વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શિષ્યત્વ
તમે સરળ બન્યા, ઋજુ બન્યા – એટલે શિષ્યત્વ તમારી પાસે આવી ગયું. 50% કામ પૂરું થઇ ગયું. પરંતુ હજી 50% કામ બાકી છે – સદગુરુના પ્રસાદને ઝીલવાનું. તમારું સંજ્ઞાવાસિત મન તમે સદગુરુને અને પ્રભુને સોંપી દો, એટલે સદગુરુની પ્રસાદી તમે ઝીલી કહેવાય. પણ પહેલો તો પ્રશ્ન એ છે કે તમારા સંજ્ઞાવાસિત મનથી તમે થાક્યા છો?
રાગ, દ્વેષ અને અહંકાર એ conscious mind ના સ્તરે છે, unconscious mind ના સ્તરે છે. તમારા એ બંને મન તમે સદગુરુને સમર્પિત કરી દો, પછી કોઈ વિભાવ ક્યાંથી રહે! આપણે તો એ અવસ્થાએ પહોંચવું છે કે જ્યાં શબ્દો અને વિચારો પણ આપણા માટે વિભાવ હોય; રાગ દ્વેષ તો દૂરની વાત છે. શબ્દો કે વિચારોમાં પણ ન જઈ શકાય; માત્ર અનુભૂતિની ધારામાં રહેવાનું થાય.
કોઈ પણ સારામાં સારું કાર્ય હોય, જે ક્ષણે એ પૂરું થાય એ જ ક્ષણે એની સ્મૃતિને delete કરી દો. કોઈ પણ સારું કાર્ય કર્યા પછી તમે એને તરત ભૂલી શકશો – જો એ કાર્ય કરતી વખતે તમારું કર્તૃત્વ ન રહ્યું, તો.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૧૦
નૂતન વર્ષનો પ્રારંભ ગઈકાલે પ્રભુ ગૌતમના નામસ્મરણથી આપણે શરૂ કરેલો. ભગવાન ગૌતમનું જીવન પ્રસાદમય હતું. પ્રભુનો પ્રસાદ સતત એમના પર વહેતો હતો. ભક્ત તો પ્રભુને હંમેશા યાદ કરે. પ્રભુ ભક્તને યાદ કરે એ સૌભાગ્યની અવધિ છે. એક નાનકડું કામ હોય અને પ્રભુ ગૌતમસ્વામીજીને યાદ કરે. એ પ્રસાદ ઉતરતો હતો અને ઝીલાતો હતો; કારણ ભગવાન ગૌતમ પાસે સમર્પિતતા હતી.
હિંદુ પરંપરામાં આવા જ બે મજાના વ્યક્તિત્વો છે- શ્રીકૃષ્ણ અને અર્જુન. શિષ્ય એટલે અર્જુનચેતના. જે એકદમ સરળ સરળ સરળ હોય એ શિષ્ય. ગુરુ શું કરે? ગુરુ છે કૃષ્ણ. કૃશ ધાતુ ખેંચવાના અર્થમાં છે. જે તમારા conscious mind ને ખૂંચવીને પડાવી લે, લઇ લે; એ સદ્ગુરુ. અપેક્ષાએ એમ કહી શકાય કે તમે કદાચ શિષ્ય છો, પણ ગુરુ પાસેથી જે પ્રસાદ મળવો જોઈએ, એ તમને નથી મળ્યો. તમે સરળ સરળ ચેતના હોવ, તો શું થયું? શિષ્યત્વ તમારી પાસે આવી ગયું. પણ, ગુરુનું પ્રસાદ શિષ્યને મળવો જોઈએ.
ગુરુ શું કરવા માંગે છે? બહુ જ મજાની વાત. તમે કહેશો; રાગને કેમ છોડવો? દ્વેષને કેમ છોડવો? અહંકારને કેમ છોડવો? પણ એ બધા જ conscious mind ની ચાદર ઉપર છે. Unconscious mind ની ચાદર ઉપર છે. એ conscious અને unconscious બેઉ મન સદ્ગુરુ લઇ લે! હવે ક્યાં છે રાગ? ક્યાં છે દ્વેષ? ક્યાં છે અહંકાર?
તો તમને ધન્યવાદ આપું; કે શિષ્યત્વ તમારી પાસે છે, એટલે ૫૦% કામ તમે કર્યું. પણ સદ્ગુરુના પ્રસાદને ઝીલવાનું કામ તમે કર્યું નથી. આ સંજ્ઞાવાસિત મન તમે પ્રભુને આપી દો.. સદ્ગુરુને આપી દો.. તમારી સાધનામાં કોઈ જ અવરોધ પછી નથી! છો તૈયાર?
હું ઘણીવાર પૂછું ને વ્યાખ્યાનમાં, કે he is ever ready. We are also ready. But Are you ready? ત્યારે ઘણા બધા મારી પાસે આવે પાછળથી કે yes, we are ready. આજે તમને પૂછું; are you ready? સંજ્ઞાવાસિત મન સદ્ગુરુને સોંપી દો, તો શું થયું? સદ્ગુરુની પ્રસાદી તમે ઝીલી. ખરેખર હું પોતે મારી જાતને બડભાગી માનું છું, કે પ્રભુએ, સદ્ગુરુએ મારા સંજ્ઞાવાસિત મનને લઇ લીધું. એવું એક સુરક્ષાચક્ર પ્રભુ અને સદ્ગુરુએ આપ્યું છે; કે એક સેકંડ માટે વિભાવમાં જવું હવે શક્ય નથી! તમારા માટે પણ આ ઘટના ઘટી શકે છે. એવું સુરક્ષાચક્ર તમને પણ મળી શકે કે એક મિનિટ, એક સેકંડ તમે રાગમાં ન જાવ. દ્વેષમાં ન જાવ, અહંકારમાં ન જાવ.! કરવું છે આવું? It is so easy! હું ક્યારે પણ કહેતો નથી.કે it is easy; It is sooo easy..! બહુ જ સરળ છે. તમારે આપવાનું શું છે? ગંદુ મન આપો, નવું મન તમને આપી દઈએ. Fresh mind. પણ પહેલી વાત તમારા મનથી તમે થાક્યા છો? મારું મન એવું બન્યું છે, કે વિભાવમાં તો જવાનું નથી હોતું, પણ શબ્દો અને વિચાર એ પણ મારા માટે વિભાવ છે. વધારે બોલવાનું થાય, ક્યારેક વધારે વિચારવાનું થાય, તો પણ માથું દુઃખવા આવે. સૂઈ જવું પડે! શબ્દમાં ન જઈ શકાય, વિચારોમાં ન જઈ શકાય, રાગ-દ્વેષની તો વાત જ નથી. શબ્દોમાં પણ જઈ ન શકાય, વિચારોમાં પણ જઈ ન શકાય, માત્ર અનુભૂતિ… એની ધારામાં સતત રહેવાનું થાય… આ વાત એટલા માટે કહું છું, કે તમને ઈર્ષ્યા આવે! અને તમને થાય કે મારે પણ આવું જોઈએ.
તો અર્જુન શિષ્ય છે. શ્રીકૃષ્ણ ગુરુ છે. અર્જુને ગુરુની પ્રસાદી ઝીલી છે, કારણ, એની પાસે સમર્પિત દશા હતી. સદ્ગુરુ આટલી સરસ પ્રસાદી તમને આપવા માંગે અને તમે ન લો, કેવા નિઃસ્પૃહ તમે! કેવા ત્યાગી! બોલો? મહાભારતનું યુદ્ધ પૂરું થયું. હવે અર્જુન અને કૃષ્ણને રથમાંથી નીચે ઉતારવાનું છે. અર્જુનનું શિષ્યત્વ કહે છે કે પહેલાં ગુરુ ઉતરે, પછી હું. શિષ્યના બે વિશેષણો; ગુરુમુખપ્રેક્ષી અને ગુરુપૃષ્ઠયાયી. ગુરુમુખપ્રેક્ષી ‘तद्दिट्ठीए’ (‘તદ્દિટ્ઠીએ’) ચહેરો સતત સદ્ગુરુ તરફ કેન્દ્રિત થયેલો હોય. અને બીજી વાત, ગુરુપૃષ્ઠયાયી – ગુરુ આગળ ચાલે, પોતે પાછળ ચાલે.
તો અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું; આપ પહેલાં ઉતરો, હું પછી ઉતરું. એ વખતે શ્રીકૃષ્ણએ કહ્યું; પહેલા તું ઉતર. અહીંયા જ આપણે ક્યાંક ચુકી જઈએ. એક વાત આપણા મનમાં જડબેસલાક બેઠેલી હોય તો આપણે એ વાતમાં ને એ વાતમાં જ રહી જઈએ છીએ. ના, ગુરુદેવ! તમારી આગળ હું શી રીતે ચાલી શકું? તમે જ આગળ ચાલો.! અરે ભાઈ! જે ગુરુએ તને વિનયના પાઠ શીખવાડ્યા છે, એ જ ગુરુ પોતે કહે છે કે તું ઉતર આગળ, એ વખતે તમે બુદ્ધિને લઈને આવો છો. શિષ્યત્વ બરોબર નીખર્યું નથી, એટલે બુદ્ધિ આવે છે. શિષ્યત્વ બરોબર નીખરેલું ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? જ્યારે બુદ્ધિ નથી, અહંકાર નથી; માત્ર સમર્પણ છે. જે સદ્ગુરુ કહે તે જ મારે કરવાનું છે. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું; તું પહેલાં ઉતર. ગુરુની આજ્ઞા, જીવંત ગુરુની, જીવંત આજ્ઞા! અર્જુન રથમાંથી નીચે ઉતરે છે. એ પછી શ્રીકૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા. જેવા શ્રીકૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા, રથ સળગી ઉઠ્યો, ભળભળ બળી ગયો. એક બહુ મજાનો પાઠ શ્રીકૃષ્ણ અર્જુનને આપ્યો. સદ્ગુરુની નાનકડી ચેષ્ટા સદ્ગુરુનો એકાદ પ્યારો શબ્દ આપણને નવી દિશા ચિંધનારો બને છે. પણ એ ક્યારે બને? ગુરુમુખપ્રેક્ષી તમે બનેલા હોવ ત્યારે. પૂરું અસ્તિત્વ સદ્ગુરુ કેન્દ્રિત બન્યું છે? પછી તમારે કંઈ જ કરવાનું રહેતું નથી.! પછી બધું જ સદ્ગુરુ કરી આપશે.!
૧% તમારો, ૯૯% સદ્ગુરુના. તમારે માત્ર એમને સમર્પિત થઇ જવાનું. પછીનું બધું એમણે કરવાનું. ભગવાન ગૌતમને કેવલજ્ઞાનનો પ્રસાદ પ્રભુએ આપવો છે, અને એટલા માટે કહ્યું; દેવશર્મા બ્રાહ્મણને, પ્રતિબોધ આપવા માટે તું જા! એક નાનકડું કૃત્ય; કેવલજ્ઞાન ગૌતમને મળી ગયું! ગુરુ કેવલજ્ઞાન આપવા તૈયાર! મોક્ષ તમને આપવા તૈયાર..! તમે એ સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થવા તૈયાર? હવે બોલો, are you ready? Are you ready?
ઉપધાનમાં તમે સવારે ‘બહુવેલ સંદિસાહું’ નો આદેશ લો. વારંવાર જે ક્રિયા કરવી પડે છે, એના માટે ‘હે સદ્ગુરુદેવ! આપની પાસેથી હું રજા લઇ લઉં છું. આંખો પટપટે કે બગાસું ખવાઈ જવાય તો એટલી નાનકડી ક્રિયા માટે સદ્ગુરુને પૂછવા જઈએ તો સદ્ગુરુના સ્વાધ્યાયને હાનિ પહોંચે, એટલે સવારના પહોરમાં ‘બહુવેલ સંદિસાહું’ નો આદેશ માંગી લીધો.
હવે એક બહુ મજાની વાત કરું. આજ તો નીવિ છે ને? નીવિ કરવા જવાનું છે. સદ્ગુરુની આજ્ઞા માંગવાની. જરૂરી છે. ત્યાં આસક્તિમાં હું ન પડી જાઉં, સદ્ગુરુનું રક્ષાકવચ ત્યાં કામ કરે, માટે સદ્ગુરુની આજ્ઞા લઈને જાઉં; પણ અહીંયા જ કેમ્પસમાં જ આવેલા ભવ્ય જિનાલયમાં દર્શન કરવા માટે જઉં હોય તો પણ સદ્ગુરુની આજ્ઞા લેવી પડે. Why? બોલો? શેના માટે? દર્શન કરવા જઉં છે ને? બીજું તો કોઈ કામ છે નહિ. તો એ વાત આવી કે કોઈ પણ મોટું કાર્ય હોય, સદ્ગુરુને પૂછ્યા વિના એ કાર્ય થઇ શકે નહિ. એટલે કે તમે બધા પણ temporary શિષ્યો બની ગયા! એક સાથે ૯૦૦. ભલે એમાંથી permanent 9 થાય વાંધો નહિ. પણ અત્યારે તો ૯૦૦ temporary શિષ્યો મળી ગયા. કે જે શિષ્યો, જે શિષ્યાઓ માત્ર અને માત્ર સદ્ગુરુની આજ્ઞામાં છે.
તો શ્રીકૃષ્ણ એમ કહેવા માંગતા હતાં કે એક કાર્ય પૂરું થયું, અને કોઈ પણ સારામાં સારું કાર્ય જે ક્ષણે એ પૂરું થયું એ ક્ષણે એની સ્મૃતિને delete કરી નાંખો. મેં આ કર્યું.. મેં આ કર્યું.. મેં આ કર્યું.. આ વાત મનમાં ન ચાલે. પ્રભુએ એ સારા કાર્ય માટે મને નિમિત્ત બનાવેલો, મારું કર્તૃત્વ હતું જ નહિ! એક વાત યાદ રાખો. એક સારું કાર્ય કર્યા પછી તમે એને ક્યારે ભુલી શકશો? જ્યારે તમારું કર્તૃત્વ નહિ હોય ત્યારે.
પીઠ અને મહાપીઠની વાત આપણે ત્યાં આવે. ૫૦૦-૫૦૦ મુનિવરો ગુરુદેવની જોડે. નિર્દોષ ગોચરી લાવવી કઈ રીતે? થોડી દુષ્કાળની પણ અસર હતી. એ વખતે આ બંને મુનિઓએ કહ્યું; ગુરુદેવ! બધાને સ્વાધ્યાયમાં રોકી દો, અમે બે જણા ૫૦૦ જણાની ગોચરી લઇ આવશું. કેટલું મોટું કામ! પણ કર્તૃત્વ નહતું! એમને પૂછો તો શું કહે? પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા, અમે કશું જ કરતાં નથી.! આ પ્રભુ અને સદ્ગુરુની કૃપા કરે છે! સારું કાર્ય કરવાની છૂટ. વૈયાવચ્ચ કરો. સ્વાધ્યાય કરો. ભક્તિ કરો. પણ ‘હું’ ને એમાંથી લઇ લેવાનું. ‘મેં’ કર્યું એમ નહિ, પ્રભુની કૃપાથી થઇ ગયું.
તો એક પ્રસાદને પામવા માટે સમર્પિતતા જોઈએ. એ સમર્પિતતાને સજ્જ કરવા માટે છ ચરણોની વાત ભગવદ્દગીતામાં કરી. પહેલું જ ચરણ આપ્યું; ‘अनपेक्षः’. નિરપેક્ષદશા – ભક્તિ કરો સદ્ગુરુની, ભક્તિ કરો શ્રીસંઘની; ક્યાંય અપેક્ષા ન હોય, કે બે શબ્દો મારા માટે કોઈ સારા બોલે. અપેક્ષાવાળી ભક્તિ એ ખરેખર ભક્તિ નથી. ત્યાં તો સામસામે સોદાબાજી થઇ. પ્રભુ હું તને ભક્તિ આપું, તું મને મારું કામ કરી આપ આટલું.
એક કાકા હતા. સુખી. શ્રીમંત. એમના ઘેર કોઈ પણ આવે, પહેલાં ચા-નાસ્તો થાય. કાકાને ટોપરું ખાવાનો બહુ શોખ. એટલે કોઈ પણ મહેમાન આવે એટલે કાકા દીકરાને કહે; માતાજીને નારિયેળ વધેરો. માતાજી બહુ ભલા હો.! એક ટુકડો લઇ લે, અને બધું તમને આપી દે.! એક ટુકડો માતાજીને ધરાયો, બીજું બધું અહીંયા લાવ્યું. કાકા ટેસથી ખાય. એક ભાઈ લગભગ દર મહિને કાકાને ત્યાં જતાં હોય. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. આ ભાઈ આવ્યા નથી; ટોપરું વધેરાયું નથી. એકવાર આ ભાઈ આવ્યાં. ચા-નાસ્તો થઇ ગયો. કાકાએ ટોપરાની વાત કરી જ નહિ! પેલાને નવાઈ લાગી, આજે કાકા ભુલી ગયા કે શું? કાકા બાથરૂમ ગયા એટલે દીકરાને પૂછ્યું; કે આજે કેમ કાકા બોલ્યા નહિ ટોપરાનું? તો દીકરા એ કીધું; કે પપ્પાને ચોકઠું કરાવવાનું છે. દાંત બધા પડાવી નાંખ્યા છે. દાંત પડાઈ ગયા છે, ટોપરું ખવાઈ એમ નથી. એટલે માતાજીને શું કરવા વધેરવાનું પછી.! માતાજીને વધેરવું એ તો એક પ્રક્રિયા હતી. મૂળ પ્રક્રિયા શું હતી? પોતાને ખાવાનું મળે.
ભક્તિ – એવી ભક્તિ જ્યાં devotion for devotion છે. ત્યાં સુધી કહ્યું; કે પ્રભુ મોક્ષ માટે પણ તારી ભક્તિ મારે કરવી નથી. મોક્ષ મળશે મને, હું તારી ભક્તિ એટલા માટે કરું છું; કે તારી ભક્તિ કર્યા વિના મારાથી રહેવાતું નથી.
જંબુવિજય મ.સા. શંખેશ્વરમાં બિરાજમાન. એક દિવસ આચાર્ય પ્રવર હેમરત્નસૂરિ મહારાજ શંખેશ્વર યાત્રા માટે આવ્યાં. આખી એમની સવાર તો પ્રભુની ભક્તિમાં ગઈ. બપોરના ૨.૩૦ – ૩ વાગે હેમરત્નસૂરિ મહારાજ જંબુવિજય મ.સા.ની પાસે આવ્યા. જંબુવિજય મહારાજ મુનિ છે. હેમરત્નસૂરિજી આચાર્ય છે. પણ હેમરત્નસૂરિજીને ખ્યાલ છે કે જંબુવિજય મ.સા. પાસે જે અસાધારણ જ્ઞાન અને અસાધારણ ભક્તિ છે, એ અદ્ભુત છે! હેમરત્નસૂરિજી સાહેબ પાસે આવ્યાં. એ વખતે સાહેબનું પડીલેહણ ચાલતું હતું. એમાં પણ સ્થાપ્નાચાર્યજીનું પડીલેહણ આવ્યું. સ્થાપ્નાચાર્યજીની મુહપત્તિ જે હતી, બહુ મેલી થયેલી હતી.
આપણે લોકોએ એ સ્થાપ્નાચાર્યમાં ગુરુતત્વની પ્રતિષ્ઠા કરી. આપણી જ કેટલીક પરંપરામાં, તપાગચ્છ સિવાયની કેટલીક પરંપરામાં સુધર્માસ્વામી ભગવાનની મૂર્તિ મુકવામાં આવી છે. તપાગચ્છની પરંપરામાં દરિયાકિનારે થતો જે અક્ષ છે, એની અંદર વિધિ-વિધાનપૂર્વક બરોબર જોઈ, એની પ્રતિષ્ઠા કરી અને ગુરુ તરીકે સ્થાપના એમાં કરવામાં આવે છે.
અક્ષ જોયેલો છે. એક વિચાર ન આવે? કે એ અક્ષમાં જ સ્થાપ્નાચાર્યજીની પ્રતિષ્ઠા કેમ? એમાં આટા-આટા છે. આપણી કુંડલીની શક્તિ જે છે, એ મૂલાધારમાં સુષુપ્ત પડેલી હોય છે. સદ્ગુરુની કૃપા એ કુંડલીનું ઉત્થાપન કરે, અને એને ઉંચે ચડાવે. પછી તમારી જેવી ક્ષમતા.. સહસ્રાર સુધી પણ તમે લઇ જઈ શકો. તો અહીંયા એક પ્રતિક આપ્યુ કે તમારી કુંડલીની શક્તિ એનું જાગરણ સદ્ગુરુ કરે છે માટે આટા-આટાવાળું જે આ અક્ષ એ સદ્ગુરુ. સદ્ગુરુનું કામ શું? તમારી કુંડલીની શક્તિનું જાગરણ કરવાનું, અને એને ઊંચકવાનું. તો એ જે સદ્ગુરુનું કામ છે એની વ્યાખ્યા કરતું બહુ જ મજાનું અક્ષ જે છે, એમાં આપણે લોકોએ ગુરુતત્વની સ્થાપના કરી. પછી એ સદ્ગુરુ જ છે. પ્રતિષ્ઠા થઇ ને એટલે એ અક્ષ નથી; એ ગુરુ છે.
હવે આપણે કહીએ કે આડ પડી – ક્રિયામાં. આડ પડી એટલે શું? તમારી આંખોમાંથી કિરણો નીકળે છે, અને એ સ્થાપ્નાચાર્યજી જે પ્રતિષ્ઠિત થયેલા છે એમાંથી પણ raise નીકળે છે, જેમ પ્રભુની મૂર્તિમાંથી કિરણો નીકળે; એ જ રીતે સ્થાપ્નાચાર્યજીમાંથી raise નીકળે છે, ઉર્જા નીકળે છે. એ ઉર્જા ભેગી થાય છે, એટલે એક પુલ બન્યો; એ ઉર્જા અને તમારી આંખના કિરણો એ બંને મળીને એક પુલ થયો. કીડી પસાર થાય તો વાંધો નથી આવતો, કુતરું પસાર થાય તો વાંધો આવ્યો કેમ? કે એ ઉર્જાનો જે પુલ હતો, એ પુલ તૂટી ગયો. મતલબ એ થયો કે તમે જ્યારે ક્રિયા કરો, દેરાસરમાં હોવ, ત્યારે પ્રભુ તરફ અનિમેષ દ્રષ્ટિ તમારી જોઇશે. અને ઉપાશ્રયમાં ક્રિયા કરો, ત્યારે સ્થાપ્નાચાર્ય ભગવંત તરફ તમારી દ્રષ્ટિ કેન્દ્રિત થયેલી હોવી જોઈએ. હવે આપણે જ ડાફોળિયાં મારતાં હોઈએ, અને કહે આડ પડી…! તારે આડ ક્યાંથી પડે?! પુલ બન્યો હોય, તો તૂટે; બન્યો જ નથી તો ક્યાંથી તુટશે?!
તો એ મુહપત્તિ મેલી હતી. હેમરત્નસૂરીજીએ વિનંતી કરી; કે આ મુહપત્તિઓ આપો, મારો શિષ્ય હમણાં કાપ કાઢીને લઇ આવશે. પડીલેહણમાં બોલાય નહિ. જંબુવિજય મહારાજે ઈશારાથી ના પાડી. બધું પડીલેહણ થઇ ગયું. કાજો લેવાઈ ગયો. પછી આરામથી બેઠા. હેમરત્નસૂરીજીએ પૂછ્યું; કે સાહેબ ના કેમ પાડી? ત્યારે એમણે જે કહ્યું; એ કહે હેમરત્નસૂરી ! આ સ્થાપનાચાર્યજી મારા ગુરુદેવના છે; એટલે મારા ગુરુના પણ ગુરુ છે આ! મારા ગુરુદેવ પોતાની ઉપધિનું પડીલેહણ કરવા કોઈને આપતાં, પણ સ્થાપનાચાર્યજીનું પડીલેહણ તો પોતે જ કરતાં, કોઈને આપતાં નહિ. એટલે છેલ્લા એક-બે વર્ષ સુધીમાં એમણે જે હાથથી આ મુહપત્તિ પકડેલી એ મારા ગુરુની ઉર્જા આ મુહપત્તિમાં છે. છેલ્લે કાપ કાઢ્યો હશે, એ કાપ કાઢ્યા પછી ઘણા મહિના સુધી ગુરુદેવે પોતાના હાથમાં આ મુહપત્તિ રાખી, સ્થાપનાચાર્ય ભગવાનનું પડીલેહણ કરેલું. એટલે આ મુહપત્તિની અંદર મારા ગુરુદેવની ઉર્જા સમાયેલી છે. એટલે મારા માટે સ્થાપનાચાર્ય ભગવાન ગુરુના ગુરુ છે, અને આ મુહપત્તિ મારા માટે ગુરુ છે! અને એટલે જ એ મુહપત્તિને પણ માથે ભાવથી હું touch કરું છું.. કેટલો સદ્ભાવ..! જંબુવિજય મ.સા., એમના ગુરુ અને પિતા ભુવનવિજય મ.સા., શંખેશ્વર તીર્થમાં ભુવનવિજય મ.સા. બીમાર પડ્યા, લાગ્યું કે આ છેલ્લી બીમારી છે. એ વખતે જંબુવિજય મહારાજે પૂછ્યું; કે ગુરુદેવ આપ જઈ રહ્યા છો, મારા માટે આધાર કોણ હવે? અને એ વખતે ગુરુદેવે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દેરાસર તરફ આંગળી કરી, અને જંબુવિજય મહારાજ સમજી ગયા કે ગુરુદેવ મને પ્રભુને ભળાવીને જાય છે. એ પ્રભુ ઉપરની ભક્તિ પણ એટલી કે કોઈ પણ નવું પુસ્તક પ્રેસમાં છપાવા માટે જવાનું હોય, તો આખી જ fresh copy લઈને દેરાસરમાં આવે અને પુજારીને કહે; કે પ્રભુની પલોઠીમાં આને મુકો. પ્રભુના ચરણનો સ્પર્શ થાય પછી જ એ છપાવવા માટે બેસે.
તો પહેલું જ ચરણ છે – अनपेक्षः પ્રભુ અને સદ્ગુરુની ભક્તિ કોઈ પણ જાતની અપેક્ષા વિના કરવી છે. ભક્તિનો આનંદ ત્યારે જ મળશે. ભક્તિ માટે ભક્તિ. એ ભક્તિની ધારામાં તમે બધા વહો એવો આશીર્વાદ..
