તો ખબર પડે. મેટાસીનની-સેરેડોનની ટેબ્લેટ લેવી પડશે તમારે. કર્મબંધની વાત જવા દો. શરીરના સ્તર પર, મનના સ્તર પર કેટલી પીડા થાય છે? અને એ પછી ધારો કે તમે એને પહોંચી ન વળ્યા તો કેટલો સમય સુધી મનમાં દર્દ  રહેવાનો. એ કેટલો મોટો થઈ ગયો? મને આમ કહી ગયો. મને આમ કહી ગયો. મને આમ કહી ગયો. તમે દુઃખી કેટલો સમય રહેવાના! તો ગુનો બીજાએ કર્યો. પીડા તમારે સહન કરવાની? સજા તમારે સહન કરવાની? ગુનો એને કર્યો. સજા એ ભોગવે. તમે કેમ સજા ભોગવો છો? Why? શા માટે? તો અમે લોકો ever fresh અને evergreen એનું કારણ આ. non-action. Reaction ઘરે મુકીને આવ્યા.

તો પ્રભુની સાધનામાં શું હતું? પ્રભુએ ઉપયોગને ફેરવી નાંખ્યો. ઉપયોગને પ્રભુ સતત સ્વમાં રાખતા હતા. અમારો જે આનંદ છે ને એ આનંદ આનો જ છે. અમારો પણ ઉપયોગ પરમાં હોય તો અમે પણ દુઃખી થઈએ. મારી સભામાં આટલા લોકો આવવા જોઈએ. હું આવ્યો ને આટલા અનુષ્ઠાનો થવા જોઈએ. આવી ઈચ્છા એક મુનિ પાસે હોય અને એ મુનિ એ રીતે ઈચ્છા દ્વારા પરમાં ગયો તો એ પણ પીડિત હોય. અમે પણ સુખી ક્યારે? માત્ર અને માત્ર અમે સ્વમાં રહીએ ત્યારે. પણ પ્રભુએ સ્વમાં રહેવા માટેના એટલાં બધા આયામો અમને આપ્યા છે કે અમે લોકો કયારેય પણ પરમાં જઈ શકીએ નહિ. Five star હોટલનું menu સામે હોય તો સૂકો રોટલો કોણ ખાય?!

ભગવાને કેટલા મજાના યોગો અમને આપ્યા. શુભના યોગો પણ કેટલા! સ્વાધ્યાય! સ્વાધ્યાયમાં કેટલી variety? પ્રશમરતિ, જ્ઞાનસાર, આચારાંગ, ઉત્તરાધ્યયન. ભક્તિ. ભક્તિમાં કેટલી variety! ઉપાધ્યાયજી ભગવંતના સ્તવનો, દેવચન્દ્રજીના સ્તવનો, આનંદઘનજી ભગવંતના સ્તવનો. જલસો જ જલસો છે. અમારે તો જલસો છે, તમારે પણ જલસો છે. પ્રભુશાસન જેને પણ મળ્યું છે એને જલસો છે. કેટલા મજાના યોગો પ્રભુએ આપ્યા! હું ઘણીવાર કહેતો હોઉં છું કે મમ્મી ઘરે દીકરાને હલવો, પુડિંગ, નમકીન બધુ જ બનાવી આપતી હોય. સારામાં સારું. દીકરાની ચોઈસ પ્રમાણે. એ દીકરો લારી-ગલ્લે શા માટે જાય?! એમ પ્રભુએ એટલાં સરસ યોગો અમને આપ્યા છે કે અમારું મન બહાર જાય એ સંભવિત નથી. તમારાં મનને પણ તમારે ભીતર રાખવું જોઈએ.

એક નાનકડો પ્રેક્ટીકલ approach આજે બતાવું. ઘરે અને ઓફિસે સારા પુસ્તકો રાખો. મારી દ્રષ્ટિએ બે પ્રતિક્રમણ સુત્રોના અર્થ જો તમે ના કર્યા હોય, તો સૌથી પહેલા તમારે એ કરવા જોઈએ. એ પુસ્તક ઘરે પણ હોય, ઓફિસે પણ હોય. એક બાયર ગયો, બીજો આવવાનો છે. વચલો જે ટાઇમ છે એ ટાઈમમાં તમે શું કરશો? નમુત્થુણં ના અર્થને વાંચશો. એક મિનિટ તમારી નકામી ન જવી જોઈએ. પછી એવું બને કે નમુત્થુણં તમારાં મનનો એવો કબજો લઇ લે કે બાયર આવી પણ જાય તમે એની જોડે સોદો કરી પણ લો, ઉપરના મનથી અને નીચેનું જે મન છે એ માત્ર અને માત્ર નમુત્થુણં માં હોય. ઉપરનું મન વ્યવહારના કામો કર્યા કરે. બીઝનેસના કામો કર્યા કરે અને નીચેનું જે મન છે એ આપણે પ્રભુને, પ્રભુની આજ્ઞાને, ગણધર ભગવંતોએ આપેલા સુત્રોને આપી દઈએ.

એક બહુ પ્યારું પદ નમુત્થુણં માં આવ્યું, “ચકખુદયાણં”. ભીતરી આંખો, અંદરની આંખો આપણને કોણ આપે? પ્રભુ આપે. “ચકખુદયાણં”. બહાર જે આંખો મળી છે એ તો આઉટર સ્પેસને જોઈ શકશે. બહારની દુનિયાને જોઈ શકશે. પ્રભુને જોવા છે કે ભીતરની દુનિયાને જોવી છે તો એક અલગ ચક્ષુ જોઇશે. અને એ ચક્ષુ કોણ આપશે? પ્રભુ આપશે. પ્રભુ ભીતરી દુનિયાને જોઈ શકાય એવી ચક્ષુ તમને આપે. ભીતરનો આનંદ તમે માણી શકો એવું મન પ્રભુ તમને આપવા તૈયાર. તમે તૈયાર?

મેં વચ્ચે કહેલું કે mind transplantation નો હું નિષ્ણાંત છું. તમારું ગંદુ મન આપી દો. સરસ મજાનું મન તમને આપી દઉં. બે મન: એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. તમારી પાસે સંજ્ઞા પ્રભાવિત મન હોય આવી જાઓ અહિયાં, તમને આજ્ઞા પ્રભાવિત મન આપી દઈએ. સંજ્ઞા પ્રભાવિત મન માત્ર પીડા આપશે, આજ્ઞા પ્રભાવિત મન માત્ર આનંદ આપશે. સંજ્ઞા પ્રભાવિત મન, સીધું જ તમારું ‘હું’ પકડાશે. મને પેલાએ આમ કીધું એટલે ખલાસ! તમે પીડિત થઈ ગયા! હેરાન-પરેશાન થઈ ગયા! બોલો કોને હેરાન કર્યા?

એક મુનિને અનાડી માણસ ગાળો આપે છે, મુનિને કાંઈ થતું નથી. તમને એ વ્યક્તિ ગાળો આપે છે; તમને પીડા થાય છે. કારણ શું? ગાળો પેલાએ આપી. માટે પીડા થઈ કે ગાળો તમે સ્વીકારી માટે પીડા થઈ? હવે બોલો. બરોબર વિચાર કરીને કહો. પેલાએ ગાળો આપી માટે તમને પીડા થઈ કે તમે એ ગાળોને પકડી લીધી માટે પીડા થઈ? મુનિ એ ગાળોને પકડતા જ નથી! મુનિ કહે: એ તો આને કહે છે, ‘હું’ આ ક્યાં છું? ‘હું’ શરીર નથી ‘હું’ તો નિર્મળચેતના છું. તમે પણ એ ગાળોને સ્વીકારો નહિ તો શું થાય? તમે પીડિત થાઓ ખરા? તો આનંદિત રહેવાનું તમારાં હાથમાં કે બીજાના હાથમાં, બોલો?

હું  ઘણીવાર કહું છું., તળાવ હોય. પાળ પર બેઠેલા માણસો નવરા બેઠા છે. કાંકરો હાથમાં આવ્યો. એક જણાએ કાંકરો ફેંક્યો તળાવમાં. એટલે તળાવમાં શું થાય? કુંડાળા કુંડાળા થાય. બીજાએ કાંકરો ફેંક્યો, ફરી પાછા કુંડાળા કુંડાળા.. બરોબર. હવે તમારાં મનની સ્થિતિ આ તળાવ જેવી છે. કોકે કહ્યું, તમે બહુ સારા એટલે આ રતિ ભાવના કુંડાળા શરૂ થઈ ગયા, કોકે તમને ખરાબ કહ્યા એટલે અરતિ ભાવના, દ્વેષના કુંડાળા શરૂ થયા. આમાં તમે તો હેરાન હેરાન થઈ ગયા! કાંકરો નાંખનારને અટકાવી શકાતા ન હોય ત્યારે તળાવે શું કરવું જોઈએ? માઈનસ ડીગ્રી જયારે ઠંડી હોય છે. માઈનસ પાંચ, માઈનસ દસ, માઈનસ પંદર ત્યારે તળાવની ઉપરની સપાટી ફ્રીઝ થઈ જાય છે. બરફમાં ફેરવાઈ જાય છે. એ તળાવની સપાટી ફ્રીઝ થઈ ગઈ પછી કોઈ કાંકરો નાખે તો શું થાય? એક પણ કુંડાળું થાય નહિ. તો મારો સવાલ એ છે કે કાંકરાને નાંખનારને અટકાવી શકાય એમ નથી તો આપણે તળાવને બદલવું પડે, સીધી વાત છે.

તમારી આજુબાજુમાં એવા લોકો છે, કેટલાક તમારી પ્રશંસા કરશે. જેને સ્વાર્થ છે, તમારી પાસેથી કંઇક કાઢવું છે. કેટલાક તમારી નિંદા પણ કરશે. આવામાં તમે તો હેરાન-પરેશાન થઈ જવાના. એક જ રસ્તો છે. કાંકરા ફેંક્નારાને અટકાવી શકાય એમ નથી. તમારે તમારાં તળાવને ફેરવવું પડે. તળાવની સપાટી ફ્રીઝ કરી નાંખો. ફ્રીઝ કરી એટલે અસર થતી નથી. પ્રવાહી પાણી હતું ત્યારે અસર થતી હતી. એ સપાટી ફ્રીઝ થઈ ગઈ, હવે કાંકરાની કોઈ અસર થતી નથી. તો ઘટના અપ્રભાવિત મન તમારું બની જાય.

અમારું મન ઘટના અપ્રભાવિત છે. ઘટના આમ ઘટી તો પણ સ્વીકારીએ, આમ બની તો પણ સ્વીકારીએ. અમારા માટે બધું જ સ્વીકાર્ય છે. અને સર્વસ્વીકાર હોવાના કારણે અમારા મનની તળાવની સપાટી ફ્રીઝ થઈ ગઈ. હવે કોઈ કાંકરાની કોઈ અસર નથી. આટલું બરાબર યાદ રાખો આજે, કે તમારું સુખ તમારાં હાથમાં છે. જે ક્ષણે તમે બીજાના હાથમાં તમારું સુખ આપો છો, એ ક્ષણે તમારું સુખ તમારી સાથે રહેવાનું નથી. તમે અત્યારે બીજાના હાથમાં તમારું સુખ મુકેલું છે. આજુબાજુવાળા બધા કહે કે તમે સારા તો તમને લાગે કે હું સારો છું. હવે એવું કોઈ પુણ્ય નથી કે બધા તમને સારા કહે. તો શા માટે તમે તમારું સુખ બીજાના હાથમાં મુકો છો?

આમ જુઓ કેટલી નાનકડી વાત છે પણ આખું જીવન જે છે ને એ આનંદમય બનાવવાની એક master key આમાં રહેલી છે. કે મારું સુખ મારા હાથમાં. મારું સુખ બીજાના હાથમાં નહિ. કોકે કહ્યું કદાચ, તો એમાંથી પણ જે સારું છે તે હું લઇ લઈશ. કદાચ કોકે કંઇક કહ્યું, તમે ઉતાવળથી કામ કરો છો એટલે બરોબર થતું નથી. એને રફલી કહ્યું હોય કદાચ, તો વાંધો નહિ. રફનેસ ને કાઢી નાંખીએ પણ એમાંથી જે સારપ હોય એને લઇ લઈએ.

તમે તો અનુભવી છો. ખજુર કેવી રીતે ખાઓ? સચિતનો ત્યાગ હોય તો પહેલાંથી ઠળિયો કાઢી નાંખીએ અને અડતાલીસ મિનીટ પછી ખાઓ. પણ સામાન્ય માણસ ખજુર કેવી રીતે ખાય? ખજુર મોં માં મુકે. ઠળિયો અંદર જતો રહે પછી? ઠળિયો બહાર ફેંકાઈ જાય, ખજુર ખવાઈ જાય. કેમ બરોબર? છે ને અનુભવ? તો આવું જ કરો કોઈકે કંઇક કહ્યું, સારું હોય તો લઇ લીધું. બરોબર ન હોય, એ ફેંકી દીધું.

આજનું સૂત્ર બરોબર યાદમાં રાખો. તમારું સુખ તમારાં હાથમાં છે. અમારા મુનિપણામાં પ્રભુએ આ જ વાત અમને કહી. “સંજયા શુ સમાહિયા” પ્રભુ કહે છે જે ક્ષણે તે મારું રજોહરણ સ્વીકાર્યું એ જ ક્ષણથી હું ગેરંટી આપું છું કે તું એક પણ ક્ષણ પીડામાં નહી જાય. અને એટલે મેં તમને કહેલું, રાત્રે દસ વાગે, અગિયાર વાગે તમને પુરુષોને અમારા ઉપાશ્રયમાં આવવાની છૂટ છે. એક પણ મુનિ લમણે હાથ દઈને બેઠેલો હોય રંગેલા હાથે એને પકડજો, મહારાજ સાહેબ તમે કેમ મુડલેસ છો? પ્રભુનો સાધુ, પ્રભુની સાધ્વી મુડલેસ હોય?! આનંદમાં જ હોય. અને એ આનંદ મારે તમને આપવો છે. કે તમારું સુખ બીજાના હાથમાં મુકતા નહી. તમારું સુખ તમારાં હાથમાં જ રાખજો.

તો પ્રભુની સાધના આ જ હતી. ઉપયોગને માત્ર સ્વમાં મૂકી દીધો.

તમારા માટે કે અમારા માટે એક વચલી સાધના પ્રભુએ આપી. અને એ સાધના એ છે કે શુભની અંદર મનને સ્થિર રાખવું. સ્વમાં રાખવું એને શુદ્ધમાં ઉપયોગ સ્થિર કર્યો એમ કહેવાય. શુદ્ધ અલગ, શુભ અલગ. સામાયિક, પ્રતિક્રમણ આદિ બધા જ અનુષ્ઠાનો, સ્વાધ્યાય, ભક્તિ આદિ બધા જ અનુષ્ઠાનો એ શુભની ક્રિયા. શુભની ક્રિયા એ સાધન રૂપ અને એ શુભની ક્રિયા તમને શુદ્ધમાં લઇ જાય. એટલે કે તમારી સ્વરૂપદશામાં. તમારાં આનંદઘનદશાની અંદર એ તમને લઇ જાય. તો અત્યારે શુભની અંદર તમે તમારાં મનને જેટલું બની શકે એટલું વધુ રાખો. એટલે મેં કહ્યું કે ઘરે અને ઓફિસે સારા પુસ્તકો હોય. જયારે પણ સમય મળ્યો, પુસ્તક હાથમાં લીધું અને સીધુ જ વાંચવાની શરૂઆત કરી. તમને પણ લાગે કે સંસારમાં છું. સંસારની ક્રિયાઓ કરવી પડે છે. પણ જેટલો સમય મળ્યો એટલો સમય સીધો મારે પ્રભુએ કહેલી શુભની ક્રિયાઓમાં મૂકી દેવો છે.

જવાહરનગરની બહેનો અને માતાઓ તો કેટલો બધો અભ્યાસ કરે છે! પાઠશાળાઓ ધમધમતી ચાલે અને એનું કારણ આ બહેનો અને માતાઓ છે. એ પોતાના દીકરાઓને લઈને ભણાવવા માટે આવે છે. બપોરે દ્રશ્ય જોયું હોય અહિયાં! હું ક્યારેક બપોરે બહાર ગયેલો હોઉં પ્રવચન આપવા અને આવું અહિયાં જોઉં તો આખો હોલ બહેનોથી, દીકરાઓથી ભરાયેલો હોય. પાંચ-પાંચ, દસ-દસની ટુકડીમાં બધા અભ્યાસ કરતા હોય. ભણાવનાર પણ અહીંની બહેનો, ભણનાર પણ અહીંના દીકરાઓ-અહીંની દીકરીઓ.

તો આ શું થયું? કે મન પ્રભુને આપ્યું. જે ક્ષણે તમે મન પ્રભુને આપ્યું એ ક્ષણે તમારી પાસે માત્ર અને માત્ર આનંદ રહેશે. એ આનંદની દુનિયામાં તમારો પગ પડે એવો આશીર્વાદ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *