Namaskar Bhaav Ni Sadhna – Vachana 11

40 Views
15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિર્મળ હૃદય

પરમાત્માનો પ્રસાદ સતત વરસી રહ્યો છે. સવાલ એ થાય કે અગણિત સમયથી આ પ્રસાદ, આ કૃપા વહેતી આવી છે; તો આપણને એનો અનુભવ કેમ નથી થયો? કારણ છે કે એને ઝીલવા માટે જે સજ્જતા જોઈએ – receptivity – એ આપણી પાસે નહતી. આ જન્મમાં પણ એ receptivity આવી છે કે નહિ – એ તમારે પોતાના સદગુરુ પાસે જઈને નક્કી કરાવવું જોઈએ.

એ receptivity એટલે પૂર્ણ સમર્પિતતા. પ્રભુની આજ્ઞારૂપી ચાદર અસ્તિત્વના સ્તર પર પૂરેપૂરી ઓઢાવી જોઈએ. અસ્તિત્વનો નાનામાં નાનો કણ પણ એ આજ્ઞાની ચાદરની બહાર ન જવો જોઈએ.

સમર્પિતતા પ્રગટ કરવા માટેનું બીજું ચરણ છે નિર્મળ હૃદય. પ્રભુએ આપેલી બધી જ સાધનાનું લક્ષ્ય છે નિર્મળ હૃદય. હૃદય નિર્મળ થવું એટલે રાગ, દ્વેષ, અહંકાર ઓછાં થવાં, તે. આટલા સમયથી સાધના કરો છો; ક્યારેક આંતરનિરીક્ષણ તો કરો કે હૃદય નિર્મળ થયું કે નહિ? રાગ, દ્વેષ, અહંકાર ઓછાં થયાં કે નહિ?

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૧૧

પરમાત્માનો પ્રસાદ સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી કે પ્રભુનો પ્રસાદ ન વરસતો હોય. અગણિત સમયથી આ પ્રસાદ વરસતો આવ્યો છે.  સવાલ એ થાય કે અગણિત સમયથી આ પ્રસાદ, આ કૃપા વહેતી આવી છે, તો આપણને એનો અનુભવ પહેલા કેમ ન થયો? જવાબ એક જ આપ્યો કે we had no receptivity! એ પ્રસાદ તો વરસતો હતો. પણ, એને ઝીલવા માટે જે receptivity, જે સજ્જતા જોઈએ એ આપણી પાસે નહતી. આ જન્મમાં પણ એ receptivity આવી છે કે નહિ, એ દરેક વ્યક્તિએ પોતાના સદ્ગુરુ પાસે જઈએ નક્કી કરાવવું જોઈએ કે ગુરુદેવ પ્રભુનો પ્રસાદ સતત વરસી રહ્યો છે; એને હું ઝીલું છું કે નથી ઝીલતો? નહીતર આપણે ભ્રમણામાં રહી જઈએ. અગણિત જન્મોમાં કેટલાય એવા જન્મો હતાં જ્યાં આપણે પ્રભુની ચાદર પહેરેલી. પ્રભુની ચાદર પહેરેલી પછી receptivity માં બાકી શું રહી ગયું? શું બાકી રહ્યું? શરીરે પ્રભુની ચાદર ઓઢેલી, મને ઓઢેલી ખરી?

આ તમારા બધાનો શુભ્ર શુભ્ર વેશ જોઇને આંખો છલછલાઈ ઉઠે. મારા પરમાત્માનો વેશ.! પણ એ વેશ શરીર પર તો ધારણ કરાયો છે, તમારા મનમાં પરમાત્મા પુરેપુરા છવાયેલા છે ખરા? કામળી કાળ વખતે આપણે બહાર નીકળીએ. એક મુનિરાજ એ કામળી કાળ વખતે સવારે પાણી વહોરવા જાય, કોશિશ એ હોય, કે શરીરની એક આંગળી તો નહિ પણ આ ઘડો પણ કામળીના આવરણમાં રહે. કોશિશ તમારી પુરી રહે કે શરીરનો એક નાનકડું અંગ પણ કામળીની બહાર ન હોય. આ જ કોશિશ મન માટે કરવાની છે. મનનું નાનામાં નાનું કણ tiniest portion પણ પ્રભુની આજ્ઞાની બહાર ન જોઈએ. આજ્ઞારૂપી ચાદર અને એ આજ્ઞારૂપી ચાદરની બહાર તમારા મનનો tiniest portion પણ ન જોઈએ. તો અગણિત જન્મોમાં આ ચાદર મળેલી પણ માત્ર શરીર ઉપર રહેલી. એ આજ્ઞારૂપી ચાદર પુરેપુરી અસ્તિત્વના સ્તર પર ઓઢાવી જોઈએ. અસ્તિત્વનો નાનામાં નાનો કણ પણ એ પ્રભુની આજ્ઞાની ચાદરની બહાર ન જવો જોઈએ.

લીચી એક યુવાન. પહેલી જ વાર એક સદ્ગુરુ પાસે એ ગયો. સદ્ગુરુના ચરણોમાં ઝૂક્યો. સદ્ગુરુ face reading ના master. પહેલીવાર પોતાને મળવા, વંદન કરવા જે યુવાન આવ્યો છે એના ચહેરા પરની અસ્તિત્વની વૈરાગ્યની ધારા એમણે જોઈ. ગુરુએ જોયું; કે જન્માન્તરીય વૈરાગ્યની ધારા લઈને આ યુવાન આવેલો છે. ગુરુએ પૂછ્યું; દીક્ષા ક્યારે લેવાની છે? પહેલી વાર પોતાની પાસે આવેલો યુવાન, સદ્ગુરુ પૂછે છે; દીક્ષા ક્યારે લેવાની છે? એ વખતે લીચીએ કહ્યું; ગુરુદેવ! દીક્ષા લેવી છે, ક્યાં લેવી? ક્યારે લેવી? કેવી રીતે લેવી અવઢવમાં છું. બરોબર ને? અને એ વખતે ગુરુએ એક master stroke લગાવ્યો. ગુરુ કહે છે; વાહ! તું ખરો બુદ્ધિશાળી! જે તારા મને, જે તારી બુદ્ધિએ તને અનંતા જન્મોમાં નરક અને નિગોદની સફર કરાવી એ મન અને એ બુદ્ધિને તું પૂછવા જાય છે; ક્યારે દીક્ષા લેવી, કેવી રીતે દીક્ષા લેવી, કોની પાસે લેવી…? એક master stroke! બધી જ ઔઢવ ખરી પડી! ભીતર જે સમર્પિતતા હતી, બહાર આવી ગઈ. એણે કહ્યું; ગુરુદેવ! આપના ચરણોમાં પડું છું. આપને જ્યારે પણ યોગ્ય લાગે મને દીક્ષા આપી દેજો. ગુરુએ એ જ વખતે એને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી એમની પરંપરામાં એક રીવાજ હતો કે ગુરુ પોતાની ચાદર શિષ્યને ઓઢાડે. આ હિંદુ પરંપરા છે. પણ બહુ મજાની પરંપરા.. સદ્ગુરુએ જે ચાદર વર્ષો સુધી ઓઢેલી હોય, અને એ ચાદરમાં સદ્ગુરુની સાધનાના પરમાણુઓ બેઠેલા હોય, એનો સ્પર્શ સીધો શિષ્યને મળી જાય, કેટલી બડભાગી વાત.! ગુરુએ પોતાની કામળી, પોતાની ચાદર શિષ્યને ઓઢાડી. એ વખતે પરંપરામાં બહુ જ મોહક રીતે કહેવાયું કે લીચીએ ગુરુને ઓઢ્યા હતા.! આપણે પ્રભુને ઓઢી લઈએ.! પુરેપુરા ઓઢી લઈએ.! This is the receptivity.! આ receptivity.! આ receptivity અગણિત જન્મોમાં મારી અને તમારી નહતી. આ જન્મમાં તમારી એ receptivity છે કે નહિ, એ તમારે સદ્ગુરુના ચરણોમાં જઈને નક્કી કરાવવું જોઈએ. આ જન્મ નિરર્થક જાય, પાલવે એમ છે? આ જન્મ પણ meaning less જતો રહે.! અગણિત જન્મો વ્યર્થતામાં સરી ગયા. આ જન્મને પણ આપણે આ રીતે રાખી શકીએ? તમારી જાતને આજે પુછજો; કે મારી સાધના અગણિત જન્મોમાં હતી એવી જ છે કે કોઈ ફરક પડ્યો?

પ્રભુનો પ્રસાદ સતત વરસી રહ્યો છે… Receptivity કઈ? પૂર્ણ સમર્પિતતા. You are the choiceless persons. એક પરમાત્માનો મુનિ એટલે choiceless person. એની કોઈ ઈચ્છા નથી! એક માત્ર પ્રભુની આજ્ઞાને પૂર્ણતયા સમર્પિત થવાની વાત છે. આજે ઉપકરણ વંદનાવલીમાં તમને મુનિ જીવનના ઉપકરણો મળશે. નાચજો.. કે આ ચરવળામાંથી ઓઘામાં હું ક્યારે પહોંચી જાઉં! એ જ receptivity થઇ – સમર્પિતતા. એને સજ્જ કરવા માટે છ ચરણો આપ્યાં.

પહેલું ચરણ : નિરપેક્ષદશા. બીજું ચરણ છે : નિર્મળ હૃદય. કલાપૂર્ણસૂરિદાદા એમની વાચનાઓમાં વારંવાર કહેતાં કે જો નિર્મળ હ્રદય એ તમારું સાધ્ય નથી તો તમારી પાસે સાધના કઈ છે? પ્રભુએ આપેલી બધી જ સાધના; લક્ષ્ય શું? ડોકટરે કહ્યું; ૧૦૦ ટીકડી લો, એટલે એકદમ દોડતાં થઇ જશો. શ્વાસ ચડતો હતો, બે ડગલાં ચલાય અને હાંફી જવાય. ડોકટરે કહ્યું આ ૧૦૦ ટીકડી લો, દોડતા થઇ જશો. ૮૦ ટેબલેટ ગળાઈ ગઈ, કોઈ ફરક પડતો નથી. એ પેશન્ટ ડોક્ટર પાસે જશે કે નહિ? સાહેબ તમે કહેતાં હતાં, ૧૦૦ ટીકડીએ તો દોડતો થઇ જાઉં; ૮૦ ટીકડી તો ગળાઈ ગઈ, કોઈ ફર્ક પડતો નથી. તો એની પાસે એક લક્ષ્ય હતું કે અત્યારે ચાલતાં હું હાંફી જાઉં છું, પણ સ્વસ્થ રીતે હું ચાલી શકું, દોડી શકું એ મારું લક્ષ્ય છે. ટીકડી ગળવી એ સાધન, સ્વસ્થ થવું એ સાધ્ય. આપણે લોકોએ શું કર્યું? જે સાધન હતું એને સાધ્યમાં પલટાવી નાંખ્યું. મોટામાં મોટી ગરબડ આ કરી. સામાયિક બે કરી લીધા! સાહેબ! હું તો રોજ બે સામાયિક કરું છું! પણ ગુસ્સો કેટલો ઓછો થયો? સામાયિક કરવી એ સાધન; સમભાવ મળે એ સાધ્ય.

તો આપણી કોઈ પણ સાધના હોય, એ સાધનાનું ધ્યેય, એનું લક્ષ્ય એક જ છે – નિર્મળ હૃદય. રાગ, દ્વેષ, અહંકાર ઓછા થવા જોઈએ. દીક્ષામાં હું આવી ગયો. પ્રભુની ચાદર મેં પહેરી. પણ, મારે પણ introspection કરવાનું છે. મારે પણ આંતર-નિરીક્ષણ કરવાનું છે. યશોવિજય યશોવિજયની જોડે બેસશે, અને અંદરનો યશોવિજય બહારના યશોવિજયને પૂછશે કે તે સવારે ગુસ્સો કેમ કરેલો? બે રૂપ બનાવો તમારા. અને અંદરનું રૂપ બહારના રૂપની ઝાટકળી કાઢે.!

તો સાધનામાર્ગમાં આટલા વર્ષોથી તમે છો. રાગદશા કેટલી ઓછી થઇ? દ્વેષ કેટલો ઓછો થયો? અહંકાર કેટલો ઓછો થયો? જુઓ તો ખરા!

નિર્મળ હૃદયની પ્રાપ્તિ માટે બે ચીજ જરૂરી છે. સામાન્ય સાધકો માટે જાગૃતિ. અને પ્રભુના વિશિષ્ટ સાધનામાર્ગમાં જે શ્રમણો અને શ્રમણીઓ આવી ગયા છે, એમના માટે જાગૃતિ + ગુરુકુલવાસ. સામાન્ય સાધકો જૈન હોય, અજૈન હોય, ગમે તે હોય, એમના માટે નિર્મળ હૃદયની પ્રાપ્તિ માટે માર્ગ થયો જાગૃતિ.

ચા પીવા તમે બેઠા. એક ચા નું ટીપું શર્ટ ઉપર પડી ગયું. તમને ખ્યાલ છે કે ચા નો ડાઘ પાણીથી તરત જતો રહે છે, નહીતર એને કાઢવામાં તકલીફ પડે. તમે અડધો કપ ચા નો ટેબલ પર મૂકી, વોશબેસીન પાસે જાવ છો, અને શર્ટના એ ડાઘને ધોઈ નાંખો છો. ડાઘ પડ્યો નથી કે એને ધોયો નથી. આ જાગૃતિ, દોષો માટે જોઈએ. એક પણ દોષ લાગ્યો, કેમ લાગ્યો? તરત એમાંથી મુક્ત થાવ.

By the way એક વાત કરું, એક અંકલ રીશેપ્શન માટે જઈ રહ્યા હતાં. રીશેપ્શન જે હોલમાં હતું, એ હોલ એમના ઘરથી 5 મિનિટના walking distance પર હતો. એને વિચાર્યું, કે morning walk પણ થઇ જાય. સાધનની જરૂર નથી, ચાલતાં જાઉં. એ ચાલતા જઈ રહ્યા છે. એમાં એમને ખ્યાલ નથી, પાછળથી કોઈ ગાડી આવતી હતી, અને એ ચાલતા હતા ત્યાં એક ખાબોચિયું હતું, ગાડીના પૈડા ખાબોચિયામાંથી પસાર થયાં. અને થોડા કાદવના ડાઘા શર્ટ પર પડી ગયા. એમને ખ્યાલ નથી. એ વિચારોમાં ખોવાયેલા છે. એક સાત વર્ષનો દીકરો ત્યાંથી પસાર થતો હતો. એણે આ જોયું; કે અંકલ કોઈ સારા કામ માટે જઈ રહ્યા છે. કપડાં અપ્ટુડેટ પહેર્યા છે. પણ એમને ખબર નથી કે પાછળ તો ડાઘ જ ડાઘ છે. એટલે એ દીકરો આગળ આવ્યો. અંકલને પ્રણામ કર્યા અને કહ્યું; અંકલ! એક વાત કરું; તમારું શર્ટ છે ને પાછળ બહુ ડાઘ પડેલા છે. હમણાં જ કાર ગઈ ને, બાજુમાં ખાબોચિયું હતું, તમે ચાલતાં હતાં, તો એક કાર જે પાણી ઉડાડયું, ગંદુ, એના છાંટા તમારા શર્ટ પર પડ્યા છે. પેલો આમ શર્ટ કરીને જુએ, તો ખરેખર ડાઘા જ ડાઘા છે. એ વખતે એ અંકલ પેલા દીકરાને thanks કહે કે એની સામે ઝઘડે? શું કરે? શું કરે તમને પૂછું? Thanks કહે? તમારો દોષ કોઈ બતાવે, તમે શું કરો? Thanks કહો એને? મને ખ્યાલ નહતો. હા, તમારી વાત બિલકુલ સાચી. મને એમ લાગ્યું કે હું ગુસ્સાથી નહતો બોલતો, પણ ખરેખર અંદર ગુસ્સો હતો. તમે પકડી પાડ્યો. બહુ સરસ. Thanks.

અહંકારને પણ આપણે કેવી રીતે દબાવીએ? ઘણા લોકો અમને પત્ર લખે. છેલ્લે લખે; લિ. આપનો ચરણરજ. હું એને ઓળખતો હોઉં. અહંકારનું પુતળું હોય. ‘આપનો ચરણરજ’. મેં કહ્યું; આ ચરણની ધૂળ એવડી – છ બાય દોઢની! કે હું જો ચાલવા જાઉં એના ઉપરથી તો હું પણ ઉથલી પડું.! તો તમારો દોષ કોઈ દેખાડે, તમને ગમે? આમાં શું થાય છે, એક ઊંડી વાત એ છે કે દોષો તમને ખટકે છે? પણ પોતાના દોષો ખટકતા નથી.

જેમ કે તમે સાધક હોવ, તો તમને લાગે કે વિકલ્પો બધા જ નકામા છે. પણ તમારા વિકલ્પો, તમારા વિચારો, જે-જે વિચાર ઉપર તમારાપણાની છાપ લાગી, એ તમને સારા લાગશે. એ જ વાત છે; રાગ બીજામાં છે, તમને ખ્યાલ આવી જાય છે. કોઈની પાસે જવાનું હોય, ભાઈ પેલાને ત્યાં જવાનું છે, મુકો ને વાત, લોભનું પુતળું છે, એ કંઈ ટીપમાં લખાવવાનું હતું! બીજે ક્યાંય જવાનું હોય, એના ત્યાં નહિ, અહંકારનું પુતળું છે, સાલો! વાત પણ તમીઝથી નહિ કરે! બીજામાં રહેલ દોષો તમને દેખાય છે; માત્ર તમારામાં હોય, એ જ ન દેખાય!

એટલે એક ફિલોસોફરે લખેલું; કે આજના માણસ પાસે પારસમણી હોય એવું લાગે છે; કે જે દોષો બીજાની પાસે હોય ત્યારે ખરાબ હોય, એ એની પાસે આવે એટલે સરસ થઇ જાય.! એક મારવાડી શેઠ યાત્રાએ નીકળેલા. એકલા. સમેતશિખરની. રસ્તામાં ખિસ્સું કપાઈ ગયું. હવે અજાણ્યું ગામ. પણ એ વખતે હુંડીઓ ચાલતી. જે શહેરમાં ખિસ્સું કપાયેલું, એ શહેરના એક શરાફને ત્યાં પહોંચ્યા અને કહ્યું; દસ હજાર રૂપિયા જોઈએ. હું યાત્રા કરીને જાઉં, તમને વ્યાજ સાથે આપી દઉં. શરાફે પણ જોયું; કે માણસ છે ખાનદાન. પણ એણે કહ્યું; કે હું તમને ઓળખતો નથી, તો દસ હજાર શેના ઉપર આપું? તમારી પાસે કોઈ અલંકાર હોય તો એ ગિરવે મૂકી દો. એ રાજસ્થાની ભાઈ બહુ જ સાદા. વીંટી પણ પહેરેલી નહિ. આમ કરોડોપતિ માણસ. કંઈક આપો? તો એ મારવાડી શેઠે પોતાનો મૂછનો એક વાળ તોડીને આપ્યો; કે લો, આની કિંમત દસ હજાર નહિ, દસ લાખ થાય! મારો છે! પેલાએ જરાક ખાતરી કરવા કહ્યું; આ સહેજ વાળ વાંકો છે, જરા બીજો આપશો? અને પેલો ભભક્યો! વાંકો હૈ પણ માંકો હૈ કી નહિ! વાળ ભલે વાંકો રહો પણ મારો છે ને? અને એની એ છટા! શરાફ સમજી ગયો, માણસ બિલકુલ સાચો છે. દસ હજાર આપી પણ દીધા. એમ તમારે પણ આવું થયું છે, રાગ છે પણ મારો છે ને…! નહીતર તમને દરેકને બાજુમાં કલ્યાણમિત્રો રાખવાની ઈચ્છા થાય કે એવો કલ્યાણમિત્ર જોઈએ જે મારા દોષોને બતાવે. રાખ્યા છે એવા?  પંચસુત્રમાં હરીભદ્રસૂરિ મ.સા.એ લખ્યું; કે સદ્ગુરુનો સંગ શ્રાવકને કાયમ ન મળી શકે. પણ કલ્યાણમિત્રનો સંગ કાયમ મળી શકે. એવો કલ્યાણમિત્ર જે તમારા દોષોને બતાવે.

તો બે વાત આપણે કરી; સામાન્ય સાધકો માટે જાગૃતિ જોઈએ. અને શ્રમણ અને શ્રમણીઓ માટે જાગૃતિ + ગુરુકુલવાસ. અદ્ભુત છે ગુરુકુલવાસ, એની વાત આપણે આવતી કાલે કરીશું. પણ આપણી આંખોમાંથી આંસુ ઝરશે, કે કેવો અદ્ભુત ગુરુકુલવાસ આપણને મળ્યો છે; કે સદ્ગુરુ આપણા દોષોની સતત ચિંતા કરતાં હોય છે. એક સદ્ગુરુ જે પ્રભુને સમર્પિત છે. એ સંપૂર્ણતયા આનંદમાં હોય છે. વેદના એક જ હોય છે, કે મારા આશ્રયે જે લોકો આવ્યા છે, એમનામાં સહેજ પણ દોષો હોય એ હું ચલાવી શકું નહિ. સદ્ગુરુ પરમ આનંદમાં.. પણ કદાચ એમની પાસે વેદના હોય, તો આપણા કારણે જ હોય, આપણા દોષોને કારણે હોય.

તો જાગૃતિના ઊંડાણમાં અને ગુરુકુલવાસના ઊંડાણમાં આવતી કાલે આપણે જઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *