વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શાંતિ સ્વરૂપ કિમ પામીએ
શાંતિને પામવાના કુલ આઠ માર્ગ બતાવ્યા. એમાં પહેલો માર્ગ : પ્રભુના વચનો પરની પૂર્ણ શ્રદ્ધા. બુદ્ધિને બાજુમાં મૂકી દેવાની છે. અને બુદ્ધિને બાજુમાં મૂકીએ એટલે અહંકાર પણ બાજુમાં મૂકાઈ જ જવાનો છે. માત્ર અને માત્ર શ્રદ્ધાના સ્તર પરથી પ્રભુના વચનોને પીવા છે અને એ વચનોને ભીતર લઇ જવા છે.
પ્રભુએ જેને ખરાબ કહ્યા એવા રાગ-દ્વેષ-અહંકારને કાઢવાની અને પ્રભુએ જે તત્વોને સુવિશુદ્ધ કહ્યા એવા જ્ઞાન-દર્શન-ચારિત્ર, વીતરાગદશા, સમભાવ, આનંદ વગેરે ગુણોને આત્મસાત્ કરવાની કોશિશમાં આપણે લાગી જઈએ એટલે આપણું મન શાંત બને જ.
શ્રદ્ધા અને સ્વીકાર – આ બેની વચ્ચે ઝાઝું અંતર નથી. શ્રદ્ધા આવ્યા પછી શક્ય એટલી આજ્ઞાનો જીવનમાં સ્વીકાર થાય જ. તમે એમ કહો કે પ્રભુના વચનો પર મને શ્રદ્ધા છે પણ એ વચનોનો સ્વીકાર જીવનમાં થતો નથી; ત્યારે તમારે આંતરનિરીક્ષણ કરવું પડશે કે એ શ્રદ્ધા આભાસી તો નથી ને!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૫
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે પરમતારક શાંતિનાથ પ્રભુના સ્તવનમાં શાંતિના મજાના માર્ગોની ચર્ચા કરી છે. Theme પણ એટલી સરસ વાપરી છે. જાણે કે પોતે પ્રભુને પૂછી રહ્યા છે અને પ્રભુ જવાબ આપી રહ્યા છે. એ theme વાપરવામાં આવી છે. શરૂઆતમાં આનંદઘનજી ભગવંત કહે છે, ‘શાંતિજિન એક મુજ વિનતી, સુણો જગત આધાર રે, શાંતિ સ્વરૂપ કિમ પામિયે’ એ વખતે પ્રભુ બોલતા હોય, એવા પ્યારા શબ્દો આવ્યા, ‘ધન્ય તું આતમા જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે’ વાહ! અશાંતિમાં રહેનારા તો ઘણા હોય છે, પ્રભુએ કહ્યું. પણ મારી પાસે આવીને શાંતિના માર્ગોની યાચના કરનાર તું એક જ નીકળ્યો. ‘ધન્ય છે આતમા તું ને, જેહને એહ પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભળો’ અને એ પછી એક-એક માર્ગની ચર્ચા શરૂ થાય છે.
કુલ આઠ માર્ગ બતાવ્યા છે: પહેલો માર્ગ શાંતિને પામવાનો- પ્રભુના વચનો પરની શ્રદ્ધા. બુદ્ધિને બાજુમાં મૂકી દેવાની છે. બુદ્ધિને બાજુમાં મુકીશું. એટલે અહંકાર પણ બાજુમાં મુકાઈ જવાનો છે. માત્ર અને માત્ર શ્રદ્ધાના સ્તર પરથી પ્રભુના વચનોને પીવાના છે અને પ્રભુના વચનોને ભીતર લઇ જવાના છે.
તો પહેલાં માર્ગની ચર્ચા ત્રીજી કડીમાં શરૂ કરે છે. “ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તિમ અવિતથ સદ્દહે , પ્રથમ એ શાંતિ પદ સેવ રે” પહેલો શાંતિનો માર્ગ આ: પ્રભુના વચનો પરની પૂર્ણ શ્રદ્ધા. પ્રભુએ જેને ખરાબ કહ્યા છે, એને ખરાબ માનવા છે અને ખરાબ માનીને એ તત્વોને કાઢવાની કોશિષ કરવી છે. અને પ્રભુએ જે તત્વોને સુવિશુદ્ધ કહ્યા છે, એ તત્વોને ભીતર લાવવાની કોશિષ કરવી છે. આ કોશિષ શરૂ થઇ તમારું ચિત્ત શાંત, પ્રશાંત બની જશે. રાગ-દ્વેષ-અહંકારને પ્રભુએ ખરાબ કહ્યા છે. એને કાઢવાની કોશિશમાં લાગી જઈએ. જ્ઞાન-દર્શન-ચારિત્ર, વીતરાગદશા, સમભાવ, આનંદ એ બધા ગુણોને આત્મસાત્ કરવાની કોશિશમાં આપણે લાગી જઈએ. એટલે આપણું મન શાંત બને જ.
એક મુનિરાજની નાનકડી વાત તમે જુઓ, એમના ચહેરા ઉપર શાંતિ છે. હૃદયમાં અપાર શાંતિ છે. કારણ શું? રાગને હટાવવા માટે પહેલી સાધના એમને મળી છે… દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ વિશેની અપ્રતિબદ્ધતા. Non-attachment, detachment. મુનિરાજને સૌથી પહેલી સાધના આ detachmentની મળેલી છે. તો દ્રવ્યને વિશે મુનિ અપ્રતિબદ્ધ. આવી જ જાતનું ટેબલ જોઈએ કે આવી જાતનો પાટ જોઈએ. આવી કોઈ પ્રતિબદ્ધતા એની પાસે નથી. જે પણ હોય એ ચાલે છે. એટલે દ્રવ્ય સાથેનું જે જોડાણ રાગાત્મક હતું એ છૂટી ગયું.
બીજી વાત ક્ષેત્ર સાથેનું જોડાણ તૂટી ગયું. પરમાત્માએ નવ કલ્પી વિહાર અમને આપ્યો. શેષ કાળમાં એક મહિનાથી વધારે ક્યાંય રહેવાય નહિ. ચોમાસામાં ચાર મહિના રોકાઈ શકાય. એટલે વારંવાર ક્ષેત્રોને છોડવાના હોવાથી એક પણ ક્ષેત્ર જોડે એનું જોડાણ રાગાત્મક થતું નથી. એ જ રીતે કાળ સાથેની અપ્રતિબદ્ધતા છે. શિયાળો સારો યા ઉનાળો સારો એવી કોઈ વિભાવના મુનિના મનમાં નથી. એ તો કહે છે ઠંડી લાગે તો શરીરને, ગરમી લાગે તો શરીરને, મને ક્યાં કંઈ લાગે છે?! હું તો મારામાં છું. અને છેલ્લે ભાવ અપ્રતિબદ્ધતા. કોઈ મને સારો કહે આવો વિચાર પણ નહિ. કોઈ મને શુદ્ધ ચારિત્રી કહે આવો પણ વિચાર નથી. મને કોઈ શુદ્ધ ચારિત્રી કહે, આવો વિચાર કોઈ પણ મુનિ ક્યારે પણ રાખી શકતો નથી. કારણ, એને માત્ર અને માત્ર પ્રભુનું અને સદ્ગુરુનું સર્ટીફિકેટ જોઈએ છે, લોકોનું નહિ. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેય જગ્યાએ રાગાત્મક જોડાણ ન હોવાથી રાગની પીડા ગઈ. દ્વેષની પીડાને ખતમ કરવા માટે શરૂઆતમાં જ અમને સૂત્ર આપવામાં આવ્યું,
દશવૈકાલિકની હારિભદ્રીય ટીકામાં કહેવામાં આવ્યું, “सर्वजीवस्नेहपरिणाम: साधुत्व” શિષ્ય પૂછે છે? साधुत्व किं नाम:? સાધુત્વ એટલે શું? ગુરુદેવ આપે કૃપા કરી, મને પ્રભુની ચાદર આપી દીધી. પણ મને સમજાવો કે આ શ્રામણ્ય એટલે શું? ત્યારે ગુરુદેવ કહે છે કે શ્રામણ્ય એટલે સર્વ જીવો પ્રત્યેનો સ્નેહનો પરિણામ. બધા પ્રત્યે એકસાથે, એકસરખો, મૈત્રીભાવનો પરિણામ એ શ્રામણ્ય – એ પ્રભુનો સાધુ. એમ બધા જોડે મૈત્રીભાવ આવી ગયો, દ્વેષની વાત ક્યાં રહી…?
અહંકાર હતો, એણે પ્રભુએ ખતમ કર્યો. અહંકાર કેમ થાય? મેં આ કાર્ય કર્યું. પણ શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું, એક પણ સારો વિચાર તમને આવ્યો. એક પણ સારો ભાવ તમને આવ્યો. એ પ્રભુની કૃપાથી આવ્યો છે. સારા વિચારો, સારા ભાવો દ્વાદશાંગીમાં છે. એ દ્વાદશાંગી પ્રભુની આજ્ઞાથી ગણધર ભગવંતોએ રચી છે. જે પણ સારો વિચાર તમારા હૃદયમાં આવ્યો એ ક્યાંથી આવ્યો? એનું મૂળ સ્રોત કયો? એનું મૂળ સ્રોત દ્વાદશાંગી છે.
અને એટલે ધર્મપરીક્ષા ગ્રંથમાં એક બહુ સરસ ચર્ચા થઇ છે. ધર્મપરીક્ષા ગ્રંથ મહોપાધ્યાય યશોવિજય મહારાજ. એમણે અમૃતવેલની સજ્ઝાયમાં જે વાત લખી છે એ જ વાત ધર્મપરીક્ષા ગ્રંથમાં લખી છે. અમૃતવેલની સજ્ઝાયમાં એમણે કહ્યું, “અન્યમાં પણ જે દયાદિક ગુણો તાસ અનુમોદવા લાગ રે” મિથ્યાદ્રષ્ટિ આત્માની અંદર પણ જે ગુણો તમને દેખાય એની અનુમોદના તમે કરજો. તો આ વાત જ્યારે ધર્મપરીક્ષામાં જ્યારે કહેવામાં આવી, ત્યારે સામેથી પ્રશ્ન ઉઠ્યો: કે મિથ્યાદ્રષ્ટિ એટલો ઝેરનું કુંડુ. ઝેરના કુંડામાં અમૃતનું ટીપું નાંખો તો શું થાય? એમ મિથ્યાદ્રષ્ટિ જે ઝેરના કુંડા સમાન છે, એમાં કોઈ ગુણ રહી શી રીતે શકે? એમાં કોઈ ગુણ રહી જ ન શકે.
એ વખતે ઉપાધ્યાય યશોવિજય મહારાજે લાકડી ઉગામી છે. એમણે કહ્યું: કે જે પણ સારપ દુનિયાની અંદર છે, જે પણ ગુણો જ્યાં પણ છે, એનું મૂળ સ્રોત દ્વાદશાંગી છે. કોઈ પણ વ્યક્તિમાં રહેલા, કોઈ પણ ગુણની તમે નિંદા કરો, તો તમે માત્ર એ વ્યક્તિની નિંદા નથી કરતાં, દ્વાદશાંગીની નિંદા કરો છો. તો ત્યાં તો એમણે એમ કહ્યું: અન્યમાં પણ જે દયાદિક ગુણો, તાસ અનુમોદવા લાગ રે- અને એના અનુસંધાનમાં અતિચારની અંદર અન્ય સંસ્તવ એ અતિચાર આવ્યો, દર્શનાચારમાં. એટલે કે બીજામાં રહેલ ગુણની અનુમોદના તમે કરી શકો છો. પ્રશંસા નથી કરી શકતા.
હવે પ્રશંસા કેમ નથી કરી શકાતી એની પણ વાત કહે છે…અત્યારે કોઈ સંત છે, હું એમને મળેલો છે, મેં એમની આંતરિક દશા જોયેલી છે, એમની આંતરિક બહુ જ ઉંચી હોય, એવું મને લાગેલું પણ હોય. એમના એ ગુણથી હું પ્રભાવિત પણ બનેલો હોઉં, પણ એ અનુમોદના હું કરીશ. અત્યારે રહેલા એ સંતના ગુણોની પ્રશંસા હું નહિ કરું. પ્રશંસા એટલા માટે નહિ કરું, કે મારી પ્રશંસા સાંભળી સેંકડો લોકો ત્યાં આગળ જાય, તો ત્યાં આચાર હિંદુ પરંપરા પ્રમાણેનો હશે. એ ઘાસની લોન પર બેઠેલા હશે કદાચ, પંખા- બંખા ચાલતા હશે, અને બીજી પણ પ્રવૃત્તિઓ ચાલતી હશે. એને થાય અરે આ…! આ વળી સંત કહેવાય? એટલે અન્ય સંસ્તવની ના પાડી. પણ એનો અપવાદ એ છે, કે વિદેહ થયેલા કોઈ પણ સંત હોય, એના ગુણની પ્રશંસા કરવાની છૂટ છે.
રમણ મહર્ષિના ગુણની વાત હું કરીશ. રામકૃષ્ણ પરમહંસની નિઃસ્પૃહતાની વાત હું કરી શકીશ. કારણ શાસ્ત્ર મને ના નથી પાડતું. અમે લોકો શાસ્ત્રને આધારે જ ચાલીએ છીએ. શાસ્ત્ર એ જ અમારો પ્રાણ. પણ શાસ્ત્રને ઊંડાણથી સમજવાની દ્રષ્ટિ એ બહુ વિરલા પાસે હોય છે. ગીતાર્થનો મતલબ આ જ છે. જેણે શાસ્ત્રોને પીધા છે. વાંચ્યા છે એમ નહિ કહું, આત્મસાત્ કર્યા છે. એનું જીવન એ શાસ્ત્ર હોય.
હું ઘણીવાર મારી વાચનામાં કહું કે મારે live editions જોઈએ ગ્રંથોના. ગ્રંથો તો છે, પણ એ ગ્રંથોના live editions જોઈએ. દશવૈકાલિકનું પાંચમું અધ્યયન ભિક્ષાના દોષો ઉપર કેન્દ્રિત થયેલું છે. કે એવા કોઈ મુનિ હોય, એવી કોઈ સાધ્વીજી ભગવતી હોય કે જે કોઈ પણ સંયોગોમાં આહારનો દોષ લગાવવા તૈયાર નથી. બિલકુલ નિર્દોષ ગોચરી જ જેને લાવવી છે, એવા મુનિને કે એવી સાધ્વીજીને હું દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનનું live edition કહીશ.
એ જ રીતે જ્ઞાનસારના મૌનાષ્ટકનું live edition તમારે બનવાનું છે. આ વર્ષની સાધના કઈ છે તમારી? જ્ઞાનસારનું મૌનાષ્ટક. એનો પહેલો અડધો શ્લોક. એને ઘૂંટવા માટે આખું વર્ષ આ લોકોને મેં આપ્યું છે. એક વર્ષની સાધના શું? જ્ઞાનસારના ૩૨ અષ્ટક, એક અષ્ટક મૌનાષ્ટક, ૧૩મું, એના આઠ શ્લોકો, એમાં પણ પહેલો આખો શ્લોક નહિ, અડધો શ્લોક. એ અડધા શ્લોકને એક વર્ષમાં ઘૂંટવાનો. તમને થશે કે એ અડધા શ્લોકમાં છે શું? “मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः।” આ અડધો શ્લોક. જે જગતને વાસ્તવિક રૂપે જાણે તે પ્રભુનો મુનિ, તે પ્રભુની સાધ્વી. આટલું જ છે. “मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः।” જગતના તત્વોને વાસ્તવિક રૂપે જે જાણે, તે મુનિ.
સામાન્યતયા, દ્રવ્ય-ગુણ ને પર્યાય. ૩ વસ્તુ છે. પહેલાં આપણે દ્રવ્ય અને પર્યાય આ બે ને લઈએ. ષટ્દ્રવ્ય છે. ધર્માંસ્તિકાય, અધર્માંસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, બધા દ્રવ્યો છે, પણ આપણે focusing આત્મદ્રવ્ય ઉપર કરવું છે. પર્યાય એટલે ઘટનાઓ. ક્ષણે ક્ષણે પર્યાયો બદલાતાં રહે છે. તો હવે વાસ્તવિક રૂપે તમે જગતના તત્વોને જાણ્યા ક્યારે કહેવાય? કે પર્યાયો માત્ર તમે જોઈ લો. એક પણ પર્યાયમાં તમારે જવાનું નથી. તમારા મનનો પ્રવેશ એક પણ ઘટનામાં થવો ન જોઈએ. ઘટના, ઘટના છે, તમે, તમે છો. ઘટનામાં તમારે જવાનું નથી.
તો પર્યાયોમાં, ઘટનાઓમાં જવું નથી. અને આત્મદ્રવ્ય જે છે એમાં જવું છે. એની અનુભૂતિ સતત કર્યા કરવી છે. તો આત્મદ્રવ્યની અનુભૂતિ જે સતત કરે, અને પર્યાયોમાં જે બિલકુલ જાય જ નહિ. એ પ્રભુનો મુનિ, એ પ્રભુની સાધ્વી. બરોબર? નિશ્ચય દીક્ષા હવે લેવાની છે. આ વ્યવહાર દીક્ષા તો મળી ગઈ. સદ્ગુરુની કરૂણાથી. નિશ્ચય દીક્ષા બાકી છે તમારી. એ નિશ્ચય દીક્ષા તમને ક્યારે મળશે…? આ જ્ઞાનસારના મૌનાષ્ટકના પહેલાં અડધા શ્લોકને તમે આત્મસાત્ કરશો ત્યારે. એક-એક ઘટનામાં મન જાય! તમારા ઉપયોગની કિંમત પ્રભુને છે. પ્રભુ કહે છે તારો આ નિર્મળ ઉપયોગ! એને તું કચરામાં નાંખે છે! પેલાએ આમ કીધું ને, પેલાએ આમ કીધું…. અરે દુનિયામાં આ બધી ઘટનાઓ ઘટ્યા જ કરવાની છે. આપણા અનંતા જન્મોની અંદર અનંતી ઘટનાઓ ઘટી ગઈ. ઘટનાઓ તો ઘટવાની જ છે. એ ઘટનાઓના કચરાની અંદર તમે તમારા ઉપયોગને નાંખો છો?!
ક્યારેક એવું બને કે નહિ, કે એક મિત્ર તમારે ત્યાં આવ્યો, તમે એટલા બધા ગૂમસૂમ હતા વિચારોમાં… ઘટનાના, કે મિત્ર આવ્યો તમને ખબર જ નથી. એ દશ મિનિટ બેઠો તમારી જોડે તમને ખબર નથી. એ ચાલ્યો ગયો. અઠવાડિયા પછી આવ્યો તમે સ્વસ્થ હતા. એ મિત્ર પૂછે છે, અઠવાડિયા પહેલા કયા વિચારોમાં તું ડૂબેલો હતો? હું આવ્યો, તારી જોડે દશ મિનિટ બેઠો. તને ખબર પડી નહિ. કઈ ઘટના ઘટી હતી? કયા વિચારોમાં તું હતો? અને એ વખતે પેલો યાદ કરે છે કે હા, કંઈક હતું તો ખરું, અઠવાડિયા પહેલાં પણ શું હતું એ અત્યારે યાદ આવતું નથી. અઠવાડિયા પછી જે વિચારને તમે ભૂલી જાવ છો. એ વિચાર, એ ઘટનાનો વિચાર, તમારા કલાકોના કલાકોને ખતમ કરી નાંખે! ઘટનામાં જતાં વિચારો તમારી energyને ખતમ કરે છે. તમારા સમયને ખતમ કરે છે. તમારા એક-એક ક્ષણની પ્રભુને કિંમત છે.
પ્રભુએ ઉત્તરાધ્યયનમાં અને ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહ્યું: ‘समयं गोयम मा पमायए’ પણ ગૌતમસ્વામી અપ્રમત્ત જ હતા. ગૌતમસ્વામીને નામે આપણને પ્રભુએ કહ્યું છે, કે એક પણ ક્ષણ પ્રમાદમાં જવાનું નથી. તો આ સાધના જે છે ને મુનિપણાની એ તમારે પણ કરી શકાય હો…! તમને ખ્યાલ છે: દ્રવ્ય અને ભાવ બેઉથી શ્રામણ્ય ગુરુની કૃપા હોય ત્યારે મળે. પણ તમે ચોથા ગુણઠાણે હોવ, ત્યારે પણ ભાવ નિર્ગ્રંથ હોવ છો. ચોથું ગુણઠાણું મળેલું ક્યારે કહેવાય?
પદ્મવિજય મહારાજે નવપદપૂજામાં કીધું, “સંયમ કબહું મિલે, સસ્નેહી પ્યારા, યું સમક્તિ ગુણ ઠાણ ગમ્હારા, આતમ સે કરત વિચારા” સમ્યગ્દર્શન મળ્યું ત્યારથી એ સતત એ વિચાર વલોણું ચાલે છે, ઘમ્મરવલોણું ક્યારે સંયમ મળે? ક્યારે સંયમ મળે? ક્યારે સંયમ મળે? આ ભાવનાને કારણે તમે ભાવશ્રમણ બની જાવ છો. અને એ ભાવશ્રમણ બન્યા, દીક્ષા લેવાની અનુકૂળતા ઘરની નથી. દીકરો નાનો છે, દીકરી નાની છે, જવાબદારી છે અથવા સંબંધીઓની રજા નથી મળતી. ઘણા બધા કારણો હોય, તમે આ દીક્ષામાં નથી આવી શકતા, પણ ભાવ દીક્ષિત તો તમે થઇ જ શકો છો. આજે તમને બધાને ભાવ દીક્ષાની સાધના આપું.
મેં એકવાર કહેલું, આ વાત ઉપાધ્યાયજી ભગવંતે સંસ્કૃત ભાષામાં કરી, એ જ વાત એમણે ગુજરાતીમાં કરી સમાધિશતકમાં. ‘કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવપંથ, તામે જિનકી મગનતા, સો હી ભાવ નિર્ગ્રંથ’ કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવપંથ – મોક્ષનો નિશ્ચયમાર્ગ કયો? માત્ર આત્માનુભૂતિ. વ્યવહારમાર્ગ ઘણા. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ચારિત્ર. બીજા બધા જ ધર્મના માર્ગો એ વ્યવહાર માર્ગો છે. પણ મોક્ષનો નિશ્ચયમાર્ગ કયો? કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવપંથ. આત્માનુભૂતિ, આત્માને અનુભવવો, એ નૈશ્ચયિક મોક્ષમાર્ગ. તામે જિનકી મગનતા, સો હી ભાવ નિર્ગ્રંથ – એમાં જે ડૂબી ગયો એ ભાવ નિર્ગ્રંથ.
તો તમને બધાને શ્રાવકવર્ગ અને શ્રાવિકાવર્ગને ભાવ નિર્ગ્રંથપણાની દીક્ષા આજે આપું છું. બરોબર. ભાવથી નિર્ગ્રંથ. એક જ વસ્તુ કરવાની, ઘટનાઓમાં જવું નથી. બહાર જેટલા બને એટલા ઓછા જવું છે. અને ઉપયોગને, મનને માત્ર અને માત્ર ભીતર લઇ જવો છે. આટલું તમે કરો એટલે ભાવ દીક્ષિત તમે બની ગયા.
તો રાગની પીડા મુનિ પાસેથી ગઈ. દ્વેષની પીડા ગઈ. અહંકાર પણ ગયો. કારણ, એક પણ સારું કાર્ય થાય; પ્રભુની કૃપાથી થયું. એક પણ સારો વિચાર આવ્યો, પ્રભુએ મને આપ્યો છે. અને એથી અહંકારને રહેવાની કોઈ ભૂમિકા રહેતી નથી. તો શું થયું, પ્રભુના વચન પરની શ્રદ્ધા થઇ. એક વાત તમને કહું, શ્રદ્ધા ને સ્વીકાર બે ની વચ્ચે ઝાઝું અંતર નથી. તમે જ્યારે એમ કહો, કે પ્રભુના વચનો પર મને શ્રદ્ધા છે અને એ વચનોનો સ્વીકાર જીવનમાં થતો નથી ત્યારે તમારે આંતરનિરીક્ષણ કરવું પડશે. કે એ શ્રદ્ધા વાસ્તવિક હતી કે આભાસી હતી? હા એક વસ્તુ બની શકે. શ્રદ્ધા છે કે દીક્ષા જ લેવા જેવી છે. તમે લઇ શકતા નથી. શ્રદ્ધા છે, સ્વીકાર નથી. પણ એ વખતે મનમાં દર્દ છે. શ્રદ્ધા છે અને સ્વીકાર છે, તો મનમાં પૂર્ણ આનંદ છે. આ એક સૂત્ર. પ્રભુના વચનો પર પૂર્ણ શ્રદ્ધા છે. અને એ વચનોનો સ્વીકાર થઇ ગયો. પ્રભુની કૃપા થઇ, અને અમે લોકો અહીંયા આવી ગયા. અમારી પાસે માત્ર આનંદ જ આનંદ છે. પ્રભુના વચનો પરની શ્રદ્ધા. બોલો અત્યારે કોઈ કેવલજ્ઞાની ભગવંત ખરા? અહીંયા… વિશિષ્ટ શ્રુતજ્ઞાની ભગવંત પણ ખરા? જે લોકો સંસાર છોડે છે, કોના બળ ઉપર સંસાર છોડે છે? માત્ર અને માત્ર પ્રભુના વચનોના બળ ઉપર.
મેં હમણાં.. એક જગ્યાએ પગલાં કરવા ગયેલો, ત્યાં એક દીકરાની દીક્ષા થવાની છે. તો મેં ત્યાં પ્રાસંગિક ઉદ્ભોદનમાં કહેલું, કે હું મુંબઈ નહોતો આવ્યો ને ત્યાં સુધી સાંભળી-સાંભળીને મારા મનમાં એક જ picture તૈયાર થયેલું કે મુંબઈ એટલે ભોગ નગરી. પણ મુંબઈ આવ્યા પછી મને લાગ્યું કે મારું ચિત્ર ખોટું હતું. મુંબઈ ભોગ નગરી જરૂર છે પણ યોગ નગરી પણ છે. ૨૦-૨૦ વર્ષના educated દીકરાઓ અને દીકરીઓ આ મુંબઈમાં જ જન્મેલા, આ મુંબઈમાં ઉછરેલા એ પ્રભુના પથ ઉપર જ્યારે આવે ત્યારે આંખો ભીની થાય. ૫૦ વર્ષનો પુરુષ એની પત્ની અને દીકરાઓ સાથે પૂરા કુટુંબ સાથે નીકળી રહ્યો હોય, પ્રભુના માર્ગ તરફ ત્યારે એ જોઇને આંખો ભીની થાય. તો મુંબઈ માત્ર ભોગ નગરી નથી. યોગ નગરી પણ છે. પણ આ બધા જ જે દિક્ષાઓ લઇ રહ્યા છે. એ કોના બળ ઉપર? માત્ર અને માત્ર પ્રભુના વચનના બળ ઉપર.
તો પ્રભુના વચન પરની શ્રદ્ધા અને એનો સ્વીકાર થયો, દીક્ષા મળી ગઈ. તો શ્રદ્ધા થઇ, સ્વીકાર થયો, આનંદ જ આનંદ. શ્રદ્ધા પૂરી છે, સ્વીકાર કરી શકાતો નથી, કૌટુંબિક કારણોસર, બીજા કારણોસર, એ વખતે મનમાં દર્દ રહ્યા કરે છે. તો પણ તમારી શ્રદ્ધા સાચી. પણ માત્ર સાંભળી લીધું, એને જીવનમાં મુકવાનો વિચાર પણ ન આવે, તો માનવું પડે કે શ્રદ્ધા વાસ્તવિક હતી કે કેમ…? રાગ-દ્વેષ અને અહંકાર ઓછા કરવા, આ વાત પહેલાં શાંતિના માર્ગમાં આનંદઘનજી ભગવંતે કહી. હવે આમાં અઘરું તો કંઈ છે નહિ! રાગદશા છે, ઓછી કરવી.
હમણાં જ ક્યાંય વાંચેલું, એક લેખકે સરસ લખેલું છે, કે બીજાને આપવાનો આનંદ તો હોય છે. પણ અપરિગ્રહ નો પણ એક આનંદ હોય છે. એ કહે કે મેં નક્કી કર્યું કે એક મહિનામાં જે કપડાં મેં વાપર્યા નથી, એ બધા જ કપડાંને હું બહાર મૂકી દઉં. અને જરૂરિયાત મંદોને આપી દઉં. એણે લખ્યું કે ૭૦% કપડાં એવા હતા, એક મહિનામાં મેં એનો use કરેલો જ નહોતો. તો એ ૭૦% સારામાં સારા, નવા, વસ્ત્રો બધા, dresses મેં બહાર કાઢી નાંખ્યા, અને એક સંસ્થાને આપી દીધા કે તમે જરૂરિયાત મંદોને આપજો. એ કહે છે આપવાનો આનંદ તો મને આવ્યો. પણ અપરિગ્રહનો આનંદ પણ ઓછો નહોતો મારી પાસે!
અને એના જ અનુસંધાનમાં એક philosopher એ લખેલું કે આજના માણસે પોતાના ઘરને ગોડાઉન બનાવી નાંખ્યું છે. ઘર નાનકડા, પણ વસ્તુઓનો ઢગલો એટલો મોટો કે ઘર ગોડાઉનમાં ફરી જાય. તો અપરિગ્રહ આવે; બિન જરૂરિયાતવાળી વસ્તુ એને કાઢી નાંખો. ત્યાગ અને વૈરાગ્ય અરસ-પરસ સંકળાયેલા છે. તમે ૨૫ વસ્તુ બપોરે ખાતા હશો, તો વૈરાગ્ય લાવવો અઘરો પડશે. પણ રોટલી અને શાક બે જ ખાતા હશો તો એમાં વૈરાગ્ય લાવવો અઘરો પડશે નહિ. પ્રભુએ અમને પહેલાં ત્યાગ આપ્યો, પછી વૈરાગ્ય આપ્યો. White and white કપડાં અને એ પણ મેલાં પહેરવાના. રાગ થવાની શક્યતા જ ન રહે. એટલે એવો ત્યાગ પ્રભુએ આપ્યો કે વૈરાગ્ય automatically થઇ જાય. તો તમારી પાસે પણ ત્યાગ અને વૈરાગ્ય આવી જાય તો રાગની પીડા ખતમ થઇ જાય. એટલે પ્રભુના વચન ઉપર તમે શ્રદ્ધા કરી, અને એ શ્રદ્ધા સ્વીકારમાં પરિવર્તિત થઇ ગઈ.
દ્વેષ થઈ રહ્યો છે. હવે દ્વેષનું પગેરું શોધો? કેમ ગુસ્સો આવે છે? આપણે ઘણીવાર ચર્ચા કરી, કે ગુસ્સો આવે છે એનું મૂળ કારણ ‘હું’ છે. મને આમ કીધું?! મારી જોડે આમ કર્યું?! એ ‘હું’ ને replace કરી નાંખો. ગુસ્સો ક્યાંથી આવશે…? તો પ્રભુએ કહ્યું રાગ-દ્વેષ, અહંકારને શિથિલ કરો.
શાસ્ત્રનું એક વચન છે, “તહ તહ પવ્વટિઅવ્વં, રાગ દોષા વિલીજ્જંતિ, એષા જિણાણમાણા” પૂછવામાં આવ્યું, કે ગુરુદેવ! પ્રભુની આજ્ઞા ૪૫ આગમ ગ્રંથોમાં વિસ્તરાઈને પડેલી છે, એનો સાર અમને કહો ને? તો ગુરુદેવ કહે છે, એષા જિણાણમાણા- પ્રભુની આજ્ઞા આ છે. શું આજ્ઞા છે? તહ તહ પવ્વટિઅવ્વં, રાગ દોષા વિલીજ્જંતિ. રાગ અને દ્વેષ ઓછા થતાં જ જાય. શિથિલ થતાં જ જાય, એવી પ્રવૃત્તિ કરવી એનું નામ પ્રભુની આજ્ઞા. એટલે શું થયું? આ નિશ્ચય આજ્ઞા થઇ.
તમે સામાયિક કર્યા, આટલા સામાયિક કર્યા એ વ્યવહાર આજ્ઞાનું પાલન કર્યું. અને દ્વેષ ઓછો થયો તો પ્રભુની નિશ્ચય આજ્ઞાનું તમે પાલન કર્યું. તો જેટલા સામાયિક વધ્યા એટલો સમભાવ વધ્યો? જોઈ લો. તો રાગને ઓછો કરવો. દ્વેષને ઓછો કરવો. અહંકાર તો હવે આવવાનો જ નથી બરોબર ને..? જે સારું કામ થયું, પ્રભુની કૃપાથી થયું, મેં કંઈ કર્યું નથી. અને ખરાબમાં તો આમેય તમારે જશ લેવાનો હોતો નથી. ખરાબ થયું હોય તો બીજાના ઉપર ટોપલો ઢોળવાનો હોય ને…?
તો શાંતિનો પહેલો માર્ગ કયો? પ્રભુના વચનો પરની શ્રદ્ધા. સ્વીકાર એટલા માટે ન કહ્યું, સમજી લો બરોબર… કે શ્રદ્ધા પ્રભુની દરેક આજ્ઞા ઉપર કરવાની છે. સ્વીકાર દરેક આજ્ઞાનો આપણે કરી શકતા નથી. મારી પોતાની વાત કરું તો પણ.. પ્રભુની બધી આજ્ઞાનું હું પાલન કરી શકતો નથી. પણ એટલું મારા મનમાં નક્કી છે કે પ્રભુની દરેક-દરેક આજ્ઞા ઉપર મારા મનમાં પૂર્ણ- પૂર્ણ આદર છે. પૂર્ણ શ્રદ્ધા છે. પ્રભુએ કહ્યું તે જ સાચું.
એટલે આપણે ત્યાં એક સરસ વાત લખી, ‘ઉક્તિ ત્યાં યુક્તિ’ પણ યુક્તિ પ્રમાણે ઉક્તિને ખેંચવાની રહી. ઉક્તિ એટલે પ્રભુનું વચન. પ્રભુનું વચન છે અને એને મારે બૌદ્ધિકોની સામે મુકવું છે. તો હું યુક્તિનો આશ્રય લઈશ. આજનો કોઈ દીકરો મારી પાસે આવશે કે સાહેબ! રાત્રિભોજનમાં શું પાપ? એ જમાનાની વાત અલગ હતી કે જ્યારે સાંજે જીવડાઓ ઉડતાં હતાં, દીવાઓ પણ એવા હતા, કોડિયામાં રાખેલાં કે પેલા નાનકડા જંતુઓ અંદર પડે તો મરી જાય. અત્યારે અમારા ઘરોમાં રાત અને દિવસ બેઉ સરખાં છે. અમે ઘડિયાળ નહિ જોઈએ તો અમને ખબર ન પડે. કે સવાર છે કે રાત છે? એક જ સરખું રાત અને દિવસને અમે કરી નાંખ્યા છે. તો અમારા માટે રાત્રિભોજન વર્જ્ય કેમ? તો હવે પ્રભુની આજ્ઞા છે કે રાત્રિભોજન ન કરવું જોઈએ. તો અમે લોકો એ દીકરાને સમજાવવા માટે, logically સમજાવીએ તો વાંધો નહિ. અમારિ પાસે જે યુક્તિ હોય એ વાપરીએ. હું ઘણીવાર કહું કે બેટા! આ વાત જે છે એને બાજુમાં રાખ. તને તારા શરીરના સ્વાસ્થ્યની ચિંતા ખરી કે નહિ? એ કહે કે હા, એ તો હોય જ ને… મેં કહ્યું શરીરને સ્વસ્થ રાખવું એના માટે આજના યુવાનો કેટલી મહેનત કરે છે? સ્લિમ રાખવું એકદમ… પાતળું રાખવું. એના માટે કેટલી મહેનત કરે છે. આમ તપશ્ચર્યા ન કરતાં હોય, પણ ઘી- દૂધ ઘણું ન ખાતા હોય એ લોકો… dieting કરે. તપશ્ચર્યા ન કરે, dieting કરે. વાત તો એકની એક આવી ગઈ પાછી…
તો મેં એને કહ્યું દીકરા! તારા શરીરના સ્વાસ્થ્યની ચિંતા તને ખરી કે નહિ? મને કહે: ખરી. મેં કહ્યું, કે તું રાત્રે ખાય, ૮ વાગે- ૯ વાગે – ૧૦ વાગે. પછી કોઈ activity હોય નહિ સૂઈ જવાનું હોય. એ રાત્રે ખાધેલું પચે નહિ. પચે નહિ, કારણ કે તું સૂઈ જઈશ. સૂઈ જઈશ એટલે જઠરાગ્નિનું કામ પણ ઓછું થઇ જશે. અને જઠરાગ્નિ જે છે એ પચાવવાનું કામ સક્રિય રૂપે કરશે નહિ. એથી કરીને સવારે તું ઉઠીશ ત્યારે તારું પેટ તને ભારે ભારે લાગશે. અને આ રીતે રોજ તું નાંખ્યા કરે, રાતના સમયે, તો એ તારા શરીર માટે બરોબર ખરું? મેં કીધું…
પછી હું એને સમજાવું કે વિપશ્યના આજની internationally spread out સાધના છે. લાખો નહિ, કરોડો સાધકો એમાં જોડાયેલા છે. એ લોકોએ આહાર વિજ્ઞાનને પૂરેપૂરું સમજ્યા છે. એથી એ લોકો સવારે દૂધ – ચા અને એની સાથે પૌઆ આપે. કોઈ ભારે નાસ્તો નહિ. બપોરે રોટલી પણ આછા ઘી થી ચોપડેલી. દાળ-શાક-ભાત બીજું કાંઈ જ નહિ. સાંજે કશું જ લેવાનું નહિ. માત્ર લીંબુ-પાણી તમે લઇ શકો. બાકી કંઈ નહિ. એનું કારણ એક જ છે. કે બપોરે તમે ખાધું. અને એ પણ ઉણોદરી. એક રોટલીની ભૂખ હતી ને તમે ઉઠી ગયા છો. હવે શું થશે કે તમારા પેટને જઠરાગ્નિ ને પચાવવા માટે ઓછી શક્તિ જોઇશે. સાંજ સુધીમાં પછી જશે. સવારે તમે ૪ વાગે ઉઠો, એકદમ પેટ હલકું હોય. અને પેટ હલકું હોય તમે સાધનામાં સરસ જોડાઈ શકો. એટલે કોઈ પણ સાધકે રાત્રિભોજન નહિ, સાયં ભોજન પણ છોડી દેવું જોઈએ. સાંજનું ભોજન પણ ન કરવું જોઈએ. અને એટલે જ આપણે ત્યાં અત્યારે પણ ઘણા મહાત્માઓ પાળે છે અત્યારે સૂર્યોદય પછી ૪૮ મિનિટે નવકારશી, પછી આપણે પાણી વિગેરે વાપરીએ. એ જ રીતે સૂર્યાસ્ત ની ૪૮ મિનિટ પહેલાં પાણીને પણ એ લોકો ચૂકવી દે. અને એકાસણું એ લોકો લગભગ કરતાં હોય, એમને પૂછો એમની સાધના કેવી સરસ ચાલે… તો પેલા દીકરાને આ રીતે logically સમજાવીએ, એ સમજી જાય કે રાત્રિભોજન તો નહિ, પણ સાંજના પણ વધારે ખાવું ના જોઈએ.
આજે શું થયું? આહાર વિજ્ઞાન આપણે ત્યાં આવ્યું નહિ. આહાર વિજ્ઞાન શાસ્ત્રીઓ ઘણા છે. તમે કોઈ પણ dietician સલાહ લો, તો તમને એ જ રીતે ખાવાનું કહે. પણ આપણે કોઈ dietician પાસે જતા પણ નથી, એની સલાહ લેતા નથી. તમારે જવાની જરૂર નથી. અમારી સલાહ લો એટલે આવી ગયું. મેં પહેલાં કહેલું કે રાજસ્થાનની ખોરાકની પરંપરા છે ને એ મને બહુ ગમી. સવારે એ લોકો દૂધ કે ચા પી લે, ખાલી બસ.. ૧૦-૧૧ વાગે રોટલી અને શાક ખાય. સાંજે પણ પાછું રોટલી ને શાક, અથવા દાળ-ભાત. બે માંથી એક. એટલે… હવે તમે શું કરો…? સવારે નાસ્તો full લઇ લો, lunch વખતે ખાવ, અને dinner જે છે એ એકદમ heavy હોય. જે એકદમ હલકું રાખવાનું છે, એને તમે એકદમ ભારે બનાવી દો છો. અમારે સાંજે જે સંગોષ્ઠી થાય છે મુનિવરોની, એમાં આ જ વાત મેં ચર્ચેલી, કે ભગવાનની સાધના જેને મળી, એ મુનિ કે એ સાધ્વી માંદી પડે કેમ? પડે જ નહિ. એકાસણું રોજ તમારી પાસે હોય, એકાસણામાં પણ રોજ ઉણોદરી તમારી પાસે હોય, અને રોટલી શાક ને દૂધ ત્રણ જ વસ્તુ શરીર માટે જરૂરી છે. એ ત્રણ જ તમે વાપરતાં હોવ. તમે માંદા ક્યાંથી પડો?
આજના એક ડોકટરે કહેલું, કે આજનો માણસ ૫૦% એના પોતાના માટે ખાય છે. અને ૫૦% અમારા કલ્યાણ માટે ખાય છે. તમે અત્યારે ખાવ છો એમાંથી અડધું ખાવ તો ડોક્ટરને ત્યાં ન જવું પડે. ડોકટરે સરસ કહ્યું, ૫૦% એના માટે ખાય છે, ૫૦% અમારા કલ્યાણ માટે ખાય છે. નહિ તો મારો ધંધો ચાલે નહિ.
તો પહેલો શાંતિનો માર્ગ આ થયો. પ્રભુના વચનો પરની શ્રદ્ધા. રાગ-દ્વેષ અહંકારને શિથિલ કરવા. અને એ શિથિલ કરો શાંતિ મળી જ જાય. સીધી વાત છે. તો જિનવચનો પરની શ્રદ્ધા, એ શ્રદ્ધા આવ્યા પછી શક્યનો સ્વીકાર. અશક્ય જે છે એનો અસ્વીકાર થયો. પણ દર્દ ભારોભાર છે. તો આ રીતે જિનવચનો પરની શ્રદ્ધા એ પહેલો શાંતિનો માર્ગ છે.