Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 70

184 Views
10 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વિરહાસક્તિ

દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિને તમે મળો, તમારા મનગમતા પદાર્થોને તમે પામો અને જે આનંદ તમને મળે એના કરતા હજારો ગણો આનંદ પ્રભુના વિરહ માં છે! કારણ? વિરહની ક્ષણોમાં પણ તમે જોડાઓ છો તો પ્રભુની સાથે જ ને!

આપણી એવી ક્ષમતા નથી કે આપણે પ્રભુનું દર્શન કરી શકીએ. પ્રભુ જ પ્રભુનું દર્શન કરાવી શકે. આપણી પાસે તો એવી આંખો પણ નથી. અને એટલે જ આપણી સ્તવના છે : તમને નીરખું નાથ નિરંજન; એવી આપો આંખો.

સાધનામાર્ગનું બહુ પ્યારું સૂત્ર છે: We have not to do anything absolutely. આપણે કશું જ કરવાનું નથી; પ્રભુએ જ બધું કરવાનું છે. પ્રભુની કૃપા સતત વરસી રહી છે; એક ક્ષણ એવી નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. પ્રભુની એ કૃપાને ઝીલવા માટેની receptivity એ તમારી શ્રદ્ધા, તમારું સમર્પણ.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૭૦

આજનો પરમપાવન દિવસ. કાર્તિકી પૂર્ણિમા. ઉપાશ્રયમાં સિદ્ધગિરિરાજની સન્મુખ ભાવયાત્રા કરીને આપણે અહિયાં આવ્યા. ચાલીસ વરસ પહેલાંની એક ઘટના યાદ આવે. પરમપાવન પાલીતાણામાં અમારું ચાતુર્માસ. ચારે મહિના રોજ સવારે ગિરિરાજની સ્પર્શના માટે જઈએ. ગિરિરાજની ચૈત્યવંદના કરીએ. પણ દાદા દૂર. ચાર…ચાર… મહિના વીતી ગયા.. કાર્તિક સુદી ૧૪ ની રાત્રે પ્રતિક્રમણ કર્યા પછી આંખોમાંથી જે આંસુની ધાર વહી છે. ગળેથી ડુંસકા પ્રગટેલાં કે દાદા ચાર..ચાર.. મહિના તારા સાનિધ્યમાં રહ્યા અને છતાં તારું દર્શન અમને ન મળ્યું! પણ આવતી કાલે સવારે તો તારે દર્શન આપવું જ પડશે.

એક બહુ મજાની વાત કરું. પ્રતિક્ષાનો આનંદ જેટલો માણેલો છે એટલો જ દર્શનનો આનંદ મળશે. પ્રતિક્ષા-વિરહ. ચાર-ચાર મહિના થયા, પ્રભુ ન મળ્યા…પ્રભુ ન મળ્યા… પ્રભુ ન મળ્યા….આ જે વિરહની પીડા હતી એના કારણે દર્શનનો આનંદ અતિશય ઘેરો બની જાય. હું તો ઘણીવાર કહેતો હોઉં… મને દર્શનાર્થીઓ કેવા ગમતા હોય છે. ખબર છે? સવારે બેડરૂમમાંથી નીકળ્યા. આંખો ચોળતા-ચોળતા. સીધા જ દેરાસર તરફ દોડે . કોઈને અડફેટમાં લેતા-લેતા. પેલો સામેવાળો પૂછે. આટલી ઝડપથી ક્યાં દોડ્યા? ત્યારે એ કહી દે કે ગઈ કાલે રાત્રે આરતી વખતે પ્રભુનું દર્શન થયેલું. પછીની આખી રાત દર્શન વગરની ગઈ છે. જલ્દી-જલ્દી પ્રભુના દર્શન માટે જઉં છે.

નારદઋષિએ ભક્તિસૂત્રમાં એક પ્યારો એક શબ્દ આપ્યો. વિરહાસક્તિ. વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ. વિરહવ્યથા શબ્દ તો પરિચિત હતો. પણ આ નવો શબ્દ આવ્યો, વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ, વિરહનો આનંદ. પહેલીવાર તો વિચારમાં પડી ગયો કે આ શી રીતે હોઈ શકે? પછી ખ્યાલ આવ્યો કે દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિને મળો, તમારાં મનગમતા પદાર્થોને તમે પામો અને જે આનંદ તમને મળે એના કરતા હજારો ઘણો આનંદ પ્રભુના વિરહમાં છે. કારણ, વિરહની ક્ષણોમાં તમે જોડાઓ છો પ્રભુની સાથે.

એ વિરહ આખી રાત ચાલ્યો, આંસુ આખી રાત ટપક્યાં જ કર્યા. સવારે તૈયાર થયા. સીધા જ ગિરિરાજની યાત્રા માટે. ઉપર ગયા. દાદાએ મજાનું દર્શન આપ્યું. હું ક્યારેય પણ કહેતો નથી કે મેં દાદાનું દર્શન કર્યું. આપણી એવી ક્ષમતા નથી કે આપણે પ્રભુનું દર્શન કરી શકીએ. આપણી પાસે એવી આંખો પણ નથી અને એટલે જ આપણી એક સ્તવના છે, તમને નીરખું નાથ નિરંજન એવી આપો આંખો. પ્રભુ મને એવી આંખ આપ કે હું તને જોઈ શકું. પ્રભુ જ પ્રભુનું દર્શન કરાવી શકે. અને એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કહ્યું, “કર કે કૃપા પ્રભુ દરિશન દીનો.” પ્રભુએ કૃપા કરી અને મને એમણે દર્શન આપ્યું, મેં કર્યું એમ નહિ. પ્રભુએ દર્શનનો આનંદ ભરપેટ આપ્યો. કલાક-દોઢ કલાક, ઊઠવાનું મન ન થાય. છેવટે ઉઠ્યા. દાદાની રજા લીધી. કે દાદા હવે તો કાલે પણ આવશું. અને પાલીતાણામાં છીએ ત્યાં સુધી રોજ આવશું. દસ વાગે નીચે ઉતરવાનું શરૂ કર્યું. કાર્તિકી પુનમનો એ દિવસ. હજારો ભાવકો ચડી રહ્યા છે. મારી જોડે એક ભક્ત હતો. મેં એ ભક્તને કહ્યું, કે પ્રભુએ આપણને દર્શન આપી દીધું. એ જ પ્રભુના દર્શનની પ્યાસ લઈને આ બધા યાત્રિકો દોડી રહ્યા છે.

સંઘયાત્રાની અંદર હું ઘણી વાર કહું છું કે યાત્રિકો દોડે છે એમ નહિ, યાત્રિકોની પ્યાસ દોડી રહી છે. કેવી પ્યાસ? અમારે ત્યાં કવિસમયમાં ચાતક નામના પંખીની વાત આવે છે. ચાતકને ગળા પાસે કાણું હોય છે તો તરસ્યું થયેલું ચાતક ચાંચ વાટે પાણી પીવે પણ ગળાના કાણા વાટે એ પાણી નીકળી જાય. તો પ્યાસુ થયેલું ચાતક કરે શું? એ માત્ર અને માત્ર વરસાદની રાહ જોતું બેસી રહે. વરસાદ આવે ત્યારે એ ઊંધું પડી જાય. પોતાની ચાંચોને પસારી નાંખે. અને વર્ષાના બુંદ-બુંદ ને પોતાના અસ્તિત્વમાં  સમાવી લે. ચાતકની એ પ્યાસ. કુંડનું પાણી ન ચાલે. સરોવરનું પાણી ન ચાલે. નદીનું પાણી ન ચાલે. પાણી જોઈએ માત્ર અને માત્ર મેઘનું. ભક્તની આંખોમાં પણ એક પ્યાસ છે. જોવા છે માત્ર પ્રભુને.

અમે લોકો નીચે ઉતરતા બાબુના દેરાસર પાસે આવ્યા. એ વખતે એવી એક ઘટના ઘટી કે ચાલીસ વરસ થયા છે એ ઘટનાને છતાં આજે આંખ બંધ કરું તો મારી આંખોની સામે એ ઘટના ઉપસી આવે. લગભગ ૮૦ વરસના એક માજી. હાથમાં લાકડી, ગિરિરાજને ચડી રહ્યા છે. એકલા હતા. જોડે કોઈ નહિ. પાંચ પગથિયા ચડે, શ્વાસ ભરાઈ જાય, બે મિનીટ- ચાર મિનીટ ઉભા રહે. ફરી ચડે. જોતા જ મને લાગ્યું, કાર્ડિયાક પેશન્ટ હશે. ડૉક્ટરે એમને કહ્યું હશે કે માજી! તમારું હૃદય નબળું છે એટલે તમારે ઘરનો દાદર પણ ચડવાનો નહિ. દાદીમાં એ ડૉક્ટરની વાત Accept પણ કરી હશે. ચાલો ડૉક્ટર ના પાડે છે તો ઘરનો દાદર નહિ ચડવાનો. એ જ દાદીમાં ગિરિરાજને ચડવા માટે તૈયાર થયા છે! સમીકરણ એ હતું, ઘરનો દાદર મારે ચડવાનો છે. મારું શરીર નબળું છે તો મારે દાદર ચડવો જોઈએ નહિ. પણ દાદાનો ગિરિરાજ એ તો દાદા ચડાવે મારે ક્યાં ચડવાનો છે?

સાધનામાર્ગનું એક બહુ પ્યારું સૂત્ર છે. We have not to do anything absolutely. આપણે કશું જ કરવાનું નથી. He has to do. પ્રભુએ બધું કરવાનું છે. તમે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ ગયા પછીનું કામ પ્રભુનું છે, તમારું નથી. માજીની પાસે મજાનું સમીકરણ હતું. ઘરનો દાદર મારે ચડવાનો માટે ન ચડાય. પણ દાદાનો ગિરિરાજ તો દાદા ચડાવે. મારે ક્યાં ચડવાનો છે? ડોળીવાળા બે પાછળ હતા. એક ડોળીવાળાએ કહ્યું; માજી ડોળી કરી લો, આજે કાર્તિકી પૂનમ છે. અધવચ્ચે તમે થાકી જાવ તો ડોળી તમને મળશે નહિ. તમારે ચાલવું હોય એટલું ચાલજો, ચડવું હોય એટલું ચડજો. ડોળી બાંધી લો. શું માજીની શ્રદ્ધા! હું એમના ચહેરા સામે જોઈ રહેલો. માજી કહે છે નહિ.. ડોળી નહિ… મને મારો દાદો ગિરિરાજ ચડાવશે! બીજા ડોળીવાળાએ કહ્યું, માજી! પહેલીવાર પાલીતાણા આવો છો કે શું? દાદા નજીક નથી, દાદા બહુ દુર છે. એ વખતે દાદીમાએ પોતાના હાથમાં રહેલી લાકડીને લંબાવી- ઝુલાવી અને કહ્યું, દાદા ક્યાં દુર છે? દાદા આ રહ્યા. મેં એ વખતે દાદીમાની આંખોમાં જોયું. મારી સાથે રહેલાં ભક્તને મેં કહ્યું, કે દાદીમાં પોતાના હૃદયથી દોઢ ફૂટ દુર લાકડી રાખેલી અને કહે છે દાદા આ રહ્યા. પણ દાદીમાને ખબર નથી કે દાદા તો એમના હૃદયમાં આવીને બેસી ગયા છે.

એક ભક્તે કહ્યું છે, કે પ્રભુ મારા હૃદયમાં જ છે. He is closer to me then myself. પ્રભુ મારી જાત કરતા પણ વધુ મારી નજદીક છે. એક શ્રદ્ધા.. એક સમર્પણ… You have not to do anything absolutely. અને એટલે જ આ ચાતુર્માસમાં વારંવાર એક સૂત્ર આપ્યું, ૯૯% grace ૧%effort. આ શ્રદ્ધા એ તમારી receptivity, આ સમર્પણ એ જ તમારી receptivity. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એક ક્ષણ એવી નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. એ પ્રભુની કૃપાને ઝીલવા માટેની receptivity આ શ્રદ્ધા છે. માજીએ ડોળી નહિ જ કરી! સાંજે મેં સમાચાર મેળવ્યા તો સમાચાર મળ્યા કે બપોરે બે વાગે માજી ઉપર પહોંચી ગયેલા. એમણે પૂજા પણ કરી લીધી. અને લગભગ સુર્યાસ્ત સમયે માજી નીચે પણ ઉતરી ગયા. એક શ્રદ્ધા.. એક સમર્પણ… આપણે કાંઈ જ કરવું નથી! બધું જ પ્રભુ કરાવે છે!

આપણી સાધનાનું કેન્દ્રવર્તી સૂત્ર આ જ છે: પ્રભુની કૃપા એ જ સાધનાના કર્તા રૂપે છે. સાધનાનું કર્તૃત્વ માત્ર અને માત્ર પ્રભુની કૃપા અને સદ્ગુરુની કૃપાનું છે.

જવાહરનગર સંઘ ખુબ જ ભાગ્યશાળી છે. જ્યાં બારે મહિના સદ્ગુરુઓનું આગમન થયા કરતુ હોય છે. જીનવાણીનો ઘોષ સતત એ ઉપાશ્રયમાં ચાલતો રહેતો હોય છે.  ધર્મનાથ દાદાના સાનિધ્યમાં. આદિનાથ દાદાના સાનિધ્યમાં અને શાંતિનાથદાદાના સાનિધ્યમાં અમારું ચાતુર્માસ બહુ જ મંગળમય રૂપે પરિપૂર્ણ થયું. તમારી શ્રદ્ધાને, તમારી ભક્તિને ખુબ-ખુબ માણી. એક જ આશીર્વાદ આપું આ જ શ્રદ્ધા, આ જ સમર્પણ અને આ જ ભક્તિની ધારામાં ખુબ ખુબ આગળ વધો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *