Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 66

94 Views
29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સંવર

શાંતિ મેળવવા માટેનો બીજો માર્ગ : સદ્ગુરુસમર્પણ. કોઈ પણ સદ્ગુરુ પાસે જાઓ અને પ્રભુ મિલનની તીવ્ર પ્યાસ તમારી પાસે હોય, તો એ સદ્ગુરુ તમને પ્રભુ પણ આપી દે. તો એવા સદ્ગુરુ શાંતિ તો આપી જ દે ને; એમાં શું મોટી વાત છે!

જ્યાં સંવર – ઇચ્છાનો અભાવ – ત્યાં આનંદ. જ્યાં ઈચ્છા આવી, ત્યાં પીડા જ પીડા. સદ્ગુરુ માત્ર અને માત્ર સંવરમય છે. અને એમનો સંવર જોયા પછી તમારા જીવનમાં થોડો પણ સંવર આવે, તો તમને પણ શાંતિ, આનંદ મળી જાય.

સંવર માટેનું સાધનાસૂત્ર : નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો. મનમાં વિકલ્પો ન હોય, તો એક પણ કર્મને તમારી ભીતર પ્રવેશવાની છૂટ નથી. આશ્રવ બંધ થઈ ગયો; સંવર ચાલુ થઈ ગયો.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૬

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિના માર્ગોની ચર્ચા કરે છે.

પહેલો માર્ગ હતો: પ્રભુ વચનો પરની શ્રદ્ધા, બીજો માર્ગ છે: સદ્ગુરુસમર્પણ.

સદ્ગુરુસમર્પણ તમને કેવી શાંતિ આપી શકે એની એક મજાની ઘટના યાદ આવે. એક યુવાન મુંબઈમાં જ રહેતો હતો. ડાયમંડમાં ધંધો કરતો હતો, પાર્ટનરશીપમાં. એક રાત્રે પાર્ટનરની બુદ્ધિ બગડી, એણે પોતાની પાસે રહેલ ચાવીથી રાતના ઓફીસ ખોલી, પોતાના ભાગના પૈસા તો લઇ લીધા, વધારાના ચાલીસ લાખ રૂપિયાના હિરા વિગેરે લઇ અને એ રવાના થઈ ગયો. સવારે યુવાન ગયો, ઓફીસ ખોલી, ખ્યાલ આવી ગયો. અને ચોરી એ રીતે થયેલી હતી કે ખ્યાલ આવી ગયો કે પાર્ટનરનો આમાં હાથ છે. ફોન લગાવ્યો, ફોન ડેડ. પેલો માણસ ક્યાં ખોવાઈ ગયો, ખબર જ નહિ પડી. મહિના સુધી એનો પત્તો જ નહિ લાગ્યો. એ પણ જૈન હતો પાર્ટનર. એક મહિને પાછો આવી ગયો, અને એણે નવી ઓફીસ ચાલુ કરી નાખી. યુવાને કહ્યું ભાઈ! તું મારા ચાલીસ લાખ વધારાના લઇ ગયો છે, લાવ. એ સીધો જ ના પર ગયો. નથી આપવા જા શું કરીશ? કેશનો વહીવટ છે…. તકલીફ ત્યાં થાય છે એક જ એરિયામાં બે જણા રહે છે. બેઉ જૈન. દહેરાસર બેઉનું એક જ પડે છે. અને મુંબઈમાં પૂજાનો ટાઇમ પણ લગભગ સવારનો એક જ હોય. આઠ વાગે આ યુવાન દેરાસરે જાય અને પેલો આવે, અથવા પેલો ગયેલો હોય ને આ યુવાન આવે. એ યુવાન પેલાને જુવે. અંદર ક્રોધનો દાવાનળ સળગે. સાલાને મારા પૈસા આપવા નથી. અનીતિના ચાલીસ લાખ ઠોકી ગયો છે અને પ્રભુની પૂજા કરવા આવે છે! પાછો મોટી કાર લઈને આવે છે, પૂજાની મોટી પેટી હોય. સતત એને ગુસ્સો આવે. પણ એ યુવાનને થયું કે આ ચાલે નહિ. મારી પાસે બીજી કોઈ ધર્મક્રિયા છે નહિ, એક જ ધર્મક્રિયા માત્ર પૂજા છે. અને પૂજા વખતે પેલા ભાઈને જોવું છું અને મનમાં ક્રોધનો દાવાનળ ઉઠે, મન અશાંત થઈ જાય; મારી પૂજા બગડી જાય છે.

ત્યાં જ એમના સંઘમાં આચાર્ય રત્નસુંદરસૂરીજીને આવવાનું થયું. એક પ્રવચન સાંભળ્યું, લાગ્યું કે આ સાહેબ મારા પ્રશ્નને SOLVE કરી શકશે. બપોરનો ટાઇમ લઈને સાહેબ પાસે ગયો. વંદન કર્યું. બેઠો. અને પોતાની બધી વાત સાહેબને કરી, કે સાહેબ ચાલીસ લાખ ગયા, ગયા. એ મળે ત્યારે, એની કોઈ ચિંતા નથી. પણ મારી પૂજા બગડે છે. સતત મને અશાંતિ રહે છે, એ અશાંતિને દુર કેમ કરવી? સાહેબે કહ્યું, તારી પૂજા સરસ થઈ જાય, એકદમ શાંતિપૂર્વક; ગેરંટી હું લઉં. માત્ર પૂજા શાંતિથી થાય એમ નહિ, ચોવીસ કલાક તારું મન શાંતિમાં રહે એની ગેરંટી મારી. એક જ સવાલ તને પૂછું, કે અત્યારે તારું જીવન કેમ ચાલે છે? એના ચાલીસ લાખ જે છે, એ તારા ગયા. પણ એ ગયા પછી પણ તારું જીવન કેવી રીતે ચાલે છે? એ કહે એકદમ સરસ. ધંધો એકદમ સરસ ચાલે છે. સારા એરિયાની અંદર મોટો ફ્લેટ છે લક્ઝુરીયસ. બે કાર મારી પાસે છે. બીજું બધું જ સરસ છે. એ વખતે રત્નસુંદરસુરીજીએ કહ્યું, તારી પૂજા સારી કરી આપું, તારા મનમાં એક તીવ્ર શાંતિ આવે એવું હું કરી આપું, ગેરંટી મારી. ચાલીસ લાખ તું છોડવા તૈયાર છે બોલ? એક જ ઝાટકે યુવાને કહ્યું, ગુરુદેવ છોડ્યા, ચાલો. અને એ વખતે એમણે કહ્યું, નિયમ કર. કદાચ પેલો આપવા આવે… માંગવાના તો છે જ નહિ તારે, આપવા આવે તો પણ ચાલીસ લાખમાંથી એક રૂપિયો તારો નહિ! હું કહું ત્યાં સાતક્ષેત્ર માટે સારી જગ્યાએ વાપરી નાંખવા. નિયમ લીધો યુવાને!

બીજી સવારે દેરાસરે ગયો અને પેલા ભાઈ આવ્યા. જ્યાં એ કારમાંથી નીચે ઉતરે. યુવાન સામે જાય, પ્રણામ કરે, પેલા ભાઈ બહાર નીકળ્યા કારમાંથી, કેમ છો મજામાં? કાંઈ કામકાજ હોય તો કહેજો. પેલો તો આશ્ચર્યચકિત થઈ ગયો. આ શું! પછી તો રોજ એ સિલસિલો ચાલ્યો. રોજ એ ભાઈ મળે, પ્રેમથી હાથ જોડે અને એટલાં ખુશીથી ભેટે જાણે કે ચાલીસ લાખની કોઈ ઘટના ઘટી જ નથી! બોલો. સદ્ગુરુએ શું કર્યું? કેવી શાંતિ આપી દીધી! અઠવાડિયું એ રીતે થયું. પેલો ભીનો થઈ ગયો. સાલો આ માણસ! રોજ મને ઉપરથી પૂછે કે કંઈ કામકાજ હોય તો કહેજો! અને એના મેં ચાલીસ લાખ દબાવી દીધા છે!

એટલે એક રવિવાર આવ્યો. પેલો યુવાન મળ્યો. ભેટ્યો. કેમ છો મજામાં. ત્યારે પેલાએ કીધું, આજે ઘરે આવો ને. આજે મારા ઘરે આવો. ચા-નાસ્તો કરીએ. બપોરે આવો અઢી-ત્રણ વાગે. યુવાન ગયો. પેલાએ ચાલીસ લાખ અને થોડાક દિવસનું વ્યાજ બધુ જ ગણીને કોથળી તૈયાર રાખી. ચા-પાણી થઈ ગયા પછી કહ્યું લ્યો. યુવાને કહ્યું, મેં ગુરુદેવ પાસે નિયમ લીધેલો છે. એટલે આમાંથી એક પણ રૂપિયો મારે કામમાં નહિ આવે. કોથળી લઇ સીધો ગુરુદેવ પાસે જઈશ અને ગુરુદેવ જ્યાં કહેશે ત્યાં હું આપી દઈશ. કે આ ઉપાશ્રયમાં આપવાના છે, આ સાધારણખાતામાં આપવાના છે, અથવા સાધર્મિક માટે આપવાના છે. ગુરુદેવ જ્યાં કહે ત્યાં મારે આપી દેવાના છે. બંનેની આંખમાં આંસુ. પેલો ભાઈ રડી પડે છે કે તમે આવા ધર્મનિષ્ઠ યુવાન અને મેં તમારાં ચાલીસ લાખ ઓળવી લીધા! હું તમને ઓળખી ન શક્યો. આપણે વર્ષો સુધી સાથે રહ્યા પાર્ટનરશીપમાં અને મેં આ કામ કર્યું! ખરેખર મારી બુદ્ધી કેટલી બગડી ગઈ હશે? એ ધ્રુસકે-ધ્રુસકે રડે છે.અને એના રડવાને જોઈને યુવાન પણ રડે છે.

એક સદ્ગુરુ સમર્પણ..! કેટલું? ખાલી ચાલીસ લાખ રૂપિયાનું! અને સદ્ગુરુએ જીવનભરની શાંતિ આપી દીધી! એટલે તો હું કહું છું, we are ready. Are you ready? તમે તૈયાર છો? અમે પ્રભુ આપી દઈએ હમણાં, તો શાંતિને આપતા વાર કેટલી લાગે? કોઈ પણ સદ્ગુરુ પાસે જાઓ અને પ્રભુની પ્યાસ તમારી પાસે અત્યંત હોય. એ સદ્ગુરુ તમને પ્રભુ આપી દે. તો શાંતિ તો આપી જ દે. કઈ મોટી વાત છે?

તો જે સદ્ગુરુના ચરણોમાં આપણે સમર્પિત થઈએ છીએ એ સદ્ગુરુના છ વિશેષણો આપ્યા. કાલે આપણે બે વિશેષણો જોયેલાં. આગમધર અને સમ્યગદ્રષ્ટિ. હવે ત્રીજું વિશેષણ, ક્રિયા સંવર સાર રે. સદ્ગુરુ માત્ર અને માત્ર સંવરની ભૂમિકામાં છે. આશ્રવ અને સંવર. તમે રાગ-દ્વેષની ભૂમિકામાં હોવ, એ વિચારોમાં હોવ તો તમે કર્મોનો બંધ કરો; કર્મો તમારી ભીતર આવે. કર્મોનો પ્રવેશ તમારાં અંતઃસ્તરમાં થાય એનું નામ આશ્રવ. અને કર્મોને આવવાના દ્વારો બંધ થાય એનું નામ સંવર.

સંવર માટે એક મજાનું સાધના સૂત્ર, મહોપાધ્યાય યશોવિજય મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં આપ્યું. ગુજરાતી ભાષામાં કેટલી સરસ રચનાઓ આપણી પાસે છે. સવાસો ગાથાનું સ્તવન એટલે પૂર્ણ સાધનાકૃતિ છે. એમાં એમણે સંવર માટેનું સાધનાસૂત્ર આપ્યું; “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો.” તમે તમારાં મનમાંથી વિકલ્પોને કાઢી નાંખો, એક પણ કર્મને તમારી ભીતર પ્રવેશવાની છુટ નથી. આશ્રવ બંધ થઈ ગયો. સંવર ચાલુ થઈ ગયો. નિર્વિકલ્પદશાનો અભ્યાસ તમારી પાસે જોઈએ.

એક નિમિત્ત મળ્યું, એક અણગમતી વ્યક્તિ આવી. તમે ઘરે સામાયિકમાં બેઠેલાં છો. એ વ્યક્તિ આવી. એને જોતાની સાથે તમારાં મનમાં તિરસ્કાર ઉભો થયો. આ વ્યક્તિ..! કેમ આવી અહિયાં? મારે ઘરે કેમ આવી? શું કામ છે એનું અહિયાં? એ તિરસ્કાર આવ્યો તમને, દ્વેષ આવ્યો પણ એ દ્વેષ spread out શી રીતે થાય? વિચારોને કારણે. એ પછી તમારાં વિચારો આગળ વધે. આ હરામખોર માણસ, એને મારા માટે કેટલી જગ્યાએ ખરાબ વાતો કરેલી છે! આ માણસ એના ટાંટિયા તોડી નાખવા જોઈએ! તમારો વિચાર જેમ વધશે એમ ક્રોધ વધશે. એટલે ક્રોધ અને વિચાર, વિકલ્પ અને વિભાવ એ બેની સાંઠ-ગાંઠ છે. તમે વિભાવને, રાગ-દ્વેષને રોકી શકતા નથી. જો વિકલ્પોને રોકી શકો, વિચારોને એ વખતે થંભાવી શકો તો તમે ક્રોધથી મુક્ત બની જાઓ. એટલે મોટામાં મોટી સાધના આ છે કે વિચારોનું સ્વિચબોર્ડ તમારાં હાથમાં હોય. તમને લાગે સારા વિચારો આવી રહ્યા છે. ચાલુ રાખો, આવવા દો વિચારો. જે ક્ષણે તમને લાગે કોઈ નિમિત્ત મળી ગયું, અશુભ વિચારો શરૂ થયા તો  એજ ક્ષણે એ વિચારને ઓફ કરવાની તાકાત તમારી પાસે હોવી જોઈએ. સ્વિચબોર્ડ આપી દઉં આજ? તમારી તો હાલત એ છે કે તમારું સ્વિચબોર્ડ બીજાની પાસે છે.

ગામડામાં એવું હોય કે કોઈના ઘરેથી લાઈટ લીધેલી હોય. એટલે ગોળો એના ત્યાં હોય, સ્વિચ પેલાને ત્યાં છે. પેલાને on કરેલી છે અને પેલો ગયો બહાર ઘર બંધ કરીને. હવે તમારે રાત્રે એ લાઈટ બંધ કરવી છે પણ તમે કરો શી રીતે? કારણ કે સ્વિચબોર્ડ પેલાની પાસે છે. તમારુ આખું ને આખું સ્વિચબોર્ડ બીજાની પાસે છે. તમારો કંઠ સારો હોય. સ્તવન તમે સરસ બોલતા હોવ. કોકે કહ્યું, વાહ! શું તમારું સ્તવન મજા આવી ગઈ! સ્વિચ on થઈ ગઈ! અહંકાર… અને કોક માણસ રોજ તમારું સ્તવન સાંભળે છે એને ખ્યાલ આવી ગયો કે આજે એમને શરદી-બરદી થઈ ગઈ છે ,ગળું થોડું ચોકઅપ થયું છે. એટલે એણે કહ્યું આજે તમારાં સ્તવનમાં મજા નહિ આવી કંઈ. શું થયું આમ? શરદી-બરદી થઈ ગઈ છે? કેમ મજા નહિ આવી આજ? એટલે શું થાય? તમારી સ્વિચ ઓફ. એક પાંચ મિનિટ તમારે ક્યાંક પ્રવચન આપવાનું હતું. તમે બોલ્યા, કોકે કહ્યું બહુ સારું બોલ્યા, સ્વિચ ઓન. કોકે કહ્યું શું બોલ્યા યાર! તમે કે ધડને માથું કાઈ સમજાતું જ નહતું. તું શું બોલ્યો એ ખ્યાલ હતો તને? સ્વિચઓફ… એટલે આખું ને આખું  સ્વિચબોર્ડ બીજાને સોંપી દીધું છે. એટલે તમારી ખુશી અને તમારી નારાજગી બીજાના હાથમાં..

પ્રભુ કહે છે, તું આનંદઘન છે. તો તમારે આનંદઘન બનવું છે? સ્વિચ આપી દઈએ. કોઈએ કહ્યું, સ્તવન સારું બોલ્યા, કોકે કહ્યું, બરોબર નહિ બોલાયું. બરોબર…? તમારી ભૂમિકા એક જ હોય. કે મેં તો મારા પ્રભુના ચરણોની અંદર એક ભક્તિનું પુષ્પ રજુ કર્યું. એ કેવું હતું?, કેવું નહિ? એ પ્રભુ જાણે. મારે કોઈની પાસેથી સર્ટિફિકેટ લેવાનું હતું નહિ. કોઈ મને કહે કે તમે સારું બોલ્યા, કોઈ કહે તમે સારું ન ગાયું. મારે કોઈનું સર્ટિફિકેટ જોઈતું નહોતું. મારુ તો એક જ મિશન હતું, ‘રીઝવવો એક સાંઈ.’

ઉપાધ્યાય યશોવિજયજીને કોકે પૂછ્યું કે તમારી લાઈફ મિશન શું? ત્યારે એમણે કહ્યું કે ‘રીઝવવો એક સાહિબ. એક મારા પરમાત્માને રીઝવવાનો એજ મારું લક્ષ્યાંક છે.

અમારે કેવી રીતે કપડા પહેરવાના? તમને ગમે એ રીતે નહિ. પ્રભુને ગમે એ રીતે. અમને ગમે એમ પણ નહિ. અમારો તો ગમો પ્રભુએ લઈ પણ લીધો. ન અમને ગમે એમ, ન તમને ગમે એમ. પ્રભુને ગમે એવા કપડા પહેરવાના. તમારે કપડા કેવા પહેરવાના? તમે કેટલા પરોપકારી માણસો ખ્યાલ છે? અંદરનું બનિયાન હોય ને, એ ખરબચડું હોય તો ચાલે. એ ચામડીને ટચ શું થાય? બનિયાન.. અને એ બનિયાન ખરબચડું હોય તો વાંધો નહિ. પોલીસ્ટરનું ઝભ્ભો ઉપર જોઈએ કેમ? રેશમી-રેશ્મી ઝભ્ભો. કેમ? બીજાની આંખને સૂંવાળું-સૂંવાળું લાગે ને! કેટલા પરોપકારી..! તમે બોલો.? તમારું બધું બીજાને માટે. ઘર સારું હોય, સારા એરિયામાં હોય, દેરાસર નજીકમાં હોય.. બધું હોય.. પણ પૈસા વધી જાય એટલે પછી શું થાય? મોટું ઘર જોઈએ પછી. હવે 2BHK નો ન ચાલે હવે 5 BHK નો લો. તો સવાલ છે કે 2 BHK માંથી 5 BHK માં જવાનો વિચાર કેમ આવ્યો? આ પરોપકાર..! તમે અને તમારે એક દીકરો હોય. એક બેડરૂમમાં આરામથી રહેતા હતા. મહેમાન આવે તો હોલમાં રહેતા હતા. કોઈ ચિંતા નહોતી. દેરાસર બાજુમાં હતું. ઉપાશ્રય બાજુમાં હતો. એવી જગ્યાએ ગયા. જ્યાંથી દેરાસર કિલોમીટર દુર હોય. શા માટે? લોકોને ખુશ કરવા માટે. કેમ બરોબરને? કેટલા પરોપકારી..! બોલો તમે.. તો સ્વિચબોર્ડ તમારી પાસે જોઈએ.

તો સદ્ગુરુ સંવરમય ક્રિયાવાળા છે. એમની બધી જ ક્રિયા સંવરની છે. આશ્રવની કોઈ ક્રિયા જ નથી. એ વાપરે છે. વાપરીને રહ્યા. તમે પૂછો સાહેબ શું વાપર્યું?  એક મુનિ બીજા મુનિને પૂછે શું વાપર્યું? પેલા મુનિ કહે છે મને ખ્યાલ નથી. જે પાત્રામાં મુકાયુ; વપરાઈ ગયું. એક આહારના પદાર્થ ઉપર ગમો નથી, એક વસ્ત્ર ઉપર ગમો નથી, એક વ્યક્તિ ઉપર ગમો નથી. અને હવે આને આશ્રવ થાય ક્યાંથી? તો સદ્ગુરુ માત્ર અને માત્ર સંવરમય છે. અને એમનો સંવર જોયા પછી તમારાં જીવનમાં થોડો પણ સંવર આવે; શાંતિ મળી ગઈ. આ તકલીફ વિકલ્પોની જ છે.

રવિવારનો દિવસ હોય. આરામથી બેઠેલો હોય. આજ તો ઓફિસે જવાનું નથી. અને કદાચ દેરાસરનું પણ એને ભલું પૂછવાનું હોય. પોણો બાર વાગે જતો હોય કદાચ પુજાના કપડાં પહેરીને. વ્યાખ્યાન-બ્યાખ્યાનમાં ગુલ્લી જ મારવાની હોય. આરામથી બેડ-ટી પી લીધી. આરામથી સૂતા સૂતા પેપર વાંચે છે. આજ તો જલસો છે. અને એમાં જ એક જાહેર ખબર જોઈ. એકદમ slim t.v. screen જેનો બહુ જ મોટો છે. પહેલી નજરે જોતા ગમી ગયું. થયું કે આ આપણે લાવવું છે. નીચે પ્રાઈઝ લખેલી વાંચી એટલે થયું કે આપણા બજેટની બહાર છે. આ એક જાહેર ખબર જોઈ. ઈચ્છા થઈ અને એ લાવી શકાય એમ નથી એમ લાગ્યું એટલે શું થયું? તમે દુઃખી બની ગયા. રવિવાર બગડી ગયો. કોણે બગાડ્યો બોલો? તમારો રવિવાર બગાડ્યો કોણે? તમારી ઈચ્છાએ. છાપાએ નહિ. જાહેર ખબર વાળાએ નહિ. તમારી ઈચ્છાએ. અમારા મુનિવરો લગભગ પેપર ન જ વાંચે. અને અમારે વાંચવું પણ પડે છે. કારણ કે એક આચાર્ય તરીકે આજના રાજનૈતિક પ્રવાહો અને વિશ્વના પ્રવાહોના જાણકાર ન હોઈએ તો ચાલે પણ નહિ. કોઈ પણ હિંદુ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન લઈને આવે અને એને એમ થાય કે આ મહારાજ દુનિયામાં શું ચાલે છે એમને ખબર નથી? આટલા અજાણ માણસ?! એટલે અમારે પેપર જોવું જ પડતું હોય છે. પણ એક પણ પેપરની, એક પણ જાહેરાત અમને અસર ન કરે.

એટલે ખ્યાલ આવી ગયો. જ્યાં સંવર-ઈચ્છાનો અભાવ ત્યાં આનંદ. જ્યાં ઈચ્છા આવી ત્યાં પીડા જ પીડા.

ચોથું વિશેષણ આપે છે, સંપ્રદાયી. પરંપરાને ચુસ્ત વફાદાર. આપણે ત્યાં બે વસ્તુ છે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરા. સુવિહિત આચાર્ય ભગવંતોએ ભેગા થઈને જે પરંપરા મુકેલી હોય એ પરંપરા પણ આપણા માટે શાસ્ત્ર જેવી જ આદરણીય છે. શાસ્ત્રો તો આદરણીય છે જ. પણ અમુક દેશ-કાળને અનુલક્ષીને બાબતો શાસ્ત્રમાં નહોતી, એ આચાર્ય ભગવંતો દેશ-કાળને જોઇને એ પરંપરામાં મુકે, તો એ પરંપરાને પણ અમારે એટલાં જ વફાદાર રહેવાનું હોય છે. ગીતાર્થ આચાર્ય ભગવંતોના હાથમાં ઘણી બધી શક્તિ છે.

વચલા યુગમાં જયારે મુસ્લિમોનું આક્રમણ દેશમાં વધુ પડતું હતું. અને ચારે બાજુ આતંક છવાયેલો હતો. એ વખતે આપણા સાધ્વીજીઓના શીલની રક્ષા પણ સાચવવી મુશ્કેલ હતી. યુવાન સાધ્વીજીને પકડીને લઇ જાય. શું કરો? માથા પટકો તો પણ. એ વખતે આચાર્ય ભગવંતો ભેગા થયેલા અને એમણે એક પરંપરા નક્કી કરી કે હમણાથી પાંત્રીસ વરસથી નીચેની કોઈ પણ દીકરીને દીક્ષા નહિ આપવાની. બધાએ ભેગા થઈને નિર્ણય લીધો. પછી હમણાં થોડા વર્ષો પહેલા પાછા બધા આચાર્ય ભગવંતો ભેગા થયા કે હવે આ નિયમની કોઈ જરૂરિયાત નથી. આ નિયમ હવે ઉતારી દો. પહેલા ગોરજીઓ હતા. એ white કપડાં પહેરતા તો એમ થયું એ ગોરજીઓ કરતા આપણે અલગ હોવું જોઈએ. આપણે સાચા સાધુ છીએ. સંવિગ્ન સાધુ છીએ. તો બધા આચાર્ય ભગવંતોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે પીળા કપડાં પહેરવાના. અમારા દાદા ગુરુદેવ ભદ્રસૂરી મહારાજ સાહેબ, એ પણ પીળા કપડાં પહેરતા હતા. સાહેબના ફોટા પણ મળે છે, પીળા કપડાની અંદર. પણ નેવું નું સંમેલન જયારે ભરાયું વિ.સં.૧૯૯૦નું ત્યારે બધા આચાર્ય ભગવંતો ભેગા થયા અને થયું કે હવે ગોરજીઓ જેવી વાત કોઈ રહી નથી. અને આપણો ખરેખર પોશાક તો white જ હોય, સાધુનો. કલ્પસૂત્રમાં પણ એ જ વાત છે. તો હવે આપણે પીળામાંથી સફેદ ઉપર જઈએ. તો સર્વાનુમતે નક્કી થયું. માત્ર વલ્લભસૂરિ સમુદાયે વિનંતી કરી કે હમકો પીલી ચદ્દર રખને દો, હમારે ગુરુ મહારાજ પીલી ચદ્દર ઓઢતે થે તો હમે ભી પીલી ચદ્દર ઓઢને કી પરમીશન દો. એ વખતે આચાર્ય ભગવંતોએ એમને રજા આપી. એટલે માત્ર એમના સમુદાયમાં પીળો કપડો ચાલે છે બાકી બધે વાઈટ કપડો આવી ગયો.

તો આવી પરંપરાઓ અમુક અમુક સમયની હતી અને અમુક શાશ્વતકાળ માટેની પણ પરંપરાઓ હતી. એ બધી પરંપરાને વફાદાર રહેવું જોઈએ. એક વાત ખાસ કહું. ક્યારેય પણ, કોઈ પણ સારી પરંપરા તોડવાનું પાપ નહિ કરતા. આપણી બુદ્ધિમાં કદાચ ન પણ બેશે કે આ પરંપરા શેના માટે છે? પણ મહાપુરુષોએ જે પરંપરાને આચરેલી હોય એ પરંપરાને તોડવાનું પાપ ક્યારેય પણ આપણે કરવાનું નહિ. એ પરંપરાને માત્ર આપણે અનુસરવાની છે.

પાંચમું વિશેષણ આપે છે, અવંચક. સદ્ગુરુ માત્ર આપનાર છે. આપવાની ભૂમિકામાં છે. મારા ગુરુદેવ ઘણીવાર કહેતા, દે તે દેવ, રાખે તે રાક્ષસ. લોકવ્યવહારમાં આ વાત આવતી. દે તે દેવ. પોતાની પાસે છે, આપે તે દેવ. રાખે તે રાક્ષસ. એ આપણે પહેલા પણ જોયું. તમને જે પણ મળ્યું છે, પ્રભુની કૃપાથી મળ્યું છે. ને પ્રભુની આજ્ઞા છે, તું બીજાને આપ. અમે લોકો શા માટે પ્રવચન આપીએ છીએ? પ્રભુની આજ્ઞા છે. સિદ્ધિ થઈ છે તો વિનિયોગ તારે કરવો જ જોઈએ, એ પ્રભુની આજ્ઞા છે.

આપણે ત્યાં બે શબ્દો છે. સિદ્ધિ અને વિનિયોગ. એક તત્વની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે તમને આપશું નહિ. જે તત્વ અમારી ભીતર એકાકાર થયું નથી, એ વાત અમે તમને આપી ન શકીએ. આપીએ તો પણ એમાં બળ ન હોય. અભિવ્યક્તિમાં બળ કયારે આવે? અમારી પાસે એની અનુભૂતિ છે તો. સિદ્ધિનો અર્થ અનુભૂતિ. વિનિયોગ એટલે અભિવ્યક્તિ. જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી અભિવ્યક્તિની ના પાડી છે.

આપણે ત્યાં એક નાનકડી વાત આવે છે. એક માજી એક દીકરાને સંત પાસે લઈને ગયા કે મહારાજ આ છોકરો ગોળ બહુ ખાય છે. સવાર-બપોર-સાંજ ગોળ ખાધા જ કરે. અને ગોળ તો ગરમ પડે. એટલે એને સમજાવો કે ગોળ ઓછો ખાય, બંધ કરે. તો સંતે કહ્યું; અઠવાડિયા પછી આવજો. માજીએ કહ્યું સારું. અઠવાડિયા પછી ગયા. સંતે કહ્યું; બેટા ગોળ આટલો બધો ખવાય? તારા શરીરને નુકશાન કરે. પેલો કહે બસ મહારાજ સાહેબ એક જ વાર દિવસમાં ગોળ આટલો ખાઇશ વધારે નહિ. નિયમ લઇ લીધો. માજીએ પૂછ્યું કે સાહેબ અઠવાડિયા પહેલા હું આવી ત્યારે તમે કેમ ના કીધું? એ વખતે એ સંતે કહ્યું, એ વખતે હું ગોળ ખાતો હતો. હું ગોળ ખાતો હોઉં અને બીજાને ગોળની ના પાડું. ગોળ મને ભાવતો પણ. ખાતો હતો એટલી વાત નહોતી. મને ગમતો હતો. તમે ગયા પછી ગોળ મેં બિલકુલ બંધ કરી નાંખ્યો. સંપૂર્ણ ગોળનો ત્યાગ કરી નાંખ્યો અને હવે એ સિદ્ધિ મારી પાસે છે માટે વિનિયોગ હું કરી શકું. એ સદ્ગુરુ માત્ર આપનારની ભૂમિકામાં છે.

જિનશાસનના સાધુ અને સાધ્વીજીઓ વિશ્વની અજોડ ઘટના છે. આ ૧૭૦૦ સાધુ-સાધ્વીઓ વિશ્વની અજોડ ઘટના છે. કેવી અજોડ ઘટના છે.. જેને કશું જ લેવું નથી કોઈની પાસેથી. માત્ર આપવું જ છે. માત્ર રોટલી-દાળ લેવું છે. બીજું કાંઈ જ જોઈતું નથી. અને પોતાની પાસે જે કાંઈ છે એ બધું આપી દેવું છે. અમારી પાસે એટલાં બધા મહાત્માઓ છે. કોઈ આને ભણાવે છે, કોઈ આને ભણાવે છે, કોઈ આને. કોઈ પણ શ્રાવક આવે. કોઈ કહે સાહેબ મને પંચસુત્ર ભણાવો, પંચસુત્ર ભણાવે. કોઈ કહે સાહેબ જીવવિચાર ભણાવો, જીવવિચાર ભણાવે. એક વ્યક્તિ આવે તો પણ કલાક-કલાક ભણાવે. એક જ વાત છે. પ્રભુએ મને જે આપ્યું છે એ મારે બીજાઓને આપવાનું છે.

કલાપૂર્ણસૂરિદાદાનું દર્શન છેલ્લે મને રાજસ્થાનમાં થયું. ઝાલોર જીલ્લામાં જસવંતપુરા ગામની બાજુમાં કલાપુરા ગામ છે. ત્યાં સાહેબજીનું છેલ્લું દર્શન મને થયું. એ વખતે તો ખ્યાલ નહોતો કે આ છેલ્લું દર્શન છે. સાહેબજી ગયા રાજસ્થાનમાં અને ત્યાં જ કાળધર્મ પામ્યાં. એ નાનકડા ગામમાં પણ ગાડીઓની કતારની કતાર. ભક્તોના ટોળેટોળા. સાંજના સમયે બધા ગયા. હું નિરાંતે સાહેબના ચરણોમાં જઈને બેઠો. એ વખતે સાહેબે મને એક સાધના આપી. સાહેબે કહ્યું; દેવચંદ્રજી મહારાજને બરોબર ઘૂંટી લેજે. એક દેવચંદ્રજીને તું ઘૂંટી લઈશ, તો પૂરું પ્રભુ શાસનનું હાર્દ તને મળી જશે. બીજી બધી વાતો થઈ થોડીક. એમાં મેં સાહેબજીને પૂછ્યું કે સાહેબ આટલા બધા લોકો આવે. આવે, ત્યાં સુધી પણ ઠીક છે. બધાની ઈચ્છા હોય, સાહેબજી હિતશિક્ષા આપો. એક વૃંદ આવ્યું, આપ પાંચ મિનીટ બોલ્યા. એક ગયા અને બીજું આવ્યું. વળી પાંચ મિનીટ બોલ્યા. તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ આપણે થાક નથી લાગતો? ત્યારે સાહેબે મને કહ્યું, યશોવિજય! મારા પ્રભુએ અને મારા સદ્ગુરુએ મને જ્ઞાન આપ્યું છે એ કંડીશનલી આપ્યું છે. શરતી આપ્યું છે. હું જો બીજાઓને એ જ્ઞાન ન આપું તો મારા પ્રભુનો અને મારા સદ્ગુરુનો હું અપરાધી થયો કહેવાય. મારા પ્રભુએ અને મારા સદ્ગુરુએ મને જે જ્ઞાન આપ્યું છે એ કંડીશનલી આપ્યું છે. અને હું તો એમાં ઉમેરો કરું છું, પ્રભુનો અધિકાર છે મારા જ્ઞાન ઉપર, સદ્ગુરુનો મારા જ્ઞાન અધિકાર છે, તમારો પણ અધિકાર છે. શ્રીસંઘનો પણ!

એવું એક માનવામાં આવે છે. વિજ્ઞાનશાસ્ત્રની દ્રષ્ટીએ. કે બાર વર્ષે આપણા શરીરની પૂરી ધાતુઓમાં રૂપાંતરણ થાય છે. લોહી, ચરબી આ બધું જ જે છે એ બાર વર્ષે રૂપાંતરિત થાય છે. બદલાઈ જાય છે. એટલે મારા માતપિતાએ મને જે આપેલું શરીર એમાં રૂપાંતરણ થયું. દીક્ષા લીધા પછી જે મારા શરીરમાં વિકાસ થયો, શરીર પોષાયું એ બધું શ્રીસંઘના આહાર દ્વારા. આ જ શ્રીસંઘે મારા અભ્યાસ માટે બહુ જ મોટામોટા પંડિતો રાખેલાં. મારા માટે જે personal પુસ્તકો આવે છે એ લાયબ્રેરીમાં લગભગ હોતા નથી. વર્ષે લાખ-બે લાખ-ચાર લાખના પુસ્તકો પણ કદાચ હું મંગાવું છું અને હું વાંચતો હોઉં છું. પણ એમાં પણ શ્રીસંઘ જે છે એ પ્રેમથી આ બધું આપે છે. એટલે મારા જ્ઞાન ઉપર શ્રીસંઘનો પણ અધિકાર છે. એમ હું માનું છું. અને એથી ગમે તે વ્યક્તિ, ગમે ત્યારે આવે, વાસક્ષેપ આપો. હમણાં તો એવો પ્રવાહ ચાલે છે. એક પત્ર લખતાં દસ વખત મારે હાથ આમ-આમ કરવાનો હોય છે. પણ મને કંટાળો નથી આવતો. કારણ? હું મારા પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. મારા પ્રભુએ કહ્યું છે કે તું આપ. તારી પાસે જે પણ છે એ આપ. તો પાંચમું વિશેષણ આ થયું, આપવું. સદ્ગુરુ માત્ર ને માત્ર વરસી રહ્યા છે. ઝીલવાનું તમારે છે હો.

કેટલા બડભાગી છો! ભલે, ચોમાસું પૂરું થશે. અમે વિહાર કરીશું. ગચ્છાધિપતિ રાજેન્દ્રસૂરીદાદા અહીં પધારશે. મોટા-મોટા શ્રેષ્ઠ સંતો તમારે ત્યાં પધાર્યા કરશે. અને દેશના એ જ રીતે ચાલ્યા કરશે. એટલે સતત ગુરુ ભગવંતો તમારા ઉપર વરસ્યા કરવાના. તમારે માત્ર ઝીલવાનું.

હું તો ત્યાં સુધી કહું, એક કલાકના પ્રવચનમાંથી એક પંક્તિ તમારાં હૃદયમાં ગમી ગઈ, બસ! એ એક પંક્તિનો સ્વાધ્યાય કરો, બીજું કાંઈ નહી. એક જ પંક્તિ વધારે કંઇ નહિ. સંવરવાળા મારા ગુરુ છે. મારે પણ સંવરની દુનિયામાં જવું છે, તો શું કરવાનું? રાગ-દ્વેષ કદાચ આવી જાય. પણ જેમ બને એમ જલ્દી એને ડીલીટ કરી નાંખવાના છે. કારણ કે કામના તો છે જ નહિ. ઘટના ઘટી ગઈ. પછી અડધો કલાક તમે ગુસ્સામાં રહો કે બે કલાક રહો કંઇ ફરક પડવાનો નથી. તો જેમ બને એમ જલ્દી એને ડીલીટ કરી નાંખો.

હું ઘણીવાર કહેતો હોઉં છું, કે ગુનો બીજાનો હોય અને સજા તમે ભોગવો એવું ચાલે? થાય આવું? થાય આવું? તમે આવું કરો છો? પેલામાં આમ છે, એ માણસ તો સાવ આવો. તમે હેરાન થાઓ? અરે! પણ ગુનો એનો! સજા તું ભોગવે છે? એમાં કંઈ દોષ છે એ એના કર્મનો ઉદય છે. તને એ ખટકતો હોય તો પ્રભુ પાસે પ્રાર્થના કર કે પ્રભુ એને આ દોષમાંથી મુક્ત કર. પણ એના કારણે તું અશાંત શું કરવા બને છે? આ આવો છે, આ આવો છે, અરે આખી દુનિયા જ આવી છે. ઘણા માણસો આવું બોલે. આખી દુનિયા ખરાબ છે. એટલે એકમાત્ર હું જ સારો લાગતો હોય! આખી દુનિયા ખરાબ લાગે! પણ એના કારણે એ પોતે અશાંતિમાં જીવતો હોય. આ પણ ખરાબ, પેલો ખરાબ, કોઈની પણ વાત કરો ગામના. એની વાત મુકો સાહેબ એ તો આવો છે, એ તો આવો છે. પણ તું શું કરવા હેરાન થાય છે? ગુનો એનો, હેરાન તારે થવાનું?!

છેલ્લું વિશેષણ આવ્યું, શુચિ અનુભવ ધાર રે. આત્માનુભૂતિવાન સદ્ગુરુ હોય છે. એમની પાસે અનુભૂતિ છે. સ્વની અનુભૂતિ છે. જ્યાં સ્વની અનુભૂતિ આવી, પરનો રસ છૂટી ગયો. અને એટલે જ ચોથા સ્તવનના પ્રારંભમાં દેવચંદ્રજી મહારાજે કહ્યું; બહુ સરસ પહેલી કડી છે. “કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત” મને પરમરસ શી રીતે મળશે? મારો આ જન્મ માત્ર અને માત્ર પરમરસને પીવા માટે છે. એ પરમરસ મને શી રીતે મળશે? તો તરત એના માટેનો માર્ગ આપ્યો. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત.” દેવચંદ્રજી મહારાજ અનુભૂતિની દુનિયાના માણસ છે. એ કહે તારે પરમરસ પીવો છે ને, બેસી જા, પીવડાવી દઉં. શું કરવાનું? પુદ્ગલ અનુભવ ત્યાગ. પરમાં જે રસ છે એ રસનો ત્યાગ. પરદ્રવ્ય તો મારી પાસે પણ છે. વસ્ત્રો છે, આહાર છે. બધું જ છે. પરપદાર્થ ભલે હોય, પણ એ પરપદાર્થમાં રાગ નથી, રસ નથી. નથી ગમો, નથી અણગમો. તો સ્વની અનુભૂતિ મળે, પરનો રસ મરી ગયો.

તો આપણા દરેક સદ્ગુરુ જે પહોંચેલા સદ્ગુરુ છે એ સ્વાનુભૂતિ સંપન્ન હોય. મુક્તિદર્શન મહારાજ સાહેબને તો તમે બધાએ અનુભવેલા છે. જયઘોષસૂરી દાદાનું દર્શન કરેલું છે. આ બધા સ્વાનુભૂતિ સંપન્ન મહાત્માઓ હતા. જેમની પરની દુનિયા વિલુપ્ત થઈ ગયેલી. અને એમના માટે એક સાધનાની વાત આનંદઘનજી ભગવંતે કહી છે, સબ મેં હે ઓર સબ મેં નાહી, તું નટરૂપ અકેલો, સબ મેં હે ઓર સબ મેં નાહી. એ જયઘોષસૂરી દાદા સેંકડો ભક્તો એમની જોડે આવતા હોય, પણ એ કોઈનામાં નહિ. તમને બહારથી લાગે સાહેબ બધાને પચ્ચક્ખાણ આપ્યું, સિદ્ધિતપ કરાવ્યું, બધાને પચ્ચક્ખાણ સાહેબજીએ આપ્યું. સાહેબજી આમ બધાના હોય, સાહેબજી કોઈના ન હોય. સબ મેં હે ઓર સબમેં નાહી.

તો આવા સદ્ગુરુને આપણે સમર્પિત થઈ જઈએ. એમની આજ્ઞાને સ્વીકારી લઈએ. જેથી આપણે પરમશાંતિની દુનિયામાં આવી જઈએ. આ શાંતિનો બીજો માર્ગ બતાવ્યો. હજુ છ માર્ગ બાકી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *