વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અમૃત અનુષ્ઠાન
અગણિત જન્મો સુધી આપણું મન અશુભ ક્રિયાઓમાં ઓતપ્રોત રહ્યું. હવે શુભની ક્રિયામાં એને એકદમ સ્થિર કરવું છે. જો દરેક શુભ ક્રિયા અમૃત અનુષ્ઠાન બની જાય, તો તમે સરળતાથી તમારા શુદ્ધ આત્મતત્ત્વમાં ઉપયોગને મૂકી શકો.
અમૃત અનુષ્ઠાનની વ્યાખ્યા શું? કોઈ પણ ક્રિયાને અમૃતક્રિયા બનાવવા માટે સાત ચરણો આપ્યાં : તત્ગત ચિત્ત સમયવિધાન ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણોજી, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન લક્ષણ એ છે અમૃતક્રિયા તણોજી.
જ્યાં રસ, ત્યાં એકાગ્રતા. સંસારની ક્રિયાઓમાં જે રસ છે એ જ રસ ધર્મક્રિયામાં લાવી દો; એટલે ક્રિયા સમયે મન પૂરેપૂરું એ ક્રિયામાં રહે. આ પહેલું ચરણ તત્ગત ચિત્ત. અને કોઈ પણ સાધના, કોઈ પણ ક્રિયા શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે કરવી – એ બીજું ચરણ સમયવિધાન.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૨
દેવાધિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વરસની સાધનાની આંતરકથા.
બહુ જ પ્યારું સૂત્ર પરમપાવન આચારાંગસૂત્રમાં આવ્યું. “एयाइं से उरालाइं गच्छइ णायपुत्ते असरणाए” ગમે તેવી ઘટનાઓ પરમાત્માના પરમપાવન શરીર ઉપર ઘટે છે. પ્રભુ એનાથી સંપૂર્ણતયા બેખબર છે. પ્રભુને ખ્યાલ જ નથી કે આવી કોઈ ઘટના મારા શરીર ઉપર ઘટી રહી છે. પૂછવામાં આવ્યું કે આવું શી રીતે થઈ શકે? તો ભગવાન સુધર્માસ્વામીએ કહ્યું કે પ્રભુ એ પોતાના મનને, પોતાના સંપૂર્ણ ઉપયોગને સ્વની અંદર મૂકી દીધેલો. ઉપયોગ જ અંદર છે, બહાર શું થયું? ખ્યાલ ક્યાંથી આવે? આપણી સાધના આમાંથી એક મજાની નિષ્પન્ન થાય છે. અગણિત જન્મો સુધી આપણું મન અશુભક્રિયાઓમાં રહ્યું. ખાતી વખતે ખાવામાં બિલકુલ ઓતપ્રોત આપણું મન થઈ ગયું. કોઈની જોડે ગપ્પાં માર્યા તો એ ક્રિયામાં પણ મન એકદમ ઓતપ્રોત બની ગયું.
આપણે સૌથી પહેલા એક કામ કરીએ. શુભની ક્રિયામાં મનને સ્થિર કરીએ. એક પ્રતિક્રમણ આપણું.. એ સામાયિક.. એ જિનપૂજા… આ દરેક ક્રિયાની અંદર તમારું ચિત્ત એકદમ સ્થિર થઈ જાય. અને આ ચરણ મળે તો તમે પણ તમારા શુદ્ધ આત્મતત્વમાં ઉપયોગને મૂકી શકશો. પહેલું જ ચરણ અઘરું છે, બીજું ચરણ સહેલું છે.
શ્રીપાલરાસમાં આ સંદર્ભે એક મજાની ચર્ચા થઈ છે. મયણાસુંદરી પૂજા કરીને ઘરે આવે છે. પરમાત્માનો સ્પર્શ કરેલો એ પછી એકાદ કલાક ભાવપૂજામાં થઈ. ચૈત્યવંદન આદિમાં. એ પછી મયણાસુંદરી ઘરે આવ્યા. ઘરે આવીને સાસુજીને શું કહે છે! “આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ.” બહુ પ્યારા શબ્દો વાપર્યા. “આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ.” આ જ પ્રભુની પૂજા કરી, પરમાત્માનો સ્પર્શ કર્યો. એવો તો ભાવ મને ઉત્પન્ન થયો. પણ એવો એટલે કેવો? મયણાસુંદરી પોતાને જે ભાવદશા ઉત્પન્ન થઈ છે એની વાત કરી શકતા નથી. કારણ, એ ભાવદશા beyond the words, beyond the imaginations છે. એ પોતે એનો અનુભવ કરી શકે છે પણ કહી શકતા નથી. અને એટલે શબ્દ વાપર્યો, “આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ”. કેવો? કહી શકતા નથી. પણ એ ભાવદશાને કારણે શું થયું? એની વાત એમણે કરી. “ખીણ ખીણ હોવે પુલક નીક્કારણો જે.” પ્રભુના સ્પર્શને એક કલાક ઉપરનો સમય વીતી ગયો છે છતાં એક પણ રૂંવાડું બેસવાનું નામ લેતું નથી. એ પ્રભુનો સ્પર્શ કરતા સાડા ત્રણ કરોડ રૂંવાડા ખૂલી ગયેલા, ખીલી ગયેલા.. એક કલાક પ્રભુના સ્પર્શને વીતી ગયો છે, એક પણ રૂંવાડું બેસવાનું નામ લેતું નથી. એ વખતે શ્રીપાલરાસમાં કહેવામાં આવ્યું, કે મયણાસુંદરીની આ પ્રભુ પૂજા એ અમૃત અનુષ્ઠાન હતું.
સહેજે સવાલ થાય, કે મયણાસુંદરી પાસે એ અમૃત અનુષ્ઠાન હતું તો અમને શું ન મળી શકે? તો એ અમૃત અનુષ્ઠાનની વ્યાખ્યા શું? ગુજરાતી ભાષામાં આવેલી એક જ કડીમાં એ સાત ચરણોની વ્યાખ્યા કરી છે. જે સાત ચરણો તમારી ક્રિયાને અમૃતક્રિયા બનાવી દે. “તત્ગતચિત્ત સમય વિધાન ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણોજી, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન લક્ષણ એ છે અમૃતક્રિયા તણોજી. આ સાત લક્ષણ અમૃતક્રિયાના છે.
પહેલું લક્ષણ: તત્ગત ચિત્ત – જે વખતે તમે જે ક્રિયા કરો છો એ વખતે મનને પૂરેપૂરું એમાં નાંખી દો. આપણે ગઈ કાલે જોયું હતું કે જ્યાં રસ ત્યાં એકાગ્રતા. હવે તો તમારે ચોપડા લખવાના હોતા નથી લગભગ. પણ પહેલાના જમાનામાં જયારે લોકો ચોપડા લખતાં ત્યારે કેટલા એકાગ્ર થઈને લખતાં! જમાની રકમ ઉધારમાં અને ઉધારની રકમ જમામાં થાય ક્યારેય? એ વખતે તમારું મન એકાગ્ર રહી શકે તો ક્રિયા વખતે મન એકાગ્ર કેમ ન રહી શકે? ત્યાં રસ છે. સંસારની એક એક ક્રિયામાં રસ છે. એ જ રસને આપણે ધર્મક્રિયામાં લાવવો છે અને એ રસ ધર્મક્રિયામાં આવી જાય એટલે એકાગ્રતા આવી ગઈ.
બીજું ચરણ છે-સમયવિધાન. શાસ્ત્રમાં કહ્યું છે: એ પ્રમાણે બધી ક્રિયા કરવાની. ભણવું છે તો કેવી રીતે ભણવાનું? કાલે, વિણએ, બહુમાણે. અતિચારમાં પણ તમે બોલો, અકાળે ભણ્યાં કાલે ભણ્યાં નહિ. સ્વાધ્યાય માટેના જે વિકાલ પીરીયડસ છે, એમાં તમે ભણો તો પણ તમને જ્ઞાનનો અતિચાર લાગે. અને એ સિવાયના સમયે રોજ તમે ભણો નહિ તો પણ જ્ઞાનનો અતિચાર લાગે. તો કોઈ પણ સાધના, કોઈ પણ ક્રિયા કેવી રીતે કરવી છે. શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે.
આપણે ચાતુર્માસ દરમિયાન એક વાત સ્પષ્ટ રીતે જોઈ કે કોઈ પણ સાધના ગુરુદત્ત હોવી જોઈએ. આજે એના જ અનુસંધાનમાં એક બીજી વાત કરું. આપણી પરંપરામાં બે શબ્દો છે. મંત્રચૈતન્ય અને મૂર્તિચૈતન્ય. જયપુરથી લાવ્યા ત્યાં સુધી મૂર્તિ. સદ્ગુરુએ પ્રાણપ્રતિષ્ઠા કરી એટલે ભગવાન. તો સદ્ગુરુએ પ્રાણપ્રતિષ્ઠાની ક્રિયામાં, અંજનશલાકાની ક્રિયામાં શું કર્યું? મૂર્તિમાં ચૈતન્ય ઉમેર્યુ. તો મૂર્તિમાં ચૈતન્ય લાવનાર સદ્ગુરુ છે. જે પરમચેતના પુરા બ્રહ્માંડમાં છવાયેલી છે. બ્રહ્માંડનો એક tiniest portion એવો નથી જ્યાં પરમચેતનાના હસ્તાક્ષર ન હોય. એ બ્રહ્માંડવ્યાપી પરમચેતના સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મચેતના સાથે સામાન્ય વ્યક્તિ અનુસંધાન કરી શકતી નથી. અને એટલે સદ્ગુરુ એ કૃપા કરીને એ જ સૂક્ષ્મ પરમચેતનાને પકડીને વિધિવિધાનો દ્વારા, મંત્રોદ્વારા, મૂર્તિની અંદર દાખલ કરી. પછી એક ઝરણું થઈ ગયું. સુક્ષ્મ પરમચેતના મૂર્તિમાં દાખલ થાય. અને એ સ્થૂળ બની અને નવચૈતન્ય કેન્દ્રો દ્વારા બહાર નીકળે છે. તો મૂર્તિની અંદર ચૈતન્યનું આરોપણ કરનાર સદ્ગુરુ.
એ જ રીતે મંત્ર એટલે શબ્દો, અક્ષરો. એ અક્ષરોનું composition સદ્ગુરુ એવી રીતે કરે; એમાં શક્તિ આવે. એ શક્તિને આપણે મંત્રચૈતન્ય કહીએ. એટલે મંત્રોમાં ચૈતન્ય લાવનાર પણ સદ્ગુરુ અને મૂર્તિમાં ચૈતન્ય આરોપિત કરનાર પણ સદ્ગુરુ. ઉવ્સગ્ગહરં સૂત્રમાં પાઠસિદ્ધ વિદ્યા મુકેલી છે. મંત્રની આરાધના બે રીતે થાય છે. એક તો તમે એનો જાપ કરો, વિધિપૂર્વક. સાડા બાર હજાર કે સવાલાખ. પછી એ મંત્ર તમને એકદમ આત્મસાત્ થાય છે. પણ બીજું પાઠસિદ્ધમંત્ર હોય છે. પાઠસિદ્ધમંત્ર એને કહેવાય કે તમારે એને માટે કોઈ આગળ વિધિ કરવાની નહિ. તમે એ બોલો એટલે કામ થઈ જાય. તો ઉવસગ્ગહરં સૂત્ર ખાલી બોલવામાં આવતું, દેવ હાજર થતો. વર્ષો સુધી, સદીઓ સુધી આ પ્રક્રિયા ચાલુ રહી. એ પછી એક જ્ઞાની આચાર્યભગવંતને લાગ્યું કે આજના લોકો દુરુપયોગ કરી રહ્યા છે, આ મંત્રોનો. સામાન્ય-સામાન્ય કારણ માટે દેવને બોલાવી રહ્યા છે આ ચાલી શકે નહિ. એટલે એમણે એ જ ઉવસગ્ગહરં માંથી જે શક્તિ હતી એ ખેંચી લીધી. એટલે મંત્રચૈતન્યને આરોપિત કરનાર પણ સદ્ગુરુ, એમાંથી ચૈતન્યને ખેંચી શકે એ પણ સદ્ગુરુ. તો જે ક્ષણે એ સદ્ગુરુએ ચૈતન્યને ખેંચી લીધું. એ પછી ઉવસગ્ગહરં એનું એ જ હોય. તમે બોલો દેવ હાજર ન થાય. તો સદ્ગુરુની કેટલી મહત્તા બતાવી! કે મૂર્તિમાં ચૈતન્ય પણ એ જ આરોપિત કરે, મંત્રોમાં ચૈતન્ય પણ એ જ આરોપિત કરે.
હિંદુ પરંપરામાં પણ આ જ છે. ત્યાં પણ મૂર્તિપૂજા છે, એટલે ત્યાં પણ મૂર્તિચૈતન્યની વાત છે. ત્યાં પણ મંત્રો છે, એટલે ત્યાં પણ મંત્રચૈતન્યની વાત છે. એક બહુ સરસ ઘટના તમને કહું. “living with the Himalayan masters” માં સ્વામી રામે આ ઘટના લખી છે. એકવાર સ્વામી રામ એમના ગુરુ સાથે જંગલમાં ગયા છે. ત્યાં ગુરુએ એક વૃક્ષ ઉપર એક ઔષધિ જોઈ. જે ઔષધિ ઘણા બધા દર્દોમાં કામ આવે એમ હતી. એટલે ગુરુને થયું કે લોકોના કલ્યાણ માટે આ ઔષધિ કામની છે. અત્યારે પણ ઔષધિઓ એટલી જ છે જંગલોમાં. એના જાણકાર ખતમ થઈ ગયા.
પહેલાના વૈદ્યો કેવા હતા, તમને વાત કરું. એક વૈદ્યે દવા આપી એક શ્રીમંત ને અને કહ્યું કે આ ચરી તમારે પાડવાની. દૂધ નહિ ખાવાનું, ઘી નહિ ખાવાનું, તળેલું નહિ ખાવાનું. એકવાર વૈદ્ય ગયો હતો, ત્યાં પેલો દર્દી પકડાઈ ગયો એ ફાફડા અને જલેબી ખાતો હતો. એ ચરીમાં બિલકુલ મનાઈ હતી. ઘીની, તળેલાની. વૈદ્યની આંખમાં એ વખતે આંસુ આવે છે. વૈદ્ય કેટલો કરુણાવાળો હશે. એણે એ શ્રીમંતને કહ્યું, કે અમે લોકો જંગલમાં જઈએ. જંગલમાં ગયા પછી અમે લોકો એ વનસ્પતિને જોઈએ. ઔષધિને જોયા પછી વનદેવતાની અમારે રજા માંગવાની હોય છે. અમે અનુમતિ માંગીએ. એ અનુમતિ અમને મળે પછી ઔષધિ ચૂંટીએ. પણ એ ચૂંટતી વખતે અમારા હૃદયમાં દર્દ હોય છે કે વનસ્પતિની વિરાધના અમે કરીએ છે. પછી એને વાટવી પડે છે અમારે, એ વખતે અમને ઓર દર્દ થાય છે કે આ સચિત્ત, સજીવ. એને હું વાટી નાખું છું! પણ સામે દેખાય કે એક મનુષ્યનું દર્દ હું કાઢી રહ્યો છું માટે હું આ કરું છું. એટલે એ વખતે પણ એ જીવની હું ક્ષમા માંગતો હોઉં છું. આ વૈદ્ય કહે છે. શું આપણી પરંપરા હતી જૂની! એ વૈદ્ય કહે છે એ જીવની હું ક્ષમા માંગું છું કે તને હું પીડા આપી રહ્યો છું.
આપણે ત્યાં છે ને, દેરાસર કે ઉપાશ્રય આપણે બનાવવાનો હોય. ભૂમિપૂજન કરીએ એ વખતે એક શ્લોક આવે છે, કે હે ભૂમિદેવતા! જિનપ્રાસાદ મારે બનાવવો છે એ માટે મારે તારું સહેજ છેદન કરવું પડે છે એની હું ક્ષમા માંગું છું. પાયો તો કરવો જ પડશે, પાયો ખોદવા માટે એ જમીનને ખોદવી જ પડશે. પણ એ ભૂમિદેવતાની અનુમતિ માંગીએ છીએ. એ ભૂમિદેવતાની માફી માંગીએ છીએ. એ વૈદ્ય પેલા શ્રીમંતને કહે છે, આટલા દર્દ સાથે અમે કરેલી આ દવા તમારાં માટે નિષ્ફળ જવાની કારણકે તમે ચરી પાડતા નથી. તો શા માટે આ વનસ્પતિકાયની વિરાધના તમારાં માટે અમને કરાવડાવી? જો તમારે સાજા થવું જ નથી. તમારે ચરી પાળવી જ નથી. તો દવા શા માટે લો છો? આટલી વનસ્પતિકાયની વિરાધના મારે કરવાની, પાપ મારે કરવાનું. તમને કાંઈ ફળ થતું નથી. આ પરંપરા આપણી પાસે હતી.
તો ગુરુએ જોયું કે આ વનસ્પતિ લોકોને કામ આવે એવી છે. હિંદુ ગુરુ હતા. ઉપર ચડ્યા. ઉપર ચડ્યા, એક ડાળી પર બેઠા અને પેલી વનસ્પતિને ચૂંટે છે. સ્વામી રામે નીચેથી જોયું, જોયું ને ચમકી ગયા. ચમક્યા એટલાં માટે કે ગુરુ જે ડાળ ઉપર બેઠેલા એની બાજુની ડાળ ઉપર ભમરાનો મધપૂડો હતો. ભમરા એટલાં સેન્સેટીવ હોય છે કે સહેજ હલન ચલન થાય અને સીધા જ સક્રિય બને. સક્રિય બને એટલે હજારોની સંખ્યામાં તૂટી પડે. સ્વામી રામ ગભરાઈ ગયા કે ગુરુદેવને ખ્યાલ છે કે નહિ આ ભમરાના મધપુડાનો? પણ કહેવું પણ શી રીતે? હું જોરથી બોલું અને ભમરા સક્રિય બની જાય તો? અવાજના કારણે? પણ ગુરુ અંતરયામી હોય છે બરોબરને? ગુરુ સ્વામી રામના વિચારોને જાણી ગયા. તેમણે ઉપરથી કહ્યું બેટા, ચિંતા નહિ કર આ ભમરાઓ છે એ મને ખ્યાલ છે. પણ એ મંત્રથી અત્યારે બંધાઈ ગયા છે. એક પણ ભમરો આમાંથી અત્યારે ઉડી શકશે નહિ. ઔષધિ લઈને નીચે આવ્યા. પોતાની ઝોળીમાં ઔષધિ નાંખી દીધી. સ્વામી રામ કહે, હું તો ગભરાઈ ગયેલો. આટલા બધા ભમરાઓનો મધપુડો. ગુરુ કહે છે, મંત્રથી એ બધા સ્થગિત થઈ ગયેલા. હું નીચે ઉતર્યો ફરી પાછો મંત્ર બોલ્યો એટલે હવે ઉડી શકશે.
તો સ્વામી રામે કહ્યું, મને પણ એવો મંત્ર આપો ને. એ વખતે ગુરુએ એ મંત્ર સ્વામી રામને આપ્યો. પણ એ વખતે કહ્યું, આ માત્ર તારા માટે છે. આ મંત્ર બીજાને આપતો નહિ. બીજાને આપીશ તો એ કામ કરશે નહિ. કેવી કેવી રીતે મંત્રમાં સદ્ગુરુ શક્તિ મુકે છે. મંત્ર આપ્યો. તારા માટે કામ કરશે પણ તું જો બીજાને આપીશ તો કામ નહિ કરે. સ્વામી રામે ઘણીવાર એ મંત્રનો ઉપયોગ કર્યો. એકવાર એવું બન્યું, સ્વામી રામ એક ભક્તની સાથે જંગલમાં ગયેલા. આવી જ એક ઔષધિ દેખાણી. ઉપર ચડ્યા. ભમરાનો મધપુડો હતો પણ કોઈ ચિંતા નહતી. મંત્ર હતો. મંત્રનો ઉપયોગ કર્યો. ઔષધિ ચૂંટી લીધી. નીચે ઉતર્યા. પેલો ભક્ત કહે હું તો ગભરાઈ ગયેલો ભમરાનો મધપુડો તમારી બાજુમાં હતો. તો કહે હા એ મધપુડો તો હતો પણ એ ભમરા એકેય ઉડી શકે એમ નહોતા. કેમ? મેં ,મંત્રથી બધાને બાંધી દીધેલા. હવે એ છુટા થઈ ગયા છે. એ વખતે પેલા ભક્તે કહ્યું, તો મને પણ એ મંત્ર શીખવાડો ને? સ્વામી રામ ગુરુની આજ્ઞા એ વખતે ભૂલી જાય છે. ગુરુએ સ્પષ્ટ કહેલું. THIS IS PERSONALY FOR YOU. તારા માટે જ છે. બીજાના માટે કામ નહિ કરે. પણ એ ભુલી જાય છે. અને પેલાને મંત્ર આપી દે છે.
આપણને તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર મળ્યો. નમસ્કાર મહામંત્ર. ‘એસો પંચ નમુક્કારો,’ ‘સવ્વપ્પાવ પણાસણો,’ કેટલી અદ્ભુત્ત તાકાત. કોઈ દુન્યવી મંત્ર રિદ્ધી-સિદ્ધિ આપે, કોઈક કષ્ટોને કાપે, પણ નમસ્કાર મહામંત્ર, ‘એસો પંચ નમુકકારો,’ ‘સવ્વપ્પાવ પણાસણો.’ પાપનો નાશ કરે એમ નથી કહ્યું. સર્વપાપોનો નાશ કરે. તાકાત છે. આ ધ્વનિમાં તાકાત. નમસ્કાર મહામંત્રની એ જે ધ્વનિ છે, એ ધ્વનિની આ તાકાત છે.
સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે વિચાર કર્યો છે, કે ગણધર ભગવંતે રચેલા સુત્રો પ્રાકૃતમાં છે. એ વખતે પ્રાકૃત લોકભાષા હતી. અત્યારે સંસ્કૃતનું પ્રચલન છે. અને વિદ્વાનો તો પ્રાકૃતભાષાને અડે એમ પણ નથી. સંસ્કૃત ભાષાને જ અડે. તો શા માટે ગણધર ભગવંતના સુત્રોને હું સંસ્કૃતમાં ન ફેરવું? વિચાર કરો! એમનો ઉદ્દેશ બહુ સારો છે. ઉદ્દેશમાં કોઈ ગરબડ નથી. ગણધર ભગવંતોના સુત્રો ઉપર એમને અત્યંત ભાવ છે. અને આજના વિદ્વાનો પણ એ સુત્રોને ક્યારે જોશે? એ સંસ્કૃતમા હશે ત્યારે. તો એ સંસ્કૃતમાં કરું, એ લોકોને પણ ખ્યાલ આવે, ઓહ! જૈનો પાસે આવા સુત્રો છે! તો ભાવ ખોટો હતો? ગુરુ પાસે ભાવ વ્યક્ત કર્યો કે ગુરુદેવ મારી ઈચ્છા છે પ્રાકૃતમાં છે એને સંસ્કૃતમાં ફેરવી દઉં. એ વખતે ગુરુએ મોટામાંમોટું પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. ચૌદ વરસ સુધી ગુપ્ત રીતે રહેવાનું, એક રાજાને વશ કરવાનો, એક તીર્થની જે આપણું હોય બીજામાં ગયેલું હોય એને આપણામાં લાવવું. આટલું મોટું પ્રાયશ્ચિત કેમ આપ્યું? જે પાપ હોય એને આધારે પ્રાયશ્ચિત આપવામાં આવે. તો પાપ કયું મોટું હતું? ભાવ કોઈ ખોટો નહોતો! ભાવ સારો જ હતો. પણ મોટું પાપ એ હતું: ધ્વનિ ને તોડવાનું.
પંચિદિય સંવરણો. જે ધ્વનિ છે એ ધ્વનિ ગુરુ પ્રત્યેનો અહોભાવ તમને કરાવે એમ છે. એ સુત્ર બોલો અને છેલ્લે બોલો છત્તીસ ગુણો ગુરુ મજ્ઝ. તમે ઝુકી જાઓ ગુરુના ચરણોમાં. એ ધ્વનિની તાકાત છે. પણ પંચિદિય સંવરણો એ ધ્વનિમાં જે તાકાત છે. સંસ્કૃત કરો એટલે પંચેન્દ્રિય સંવારક: થઈ જાય. ધ્વનિ બદલાઈ ગયું. ધ્વનિ બદલાઈ ગયું, તાકાત ખતમ થઈ ગઈ.
મંત્રની તાકાત ધ્વનિ હોય છે અને એટલે જ બે પ્રતિક્રમણ તમે કરેલા હોય કે પાંચ પ્રતિક્રમણ કરેલા હોય તમારું pronunciation એકદમ પરફેક્ટ હોવું જોઈએ. એક શબ્દ આમથી આમ થાય, ખોટો અર્થ થઈ જાય. મોટી શાંતિમાં આવે શાંતિર્ભવતું. શાંતિર્ભવતું. ઘણા લોકો શાંતિરભવતું બોલે. એ શાંતિરભવતું બોલે એટલે શાંતિ: અભવતું થઈ જાય. શાંતિ ન થાઓ. શાંતિર્ભવતું એટલે શાંતિ થાઓ. એક ર ને આખો કરી નાંખો એટલે શાંતિ ન થાઓ એવો અર્થ થઈ જાય. એટલે pronunciation એકદમ શુદ્ધ જોઈએ. ઉચ્ચારણ એકદમ શુદ્ધ જોઈએ. ઘણીવાર ઘણા લોકો માને કે મારું ઉચ્ચારણ શુદ્ધ છે એને હું ઘણીવાર કહું કે લઘુશાંતિનો એક શ્લોક તું બોલ. ઇતિપૂર્વસૂરીદર્શિત:. તમે પણ કઈ રીતે બોલશો? ઇતિપપુર્વસુરિદર્શિત. બોલશો ને? પણ ખોટો ઉચ્ચાર છે. સાચો ઉચ્ચાર શું થાય? ઇતિ પૂર્વ સૂરી દર્શિત. ઇતીમાં ઇ નાની છે, ઇતિ. પૂર્વમાં ઊ મોટો છે, પૂર્વ. સૂરિમાં ઊ મોટો છે, ઇ નાનો સૂરિ. દર્શિત એમાં ઇ નાની છે- દર્શિત. ઇતિપૂર્વસૂરિદર્શિત. આવી રીતે pronunciation થાય એટલે સાચું થાય. એટલે આપણા બધા જ સુત્રો મંત્ર છે. અને દરેક મંત્ર ધ્વનિના બેઝ ઉપર જ કામ કરતો હોય છે. તો એ ધ્વનિ જે છે એને તોડવાની વાત હતી, માટે ગુરુએ મોટામાં મોટું પ્રાયશ્ચિત આપ્યું કે ધ્વનિને તમે તોડી ન શકો.
અત્યારે કોઈ હિંદીભાષી કહે વંદિતામાં શું લખ્યું મને કંઈ ખબર પડતી નથી. હિંદીમાં વંદિતું ફેરવી આપ. કોઈ કહે એનું English version કરી આપો. ભાઈ કંઈ થાય જ નહિ. તારે એનો અર્થ સમજવો પડે આનું એક પણ version નહિ થાય. આ છે એમ જ રહેશે. કારણ કે આમાં ધ્વનિ મુકવામાં આવી છે અને એ ધ્વનિની તાકાત છે. તં નિંદે તં ચ ગરિહામિ. તમે જો ઉપયોગપૂર્વક બોલોને તો તમારી આંખમાં આંસુ આવે. એ જુઠ્ઠું તમે આજે બોલી ગયા છો. અને એ વંદિતાની અંદર બીજા વ્રતના અતિચાર માટે તમે જયારે ગાથા બોલો છો અને તં નિંદે તં ચ ગરિહામિ બોલો છો ત્યારે તમારી આંખમાં આંસું આવ્યા વગર રહે નહિ! તમે જુઠ્ઠું ક્યારે બોલો? આપણે આમ કહીએ ને સત્ય અમુલ્ય છે. બરોબર અમુલ્ય.
આજે છે ને એક સરસ વાત કરવી છે. સત્યનું મૂલ્ય ઠેરવો… ૧૦૦ રૂપિયા, 1000 રૂપિયા, ૧,૦૦,૦૦૦ રૂપિયા, ૧,૦૦,૦૦,૦૦૦ રૂપિયા. એટલે સત્યનું મૂલ્ય લાખ રૂપિયા તમે કર્યું તો ૯૯૦૦૦ રૂપિયા પણ તમને મળતાં હોય તો તમે જુટ્ઠું ન બોલો. સમજ્યા? સત્યનું મૂલ્ય તમે શું આંક્યું? એક લાખ રૂપિયા. એટલે ૯૯૯૯૯ રૂપિયા તમને મળતાં હોય તો પણ તમે જુઠ્ઠું ન બોલો બરોબર? તમે નબળા છો એટલે કદાચ જુઠ્ઠું બોલશો પણ ક્યારે? એક લાખ રૂપિયા મળતાં હશે તો. એટલે તમે સત્યનું મૂલ્ય આંક્યું. ખાલી બોલો નહિ, સત્ય અમૂલ્ય-સત્ય અમૂલ્ય. એક પૈસો ન મળતો હોય, એક રૂપિયો ન મળતો હોય અને જુઠ્ઠું આંકતા હો! સત્ય અમૂલ્ય તમારાં માટે છે?
નૈતિકતા-moralityનું મૂલ્ય કેટલું તમારાં માટે? એવા શ્રાવકોને જોયા છે. એક શ્રાવકની વાત કરું. દીકરીનું લગ્ન આવીને ઉભું રહ્યું છે. અને પોતે નોકરી કરતો હતો એ નોકરી છૂટી ગઈ. રોટલી-દાળ ખાવાના ફાંફા છે. નવી નોકરી મળતી નથી. અને દીકરીનું લગ્ન કરવું જ પડે એમ છે. સારા ઘરે વેવિશાળ થઈ ગયો છે. હવે લગ્ન કરવાનું જ છે ન કરે તો પોતાની ઈજ્જત ન રહે. સાદાઈથી કરે તો પણ લાખ-દોઢ લાખ રૂપિયા જોઈએ. પૈસા લાવવા ક્યાંથી? છે નહિ.
એ વખતે એની પાસે ઓફર આવી. એક જણા એ કહ્યું આ પેપરમાં ખોટી signature કરવાની છે. બે લાખ રૂપિયા તને આપીશ. એની આંખમાં આંસુ આવે છે. કોઈ માર્ગ નથી. એક પણ માર્ગે એક પણ રૂપિયો મળે એમ નથી. અને આ કર્યા વગર છૂટકો નથી, લગ્ન. બે લાખ રૂપિયા સીધા મળે છે. પણ એની આંખમાં આંસુ છે. મારા પ્રભુની આજ્ઞા શું મારે તોડવી પડશે? મારા પ્રભુએ કહ્યું છે. તારે ચોરી કરવાની જ નથી, નીતિપૂર્વક જ તારે જીવન જીવવાનું છે. શું આ અનીતિ મારે મારા જીવનમાં આચરવી પડશે? પછી એ માણસે શું કર્યું? વોશબેસીન પાસે ગયો. મોઢું ધોઈ નાખ્યું. નેપકીનથી લુછી અને ખુરશી પર બેઠો. પેલા ભાઈને કહ્યું, લાવો signature કરી આપું. signature કરી પણ દીધું. પેલાએ બે લાખ રૂપિયા આપી પણ દીધા. પેલાને જરાક કુતુહલ થયું. આંખના આંસુ જોયા એ તો બરોબર કે આ માણસ એકદમ ધાર્મિક છે અને એને અધાર્મિક કૃત્ય કરવું ગમે એમ નથી. પણ signature કરવાનું હતું એ પહેલા એ વોશબેસીન આગળ મોઢું ધોવા કેમ ગયો?
તો પૂછ્યું, કે તમે મોઢું ધોવા કેમ ગયા હતા? ત્યારે એણે કહ્યું કે અત્યાર સુધી અનીતિ કરી નથી. મારા ભગવાનની આજ્ઞાપૂર્વક જ જીવ્યો છું. આજે અનીતિ કરવી પડે એમ છે પણ સવારે મારા ભગવાનને હું કહીને આવેલો, તિલક કર્યું ત્યારે કે પ્રભુ તારી આજ્ઞાને મારા મસ્તકે ચડાવું છું. એ તિલક મારા કપાળમાં હોય, મારા હાથથી આ સિગ્નેચર કેમ થઈ શકે?! એટલે વોશબેસીન પાસે હું મારું મોઢું ધોવા માટે ગયો હતો, આ તિલક ભૂંસાઈ જાય એટલા માટે. જ્યાં સુધી મારા કપાળમાં મારા પ્રભુની આજ્ઞાના સ્વીકારના પ્રતિક સમાન તિલક હોય ત્યાં સુધી મારા હાથથી કોઈ પણ ખોટું કામ થઈ શકે નહિ. આ શ્રદ્ધા તો તમારી પાસે ખરી ને?
એક માણસ ગોળનો વેપાર કરતો હોય છે. અને કોલ્હાપુરમાં એના બધા આડતિયાઓ. એકવાર ગયેલો કોલ્હાપુર. તો એક હિંદુ ભાઈને ત્યાં જવાનું હતું. રાત્રે આઠ વાગે ગયો બધું સમજવા માટે. કેટલો માલ લીધો? શું આપવાનું છે? પેલાએ સામે ચા ઓફર કરી. આ માણસ એવો નથી કે ક્યારેય રાત્રિભોજન ન કરે. કદાચ અનિવાર્ય કારણ હોય ત્યારે કરે. રાત્રિભોજન કરી પણ લે છે. પણ એ ત્યાં શું કહે છે. પેલા હિંદુ ભાઈને, કે તમને ખ્યાલ નથી અમે જૈનો.. સુર્યાસ્ત પછી કદાચ નબળા હોઈએ તો મોઢામાં પાણી નાંખીએ પણ પાણી સિવાય કંઇ જ અમારા મોઢામાં ન જાય. તમારી પાસે આટલી ખુમારી ખરી? અમે જૈન!
ઘણીવાર યુવાનો સામે પ્રવચન આપવાનું હોય, ત્યારે હું કહું કે પ્રેમથી અમારી પાસે આવો તમે, અને અમે લોકો કોઈ તમને કોઈ નિયમ નહિ આપીએ તમને પહેલેથી કહી દઉં, કોઈ નિયમ નહિ. મારે માત્ર તમારાં હૃદયમાં એક જૈનત્વની ખુમારી પેદા કરવી છે. હું જૈન છું! આટલી ખુમારી તમારી પાસે આવી ગઈ ને પછી અમારે બીજું કાઈ આપવાની જરૂર નથી. પછી બીજું બધું તમે કરી લેશો. પછી અનિવાર્ય રૂપે કોઈ પાપ આચરવું પડે અલગ વાત છે. આજીવિકા, જીવવા માટે અનીતિ કરવી પડે એ અલગ વસ્તુ છે. પેટ ભરાય છે, પટારો ભરાઈ ગયો છે છતાં હજુ વધારે કમાવવું છે અને અનીતિથી કમાવવું છે. આ બરોબર નથી. એ તમારે આવું કંઇક FIXING કરી શકો. મનમાં પહેલી વાત એ નક્કી કરી શકો કે આરામથી ખર્ચો નીકળે છે. ખર્ચો કાઢતાં. દીકરાઓને સારામાં સારું શિક્ષણ અપાવું છું, એકદમ સમાજમાં સારી રીતે રહું છું છતાં વર્ષે ૫-૧૦-૧૫ લાખ રૂપિયા સારા કાર્યોમાં વાપરી શકું એમ છું તો હવે એટલું નક્કી કરું કે મારા ધંધામાં હું અનીતિ ન કરું. પહેલું આ નક્કી કરાય.
બીજું એ નક્કી કરાય કે જયારે એવું લાગે કે એટલી કમાણી થઈ ગઈ, એટલી સંપત્તિ મળી ગઈ કે વ્યાજમાંથી પણ આજીવિકા આરામથી ચાલે એમ છે. ત્યારે કમાવવાનું પણ બંધ કરી દઈશ. તમારી સેવાની સંઘને બહુ જરૂરીયાત છે. આજે આપણા તીર્થો, સેંકડો.. આપણે બીજાઓના ભરોસે મુકીએ છીએ. તમે બધા નિવૃત લોકો થાઓ અને શ્રી સંઘની સેવા કરતા હોવ તો તમને કેટલો લાભ મળે! અને શ્રી સંઘની કેટલી સરસ સેવા થાય! તો બે વાતનું આજે સપનું તમારાં મનમાં રોપ્યું છે. કે આરામથી આજીવિકા ચાલતી હોય, ખાતા-પિતા આરામથી વધતું હોય તો ધંધો કરવો પડે તો પણ નીતિપૂર્વક કરવો. અને જયારે લાગે કે વ્યાજમાંથી જ બરોબર આરામથી, જલસાથી ચાલે એમ છે. ત્યારે ધંધાને wind up કરી દેવો. દીકરાઓ ચલાવશે પછી.
કારણ? આટલા બધા પ્રવચનો વર્ષોથી સાંભળ્યા પછી તમારાં મનમાં એકવાત તો નક્કી થઈ ગઈ છે કે આ જન્મ માત્રને માત્ર સાધના માટે જ છે. આ જન્મ શેના માટે? માત્ર સાધના માટે. મુંબઈની વ્યસ્ત લાઈફમાં કેટલો સમય મળે? છતાં ખરેખર તમને બધાને ધન્યવાદ આપું છું. સવારના પહોરમાં પૂજા કરીને બધા અહિયાં આવી જાઓ છો. પ્રભુની પૂજા થઈ જાય, દર્શન થઈ જાય, જિનવાણી શ્રવણ થઈ જાય, સામાયિક પણ થઈ જાય. આવી સરસ સાધના તમે કરો છો. એટલે તમારી સવાર સાધનાથી ઉગે છે. આપણી સવાર પ્રાર્થનાથી અને સાધનાથી ઊગવી જોઈએ.
પ્રાર્થના પહેલી એ થાય. સવારના પહોરમાં ઉઠ્યા પહેલી પ્રાર્થના આ, કે પ્રભુ તારી કૃપા તે મને નવો દિવસ ભેટમાં આપ્યો. બરોબર. ઘણાએ સાંજે વાયદો આપ્યો, કાલે સવારે નાસ્તા ઉપર મળીએ છીએ. રાત્રે શું થયું? એટેક આવ્યો રાત્રે અને ગયા. તમે સ્વસ્થ એકદમ જાગ્યા સવારે સૌથી પહેલા પ્રભુને યાદ કરો, પ્રભુ તારી કૃપા! એક દિવસ નવો તે ભેટમાં આપ્યો. પછી થાય કે ચોવીસ કલાક પ્રભુએ મને ભેટમાં આપ્યા એ ચોવીસ કલાકમાંથી પ્રભુના કેટલા? પ્રભુના કેટલા? રવિવાર તો પ્રભુનો જ ને?
શહેરોમાં રવિવાર માટે એક ખાસ કામ હું કહેતો હોઉં છું. કે તમારી આજુબાજુમાં કિલોમીટર – ૨ કિલોમીટર – 3 કિલોમીટરના ઘેરાવમાં જેટલા પણ સાધ્વીજી ભાગ્વાતીઓ ઉપાશ્રય આદિમાં, ફ્લેટો આદિમાં રહેતા હોય ત્યાં રવિવારે પહોંચી જાવ. અને એમની બધાની શાતા પૂછો. આ એક તમારું કર્તવ્ય પણ છે. સાહેબજી કંઈપણ સેવા હોય મને બતાવો. કદાચ એ કોઈ સેવા બતાવે. તમને કેટલો મોટો લાભ થઈ જાય… એમની સંયમયાત્રા સરસ રીતે ચાલી રહી છે. વધુ સરસ રીતે ચાલી શકે. અને એના માટેની કોઈ સેવા હોય અને એ સેવા તમે કરો એ સેવા કરતા તમારી આંખમાં ભીનાશ આવે કે આ મારા સાધ્વીજી ભગવતી ચોવીસ કલાક પ્રભુની આજ્ઞા પ્રમાણે સાધના કરી રહ્યા છે. હું જે આ સેવા કરીશ એનાથી એમની સાધના વધુને વધુ ઉત્કૃષ્ટ બનશે. તો એમની સાધના વધુ ઉત્કૃષ્ટ બનશે એની અનુમોદનાનો લાભ મને મળશે. રવિવારે ભલે આખો દિવસ નહિ. બે-ત્રણ કલાક રાખી શકો અને આજુબાજુમાં સાધ્વીજી ભગવતીઓના જેટલા ઉપાશ્રયો છે ત્યાં જઈ આવો. અમારી પાસે વધુ નહિ આવો તો પણ ચાલશે પણ ત્યાં તો અચૂક જજો.
તો આપણે સાત ચરણો જોવા છે, કે આપણી શુભ ક્રિયા એકદમ સરસ કઈ રીતે થઈ શકે. પ્રભુએ આપેલી સરસ મજાની ક્રિયાઓ આપણને મળી પણ એ ક્રિયાઓ properly અને perfectly થાય એવું કરવું છે. ડૂચા મારીને તમે ખાઈ જાઓ તો ડોકટરો કહે છે કે કચરો થઈને નીકળી જાય. એનાથી કોઈ લોહી ન બને. કેલરી તમને મળે નહિ. એ ચાર રોટલી તમે ચાવી-ચાવી ને ખાઓ એમાંથી લોહી બને, બીજી ધાતુઓ બને અને શરીર પુષ્ટ બને. રોટલી એની એ જ છે. તમે ડૂચો મારીને ખાઓ છો કે ચાવીને ખાઓ છો. પ્રતિક્રમણ એનું એ જ છે તમે કઈ રીતે કરો છો? શક્તિ હોય તો ઉભા-ઉભા જ કરો છો કે બેઠા-બેઠા ચાલે છે? મારા ભગવાને કહ્યું છે એ જ રીતે મારે બધી ક્રિયા કરવી છે.
તો એના માટે સાત ચરણો. પહેલી એકાગ્રતા અને બીજું છે શાસ્ત્ર પ્રમાણે કરવું. અને એમાં આપણે મંત્રચૈતન્યની વાત જોતા હતા. સ્વામી રામે પેલાને મંત્ર આપી દીધો. અપાય નહિ, ગુરુએ ના પાડી છે. અને પેલાને કામ આવવાનો નથી. આપી દીધો. પણ પછી ભયંકર ગોટાળો થાય છે એની વાત કાલે કરીશું.