વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અમૃતક્રિયા
અમૃતનો ઘૂંટડો જેણે પી લીધો એને બીજું કંઈ પછી ગમતું નથી એમ પ્રભુ! એકવાર તારો આસ્વાદ મળી ગયો; હવે બીજું કશું જ તારા વગરનું મને ગમતું નથી. સંસાર ખરાબ છે માટે એમાં રહેવાતું નથી – એમ નહિ; પણ પ્રભુ વિના એક ક્ષણ હું આ સંસારમાં રહી શકું નહિ – આ ભવનિર્વેદ.
એ પછી વિસ્મય. સિદ્ધશિલા પરથી પ્રભુ મને મળવા અહીં આવી ગયા છે અને એ પ્રભુની ભક્તિ મારે કરવાની છે! એ પ્રભુનો સ્પર્શ કરવાનો છે મારે! એક વિસ્મય. એક આશ્ચર્ય. એ ક્ષણોમાં મન સ્તબ્ધ થઈ જાય અને પ્રભુ મિલનની દુનિયામાં તમારો પ્રવેશ થઈ જાય.
વિસ્મય પછી પુલક. રોમાંચ. ભગવાનને જોતા આંખો ભીની ભીની બને, ગળે ડૂસકાં બાઝે અને શરીરે એકદમ રોમાંચ. અને પછી પ્રમોદ. અત્યંત આનંદ. પ્રિય નહિ, પ્રિયતર નહિ, પણ પ્રિયતમ એવા પ્રભુને જોતાં એટલો બધો આનંદ છલકાય કે જેવો આનંદ દુનિયાની કોઈ પણ વ્યક્તિને મળતાં તમને ન થાય!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૪
દેવાધિદેવ, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની આંતરકથા.
“गच्छइ णायपुत्ते असरणाए” કોઈ પણ ઘટના ઘટી રહી છે. પ્રભુ સ્વની ભીતર ઊંડે ઊંડે ઊંડે ઉતરી ગયા છે. પછી શું ઘટના ઘટી એનો પ્રભુને ખ્યાલ પણ નથી.
દરેક સાધક માટે આવી એક વ્યવસ્થા હોવી જોઈએ. નાનકડું town. એમાં એક શ્રીમંત રહે છે. દીકરાઓ બધા metropolitan cities માં છે. પણ વેકેશનમાં માતા અને પિતાને મળવા માટે બધા જ દીકરા પોતાના પરિવાર સાથે ત્યાં આવે છે. નાના-નાના પૌત્રાઓથી આખું ઘર ભરાઈ જાય છે. બપોરે રસ-પૂરી ખાધા પછી એ નાનકડા દીકરાઓ ધમાલ મચાવી રહ્યા છે. એ વખતે પેલો શ્રીમંત વ્યક્તિ પોતાના એર-કંડીશન બેડરૂમમાં જાય છે. એ.સી. on કરે છે. બારણું બંધ કરે છે. આરામથી એ સૂઈ જાય છે. ત્યાં નથી ઘોંઘાટ. નથી કોઈ કોલાહલ. દરેક સાધક માટે આવો એક ઇનર બેડરૂમ જોઈએ. એવી એક ભૂમિકા હોય, જ્યાં તમે પહોંચ્યા દુનિયાની કોઈ ઘટનાની તમને અસર ન થાય. ધ્યાન તમને ફાવી ગયું. તો ધ્યાન એ ઇનર બેડરૂમ થઇ જાય. તમે ધ્યાનમાં બેસી ગયા, બહાર શું થઇ રહ્યું છે, તમને ખ્યાલ સુધ્ધા નથી.
તો ધ્યાનમાં ગયા એટલે શું થયું? ઉપયોગને તમે ભીતર મૂકી દીધો. ઉપયોગને ભીતર મુક્યો હવે બહાર શું થાય છે, એની ખબર કોને પડશે…! એટલે આપણે એ કોશિષ એ કરી રહ્યા છીએ કે અશુભની અંદર જે આપણો ઉપયોગ સતત ચાલતો હતો. રાગમાં, દ્વેષમાં અહંકારમાં એને સહેજ ઉંચકીએ. શુભ ક્રિયાઓમાં લઇ જઈએ અને શુભની અંદર તમારો ઉપયોગ એકાકાર બન્યો. તો એ ઉપયોગને સ્વની અંદર લઇ જતાં બહુ વાર નહિ લાગે.
હવે સવાલ એ થયો કે શુભની અંદર મનને એકાકાર કરવું છે. પણ કઈ રીતે કરવું? મન એવું ચંચળ છે કે એક મિનિટ શુભયોગમાં સ્થિર થઈને રહેતું નથી. કલ્પસૂત્રના પ્રવચનો હોય ને તો તમારું મન એમાંથી વચ્ચે કેટલી વાર બહાર જતું રહે. ખ્યાલ છે આના પછી આ આવાનું. આના પછી આ આવાનું. અહીંયા અત્યારે તમને interest કેમ પડે છે? નવી- નવી વાતો આવી રહી છે માટે.. એટલે શુભ ક્રિયાનો રસ છે એવું નહિ માનવાનું. એક નવીનતાનો રસ છે. તો હવે આપણે process એ છે, કે શુભ ક્રિયા જે વખતે કરીએ એ વખતે totally આપણું મન એમાં જ હોય.
એના માટે શ્રીપાળ રાસે સાત ચરણો આપણને આપ્યા: એકાગ્રચિત્તતા, પ્રભુએ કહ્યું છે એવી રીતે સાધના કરવાની, અને ત્રીજું ચરણ આપણે ગઈ કાલે જોતા હતાં- ભાવની વૃદ્ધિ. જેમ-જેમ ક્રિયામાર્ગમાં તમે આગળ વધો એમ તમારા ભાવોની વૃદ્ધિ થતી જાય.
એકવાર શંખેશ્વર પ્રભુના દરબારમાં હું હતો. કલાપૂર્ણસૂરિ દાદા પણ એ વખતે ત્યાં પધારેલા. દાદાનું ચૈત્યવંદન ચાલુ હતું. ક્યારેય જોયેલું દાદાનું ચૈત્યવંદન? શિષ્યો ગમે એટલા જોડે હોય, નમુત્થુણં પોતે જ બોલે. અને એક- એક પદ વખતે સાહેબના ચહેરા ઉપર જે ભાવદશા થાય આપણે જોતા જ રહીએ. તો દાદા ચૈત્યવંદન કરતાં હતા. મને મૂંઝવણ થઇ કે ગભારાવાળા દાદાને જોઉં કે આ દાદાને જોઉં…? બે દાદા હતા. એક દાદા ગભારામાં હતા. એક ગૂઢ મંડપમાં હતા. પણ થોડી વાર સુધી કલાપૂર્ણસૂરિ દાદાને જોતો જ રહ્યો, જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. સામે પ્રભુ હતા, માત્ર પ્રભુ હતા. કલાપૂર્ણસૂરિ દાદા માટે શંખેશ્વર પ્રભુની મૂર્તિ સામે નહોતી. સાક્ષાત્ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા હજાર હતા!
મૂર્તિ ચૈતન્યની વાત મેં કરેલી. મૂર્તિ ચૈતન્યના જે તજગણો છે, નિષ્ણાંતો છે, એ કહે છે કે શંખેશ્વર પાર્શ્વનાથદાદા, ગિરનારના નેમિનાથદાદા, અને અંતરીક્ષ પાર્શ્વનાથદાદા આ ત્રણનું મૂર્તિ ચૈતન્ય અત્યંત સશક્ત છે. એવા કોઈ મહાપુરુષના હાથે પ્રાણપ્રતિષ્ઠા થયેલી છે, આ ત્રણે પરમાત્માની કે જેના કારણે આ ત્રણે પરમાત્માનું મૂતિ ચૈતન્ય અદ્ભુત છે. તમે ખાલી ન્યુટ્રલ થઈને, થોડા શાન્ત થઈને. આ ત્રણે દાદાના સાનિધ્યમાં બેસો, literally તમને feel થશે, કે દાદા તમને ખેંચી રહ્યા છે.
એ ગિરનારમાં બચુભાઈ જ્યારે સેવા કરતાં હતાં, ત્યારે એટલી બધી અનુકૂળતા મને એમને કરી આપેલી કે દસથી બાર દિવસ હું ઉપર રહી શકેલો. કલાકો સુધી દાદાની સામે બેસવાનું પણ તૃપ્તિ થાય નહિ. સાંજે આરતી ઉતરે અને દ્વાર બંધ થવાની વેળા હોય, ત્યારે એમ થાય કે બસ, દાદા રાત માટે અમારાથી અદ્રશ્ય થઇ જશે, કાલે સવારે જ મળવાના?! એવું દાદાનું સંમોહક અસ્તિત્વ અનુભવ્યું છે. શંખેશ્વરમાં તો વારંવાર જવાનું થાય. વારંવાર અનુભવ્યું છે. અને અંતરીક્ષજી પહેલીવાર જવાનું છે.
જયઘોષસૂરિ દાદા ઉપર મને અત્યંત ભાવ. પણ એ તો હોય જ આપણને… ગુરુ પ્રત્યે આપણને ભાવ તો હોય જ, પણ એમના મનમાં મારા પ્રત્યે જે ભાવ હતો, એ ભાવની વાત ક્યારેક સાંભળું ત્યારે આંખો ભીની થઇ જાય. કોઈ પણ સરસ લખાણ સાહેબજી જોવે, તરત જ પ્રેમસુંદરને કહી દે: આ યશોવિજયને મોકલી આપો, એને કામનું છે. આટલા મોટા મહાપુરુષ..! એક નાની-નાની બાબતોમાં મને યાદ કરતાં! એટલે મારા માટે અંતરીક્ષજી જવાના બે કારણો છે: એક તો એ દાદાને ભેટવાનું છે, અને બીજું મારા માટે ‘તવ્વયણસેવણા’ છે. એટલા મોટા ગુરુ કહીને ગયા છે કે યશોવિજય! ત્યાં આગળ પ્રતિષ્ઠા કરશે. એટલે મારા માટે એ ગુરુના વચનની સેવા એ પણ એક મહત્વનું કારણ છે. તો આ ત્રણે પરમાત્માનું મૂર્તિ ચૈતન્ય અત્યંત સશક્ત છે. ખાલી ત્યાં બેસો ને તમારા ભાવો વધી જાય. તમારે કાંઈ કરવું ન પડે. પ્રભુ આપી દે બધું.
ચોથું ચરણ બતાવ્યું, ‘ભવ ભય અતિ ઘણોજી’ સંસારનો ભય લાગે છે. આ એક અલગ જ દ્રષ્ટિકોણ છે. સામાન્યતયા ભવનિર્વેદની વાત આપણે કરીએ છીએ. એનાં કરતાં આ અલગ લયમાં કરાયેલી વાત છે. અને એનો ઈશારો ઉપમિતિની અંદર સિદ્ધર્ષી ગણિએ આપ્યો છે. સિદ્ધર્ષી ગણિ પ્રભુને કહે છે કે પ્રભુ! તું આખી દુનિયાને છોડીને જઈ શકે. પણ તું મને છોડીને કેમ જઈ શકે? હું તારું બાળક! એક માઁ બાળકને છોડીને કેમ જઈ શકે?!
અને એ વખતે ઉપમિતિમાં સિદ્ધર્ષી ગણિએ એક બહુ મજાની રૂપક કથા આપી છે. એક હરણી, શિયાળાની સવારે એના નાનકડા બચ્ચા સાથે, ઘાસ આરોગવા માટે નીકળી છે, એક બાજુ માઁ ઘાસ ખાઈ રહી છે. બીજી બાજુ એનું નાનકડું બચ્ચું છે. બચ્ચા માટે તો માઁ એટલે પૂરી દુનિયા. માઁ બાજુમાં છે, બચ્ચાને કોઈ વિચાર નથી. અચાનક એ જ ક્ષણે બચ્ચું મોઢું ઊંચું કરે, એની પલકો- આંખો ઉંચી થાય, જોવે માઁ નથી. ધ્રાસકો પડે! માઁ નથી! માઁ ક્યાં ગઈ? પેલા વૃક્ષોના ઝૂરમુખ પાછળ હશે? ત્યાં જોયું, માઁ દેખાતી નથી, પેલા લત્તા મંડપની પાછળ હશે. ત્યાં જોયું, ત્યાં પણ માઁ દેખાતી નથી. સિદ્ધર્ષી ગણિ પ્રભુને કહે છે કે પ્રભુ! માઁ નથી દેખાતી અને એ વખતે એ નાનકડા બચ્ચાના અસ્તિત્વ પર જે ભય ડોકાઈ રહેલો હોય, એવો જ ભય અત્યારે મારા અસ્તિત્વમાં છે. તું મારી અંદર રહેલા આ ભયને જોઈ શકે છે? એ નાનકડું બચ્ચું ભયભીત થઇ ગયું. અહીંથી વાઘ આવશે, અહીંથી સિંહ આવશે. મને મારી નાંખશે. પ્રભુ! તું નથી તો મારી હાલત કેવી? હું અરક્ષિત થઇ ગયો. ક્રોધ, રાગ, અહંકાર બધા જ મારા ઉપર હુમલો કરી શકે. પ્રભુ! તારા વગરના મારા અસ્તિત્વ ઉપર જે ભય દેખાઈ રહ્યો છે, એ તારી નજરમાં પડે છે? પ્રભુને પૂછે છે? પણ સિદ્ધર્ષી પૂછી શક્યા, કારણ એ પ્રભુ રૂપી માઁ ના બાળક હતા.
આજે આપણે એક મજાની વાત કરીએ. પ્રભુ માઁ છે.. છે.. ને છે… તમે એના બાળક ખરા? તમે જો બાળક બની જાવ ને, તો તમને કેટલો મોટો વિશેષાધિકાર મળી જાય! એક બાળક છે, સાંજે સ્કુલથી આવ્યું. એની વોટરબેગ જે છે થોડી જૂની થઇ ગઈ છે. એને એના કલીગની વોટરબેગ જોઈ, મરુન કલરની, ઇગલની, એકદમ fresh મજાની સાંજે આવીને કહી દીધું, માઁ આ વોટરબેગ મારે નહિ ચાલે. મરુન કલરની સરસ મજાની flask મારા માટે તું લઈને આવ. દીકરાને માત્ર કહેવાનું જ છે. માઁ રાત્રે શોપિંગ કરીને એવી બેગ લઇ આવશે. અને સવારે દીકરો સ્કુલે જવા તૈયાર થશે ત્યારે હોંશે હોંશે એના ખભા ટાંગી દેશે. એ બાળક છે. બાળકનો એક logo છે: I have not to do anything absolutely. મારે કંઈ કરવાનું નથી. જે કરવાનું છે એ માઁ કરશે. મારે તો ખાલી કહી દેવાનું છે મારે આ જોઈએ. એમ તમે જો પ્રભુ રૂપી માઁ ના બાળક બની જાવ, તમારે કહી દેવાનું પ્રભુ મને મોક્ષ આપી દે. અને એ માઁ મોક્ષ આપી દેશે. અને એટલે જ ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું: “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે.” પ્રભુ કહે છે, લે મોક્ષ આપી દઉં હું તને…
હવે સવાલ એ થયો, કે પ્રભુ તો માઁ છે જ. આપણે એના બાળક બનવાનું. તો એક બાળકની સજ્જતા શું હોય? છ મહિનાનું એક અબોધ શિશુ, એના માટે આખી દુનિયા માઁ માં પર્યવસિત થાય છે. એ બાળકની પથારી ભીની થઇ, એ શું કરશે? માઁ ની સામે જોશે, રડશે. એને ભૂખ લાગી, એ શું કરશે? માઁ ની સામે જોશે. એને પેટમાં દુઃખવા આવ્યું, એ શું કરશે? માઁ ની સામે જોશે. એટલે એના માટે માઁ જ પૂરી દુનિયા છે. એ માઁ એ બાળક માટે રાત- પરોઢિયા કરે, માઁ તો કરે જ, મારું બાળક છે. બાળકની સજ્જતા આ થઇ. એ બીજું કશું જ કરતો નથી. એના મનમાં, એના હ્રદયમાં એક વાત સ્પષ્ટ થઇ ગઈ, આ માઁ. અને એ માઁ સિવાય દુનિયામાં મારા માટે કોઈ છે નહિ. ક્યારેક માઁ બાળકને ઊંચકીને જતી હોય, સહેજ અંધારું હોય રાતનું, માઁ નો પગ સહેજ ખાડામાં પડે, બાળક એકદમ મોઢું ઊંચું કરે, સહેજ અજવાળું હોય, જોઈ લે, માઁ છે. આરામથી ઊંઘી જાય પાછો. એના માટે બીજું કાંઈ જ નથી. માઁ છે બસ. આપણી દ્રષ્ટિ આ પ્રભુ માઁ ઉપર કેટલી સ્થિર થયેલી છે? કોઈ પણ problem હોય, પ્રભુ માઁ એને solve કરે. મારે કોઈ problem solve કરવો નથી.
ઘણા દીકરાઓ મારી પાસે આવેલા હોય છે, હવે એ ૧૯-૨૦ વર્ષની વય હોય, દીકરીઓમાં પણ એવું થાય, ૨૦-૨૧ વર્ષની વય હોય, અહીંયા આવેલી હોય, તો અહીંયા પણ એને ગમે, દીક્ષાનો માર્ગ પણ ગમે? અને ઘરે જાય તો સંસાર પણ ગમે. એટલે એ અવઢવમાં હોય છે કે શું કરવું? ક્યારેક એવું બને કે કોકના માટે કે એની ઈચ્છા પૂરી છે ૧૦૦% દીક્ષાની. ઘરેથી સંમતિ મળતી નથી. આવા તમામ દીકરા-તમામ દીકરીઓને હું એક જ વાત કહું, કે પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દેવાનો. પ્રભુને કહેવાનું તારા માર્ગ પર દોડવા માટે આવવું છે, તારે દોડાવવો હોય તો અનુકૂળતા કરી આપ. નહિતર બેઠો છું અહીંયા. ભક્ત તો બહુ જ સ્પષ્ટ છે. તારે મોક્ષમાં લઇ જવો હોય તો લઇ જા. નહીતર અહી બેઠો છું. મારે કોઈ ઉતાવળ નથી.
તો પ્રભુ રૂપી માઁ ના આપણે બાળક બનવું છે. અને એ બાળક આપણે બની ગયા, પછી આપણે કંઈ કરવાનું નથી. સાધનાના જે પડાવે આપણને મુકવાના છે એ પડાવે પ્રભુ આપણને મૂકી દેશે. પણ, માત્ર પ્રભુ માઁ જ યાદ આવે. કોઈ પણ problem તમારો હોય, માત્ર પ્રભુને યાદ કરો.
આજે તો પૂરા વિશ્વમાં પ્રાર્થનાનું એક વાવાઝોડું ફેલાયેલું છે. Christianity પ્રાર્થનામાં બહુ જ માને છે. એ Christianity ને કારણે પણ વિશ્વમાં પ્રાર્થનાનું એક વાવાઝોડું ફેલાયેલું છે. માત્ર પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુ On that very moment એ પ્રાર્થનાને સાકાર કરશે. On that very moment..! હૃદયથી જો પ્રાર્થના થયેલી છે, તો બીજી મિનિટ લાગતી નથી. On that very moment એ activate થાય છે. બીજું કાંઈ જ કરવાનું નથી.
અમારો ખ્યાલ છે એને જીવન સમર્પિત કર્યું અમે, પછી મારી ચિંતા મેં ક્યારે પણ રાખી નથી. અને બધા શિષ્યોને કહું છું, કે તમે તમારી ચિંતા કરતા નહિ, પ્રભુને બધું જ સોંપી દેજો. એક ક્ષણ વિભાવમાં ન જવાય. ગમે તેવું નિમિત્ત ભલે ને હોય, પ્રભુનું સુરક્ષાચક્ર આપણી પાસે હોય, આપણને કયો વાંધો આવે? પ્રભુ એવું સુરક્ષાચક્ર આપે છે, એક સેકંડ માટે તમે વિભાવમાં ન જઈ શકો. સંસારમાં તમે હોવ, છતાં વિભાવ તમને તીવ્રતાથી સ્પર્શે નહિ, એવું સુરક્ષાચક્ર પ્રભુ તમને આપવા તૈયાર છે. શ્રાવકપણામાં પણ આ મળી શકે. સામાન્ય રાગ- દ્વેષ કદાચ થઇ જતાં હોય, પણ જે વિશિષ્ટ રાગ અને દ્વેષ થાય છે એ પ્રભુના સુરક્ષાચક્રમાં તમે આવ્યા; ગયું… હવે એ ભૂતકાળની ઘટના બની ગઈ. હજારો સંતો આ સુરક્ષાચક્રનો અનુભવ કરી ચુક્યા છે.
હા, અમારે પણ એની આજ્ઞાને સમર્પિત થવાનું છે. અમે એની આજ્ઞાના પાલનમાં ચુંક કરીએ તો સુરક્ષાચક્ર થોડુક ઓછું કામ કરે એમ બની શકે. પણ અમે એની આજ્ઞાને સંપૂર્ણતયા વફાદાર હોઈએ તો એનું સુરક્ષાચક્ર બરોબર કામ કરે. અને એના માટે પણ શાસ્ત્રોએ બે વાત કરી, પ્રભુની પૂર્ણ આજ્ઞાનું પાલન હું પણ કરી શકતો નથી. મારા શરીરની નબળાઈ છે. માર મનની પણ નબળાઈ છે. પણ એક વસ્તુ હોવી જોઈએ, પ્રભુની દરેક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર હોવો જોઈએ. એક પણ પ્રભુની આજ્ઞા. તીવ્ર આદર! મારા પ્રભુની આજ્ઞા! આંખમાં ઝળઝળિયાં આવે. મારા પ્રભુએ કહ્યું છે! આ કેટલી સરસ વાત! સરસ જ હોય ને, મારા પ્રભુએ કહી છે! તો પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર તમે પણ રાખી શકો છો. તમારા મનમાં એ ઈચ્છા છે, મુનિ બનવું છે. મુનિ બનીને પ્રભુની આજ્ઞાને પૂર્ણ રૂપે મારે પાળવી છે. એટલે અત્યારે પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદર તમારી પાસે આવી ગયો છે.
તો પ્રભુરૂપી માઁ ના આપણે બાળક બનવું છે. અને એકવાર આપણે બાળક બની ગયા, પછી જે સાધનાના પડાવે આપણને મુકવાના છે, એ પડાવે પ્રભુ આપણને મૂકી દેશે.
મારો એક અનુભવ કહું, પચ્ચીસ એક વર્ષનું મારું વય, અને એકવાર મને થયું કે મારે યોગની દુનિયામાં જવું છે. રસ એ બાજુનો જ હતો. આપણે ત્યાં ઘણા મહાત્મા હતા, યોગમાં ઊંડા ઉતરેલા. પણ સાધુ જીવનમાં વિહાર યાત્રા હોય અમારી, વિહારયાત્રામાં કયા મહાત્મા ક્યારે ભેગા થાય, એમની અનુકૂળતા કેટલી હોય, અમારી કેટલી હોય. ખ્યાલ તો આવે નહિ. તો એક વખત વિચાર થયો, કે વિહાર કરીને હરિદ્વાર કે ઋષિકેશ જવું… દિલ્લીથી નજીકમાં જ છે. ત્યાં યોગીઓ ઘણા બધા છે. અને યોગ એટલે યોગ. તો એવા યોગીઓ પાસે જઈને યોગને એકદમ સશક્ત મારે બનાવવો. આ વિચાર આવ્યો. એ દિવસે શરીર બહુ થાકેલું હતું. બપોરે થોડીવાર હું આરામમાં બેઠો. જ્યાં સૂતો અને અચાનક આભાસ થયો. આભાસ એવો થયો કે જાણે કે પ્રભુ મને કહેતાં હતા… કે દીકરા! તારે ક્યાંય બહાર જવાની ક્યાં જરૂર છે? તારે જે વખતે જે જોઈએ એ આપવા માટે હું બેઠો છું. હું બેઠો થઇ ગયો.
યોગની દુનિયામાં જવાનો રસ પણ હતો અને થોડોક rationalist પણ હતો. એટલે મનમાં શંકા થઇ, કે આ મારો આભાસ હતો કે વાસ્તવિકતા હતી? પણ એ પછી મેં જોયું, બે જ દિવસમાં એક ભાઈ મારી પાસે આવ્યા, યોગનું એક સરસ પુસ્તક લઈને આવ્યા. મને કહે તમે આ વાંચ્યું છે? હવે એ વખતે એટલું બધું હું વાંચતો, સેંકડો પુસ્તકોનો થપ્પો મારી પાસે હોય, હું વાંચ્યા જ કરતો હોઉં, સવારથી સાંજ સુધી… અને મારા રસના પુસ્તકો મારી નજર બહાર હોય એવું બને નહિ. પણ આ પુસ્તક મેં જોયેલું જ નહિ. તો એ ભાઈ મને કહે હું તમને આપવા જ આવ્યો છું. મેં વાંચ્યું, પહેલું પાનું ખોલ્યું, જ્યાં મારી સાધના આવીને ઉભેલી હતી, ત્યાંથી જ એ પુસ્તક શરૂ થતું હતું. એટલે એ પુસ્તકે મારી સાધનાને થોડી આગળ વધારી. એ પત્યું ત્યાં એક સાધક મને મળવા માટે આવ્યા. એ કહે આપણે સાધનામાં રૂચિ છે, માટે હું મળવા આવ્યો છું. મેં કહ્યું: તમારી સાધના કઈ રીતે ચાલે છે? તો એમણે એ રીતે વાત કરી કે મારી સાધના જ્યાં આવીને ઉભી હતી ત્યાંથી એમની આગળ ચાલેલી હતી. મને આખું linking મળી ગયું. પછી કોઈ બીજું પુસ્તક આવે, બીજો કોઈ સાધક આવે, આ રીતે યોગની ટોચ પર પહોંચવા માટે કોઈ યોગી પાસે મારે જવું ન પડ્યું. પ્રભુએ ઘરે બેઠા વ્યવસ્થા કરી આપી.
એટલે પ્રભુ બધી જ ખબર રાખે છે આપણી. A to Z. તો ભાવની વૃદ્ધિ. આવા પ્રભુ આપણને મળ્યા! કેટલો બધો ભાવ છલકાય! અને એ ભાવ છલકાયો છે. પ્રભુ જોડેની એક એકાકારતા દ્રઢ બની છે ત્યારે સંસારનો કંટાળો આવે છે. એ આખી અલગ વસ્તુ છે. પેલામાં શું હતું? સંસાર ખરાબ છે માટે રહેવાતું નથી. અહીંયા એ વાત છે કે પ્રભુ વિના એક ક્ષણ હું આ સંસારમાં રહી શકું નહિ. આખો લય બદલાઈ ગયો. એ પ્રભુનું સંમોહન એવું લાગ્યું છે, કે ભલે આ પણ પરમચેતના છે. મૂર્તિમાંથી વહેતી. પણ મારે તો સાક્ષાત્ મારી માઁ ની જોડે જઈને બેસવું છે. સિદ્ધશિલામાં જઈને એની જોડે મારે બેસવું છે. અને આ ઈચ્છા એટલી બળવત્તર બને કે પ્રભુની ભક્તિ કરીશ અહીંયા બધું જ કરીશ. પણ આ સંસારમાં રહેવું નથી. મારે જવું છે ત્યાં સિદ્ધશિલા ઉપર. પણ આખો લય બદલાઈ ગયો. પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકતો નથી. મારે પ્રભુની સાથે ને સાથે રહેવું છે. અહીંયા તો થોડીવાર પ્રભુ સાથે રહ્યો અડધો કલાક, કલાક.
એક કલાક દેરાસરમાં રહો ને, પછી શું કરો આમ? પછીની એક સરસ વિધિ બતાવું… એક કલાક પછી તમારે દેરાસરમાંથી નીકળવું પડે એમ છે. તો પ્રભુને કહેવાનું કે, પ્રભુ! બે વાત છે, કાં તો હું તારી જોડે રહું, કાં તો તું મારી જોડે રહે. વાત તો એકની એક જ છે ને. એક કલાક હું તારી જોડે રહ્યો. હવે મારે બીજા બધા કામો છે, હું દેરાસરમાં રહી શકતો નથી. તું મારી જોડે ચાલ. પ્રભુ તમારી જોડે રહેશે. પ્રભુ તમારી સાથે જ છે. તમે એકલા ક્યારેય હોતા જ નથી. માત્ર પ્રભુને પ્રાર્થના કરો, કે હું તારી જોડે રહી શકું એમ નથી. પણ તો ફરક શો પડ્યો? આ સમીકરણ હોય કે આ સમીકરણ હોય, result તો એક જ છે. હું તારી જોડે હોઉં કે તું મારી જોડે હોય, વાત તો એક જ છે. તો એક કલાક હું તારી જોડે રહ્યો, હવે ૨૩ કલાક તારે મારી જોડે રહેવાનું. પ્રભુ તૈયાર… તમે તૈયાર? બોલો અમારી સાથે પ્રભુ ૨૪ કલાક રહે. તો તમારી જોડે કેમ ન રહે… પ્રભુ વીતરાગ છે. એને કોઈ ભેદભાવ છે? કે આ માણસ સારો અને આ માણસ ખરાબ. એને તો બધા સારા જ છે. તો અમને પ્રભુ ૨૪ કલાક મળે, તમને કેમ ન મળે?!
એટલે બે વસ્તુ કરવી છે: અત્યારે ૨૪ કલાક પ્રભુની સાથે રહીએ એવી એક વ્યવસ્થા ગોઠવવી છે. પણ એનાથી પણ સંતોષ થતો નથી. અહીંથી વળી દેવલોકમાં જાઉં કદાચ, અને ત્યાંના ભોગ-વિલાસમાં પ્રભુ હું તને ભૂલી જાઉં તો?
એટલે મારે તો શાશ્વતીના લયનું તારું મિલન જોઈએ. તારી સાથે શાશ્વતકાળ સુધી રહેવાનું. પછી બીજી કોઈ ગતિ નહિ. બીજો કોઈ લોક નહિ. ન મનુષ્યલોક, ન દેવલોક, કોઈ લોક નહિ, કોઈ ગતિ નહિ. માત્ર પંચમગતિ. માત્ર સિદ્ધોનો લોક. બીજો કોઈ લોક નહિ. તો આ એક જ્યારે ભૂમિકા આવે છે કે પ્રભુ વિના રહેવાતું નથી. આ જનમમાં પ્રભુ મળ્યા, આવતાં જનમનું શું? એના પછીના જનમનું શું? એના પછીના જનમનું શું? ક્યારેક પ્રભુ મારા હૃદયમાંથી જતાં રહે તો શું થાય? પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. અને એટલે પ્રભુ સાથે શાશ્વતીના લયમાં ૨૪ કલાક રહેવું છે. માટે મોક્ષ જોઈએ છે. સંસાર ખટકે છે.
આ અર્થમાં અહીંયા ભવનિર્વેદ આવે છે કે પ્રભુ એવા ગમે છે, એની સાથે જ રહેવું છે. બીજાની જોડે રહેવું ગમતું નથી. રહેવું પડે એ અલગ બાબત છે. પણ બીજાની જોડે રહેવાનું ગમતું નથી. એકવાર પ્રભુનો આસ્વાદ મણાઈ ગયો. બીજા આસ્વાદ ફિક્કા લાગે.
સ્તવનામાં ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું: “જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી” અને પછી દ્રષ્ટાંત આપે છે.. “ચાખ્યો રે જેણે, અમી લવલેશ” અમૃતનો ઘૂંટડો જેને ભરી લીધો. “બાકસ બુક્સ તસ ન રૂચે કિમેજી.” અમૃતનો ઘૂંટડો જેણે પી લીધો એને બીજું કંઈ પછી ગમતું નથી. એમ પ્રભુ એકવાર તારો આસ્વાદ મળી ગયો, હવે બીજું કશું જ તારા વગરનું મને ગમતું નથી. આ ચોથું ચરણ ભવનિર્વેદ.
પાંચમું ચરણ વિસ્મય. આ એક બહુ મજાનું છે. એક કલાક માટે પણ પ્રભુ સાથે મળવું છે, પણ એ મળવા માટેનું દ્વાર કયું? વિસ્મય. આશ્ચર્ય. ઓહ..! મારા ભગવાન! આ ધર્મનાથ દાદા એટલે જયપૂરથી આવેલા નહિ. સિદ્ધશિલા પરથી આવેલા. Personally for us. અમારા જવાહરનગર માટે આ ધર્મનાથ દાદા સિદ્ધશિલા પરથી અહીંયા આવી ગયા છે. અને એ પ્રભુની ભક્તિ મારે કરવાની છે… એ પ્રભુનો સ્પર્શ કરવાનો છે મારે? આ વિસ્મય, આશ્ચર્ય. આ કયા ભગવાન છે! સિદ્ધશિલા પરથી આવેલા છે. એક વિસ્મય, આશ્ચર્ય. અને પ્રભુ મિલનની દુનિયામાં તમારો પ્રવેશ. રૂટિંનની જે ક્રિયાઓ છે. એમાં તમે એક પણ ક્રિયા સાથે એકાકાર બની શકતા નથી. સામાયિક કરી લીધું. પ્રતિક્રમણ કરી લીધું, મન ક્યાંનું ક્યાં ફરતું હોય. આશ્ચર્ય થાય ત્યારે શું થાય છે? મન સ્તબ્ધ થાય છે.
એક તીર્થમાં ગયા, ભોંયરું, વિશાળ પરમાત્મા, ઓહો આટલા મોટા પરમાત્મા! આટલા સરસ પરમાત્મા! આશ્ચર્ય થાય. એ આશ્ચર્ય થાય એની સાથે તમે પ્રભુ મિલનની દુનિયામાં પ્રવીસી ગયા. બાકી અત્યારે દર્શન પણ થઇ જાય. પૂજા પણ થઇ જાય, અને પ્રભુ સાથે તમારું મિલન થોડીક ક્ષણો માટે પણ ન થયેલું હોય. ક્રિયા રૂટિંન થઇ ગઈ. એ દેરાસરમાં કોઈનો કોઈની સાથે કંઈક ઝઘડો થઇ ગયો, એ યાદ રહે પાછો! તો પ્રભુની પૂજા વખતનો આનંદ પાછળથી યાદ આવે છે?
તમે અષ્ટપ્રકારી પૂજા કરી અને ચૈત્યવંદન કરતાં હોવ, તમારી પૂજાની પેટી ખુલ્લી હોય અને તમારી પૂજાની પેટીમાં શું- શું ન હોય, કેસરની ડબ્બી અડધી ખુલ્લી પડેલી છે. ચંદનનો ગઠ્ઠો છે, ધૂપસ્ટીકની ડબ્બી છે. અને એમાં એક ભાઈ બહારથી આવ્યા. તમારી પેટી બાજુમાં પડેલી, એમને દેખાયું નહિ, પેટીને એમનો સીધો પગ લાગ્યો. પેટી આમ… કેસરની ડબ્બી આમ… બધું કેસર નીચે પડી ગયું. ધૂપસ્ટીક બધી વિખેરાઈ ગઈ. એ વખતે તમને શું થાય બોલો..? તમને ગુસ્સો થાય છે અત્યારે, એ મને ખ્યાલ છે. પણ ખરેખર શું થવું જોઈએ? તમે એને કહો, અરે વાહ! ધન્યવાદ! શું તમારી પ્રભુ ભક્તિ! તમે દેરાસરના પગથિયા ચડ્યા હશો. પ્રભુ તમને દેખાયા. તમે પ્રભુમાં કેટલા એકાકાર બની ગયા, મારી પેટી તમને દેખાઈ નહિ, ધન્યવાદ તમને. આ એંગલ નથી. તમને પ્રભુ જ માત્ર દેખાતા હતા, માટે મારી પેટી નહિ દેખાઈ. વિસ્મય.
વિસ્મય પછી પુલક. પુલક એટલે રોમાંચ. ભગવાનને જોતા આંખો ભીની ભીની બને. ગળે ડૂસકાં બાજે. અને શરીરે એકદમ રોમાંચ. પાલીતાણામાં મારું ચોમાસું, ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં. એ વખતે કલાપૂર્ણસૂરિ દાદાનું ચોમાસું પણ પાલીતાણામાં હતું. પર્યુષણ પછી એમ.પી. માંથી એક ગુરુદેવના ભક્ત ગુરુદેવને વંદન કરવા માટે આવ્યા. કલાપૂર્ણસૂરિ દાદાને એમને વંદન કર્યું. તો દાદાએ કહ્યું કે આમ તો તમે વંદન કરવા કોઈ ગામમાં આવો, અમે ચોમાસું હોઈએ ત્યાં, ત્યાં અમે એકલા જ હોઈએ, અમારું વૃંદ હોય. આ તો પાલીતાણા છે. અનેક આચાર્ય ભગવંતો અહીંયા છે, એટલે તમે બધા જ આચાર્ય ભગવંતોને વંદન કરી લેજો.
એ પતિ-પત્ની વાવ પંથક ધર્મશાળામાં પણ આવ્યા. ગુરુદેવને વંદન કર્યું, પછી મારી રૂમ તરફ આવે છે. એમાં શ્રાવિકાજી મારા રૂમમાં આવી ગયા, શ્રાવક બહાર કોકની જોડે વાતો કરતાં હતા. તો શ્રાવિકાજીએ, હું તો એમનાથી બિલકુલ અજાણ હતો પણ એક સરસ વાત કરી કે સાહેબજી! અમારા શ્રાવકજી હમણાં જ આવશે. હું ઈશારો કરીશ, એ શ્રાવકજીને ગુરુદેવ કલાપૂર્ણસૂરિ દાદા પ્રત્યે એટલો બધો ભાવ છે, કે કોઈ પણ વ્યક્તિ દાદાનું નામ લે તો એમના રૂંવાળા ખુલી જાય છે. મને થયું કે શાસ્ત્રોમાં આ વાત વાંચી છે. અને આંખમાંથી આંસુ ઝરતાં ઘણા લોકોને જોયેલા, ગળેથી ડૂમો વહાવતાં ઘણાને જોયા, પણ રીતસર રોમાંચ ખુલી જાય, એવા બહુ ઓછાને જોયા છે. આજે જોઈ લઈએ.
ત્યાં જ પેલા શ્રાવકજી આવ્યા. શ્રાવિકાએ ઈશારો કર્યો આ મારા પતિ. એમણે વંદન કર્યું. પછી મેં કહ્યું કે આ વખતે અમે ચોમાસામાં બહુ લાભ મળ્યો. કલાપૂર્ણસૂરિ દાદાનું ચોમાસું અહીંયા, રોજ સવારે તળેટીએ અમે જઈએ, ત્યારે દાદા તળેટીની સ્પર્શના કરીને પાછા ફરતાં હોય. સવારના પહોરમાં દાદાનું દર્શન અમને થઇ જાય. જ્યાં મેં કલાપૂર્ણસૂરિ દાદાનું નામ લીધું. અડધી બાયનું શર્ટ પહેરીને આવેલા, મેં બે હાથ જોયા, એક-એક રૂંવાળું ખુલી ગયું. મારા ગુરુદેવ..! મારા ગુરુદેવ…! કેટલો ભાવ..! પુલક એટલે રોમાંચ.
અને છેલ્લે સાતમું ચરણ છે પ્રમોદ. અત્યંત આનંદ… આશ્ચર્ય.. રોમાંચ.. અને અત્યંત આનંદ… આમ પ્રભુને જોતાં એટલો બધો આનંદ છલકાય. જેવો આનંદ દુનિયાની કોઈ પણ પ્રિય વ્યક્તિને મળતાં તમને ન થાય. અને એટલે જ આનંઘનજી ભગવંતે કહ્યું: ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો’ પ્રભુ પ્રિય નહિ, પ્રિયતર નહિ, comparative degree માં નહિ, પ્રભુ પ્રિયતમ. Superlative degree માં છે. તમે શું કહો? પહેલી ભૂમિકામાં શું કહો? પ્રભુ ગમે છે. પણ સંસાર પણ ગમે છે. તો બીજી ભૂમિકા આવી. Comparative degree ત્યાં પ્રભુ વધુ ગમે છે. પણ જ્યારે superlative degree માં તમે જાવ. પ્રભુ પ્રિયતમ બને ત્યારે પ્રભુ જ ગમે. પ્રભુ સિવાયનું બીજું કાંઈ ગમે જ નહિ. અ ભૂમિકામાં આપણે આવવાનું છે.
તો આ શુભની અંદર મનને આપણે ભેળવી દઈએ, પછી સ્વમાં એ મનને લઇ જવું, ઉપયોગને લઇ જવો, એ અઘરું કામ નથી.
આવતી કાલથી દીપોત્સવી પર્વને અનુલક્ષીને પ્રભુના નિર્વાણ કલ્યાણકના સંદર્ભમાં આ પ્રવચન શ્રેણી ચાલુ થશે. ખાસ તો પ્રભુએ જે અંતિમ દેશના આપી, સોળ પ્રહરની અંતિમ દેશના. ૪૮ કલાક સુધી પ્રભુ non-stop વરસ્યા… આપણા માટે વરસ્યા…. એ પ્રભુ વરસ્યા તો ખરા એના અમૃત બિંદુઓ શું હતા? એ વર્ષાના અમૃતબિંદુઓની થોડી વાતો આવતી કાલથી આપણે જોઈશું.