Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 63

108 Views
29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ભાવની વૃદ્ધિ

આખી જ સાધના ઉપયોગને તમે ક્યાં કેન્દ્રિત કરો છો એના ઉપર આધારિત છે. માટે સૌથી પહેલા આપણે એ કરવું છે કે શુભ ક્રિયા વખતે આપણું મન સંપૂર્ણતયા એમાં ડૂબેલું હોય. There should be the totality; તમે સંપૂર્ણતયા એ ઘટનામાં ડૂબેલા હોવ.

બીજું, શાસ્ત્રમાં કહ્યું છે એ રીતે સાધના કરવી છે. શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું કે સાધના ગુરુ દ્વારા જ તમને મળે છે. તમારી સાધનાને તમારા સુધી લાવનાર સદ્ગુરુ, એને ઘૂંટાવનાર સદ્ગુરુ અને એ સાધનામાં આવનારા અવરોધોને હટાવનાર પણ સદ્ગુરુ. મંત્રની અંદર અને મૂર્તિની અંદર ચૈતન્ય પ્રગટાવનાર પણ સદ્ગુરુ ચેતના જ છે.

શરીર સારું રહે – એ દ્રવ્યસમાધિ. પણ ચિત્ત એકદમ નિર્મળ રહે, આનંદમાં રહે – એ ભાવસમાધિ. એ ભાવસમાધિ અને એ પણ ઉત્તમ કક્ષાની માત્ર પ્રભુ જ આપી શકે. જેમ-જેમ ક્રિયા કરતા જાઓ, તેમ-તેમ તમારો ભાવ વધતો જાય. અમૃતક્રિયા માટેનું એ ત્રીજું ચરણ : ભાવની વૃદ્ધિ.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૩

દેવાધિદેવ, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વરસની સાધનાની આંતરકથા.

બહુ જ પ્યારું સૂત્ર આપણી સામે છે, “गच्छइ णायपुत्ते असरणाए” ગમે તેવી ઘટનાઓ ઘટ્યા જ કરે છે; પ્રભુ એ ઘટનાઓથી બિલકુલ બેખબર છે. ઘટનાઓ શરીરના સ્તર ઉપર ઘટે છે. પ્રભુનો ઉપયોગ ભીતરના સ્તર ઉપર છે.

આખી જ સાધના ઉપયોગને તમે ક્યાં કેન્દ્રિત કરો છો, એના ઉપર આધારિત છે. ધારો કે તમે પૂજા કરવા માટે ગયા, દર્શન કરવા માટે ગયા દહેરાસરમાં બેસી પણ ગયા. સામે રૂપનું EXTREME POINT પરમાત્મા હાજર છે. તમારો વિચાર કોઈ ઘટનાની અંદર એકદમ કેન્દ્રિત થઈ ગયેલો હોય તો શું થાય? પ્રભુના દર્શનની ક્રિયા યંત્રવત થઈ જાય. તમે દેરાસરમાંથી બહાર નીકળો. તમને પૂછવામાં આવે કે આજે પ્રભુને આંગી કઈ ધરાવેલી હતી તમે કહેશો મને ખ્યાલ નથી. શું થયું? શરીર દેરાસરમાં હતું. મન તમારું બહાર ઘટનામાં હતું. તો સૌથી પહેલી સાધના આપણે એ કરવી છે કે શુભ ક્રિયા જે વખતે આપણે કરતા હોઈએ ત્યારે આપણું મન સંપૂર્ણતયા એમાં ડૂબેલું હોય. THERE SHOULD BE THE TOTALLYTY. તમે સંપૂર્ણતયા એ ઘટનામાં ડૂબેલા હોવ.

આજનો મનોવૈજ્ઞાનિક કહે છે કે આજનો માણસ ખાતી વખતે બીજા કોઈ વિચાર કરે છે તો એનું ખાવાનું પણ અર્થહીન હોય છે. ડૂચા મારી જાય છે રોટલીના અને એને કારણે એ ડૂચા દ્વારા એના શરીરમાં લોહી પણ થતું નથી, એને કેલરી પણ મળતી નથી. આ જ વાત અહિયાં છે. શુભક્રિયામાં મન હાજર ન હોય તો એ શુભક્રિયાનો લાભ તમને કેટલો મળી શકે?

એના માટે શ્રીપાલ રાસે સાત ચરણો બતાવ્યા. કે આ સાત ચરણ દ્વારા તમે બધી જ સાધના કરો તો તમારી સાધના પ્રભુએ કહી છે એવી થાય.

પહેલું ચરણ છે, ચિત્તની એકાગ્રતા. બીજું છે, શાસ્ત્રમાં કહ્યું છે એ રીતે સાધના કરવી છે. શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું કે સાધના ગુરુ દ્વારા તમને મળે છે. તમારી સાધનાને તમારા સુધી લાવનાર સદ્ગુરુ, એને ઘૂંટાવનાર સદ્ગુરુ, એ સાધનામાં કોઈ અવરોધ આવ્યો તો એને હટાવનાર સદ્ગુરુ છે. અને એ જ સંદર્ભમાં આપણે ગઈ કાલે જોતા હતા. કે મંત્રની અંદર અને મૂર્તિની અંદર ચૈતન્ય કોણ પ્રગટાવે? માત્ર સદ્ગુરુ ચેતના.

ગુરએ સ્વામી રામને કહેલું, આ મંત્ર તને આપું છું. તારા માટે એ કાર્યસાધક નીવડશે. પણ એ તું બીજાને આપતો નહિ. બીજાને આપીશ તો બીજાને માટે એ કાર્યસાધક નહિ નીવડે. પણ સ્વામી રામ ભૂલી ગયા. પેલા ભક્તને એમણે મંત્ર આપી દીધો. પેલા ભક્તને થયું, અડબોથનો ઉધારો શું હોય? અડબોથ ઠોકી જ દેવી છે તો ઉધાર ક્યાં રાખવાની? એમ મંત્ર મળી જ ગયો છે તો અત્યારે જ પ્રયોગ કરી લઉં. એટલે એ ઝાડ ઉપર ચડ્યો, મંત્ર બોલ્યો એણે. ભમરાનો મધપુડો બાજુમાં, બાજુની ડાળી ઉપર એ બેઠો. એ તો એકદમ આશ્વસ્ત છે, ગુરુએ આપેલો મંત્ર છે. અને એ મંત્ર હું બોલી ગયો છું એટલે એક પણ ભમરો મધપુડામાંથી ઉડશે નહિ. પણ એનો મંત્ર કોઈ જ કામ કરી શકે એમ હતો નહિ. બાજુની ડાળ ઉપર બેઠો એ. મધપુડાવાળી ડાળ સહેજ હલી ભમરાઓ છંછેડાયા. સેંકડો ભમરાઓ સીધા જ પેલા ભક્તના શરીર ઉપર તૂટી પડયા. ડાળી પકડીને બેઠેલો. અચાનક આ હુમલો થયો. ડાળ છૂટી ગઈ. ધબાક કરતો નીચે પડ્યો. સારું હતું, નીચે રેત હતી.

સ્વામી રામને હવે ખ્યાલ આવ્યો. ઓહો, ગુરુએ મને કહેલું કે, THIS IS PERSONELLY FOR YOU. હું ભૂલી ગયો! તરત જ આજુબાજુમાંથી આદિવાસી લોકોને બોલાવ્યા. એ લોકોને ભમરા ઘણીવાર કરડતા હોય. ફટાફટ એ લોકો એ ભમરાના ડંખને કાઢવા લાગ્યાં. પણ સેંકડો ભમરાઓ કરડેલા એના કારણે શરીર સૂજીને દડા જેવું થઈ ગયું. એ સેંકડો ભમરાઓનું ઝેર અંદર પહોંચી ગયેલું. આદિવાસી લોકોએ કહ્યું સ્વામી રામને કે બે ચાર ભમરા કરડેલા હોય ને તો અમારી પાસે દવા હોય છે. અમે એ દવાથી ડંખને કાઢી નાંખીએ. પણ આટલા બધા ભમરા કરડેલા છે એમાં અમારી પાસે કોઈ દવા નથી. હોસ્પિટલે જ આને લઇ જવો પડે. ગાડામાં પેલાને સુવાડ્યો. નજીકની જે હોસ્પિટલ હતી ત્યાં એને લઇ ગયા. તરત જ એને ICU માં એડમિટ કરવામાં આવ્યો. ઘનિષ્ઠ સારવાર શરૂ થઈ ગઈ. સ્વામીરામ બહુ જ પ્રસિદ્ધ વ્યક્તિત્વ હતું. એમણે ડોકટરોને પૂછ્યું, શું લાગે છે તમને? ડોક્ટરોએ કહ્યું, WAIT AND WATCH. જોઈએ. બહોંતેર કલાક સુધી અમે અમારા સંનિષ્ઠ પ્રયાસો કરશું. દર્દી અમારા માટે ભગવાન છે. અમે પુરા પ્રયાસો કરીશું. પણ આખરે તો ભગવાન ઉપર જ છે બધું.

એક દિવસ ગયો, બીજો દીવસ ગયો.. ત્રીજા દિવસની રાત… સોજો સહેજ પણ ઓછો થાય નહિ. આટલી બધી દવાઓની કોઈ જ અસર શરીર આપતું નથી. પેલા બેભાન જ છે. આંખો ખોલતો નથી. હવે ડોકટરો ગભરાય છે. ત્રણ-ત્રણ દિવસો થઈ ગયા. દવાની કોઈ જ અસર દેખાતી નથી. એ વખતે બાજુના સ્પેશિયલ રૂમમાં સ્વામીરામ બેઠેલા. એમને થયું કે હવે ગુરુ એ જ શરણ છે. ગુરુ પાંચસો માઈલ દુર છે. હોસ્પિટલની એ DELUX રૂમમાં બારણું બંધ કરીને સ્વામીરામ ગુરુનું ધ્યાન કરે છે. કેટલી તાકાત ધ્યાનની છે! અને ધ્યાનની વાત ક્યાં કરો?! પ્રભુનું કે સદ્ગુરુનું નામ સ્મરણ કરો ને તો પણ શું થાય, એની વાત માનવિજય મહારાજ સાહેબે પદ્મપ્રભુસ્વામીના સ્તવનમાં કહી છે. “નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન.” આપણા યુગના એક શ્રેષ્ઠ મહાપુરુષ કહે છે. “નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન.” પ્રભુનું નામસ્મરણ તમે કરો અને પ્રભુ તમારાં હૃદયમાં આવી જાય!

એક ભાઈએ મને પૂછેલું કે સાહેબ લોગસ્સ સૂત્ર તો કેટલી વાર અમે બોલીએ છીએ. અને લોગસ્સમાં ચોવીસ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે. ઉસભ મજીઅં ચ વંદે. દરેક પ્રભુનું નામ અમે ઉચ્ચારીએ છીએ. તો ચોવીસે ચોવીસ ભગવંતોનું નામ એકવાર નહિ, વારંવાર ઉચ્ચારીએ છીએ અને છતાં પ્રભુ અમારા હૃદયમાં આવ્યા નહિ! ત્યારે મેં કહ્યું કે નામસ્મરણની એક પૃષ્ઠ ભૂમિકા છે. પ્રભુનું નામ સ્મરણ કરો અને પ્રભુ હૃદયમાં આવે એમ નહિ, આવે જ. પણ કઈ રીતે નામસ્મરણ કરવાનું છે? ચૈત્યન્યદેવે શિક્ષાસ્ટકમાં કહ્યું, “ नयनं गलदश्रुधारया वदनं गदगद रुद्धया गिरा | पुलकैर्निचितं वपुः कदा तव नाम गहणे भविष्यति | |  પ્રભુનું નામ તમે લો ત્યારે ત્રણ વસ્તુ બનવી જોઈએ. પહેલી વાત नयनं गलदश्रुधारया. આંખોમાંથી આંસુની ધાર વહેતી હોય. મારા પ્રભુ..! મારા પ્રભુ…! મારા પ્રભુ….! એ પ્રભુનું નામ બોલો છો અને પ્રભુની સાથે તમારું અસ્તિત્વ જોડાઈ જાય છે! મારા પ્રભુ…! અને એ મારાપણાનો ભાવ આંસુથી પ્રવાહ વહેવડાવે છે.

પછી બીજીવાત કરી, वदनं गदगद रुद्धया गिरा. ગળામાંથી ડૂસકાં પ્રગટતા હોય. હું ઘણીવાર કહું છું કે મારે એક પ્રવચન ડૂસકાંની પ્લેબેક પર આપવું છે. આખું auditorium હિબકા ભરતું હોય, ડૂસકાં લેતું હોય. અને પ્રભુની પ્યારી-પ્યારી વાતો ચાલતી હોય. કેટલી મજા આવે! અત્યારે પ્રભુની વાતો તમે સાંભળો છો, પણ આંખ કોરી છે. આંખોમાંથી ચોધાર આંસુ વરસતા હોય… ગળેથી ડૂસકાં પ્રગટેલા હોય!

સુલસાજીએ એક ધર્મલાભ શબ્દ સંભાળ્યો શું હાલત એમની થયેલી! પ્રભુ જે દિશામાં બિરાજમાન. એ દિશામાં ઘૂંટડીએ પડી ગયા! આંખોમાંથી આંસુની ધાર. ગળે ડૂસકાં… અને ડૂસકાંમાંથી ચળાઈને આવતા શબ્દો હતા. પ્રભુ ક્યાં તું..! ક્યાં હું…! તું ત્રિલોકેશ્વર! અખિલબ્રહ્માંડેશ્વર! મારા જેવી નાચીજ દાસીને તું યાદ કરે પ્રભુ..! એ પંદર કે વીસ શબ્દો બોલ્યા પણ ડૂસકાંની પ્લેબેક પર.

અને ત્રીજી વાત છે, पुलकैर्निचितं वपुः कदा. શરીર રોમાંચોથી ઉભરાઈ જાય. આ ત્રણ રીતે પ્રભુનું નામ તમે લો. પ્રભુ હાજર થાય. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. એ મહાપુરુષે અનુભવ કરેલો છે. અને એમની અનુભૂતિ પછી આ એમની અભિવ્યક્તિ આવી. આવા મહાપુરુષો એમને એમ કશું લખે પણ નહિ. તો ધ્યાનમાં તો પ્રભુનું પ્રત્યક્ષ મિલન થાય જ. સદ્ગુરુનું પ્રત્યક્ષ મિલન થાય જ. પણ નામસ્મરણમાં પણ આટલી તાકાત છે!

સ્વામીરામ ધ્યાનમાં બેસી ગયા. આ હમણાની જ બનેલી ઘટના છે. અને લખનાર આજના યુગના એક શ્રેષ્ઠ સન્યાસી છે. એ ધ્યાનમાં બેઠા. સંકલ્પ કર્યો. સદ્ગુરુને મારે મળવું છે. પાંચસો માઈલ દુર રહેલાં ગુરુ એ રૂમમાં હાજર થયા. પૂછ્યું, કેમ મને યાદ કર્યો? ગુરુના ચરણોમાં ઢળી પડયા. ગુરુદેવ આપ તો અંતરયામી છો. ભૂલ મારી થઈ. આપે તો સ્પષ્ટ કહેલું મંત્ર તારા માટે જ છે, બીજાને આપતો નહિ. મેં બીજાને આપી દીધો. મારી ભૂલને કારણે પેલો ગંભીર પરિસ્થિતિમાં મૃત્યુની સામે જઈ રહ્યો છે. ગુરુદેવ હું શું કરું? એ વખતે ગુરુ કહે છે, સવારે પાંચ વાગે એ સ્વસ્થ થઈ જશે. અને ગુરુ અદ્રશ્ય થઈ ગયા.

યોગીઓ અત્યારે પણ આવી રીતે એક શરીરને ત્યાં મૂકી બીજા શરીરે આવી શકે છે. આપણા ઘણા બધા મહાપુરુષો માટે આ વાત આવે છે. એક આચાર્ય ભગવંત થયા આપણા, રત્નપ્રભસુરિ મહારાજ. એ જમાનાના બહુ જ પ્રભાવક આચાર્ય ભગવંત. અને હજારો લોકોને લાખો લોકોને સાહેબ પર બહુ જ શ્રદ્ધા. એમાં એવું થયું આજુબાજુના બે ગામમાં દેરાસરો તૈયાર થતા હતા. પ્રતિષ્ઠા થવાની હતી.

એ જમાનામાં મૂહુર્તો માટે જ્યોતિષીઓ અને આચાર્ય ભગવંતો બહુ જ ઊંડા ઉતરતા. અંજનશલાકા અને પ્રતિષ્ઠાનું મુહુર્ત હતું એ વખતે વર્ષોમાં ક્યારેક એક આવતું. મને ખ્યાલ છે. સાઈઠ વરસ થયા મને દીક્ષાને. મારી દીક્ષાની શરૂઆતમાં અંજનશલાકા એકદમ રેર. બે-પાંચ વર્ષે ક્યારેક જોવા મળે. હું નાનો હતોને ક્યાંક અંજનશલાકા હતી ત્યારે જોવાનું મન થાય કે ત્યાં જઈએ, અંજનશલાકાને જોઈએ. એટલી રેર થતી. એટલે મુહૂર્તોમાં એટલી ચકાસણી કરતા. અને બીજીવાત સ્પષ્ટ હતી કે એવા આચાર્ય ભગવંતના હાથે પ્રાણપ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા કરાવવી છે. જેમનું ચારિત્ર્ય એકદમ નિર્મલ હોય. આજે આપણે પ્રાચીન પ્રતિમાજીને જોઈએ છીએ. અત્યંત ભાવ આવતો હોય છે. એ ભાવનું કારણ શું હોય છે? જે મહાપુરુષે પ્રાણપ્રતિષ્ઠા કરી એમનો ભાવ અંદર ગયો છે.

તો બે જગ્યાએ પ્રતિષ્ઠા આવવાની છે. અંજનશલાકા અને પ્રતિષ્ઠા બે. મુહુર્ત બેઉ નું એક જ આવ્યું. અંજનશલાકામાં તો એક રાતનો ફરક આવ્યો. એક રાત્રે આવી ને એકરાત્રે આવી. એનો વાંધો ના આવે. પ્રતિષ્ઠાનો દિવસ એકજ. બે-ચાર કલાકનો ફરક હોત ને તો પણ સાહેબજી પાંચગાઉં હતું એટલે પહોંચી જાત. પણ એજ કલાક, એજ મિનીટ અને એજ સેકંડ. બંને ગામમાં. અને બંને ગામના સંઘોએ સ્પષ્ટ વાત કરી કે સાહેબ તમારાં હાથે જ પ્રતિષ્ઠા કરવી. સાહેબજીએ રસ્તો કાઢ્યો. એક જગ્યાએ હું કરું પ્રતિષ્ઠા, બીજી જગ્યાએ મારા જ વાસક્ષેપને લઈને મારો શિષ્ય આવશે. પ્રતિષ્ઠા વખતે વાસક્ષેપ આપવાનો હોય છે. તો મારો શિષ્ય પણ વાસક્ષેપ મારો લઈને આવશે. નહિ સાહેબ એ કાંઈ બનવાનું નથી. તમે જ જોઈએ. ગુરુદેવે બંનેને હા પણ પાડી અને ગુરુદેવ બંને જગ્યાએ હાજર પણ રહ્યા. એક જ મિનીટ, એક જ સેકંડ! બધા વિચાર તો કરવામાં પડયા કે સાહેબ ખરેખર કયા ગામમાં આવશે? બેઉને હા તો પાડી દીધી. પણ બેઉ સંઘવાળાને સંતોષ થયો કે સાહેબજી ખુદ અમારે ત્યાં હાજર હતા.

તો આ જે શરીર છે. એનો સાધનાની દ્રષ્ટિએ એક મોટો લાભ છે. શરીર અહી પડેલું હોય અને તમે થોડે દૂર રહીને તમને જોતા હોવ કેવો અનુભવ થાય? અને તમે દુરથી એને જુઓ છો. તમારો વૈરાગ્ય કેટલો પ્રજ્વલિત થઈ જાય?!

તો ગુરુએ સ્વામી રામને કહ્યું, સવારે પાંચ વાગે પેલો સ્વસ્થ બની જશે. ગુરુનું વચન. સ્વામી રામ એકદમ સ્વસ્થ થઇ ગયા, અને ઊંઘી ગયા. અને જે મિરેકલ બન્યો છે.મેડિકલ બુલેટીન્સમાં આ મિરેકલની નોંધ લેવામાં આવી છે. બસ બરોબર પાંચ વાગ્યા. સોજો ધીરે-ધીરે ઉતરવા માંડ્યો. દસ મિનિટમાં સોજો ગાયબ. પેલાએ આંખ ખોલી. સ્વામી રામ ત્યાં, એક નર્સ ત્યાં. નર્સ વિચારમાં પડે છે. આ શું? તરત જ ફોન કર્યો મોટા ડોક્ટરને. મોટી હોસ્પિટલ હતી, ડોક્ટર ત્યાં જ રહેતા હતા હોસ્પિટલમાં જ. ડોક્ટર દોડતા આવ્યા. ડોકટરે કહ્યું, રાત્રે ચાર વાગે જોઇને ગયા છે. કોઈ જ ફરક નથી અને સવાપાંચ વાગ્યા છે. સોજો ગાયબ છે! આંખ ખોલી એણે ને મને ભૂખ લાગી છે ખાવાનું આપો. કોફીનો મગ લાવ્યો, બિસ્કીટના પેકેટ લાવ્યા. ખાવા લાગ્યો ધડાધડ. પણ પછી કહે ચાલો આપણા આશ્રમમાં હવે કહે છે.

મોટો ડોક્ટર સ્વામી રામને પૂછે છે. આ મિરેકલ કઈ રીતે થયો? અમારી ડોકટરી પરિભાષામાં આ કોઈ શક્ય જ નથી. બહોંતેર કલાકમાં જે સોજો ઉતરતો નથી, સહેજ મચક આપતો નથી એ પાંચ મિનિટમાં ઉતરી જાય. જે માણસ સેમી કોમામાં હતો તે માણસ પાંચ મીનીટમાં ભાનમાં આવી જાય. એને ભૂખ લાગી જાય. ખાવાનું આપો અને ખાવા મંડી જાય. આ શું છે? આ મિરેકલ શેનો? ત્યારે સ્વામીરામે કહ્યું, આ મારા ગુરુએ કરેલો મિરેકલ છે.

 તો સદ્ગુરુ મૂર્તિમાં પણ ચૈતન્ય મુકે, મંત્રમાં પણ ચૈતન્ય મુકે. આજે ઘણા લોકો ચોપડીમાંથી મંત્ર લેતા હોય છે. ભાઈ ચોપડીનો મંત્ર તને કાંઈ કામમાં નહિ આવે. ગુરુ જયારે મંત્ર આપે છે ત્યારે જ કામ આવે છે.

આપણે ત્યાં મંત્રદીક્ષાની એક સરસ વિધિ હતી. અત્યારે માત્ર અમારે ત્યાં ગણિપદ, પંન્યાસપદ કે આચાર્યપદના પ્રદાન વખતે એ વિધિ સચવાઈ રહી છે. મંત્રદીક્ષાની વિધિ એ હતી કે ગુરુ એક appropriate મંત્ર નક્કી કરે અને એ મંત્ર શિષ્યના કાનમાં કહે. જમણા કાનની પાસે ગુરુ પોતાનું મુખ લાવે અને પછી એ મંત્ર આપે એને મંત્ર દીક્ષા કહેવાય.

પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં પાર્શ્વનાથ પ્રભુ અને કમઠ યોગીનો સંવાદ ચાલે છે ને એમાં એક વાત આવે છે. ક્યાં કાન ફૂંકાયા? ક્યાં કાન ફૂંકાયા? પાર્શ્વનાથ પ્રભુ કહે છે કે તને આટલી ખબર નથી પડતી કે તે જે પંચાગ્નિ જ્વલિત કર્યો છે એમાં સાપ બળી રહ્યો છે. આટલું તને ખ્યાલ નથી. “તેરા ગુરુ કોન હે બડા જેને યોગ ધરાયા, નહિ ઓળખાયા ધર્મ કો.” અને છેલ્લે કહ્યું કે “ક્યાં કાન ફૂંકાયા?” ક્યાં કાન ફૂંકાયા તે? તે કયા ગુરુ પાસે કાન ફૂંકાયો?

તો આ મજાની વિધિ હતી કે સદ્ગુરુ તમારા કાનમાં મંત્ર આપે. અને મંત્રશાસ્ત્રમાં લખ્યું છે કે એ વખતે શું થાય? સામાન્યતયા શબ્દો જે છે ને કાનમાંથી કદાચ મનમાં જાય. તમે અનુપ્રેક્ષામાં લઇ શકો. ગુરુએ આપેલો શબ્દ! ગુરુએ એટલા forceથી એ શબ્દ આપ્યો છે કે એ શબ્દ કાનમાં જઈ અને સીધો ઊંચે સહસ્રારમાં જશે અને સહસ્ત્રારને ખોલી નાખશે.

અહિયાં હજાર પાંખડી વાળું કમળ છે. જેણે સહસ્ત્રાર કહેવાય છે. જન્મો-જન્મોથી એ બિડાયેલું પડ્યું છે. એ ક્યારે ખુલે? એ ત્રણ રીતે ખુલે. પહેલી વાત તો આ. ગુરુએ મંત્ર દીક્ષા આપી, એ શબ્દ સીધો ત્યાં ગયો, અને સહસ્ત્રાર ખીલી ગયું. બીજી વાત કુંડલીની જાગરણ થાય, મૂલાધારમાંથી કુંડલીની નીકળે આજ્ઞાચક્રમાં થઈ અને સીધી સહસ્ત્રારમાં જાય ત્યારે પણ સહસ્ત્રાર ખૂલી જાય. અને ત્રીજું ગુરુ તમને આશીર્વાદ આપે, વાસક્ષેપ આપે ત્યારે પણ તમારું સહસ્ત્રાર ખૂલી શકે.

તો મંત્રદીક્ષાની આ મજાની વિધિ હતી. સાધના દીક્ષાની પણ વિધિ હતી. કેટલું બધું આપણી પાસે હતું. અદ્ભુત્ત હતું. એને જાણીએ ને તો પણ આપણે અહોભાવથી હૃદયને છલકાવી દઈએ કે આટલી સરસ પરંપરાઓ આપણને મળેલી હતી!

તો મંત્રચૈતન્ય અને મૂર્તિચૈતન્ય બંને સદ્ગુરુના હાથમાં છે. આપણી પરંપરામાં એક જ ઘટના એવી બની છે. શત્રુંજયના આદિનાથ દાદા માટે કે એમને સાતવાર શ્વાસ લીધો એમ આપણે કહીએ છીએ. એટલે એ કેવી રીતે મૂર્તિચૈતન્ય અંદર ગયું હશે! એ ચૈતન્યને કારણે આ થયું! સદ્ગુરુ એટલા પ્રબળ. એમનું throwing એટલું પ્રબળ અને એ મૂર્તિચૈતન્ય એટલું બધું સશક્ત બની ગયું.

તમને હમણાંની એક વાત કહું. એક બહુ જ પૂજનીય આચાર્ય ભગવંત. એમના હાથે એક અંજનશલાકા થવાની હતી. જે દિવસે અંજનશલાકા રાત્રે થવાની હતી. એ દિવસે બપોરે, એ ગુરુદેવ પાસે, આખું તીર્થ જેણે બનાવેલું કરોડો રૂપિયા ખર્ચીને. જેમણે મહોત્સવમાં પણ કરોડો રૂપિયા ખર્ચેલા એ શ્રેષ્ઠી આવ્યા. ગુરુદેવે એમની બહુ જ ઉપબૃંહણા કરી કે તમે બહુ સરસ કર્યું. બહુ સરસ. એ વખતે એક વિદ્વાન મુનિરાજ ત્યાં બેઠેલા હતા. આ સાહેબજી એવા હતા. ઉપબૃંહણા કરે ને તોપણ ખાલી સ્મિતથી. કોઈની પ્રશંસા શબ્દો દ્વારા લગભગ સાહેબજી કરતા નહિ. બહુ બહુ તો કહે સારું કર્યું. પણ આજે તો દસ-બાર-પંદર મિનીટ સુધી ઉપબૃંહણા કરી, જે એમની પરંપરામાં નહતી. પેલા મુનિરાજને નવાઈ લાગી.

એ શ્રેષ્ઠી ગયા પછી એ મુનિરાજે પૂછ્યું કે સાહેબજી હું આપણી જોડે વર્ષોથી. આપે આ રીતે કોઈની ઉપબૃંહણા કરી નથી. ત્યારે સાહેબજીએ કહ્યું, કે અહિયાં હું આવ્યો ને ત્યારે એક મેં સુચના એ શ્રેષ્ઠીને આપેલી. પણ એ સુચનાનું પાલન એમણે કર્યું નહિ. ખરેખર મારા મનમાં કંઇ હોય પણ નહિ, હોઈ શકે પણ નહિ. પણ મારી પાસે જાગૃતિ તો હોવી જ જોઈએ. આજે રાત્રે મારે અંજનશલાકા માટે જવાનું છે. એટલે મને થયું કે મારા અજ્ઞાત મનમાં આણે મારી વાત ન માની એનો સહેજ તિરસ્કાર કદાચ અંદર નહિ હોય ને? મારા અજ્ઞાત મનમાં સહેજ તિરસ્કાર કોઈના પ્રત્યે  હોય હું અંજનશલાકા કરી શકું નહિ. મારું હૃદય, મારું અસ્તિત્વ, મારું મન. મારું ચિત્ત પૂર્ણતયા નિર્મળ ન હોય ત્યાં સુધી હું અંજનશલાકા કરી શકું નહિ. એટલે એ ભાઈને કદાચ ખોટું લાગેલુ હોય કે સાહેબે આમ કીધું, કેમ આમ કીધું? અથવા મારા મનમાં રહેલું હોય કે મેં આમ કહ્યું અને મારું કીધેલું માન્યું નહિ તો એ વાત મારા અજ્ઞાત મનમાંથી નીકળી જાય એટલાં માટે મેં એની પ્રસંશા કરી. આ હમણાંની બનેલી ઘટના. આપણને લાગે કે કેવા એ આચાર્ય ભગવંત હશે! અને એ અંજનશલાકા કરે, પછી મૂર્તિમાં ચૈતન્ય કેવું તો પ્રગટેલું હોય! અદ્ભુત્ત! તો બીજું ચરણ કહ્યું, શાસ્ત્રમાં કહ્યું છે એ રીતે બધી વિધિ કરવાની.

એ પછી ત્રીજું ચરણ આપે છે, ભાવનીવૃદ્ધિ. જેમ-જેમ ક્રિયા કરતા જાઓ તેમ તમારો ભાવ વધતો હોવો જોઈએ. કાલે સાંજે પ્રતિક્રમણ કર્યું હતું અને જે ભાવ હતો, આજે સવારે પ્રતિક્રમણ કરો ભાવ એનાથી વધારે હોય, બરાબર? ધારો કે તમે પચાસ દિવસથી પ્રતિક્રમણ કરો છો. ધારો કે, ગઈકાલે સાંજનું પ્રતિક્રમણ ૧૦૦મું પ્રતિક્રમણ હતું એટલે ૯૯ પ્રતિક્રમણ બેકિંગમાં હતા. એ ૯૯ પ્રતિક્રમણની અનુભૂતિ ઉપર ૧૦૦ મું પ્રતિક્રમણ થયેલું. આજે સવારે ૧૦૧ મું  થયું એટલે બેકિંગ ૧૦૦ નું થયું. પેલામાં ૯૯ નું બેકિંગ હતું, આમાં ૧૦૦નું બેકિંગ છે. ફરી આજ સાંજે કરો ત્યારે ૧૦૧નું બેકિંગ હોય.

ભાવનીવૃદ્ધિ… પરમાત્માની પાસે જાઓ. સતત ભાવ વધતો જાય. પરમાત્માએ તમને શું આપ્યું તેનો વિચાર કરોને તમારો ભાવ extreme point ઉપર પહોંચે. જે કોઈ ન આપી શકે એ પ્રભુએ આપ્યું છે. શરીરની સ્વસ્થતા ડોક્ટર આપી શકે એટલે ક્યારેય પણ રોગમાંથી મુક્તિ પ્રભુ પાસે માંગવાની જરૂર નથી. પણ સમાધિ જે કોઈ ન આપી શકે એ પ્રભુ આપે. મજાની વાત છે કે રોગ કદાચ રહે કર્મનો ઉદય હોય તો પણ એ રોગની ક્ષણોમાં સમાધિ આપવાનું કામ પ્રભુ કરે. અને એટલે રોગ રોગનું કામ કરે અને સાધક પોતાનું કામ કરે. સાધકનું એક સૂત્ર છે, જેટલી પ્રતિકુળતા વધારે એટલો આનંદ વધારે.

હિંમતભાઈ બેડાવાળાને એક ભાવિકે આમંત્રણ આપ્યું. કે મારે ત્યાં આપ પધારો, અઠવાડિયું રોકાઓ. એ ભાઈની ઈચ્છા એવી કે આવા મોટા સાધક મારે ત્યાં રહે અને આરાધના કરે તો મારા ઘરમાં એમના આંદોલનો આખા પથરાઈ જાય અને પછી હું સાધના કરું તો મને એમની ઉર્જા મળે. અને ખુબ ભાવ કે આટલા મોટા સાધક મારે ત્યાં આવે છે તો એમના માટે સરસ રૂમ નક્કી કર્યો. ત્યાં હવા વિગેરે બરોબર આવતી હતી. સરસ મજાનો પલંગ, મચ્છરદાની બીજી બધી જ સુવિધાઓ પુરામાં પૂરી. આવી ગયા સાધક, એક દિવસ રોકાયા. અઠવાડિયાનું પ્લાનિંગ હતું બીજે દિવસે એ સાધકે કહ્યું, હું તો જઉં છું. પેલો કહે સાહેબ શું થયું? ભૂલ થઈ કે મારી? શું અપરાધ થયો મારો? તો કહે અપરાધ તમારો નથી પણ આટલી બધી અનુકુળતા મારા શરીરને માફક નથી આવતી. મારું શરીર પ્રતિકૂળતાઓમાં ટેવાયેલું છે. થોડાક મચ્છર-બચ્છર હોય, થોડીક ગરમી લાગતી હોય તો આખીરાત હું કાઉસગ્ગ ધ્યાનમાં રહી શકું. છેવટે ચાર-ત્રણ વાગે તો ઉઠી જ જાઉં. એટલે પ્રતિકુળતાઓથી મારું શરીર ટેવાયેલું છે. આ અનુકુળતા મને માફક નહી આવે માટે હું જાઉં છું.

તો પ્રભુ પ્રતિકુળતાની અંદર પણ સમાધિ તમને આપે. એક વાત યાદ રાખજો કે અનુકુળતા તમારી પાસે ગમે તેટલી હોય સમાધિ તમારી પાસે હોય તો પ્રભુએ આપેલી જ હોય. અનુકુળતા સંપત્તિ તમને આપી શકે. સમાધિ પ્રભુ જ આપી શકે. એરકંડીશન રૂમમાં બેઠેલો હોય અને પરસેવે રેબઝેબ હોય. એક ફોન આવે શેરબજારમાં કડાકો બોલ્યો એટલે અહીં કડાકો બોલે. એરકન્ડીશનરૂમમાં હોય અને પરસેવે રેબઝેબ. એટલે તમારી સંપત્તિ તમને અનુકુળતા આપી શકે. સુખ કે સમાધિ નહિ.

એટલે પ્રભુની પાસે રોજ માંગીએ છીએ, ‘સમાહિવર મુત્તમં દિંતું.’ એમાં બે શબ્દો વાપર્યા. વર અને ઉત્તમ. શ્રેષ્ઠ સમાધિ. દ્રવ્યસમાધિ નથી જોઈતી. શરીર સારું રહે એ દ્રવ્યસમાધિ છે, પણ ચિત્ત એકદમ નિર્મળતામાં રહે, ચિત્ત આનંદમાં રહે એ ભાવસમાધિ છે. એ ભાવસમાધિ અને એપણ ઉત્તમ કક્ષાની ભાવસમાધિ પ્રભુ આપો. સમાહિવર મુત્તમં દિંતું. તો પ્રભુ જે આપે છે એ એવું આપે છે કે જે કોઈ ન આપી શકે. બોલો તમે વધારે સુખી કે અમે વધારે સુખી? વધારે સુખી કોણ બોલો? બહેનો અને માતાઓને પૂછું, તમે વધારે સુખી કે આ સાધ્વીજી ભગવતીઓ વધારે સુખી? કોણ વધારે સુખી?

તો અમને પ્રભુએ આ સમાધિ આપી છે. ગુંજયચા આરાધના ભવનના મજાના ઉપાશ્રયમાં આરામથી રહીએ એમ નહી. ગમે ત્યાં જઈશું વિહારમાં, આરામથી જ રહીશું. કારણ અમારી સમાધિ, અમારો આનંદ એને ઉપાશ્રય જોડે સંબંધ નથી અંદર જોડે સંબંધ છે. તમારે સુખને સંબંધ બહાર જોડે છે. એટલે બહારમાં કંઇક ગરબડ થઈ એટલે અંદર ગરબડ થઈ જાય. અમારો સંબંધ અંદર જોડે છે. એટલે સાધુ તો સુખિયા ઘણા, દુઃખનો નહિ નવલેશ. સતત સુખ છે અહિયાં.

એટલે સંપત્તિ તમને સુવિધા આપી શકે, સુખ નહિ. એરકન્ડીશન રૂમમાં બેઠેલો હોય અને પોતાનો કલીગ એ બાજુના ફ્લેટમાં રહેતો હતો. એ એ ફ્લેટ છોડી અને બહુ મોટા ફ્લેટમાં ગયો, એ કરોડો રૂપિયા કમાઈ ગયો. એ વાત આમ વિચારે ને તો પણ જલન પેદા થાય! એટલે તમારુ સુખ have’s ઉપર આધારિત નથી have nots ઉપર આધારિત છે. તમને ઘણું મળ્યું છે, પણ બીજાને કેમ મળ્યું..? એની વાત આવી જાય છે. Have’s અને have nots. Have’s તમે પણ એ ભૂમિકા ઉપર આવો. પ્રભુએ કેટલું બધું મને આપ્યું!! કેટલું બધું આપ્યું…!

પેલા એક માજીની કથા આપણે ત્યાં આવે છે. દુઃખી હતા. ખબર પડી. જંગલમાં ગયા. એક દેવ હતા. અઠ્ઠમ કર્યો. દેવ પ્રસન્ન થયા. માંગ માંગ માંગે તે આપું. માજી બહુ હોશિયાર. એ કહે આ ત્રણ દિવસ ભૂખી રહી અને આ દેવ પ્રસન્ન થયા છે. આજે કંઇક માંગું ને કાલે કંઇક બીજું યાદ આવે તો ફરી ત્રણ દા’ડા ભૂખ્યા રહેવું પડે અને પાછું આવવું પડે. હોશિયાર… એ કહે દેવ તમારું નામ લઈને જે વખતે જે વસ્તુ માંગું એ મને મળી જાઓ. એટલે આખી જિંદગી માટે દેવને કબજે કરી લીધો. દેવ કહે તથાસ્તુ. ઘરે આવ્યા. ચાલો સાત માલની હવેલી થઈ જાઓ. સાત માલની હવેલી થઈ ગઈ. રાચરચીલું આવી જાઓ. રાચરચીલું આવી ગયું. મારે પારણું કરવાનું છે. શીરો મગ આવી જાય, આવી ગયા. જે જોઈએ ફટાફટ હાજર.

બાજુમાં બીજા માજી રહે. એ કહે આણે હારીએ કર્યું શું? કહે છે.. એને CID બરોબર કરી. ખબર પડી આ ત્રણ દા’ડા ગેરહાજર હતી. ક્યાં ગઈ હતી? બરોબર પગેરું લઇ લીધું. હું પણ ત્યાં પહોંચી જાય. એ પણ ત્યાં પહોંચી ગઈ. એણે પણ દેવને પ્રસન્ન કર્યા. દેવ કહે માંગ માંગ માંગે તે આપું. એટલે આ કહે અમારા ગામના એક માજી હમણાં જ તમારી પાસે એક વરદાન માંગીને ગયા છે. એને જે મળે એના કરતા ડબલ મને મળવું જોઈએ. દેવ કહે તથાસ્તુ. હવે તો આ ઘરે આવી આને ચૌદ માળનો બંગલો. પેલીનો સાત માળ, આનો ચૌદ માળ. હવે આને ખબર પડી, પેલી માજીને કે હું માંગું એ તો મને મળવાનું પણ આને ડબલ મળવાનું! મોટી મુશ્કેલી થઈ ગઈ. એને કેમ ડબલ મળે? માંગવાનું બંધ કર્યું. એક દિવસ માંગ્યું પણ હા, વિચાર કરીને. કે હે દેવ મારી એક આંખ ફૂટી જાવ. હું કાણી થવું તો ભલે કાણી પેલી આંધળી થાય ને.. એને ડબલ ફૂટી જાય. મારી એક આંખ જાય એને બે આંખ જાય. ઈર્ષ્યા શું કરે છે? પછી કહે મારા બંગલાની આગળ એક કુવો થઈ જાવ કાંઠા વગરનો. એના ત્યાં એક કુવો થયો ને પેલીને ત્યાં બે કુવા થયા. પેલી થઈ ગઈ આંધળી એટલે એટલી ખુશ થઈ ગઈ કહે કે આંધળી, કિનારા વગરનો કુવો છે પડીને મરશે. આ દેવનું વરદાન મેળવીને શું મેળવ્યું, એને બોલો?

એટલે આટલું એક સૂત્ર યાદ રાખો આજનું. કે બીજાની સંપત્તિ કે બીજાની ગુણસંપત્તિ જોઇને જેણે આનંદ થાય એ જ પ્રભુશાસનમાં પ્રવેશેલો ભક્ત છે. ફરીથી, “બીજાની સંપત્તિ અને બીજાની ગુણસંપત્તિ જોઇને જેને માત્ર અને માત્ર આનંદ થાય એનો પ્રભુશાસનમાં પ્રવેશ થયેલો છે.”

આશીર્વાદ આપું, તમે બધા પ્રભુશાસનમાં પ્રવેશેલા હોવ.

પ્રભુ મહાવીરદેવનું નિર્વાણકલ્યાણક આવી રહ્યું છે. એ નિર્વાણકલ્યાણકનો છઠ્ઠ તેરસ અને ચૌદશનો હોય છે. એની બધી વિધિ પણ કરવાની હોય છે. પ્રભુ ગયા. નિર્વાણને પામ્યા. પણ આપણને કેટલું બધું આપીને ગયા છે! એટલે એ પ્રભુના ઉપકારને યાદ કરીને સેંકડો-હજારો ભક્તો છઠ્ઠ તપની તપશ્ચર્યા કરશે. શ્રીસંઘમાં પણ સમુહમાં છઠ્ઠ તપની તપશ્ચર્યા થવાની છે. વધારેમાં વધારે માત્રામાં સાધકો એનો લાભ લે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *