Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 61

59 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : गच्छइ णायपुत्ते असरणाए

પ્રભુના શરીર ઉપર કોઈ પણ ઘટના ઘટી, પ્રભુ એ ઘટનાથી બેખબર હતા. કારણ કે પ્રભુનો ઉપયોગ સતત સ્વની અંદર હતો. ઉપયોગ જ્યારે દેહમાં હતો જ નહિ, તો દેહમાં શું થયું – એનો ખ્યાલ પણ ક્યાંથી આવે?

પ્રભુની વ્યવહાર આજ્ઞા અલગ અલગ રહેશે પણ નિશ્ચય આજ્ઞા એક જ છે : તું તારા સ્વરૂપમાં સ્થિર થા. કોઈ પણ સાધકનો ઉપયોગ સ્વને છોડીને પરમાં જાય એ સાધકે કરેલી પ્રભુની મોટામાં મોટી આશાતના છે.

ઉપયોગને ફેરવતા શીખવાનું છે. અશુભમાં જે ઉપયોગ છે, એને શુભમાં ફેરવવો છે અને પછી શુભમાંથી એ ઉપયોગને શુદ્ધમાં લઇ જવો છે. જેમ-જેમ ઉપયોગને સ્વમાં મૂકતા જઈએ, એમ આનંદ જ આનંદ. અને સ્વરૂપદશાનો આનંદ મળવા માંડ્યો, પછી તમે પરભાવમાં જઈ કેવી રીતે શકો!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૧

દેવાધિદેવ, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વરસની સાધનાની આંતરકથા.

બહુ જ પ્યારું સૂત્ર આપણી સામે છે. “गच्छइ णायपुत्ते असरणाए” ગમે તેવી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટે છે. પ્રભુ એ ઘટનાઓથી બેખબર હોય છે. સીધી વાત હતી. પ્રભુનો ઉપયોગ સતત સ્વની અંદર હતો. જયારે ઉપયોગ દેહમાં હતો જ નહિ તો દેહમાં શું થયું? એનો ખબર પણ ક્યાંથી આવે?

ગઈ કાલે જ એક મજાની ઘટના વાંચી. પૂજ્યપાદ દોલતસાગર સૂરીશ્વરજી મહારાજા. જે અત્યારે ૧૦૨ વરસની વયે પણ અપ્રમત્ત રીતે સાધના કરી રહ્યા છે. એમના જીવનની એક ઘટના ગઈ કાલે વાંચી. એ વખતે સાહેબની વય ૭૦-૭૫ વરસની હતી. એક દિવસ સવારે પાંચ વાગે કાયોત્સર્ગ સાહેબજીએ શરૂ કર્યો. સાંજના પાંચ વાગ્યા સુધી. બાર કલાક સાહેબજી ઉભા ઉભા કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. રોજ એક-બે-ત્રણ કલાકનો કાયોત્સર્ગ તો સાહેબજી કરતા જ. પણ એ દિવસે બાર કલાક લગાતાર ઊભા-ઊભા સાહેબજીએ કાયોત્સર્ગ કર્યો.

પાછળથી એક મુનિરાજે પૂછેલું કે, સાહેબજી આજે આટલો લાંબો કાયોત્સર્ગ કેમ કર્યો આપે? એ વખતે સાહેબજી કહે છે કે ગઈ કાલે એક લોખંડની પ્લેટ પડી ગઈ હતી, મારા પગ ઉપર પડી. એ વખતે મારાથી ચીસ પડાઈ ગઈ. પણ તરત હું ચોંકી ઉઠ્યો કે શરીરને વાગ્યું, અનુભવ મને કેમ થયો? મારો ઉપયોગ શરીરમાં હતો તો જ મને અનુભવ થયો ને. એક સાધુનો ઉપયોગ, પ્રભુના સાધુનો ઉપયોગ, પ્રભુની સાધ્વીજીનો ઉપયોગ માત્ર સ્વમાં રહેવો જોઈએ. એ દેહમાં રહ્યો કેમ? એટલે દેહની અંદર એ જે ઉપયોગ રહ્યો મારો, એ સજાનું પ્રાયશ્ચિત આજે કર્યું. ઉપયોગને હું કહું છું કે તારે સ્વમાં જ રહેવાનું છે, પરમાં જવાનું નથી. બીજો પ્રશ્ન કરવામાં આવ્યો સાહેબજીને. કે સાહેબજી ગઈ કાલે જ પગ ઉપર પ્લેટ પડેલી. લોખંડની પ્લેટ, અચાનક ઉપરથી પડી, કબાટ ઉપરથી અને આપને વાગી. સોજો પણ આવી ગયેલો. અને સોજાવાળા પગે આપ બાર કલાક ઉભા રહ્યા તો કેટલી પીડા થઈ હશે? એ વખતે સાહેબે કહ્યું, પીડા તો ગઈ કાલે થયેલી આજે કોઈ પીડા થઈ નથી. પીડા ગઈ કાલે થયેલી એટલાં માટે કે મારો ઉપયોગ દેહમાં ગયો કેમ? આજે શું થયું? મને કાંઈ ખ્યાલ નથી. મારો ઉપયોગ કાયોત્સર્ગની અંદર સતત સ્વમાં હતો. અને એથી કરીને પગને તકલીફ પડી કે ન પડી એ મને કંઇ ખબર નથી. એટલે પીડા તો મને ગઈ કાલે હતી. આજે કોઈ પીડા નથી. અને એ પીડા એટલાં માટે જ હતી કે એક સંયમીનો ઉપયોગ સ્વને છોડીને પરમાં કેમ જઈ શકે?

એક સૂત્ર હું વારંવાર કહું છું. કોઈ પણ સાધકનો ઉપયોગ સ્વને છોડીને પરમાં જાય એ સાધકે કરેલી પ્રભુની મોટામાં મોટી આશાતના છે. પ્રભુની આજ્ઞા છે: તું તારા ઉપયોગને સ્વમાં રાખ. પ્રભુની બે આજ્ઞા છે. વ્યવહારઆજ્ઞા અને નિશ્ચયઆજ્ઞા. વ્યવહાર આજ્ઞા તમારા સ્તર પર અલગ રહેશે, અમારા સ્તર પર અલગ રહેશે. અમારા સ્તર પર દશવિધ સામાચારીનું પાલન, પંચમહાવ્રતનું પાલન એ બધું આવશે. તમારાં સ્તર પર બાર વ્રતનું પાલન અને એ બધું આવશે. વ્યવહાર આજ્ઞામાં અમારા સ્તર પર અને તમારાં સ્તર પર ફેરફાર થશે. પણ પ્રભુની નિશ્ચયઆજ્ઞા અમારા માટે અને તમારાં માટે એક જ છે. તું તારા સ્વરૂપમાં સ્થિર થા.

આ નિશ્ચયઆજ્ઞાનો ખ્યાલ નથી હોતો માટે શું થાય છે કે તમે થોડીક વ્યવહારસાધના કરી અને સંતુષ્ટ બની જાવ છો. બે શબ્દો છે. સાધન અને સાધ્ય. માર્ગ અને મંઝીલ. આપણે એ ગરબડ તો નથી કરતા ને કે માર્ગને જ આપણે મંઝીલ માની બેસી ગયા. જવાનું છે દસ કિલોમીટર દૂર, રસ્તા પર ચાલ્યા અડધો કિલોમીટર, વૃક્ષ આવ્યું બેસી ગયા. મંઝીલ આવી ગઈ. ભાઈ! મંઝીલ તારી બહુ દૂર. તું માર્ગમાં છે.

તો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આ બધી જ ક્રિયા એ માર્ગ. એ વ્યવહાર આજ્ઞા. મંઝીલ શું? તમારાં સ્વરૂપમાં તમારે સ્થિર થવું તે. મારું પોતાનું નિરીક્ષણ છે કે ૯૦ ટકા સાધકો માર્ગને મંઝીલ માનીને બેસી ગયા છે. સાહેબજી નવપદની નવ ઓળી કરી. રોજ બે પ્રતિક્રમણ કરું છું. એક સામાયિક કરું છું. સરસ ભાઈ. તું કરે છે એ સરસ પણ એના દ્વારા તને પ્રાપ્તિ શું થઈ? ઓફીસ ખોલીને બેસી રહેવું એ સાધ્ય નથી. એ સાધન છે. સાધ્ય શું? પૈસાની પ્રાપ્તિ. એમ આ ક્રિયાઓ કરવી એ સાધ્યકોટિમાં નથી. તો આપણી ગરબડ આ થઈ કે સાધનને સાધ્ય બનાવી નાંખ્યું. સાધ્ય તો મળ્યું નથી. સાધ્યનો અણસાર પણ આવ્યો નથી. અને આપણે બધા માનીને બેસી ગયા. ઓહ! મને તો બધું મળી ગયું! શું મળી ગયું? What’s your achievement? Achievement માં પ્રતિક્રમણ નથી. Achievement માં સામાયિક નથી. Achievement માં રાગ-દ્વેષ-અહંકારની શિથિલતા છે. એક બાજુ રાગ-દ્વેષ અને અહંકારની શિથિલતા થાય; બીજી બાજુ સ્વરૂપદશાની આછીસી આપણને અણસારદશા મળતી જાય. તો અત્યાર સુધી કદાચ સાધનને સાધ્ય માનવાની ભૂલ કરી હોય, આજથી એ ભૂલ કાઢી નાંખવી છે. સામાયિક આઠ કર્યા રોજના, સમભાવ કેટલો મળ્યો? અને સામાયિક પાર્યા પછી સહેજ નિમિત્ત મળે અને તરત તમને ગુસ્સો આવી જતો હોય તો તમારે માનવું પડે કે સામાયિક પ્રભુએ કહેલી અમૃતક્રિયા છે પણ એ અમૃતક્રિયાને કઈ રીતે કરવી, એ ખ્યાલ મને હજુ સુધી આવ્યો નથી.

તો નિશ્ચય આજ્ઞા પ્રભુની એક જ. અમારા માટે પણ એ જ, તમારાં માટે પણ એ જ. સ્વરૂપદશામાં સ્થિર થવું છે. અને એ સ્વરૂપદશાનો આનંદ મળવા માંડ્યો; તમે પરભાવમાં જવાના ખરા?! અમે લોકો પરભાવમાં જઈ ન શકીએ. કેમ ન જઈ શકીએ? સ્વભાવદશાનો આનંદ પ્રભુએ એટલો બધો આપ્યો છે કે હવે આને એક ક્ષણ માટે અમે છોડી ન શકીએ. તમને પણ એ જ સ્વભાવદશાનો આનંદ આવી શકે છે.

એક પ્રશ્ન તમને કરું. ક્ષમાનો અનુભવ, સમતાનો અનુભવ કદાચ તમને નથી. ક્રોધનો અનુભવ તમને છે? એ પણ નથી…. તમને સમતાનો અનુભવ તો નથી. ક્રોધનો પણ અનુભવ નથી. ક્રોધનો જો અનુભવ હોય તો ક્રોધ છૂટી જાય! ક્યારેય પણ ક્રોધ કર્યો અને મજા આવી એવું બન્યું? ક્રોધ કરો; ટેન્શન જ ટેન્શન. પીડા જ પીડા. અનાદિની સંજ્ઞાને વશ તમે ક્રોધમાં જાઓ છો. એકવાર ધ્યાનથી જુઓ કે ક્રોધમાં પીડા છે કે આનંદ છે? આજે એક સૂત્ર આપું. ક્રોધ+ધ્યાન. ક્રોધ + ધ્યાન. ક્ષમા હોય ત્યારે તો ધ્યાન કરી શકાય છે. ક્રોધની ક્ષણોમાં સહેજ અટકીને વિચારો કે આ ક્રોધ દ્વારા મને શું મળે? કર્મબંધની વાત બાજુમાં રાખજો. તમને પોતાને ક્રોધ કરવા દ્વારા, એ વખતે શું મળે છે? તમે પ્રબુદ્ધ માણસો છો. એ વખતે ક્રોધ કરવાથી આનંદ મળે છે? કોઈને પણ આનંદ મળ્યો ખરો? ક્રોધ કરવાથી પીડા થાય છે એક. તમે ક્રોધ કરો એનું રીઝલ્ટ આવવાનું નથી એ પણ નક્કી છે. તો તમે શા માટે ક્રોધ કરો છો? બે વાત થઈ. તમે ક્રોધ કરો છો ત્યારે પીડાને અનુભવો છો. ચાલો, પીડાને અનુભવો એનો વાંધો નહિ, બીજાનું કલ્યાણ થતું હોય તો. તમારાં એ ક્રોધની અસર સામી વ્યક્તિ ઉપર સહેજ પણ positively થવાની નથી, થશે તો negatively જ થશે. આમને કંઇ ધંધો નથી. નવરા પડેલા છે જયારે આવે ત્યારે બોલ્યા કરે છે. ક્રોધ કરતી વખતે પીડા. એ ક્રોધ તમે કરો એનું result  તમને કંઈ મળતું નથી. આ સ્પષ્ટ તમને દેખાય અને તમે ક્રોધ કરો એનો મતલબ એ થયો કે ક્રોધનો અનુભવ તમને નથી. બરોબર.?

એટલે આગળ વધીને કહું તો સંયમી જીવનના આનંદનો અનુભવ તો તમારી પાસે નથી પણ સંસારનો અનુભવ પણ તમારી પાસે નથી. મેં અગિયાર વર્ષે દીક્ષા લીધી. સંસારને મેં અનુભવ્યો નથી પણ તમારો સંસાર કેવો પીડાદાયક છે એ મને ખ્યાલ છે. મેં અનુભવ્યો નથી તમારો સંસાર, છતાં મને ખ્યાલ છે. તમે અનુભવ્યો છે સંસાર, તમને પૂછું કેવો છે? સંસાર છોડી શકો, ન છોડી શકો એ બીજા નંબરની વાત છે. સંસાર તમને લાગ્યો કેવો?

હવે એમાં થોડા આગળ જઈએ. થયું શું? You had no option. અનંત જીવનો મેં અને તમે પસાર કર્યા. એ અનંતા જન્મોમાં શું થયું? We had no option. આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. પરમાં અને પરમાં જ રહેવાનું હતું. સ્વની દુનિયાનો ખ્યાલ જ નહોતો. ઝુંપડું જ છે અને એની પાસે પૈસા છે નહિ કે એ પાકું ઘર કરાવી શકે. He has no option. તો એ ઝુંપડામાં જ રહે. અનંતકાળની અંદર we had no option. આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. સ્વને તમે જાણ્યો જ નહોતો. તો પરમાં જ રહો ને બીજે ક્યાં રહો? પછી આપણું મન શું કરતુ? ચીટીંગ કરતું. આ પરમાંથી આ પરમાં. આ પરમાંથી આ પરમાં. મહેલમાં થાકેલો હિમાલયમાં જાય અને હિમાલયમાંથી થાકેલો મહેલમાં આવે. ડોલીવાળો ખભો બદલ્યા કરે એમ તમે પરપદાર્થોને બદલ્યા કર્યા. પણ આ જન્મની અંદર પ્રભુએ વિકલ્પ આપ્યો છે કે પરની અંદર સુખ તો છે જ નહિ. સુખ એ દિવ્યઆનંદ તારી ભીતર છે. પ્રભુની આ આજ્ઞા ભીતરના આનંદને તમે થોડોક માણી લો, અનંતા જન્મોમાં તમને જે નહોતું મળ્યું એ આ જન્મમાં મળી જાય. આપણે કહીએ પ્રભુનું શાસન મને મળ્યું. હું બડભાગી બન્યો. જરૂર, પ્રભુશાસન મળ્યું; તમે બડભાગી છો પણ મારે તમને આજે પૂછવું છે કે પ્રભુશાસન મળ્યા પછી પણ જે જીવનો ગયા અનંતા, એના જેવું જ તમારું આ જીવન હોય તો પ્રભુશાસન દ્વારા તમને achievement શું થયું?

તો આ જન્મ totally બદલાઈ જવો જોઇએ. છો તૈયાર? તમે પીડામાં રહો અમારાથી સહન થાય? તમને બધાને દિવ્યઆનંદની ધારામાં મુકલવા છે અને બહુ સરળ છે. એક સમભાવની ધારા ચાલે. અમારી પાસે choicelessness છે. કોઈ choice રહી નહિ, એક જ choice છે. પ્રભુની આજ્ઞા બરોબર પાળવાની. બાકી કોઈ પણ choice  અમારી પાસે નથી. અને અમે choiceless છીએ માટે સુખી છીએ. દિવાળી નજીક આવી. હવે choices વધી જવાની. અમે choiceless છીએ માટે સુખી છીએ. તમે વધુ પડતી ઈચ્છાઓમાં છો માટે દુઃખી છો. તો તમારી પાસે પણ choicelessness આવી જાય તો?

એક ભાઈ મને મળેલાં. મુંબઈમાં જ સારા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. એમણે નક્કી કર્યું કે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. આ હમણાંની જ ઘટના કહું છું. એમણે નક્કી કર્યું કે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. એટલે પોતાની પત્નીને અને દીકરાઓને એક દિવસ ભેગા કર્યા. અને કહ્યું કે મારી કમાણી બહુ જ સારી છે. આરામથી ખાઈએ પીઈએ અને વર્ષે ૨૦-૨૫ લાખ વધે એટલી કમાણી મારી પાસે છે. આપણે સારા એરિયામાં રહીએ છીએ. પણ મારી ઈચ્છા છે કે પ્રભુની આજ્ઞા જેટલી વધુ પળાય આપણા ઘરમાં એટલું વધુ સારું. તો આપણા ઘરમાં t.v લાવવાની ઈચ્છા મારી નથી. એક વાત તમે સમજી લો. પૈસા ખુબ છે. વર્ષે ૨૫ લાખ તો વધે છે. મૂડીની વાત તો અલગ. પૈસાનો કોઈ સવાલ નથી. પણ પ્રભુની આજ્ઞા નથી માટે t.v આપણા ઘરે ન જોઈએ. પણ એમાં તમે સંમત હોવ તો. દીકરાઓને કહ્યું. પછી તમે બહાર જઈ અને t.v જોવાના હોવ. અને બીજાના ઘરના કુસંસ્કારો લઈને તમે આવો તો એ મને મંજુર નથી. તમે એમ કહો કે મારે t.v જોવું જ છે તો મારે લાવવું પડશે. પણ પ્રભુની આજ્ઞા છે, મારી ઈચ્છા છે કે t.v આપણા ઘરે ન જોઈએ, ફ્રીઝ ન જોઈએ, વોશિંગ મશીન ન જોઈએ. વધારે પડતા આરંભવાળી એક પણ ચીજ આપણે ત્યાં ન જોઈએ. એવો એ પુણ્યશાળી માણસ. એની પત્નીએ, એના દીકરાઓએ વાત accept કરી કે બાપુજી વાત બરોબર છે તમારી. આપણે જો જૈન છીએ તો જૈનત્વના સંસ્કારો આપણી પાસે હોવા જ જોઈએ. તમારાં ઘરો બીજાઓના ઘરોથી અલગ લાગવા જોઈએ. તમારાં ઘરોમાં ચિત્ર હોય તો ગજસુકુમાલ મુનિનું હોય. તમારાં ઘરે કોઈ મુનિરાજ આવે તો ચરવળા ટીંગાતા દેખાય.

એકવાત buy the way પૂછું. તમારે ત્યાં ૨૫ મહેમાન આવી જાય. તો પચ્ચીસ ચરવળા, પચ્ચીસ કટાસણા, પચ્ચીસ પૂજાની જોડ આ તો બધું તૈયાર હોય ને? રાજસ્થાનમાં મારું વિચરણ વધારે રહ્યું. ત્યાં એવા સુખી માણસો મેં જોયા છે કે સો મહેમાન આવે ને તો સો એ મહેમાનોને ચાંદીના ભાણામાં એ જમાડશે. ચાંદીના ભાણામાં જમાડે! પછી હું તેમને પૂછતો કે આ સો જણાને તમે ચાંદીના ભાણામાં જમાડી શક્યા. એ સો જણા એમ ઈચ્છા કરે કે અમારે પ્રતિક્રમણ કરવું છે. તો સો કટાસણા અને સો ચરવળા -મુહપત્તિ તમારાં ઘરમાંથી નીકળે? મેં કીધું?

તો પેલા ભાઈએ કહ્યું. દીકરાઓએ-શ્રાવિકાએ accept કર્યું. પછી તકલીફ શું પડી? કે એ અપાર્ટમેન્ટમાં બધા એક જ પ્રદેશના લોકો. એટલે કોઈ પણ મહેમાન હોય એ બધાનો સગો થતો હોય. અને એટલે બધા ચા-પાણી માટે બોલાવે. અને ચા-પાણી માટે જે આવે ને એની નજર પહેલા જ જાય. T.v નથી, આ નથી. હું તમને પૂછું, કે તમે સુખી કોને માનો છો? જેની પાસે પૈસા છે એને? કે જેની પાસે સંસ્કાર છે એને? તમે સુખી કોને માનો છો? તમારી દીકરી દીક્ષિત થવા તૈયાર નથી અને એને લગ્ન ગ્રંથીથી જોડવાની છે તો તમે કયું ઘર પસંદ કરશો? સંસ્કાર વાળું કે પૈસા વાળું?

જૈનત્વની ગરિમા આપણે એ રીતે ફેલાવીએ કે જૈનત્વના સંસ્કારો જે છે ને એ એકદમ ઉભરી આવે. આપણે ત્યાં આ ધર્મસભામાં નિયમ શું? જે વિરતિધર હોય એ આગળ બેશે. મહાત્મા આગળ બેઠા પછી સામાયિકવાળા બધા આગળ બેઠા. તમે કરોડપતિ હોવ તો પાછળ બેસો. તમે અબજોપતિ હોવ તો પાછળ બેસો. આ પ્રભુની ધર્મસભા છે. અહિયાં મહત્વ માત્ર ધર્મનું છે. તો મારી આજની વાત એ છે કે અગણિત જન્મોમાં you had no option. પરને છોડવા, તો છોડીને જવું ક્યાં? Option નહોતો. આ જન્મમાં પ્રભુએ option આપ્યો કે તારી ભીતર આનંદ જ આનંદ છે. તું આનંદઘન છે. આ option મળી ગયા પછી આપણે શું કરવું છે? ભીતર જવું છે.

તો દોલતસાગરસૂરિ મહારાજ સાહેબ કહે છે, કે ગઈકાલે ઉપયોગ દેહમાં ગયેલો. સહેજ કંઇ પડ્યું અને વાગ્યું તો એમાં મારો ઉપયોગ ગયો તો મને પીડાનો બોધ થયો ને? મારો ઉપયોગ સ્વને છોડીને આ પરમાં કેમ ગયો? તો જેમ-જેમ આપણે ઉપયોગને સ્વમાં મુકતા જઈએ; એમ આનંદ જ આનંદ.

આપણા આ દેશના વિલીનીકરણ પહેલા કાશી સ્ટેટના મહારાજા. બહુ ધાર્મિક વૃત્તિના. ભગવદ્દગીતાનો રોજ પાઠ કરતા. અને ભગવદ્દગીતાનો પાઠ કરનારા હતા એટલે એમને ખ્યાલ હતો કે મારો ઉપયોગ જો સ્વમાં હોય તો પરની પીડા મને થાય નહિ. એકવાર પેટમાં દુખાવો થયો. એપેન્ડીક્ષ છે એમ પકડાયું. ડોક્ટરોએ નક્કી કર્યું એપેન્ડીક્ષનું ઓપરેશન ઈમીજીયેટ કરવું પડશે. મહારાજાની પોતાની રાજ્યની પોતાની હોસ્પિટલ હતી. એમાં મહારાજા એડમીટ થયા. બધા જ રીપોર્ટ થઇ ગયા. નોર્મલ હતા. એમને ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા. ઓપરેશન થીયેટરમાં લઇ ગયા પછી પહેલું કામ એનેસ્થેસિયા આપવાનું હતું. બેભાન બનાવી દેવાય.

એ વખતે કાશીના મહારાજાએ કહ્યું, એનેસ્થેસિયા હું નહિ લઉં. ઓપરેશન તમે કરો. મારી ના નથી. પણ એનેસ્થેસિયા હું નહિ લઉં. મને બેભાન કરો એનો મતલબ શું થયો, કે મારો ઉપયોગ મૂર્છિત થઈ ગયો. મારે મારા ઉપયોગને બને ત્યાં સુધી સ્વમાં રાખવો છે. પણ મહારાજ અમને અમારું કામ કરવા દો. ડોક્ટરોએ કહ્યું. આ આપનો વિષય નથી. પેટ ચીરી નાંખવાનું છે અને આંતરડું કાઢવાનું છે સડેલું. પેટ ચીરાવાની વેદના એટલી જોરદાર હોય કે તમે સહન ન કરી શકો. મહારાજા એ સ્પષ્ટ કહ્યું, ઓપરેશનની ના નથી પણ એનેસ્થેસિયા કોઈ પણ સંજોગોમાં હું લેવાનો નથી. બીજો કોઈ દર્દી હોય ને ડોક્ટર કહી દે ભાગી જા સાલા. તારે એનેસ્થેસિયા લેવો નથી અને ઓપરેશન કરાવવું છે. પણ આ તો vvip પેશન્ટ છે. આ ડોકટરો બધા એમના જ નોકર છે. ડોકટરો એ પ્રેમથી કહ્યું સાહેબ આ અમારો વિષય છે, તમારો વિષય જ નથી. તમારો વિષય રાજ્યકાર્યનો છે. ડોકટરી એ અમારો વિષય છે. અમને અમારી રીતે કરવા દો. આમાં તમારો આગ્રહ આવે વચ્ચે આમાં અમે શું કરીએ ? મહારાજાએ કહ્યું. કે આ બાબતમાં મારો આગ્રહ ગણો, દુરાગ્રહ ગણો જે ગણો તે, પણ હું સ્પષ્ટ છું. એનેસ્થેસિયા કોઈ પણ સંજોગોમાં નહિ લઉં.

હમણાં પણ આવી એક ઘટના ઘટેલી. કોઈ દિગંબર મુનિ માટે. એમણે પણ કહેલું એનેસ્થેસિયા નહિ લઉં. ભક્ત ડોક્ટર હતો. પૂરું ઓપરેશન થઈ ગયું અને મુનિ એમને એમ સુતા હતા. પણ એ તો મુનિ હતા. આ તો કાશીના મહારાજા છે. પણ એમણે ઉપયોગને એટલો ભીતર રાખવાની કોશિશ કરી.

આપણે શું છે. પહેલા તો ઉપયોગને શુભમાં પણ એકાગ્ર રાખતા શીખ્યા નથી. આમ છે ને તમે નિષ્ણાંત છો. શેમાં? કોઈ પણ વાત સંસારની હોય એમાં મન કેવું સ્થિર થઈ જાય આમ? કોઈ તમારાં સમાજની ઉંચી વ્યક્તિ હોય, આગેવાન વ્યક્તિ અને એનો કોઈ માઈનસ પોઈન્ટની વાત કરતું હોય. કેવી રીતે સાંભળો આમ? કેટલી એકાગ્રતા! અરે વાત તો કર. શું થયું પણ? શું થયું? આ ધર્મનું ઢીંગલુ ગણાય. શું કર્યું એણે? કેટલો રસ..! કેટલી એકાગ્રતા…! અશુભની અંદર જે એકાગ્રતા છે એ શુભમાં નથી. આપણે તો આગળ જવું છે સ્વમાં. પહેલા શુભમાં એકાગ્રતા રાખવી પડશે.

હવે સૂત્ર એ છે કે જ્યાં રસ ત્યાં એકાગ્રતા. સૂત્ર આ છે. ત્યાં રસ છે વાતોમાં. પ્રતિક્રમણમાં એટલો રસ ખરો? એ નમુત્થુણં નો અર્થ તમે જાણેલો છે. એક એક પદ બોલાય છે અને તમારી આંખોમાંથી આંસુ ઝરે છે આવું કયારેય બન્યું? રસ ક્યાં છે? પરમાં જ છે. તો પ્રભુશાસન મળી ગયું. ઉત્તમોત્તમ સામગ્રીઓ આપણને મળી ગઈ. રસ ક્યાં છે? રસ પરમાં છે. હવે એ પરના રસને સહેજ ઊંચકવો છે.

સિનેમાની અંદર આજના સામાન્ય માણસોને તમે જુઓ અને તમે એકાગ્ર બનો. દેરાસરમાં જાઓ પ્રભુને જોવાના છે. અનંતગુણોથી યુક્ત સ્વરૂપદશામાં સ્થિર થયેલા પ્રભુનું દર્શન કરવાનું છે. ત્યાં મન અસ્થિર હોય?! ચાલી શકે? એક ભાઈ મને કહે સાહબે નવકારવાળી ગણું છું ને મન સ્થિર નથી રહેતું. મેં કીધું નોટોનું બંડલ ગણવાનું હોય ને. એક બંડલ કેટલીવાર ગણવું પડે પછી? 1 2 3 4 5 6 7.. અરે 7 6 આવું થાય? નોટોનું બંડલ ગણવાનું છે એ બરોબર ગણાય છે. અને નવકારવાળીના મણકાઓ ફરે છે ત્યારે મન સ્થિર રહેતું નથી. કારણ શું? વાત એ થઈ કે એકાગ્રતા તમે રાખી શકો છો. રાખી શકો છો ને? બહેનો એકાગ્ર ન હોય તો શું થાય? રોજ રસોઈમાં ઠેકાણું ન હોય. કાં તો મીઠું વધારે. કાં તો મરચું વધારે. કાં તો વઘારમાં કંઇ આઘું પાછું હોય. પણ એકાગ્ર હોય છે ત્યાં. એવું થાય મીઠું નાંખ્યું કે ન નાંખ્યું? આવું થાય. બીજી વાર નાંખું. બીજીવાર નાંખ્યા પછી અરે નાંખ્યું કે નથી નાંખ્યું? નાખો. આવું થાય? સંસારમાં તમારું મન એકાગ્ર છે. સાધનામાં કેમ એકાગ્ર નથી? સૂત્ર આ થયું. જ્યાં રસ ત્યાં એકાગ્રતા. બરોબર.?

હવે આગળ વધીએ. રસ કેમ નથી? ત્યાં રસ છે સંસારમાં, એ અનાદિની સંજ્ઞાને કારણે. ત્યાં શરીર રસમાં કંઇ મળતું નથી. કશું મળતું નથી. પણ અનાદિની સંજ્ઞાને કારણે રસ અને રસને કારણે એકાગ્રતા. અહિયાં શું કરવું પડે? પ્રભુની આજ્ઞાના પ્રમાણે રસ અને રસને પ્રમાણે એકાગ્રતા. મારા પ્રભુની આજ્ઞા છે! બે સમય પ્રતિક્રમણ કરવાના. મારા પ્રભુની આજ્ઞા છે- સામયિક કરવા. તમે સામાયિક કરો છે, પ્રતિક્રમણ કરો છો પણ પ્રભુએ કહ્યું છે એ રીતે કરો છો? એ રીતે કરવું હોય તો મનને તમારે એકદમ સ્થિર રાખવું પડે અને મન સ્થિર રહે! એકદમ…

આપણે ત્યાં યોગવિંશિકા સૂત્રમાં હરિભદ્રસૂરી મહારાજે ક્રિયા કરતી વખતે ચાર બાબતોનું ધ્યાન રાખવાનું કહ્યું, સૂત્ર બોલો, એ સંપદા પૂર્વક બોલવાના. સંપદા ખ્યાલ છે ને? નમસ્કાર મહામંત્ર પદ નવ, સંપદા આઠ. સંપદા આઠ કેમ છે? કે છેલ્લાં બે પદ ભેગા બોલવાના છે. એટલે એક સાથે બોલાય જે પદ વચ્ચે વિરામ ન આવે તેને સંપદા કહેવાય. ‘લોગ્ગસ ઉજ્જોઅગરે’ ત્યાં અટક્યા એટલે સંપદા થઈ ગઈ. તો આ રીતે સંપદા પૂર્વક સુત્રોનો ઉચ્ચાર. એ ઉચ્ચાર કરો ત્યારે સામાન્ય અર્થનો ખ્યાલ હોય. એ વખતે જે મુદ્રા કરવાની છે એ મુદ્રા તરફ તમારું બરોબર ધ્યાન હોય. અને ચોથી વાત કહી કે દેરાસરમાં હોવ તો આલંબનરૂપ પરમાત્મા છે. એમના તરફ આપણી દ્રષ્ટિ સ્થિર હોય. અને ઉપાશ્રયમાં હોઈએ. સામાયિક આદિ કરતા હોઈએ તો સ્થાપનાચાર્યજી સમક્ષ આપણી દ્રષ્ટિ સ્થિર હોવી જોઈએ.

તમે ક્રિયા કરો છો ત્યારે તમારી દ્રષ્ટિ આ સદ્ગુરુ સમક્ષ સ્થિર છે. એટલે શું થયું? આ સદ્ગુરુની પ્રતિષ્ઠા થયેલી છે. એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે સદ્ગુરુ જીવંત બન્યા. એમાંથી rays નીકળે છે. તમારી આંખોમાંથી rays નીકળે છે. એનો એક પુલ બને છે. કોઈ વ્યક્તિ વચ્ચેથી જાય તો એ પુલ કપાઈ જાય. અને એટલે આપણે કહીએ આડ પડી. પણ જેની દ્રષ્ટિ સ્થિર હોય જ નહિ ત્યાં. જે ડાફોળીયા જ મારતો હોય એને આડ શું પડે?! આડ પડી ગઈ! તારે પડેલી જ છે એમ પણ… તો આ સ્થાપનાચાર્યજી સમક્ષ આપણી નજર બરાબર હોવી જોઈએ કે આ સદ્ગુરુની નિશ્રામાં હું બેઠેલો છું. અને એ સદ્ગુરુ મને આદેશ આપી રહ્યા છે. એ સદ્ગુરુવતી જીવંત સદ્ગુરુ તમને દરેક વખતે આદેશ આપશે. સામાયિક સંદીસાહુ? સંદીસાવેહ. સામાયિક ઠાઉ? ઠાએહ.

તો ચાર દોરડાથી તમારાં મનને ટાઈટ બાંધી દીધું, હવે મન ભાગે ક્યાં બોલો? સૂત્ર ઉચ્ચારો એની સંપદાનો ખ્યાલ, એનો અર્થનો ખ્યાલ, દરેક મુદ્રાનો ખ્યાલ રાખવાનો. જયવીયરાય માં કઈ મુદ્રા કરવાની? નમુત્થુણં માં કઈ મુદ્રા? એ બધી મુદ્રાનો ખ્યાલ રાખવાનો. અને આલંબન તરફ સ્થિર દ્રષ્ટિ રાખવાની. આ ચાર-ચાર દોરડાથી તમારાં મનને શાસ્ત્રકાર ભગવંતો એ ટાઈટ બાંધી દીધું છે, હવે શી રીતે ઉખડે?!

એ કાશીના મહારાજાએ કહ્યું, એનેસ્થેસિયા નહિ. ભગવદ્દગીતાનું પુસ્તક હાથમાં લીધું. સ્થિતપ્રજ્ઞઅધ્યાય વાંચવા લાગ્યાં. પોતે એકદમ સ્થિતપ્રજ્ઞ બની ગયા. ઉપયોગ સ્વમાં જતો રહ્યો. ઓપરેશન પૂરું થઈ ગયું એમને ખ્યાલ આવતો નથી. પેટ ચીરાઇ ગયું, આંતરડું નીકળી ગયું, પેટ સિવાઈ ગયું. પછી ડોકટરે કીધું સાહેબ ઓપરેશન પૂરું થઈ ગયું. અચ્છા પૂરું થઈ ગયું. ચાલો ત્યારે આપણે રૂમમાં. આ હમણાંની જ બનેલી ઘટના.

તો પ્રભુએ આપણને એક સાધના આપી કે તમારાં ઉપયોગને ફેરવતા શીખો. તો હવે આપણે એ રીતે જોઈશું કે અશુભમાં જે ઉપયોગ છે એને શુભમાં કેમ ફેરવવું અને શુભમાંથી એ ઉપયોગને શુદ્ધમાં કઈ રીતે લઇ જવો.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *