Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 69

131 Views
26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : શાંતિ માટેના માર્ગો

શાંતિ માટેનો ચોથો માર્ગ બતાવ્યો : પ્રવચનશ્રવણ. સાધકના આંસુની પૃષ્ઠભૂમિકા ઉપર સદ્ગુરુની અનુભૂતિનું વરસવું – એ છે પ્રવચનશ્રવણ. પછી માત્ર એક જ પ્રવચન… વધારે પ્રવચનની જરૂરિયાત પણ નથી! તમારી પાસે માત્ર આંસુની પૃષ્ઠભૂમિકા હોય અને સદ્ગુરુના શબ્દ-શક્તિપાતને તમે ઝીલ્યા કરો.

શાંતિ માટેનો પાંચમો માર્ગ બતાવ્યો કે – કર્તવ્ય અને અકર્તવ્ય – એનો ખ્યાલ તમને આવી જાય. સમાજની અંદર સદાચારી, પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનું જીવન તમે જીવતા હોવ એ પણ શાંતિ માટેનો એક માર્ગ છે. એવું કંઈ કરવું નહિ કે જે શિષ્ટ સમાજની અંદર ખરાબ કહેવાય છે.

તમે પ્રભુની આજ્ઞાને જેટલા વફાદાર, એટલી વધુ શાંતિ તમને મળશે. જેમ-જેમ પ્રભુની આજ્ઞાનું પાલન થાય, તેમ તેમ પ્રસન્નતા વધતી જ જાય તમારી. ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. જે ક્ષણે પ્રભુનું શાસન મળે, જે ક્ષણે સમ્યગ્દર્શન મળે, બધી જ દીનતા સમાપ્ત થઇ જાય.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૬૯

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત પરમતારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિના માર્ગોની ચર્ચા કરે છે.

ચોથો માર્ગ છે, પ્રવચનશ્રવણ. પણ એ કઈ રીતનું? સાધકની વેદના ઉપર સદ્ગુરુની શક્તિનું વહેવું એ છે પ્રવચનશ્રવણ. સાધકની આંસુની પૃષ્ઠ ભૂમિકા ઉપર સદ્ગુરુની અનુભૂતિનું વરસવું એ છે પ્રવચનશ્રવણ.

ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સરસ ગાથા સૂત્ર છે: પ્રસંગ એવો છે, એક શિષ્ય દીક્ષા એણે લીધેલી છે, પણ જુના સંસ્કારોને કારણે ક્યારેક ક્યારેક એને ગુસ્સો આવી જાય છે. અને ગુસ્સો આવે છે ત્યારે એને બોલવાનું કોઈ ભાન રહેતું નથી. સ્પષ્ટ રીતે એને પાછળથી લાગે છે, કે સંયમી જીવનમાં આ વાત કોઈ પણ રીતે ચાલી શકે નહિ. અને એટલે એ વેદનાથી વિહ્વળ બનીને ગુરુદેવના ચરણોમાં આવ્યો. ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. એણે કહ્યું; ગુરુદેવ! હું શું કરું? સામાન્ય કોઈ નિમિત્ત હોય છે, ગુસ્સો સળવળી ઉઠે છે અને એ વખતે હું એવા શબ્દો બોલી દઉં છું, જે સંયમી તરીકે હું બોલી શકું નહિ. આંસુ એ શિષ્યની સજ્જતા. આંસુ એ સાધકની સજજતા. તમારી પાસે આંસુ છે. ગુરુ પોતાની અનુભૂતિને શબ્દોમાં ઢાળીને તમારી તરફ મુકશે, શક્તિપાત થઇ જશે. એક ગાથા સૂત્રમાં સદ્ગુરુએ ચાર શક્તિપાત કર્યા છે. એને ઊંચકવો જ છે.

પહેલો શક્તિપાત કર્યો; ‘मा य चण्डालियं कासी’ હવેથી ક્રોધમાં આવીને જેમ-તેમ બોલવાનું બંધ. સીધો જ શક્તિપાત! તારે ન કરવો જોઈએ એમ નહિ, હવેથી બંધ! લાગ્યું, કે એ શક્તિપાત ઝીલાઈ ગયો! એટલે તરત બીજો શક્તિપાત; ‘बहुयं मा य आलवे’ બિનજરૂરી ઘણું બધું પણ તારે બોલવાનું નથી. ક્રોધમાં આવીને તો હવે તો બોલવાનું છે જ નહિ. પણ, બિનજરૂરી પણ એક શબ્દ તારે વાપરવો નહિ.

સદ્ગુરુ જ્યારે કહે છે કે બહુ નહિ બોલવાનું. ત્યારે એનો અર્થ શું થાય ખબર છે?

એક હિંદુ ગુરુ પાસે એક ભક્ત આવેલો, વંદન કરવા. સાંજે એને ખ્યાલ આવ્યો કે ગુરુદેવ સવારે morning walk કરે છે. દોઢ થી બે કલાક પાછળના મોટા બગીચાની અંદર ગુરુદેવ morning walk કરે છે. એને એક લાલચ થઇ. આટલા મોટા ગુરુ morning walk માં ફરતાં હોય, જોડે એમનો પટ્ટશિષ્ય હોય, કેટલી સરસ જ્ઞાનની વાતો થતી હશે… મને એ morning walk માં જોડાવા મળે તો કેવું સારું. એણે પટ્ટશિષ્યને પૂછ્યું, કે ગુરુદેવની morning walk માં જોડાવાની મને permission મળે? શિષ્ય કહે છે, હું ગુરુદેવને પૂછી લઉં… ગુરુદેવને પૂછ્યું ત્યારે ગુરુદેવે કહ્યું, ભલે એ આવે પણ એને કહી દેવાનું, બોલવાનું નહિ, ચુપચાપ ચાલ્યા કરવાનું. દોઢ થી બે કલાક ગુરુ ચાલ્યા, આગળ ગુરુ પાછળ પટ્ટશિષ્ય, એની પાછળ આ ભક્ત. એક જગ્યાએ એક બહુ સરસ દ્રશ્ય આવ્યું, પહાડ, ઝરણાં વહી રહ્યા હતા, મોરો નાચી રહ્યા હતા. શહેરમાં રહેનારો ભક્ત હતો, આવું તો ક્યારે જોવા મળે? એણે એ દ્રશ્ય જોયું, ખુશ થઇ ગયો, એણે કહ્યું, વાહ! કેટલું સરસ દ્રશ્ય છે! બે કલાકના એ morning walk માં એ ભક્ત એક વાક્ય બોલ્યો! કેટલું સરસ દ્રશ્ય છે! બીજી સાંજે પેલા ભક્તે ફરીથી પૂછ્યું કે આવતી કાલે પણ મારે રોકાવાનું થયું છે તો આવતી કાલે સવારે morning walk માં હું આવી શકું? શિષ્ય કેવો સમર્પિત છે! એ કહે છે ગુરુને પૂછી લઉં… તમે હોવ તો શું કરો? હવે આટલી નાની બાબતમાં ગુરુને પૂછવાનું હોય?! ગઈ કાલે કહ્યું હતું, બહુ બોલવાનું નહિ. આજે પણ એ સૂચના આપી દઉં. શિષ્ય ગુરુને પૂછવા ગયો, સાહેબ! પેલો ભક્ત કહે છે, કે આવતી કાલે પણ એને morning walk માં જોડાવવું છે, તો આવી શકે? એ વખતે ગુરુ કહે છે, એ બકબકિયાને ના પાડી દે! બે કલાકની અંદર એક વાક્ય જે બોલેલો, એ ગુરુની પરિભાષામાં બકબકીયો છે. કારણ બિનજરૂરી એ વાક્ય હતું. કેટલું સરસ દ્રશ્ય છે! તો અમારે બધાને આંખો નથી?! અમે બધા જોઈ રહ્યા છે. તારે કહેવાની જરૂર ક્યાં હતી?

તો સદ્ગુરુએ બીજો શક્તિપાત કર્યો; ‘बहुयं मा य आलवे’ તારે ઘણું બોલવાનું નહિ, એટલે કે બિનજરૂરી એક પણ શબ્દ તારે બોલવાનો નહિ. એ શક્તિપાત પણ ઝીલાય ગયો.

પછી ત્રીજો શક્તિપાત: ઉત્તરાધ્યયન સૂત્ર બધાએ કર્યું છે ને? ચાર-ચાર શક્તિપાત! એક ગાથા સૂત્રમાં! હું ઘણીવાર કહું છું, કે સદ્ગુરુઓ શક્તિપાત કરવા તો તૈયાર છે. ઝીલનાર ક્યાં તૈયાર છે? ઝીલનારને પ્રગટ કરવો છે. આ શક્તિપાત તમારા ઉપર પણ થયો છે. મને ઉત્તરાધ્યયન સૂત્ર માટે એક બહુ જ મહત્વની વાત એ છે, કે બીજા બધા સૂત્રોમાં સુધર્માસ્વામી ભગવાનનો હાથ છે. ઉત્તરાધ્યયન સૂત્ર પ્રભુએ અંતિમ દેશનામાં ફરમાવેલું. એટલે પ્રભુના સીધા શબ્દો inverted coma ની અંદર ત્યાં આવેલા. તો એમ કહી શકાય કે પ્રભુએ તમારા ઉપર શક્તિપાત કર્યો છે. પ્રભુ શક્તિપાત કરનાર… ઝીલનાર કોણ? ઝીલનાર ઊંઘી ગયો છે.

ત્રીજો શક્તિપાત આવ્યો; ‘कालेण य अहिज्जित्ता’ હવે બિનજરૂરી એક શબ્દ બોલવાનો નથી પણ ગાથા ગોખવાની છે. પોણા ત્રણ કલાક, ત્રણ કલાક સૂત્રપોરસી, ગોખ.

ડોક્ટર પાસે ડાયાબિટિક પેશન્ટ જાય, ડાયાબીટીસ એકદમ ઊંચું છે. ૪૦૦-૪૫૦-૫૦૦ બ્લડમાં.. તો ડોક્ટર કહી દેશે, બિલકુલ ખાંડ નહિ ખાવાની. પેલો કહે સાહેબ! એમ તો બિલકુલ મીઠું ખાવાનું ના હોય, તો તો કંઈ ફાવે નહિ. ચાલે પણ નહિ. કંઈક મીઠું ખાવાનું જોઈએ. ત્યારે ડોક્ટર એને કહેશે, તું એક apple ખાઈ શકે. કારણ fruit ની જે શર્કરા છે એ ડાયાબીટીસમાં એટલી બધી હાનિકારક નથી.

એ જ રીતે અમારા ત્યાં કહેવામાં આવ્યું, કે ભાઈ! બોલવાનું નહિ, મૌનમાં રહે. પણ બોલ્યા વગર રહેવાતું નથી, તો જા દેરાસર. ભગવાન જોડે વાતો કરી આવ. ઉપાશ્રયમાં આવ, કલાક ગોખ. એમ બોલવાની ના નથી. તો ત્રીજો શક્તિપાત થયો. ‘कालेण य अहिज्जित्ता’ સ્વાધ્યાય માટે જે યોગ્ય સમય કહેલો છે, એ યોગ્ય સમયે તું અધ્યયન કરજે. એ ચાલુ થઇ ગયું એનું. ક્રોધ ગયો. બોલવાનું ગયું, અભ્યાસ ચાલુ થઇ ગયો.

પછી ચોથો શક્તિપાત આવ્યો, ‘तओ झाएज्ज एगगो” હવે એકાંતમાં જઈને તું ધ્યાન કર. અને એ ધ્યાનદશામાં આવી ગયો. ગુરુનો શક્તિપાત શું કરી શકે એમ નહિ, શું ન કરી શકે! ક્રોધની અંદર આવીને જેમ-તેમ બોલનારા શિષ્યને પ્રભુએ ધ્યાનદશામાં ઊંડો ઉતારી દીધો! સદ્ગુરુ હંમેશા તૈયાર હોય છે. સદ્ગુરુ કરૂણામય જ હોય છે. તૈયાર છે. પણ તમારી પાસે આંસુ જોઈએ. આંસુની પૃષ્ઠભૂ વગર તમે સદ્ગુરુના શક્તિપાતને ઝીલી શકતા નથી. તમારા આંસુ સદ્ગુરુનું પ્રબળ throwing; શક્તિપાત આ રહ્યો…!

મેઘકુમાર પહેલીવાર પ્રભુની દેશનામાં ગયા, એક જ વાર પ્રભુને સાંભળ્યા, પ્રભુને પીધા, ઘરે આવી ધારિણી માં ને કહી દીધું, માં! એ પ્રભુ વિના એક ક્ષણ હું નહિ રહી શકું! એક દેશના સાંભળી, થોડીક ક્ષણો માટે પ્રભુને જોયા, એવું તો પરમાત્માનું સંમોહન થઇ ગયું, કે મેઘકુમાર કહે છે, માં! આ પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકીશ નહિ. અને પ્રભુની સાથે-સાથે રહેવું હોય, તો દીક્ષા જ લેવી પડે. મારે દીક્ષા લેવી છે. એક પ્રવચન, વધારે પ્રવચનની જરૂરિયાત નથી. તમારી પાસે માત્ર આંસુની પૃષ્ઠ ભૂમિકા જોઈએ. અને સદ્ગુરુના શબ્દો શક્તિપાત રૂપે વહ્યા કરે, તમે એને ઝીલ્યા કરો.

બૌદ્ધ પરંપરામાં એક ભિક્ષુ થયા. જેમનું નામ કોટિકર્ણશ્રોણ હતું. મૂળ નામ શ્રોણ હતું. પણ શ્રોણ નામના બે-ત્રણ ભિક્ષુ થયેલા, એટલે અલગ તારવવા માટે, આમને એક વિશેષણ અપાયેલું, કોટિકર્ણ. દીક્ષા લીધા પહેલા એ એટલા શ્રીમંત હતા, કે એક કાનમાં એમને પહેરવાનું જે ફૂલ હતું, એમાં જે હીરા જડેલા હતા, એ એક કરોડના મૂલ્યના એ જમનામાં હતા. આવો શ્રીમંત માણસ જે ક્ષણે એને બધું અસાર લાગ્યું, એ ક્ષણે બધું છોડીને એ નીકળી ગયો. એ પછી વૈરાગ્યની અનુભૂતિ એવી તો તીવ્ર એમની પાસે હતી. કે જો શ્રોતા ભીનો ભીનો થયેલો હોય, અને એમને સાંભળે, તો એ પરમ વિરાગી બની જ જાય. સંપૂર્ણ આસક્તિ એની ખરી જાય.

એક નગરમાં ભક્તોની વિનંતીથી એમને જવાનું થયું. એમના પ્રવચનો ચાલે. બે-બે કલાક, અઢી-અઢી કલાક. લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળે. જેમ-જેમ સાંભળતા જાય, તેમ-તેમ આસક્તિ ઘટતી જાય. ખાવાના દ્રવ્યો લોકોના ઘટતાં ગયા. પહેરવાના વસ્ત્રો સાદા થઇ ગયા. અને એક જ વાત આપણે પણ છેલ્લે સંન્યાસ લેવો છે.

એ નગરમાં એક શ્રેષ્ઠી, અબજોપતિ. અબજોપતિ હોવા છતાં બહાર કમાવા માટે ગયેલો. સમુદ્રયાત્રાએ. ઘરે એની પત્ની અને એક દાસી. શેઠાણી જે હતા રોજ સત્સંગમાં જતાં. એટલા બધા એ ગુરુના શબ્દો પ્યારા લાગતાં કે એક શબ્દ છોડવાની ઈચ્છા ન થાય. પ્રવચન શરૂ થાય એની પા કલાક પહેલા auditorium આખું  full થયેલું હોય. શેઠાણી પણ પહોંચી જાય પહેલા… નજીકના જંગલમાં એક ચોર હતો. એ ચોરે જોયું, કે રાત્રે તો નગરમાં full security હોય છે, ગાર્ડસ બધે ફરતાં હોય છે. પણ દિવસનો આ અઢી કલાકનો સમય પ્રવચનનો એવો છે, કે જ્યારે શ્રેષ્ઠીઓના મોહલ્લામાં એક પણ ઘર ખુલ્લું હોતું નથી. તો એણે રૈકી કરી. અને આ અબજોપતિનું ઘર એણે પસંદ કર્યું. એ શેઠ પણ બહાર ગયેલા છે. શેઠાણી કથામાં જાય છે. એની દાસીને લઈને, ઘર હોય છે બંધ. આજુ- બાજુના ઘરો પણ બંધ હોય છે. આપણે આ ઘરમાં આજે ધાડ પાડીએ. જ્યાં વ્યાખ્યાનનો સમય થયો, અડધો કલાક પહેલા શેઠાણી નીકળી ગયા, દાસીને કહ્યું, ઘર બંધ કરીને તું આવજે, દાસીને થોડું ઘરકામ સમેટવાનું હતું. વાર લાગી. અડધો કલાક થઇ ગયો. છેલ્લે એણે ઘરનો દરવાજો બંધ કર્યો. અને એ નીકળી.

ત્યાં પેલા ચોરો પ્રવેશ કરી રહ્યા છે. એકદમ અજાણ્યા માણસો લાગ્યા, ચા-પાંચ. એણે થયું કે આ કોણ હશે? એટલે એ એક ખૂણામાં છુપાઈ ગઈ. છુપાઈ ગઈ અને એણે જોયું, કે ચોરો પોતાના જ શેઠના ઘરના તાળા તોડી રહ્યા છે. એ તો ગભરાઈ ગઈ. હવે શું કરવું જોઈએ? સૌથી પહેલાં શેઠાણીને ખબર આપવી જોઈએ. એટલે એ કથાના સ્થળ તરફ દોડે છે, ચોરનો જે આગેવાન હતો એ બહાર ઉભેલો હતો. બીજા લોકો તાળું તોડીને અંદર ગયા. આગેવાનને ખ્યાલ આવી ગયો, પેલી બાઈ પેલા ખૂણામાંથી નીકળી, અને બહાર ગઈ. જરૂર એને ખ્યાલ આવી ગયો છે. એ બાઈ પોલીસને કહી દે, બીજા કોઈને કહી દે. તો તો મુશ્કેલી થઇ જાય. એટલે એણે ચોરોને જે લોકો અંદર ગયેલા એમને કહી દીધું કે  કે તમે ફટાફટ જે કંઈ હાથમાં આવે એ લઈને ભાંગો અને નીકળી જાવ. હું પેલી બાઈની પાછળ જાઉં છું કે ક્યાં જાય છે? ચોરોનો આગેવાન એ દાસીની પાછળ-પાછળ જાય છે. દાસી તો સીધી વ્યાખ્યાનમાં ગઈ. શેઠાણી એક ખૂણા પર બેઠેલા. દાસી ત્યાં ગઈ. પેલો ચોરોનો આગેવાન બરોબર ખબર રાખે છે કે આ બાઈ શું કરે છે? દાસીએ શેઠાણીને કહ્યું, કે ચાર-પાંચ ચોરો આપણા ઘરના તાળા તોડીને અંદર પ્રવેશી ગયા છે. શું કરવાનું છે? શેઠાણી પ્રવચનની અસરમાં એટલા બધા છે, એ કહે છે તું બેસી જા. કથાને સાંભળ. લઇ જશે તો શું લઇ જશે! કચરો લઇ જશે! આટલા દિવસ આ સાહેબને સાંભળ્યા પછી નક્કી થઇ ગયું છે કે આ સોનું-રૂપું આ બધું કચરો જ છે, તો કચરાને કોઈ લઇ જાય તો આપણને વાંધો શું છે…?

તો પેલો ચોરનો આગેવાન નજર રાખે છે, સારું આ તો પેલી પણ બેસી ગઈ. એટલે ક્યાંય આ લોકો જવાના નથી હવે. ચાલો ત્યારે હવે હું સાંભળું. મારા માણસો ચોરી કરીને નીકળી જશે. ૧૦ મિનિટ – ૧૫ મિનિટ એ ચોરના આગેવાને એ ગુરુને સાંભળ્યા. એને પણ લાગ્યું, સાલું વાત તો મ.સાહેબની સાચી છે! તમે ક્યારેય આવા સંમોહનમાં આવ્યા છો? એ ચોરોનો આગેવાન વિચારે છે કે રાત-પરોઢિયા કરીએ, હેરાન થઈએ, પરેશાન થઈએ, માંડ રોટલો- દાળ તો ખાઈએ છીએ. આખરે અમે કાંદો શું કાઢ્યો? એને બદલે અમે ખેતીવાડી કરતા હોત. તો એક સજ્જન માણસ તરીકેનું જીવન જીવતાં હોત. અમને પણ નગરમાં એક પ્રતિષ્ઠા મળત. અમે તો ખોટો માર્ગ પકડ્યો. એ ચોરોનો આગેવાન પ્રવચન પૂરું થાય પછી ગુરુ પાસે આવે, અને કહે છે કે મારે ચોરી નહિ કરવી એનો નિયમ મને આપો. તમારાં આંસુ, ગુરુની અનુભૂતિ આ બેનું મિલન એટલે શક્તિપાત.

દરેક સદ્ગુરુ પાસે અનુભૂતિ હોય છે. અને એક વાત યાદ રાખો, અમારે લોકોએ તમને માત્ર શબ્દો નથી આપવા, અમારી અનુભૂતિ અમારે તમને આપવી છે. માત્ર શબ્દો નહિ. શબ્દો તો ભૂલાઈ જશે. અનુભૂતિ આપવી છે. અમને જે આનંદ મળ્યો છે એ આનંદ અમારે તમને આપવો છે. તમારી પાસે જે આનંદ છે કરોડો મળ્યા પછીનો, અને અમારી પાસે જે આનંદ છે કરોડો છોડ્યા પછીનો… તમને શું લાગે બોલો? બે આનંદમાં superior આનંદ કયો? તમારો કે અમારો? આ એક જ બાબતમાં તમે ઊંડા ઉતરો તો શું થાય? જરૂર તમે સંસારમાં છો. દીક્ષા લેવાની ઈચ્છા તો હોય જ. પણ સંસારના જે કર્તવ્યો છે, એ તમારે કરવા જ પડતાં હોય છે. દીકરો છે, દીકરી છે તો એને સંસ્કારો આપવાં, આ.. તે.. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારે રહેવું છે, એના માટે સંપત્તિ જોઈએ પણ ખરી. પણ આનંદ ત્યાગમાં છે. આ વાત જો સમજાઈ જાય તો પૈસા માટેની જે આંધળી દૌડ લાગેલી છે એમાં ફરક પડી જાય. જરૂરિયાત પ્રમાણે કમાઈ લો. જરૂરિયાત કેટલી છે એ નક્કી કરી લો. એ પ્રમાણે તમે કમાવો. તો સાધના માટે પણ તમને યોગ્ય સમય મળી રહે.

પાંચમો માર્ગ બતાવે છે કે કર્તવ્ય અને અકર્તવ્ય એનો ખ્યાલ તમને આવી જાય. અને એ સમાજની અંદર સદાચારી, પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનું તમે જીવન જીવતાં હોવ, તો એ પણ એક શાંતિનો માર્ગ છે. ચોરી છે ને બે જાતની છે. એક લોકોની ચોરી, અને એક સરકારની ચોરી. સીધો જ ભાવ વધારી નાંખવો અને અનીતિથી લોકો પાસેથી તમે લો, એ લોકો સાથેની ચોરી થઇ. અને ટેક્ષની અંદર ખોટી રીતે તમે રાહત મેળવી લો, સ્લેબમાં જઈને એ સરકારની ચોરી છે. લોકો સાથેની ચોરીમાં સીધો જ આપણે વિશ્વાસઘાત પેલાનો કરીએ. એ માનતો હોય કે આ માણસ બરોબર રીતે મને આપશે. તમે વ્યાજબી profit લો ત્યાં સુધી વાંધો નહિ. પણ ગેરવ્યાજબી લો, ત્યારે તમે સામી વ્યક્તિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો.

વિનોબાજીએ એક સરસ વાત કરેલી કે શ્વાસઘાત કરતાં પણ વિશ્વાસઘાત ખતરનાક છે. શ્વાસઘાત એક વ્યક્તિ ખતમ થઇ જાય. વિશ્વાસઘાત પૂરા સમાજનું મૃત્યુ થઇ જાય. બીજી ચોરી ગવર્મેન્ટની, તો એમાં આપણે સમાધિ જે છે, એના ભંગની શક્યતા છે. ક્યાંક તમે પકડાઈ ગયા, તો શું થશે.. એક તમારી પ્રતિષ્ઠાને પણ નુકશાન પહોંચશે. તમારી સમાધિ જે છે એ પણ તૂટી જશે. કદાચ જેલમાં પણ જવું પડે. કંઈ પણ થાય. તો પાંચમો માર્ગ એમ કહે છે કે એવું કંઈ કરવું નહિ કે જે શિષ્ટ સમાજની અંદર ખરાબ કહેવાય છે. ધંધો કરવો છે નીતિ પૂર્વક કરવો છે. મારે તો રોટલી-દાળ જોઈએ છે. ચોથો માર્ગ આવી ગયો ને કે જરૂરિયાત પુરતું કમાવું છે, તો આ વાત આવી જ જવાની. એ જ રીતે નિંદા વગેરે નહિ કરવી. એ પણ શિષ્ટ સમાજના એક સભ્યનું લક્ષણ છે.

હરીભદ્રસૂરિ મ.સા.એ એક બહુ અદ્ભુત વાત લખી છે. એમણે લખ્યું, ‘આર્યાપવાદ: જિહ્વો છેદ સમ:’ કોઈની પણ નિંદા ક્યારેય કરો નહિ. પણ તમે જ્યારે કોઈ સંતની, કોઈ ધાર્મિક વ્યક્તિત્વની નિંદા કરો છો ત્યારે એ પાપ કેટલું મોટું છે! તો હરીભદ્રસૂરિ મહારાજ જેવા જ્ઞાની આચાર્ય ભગવંત કહે છે, જીભ ઉખડી જાય એ સારું, પણ આવી નિંદા કરવી એ ખતરનાક છે. આના કરતાં જીભ ન હોય તે સારું. પણ ક્યારેય પણ સંતોનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો અપલાપ નહિ કરવો. નિંદા નહિ કરવી.

એક સાધકની વાત આવે છે, એ ગુરુ પાસે ગયો, એ બે-ચાર વખતથી આવતો હતો. ગુરુને એણે કંઈ વાત કરવી હતી, પણ ગુરુ વ્યસ્ત હતા. આજે ગુરુ free હતા ને પેલો આવી ગયો. ગુરુ face reading ના માણસ છે. એના ચહેરા પરથી ખ્યાલ આવ્યો કે એ કોઈની નિંદાની વાત કરવા આવેલો છે. અને એક એવી ઘટના ઘટેલી કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી અને એનું અંદરનું ખરાબ કૃત્ય બહાર આવેલું, તો ગુરુને થયું કે આ વાત કરવા માટે મને આવ્યો હશે. હવે એના મનમાં સળવળાટ હતો કે ક્યારે ગુરુને કહી દઉં, પણ ગુરુને ખ્યાલ છે. ગુરુએ કહ્યું, તારી વાત પછી સાંભળીશ. પહેલા મારા પ્રશ્નોનો જવાબ તું આપ. પહેલો પ્રશ્ન મારો એ છે, કે તું જે વાત કોઈની નિંદાની મારી પાસે કરવા માંગે છે, એ તે સાંભળેલી છે કે નજરે જોયેલી છે? પેલો કહે, સાંભળેલી છે. ગુરુ પૂછે છે? સાંભળેલું ખોટું હોય કે ન હોય? રજનું ગજ ફેલાય. સારી વાત સાંભળેલી લોકો પોતાની પાસે જ રાખે. એને અનુમોદનાના લયમાં આગળ ફેલાવવી જોઈએ કે ભાઈ! સમકિત ગ્રુપે આ કામ કર્યું. ફલાણી સંસ્થાએ આ કામ કર્યું. તમને ખ્યાલ આવે કે તમે એને વિસ્તારો. પણ આજે શું થાય છે, સારી વાત સાંભળી તમને એટલો રસ પણ હોતો નથી. સાંભળીને મૂકી દીધી. પણ ખરાબ વાત સંભળાઈ ગઈ તો? સીધી pass on કર્યા જ કરવાના… સાંભળ્યું? સાંભળ્યું…?સાંભળ્યું…? અને પાછુ પોતાના તરફથી મીઠું મરચું મસાલો ભભરાવીને પાછું આપશે. પછી એ મસાલો એટલો બધો વધી જશે, કે દસ જણા અગિયારમાં જણા જોડે વાત જશે ને ત્યારે આખી વાત બદલાયેલી હશે. તો ગુરુ કહે છે કે સાંભળેલું ખોટું હોય કે નહિ? એ કહે સાહેબ! હોય. તો જે વાત ખોટી હોવાની સંભાવના છે, એ વાત તારે મારી પાસે કરવી છે… બીજી વાત; તું જે વાત કરવા માંગે છે, એ સાંભળવાથી મને અથવા કોઈને પણ લાભ થાય ખરો?

આ બહુ મજાની વાત છે. કોઈની પણ ખરાબ વાત સાંભળવામાં આવી ને, તમે તરત દસ જણાને વાત કરવા મંડી પડો. સાંભળ્યું, આનું આમ થયું. આનું આમ થયું. કેમ રસ છે તમને? અનંત જન્મોથી એક જ વાત રહી છે, હું સારો છું. હું કેન્દ્રમાં છું. બીજા બધા જે છે એમાંથી સારા એટલા જ કે જે મારા અહંકારને થાબડે એટલા. બાકી કોઈ સારા નહિ. અને એમાં તમે જેને માનતા હોવ, કે મારો વિરોધી છે, અને એની નબળી વાત તમે સાંભળી, પછી જોઈ લો. ગાંઠના ગોપી ચંદન કરી અને મોબાઈલનો યુસ કરી, અને કેટલાને વાત સંભળાવી નાંખશો. તો ગુરુ પૂછે છે કે આ વાત તું મને કહે અથવા ઘણાને કીધી હશે, એનાથી સાંભળનારને શું લાભ થાય? અને તને પોતાને શું લાભ થાય? પેલો ચમક્યો… હતો તો સાધક પાછો… સાહેબ લાભ તો કોઈને ન થાય હો… હું પણ બોલું તો મને પણ નિંદાનું પાપ લાગે. પેલો સાંભળે અને કોઈની નિંદાના લયમાં જાય એને પણ પાપ લાગે. ગુરુ કહે છે ત્રીજી વાત; એ વાત સાંભળતા આનંદ થાય એવું છે? કોઈની ખરાબ વાતને સાંભળવામાં આનંદ શું આવે? ત્યારે ગુરુએ કહ્યું કે તું સાધક છે? જે વાત ખોટી પણ હોઈ શકે. એ વાત તારે બીજાની સામે કહેવી છે?! રસથી કહેવી છે! અને તું કહે છે ‘હું સાધક છું!’ તું વિચાર કર, કે તું ખરેખર સાધક છે?!

એક બહુ મજાનો point તમને આપું, તમે part time religious man છો કે full time? તમે business man full time છો. બરોબર ને…? ઘરે હોવ ને કોઈ સોદાની વાત આવે તો… મોબાઈલ ઉપર સોદો કરી નાંખો. રાત્રે ઊંઘતો હોય તો પણ શું થાય? પેલો સટુડીયો હતો, અને તાવ આવ્યો, ડૉક્ટર આવ્યા. ડૉક્ટરે માપીને કહ્યું, ૧૦૩… આટલો બધો તાવ છે. પેલાએ ૧૦૩ સાંભળ્યું… સટુડિયો હતો કહે કે ‘લિયા.’ ૧૦૨ થયું તો કહે કે ‘દિયા.’ તમે full time business man ખરા પણ religious man તરીકે full time ખરા? દેરાસરમાં અને ઉપાશ્રયમાં ત્યાં તો સાધક છો જ. ઈચ્છા એવી છે કે ૨૪ કલાકના સાધક તમે હોવ, અને એટલે એકદમ આવશ્યક છે અને પ્રભુની આજ્ઞાની વિરાધના કરવી પડે છે. ત્યાં દુ:ખાતા હૈયે તમે કરો, પણ બિનજરૂરી રીતે પ્રભુની આજ્ઞાની વિરાધના તમે કરો જ નહિ. નિંદા કરવી તો એ બિનજરૂરી છે. અને પ્રભુની આજ્ઞાનું વિરાધન છે. તમે શા માટે કરો…?

પાંચમો માર્ગ આ બતાવ્યો. કે તમે પ્રભુની આજ્ઞાને જેટલા વફાદાર રહેશો, એટલી શાંતિ તમને મળશે. મન: પ્રસન્ન તામેતિ, પૂજ્ય માને જિનેશ્વરે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એહ. પ્રભુની પૂજા એટલે પ્રભુની આજ્ઞાનું પાલન. અને જેમ-જેમ પ્રભુની આજ્ઞાનું પાલન થાય, તેમ તમે પ્રસન્નતા વધતી જ જાય તમારી. અમે સતત પ્રસન્ન છીએ એનું કારણ શું? પ્રભુની આજ્ઞાનું પાલન.

તમારી પાસે પણ પ્રભુની આજ્ઞાનું પાલન જેટલું વધુ આવે એટલી શાંતિ તમારી પાસે આવે. આજે પણ એવા અબજોપતિ છે, કે જે લોકો બિલકુલ સરકારી કાનૂન ને આધારે જ બધો ધંધો કરે છે. બિલકુલ white. એ કહે છે ઓછું કમાયા એમ માનીશું. પણ આ કયાંક  પકડાઈ ગયા ને raid પડી, અને કેટલાય દિવસો સુધી હેરાન- પરેશાન થવું પડે, અને raid પાડે એટલે આને ત્યાં પાડે. આના ત્યાં નામ મળ્યું એટલે પેલાને ત્યાં પાડે. પેલાને ત્યાંથી પેલાને ત્યાં પાડે. કેટલા બધા લોકો હેરાન-પરેશાન થઇ જાય! આજે છે…! જે લોકો દાન આપે છે એ cheque થી આપે છે. કરોડ-બે કરોડ. એ કહે બધું white જ છે અમારી પાસે. અમારે કંઈ black છે જ નહિ. અમારે સરકારથી કંઈ સંતાડવાનું છે જ નહિ… ગમે ત્યારે આવે, ચોપડો જોઈ લો, બિલકુલ ચોખ્ખો. આનાથી કેટલી શાંતિ મળે બોલો….?

આનંદઘનજી ભગવંત તમારા જીવાતા જીવનની વાતો કરે છે. કે તમે આ રીતે જીવો, આ રીતે ધંધો વિગેરે કરો, આ રીતે તમારા જીવનમાં રહો  તો તમને અપૂર્વ શાંતિ મળે.

આનંદઘનજી ભગવંતના આપણે બહુ જ ઋણી રહીશું. શરૂઆતમાં પર્યુષણ પહેલાં આપણે એમને જ પીધેલા. એક જ પંક્તિ, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. અને એક શબ્દ પરમપ્રેમ. એ પરમપ્રેમમાં ડૂબવાની આપણે કોશિશ કરીએ. અને હવે એમના જ શબ્દો લઈને એક પરમશાંતિમાં દિવ્ય શાંતિમાં જવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો આનંદઘનજી ભગવંત કેટલો બધો ઉપકાર કરી રહ્યા છે. એ કહે છે કે પ્રભુશાસનમાં જે આવી ગયો, એ અશાંત ક્યારેય હોય નહિ. એ દુઃખી ક્યારેય હોય નહિ. સ્તવનામાં પણ કહ્યું; ‘ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં’ પ્રભુ જે ક્ષણે તારું શાસન મળ્યું, જે ક્ષણે તારું સમ્યગ્દર્શન મળ્યું, બધી જ દીનતા સમાપ્ત થઇ ગઈ. આ નથી ને, આ નથી. કોઈ વાત નથી. મજાથી જીવન જીવું છું. અમને ક્યારેય પણ પૂછો, અમે શું કહીએ, શાતામાં… પરમ શાતામાં. એમ તમારો પણ આ શબ્દ આવી જવો જોઈએ. કેમ છો મજામાં? અરે બહુ મજામાં. શાતામાં… દેવ-ગુરુ પસાય. લક્ષ્મીજી પસાય નહિ આવે ને હવે? દેવ-ગુરુ પસાય.

તો એ પરમશાંતિ તમને બધાને મળી જાય એવા આશીર્વાદ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *