વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રવચન શ્રવણ
ક્રોધ જે ક્ષણે આવે, એ જ ક્ષણે પ્રભુનું વચન યાદ આવી જાય કે ક્રોધ એ તો ગાંઠ છે, અજ્ઞાન છે, મૃત્યુ છે અને ક્રોધ એ જ નરક છે. તરત જ તમે હોશમાં આવી જાઓ. પ્રભુના વચનો પ્રત્યેના અહોભાવની એ ભીનાશ તમારી ક્રોધની આગને બુઝાવીને તમને શાંતિ આપી દે.
શાંતિ માટેનો ચોથો માર્ગ પ્રવચન શ્રવણ. માત્ર તમારા કાન પ્રભુની વાણી સાંભળી લે એ ચાલશે નહિ; હૃદય સુધી, તમારા અસ્તિત્વના છેલ્લા પ્રદેશ સુધી પ્રભુના શબ્દો પહોંચવા જોઈએ. એવું શ્રવણ જે તમને તમારી જાત સાથે, તમારી નિર્મળતા સાથે જોડી આપે, એ શ્રવણયોગ.
એક સાથે બે ઇન્દ્રિયોની ચેનલમાં તમારું મન ઉપયોગ રાખી શકતું નથી. પ્રવચન શ્રવણ સમયે માત્ર એક શ્રવણેન્દ્રીયનો ઉપયોગ ખુલ્લો હોય; બીજી કોઈ ઇન્દ્રિયોનો ઉપયોગ ચાલતો ન હોય. તમારું પૂરું શરીર, પૂરું અસ્તિત્વ એ શ્રવણ બની જાય, તો પ્રભુના પ્યારા પ્યારા શબ્દો અસ્તિત્વના સ્તર સુધી પહોંચે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૮
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિના માર્ગોની ચર્ચા કરે છે.
ત્રીજો માર્ગ છે, અહોભાવની ભીનાશ. “શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે , તામસી-વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલ રે.” એ અહોભાવની ભીનાશ શું કરે? એની વાત કરે છે. એ અહોભાવની ભીનાશ તમારી ક્રોધની આગને બુઝાવી દે.
આચારાંગસૂત્રમાં એક બહુ મજાનું સૂત્રખંડ છે. એક વ્યક્તિ સહેજ ગુસ્સે થઇ છે. એ વખતે પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો ત્યાં વહે છે. एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । પ્રભુ પ્રેમથી એને કહે છે. એમ કહીએ કે પ્રભુનો પ્રેમ, પ્રભુની કરુણા શબ્દ દેહે અવતરિત થઈ છે. પહેલું જ પ્રભુ કહે છે, एस खलु गंथे. અરે! તું? અને ગુસ્સો કરે?! તારે તો નિર્ગ્રંથ બનવાનું છે. ગુસ્સો એટલે ગાંઠ. તમારું અસ્તિત્વ પૂરેપૂરું જેનાથી ગંઠાઈ જાય એનું નામ ક્રોધ.
તો પ્રભુ કહે છે તારે તો નિર્ગ્રંથ બનવાનું છે, તું ગાંઠ લઈને ક્યાં બેઠો?! તમે ભાવ નિર્ગ્રંથ છો. શ્રાવકો અને શ્રાવિકાઓ ભાવ નિર્ગ્રંથ. અમે લોકો દ્રવ્ય અને ભાવ બેઉથી નિર્ગ્રંથ છીએ. તો પ્રભુના બધા જ ઉપાસકો નિર્ગ્રંથ છે. તો પ્રભુ કહે છે, एस खलु गंथे. તું અને ક્રોધ? તારાથી ક્રોધ થઈ શકે? ક્રોધ તો ગાંઠ છે ગાંઠ. પેટમાં ગાંઠ થઈ હોય તો શું કરો? કેટલા અકળાવો? અને મનમાં કેટલી ગાંઠો લઈને બેઠા છો? એ ગાંઠોનું ઓપરેશન સિવાય પ્રભુ, સિવાય સદ્ગુરુ કોણ કરશે?
એક ફિલોસોફરે બહુ સરસ વાત કરી. કે કદાચ ગાંઠો પાડવાનું બહુ મન થઈ જાય અને ગાંઠો પાડ્યા વગર રહેવાય એવું ન હોય, તો પણ સૈડકા ગાંઠ પાડવી, મડાગાંઠ ન પાડવી. અમે લોકો વિહારમાં હોઈએ. દોરી બાંધે સાધુ. કેવી રીતે બાંધે? સાંજે છોડવાની હોય. એટલે સૈડકા ગાંઠ હોય. એક આંચકો મારો ને ગાંઠ ખૂલી જાય. મડાગાંઠ એવી ગાંઠ હોયને કે ત્યાંથી તો છૂટે જ નહિ. બીજે જગ્યાએ કાતર લગાવીને દોરીને કાપો તો અલગ વાત છે. બાકી ત્યાંથી તો એ છૂટે જ નહિ. તો તમારાં જીવનમાં જે ગાંઠો પડેલી છે. એ સૈડકા ગાંઠો છે કે મડાગાંઠો છે? ચોમાસી ચૌદસ આવશે. ચાતુર્માસિક ક્ષમાપના આપણે કરીશું. ચૌદસની સાંજે પ્રતિક્રમણમાં તમે સકલ જીવરાશી જોડે, સકલ સંઘ જોડે ક્ષમાપના કરશો? પછી પુનમના તમે કોકને કહો, કે તેરસના તે મને આમ કહેલું એનું શું? મતલબ એ થયો કે ચોમાસી પ્રતિક્રમણ થયું, વિધિ થઈ, ગાંઠ એમની એમ રહી. નિર્ગ્રંથ બનવું છે? ગાંઠો ખટકી; ગઈ.
બે સૂત્ર આપણી પરંપરામાં છે. દોષો તમને ખટક્યા તો ગયા, ગુણો તમને ગમ્યા તો મળ્યા. દોષ ખરેખર ખટકે છે? ચા પીવા એક માણસ બેઠો છે. એક ટીપું ચા શર્ટ પર ઢળે છે. હવે એને ખ્યાલ છે કે ચાનો ડાઘ તરત કાઢીએ તો પાણીથી તરત નીકળી જાય. નહીતર થોડો અઘરો પડે છે. એ માણસ ચાનો અડધો કપ ટેબલ પર મૂકી અને વોશબેસીન પાસે જાય અને પોતાના એ શર્ટના ડાઘાને ધોઈ નાંખે. ડાઘ લાગ્યો નથી, એને ધોયો નથી. દોષો માટે આ ઘટના ખરી? એક દોષ કદાચ આવી ગયો માની લઈએ. ક્રોધ આવી ગયો, એ કેટલો સમય તમારાં મનમાં રહે? તમારાં મનને ગોડાઉન બનવવાનું છે હવે? જે આવે એ રહે, ધર્મશાળા! ક્રોધ રહે અંદર? લોભ રહે અંદર? માન અંદર રહે? માયા અંદર! શું પણ? તમારું ઘર છે કે ગોડાઉન છે આ? છે શું?
તો પ્રભુ કહે છે, एस खलु गंथे. આ ક્રોધ એ તો ગાંઠ છે ગાંઠ. છોડી દે એને. હવે એ પ્રભુના શબ્દો ઝીલીએ; ક્રોધ નીકળી જાય. કદાચ નથી નીકળતો, પ્રભુ આગળ કહે છે. एस खलु मोहे. આ તો તારું અજ્ઞાન છે ભાઈ! મેં પહેલા પણ કહેલું, ક્રોધ ક્યારે થવાનો? તમે ભાનમાં હોવ ત્યારે કે ન હોવ ત્યારે. તમે હોંશમાં હોવ તો ક્રોધ ક્યાં થવાનો જ છે? હોશમાં તમે હોવ ત્યારે એવી જ ક્રિયા કરો કે જે રીઝલ્ટ જોડે સંકળાયેલી હોય. તમે કાર્ય કરો એનું રીઝલ્ટ મળે. હવે તમને ખ્યાલ છે કે ગુસ્સો કરીશ એના કારણે બીજાને પીડા થશે પણ મારે જે કામ કરવું છે એ થશે નહિ.
એક વાત તમને પૂછું, ક્ષમાનો અનુભવ તમારી પાસે નથી, માની લો. ક્રોધનો અનુભવ તમારી પાસે છે? આટલા વર્ષોથી ક્રોધ કર્યો શું થયું બોલો? એક તમારો નોકર એને તમે પ્રેમથી રાખો. એને કહી દો, કે ભાઈ! તારી દીકરીનું લગ્ન હોય, તારા દીકરાને કયાંય નોકરીમાં ફીટ કરવાનો હોય, કંઈ પણ કામ હોય મને તું કહેજે. તમે એ નોકરની એટલી સંભાળ રાખો, એ નોકર તમારું ક્યારેય પણ અકલ્યાણ નહિ કરે. એ નોકરને તમારાં ઉપર આંતરિક શ્રદ્ધા પેદા થશે. તારે જે પણ, જયારે પણ જોઈએ એ મને કહેજે. એ ચોરી શા માટે કરે પછી ઘરમાં? શેઠ મને જયારે, જે જોઈએ તે આપે છે.
તો ક્રોધનો અનુભવ છે? ક્રોધ રોજ કરો છો ને? અનુભવ તમારો શું એ તો કહો? મારો અનુભવ તો આખા ચોમાસામાં મેં કીધો. પ્રભુ મળ્યાં, કેટલો આનંદ આવ્યો, બધી જ વાતો કરી. તમારો અનુભવ આજે મારે જાણવો છે. તમને સ્પષ્ટ રીતે લાગે કે ગુસ્સો કરવાથી કોઈ જ રીઝલ્ટ મળતું નથી. આ તમારો અનુભવ ખરો? એટલે હવે જે ગુસ્સો થાય છે ને એનું કારણ એક જ છે. હોંશ નથી હોતો. બેહોશીમાં ગુસ્સો થઈ જાય છે. એક ટેવ પડેલી છે. કોઈ તમારાં અહંકારને ખોતરે, ગુસ્સો આવે અને તમે ક્રોધ ઠાલવી નાંખો. બેહોશીમાં આખી પ્રક્રિયા આ થાય છે. હોંશમાં તમે આવો, તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે ગુસ્સો કરવાથી જે કામ થાય એના કરતા પ્રેમથી વધારે કામ થાય છે.
મને ઘણા બધા કહે, કે સાહેબ તમે તો માત્ર પ્રેમ જ આપ્યા કરો છો. તો મેં કહ્યું, મારો અનુભવ છે કે પ્રેમ આપું છું અને એના દ્વારા એ વ્યક્તિ સાધનામાર્ગ ઉપર વેગથી દોડે છે. એક સદ્ગુરુનો પ્રેમ એને મળે છે અને એ સદ્ગુરુના પ્રેમને કારણે એ દોડે છે સાધનામાર્ગમાં. મારા મુનિઓ, સાધ્વીજીઓ બધા જ પ્રેમને કારણે દોડે. ગુસ્સો જરૂરી જ નથી. આપણા મહાપુરુષો જે હતા ને બાપજી મહારાજ સાહેબ જેવા. એ ક્યારેક કોઈએ બહુ ખરાબ કરેલું હોય ને તો શું કહેતા ખબર છે? તારું ભલું થાય! એમનો પુણ્યપ્રકોપ Extreme કક્ષાએ પહોંચે ત્યારે આ શબ્દો નીકળે. તારું ભલું થાય પણ! શબ્દો આ જ! તમને પણ પ્રેમનો અનુભવ જો થઈ જાય. Charity begins from home. ઘરથી શરૂઆત કરો ને. દીકરાને એટલો પ્રેમ આપો.
એક મનોવૈજ્ઞાનિકે લખ્યું હતું, કે દીકરાના હાથે, નાના દીકરાના હાથે, કિંમતી રમકડું તૂટી ગયું. બહુ જ કિંમતી રમકડું હતું, હવે એને થાય છે કે પપ્પાને ખબર પડશે, પપ્પા મને લડશે. અને લડનાર પપ્પા હોય. પપ્પા આવે, શું કર્યું આ? મને કંઇ ખબર નથી. કેમ તૂટી ગયું, મને ખબર નથી. એ જુઠું જ બોલશે. પણ જો એના પિતાએ ટેવ પાડેલી હોય કે બેટા, જે પણ હોય એ સાચું કહી દેવાનું, હું તારા ઉપર ગુસ્સે ક્યારેય નહિ થાઉં. તો કેટલા સંસ્કારો એને સરસ મળે! તો એને જુઠું બોલવાના સંસ્કારો કોણે આપ્યા? તમે આપ્યા. પપ્પા લડશે, માટે જુઠું બોલુ. સાચું બોલીશ તો પપ્પા લડશે. એટલે તમે એને જુઠું બોલવાની ટ્રેનીંગ આપી. તો હવે નક્કી કરો, પ્રેમ જ માત્ર આપવો છે.
તમે એક અખતરો તો કરો. શ્રાવિકાની કોઈ પણ ભૂલ થઈ ગઈ. ઘીની બરણી ઢળી ગઈ તો ઢળી ગઈ. ઢળવાની જ હતી. હવે એમાં ગુસ્સે થવાનું જરૂર શું હતી? ચલો તમે ક્રોધ કરો અને બરણીમાં ઘી પાછું આવી જવાનું એમ? એવો કોઈ ચમત્કાર થતો હોય, તમને છૂટ આપી. થવાનું કંઈ નથી. બીજીવાર એવું ન થાય એમ? પણ એ સમજુ છે. કંઇક ચીકણાશ આવી ગઈ હાથમાં અને એના કારણે બરણી ફિસલી ગઈ એમાં એ કરે પણ શું? અમારો સાધુ ક્યારેક પડી જાય. નવા ને નવા પાતરા ફૂટી જાય એના હાથે. અમારો પહેલો સવાલ એ હોય બેટા તને કાંઈ વાગ્યું નથી ને? તમે પહેલા જડની ખબર લો, પછી ચેતનની ખબર લો. કોની ખબર લો પહેલાં? ઘીની બરણી ફૂટી! અરે બરણી ફૂટી તો ફૂટી, માણસ ફૂટવો ન જોઈએ. કાચ અને માણસનું મન એમાં તિરાડ પડી એ સાંધવી મુશ્કેલ છે. Unbreakable કાચ આવે છે હજુ. પણ unbreakable mind નથી શોધાણું. એટલે તમે ગુસ્સો કરશો, એના મનમાં તિરાડ પડવાની જ છે. અને એક વસ્તુ સીધી થઈ જાય. તમે બસો-પાંચસો રૂપિયાની કિંમત વધારે ગણી, તમારી પત્નીની કિંમત તમે ઓછી ગણી. બોલો તમારા હાથે થયું હોત તો તમે શું કરત? તો પાંચસો રૂપિયાની કિંમત વધારે કે શ્રાવિકાની કિંમત વધારે? એટલે આ રીતે વિચારો, ગુસ્સો આવે ખરો? બેહોશીમાં ગુસ્સો આવે છે ને? તો હોંશમાં આવી જાઓ હવે; ગુસ્સો આવશે જ નહિ. થઈ ગયું, કંઇ વાંધો નહિ. જે થયું તે થયું.
અમારે ત્યાં એક મુનિના હાથે તરપણી જે છે એ સહેજ ઠેસ લાગીને ઉંધી પડી જાય છે. દાળ ભરેલી હોય તરપણી. દાળ આખી રેલાઈ જાય તો ચાર મુનિરાજો એ દાળને લઇ અને સાફ કરવા માટે આવી જશે. જેના હાથે ફૂટી એની કોઈ જવાબદારી નથી કાંઈ. બધાની જવાબદારી છે. એને કોઈ એક શબ્દ કહેશે પણ નહિ. એ પણ પ્રેમથી દાળ ઉલેચવાશે. બીજા પણ દાળ ઉલેચવાશે. કોઈ એક શબ્દ બોલશે નહિ કે કેમ આમ થયું? કારણ કે જાણી જોઇને તો કોઈએ કર્યું નથી. અને અજાણ્યાથી થઈ ગયું એમાં એ ગુનેગાર ક્યાંથી ગણાય? તો આવું thinking તો તમારી પાસે હોઈ શકે છે. શાસ્ત્રીય ચિંતન ન હોય. આ ચિંતન તો તમારી પાસે હોય. અને આવું ચિંતન હોય તો ગુસ્સો આવે ક્યાંથી પછી? જે ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ. એ ઘટના પછી રિપીટ થવાની નથી.
તો પ્રભુએ કહ્યું: एस खलु मोहे. આ તારું અજ્ઞાન છે. પછી કહ્યું, एस खलु मारे. અરે! આ ક્રોધ એ તો મૃત્યુ છે મૃત્યુ. મૃત્યુ બે. એક દ્રવ્ય મૃત્યુ, બીજું ભાવ મૃત્યુ. દ્રવ્યપ્રાણો જાય એ દ્રવ્યમૃત્યુ. ભાવપ્રાણોની કતલ થાય એ ભાવમૃત્યુ. તમે ક્રોધમાં ગયા, તમારાં ક્ષમાગુણની હિંસા થઈ ગઈ. તો શું થયું? ભાવપ્રાણની હિંસા થઈ.
અધ્યાત્મગીતામાં દેવચંદ્રજી મહારાજે નિશ્ચયહિંસાની વાત કરતા કહ્યું, આતમગુણ હિંસનથી હિંસા. વ્યવહાર અહિંસાનો તમને ખ્યાલ છે, વ્યવહાર હિંસાનો પણ તમને ખ્યાલ છે. કોઈ પણ જીવજંતુની વિરાધના થઈ તો એ હિંસા થઈ. નિશ્ચયહિંસા કઈ? તો આ વ્યાખ્યા આપી. આતમગુણહિંસનથી હિંસા. જ્યાં પણ તમારાં એક પણ આત્મગુણની હિંસા થઈ એ નિશ્ચયહિંસા છે. એટલે તમારાં ભાવપ્રાણની હિંસા છે. રાગમાં ગયા એટલે વીતરાગતા નામનો તમારો ગુણ જે છે એની હિંસા થઈ. દ્વેષમાં તમે ગયા ત્યારે ક્ષમા નામનો જે તમારો ગુણ છે એની હિંસા થઈ. एस खलु मारे, પ્રભુ કહે છે કે આ ક્રોધ એ મૃત્યુ છે, મૃત્યુ. અને છેલ્લે કહ્યું, एस खलु णरए. એ ક્રોધ એ તો નરક છે નરક. એ ક્રોધ ભયંકર થઈ જાય, આયુષ્ય બંધાઈ જાય નરકનું, નરકમાં જવું પડે.
તો ચાર વાત પ્રભુએ કહી. ક્રોધ એ ગાંઠ છે, ક્રોધ અજ્ઞાનને કારણે થાય છે, ક્રોધ એ જ મૃત્યુ છે અને ક્રોધ એ જ નરક છે.
તો ત્રીજો શાંતિનો માર્ગ આ છે કે અહોભાવની ભીનાશ આવી ગઈ છે. આ એક હોંશ તમને આવી ગયો. તમે ગુસ્સો કરશો નહિ. તમને શાંતિ મળી ગઈ કે ન મળી ગઈ? આજથી જ આ શાંતિ તમારાં મનમાં. ગુસ્સો કરવો નથી, માત્ર પ્રેમ આપવો છે. કોઈની પણ ભૂલ થઈ ગઈ. થઈ ગઈ તો થઈ ગઈ. દીકરાની ભૂલ થઈ ગઈ, દીકરીની થઈ ગઈ, શ્રાવિકાની થઈ ગઈ. કોઈની પણ થઈ ગઈ. સીધું જ જોવાનું શું મારાથી પણ આ ભૂલ ન થઈ શકે? તો એના હાથેથી થઈ ગઈ. ફરક શું પડે છે? એમાં મારે ગુસ્સો કરવાની જરૂર ક્યાં આવે છે? એ એણે જાણીજોઇને કાંઈ કર્યું નથી. અજાણ્યા થઈ ગયું છે. એ પોતે જ લપસી ગયો અને ઘીની બરણી તૂટી ગઈ તમે એને પૂછો, તને વાગ્યું નથી ને? પણ તમે ત્યાં બરણીની ખબર લેવા જાઓ છો. તો અહોભાવની ભીનાશ જેટલી વધુ એટલી મનની શાંતિ.
એક સરસ ઘટના આજે કહું. મેં અગિયાર વરસની વયે દીક્ષા લીધી. દીક્ષા ને એક વરસ, બે વરસ થયું, પણ હું જેને પ્રભુનું દર્શન કહું છું એ દર્શન મારી પાસે એ વખતે નહોતું. પ્રભુને જોઉં અને આંખમાંથી આંસુની ધાર આવે, એવું અહોભાવથી ભીનું ભીનું દર્શન મારી પાસે નહોતું. તેર-સાડાતેર વરસનું મારું વય. દીક્ષાને બે-અઢી વરસ થયેલા. અને અમારે પાલીતાણા જવાનું થયું. એક મહિનો પાલીતાણા રોકાવાનું હતું. ગુરુદેવની સાથે રોજ યાત્રા કરવા હું જતો હતો. રોજ દાદાની જોડે કલાક-કલાક બેસવાનું. બીજું બધુ જ ક્રિયાઓ સરસ કરું. પણ જે ભીનાશની વાતો કરું છું એ ભીનાશ મારી પાસે પણ નહોતી.
એક મહિનો પૂરો થયો અને અમારો વિહાર હતો. ઉત્તર ગુજરાતમાં ડીસા બાજુ. તો ગુરુદેવે કહ્યું કે આપણે ઘોઘા, ભાવનગર થઈ ડીસા બાજુ જઈશું. તો પણ મારા મનમાં કોઈ ખલબલાટી નહિ. પછી સમાચાર મળ્યા, ઘોઘામાં તો ધર્મશાળાથી નજીકમાં જ દરિયો છે. આ સાંભળ્યું ને એટલે ચટપટી થઈ. દરિયાને જોવો હતો. એટલે ગુરુદેવને પૂછ્યું, સાહેબ ઘોઘામાં ધર્મશાળાની નજીકમાં જ દરિયો છે? મને કહે હા. મેં કીધું, મારે દરિયાને બરોબર જોવો છે. મેં ત્યાં સુધી કહેલું કે આપણું schedule પાછળનું બહુ fix નથી. તો મારી ઈચ્છા થાય તો બે-ત્રણ દિવસ ઘોઘા રોકાવું પણ પડશે. મને કહે ok. તમે છે ને તમારાં દીકરાની શું ખબર રાખો! અમને આપો તો ખબર પડે કેવો પ્રેમ અમે તેને આપીએ છીએ. મને જે પ્રેમ ગુરુદેવે આપ્યો છે! મને કહે, હાલ તું કહે એમ કરશું બસ. મેં કહ્યું પણ હું એકલો દરિયાકાંઠે નહિ જાઉં. તમારે જોડે આવવાનું. તો કહે, જોડે આવીશ.
ઘોઘા પહોંચ્યા અમે. આઠેક વાગે વિહાર કરીને પહોંચ્યા. નવખંડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા. પણ દર્શનમાં કાંઈ તાલાવેલી નહોતી. દરિયાની તાલાવેલી હતી. ચૈત્યવંદન ફટાફટ થઈ ગયું. ઉપાશ્રય આવ્યા. કાજો લીધો. અને વહોરવા માટે હું ગયો. વહોરીને આવ્યાં. પચ્ચક્ખાણ પાર્યું. નવકારશી વાપરી. પાતરાપોરસી ભણાવી. પાતરા પલેવ્યા. અને સીધી વાત, ચાલો દરિયે. ગુરુદેવ મારી જોડે આવે છે. એ સ્વાધ્યાયનું પુસ્તક લઈને આવે છે. બેઠા-બેઠા ત્યાં વાંચશે. દરિયાકિનારે એક બાંકડો હતો. સાહેબ બાંકડા પર બેઠા. હું નીચે બેઠો. સાહેબ સ્વાધ્યાય કરે. હું દરિયાને જોઉં. એ દરિયાને જોતા. એના મોજા. એનો આરોહ-અવરોહ. અને એકદમ શૂન્ય દરિયાકિનારો, ખાલી દરિયાકિનારો. એટલે એકદમ મનોહર લાગે. એ દરિયો ખુબ ગમી ગયેલો.
પાછળથી મેં મારી સ્મરણકથામાં લખેલું છે કે એ વખતે મને દરિયો કેમ ગમી ગયેલો? એનું કારણ તો ખ્યાલ હતું નહિ. પાછળથી એનો ખ્યાલ આવ્યો. ઉપનિષદો પણ વાંચ્યા, વેદો વાંચ્યા, ભગવદ્ગીતા વાંચી, બૌદ્ધ ટીપીટકો વાંચ્યા. તો ઉપનિષદમાં એક બહુ પ્યારું સૂત્ર આવે છે “यद् वै भूमा तत्सुखं अल्पे सुखं नास्ति” “यद् वै भूमा तत्सुखं अल्पे सुखं नास्ति” જ્યાં વિશાળતા છે ત્યાં સુખ છે, સંકીર્ણતામાં સુખ નથી. એટલે પાછળથી મને ખ્યાલ આવ્યો કે દરિયાની જે વિશાળતા હતી ને એ મને સ્પર્શી ગઈ હતી. આજનો મનોવૈજ્ઞાનિક આ જ ઉપનિષદના સુત્રને એની ભાષામાં કહે છે. એ કહે છે કે એકદમ નાનકડી રૂમ હોય અને છત બહુ નીચે હોય તો તમને એકદમ ગુંગળામણ જેવું લાગશે. કારણ, કે તમારી આજુબાજુનો અવકાશ બહુ નાનકડો છે. પણ તમે મોટા હોલમાં હશો તો તમને સારું લાગશે.
એ દરિયાને બાર વાગ્યા સુધી જોયો. ગુરુદેવે કહ્યું, ભાઈ હવે ઉપાશ્રયે જઈએ. મેં કહ્યું ચાલો. ઉપાશ્રયે ગયા. ગોચરી થઈ. પડીલેહણ વિગેરે બધી જ ક્રિયા થઈ ગઈ. ત્રણ વાગે મેં કહ્યું સાહેબ ચાલો. ફરી ગયા.. પાંચ વાગે પાછા આવ્યા. બીજા દિવસે રોકાવાનું મેં સાહેબને કહ્યું કે હજુ દરિયો જોઇને તૃપ્તિ થઈ નથી. પણ એ પ્રભુનો સંકેત કેવો હશે? બીજી સવારે પણ બેઠાં. બીજી બપોરે ગયા. બીજી બપોરે અમે ગયા દરિયાકિનારે. ઘોઘા તીર્થના મેનેજર પણ અમારી સાથે આવેલા. એમાં એક ઘટના એવી ઘટી જે ઘટનાએ મને આખો હલાવી નાંખેલો.
અગિયાર-બાર વરસનો માછીમારનો એક દીકરો એક ડબ્બામાં દોરી લઇ અને ત્યાં આગળ આવ્યો… એને ડબ્બો ખોલવાની કોશિશ કરી. મેનેજર સમજી ગયા. વીસ રૂપિયાની નોટ કાઢી દીકરાને આપી અને કહ્યું જા, ભાંગી જા અહીંયાથી. એને ભગાડી દીધો. પણ એ ઘટનાએ મારા ચિત્તતંત્ર ઉપર ગહેરી અસર જન્માવી. મને થયું એ પણ બાર વરસનો દીકરો, હું પણ બાર-તેર વરસનો દીકરો. પ્રભુએ મને કેવો બચાવ્યો! એનો કોઈ વાંક નથી દીકરાનો. એવા કુળમાં એ જન્મ્યો કે જેને આ સંસ્કારો મળ્યા છે. પ્રભુએ મને જૈનશાસન આપ્યું. અહિંસા મને ગળથુંથીમાંથી મળી. સ્કૂલમાં ભણતો, મારો બેંચમેટ ક્યારેક બેંચમાં માંકડ દેખાય અને પેન્સિલની અણીથી દબાવવાની કોશિશ કરે ત્યારે હું એકદમ એને ના પાડું, નહિ નહિ એમાં પણ જીવ છે. એને દર્દ થાય. મને દીક્ષા લીધા પછી પ્રભુએ મુહપત્તિ આપી દીધી કે વાયુકાયના સુક્ષ્મજીવોની પણ વિરાધના તારા દ્વારા ન થાય. એ વખતે મને થયું કે પ્રભુએ મને કેવો બચાવ્યો! આ ચિત્તતંત્રમાં એવી ગહેરી અસર થઈ. હું ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. ગુરુદેવને ખ્યાલ આવી ગયો. રડતો રડતો હું સીધો નવખંડા પાર્શ્વનાથ દાદા પાસે ગયો. રડ્યા જ કર્યું… રડ્યા જ કર્યું… રડ્યા જ કર્યું… કે પ્રભુ મારી કોઈ સજ્જતા નહિ, લાયકાત નહિ, હેસિયત નહિ, પાત્રતા નહિ. અને તે મને કેટલું અદ્ભુત્ત વરદાન આપ્યું! તે મને કેવો બચાવ્યો! કેવું અદ્ભુત્ત સુરક્ષાચક્ર તે મને આપ્યું! કે એક પણ જીવની હિંસા મારાથી ન થાય! અહોભાવના લયમાં સૌથી પહેલી વાર પ્રભુનું દર્શન મને ઘોઘા તીર્થમાં થયું. પણ એ અહોભાવના લયનું દર્શન હતું. એ પછી ગુણાત્મક લયનું દર્શન બાકી હતું.
અહોભાવના લયનું દર્શન એ પહેલું પગથિયું અને ગુણાત્મક લયનું દર્શન એ આગળનું પગથિયું છે. પ્રભુને જોતા આંખ ભીની થાય બહુ સરસ. પણ પછી પ્રભુને જોતા-જોતા બેસી રહો અને પ્રભુના મુખ ઉપર જે વિતરાગદશા છે એને જુઓ. પ્રભુના મુખ ઉપર જે પ્રશમરસ રેલાઈ રહ્યો છે એને જુઓ. એ પછી બીજી વખત પ્રભુએ કૃપા કરી અને એ દર્શન આપ્યું. આજે પ્રભુ પાસે જાઉં ત્યારે શરૂઆતમાં જ સીધું જ પ્રભુના મુખ ઉપરની એ વિતરાગદશા દેખવાનું ચાલુ થઈ જાય છે.
અને એ વખતે બીજો ખ્યાલ એ પણ આવ્યો કે પ્રભુનું સુરક્ષાચક્ર વધુ સૂક્ષ્મ છે! એ તેર વરસની વયે મેં માણ્યું કે પ્રભુએ મને સુરક્ષાચક્ર આપ્યું અને હિંસાથી મને બચાવી લીધો. હવે મને ખ્યાલ આવ્યો કે પ્રભુનું સુરક્ષાચક્ર તો બહુ જ ઊંડુ હતું. એક ક્ષણ માટે હું વિભાવમાં ન જાઉં એવું સુરક્ષાચક્ર પ્રભુએ આપ્યું. પણ પ્રભુ મને જ આપે એમ નહિ, તમને પણ આપે. એક ક્ષણ તમે વિભાવમાં ન જાઓ. એવું સુરક્ષાચક્ર પ્રભુ તમને બધાને આપે. તમને તો મળેલું છે ને? સુરક્ષાચક્ર મળેલું છે ને? એક સેકંડ રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં તમે જઈ શકો? તમે જાઓ નહિ, એમ નથી કહેતો. તમે જઈ શકો નહિ..! સવાલ ઘણીવાર થાય.
એકવાર મુનિઓની વાચનામાં આ વાત મેં કરી. ત્યારે ઘણા બધા મુનિઓનો એ પ્રશ્ન આવ્યો કે સાહેબ પ્રભુનું આવું સુરક્ષાચક્ર હોય તો અમારા ઉપર એ કામ કેમ નથી કરતુ? અમે તો વિભાવમાં જતા રહીએ છીએ નિમિત્ત મળે ત્યારે. ત્યારે મેં કહ્યું, કે સુરક્ષાચક્ર ખરું પણ એને activate કેમ કરવું? એની આખી વિધિ છે. જેમ તમારે ત્યાં electricity દ્વારા શું નથી થતું?! પંખો ચાલે, લાઈટ જે છે એ સળગે, ફ્રીઝ ચાલે, ac ચાલે, બધા જ મશીનો electricity થી ચાલે. Electricity બધું જ કામ કરે સ્વિચ on કરવાનું કામ તમારૂ છે. તમે સ્વિચ on ન કરો અને કહો કે ac ચાલતું નથી. ગરમી બહુ છે. એટલે વાંક electricity નો કે વાંક તમારો. તો સ્વિચ on કરવી એટલે શું? પ્રભુ પ્રત્યેનો અહોભાવ, પ્રભુ પ્રત્યેની સંપૂર્ણ સમર્પિતતા. પ્રભુની આજ્ઞા પ્રત્યેની સમર્પિતતા આવી ગઈ. એટલે પ્રભુનું સુરક્ષાચક્ર તમને મળી ગયું. Surrender ની સામે care.
પ્રભુ કેટલું બધું આપે છે! તમને ખ્યાલ જ નથી. એ જો ખ્યાલ આવી જાય. એક ક્ષણ હું વિભાવમાં ન જાઉં, એવી જવાબદારી પ્રભુની છે. પ્રભુ તૈયાર છે એના માટે. તમે તૈયાર ન થઈ જાઓ?! તો જેટલું આજ્ઞાનું સમર્પણ હશે એટલી સુરક્ષા તમને મળશે. શ્રાવકપણામાં તમારું સમર્પણ પ્રભુની આજ્ઞાને સંપૂર્ણ નથી તો એટલું એ સુરક્ષા તમને મળશે. સાધુપણામાં જો સંપૂર્ણ સમર્પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનું હોય તો પ્રભુનું સંપૂર્ણ સુરક્ષાચક્ર મળે.
અમુક વિચારો છે ને બહુ મહત્વના હોય છે. તમારાં મનમાં આજે આ વિચાર રોપો. કે પ્રભુ જો આવું કરવા માટે તત્પર છે. તો શું મારી ઈચ્છા નથી? કરેમિ ભંતે લીધા પછી જો હું વિભાવમાં જાઉં એક ક્ષણ માટે પણ એવી ઈચ્છા મારી હોઈ શકે ખરી? ન જ હોય. તો પછી પ્રભુ સુરક્ષાચક્ર આપવા તૈયાર છે. હું શા માટે વિભાવમાં જાઉં છું? સીધી તમારી ભૂલ પકડાઈ જાય. Electricity તૈયાર, સ્વિચ on કરવાની છે બસ. સ્વિચ on કરી, બધુ જ ચાલુ થઈ ગયું. Surrender ની સામે care. તો અહોભાવની ભીનાશ.. તમને પણ મજાનું સુરક્ષાચક્ર આપશે. આજથી જ ક્રોધ માટેનું સુરક્ષાચક્ર તો મળ્યું બરોબર, હવે ગુસ્સો આવવાનો જ નહિ, આવે? ડોક્ટર કહે ને ડોક્ટરની આજ્ઞા તહત્તિ કરીને સ્વીકારી લો છો. અરે, ડાયાબિટીસ? ૪૫૦-૫૦૦. મરી જવું છે તમારે? ઇન્સ્યુલીન્સ લો ત્રણ ટાઇમ અને ખાવામાં બિલકુલ પરેજી પાળો. સહેજ પણ ખાંડ ખાધી તો મર્યા. મારી પાસે આવતા નહિ પછી. ડોક્ટરની આજ્ઞાનો સ્વીકાર કેવો કરો! કોલાસ્ટ્રોલ છે એકદમ તીવ્ર માત્રામાં. ઘી, તેલ બિલકુલ નહિ ખાવાનું. તહત્તિ. અતિચારમાં બોલવાનું શું? ગુરુ આજ્ઞા તહત્તિ કરી પડીવજ્યું નહિ. કરવાનું શું? આજથી જ ગુરુ આજ્ઞા તહત્તિ. ક્રોધ મનમાં આવ્યો નથી કે એને ભગાડ્યો નથી.
એક વાત કહું, ક્રોધ જે ક્ષણે આવે ને એ ક્ષણ તમારી છે. એ ક્ષણે તમારો ક્રોધ પર અધિકાર છે. તમે એને ભગાડી શકશો. પણ બે-ત્રણ મિનિટ સુધી જો એ ક્રોધ રહ્યો. પછી તમારો હોંશ ન રહે. પછી ક્રોધ તમારી ઉપર ચડી બેસશે. અંગ્રેજીમાં કહે છે કે પહેલો જ ચાનો કપ માણસ પીવે છે. Then tea eats the man. પછી ચા માણસને પીવે છે. આજ વાત અહીં છે. ક્રોધ આવ્યો તમારાં મનમાં, પહેલી ક્ષણ તમારી, બીજી ક્ષણ ક્રોધની. પછી તમારા નિયંત્રણમાં નહિ રહે.
તો ક્રોધ જે ક્ષણે આવે એ ક્ષણે પ્રભુનું વચન યાદ લાવી દો. एस खलु गंथे, एस खलु मोहे. ક્રોધ એ ગાંઠ, ક્રોધ એ અજ્ઞાન, ક્રોધ એ મૃત્યુ, અને ક્રોધ એ જ નરક. આ ત્રીજો શાંતિનો માર્ગ થયો.
ચોથો માર્ગ પણ એટલો જ મજાનો છે. ચોથો માર્ગ આમ એવો છે, જે તમે રોજ કરો છો. પણ એને કઈ રીતે કરવો એની વાત આનંદઘનજી એ સમજાવી. ચોથો માર્ગ, પ્રવચન શ્રવણનો છે પણ એ પ્રવચન કઈ રીતે કરવું? એની વાત આનંદઘનજી ભગવંતે સમજાવી કે માત્ર તમારા કાન પ્રભુની વાણી સાંભળી લે તો ચાલશે નહિ. હૃદય સુધી, તમારા અસ્તિત્વના છેલ્લાં પ્રદેશ સુધી પ્રભુના શબ્દો પહોંચવા જોઈશે.
કબીરજીએ એક મજાની વાત લખી છે. એમણે કહ્યું કે શ્રવણ શ્રવણયોગ ક્યારે બને? શ્રવણ અલગ વસ્તુ છે. સાંભળી લીધું, મજા આવી ગઈ. પણ શ્રવણયોગ? એવું શ્રવણ જે તમને તમારી જાત સાથે, તમારી નિર્મળતા સાથે જોડી આપે એ શ્રવણયોગ. તો કબીરજી કહે છે, કે શ્રવણયોગ કઈ રીતે મળે? તો એમણે બહુ જ સરસ વાત લખી. “સબ તન શ્રવણ સમાયા” સબ તન શ્રવણ સમાયા- પૂરું શરીર, પૂરું તમારું અસ્તિત્વ એ શ્રવણ બની જાય. અને એ વખતે બીજી કોઈ ઇન્દ્રિયોનો ઉપયોગ ચાલતો ન હોય. આંખ યા તો બંધ છે. યા તો પ્રવચનકાર મહાત્મા ઉપર સ્થિર થયેલી છે. આંખ દ્વારા આજુબાજુવાળા કોઈને જોવા નથી. કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ક્યાંય પણ જવું નથી. એક શ્રવણેન્દ્રીય એનો ઉપયોગ ખુલ્લો છે અને એ ઉપયોગ એવો રાખવો છે કે જેના કારણે પ્રભુના પ્યારા પ્યારા શબ્દો અસ્તિત્વના સ્તર સુધી જાય.
મેં પહેલા પણ કહ્યું, એક સાથે બે ઇન્દ્રિયોની ચેનલમાં તમારું મન ઉપયોગ રાખી શકતું નથી. એક સાથે એક ઇન્દ્રિયની ચેનલમાં જ તમે જઈ શકો. તમે બે-ત્રણ ચેનલમાં જાઓ ને તો એકેયમાં ભલીવાર ન હોય. કંઇક સાંભળ્યું, કંઇક જોયું, કંઇક આમ કર્યું, કેટલાય ડાફોડ્યા માર્યા. એમાં એકેયમાં આમ ભલેવાર ના હોય. પણ એકદમ concentrate તમે થાવ, તમારાં મનને totally concentrate કરી લો. પ્રભુના દર્શનમાં કે પ્રભુના શ્રવણમાં. તો એ દર્શન, એ શ્રવણ અસ્તિત્વના સ્તર ઉપર જાય છે. એ અસ્તિત્વના સ્તર ઉપર કઈ રીતે જાય એની વાતો કાલે કરીશું.
આ ચાતુર્માસમાં આયંબિલની સાધના ઘણા બધા આરાધકોએ કરી. આયંબિલની સાધના શ્રેષ્ઠ સાધના છે. આસક્તિ પર વિજય મેળવવાની સાધના, આહારસંજ્ઞાને તોડવાની સાધના. ઘણા બધા સાધકોએ ચાર-ચાર મહિના સુધી આયંબિલ કર્યા. એ બધાની સાધનાની આજે આપણે અનુમોદના કરીએ. કારણ કે અનુમોદના એ આપણો શ્રેષ્ઠ ધર્મ છે.