વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અહોભાવની ભીનાશ
અનુભૂતિ મેળવવાનો shortest cut છે સદ્ગુરુનું ઉપનિષદ. સ્વાનુભૂતિસંપન્ન એવા સદ્ગુરુના સાન્નિધ્યમાં આપણે માત્ર બેસીએ અને સદ્ગુરુએ વર્ષો સુધી સાધના કરીને જે અનુભૂતિ પ્રાપ્ત કરી છે, એ અનુભૂતિ આપણને ક્ષણોમાં મળી જાય!
પ્રભુના નિરંતર સ્મરણરૂપી કોડિયું. આખી દુનિયા જેને પૂર્ણ લાગે છે – એવું પૂર્ણ મન એ કોડિયાની વાટ. અને પરમાત્માની કૃપારૂપી તેલ એ કોડિયામાં પૂરાયેલું હોય. જેનો દીપ પ્રગટી ઊઠેલો છે એવા સદ્ગુરુના સાન્નિધ્યમાં તમે બેસો અને તમારો આ દીપ પણ પ્રજ્વલિત થઈ ઊઠે.
શાંતિ મેળવવા માટેનો ત્રીજો માર્ગ : અહોભાવની ભીનાશ. શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જંજાળ રે. આપણી પાસે અદ્ભુત્ત આલંબનો છે, જે આપણને અહોભાવની ધારામાં મૂકી દે. એ અહોભાવની ભીનાશ આવે, એટલે આપણું મન એકદમ શાંત થઈ જાય.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૭
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિ માટેના ઉપાયોની ચર્ચા કરે છે. આઠ માર્ગો શાંતિ માટેના એ સ્તવનામાં સાહેબે આપ્યા છે. પહેલો માર્ગ હતો, પ્રભુના વચનો પરની તીવ્ર શ્રદ્ધા. બીજો માર્ગ સદ્ગુરુ સમર્પણ. સદ્ગુરુના ચરણોમાં તમે જીવન સમર્પિત કર્યું. તમે નિશ્ચિત. Then you have not to do anything absolutally. જે પણ કરવું છે એ સદ્ગુરુએ કરવું છે. સદ્ગુરુના છ વિશેષણો આપ્યા. છેલ્લું વિશેષણ હતું, શુચિ અનુભવાધાર.
સદ્ગુરુ સ્વાનુભૂતિ સંપન્ન હોય છે. અનુભૂતિ સંપન્ન સદ્ગુરુની સાનિધ્યમાં આપણે બેસીએ, આપણે પણ અનુભૂતિથી છલકાતા થઈ જઈએ. અનુભૂતિ મેળવવાનો shortest cut હોય તો એ છે સદ્ગુરુનું ઉપનિષદ. સદ્ગુરુ શબ્દો દ્વારા પણ તમને અનુભૂતિનો માર્ગ બતાવે. હાથ દ્વારા વાસક્ષેપ આપીને શક્તિપાત કરીને પણ તમને પ્રભુના માર્ગ ઉપર દોડાવે. પણ સૌથી shortest cut આ છે. અનુભૂતિવાન સદ્ગુરુના ચરણોમાં તમે બેઠા હોવ અને સીધી જ અનુભૂતિ તમને સ્પર્શી જાય.
એટલે જ હું તમને વારંવાર કહું છું, કે એકમાત્ર receptivity એ જ તો તમારી સાધના છે. પ્રભુની કૃપા અનરાધાર વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? એ પ્રભુની કૃપા મેં અગણિત જન્મો પહેલા ઝીલી હોત તો હું મોક્ષમાં ક્યારનો પહોંચી ગયો હોત. તો અગણિત જન્મોથી પ્રભુની કૃપા વરસી જ રહી છે, વરસી જ રહી છે, we should have a receptivity. એક રીસેપ્ટીવીટી આપણી પાસે હોય, એ કૃપાને કેમ પ્રાપ્ત કરવી એની ટેકનીક આપણી પાસે હોય તો પ્રભુની કૃપાને આપણે પ્રાપ્ત કરી લઈએ અને સાધના માર્ગે દોડતા થઈ જઈએ. એ જ રીતે સદ્ગુરુએ વર્ષો સુધી સાધના કરીને જે અનુભૂતિ પ્રાપ્ત કરી છે એ અનુભૂતિ તમને ક્ષણોમાં મળી જાય.
સુઈગામમાં મારું ચોમાસું. ત્યાં જૈનોના ઘર ઓછા. વ્યાખ્યાનમાં આપણા લોકો માંડ ૧૦૦-૧૨૫ હોય ૮૦૦ થી ૯૦૦ હિંદુ ભાઈ-બહેનો હોય. એ હિંદુ ભાઈઓ રોજ મારી પાસે વ્યાખ્યાન પહેલા પણ આવીને બેસે. એકવાર મેં એમને કહ્યું, ગુરુદેવ નીચે બિરાજમાન છે. અરવિંદસૂરિદાદા. પાંચ-દસ મિનિટ, પંદર મિનિટ એમના ચરણોમાં તમારે બેસવાનું. દાદા જે કરતા હોય એ કરે. એમને આપણે disturb નહિ કરવાના. એ માળા કરતા હોય, એ સ્વાધ્યાય કરતા હોય, તમારે માત્ર એમના ચરણોમાં બેસવાનું. અઠવાડિયા પછી એ હિંદુ લોકોએ મને કહ્યું, કે સાહેબ એક મહિનાના તમારાં પ્રવચનથી જે ન મળ્યું એ ગુરુદેવની પાસે ખાલી દસ-દસ મિનિટ બેઠા અને અમને મળી ગયું.
મહાત્મા બુદ્ધની વાત આવે. બુદ્ધ ભગવાન ધ્યાનમાં બેઠેલાં. એક સાધક આવ્યો. એમના ચરણોમાં બેઠો. બુદ્ધ ભગવાન ધ્યાનમાં છે. પેલો સાધક દસ મિનિટ બેઠો. બુદ્ધ ભગવાનની આંખો પણ બંધ છે. ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા છે. પેલો સાધક દસ મિનિટ બેઠો, પછી ઉભો થયો. અને એને કહ્યું, ભગવાન! તમે મને ખુબ આપ્યું, ખુબ આપ્યું, તમારો હું બહુ જ ઋણી છું, એ ગયો. પટ્ટશિષ્ય આનંદે પાછળથી પૂછ્યું કે પ્રભુ! તમે તો ધ્યાનમાં હતા. તમે એક શબ્દ એને આપ્યો નથી. તો એણે તમારો આભાર શી રીતે માન્યો? ત્યારે બુદ્ધ કહે છે, કે એને માત્ર મારી ઉર્જા જોઈતી હતી. બુદ્ધે કહ્યું, એની પાસે કોડિયું હતું, વાટ હતી, કોડિયામાં તેલ પુરાયેલું હતું. હવે શું જોઈએ? એક જીવંત દીપ. જીવંત દીપ સાથે તમે તમારાં દીવાની વાટને ટચ કરો તમારો દીવો પ્રગટી જાય, તમે રવાના થાઓ. બુદ્ધ કહે છે, મારી ઉર્જામાં દસ મિનિટ બેઠો એનો દીપ પ્રજ્વલિત થઈ ગયો એ રવાના થયો. બુદ્ધ તૈયાર હતા, પેલો પણ તૈયાર હતો, દીપ પ્રગટી ગયો. અહિયાં પ્રભુ તૈયાર, સદ્ગુરુ તૈયાર, તમે તૈયાર હોવ તો સેકંડોનો મામલો છે.
ચાર મહિના તો બહુ મોટી વાત થઈ ગઈ. સેકંડોનો મામલો છે. હવે તમને થાય કે અહિયાં દીપના પ્રાગટ્યમાં તમારી receptivity, તમારી સજ્જતા શું હોય? મીરાંએ એની વાત કરી છે. બહુ મજાના શબ્દો મીરાંના છે. “સુરત નિરત કો દિવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ઘાણી કો તેલ સિંચાયો, બાલ રહી દિન રાતી.” ત્રણ વાત એને કહી. કોડિયું, વાટ અને તેલ. સુરત નિરત કો દિવલો જોયો. કોડિયું કયું? બહારની દુનિયામાં માટીનું કોડિયું હોય, અંદરની દુનિયામાં અંદરનો દીપ જલાવવો છે ત્યારે કોડિયું કયું? સુરત નિરત કો દિવલો જોયો. હિંદુ પરંપરામાં, સુરતી અને નીરતી એ બહુ જ પ્યારા શબ્દો છે. એ સુરતી અને નીરતીના ઘણા બધા અર્થો છે. અહિયાં આપણે એક જ અર્થ લઈએ છીએ. સુરતી એટલે સ્મૃતિ, સ્મરણ. નીરતી એટલે નિરંતર. પ્રભુનું નિરંતર સ્મરણ ચાલતું હોય એ કોડિયું.
કેવું સ્મરણ? ચંદનાજીના દ્વારેથી પ્રભુ પાછા ફર્યા એ વખતે ચંદનાજી ધ્રુસકે-ધ્રુસકે રડ્યા. એ વખતે ડૂસકામાંથી ચળાઈને આવતા ચંદનાજીના શબ્દો કયા હતા? વીરવિજય મહારાજ બારવ્રતની પૂજામાં એ શબ્દોને લઈને આવ્યા. ‘એક શ્વાસમાંહે સો વાર સમરું તમને રે.’ પ્રભુ એક શ્વાસ પર એક વાર નહિ, એક શ્વાસ પર સો વાર તમારું સુમિરન કરનાર હું. તમે મારા દ્વારેથી પાછા કેમ જઈ શકો? ચંદનાજીના આંસુમાં એ તાકાત હતી. એમના આ નિરંતર સ્મરણમાં એ તાકાત હતી કે પ્રભુને પાછા ફરવું પડ્યું. એક આંસુના બળ ઉપર, એક પ્રભુ સ્મરણના બળ ઉપર ચંદનાજી કેવલજ્ઞાન પામ્યા, મોક્ષને મેળવી ગયા. એકમાત્ર આંસુના બળ પર.
શાસ્ત્રોએ એક સવાલ કર્યો, કે અગણિત જન્મોની અંદર સંસારી સ્વજનો માટે તમે એટલાં બધા આંસુ સાર્યા છે કે સ્વયંભૂ રમણ સમુદ્રનો જલરાશી પણ એ અશ્રુરાશી પાસે ઓછો પડે. એટલું તમે રડ્યા છો. પણ પછી પૂછ્યું કે પ્રભુ માટે કેટલા આંસુ સાર્યા છે? પ્રભુ માટે શું કર્યું? પ્રભુ માટે કેટલા આંસુ સાર્યા? રોજ પ્રભુની પાસે જાઓ છો. આંખો ભીની થાય છે? કોરી-કોરી આંખે થયેલા દર્શન પ્રભુને સ્વીકાર્ય નથી.
તો સુરત નિરત કો દીવલો જોયો- નિરંતર સ્મૃતિ એ કોડિયું.
વાટ કઈ? મનસા પુરન બાતી. પૂર્ણ મન એ વાટ છે. તમારે બધાનું મન અપૂર્ણ છે ને? મન પૂર્ણ બને તો શું થાય ખબર છે?
મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કહ્યું, ‘પૂરન મન પૂરન સબ દિસે, નહિ દુવિધા કો લાગ.’ જે ક્ષણે મન પૂર્ણ થયું; બધું તમને પૂર્ણ દેખાય. તમને બીજી વ્યક્તિ અધુરી દેખાય છે તેનું કારણ શું? એ બીજી વ્યક્તિની અધૂરપ નહિ, તમારી પોતાની અધૂરપ. તમારું મન પૂર્ણ થઈ ગયું, દુનિયા પૂર્ણ છે. મને પ્રભુ મળ્યા ને.. અને પ્રભુએ મને positive attitude આપ્યું. એ પછી દુનિયાની એક વ્યક્તિ મને ક્યારેય પણ ખરાબ લાગી નહિ. બધા જ વ્યક્તિઓ સારા જ લાગ્યાં છે. કારણ કે તમારા ગુણોને હુ જોઈ રહ્યો છું અને થોડા ગુણો પ્રગટ છે પણ ઢંકાયેલા ગુણો તો અનંત તમારી ભીતર પડેલા છે.
તમને બધાને ભવિષ્યના સિદ્ધભગવંત તરીકે હું જોઈ શકું છું. તમે જોઈ શકો કે નહિ? તમારી પત્ની એ પણ સિદ્ધ ભગવાન. શ્રાવિકાને લાગવું જોઈએ મારો પતિ એ પણ ભવિષ્યનો સિદ્ધ ભગવાન છે. તમારે ત્યાં આવેલા તમારાં સંતાનો એ પણ ભવિષ્યના સિદ્ધ ભગવાન છે. જોઈ શકશો આ રીતે તમે? બધા જ સિદ્ધ ભગવાન છે. નમુત્થુણં માં શું બોલો? ‘જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતી ણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ.’ ભૂતકાળમાં જે સિદ્ધભગવંતો થયા એમને તમારું વંદન, વર્તમાનકાળમાં મહાવિદેહમાંથી જે મહાત્માઓ સિદ્ધિપદને પામે એમને તમારું વંદન, અને ભવિષ્યમાં સિદ્ધ થવાના જેમની જોડે.
એક નમો સિદ્ધાણં પદ તમને જો યાદ રહે ને તો તમને ગેરંટી સાથે લખી આપું કે ક્યારેય પણ તમારાં મનમાં અશાંતિ આવે નહિ. કોઈએ કંઇક કહ્યું, વિના કારણે, રફલી ગાળોનો વરસાદ વરસાવ્યો, અડધો કલાક સુધી નોનસ્ટોપ. ગુસ્સો આવવાની તૈયારી થતી હતી તમારી ભીતર. અને ત્યાં તમને નમો સિદ્ધાણં યાદ આવી ગયું. તમે એ અંકલના પગમાં પડો. પેલો પણ નવાઈમાં ડૂબી જાય. અડધો કલાકથી નોનસ્ટોપ ગાળોનો વરસાદ વરસાવું છું. આ માણસ ગુસ્સે થવાના બદલે મારા પગમાં પડે છે! અને પછી ઉભો થઈને કહે, નમો સિદ્ધાણં. આપ પણ ભવિષ્યના સિદ્ધ ભગવાન છો. બોલો તમારા ઘરમાં ઝગડો રહે પછી? ઝગડો રહે જ નહિ ને… તમને બધા જ ભવિષ્યના સિદ્ધ ભગવાન જ દેખાય અને એ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાની જ વાત હોય.
એક જગ્યાએ એવું થયું, મહોત્સવ હતો. મહોત્સવમાં બહારથી પણ ઘણા બધા લોકો આવેલાં. નાનું ગામ હતું. એટલે બહુ મોટી ધર્મશાળા નહોતી. બે-ચાર હોલો હતા.તો બે હોલમાં બહેનોને રાખેલી, બે હોલમાં ભાઈઓને રાખેલાં. તો બહેનો જે રૂમમાં હતી, ખીચોખીચ ભરાયેલો હોલ. એમાં એક દીકરી નીકળી. હવે બહેનો સુતેલી. એકનો આમનો પગ ને, એકનો આમ પગ, એકનો આમ પગ. પેલી સાચવી સાચવીને ચાલવા ગઈ તો પણ એક બહેનને સહેજ એનો પગ ટચ થઈ ગયો. અને પેલી બહેનનો જે ગુસ્સો ફાટ્યો. દેખતી નથી, આંખો છે કે નહિ, ખબર નથી પડતી. પેલી દીકરીએ માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ. એ દીકરી ગઈ. પછી એ બહેનની પાડોશણે કહ્યું તને ખબર છે એ દીકરી કોણ હતી. તો કહે, ના. એને દીક્ષા લેવાની છે. એનું મુરત નીકળી ગયું છે અને બે મહિના પછી દીક્ષા લેવાની છે. અને પેલી બહેનને પસ્તાવો થાય છે. કે ભવિષ્યમાં જે દીક્ષા લેવાની છે, સાધ્વીજી ભગવતી બનવાની છે એની મેં આશાતના કરી? તો એ બહેન નીચે ઉતરે, એ દીકરીને મળે અને દીકરીની માફી માંગે. દીકરીની આંખમાં આંસુ, એ કહે, આંટી તમારી ક્યાં ભૂલ છે? ભૂલ તો મારી જ હતી. બંનેની આંખમાં આંસુ આવ્યાં. તો એ બહેનના મનમાં થયું ભવિષ્યની સાધ્વીજી ભગવતી આ છે. તો ભવિષ્યની સાધ્વીજી હોય એના પ્રત્યે આટલું સન્માન થાય તો ભવિષ્યના સિદ્ધ ભગવંત માટે કેટલો ભાવ આવે એમાં? હું માનું છું કે એકમાત્ર નમો સિદ્ધાણં આવે ને પૂર્ણશાંતિ તમારે ત્યાં પથરાઈ જાય.
તો વાટ કઈ કહી? મનસા પુરન બાતી, પૂર્ણ મન. ઉપનિષદનો એક મંત્ર છે, “ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥” ઉપનિષદના ઋષિ કહે છે, પૂર્ણ “पूर्णमदः पूर्णमिदं – પેલું પણ પૂર્ણ છે આ પણ પૂર્ણ છે. पूर्णात् पूर्णमुदच्यते- પૂર્ણથી પૂર્ણ વધે છે. અને છેલ્લે તો એટલું મજાનું સમીકરણ આપ્યું. पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते – પૂર્ણમાંથી પૂર્ણ ખેંચી લો તો પણ પૂર્ણ જ રહે છે. તમારી સંપતિ અને અમારી સંપત્તિ. અપૂર્ણતા અને પૂર્ણતા. સો રૂપિયાની નોટો તમારી પાસે છે, અથવા સો રૂપિયાના સો સિક્કા છે. દેરાસરે ગયા. ભીખારીઓ બેઠેલાં. એક-એક આપતા ગયા. સો જણાને સો સિક્કા આપ્યા, તમે ખીસા ખાલી થઈ ગયા. અમારી પાસે જ્ઞાન છે, અમો સોને આપીએ, હજારને આપીએ, હજારોને આપીએ. અમારુ જ્ઞાન વધે કે ઘટે?
તો મનસા પૂરન બાતી. પૂર્ણ મન એ વાટ છે. તો પૂર્ણ મન જયારે થાય છે ત્યારે પૂરી દુનિયા પૂર્ણ લાગે છે. શ્રીપાલકુમારને ધવલશેઠ પણ ગુણવાન લાગ્યાં એનું કારણ શું? આ દ્રષ્ટિ હતી. પ્રભુની પાસે આ vision માંગો. ચક્ખુદયાણં બોલોને પ્રભુ પાસે. પ્રભુ આંખ આપે. આવી આંખ આપે બોલો. તો પૂરી દુનિયા તમને પૂર્ણ લાગે. તમને કયાંય, કોઈનામાં દોષ લાગે જ નહિ. અત્યારે હું માનું છું ત્યાં સુધી તમને એકેય વ્યક્તિ ગુણથી યુક્ત લાગતી નહિ હોય સિવાય કે તમે પોતે. તમે તો ગુણનો ભંડાર છો જ. બીજા બધા દોષનો ભંડાર છે બરોબરને? પ્રભુ એવું vision આપે કે તમારાં દોષો તમને દેખાય અને બીજાના બધાના ગુણો તમને દેખાવા લાગે. તો રોજ નમુત્થુણં બોલતા ચક્ખુદયાણં પદ આવે ત્યારે કહેજો કે પ્રભુ એવી આંખ મને આપ, એવું vision મને આપ કે દુનિયાના દરેક વ્યક્તિના માત્ર ગુણો જ મને દેખાય, કોઈના પણ દોષો મને દેખાય નહિ.
હું ઘણીવાર કહું છું, કે ગુનો બીજાનો અને સજા તમને થાય, તમે ચલાવી લેશો? નહિ ચલાવો ને? એક વ્યક્તિ અહંકારી છે, બીજી વ્યક્તિ ક્રોધી છે અને હેરાન તમે થાઓ છો! સાલો પેલો આવો છે.. સાલો પેલો.. ગુનો એનો, દોષ એની પાસે છે તમે હેરાન શા માટે થાવ છો? ગુનો એ કરે, સજા તમારે ભોગવવાની?! આ બરોબર ખરું? આપણા ગુજરાતીમાં એક કહેવત છે, “ભેંસના શિંગડા ભેંસને ભારે”. ભેંસના શિંગડા જોરદાર હોય કદાચ, બહુ જ મોટા, એમાં તારે ચિંતા કરવાની શી જરૂર હોય? એ ભેંસને ભારે છે, તારે તો વજન ઉપાડવાનું નથી. એમ એનામાં દોષ હશે તો એ જોશે, એનો કોઈ કલ્યાણમિત્ર હશે તો એ જોશે. તારે જોવાની જરૂરિયાત ક્યાં છે? પણ તમે બીજાના ગુનાથી સજા ભોગવી રહ્યા છો.
ઘરની અંદર પણ દસ જણાનું ફેમીલી છે. શું થાય લગભગ બોલો? કોઈ પણ એકને પૂછો તો પોતાના સિવાય નવના માઈનસ point એની પાસે છે. દેરાણી પાસે આમ, જેઠાણી પાસે આમ, આની પાસે આમ, આની પાસે આમ. મારે એવું કુટુંબ જોઈએ. જિનશાસન પ્રભાવિત કે જેમાં તમને બધાનાં પ્લસ point દેખાય છે. દસનું ફેમીલી છે, ને તમારાં દોષ તમને દેખાય. બાકી નવે-નવનાં પ્લસ point તમને દેખાય. સો-બસો વર્ષ પહેલાનો યુગ આ હતો. રહેતા હતા નાનકડી ઝુંપડા જેવા ઘરમાં. છાપરાવાળું ઘર હતું, ગાર-માટીનું. દસ-દસ જણા નાનકડા રૂમમાં રહેતા હતા. આજે 4bhk, 5 bhk વાલકેશ્વરમાં તો! મેં માર્ક કરીને જોયું હો… ફ્લેટ બહુ મોટો હોય. દસ હજાર ચોરસફૂટનો, રહેનાર બે જ જણા હોય પાછા. કારણ કે એમના છોકરા દેશમાં ભણે એ તો ચાલે જ કેમ?! એ વિદેશ જ ભણવા જાય. પછી અમેરિકા-યુરોપ ગમી જાય. ત્યાં સ્થાયી થઈ જાય. ખલાસ. વિદેશ ભણવાનો-ભણાવવાનો ટ્રેન્ડ એટલો વધ્યો છે કે હમણાં તો કોઈ દિવસ ખાલી જતો નથી કે બે-ચાર જણા આવ્યા ન હોય, સાહેબ આ લંડન જવાનો છે, સાહેબ આ અમેરિકા જવાનો છે. આશીર્વાદ આપો.
તો પહેલાના ઘરો સાદા હતા પણ હૃદય જે છે એ ભરેલા હતા. આજે ઘરો મોટા થયા, હૃદય ભરેલા નથી. તો મનસા પુરન બાતી. પછી તેલ ક્યાંથી લાવ્યું? ‘અગમ ઘાણી કો તેલ સિંચાયો.’ પરમાત્માની કૃપા એ તેલ. તો મીરાં કહે છે, સદ્ગુરુ પાસે ગઈ ત્યારે મારી પાસે કોડિયું તૈયાર હતું, વાટ તૈયાર હતી, તેલ પુરાયેલું હતું. હવે મારે માત્ર જીવંતદીપની આવશ્યકતા હતી. સદ્ગુરુની પાસે ગઈ, સદ્ગુરુની ઓરા સર્કલમાં બેઠી, માત્ર એ aura field માં બેઠી; મારો દીપ પ્રજ્વલિત થઈ ગયો.
તો અનુભૂતિવાન જે સદ્ગુરુ છે એના ચરણોમાં માત્ર તમે બેસો. તમારો દીપ જલી ઉઠે. અને એટલે જ હું વારંવાર કહું છું, ૯૯% grace ૧% effort. તમે જો સાધક છો તો તમારી સાધનાનું composition આ જ છે. ૯૯% માત્ર કૃપા ૧% માત્ર પ્રયત્ન. અને એ પ્રયત્ન એટલે આ receptivity. એક પકડવાની સજ્જતા આવી ગઈ, પછી… Tv ની સ્ક્રીન છે, તમે on કરી લો, પછી દુનિયાભરના સ્ટેશનો પકડાશે. પછી કોઈ એ લીમીટેશન નથી કે આ સ્ટેશન આવશે, આ સ્ટેશન આવશે. એમ તમે એક સજ્જતા પેદા કરી પછી બસ તમારે પ્રાપ્ત જ કર્યા કરવાનું છે. અનંત પરમાત્માની કૃપા, અનંત સદ્ગુરુઓની કૃપા બસ મેળવ્યા જ કરો, મેળવ્યા જ કરો, મેળવ્યા જ કરો. તમારી સાધનાને પુષ્ટ કર્યા કરો. તો શુચિ અનુભવાધાર. સદ્ગુરુનું આ છેલ્લું વિશેષણ હતું.
એ પછી ત્રીજા માર્ગની ચર્ચા કરી છે, ત્રીજો માર્ગ શાંતિ માટેનો. અહોભાવની ભીનાશ હોવી જોઈએ. જે આપણને ગળથુંથીમાંથી મળેલી છે. શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જંજાળ રે. આ આનંદઘનજી ભગવંતના શબ્દો. કેટલા બધા આલંબનો આપણી પાસે છે. આ મુંબઈમાં, આ આલંબનો ન હોત. દેરાસરના, ઉપાશ્રયના, સદ્ગુરુઓના. તો તમે ક્યાં હોત? આપણે એક પરંપરાને નત્ મસ્તક છીએ. કે જે પરંપરાએ આપણને આટલા બધા જિનમંદિરો આપ્યા, આટલા બધા ઉપાશ્રયો આપ્યા. એ આપણા પૂર્વજોની શ્રદ્ધા કે જેના કારણે અદ્ભુત્ત જિનાલયો, અદ્ભુત્ત ઉપાશ્રયો, અદ્ભુત્ત તીર્થો આપણને મળ્યા.
એક-એક તીર્થ એટલે એક-એક સાધનાકેન્દ્ર, બેસી જાઓ ત્યાં. એક-એક તીર્થમાં એટલી ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે કે માત્ર તમે ત્યાં જઈને ધ્યાનમાં બેસી જાઓ, receptivity આવી ગઈ, ઉર્જા પકડાવા લાગશે. કોઈ પણ તીર્થ હોય ને એમાં એક વ્યવસ્થા અત્યારે પણ હોય છે. એ ધર્મશાળા હશે તો પણ, એ દેરાસરથી દુર હશે. એ એટલાં માટે કે દેરાસરમાં જે vibrations પેદા થાય છે. એ vibrations spread out થાય. માત્ર મંદિરમાં જ ન રહે. એ પુરા વાતાવરણની અંદર એ અંદોલનો spread out થાય. આપણા પૂર્વજોને, આપણા જ્ઞાનીભગવંતોને ઉર્જાશાસ્ત્રોનું પૂરું જ્ઞાન હતું. ભોંયરાના દેરાસરો એટલાં માટે જ બન્યાં. એ તમે ભોંયરામાં જાઓ, ઉર્જા સંગ્રહિત થયેલી હોય, તમે ત્યાં જઈને બેસો. માત્ર તમારી receptivity જોઈએ. માત્ર ૧% તમારો જોઈએ. તમે માત્ર ધ્યાનમાં બેસી ગયા, વિચારોને બાજુમાં મૂકી દીધા, સીધી જ એ ઉર્જા પકડાવા લાગી.
Actually મંદિરોનું પણ એક તંત્ર છે. પણ અત્યારે શું થયું? પૈસા દેવદ્રવ્યના બહુ વધી ગયા એટલે સીધા જ ટ્રસ્ટીઓ સોમપુરાને મળે. અને સોમપુરાને એમ હોય જેમ આરસ વધુ ખડકાય એમ વધુ સારું. સો-બસો વરસ પહેલાનું એક પણ જીનાલય એવું નથી જેમાં બારીઓ હોય. ગૂઢ મંડપની અંદર પણ બારી નહિ. ગભારો, એનું નામ જ ગર્ભગૃહ. There should be only one door. તમે પ્લાસ્ટિકની ઇંટો મૂકી અને પ્રકાશ લાગે. નહિ. ત્યાં ન હવા આવી શકે, ન પ્રકાશ આવી શકે. અંધારું હોય ત્યાં ગર્ભગૃહમાં. ગૂઢ મંડપમાં ભક્ત બેઠેલો છે. એ પ્રભુની પાસે ઘીનો દીવો ટીમટીમાઈ રહ્યો છે અને ભક્ત એ દીવાના પ્રકાશમાં પ્રભુને જોઈ રહ્યો છે. ક્યારેક છે ને ઘીના દીવામાં પ્રભુને જોજો. દીવાની વાટ ઉંચે-નીચે થાય એને કારણે પ્રકાશ આમતેમ થાય અને એ વખતે પ્રભુનું રૂપ તમને બદલાતું લાગે. Electricity મંદિરમાં હોઈ જ ન શકે.
હમણાં એક બહુ મોટું મંદિર બનવાનું હતું. ૨૫-૫૦ કરોડના ખર્ચે. એનો પ્લાન મારી પાસે લઈને આવેલાં. મેં જોયું બારીઓ ભરચક મૂકી દીધેલી, પ્રકાશ જ પ્રકાશ મંડપમાં. મેં કીધું તમારે ઘર બનાવવાનું છે કે દેરાસર બનાવવાનું છે? દેરાસરમાં આટલો પ્રકાશ હોય જ નહિ મેં કીધું. અને પછી મેં એમને કહ્યું, કે ઉપર તમે દેરાસર બનાવ્યું, નીચે ભોંયરું બનાવી નાંખો થોડુક. અમારા જેવા લોકોને કામ આવશે. અમે લોકો ઉપર શી રીતે બેસશું આમાં? એક નાનકડું ભોંયરું રાખો જેમાં પ્રકાશનો કોઈ પણ સોર્સ ન જોઈએ. અંધારું હોય અને એક પરમાત્માની મૂર્તિ, અમે લોકો ધ્યાન ત્યાં આગળ કરી શકીએ. તમે દેરાસરમાં જાઓ, પ્રભુનું દર્શન કરો અને સીધી જ ધ્યાનની ધારામાં જાઓ એવી વ્યવસ્થા આપણી પાસે હતી. અને એ જ વ્યવસ્થાને આપણે ચાલુ રાખવી જોઈએ.
ઉપાશ્રયમાં શું છે? આપણી પાસે કોઈ વિકલ્પ નથી. પહેલાના ઉપાશ્રયો તમે જોયા હોય ને, ચારેબાજુ ભીંત હોય એક નીકળવાનું જ બારણું, કોઈ બારી નહિ. પણ ત્યાં શું હતું? જાડી ભીંતો. પથ્થર અને ચૂનાનું કામ. ચૂનો જેમ-જેમ જુનો થાય તેમ-તેમ ઠંડક આપે. સિમેન્ટ ગરમી આપે, ચૂનો ઠંડક આપે. જેમ પાણી પીવે એમ ઠંડક આપે. તો ભીંતોથી ઠંડક મળે પછી ઉપર જે છે ને થોડુક હવા માટે આવવાનું ખુલ્લું રાખ્યું હોય. તો એટલી સરસ વ્યવસ્થા હતી. કે બહુ જ મોટા ગુરુ પધારેલાં હોય, ત્યાં એમણે સાધના કરેલી હોય તો સાધનાની ઉર્જા ત્યાં ને ત્યાં ફેલાયેલી રહે.
જુના ડીસામાં ભદ્રસૂરિદાદા ઘણો વખત રહેલાં. આપણા ધુરંધરવિજય મહારાજ સાહેબ છે, એમના પિતાજી હતા મહાયશ વિજય મહારાજ. એમણે મને એકવાર કહેલું. કે મેં તો મોટી ઉંમરે દીક્ષા લીધેલી. તો કહે હું ૩૦-૩૫ વર્ષનો વયનો હોઈશ. જુનાડીસામાં અમારે રહેવાનું. સાહેબજી પણ જુનાડીસામાં હોય એમાં શિયાળામાં અમને એક સરસ અનુભવ થતો. ઉનાળામાં શું બારી-બારણા ખુલ્લાં હોય ઉપાશ્રયના. શિયાળામાં ગુરુદેવ ભદ્રસૂરિદાદા જે ખંડમાં બેસતા એ ખંડ પેક હોય. એ કહે છે અમે સવારે સાડાચાર-પોણાપાંચ વાગે ઉપાશ્રયમાં જઈએ પ્રતિક્રમણ કરવા માટે. અને સાહેબના રૂમમાં જ જઈએ. એ રૂમ ખોલીએ, સીધી જ અમને સુગંધ આવે. સીધી સુગંધ આવે. એ જે મહાપુરુષ હતા એમની ઉર્જા આખા રૂમમાં ફેલાયેલી, બહાર નીકળેલી નહિ. એ ઉર્જા જે છે એ પૌદ્ગલિક છે, એ ઉર્જાની પણ એક સુગંધ હોય છે અને એ સુગંધ મેં અનુભવેલી એમ મહાયશવિજય મહારાજે કીધેલું.
તો આપણી પાસે કેટલી તો અદ્ભુત્ત વ્યવસ્થા હતી. તો ઉપાશ્રયમાં તો આપણી પાસે અત્યારે વિકલ્પ નથી કોઈ. પણ દેરાસરમાં હજુ પણ આપણે પ્રાચીન વ્યવસ્થા ચલાવી શકીએ એમ છીએ. એટલે જે મૂર્તિ વિજ્ઞાનના અને મંદિર વિજ્ઞાનના તજ્ગ્યો છે તેની સલાહ લેવાવી જોઈએ કે સાહેબ નવું દેરાસર બનાવવું છે તો કઈ રીતે બનાવું? અને જીર્ણોદ્ધાર થઈ શકે એમ હોય જુના મંદિરનો તો એને તોડીને ક્યારેય નવું બનાવવું નહિ. જો જુનું ને જુનું ટકી શકે એવું હોય, તો ટકાવવાની કોશિશ કરવી જોઈએ.
એક ગામમાં હું ગયેલો. લગભગ ૨૫૦-300 વર્ષ જુનું મંદિર. ભોંયરામાં આવેલું. હું ભોંયરામાં ગયો. સીધા જ મને મજાના vibrations મળ્યા. નવકારશી વાપરીને હું ફરીથી ગયો. કલાકો બેઠો. બપોરે સંઘના અગ્રણીઓ મારી પાસે આવ્યા. મને કહે સાહેબ આ દેરાસર અમારે નવું બનાવવું છે. કહે જુનું થઇ ગયું છે હવે. મેં કીધું એક કામ કરો. એ નાનકડું ટાઉન જેવું જ હતું. મેં કીધું બાજુમાં જગ્યા છે મેં જોઈ. પ્લોટ મળી જાય એમ છે. બાજુનો પ્લોટ લઇ લો તમે, થોડો દૂર. નવું દેરાસર બનાવવું હોય તો તમે ત્યાં બનાવો. આ દેરાસરને તમે તોડતા નહી મેં કીધું. અને મૂળનાયક દાદાને અહીંયા જ રાખજો. મેં એમને કહ્યું, અઢીસો વરસથી દાદા અંદર છે એમ તમે કહો છો. તમારી પાસે ઈતિહાસ છે કે અઢીસો વરસથી ભગવાન અહીંયા છે. અઢીસો વરસથી દાદાની ઉર્જા અંદર છે. કેટલા મહાન આચાર્ય ભગવંતો આવ્યા એમની ભક્તિની ઉર્જા એ અંદર જે છે તે દાખલ થયેલી છે તે ઉર્જાને તોડવાનું પાપ કરી શકાય નહિ મેં કીધું… એ લોકોએ મારી વાત સ્વીકારી લીધી. બાજુમાં દેરાસર બનાવી દીધું. ભોંયરું અકબંધ રાખ્યુ.
તો અદ્ભુત્ત આલંબનો આપણી પાસે છે અને એ અદ્ભુત્ત આલંબનો આપણને અહોભાવની ધારામાં મુકે, એ અહોભાવની ભીનાશ આવે એટલે આપણું મન એકદમ શાંત થઈ જાય એવું આનંદઘનજી ભગવંત શાંતિના ત્રીજા માર્ગમાં કહે છે.