Namaskar Bhaav Ni Sadhna – Vachana 1

56 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : અહંકાર સામે નમસ્કાર

જ્યાં સુધી અહંકાર શિથિલ ન બને, ત્યાં સુધી સાધના સમ્યક્ રૂપે ન થઈ શકે. અહંકાર એટલે હું. અહંકાર હોય, એટલે હું ને જ્યાં ગમો, ત્યાં રાગ થાય અને હું ને જ્યાં અણગમો, ત્યાં દ્વેષ થાય.

નમસ્કાર મહામંત્રમાં નમો પહેલા આવે છે; અરિહંતાણં, સિદ્ધાણં વગેરે પાછળ આવે છે. નમો. ઝૂકી જાઓ. તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. તમે કોના ચરણોમાં ઝૂકો છો એ મહત્વનું નથી; ઝૂકો છો કે નહિ એ મહત્વનું છે.

તમારું શરીર ઝૂકે છે. કોન્શિયસ માઈન્ડ ઝૂકે છે. તમે ઝૂક્યા? અહંકાર થોડો પણ શિથિલ બને, ત્યારે માનવાનું કે નમસ્કાર ભાવ આપણને મળ્યો છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૧

ઉપધાનના આરાધકો બધા શાતામાં છો….. દેવગુરુ પસાય….

એક જગ્યાએ ઉપધાન ચાલતા હતા. સાડાબાર વાગે નિવિના દિવસે મારે નીચે ઉતરવાનું થયું. એક ભાઈએ મને જોયા તરત ઊભા થઈ ગયા. મેં કહ્યું કેમ છો? શાતામાં ને? મને કહે “નિવિ પસાય”. સાડાબાર વાગેલા. પચ્ચક્ખાણ આવવાની તૈયારી હતી મને કહે “નિવિ પસાય”. મેં કહ્યું સરસ. ફરી ત્રણ વાગ્યે મારે ત્યાંથી નિકળવાનું થયું. એ જ ભાઈ આડા પડેલા મને જોયો. માંડ-માંડ ઊભા થયા. મેં કહ્યું કેમ છો? મને કહે “નિવિ પસાય”. સાહેબ ઉપવાસમાં સારું હતું. ઉપધાનતપની આરાધના. માળવાળાઓને પહેલા ૧૮ દિવસ માત્ર નવકારમંત્રને સિદ્ધ કરવાની સાધના. આપડા યુગના શ્રેષ્ઠ સાધનાગુરુ પંન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કહેતા કે ‘નમસ્કાર મહામંત્ર’માં નમો પહેલા છે અરિહંતાણં, સિદ્ધાણં એ બધું પછી છે. નમો ઝૂકી જાવ, તમારૂ ઝૂકવું ઘટીત થવું જોઈએ. કોના ચરણોમાં ઝૂકો છો એ બે નંબરની વાત છે. તમે ઝૂકો છો કે નહીં એ મહત્વની ઘટના છે. ૧૮ દિવસ આના માટે લેવા છે કે તમે ઝૂકી જાવ. તમારો અહંકાર તિરોહિત થઈ જાય. સાધનામાર્ગમાં ત્રણ અવરોધો છે: રાગ, દ્વેષ અને અહંકાર. શરીર પ્રત્યેનો રાગ સાધના ન કરવા દે, જીવ પ્રત્યેનો દ્વેષ આપડી સાધનાને અવરોધ કરે, અહંકાર એ તો ચાલી શકે જ નહીં. તો આપડી સાધનામાં ત્રણ અવરોધો છે: રાગ-દ્વેષ-અહંકાર. પણ એ ત્રણેયમાં પણ અહંકાર મુખ્ય છે. Center point ઉપર અહંકાર છે. ‘હું’. ‘હું’ ને જ્યાં ગમો છે ત્યાં રાગ થાય છે. ‘હું’ ને જ્યાં અણગમો છે ત્યાં દ્વેષ થાય છે. તો અહંકાર જ્યાં સુધી શિથિલ ન બને ત્યાં સુધી આપડી સાધના સમ્યકરૂપે થઈ શકે નહીં. શું પ્રભુની કૃપા,  સદ્દગુરુઓની કૃપા, નમસ્કાર મહામંત્ર આપણને આપ્યો. અહંકારની સામે નમસ્કાર. અત્યાર સુધી એક જ વાત હતી ‘હું’.

તમે જો સાધક હોવને તો આંતર નિરીક્ષણ કરજો. રાત્રે સૂતા પહેલા એક આંતર નિરીક્ષણ કરો કે આજે સવારે હું ઉઠ્યો અને અત્યારે સૂવા માટે જાઉં છું. પૂરા દિવસ દરમ્યાન ‘હું’ મારો કેટલીવાર બહાર આવ્યો.. ખ્યાલ આવશે દર ‘પા’ કલાકે, દર અડધો કલાકે, ‘હું’ બહાર આવેલો હશે. મેં આમ કહ્યું, પેલો impress થઈ ગયો, મેં આમ કર્યું પેલો રાજી રાજી થઈ ગયો. આ જે અહંકાર છે એ શિથિલ ન બને ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થઈ શકે નહી. એટલા માટે નમસ્કાર ભાવ આપણને આપવામાં આવ્યો. એક જ ઈચ્છા છે કે એવી રીતે નમસ્કાર ભાવને તમારા હૃદયમાં, તમારા અસ્તિત્વમાં, પ્રતિરોપીત કરીએ એટલે અહંકાર નીકળી જાય. અહંકારને કાઢવાની કસરત કરવાની જરૂર નથી. નમસ્કાર ભાવને ઊંડે સુધી પહોંચાડી દો. જ્યાં તમારો અહંકાર છે ત્યાં નમસ્કાર ભાવને પહોંચાડી દો. અત્યારે શું કર્યું તમે? નમસ્કાર ભાવ તમારા શરીર સુધી છે. બહુ બહુ તો તમારા conscious mind ના level સુધી છે. અસ્તિત્વનું સ્તર જ્યાં અહંકાર બેઠેલો છે ત્યાં તમે નમસ્કાર ભાવને ક્યારે લઈ ગયા? પ્રભુની પાસે ગયા. નમુત્થુણં પણ ચાલુ, વિચારો પણ ચાલુ. સદ્દગુરુ પાસે આવ્યા દ્વાદશાવર્ત વંદન ચાલુ અને આજુ-બાજુવાળા શું કરે છે એ જોવાનું પણ ચાલું. તમે નમસ્કાર ભાવને અસ્તિત્વના સ્તર સુધી લઈ ગયા નથી અને જ્યાં સુધી અસ્તિત્વના સ્તર સુધી નમસ્કાર ભાવ નહીં આવે અહંકાર જશે શી રીતે?      Pack-pack થઈ ગયા. અસ્તિત્વના સ્તર પર અહંકાર અને શરીરના conscious mind ના level ઉપર નમસ્કાર મહામંત્ર. નહીં. નમસ્કાર ભાવને ત્યાં સુધી ઊંડે ઉતારવો છે જ્યાં અહંકાર છે.

એક બહુ પ્યારી ઘટનાની વાત આજે કરું. સો વર્ષ પહેલાની ઘટના છે. જર્મનીમાં એક મહિલા પ્રોફેસર. યુનિવર્સિટીમાં બૌદ્ધ ગ્રંથોને એ ભણાવતા હતા. એક-એક બૌદ્ધ ગ્રંથો ઉપર એમના lectures થતા. સારામાં સારા સેમિનારોમાં બોલવા માટે એમનો નંબર પહેલો રહેતો. કોઈ બૌદ્ધ ગ્રંથ એવો નહીં હોય જે આ પ્રોફેસરે ન વાંચેલો હોય કે ન ભણાવેલો હોય પણ એકવાર પ્રોફેસરને થયું કે બધા જ ગ્રંથો મેં મારા પ્રોફેસરો પાસેથી લીધા છે એકપણ ગ્રંથ સદ્દગુરુ પાસેથી મેં લીધો નથી એટલે એક ગ્રંથને મારે સદ્દગુરુ પાસેથી લેવો જોઈએ.
આ નમસ્કાર મહામંત્ર ગળથૂથીમાંથી તમને મળેલો છે. અઢારીયું કેમ કરવાનું? સદ્દગુરુના શ્રીમુખેથી નમસ્કાર મહામંત્ર અમને મળ્યો. સદ્દગુરુ તમને મંત્ર દીક્ષાના રૂપમાં નમસ્કાર મહામંત્ર આપે. આપણે ત્યાં ત્રણ જાતની દીક્ષાઓ છે: મંત્ર દીક્ષા, સાધના દીક્ષા અને જીવન વ્યાપીની દીક્ષા. જે સદ્દગુરુ નમસ્કાર મહામંત્ર તમને આપે એ તમારા મંત્ર દીક્ષા દાતા ગુરુદેવ. તમને જે સાધના આપે એ સાધના દીક્ષા દાતા ગુરુદેવ. અત્યારે અથવા પછી એક કામ ખાસ તમારે કરવાનું છે. ઘરે ગયા પછી suppose તમને રોજના ચાર કલાક મળે છે તો એ ચાર કલાકમાં તમારે કઈ સાધના કરવી એ સાધના દીક્ષા દાતા ગુરુને પૂછો. તમને સાધના દીક્ષા આપનાર એક જ સદ્દગુરુ હોય. એ સદ્દગુરુ પાસે દર છ મહિને તમે જાવ. સદ્દગુરુ જોઈ લે કે આ સાધના દ્વારા તમારી ભીતર કેટલું પરિવર્તન આવ્યું અને એના આધારે સાધાનામાં સુધારો-વધારો જે પણ કરવો હોય એ સદ્દગુરુ કરી આપશે. એટલે તમારે સાધના શું કરવી એ તમારે નક્કી નથી કરવાનું. સદ્દગુરુ નક્કી કરે. તમારે દવા કઈ લેવી એ તમે નક્કી કરો કે ડોક્ટર નક્કી કરે? અને ત્રીજી દીક્ષા જીવન વ્યાપીની દીક્ષા. હું ઘણીવાર કહું ઉપધાન થયું, માળા પહેરાઈ ગઈ, પાંત્રીસું થયું, અટ્ઠાવીશું થયું એટલે ચરવળાનું કામ પૂરું થઈ ગયું. પછી ઓઘો. તો રજોહરણ તમને જે આપે એ જીવન વ્યાપીની દીક્ષાના દાતા ગુરુ કહેવાય.

પ્રોફેસરને થયું કે એક ગ્રંથ મારે સદ્દગુરુ પાસેથી લેવો જોઈએ. તિબેટની અંદર એક બહુ મોટા ગુરુ હતા. એ ગુરુને પૂછાવ્યું કે એકાદ મહિનો આપની નિશ્રામાં રહેવા માટે આવવું છે, ભણવા માટે આવવું છે. આપ સમય આપો. ગુરુએ સમય આપ્યો. એ પછી પ્રોફેસરે પોતે જેટલા પુસ્તકો લખેલા એ પુસ્તકો ગુરુને મોકલ્યા. જેથી ગુરુને ખ્યાલ આવે કે આની કક્ષા કઈ છે? પણ આ ગુરુ શબ્દોના ગુરુ ન હતા. અશબ્દના ગુરુ હતા.

હું પણ વારંવાર કહું છું મારી પાસે રોજ આવનારા જે સાધકો છે એમને હું કહેતો હોવ છું કે શબ્દો ક્યાં સુધી હું આપીશ? આખરે એની પણ મર્યાદા આવશે. તમે સદ્દગુરુના અશબ્દને પીતા થઈ જાવ. અશબ્દ જ મહત્વનું છે. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ કે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ એમના ગ્રંથોના શબ્દો મજાના. મહત્વપૂર્ણ. પણ અશબ્દ એથી પણ વધુ મહત્વના. એટલે અમારા જેવા માણસો પાસે તમે ભણવા આવો તો અમે શબ્દોને નહીં ખોલીએ અશબ્દને ખોલીશું. પંક્તિ-પંક્તિની વચ્ચે અશબ્દ છે. શબ્દ-શબ્દની વચ્ચે અશબ્દ છે એ અશબ્દને અમારે ખોલવો છે. કારણ શબ્દોની એક મર્યાદા છે. અનુભૂતિને ક્યારે પણ શબ્દો વ્યાખ્યાયીત કરી શકતા નથી. આપણે ત્યાં પ્રભુ મહાવીરદેવની પરંપરામાં અનુભૂતિવાન આચાર્ય ભગવંતો કેટલા થયા? અગણિત. પણ જેમને ગ્રંથો આપ્યા એ આચાર્ય ભગવંતો આંગળીના વેઢે ગણાય એટલા. કારણ એ જ હતું. અનુભૂતિના શિખર ઉપર ગયા પછી શબ્દોની દુનિયામાં ઉતરાતું નથી. હરિભદ્રસુરી મહારાજ સાહેબની કૃપા છે, કલિકાલ સર્વજ્ઞ સૂરીની કૃપા છે કે એમણે આપડા માટે ગ્રંથો લખ્યા. પણ એમની પણ એક મર્યાદા આવી ગઈ. એવા શબ્દો આપડી દુનિયામાં નથી જે ભીતરના આનંદને વ્યાખ્યાયિત કરી શકે. એટલે શબ્દો મૂકી દીધા પણ શબ્દ-શબ્દની વચ્ચે અશબ્દ છે. Between the Lines between the words. તો સદ્દગુરુ એ અશબ્દને ખોલી આપે.

ગુરુએ એ પુસ્તકો જોયા મૂકી દીધા. પ્રોફેસર તિબેટ આવી ગયા. લ્હાસામાં ઉતર્યા હોટલમાં. દસેક વાગે સવારે fresh થઈને ગુરુ પાસે આવ્યા. ગુરુને કહ્યું ‘ગુરુદેવ એ હું આવી ગઈ છું’ ગુરુએ કહ્યું ‘બપોરે ત્રણ વાગે આવજો’. પ્રોફેસર ગયા. બરાબર ત્રણ ને સવાએ હાજર થઈ ગયા.

તમારે કેવું હોય આમ. આવતીકાલથી તમારી પરીક્ષા છે. આજ તો સોમવાર હતો એટલે સાહેબનુ પ્રવચન ન હતું. આવતીકાલથી સાહેબનું પ્રવચન સાડા નવે શરૂ થશે એટલે હું અહીંયા ૮:૩૦ થી ૯:૧૫ પ્રવચન આપું. રોજ આપું. પણ ૮:૩૦ થી પહેલા કેટલા આવી જશે? (બધા જ) વાહ! તૈયાર છો એમ. તો હું પણ તૈયાર.

ત્રણમાં પાંચ ઓછી એ પ્રોફેસર આવી ગયા. બરોબર ત્રણ વાગે ગુરુ પાસે ગયા. વંદન કર્યું. ગુરુએ એક ગ્રંથ લીધો. પ્રોફેસર ગુરુ પાસે બિલકુલ અપેક્ષા મુક્ત થઈને ગયા છે. ગુરુ કયો ગ્રંથ ભણાવે એવી પણ ઈચ્છા નથી. ગુરુએ સમય આપ્યો એ જ બહુ મોટી વસ્તુ છે. શું ભણાવવું એ ગુરુ નક્કી કરે. ગુરુએ એક મહિનો પ્રોફેસર રોકાવવાના હતા દસ પાનાનું એક પુસ્તક લીધું. માત્ર દસ પાના. અને એ ગ્રંથ નમસ્કાર ભાવ ઉપર જ હતું. How to bow (કઈ રીતે ઝુકવું). ગુરુએ મંગલાચરણ કર્યું. એક પંક્તિ વાંચી. આ ગ્રંથ એવો હતો કે જે ગ્રંથને દર વર્ષે પ્રોફેસર ભણાવતા હતા. કેટલાયે સેમીનારોમાં આ ગ્રંથ ઉપર પોતે બોલેલા અને એમનું એક પુસ્તક પણ આ ગ્રંથ ઉપર આવી ગયેલું. પણ ગુરુને એ કંઈ જોવું ન હતું. ઉપનિષદોએ એક સરસ વાત કરી. “ગુરુ આપે તે જ જ્ઞાન, બાકીનું અજ્ઞાન”. “ગુરુ આપે તે જ જ્ઞાન બાકીનું અજ્ઞાન”.

બુદ્ધના જીવનની એક ઘટના છે. બુદ્ધને સંબોધી પ્રાપ્ત થઈ. જ્ઞાન પ્રાપ્ત થયું. બુદ્ધ જેવો શિષ્ય આપડી પરંપરામાં કદાચ કોઈ ગુરુને મળ્યો હશે. બિનશરતી શરણાગતિ, Total Surrender. બુદ્ધે રાજમહેલ છોડ્યો કોઈ ગુરુ નક્કી ન હતા. એક ગુરુ પાસે ગયા. મારે નિર્વાણનો માર્ગ જોઈએ, શાંતિનો માર્ગ જોઈએ. મને બતાવો. ગુરુએ કહ્યું એક મહિનો ઉપવાસ કર. પાણી પણ નહીં, ખાવાનું પણ નહીં. Ok તૈયાર. બિનશરતી શરણાગતિ. મહિનો પૂરો થયો. ગુરુને કહ્યું હવે આગળ શું? ગુરુએ કહ્યું આગળ કાંઈ નહીં. બીજા ગુરુ પાસે ગયા એ ગુરુએ કહ્યું આ તાપના લે, તડકામા બેસ Ok. સવારે દસ થી બપોરના ચાર તડકામાં રહેવાનું Ok. એક મહિનો એ રીતે રહ્યા. ગુરુને પૂછ્યું મને કાંઈ મળ્યું નથી. ત્રીજા ગુરુ પાસે પણ જે ગુરુ પાસે ગયા બિનશરતી શરણાગતિ. તો આપડી પરંપરાએ કહ્યું કે બુદ્ધ જેવો શિષ્ય ગુરુને મળે એ ગુરુનું સૌભાગ્ય.

અમને અત્યારે કેવા શિષ્યો મળે સાચું કહો. આમ કરવાનું સાહેબ એ તો ઠીક પણ… જોઈએ છે મોક્ષ. ગુરુ કહે છે મોક્ષ આપી દઉં આટલું કરવાનું. હા સાહેબ. તમારી વાત તો ખરી પણ…. આમાં વળી પણ ક્યાંથી આવે? સદ્દગુરુએ કહ્યું બિનશરતી શરણાગતિ એટલે તો હું વારંવાર તમને કહું છું કે Total Surrender ન આવ્યું એટલે જ ગત જન્મોની આપડી સાધના નિષ્ફળ ગઈ છે. કેટલાય જન્મોની અંદર પ્રભુની આ ચાદર પહેરી પણ એ ચાદર નિષ્ફળ કેમ ગઈ? સદ્દગુરુની શરણાગતિ ન હતી. તમારે સાધના કરવી છે પણ તમારી ઈચ્છા મુજબ કરવી છે. સાધના ક્યારેય પણ ઈચ્છા પ્રમાણે થઈ શકે નહીં. સાધના માત્ર અને માત્ર સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે જ થાય એટલે જ તમે બધા સદ્દગુરુની આજ્ઞામાં આવી ગયા. સવારે આદેશ માંગો ને.. ‘બહુવેલ સંદેસાહુ?”, “બહુવેલ કરશું?” એના અર્થ ખ્યાલ છે? વારંવાર જે ક્રિયા કરવાની છે એના માટેની આજ્ઞા ગુરુદેવ સવારે મને આપી દો. આંખો પટપટાઈ જાય છે, બગાસુ ખવાય છે હવે આવી બધી ક્રિયા જે વારંવાર થાય છે એના માટે ગુરુદેવને પૂછવા આવીએ તો ગુરુદેવના સ્વાધ્યાયમાં વિક્ષેપ પડે. એટલે એ બધી ક્રિયાઓ માટે સવારે પૂછી લીધું પણ કોઈ મળવા માટે આવ્યું તો સંસારીને મળવું કે ન મળવું એ ગુરુને પૂછવું પડે પાછું. હો સાહેબ.

તમે બધા બહુ મજાના છો. તમારી સાધના પણ બહુ મજાની છે plus points તમારા ગણું તો ઘણા બધા છે. આ યુગની અંદર બધું જ છોડીને આવી જવું અને શરીરને સંપૂર્ણ તયા, પ્રભુની આજ્ઞા પ્રમાણે ચલાવવું. તમારા plus points ઓછા નથી પણ એક minus points તમારા બધા plus pointsને  ધૂળમાં મેળવી નાખે છે અને minus points આ. મારી ઈચ્છા પ્રમાણે હું કરું. ગુરુની આજ્ઞા આમ છે અને તમારી ઈચ્છા આમ છે. શું થશે પછી? કદાચ ખાનદાન છો. ગુરુની આજ્ઞા પ્રમાણે કરી લેશો. પણ મનમાં શું થશે? એ ગુરુની આજ્ઞાને તમે એટલા પ્રેમથી સ્વીકારી નહી લો

પ્રોફેસર બિલકુલ અપેક્ષા મુક્ત થઈને આવ્યા છે. પંચસૂત્રમાં કહ્યું “પાંચમા પંચસૂત્રમાં ‘અવિક્ખા અણા નંદે’ અપેક્ષા એ જ દુઃખ. ‘અવિક્ખા અણા નંદે’ અપેક્ષા એ જ દુઃખ છે. જ્યાં અપેક્ષા આવી દુઃખનો જન્મ થઈ ગયો. ગુરુદેવ મને આવી આજ્ઞા આપે તો સારું, આ અપેક્ષા આવી દુઃખનો જન્મ થઈ ગયો. કોઈ અપેક્ષા નહીં. કોઈ ઈચ્છા નહીં. તમે બિલકુલ choice less હો. સદ્દગુરુ જે આજ્ઞા આપે એ જ પ્રમાણે કરવાનું છે.

ગુરુએ મંગલાચરણ કર્યું. પ્રોફેસરના મનમાં કોઈ એ વાત નથી કે ગુરુ કયો ગ્રંથ ભણાવશે. જે ગુરુ આપે તે જ્ઞાન.

કલ્પસૂત્ર ગુરુદેવ દર વર્ષે તમને સંભળાવે છે. કલ્પસૂત્ર લગભગ તમને મોઢે પણ થઈ ગયેલું હોય. આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી આ આવશે. એ કલ્પસૂત્ર સાંભળવામાં ખરેખર કેટલો આનંદ આવે અને અમે લોકો નવી નવી વાતો મૂકીએ તો કેવો આનંદ આવે. મતલબ એ થયો કે પ્રભુના શબ્દો સાંભળવાનો આનંદ નથી. કાનનો આનંદ છે આપણી પાસે. આપણને એ આનંદ જોઈતો નથી તમારા કાન ખુશ થાય એમાં હું રાજી નથી. તમારું conscious mind રાજી થાય એમાં હું રાજી નથી.

એક સવાલ પૂછું? અત્યારે પ્રવચન સાંભળો છો કોણ સાંભળે છે? કાન સાંભળે છે? મન સાંભળે છે? કે તમે પોતે સાંભળો છો? નવી જ વાતો આવી તો કાનને મજા આવી ગઈ. વક્તા અસ્ખલિત ગતિએ બોલતા હોય, style મજાની  હોય કાનને મજા આવે. એવી વાતો કરી જે ક્યારેય સાંભળી પણ ન હતી. મનને આનંદ આવી ગયો. But where are you? (આમાં તમે ક્યાં?) અમે લોકો મનોરંજનની પ્રક્રિયામાં જનારા નથી. સદ્દગુરુ તો તમારા મનને તોડે. અમારી પાસે મનોરંજન નથી, મનોભંજન છે. તમારા મનને તોડી નાખવાનું એનું ઉપનીષદોએ કહ્યું “આચારો હી મૃત્યુ હો” તમારી બુદ્ધિ નહીં. તમારા મનને, તમારા અહંકારને તોડી નાખવો છે અમારે. છો તૈયાર? તમારા અહંકારને તોડી નાખીએ.. તૈયાર છો?

ડોક્ટર તમારા ગુમડાનું ઓપરેશન કરે કે રસોળીનું ઓપરેશન કરે. ડોક્ટરને thanks કહો ને! સદ્દગુરુ તમારા અહંકારના ગુમડાને ચીરી નાખે. રાજી કે નારાજ? કેટલાય સદ્દગુરુઓ આવી ગયા. મોટા-મોટા. સર્જન. પણ તમારા ગુમડાને ચીરી ન શક્યા. ગુરુ મહાન કે  શિષ્ય મહાન. બોલો! આટલા મોટા ગુરુઓ આવ્યા તોય ગુમડાને ચીરી ન શક્યા.

આજ જન્મની અંદર બુદ્ધિ અને અહંકારના આ જુગલ બંધીને તોડવી છે? એક સંસ્કૃત સુભાષિત છે “અહંકાર: નિયમવૃત્તે મયાનં સુક્તમ્ ઉધ્ધવયામ્” અહંકાર બુદ્ધિને કહે છે, કે આ પેલો સૂઈ ગયો છે ને! ચેતન એને જગાડતો નહીં. તો બુદ્ધિ જે છે કે ભાઈ જાગશે તો ફરક શું પડશે? તો અહંકાર કહે છે પછી “નત્વં નાહમ” તું પણ નહીં રહે હું પણ નહીં રહું. એટલે અમારે તમને જગાડવા છે. તમે જાગી જાવ તો બુદ્ધિનું અને અહંકારનું અંધારું છુ થઈ જાય. “હું” બદલાઈ જાય તો અહંકારનું Status બદલાઈ જાય. આ શરીર એટલે “હું” નામ એટલે “હું”. એ “હું” ને આપડે Replace કરીએ. આનંદઘન ચૈતન્ય એ “હું” હવે અહંકારનું status હવે બદલાઈ ગયું. સંસારમાં કોઈ માણસ હોય તો શું કહે ‘મારું ઘર, મારું આ. ઉપધાનમાં આવ્યા તો શું કહે ‘મારો ચરવળો, મારું કટાસણું. પણ આનંદઘન ચૈતન્ય બને તો મારું જ્ઞાન, મારું દર્શન, મારું ચરિત્ર. આખું અહંકારનું status ફરી જાય. મમત્વ ફરી જાય.

ગુરુએ ગ્રંથની શરૂઆત કરી. પ્રોફેસર મનમાં પણ વિચારતા નથી. આ ગ્રંથ આ તો સેંકડો વાર વાંચેલો છે, ભણાવેલો છે. આમ, ગુરુ શું નવું આપશે? વિચાર સુદ્ધા નથી. સદ્દગુરુના મુખેથી ગ્રંથ સાંભળવો છે, ગ્રંથ લેવો છે. એક અઠવાડિયા સુધી ગુરુનું પ્રવચન એક જ વાત પર ચાલ્યું. How to bow? ઝૂકવું કઈ રીતે? ગુરુએ કહ્યું પ્રોફેસરને કે ‘તું શરીરથી ઝૂકે છે મારી સામે કદાચ તારુ conscious mind ઝૂકે છે પણ તું ક્યાં ઝૂકે છે? તમારું ઝૂકવું એટલું શું?’ અહંકારનું વિદાય થવું. નમો લોએ સવ્વ-સાહૂણં. પંચમહાવ્રતધારી બધા જ સાધુઓને-સાધ્વીઓને તમારો નમસ્કાર ખરો? મારા સમુદાયના હોય, મારા વૃંદના હોય પછી આગળ બોલું? કોણે નમસ્કાર? નમો લોએ સવ્વ-સાહૂણં તમારા માટે ખરું? જ્યાં પ્રભુની ચાદર જુઓ ત્યાં ઝૂકી જાવ. અમે પણ તમને નમસ્કાર કરીએ છીએ ખબર છે? તમે વંદના લખો તો અમે શું લખીએ? અનુવંદન. તમારું વંદન અમે સ્વીકાર્યું અમારું પણ વંદન છે તમને. તો ખરેખર ઝૂકાયું છે? અને ખરેખર જો ઝૂકાયું હોય તો અહંકાર ક્યાંથી થાય. અહંકાર થોડો પણ શિથીલ બને ત્યારે માનવાનું કે નમસ્કારભાવ આપણને મળ્યો છે. અહંકાર જાય એવી વાત અત્યારે અશક્ય છે. પણ તમે તમારા અહંકાર ઉપર જો હસી શકોને તો પણ એની મજાની શરૂઆત થઈ ગણાય.

આપણા હાસ્ય લેખોમાં સમ્રાટ જ્યોતિન્દ્રદવે પોતાના ઉપર હસી શકતા હતા. એ હાસ્ય લેખક તો હતા જ પણ બહુ જ મર્મી વિદ્વાન હતા. તો એ પોતાની ઉપર હસી શકતા હતા. તમને અહંકાર આવ્યો એ અહંકાર આવ્યા પછી તમને તમારી જાત ઉપર હસવું આવે છે? આઠ અબજ માણસથી છલકાતી આ દુનિયા. એમાં આઠસો માણસોએ તમને સાંભળ્યા અને કહ્યું ‘વાહ’! મહારાજ સાહેબ બહુ જ્ઞાની છે અને તમારો અહંકાર ફુલાય તમને હસવું ન આવે. કે આઠ અબજ માણસોથી છલકાતી દુનિયા. એમાં આઠ જણાએ, એંસી જણાએ કે આઠસો જણાએ જાણ્યા તો શું ફરક અને ન જાણ્યા તો શું ફરક પડત. અને actually તમારે સાધના માર્ગમાં જવું છે તો તો બીજાની જોડે પરિચય તમારે કરવાનો જ નથી. આજના યુગના પશ્ચિમના જે શ્રેષ્ઠ ચિંતકો છે એમાં નિત્સે, આલ્બર્ટ કામુસ, સાત્ર આ બધા આવે છે. સાત્રનું એક પ્રસિદ્ધ વચન છે કે The other is hall, બીજો એક ગ્રંથ છે શાંત સુધારસમાં વિનય વિજય મહારાજે આ જ વાત કરી. “પર: કુરુતે વિનાશ”. જ્યાં પરનો પ્રવેશ તમારી ભીતરમાં થયો તો વિનાશ. તમારી અંદર તમારે રહેવું છે કે બીજાને રાખવા છે. માણસ Hill Station ને જાય પછી five star Hotelમાં ઉતરે. Hotelની રૂમમાં એકલો હોય પણ મનમાં એકલો નથી હોતો. એના મગજમાં કેટલાય બાબલાઓ ઉપડેલા હોય છે. પેલાએ આમ કીધું ને, પેલાએ આમ કીધું ને, પેલાએ આમ કીધું. તમે એકલા ક્યારેય હોવ છો ખરા? તમારી જાત સાથે તમારી appointment કેટલી વાર થાય બોલો? સંસારી માણસ TVના ટચૂકડા પડદે આખી દુનિયા જોડે અનુસંધાન મેળવતો હોય પણ એણે પૂછીએ કે તારી જાત સાથે તારી appointment કેટલી મિનિટ? રોજ બેસે છે? રોજ આંતર નિરીક્ષણ કરો. ૨૦ મિનિટ-૨૫ મિનિટ. આજે આ કર્યું એ બરોબર હતું? આજે પેલાએ કહ્યું અને મને ગુસ્સો આવી ગયો કે ગુસ્સો આવ્યો એથી શું થયું જુવો. એને બદલે પ્રેમથી વાત કરી હોત તો. તમને પોતાને તમારી ભૂલ પકડાય. અને હું તો વારંવાર કહું છું કે લાલ આંખવાળાઓનો જમાનો પૂરો થઈ ગયો. હવે એક જમાનો હતો. પંચાવન વર્ષનો દીકરો હોય જેના ઘરે દીકરાના દીકરા છે એ પણ એના બાપથી ગભરાતો હતો. પંચાવન વર્ષનો દીકરો પંચોતેર વર્ષના ડોસાથી ગભરાતો હોય. એ યુગ હતો. પણ એ લાલ આંખવાળાનો જમાના પૂરો થયો. હવે smiling face વાળાનો જમાનો છે. હસતા ચહેરાવાળાનો છે. સમર્પિત હોય એને કરવાની. પહેલા સમર્પિત કેટલા છે? એ તો કહો

વચ્ચે મેં એકવાત કરેલી. અવનીંદ્રનાથ કલાગુરુ હતા. રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ. આખી અજંટાની ચિત્રકળાને ભારતમા પુનર્જીવિત કરનાર અવનીંદ્રનાથ ટાગોર. ત્યાં સુધી મુગલ ચિત્રકળા જે છે તે આપણે ત્યાં છવાયેલી હતી. ભારતીય ચિત્રકળાને પુનર્જીવિત કરનાર અવનીંદ્રનાથ હતા. એમનો શિષ્ય એક નંદલાલ. સેંકડો શિષ્યોમાં હોનહાર શિષ્ય એક. એકવાર નંદલાલ એક ચિત્ર દોરીને લાવ્યા. ચિત્ર સરસ હતું. રવીન્દ્રનાથ ટાગોર જોડે બેઠેલા. અવનીંદ્રનાથે હાથમાં એ ચિત્ર લીધું, પટક્યું. નંદલાલને કહ્યું ‘આવું ચિત્ર દોરીને તું મારી પાસે આવ્યો? તને શરમ ન આવી. આવું ચિત્ર. સામાન્ય પેઇન્ટરો દોરે એવું ચિત્ર તું દોરે. જા મને મોઢું નહી બતાવતો. નંદલાલ જાય છે. રવિન્દ્રનાથ ટાગોર પૂછે છે અવનીભાઈ ચિત્ર તો સરસ હતું. તમે કેમ આમ કર્યું? ત્યારે અવનીંદ્રનાથની આંખમાં આંસુ આવે છે. ગુરુ તમને તમાચ ઠોકેને ત્યારે ગુરુની આંખમાં આંસુ હોય છે. ગુરુની આંખમાં આંસુ છે. અવનીંદ્રનાથ કહે છે કે રવિભાઈ આ મારો હોનહાર સ્ટુડન્ટ છે જો એની આવી કળાથી સંતુષ્ટ થવું તો એ કળાના શિખર પર ક્યારે પહોંચશે? રવીન્દ્રનાથ કહે પણ એને ખોટું લાગ્યું હશે તો? ક્યાંક suicide ન કરી લે. આપઘાત ન કરી લે. નહીં હું એને ઓળખું છું હું એને ગમે એટલું કહું ખોટું ન લાગે. પંદર દિવસ થયા. નંદલાલનો પત્તો નથી. ઘરવાળા કે ક્યાં ગયો? અવનીંદ્રનાથને બરાબર ખાતરી છે કે ક્યાં ગયો છે. ગભરાવો નહીં. સોળમાં દિવસે નંદલાલ આવે. દાઢી વધી ગયેલી, કપડાં મેલા. ક્યાં જઈને આવેલો? અજંટાની ગુફામાં. અને અજંટાના ગુફાની ચિત્રોની અનુકૃતિ કરીને લાવેલ. એ sketch book જોઈ. અવનીંદ્રનાથે નંદલાલને બાહોમાં લઈ લીધો. વાહ! હવે તું મારો student છે. (Suicide કરી લે.) તો અહંકાર ભાવની સામે નમસ્કાર ભાવ. એ નમસ્કાર ભાવને કેમ ઘૂંટવો  એની વાત અવસરે જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *