Namaskar Bhaav Ni Sadhna – Vachana 6

56 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : Mind Transplantation

તમારી ઉપર mass hypnotism નો પ્રયોગ થયેલો છે! તમારા નિર્ણયો, તમારી અવધારણાઓ તમારા પોતાના નથી. શું સારું અને શું ખોટું – એ તમે નક્કી નથી કરતા; તમે જે સમાજમાં પેદા થયા, એ નક્કી કરે છે!

Mind transplantation ના expert એવા ગુરુ રતિ-અરતિના ઝૂલે ઝૂલતું એવું તમારું સંજ્ઞાવાસિત / સમાજ-પ્રભાવિત મન લઇને તમને આજ્ઞાવાસિત / પ્રભુ-પ્રભાવિત મન આપી દે છે – જેમાં માત્ર આનંદ જ આનંદ હોય.

પ્રભુનો પ્રસાદ સતત મળ્યા કરે, તે માટેની પહેલી સજ્જતા છે નિરપેક્ષતા. જ્યાં અપેક્ષા આવી, ભક્તિની ધારા ખંડિત થાય છે. અને એટલે જ સદગુરુના શરણનો સ્વીકાર અપેક્ષાએ પ્રભુના શરણસ્વીકાર કરતાં પણ કઠિન છે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

નમસ્કાર ભાવ ની સાધના વાચના –

ક્યારેક પ્રયાસ અચાનક છૂટી જાય છે અને પ્રસાદની ધારા મળી જાય છે.

એક ઘટના યાદ આવે. એક નાનકડા ગામમાં મારું ચાતુર્માસ. ડીસા થી જીરાવલા તીર્થની વચ્ચે આરખી નામનું ગામ છે. ૨૫-૩૦ જૈનોના ઘર. ત્યાં મારું ચાતુર્માસ. પ્રવેશ થઈ ગયો. બીજી કે, ત્રીજી સાંજે ગામના એક શ્રાવિકાબેન મારી પાસે આવ્યા, એમની આંખમાં આંસુ હતા. એક કે ગુરુદેવ પૂરું ચાતુર્માસ રોકાવવા માટે અહીંયા આવેલી છું પણ આવતીકાલે હું જઉ છું. મેં પૂછ્યું શું થયું ? સામાન્ય તયા આપણી ધારણા એવી હોય કે કોઈની જોડે કંઈક બોલાચાલી થઈ હશે પણ એમણે મને જે વાત કરી, મારા રૂવાંડા ખડા થઈ ગયા. એ કહે સાહેબ, મુંબઈમાં રહું છું. પણ મારા ગામમાં ચોમાસું હતું અને આટલા બધા મહારાજ સાહેબનું ચોમાસું એટલે હું આવી ગઈ. પતિ ત્યાં છે, દીકરાઓ ત્યાં ભણી રહ્યા છે, પૂરું ઘર ઘાટીઓને સોંપીને હું આવી ગઈ છું. એટલા માટે કે મુંબઈમાં સત્તરમાં માળે મારું ઘર છે, મને લાભ મળતો નથી. મારા ગામમાં મને બરોબર લાભ મળે, પણ બે દિવસ મેં જોયું એક કે બે મહારાજ સાહેબ મારે ત્યાં વ્હોરવા માટે પધારે છે આતો મને ચાલે નહીં, તમે લોકો નક્કી કરો એક મહારાજ સાહેબ આ શેરીમાં, બીજા મહારાજ સાહેબ પેલી શેરીમાં, ત્રીજા મહારાજ સાહેબ પેલી શેરીમાં. મને આ ચાલે નહીં. મેં કહ્યું તમારી અપેક્ષા શું છે? મને કહે ‘ગુરુદેવ આપ છો. આપ જો બધા જ સાધુ-સાધ્વીઓને આજ્ઞા કરી શકતા હોવ કે જેટલા પણ સાધુ-સાધ્વીજીઓ વ્હોરવા માટે નીકળે, કોઈપણ શેરીમાં જાય એમણે મારા ઘરે આવવાનું જ. આટલી આજ્ઞા આપ કરી શકો તો હું રહેવાની છું, નહીંતર આવતીકાલે જાઉં છું. મેં કહ્યું ચાલો આજ્ઞા કરી દઈશ. પછી બધા સાધુ-સાધ્વીઓને કહી દીધું જેટલા પણ વ્હોરવા માટે જાવ આ મીનાબેનને ત્યાં તમારે જવાનું. કેટલું વ્હોરવું એ તમારા હાથમાં છે પણ એમને ત્યાં પગલાં થવા જોઈએ. એ બેને માસક્ષમણ કર્યું. પર્યુષણના પારણે પારણું આવે એ રીતે. પર્યુષણમાં આખું ઘર ભરાઈ ગયું, પણ ત્રણેય ટાઈમ વ્હોરાવવાનું કામ એ બેન પોતે જ કરે. માસક્ષમણના ૩૦માં દિવસ સુધી ત્રણે ટાઈમ ગોચરી વ્હોરાવવાનું કામ એમણે કર્યું.

એ ચોમાસામાં પદમદર્શન વિજય પણ મારી જોડે હતા. એનું ગામ આ હતું. એના પિતા મંછાલાલજી એ પણ બહુ જ સારા ભક્ત. આમ ગામમાં એક કે બે ઘર ખુલ્લા હોય, ચોમાસામાં બધા જ ઘરો ખુલી ગયેલા.

એક ભાઈ મોતીના મોટા વેપારી. ધંધો વાઇન્ડઅપ કરી અને પરિવાર સાથે આવી ગયેલા. અહિયાં તો કંઈ કામ હોય નહીં મારી જોડે બેઠા રહે. કોઈપણ મહેમાનની ગાડી આવે તરત પોતાને ત્યાં લઈ જાય, ચા-પાણી પીવડાવે, સંઘના રસોડે પછી. સંઘના રસોડે પણ જમણાર પાંચ મહેમાન હોય, જમાડનાર પંદર હોય. બધા જમાડવા માટે આવી જાય એ ઉત્તમભાઈ ધાર્મિક કશું જ ભણેલા નહીં, વંદન પણ કરતા ન આવડે, ભક્તિ ભાવ બહુ. મારી જોડે બેઠા રહે. એમાં આસો મહિને એમને મુંબઈ જવું પડે એવું હતું. ત્રણ મહિના પૂરા ત્યાં રહ્યા. આસો મહિને પણ બે દિવસ માટે મુંબઈ જવું પડે એમ છે. મુંબઈ જવાની તારીખ આવી ગઈ, મુંબઈ ગયા નહીં. મેં કહ્યું શું થયું ? કેમ મુંબઈ ન ગયા? તો મને કહે ભગવાનની ઈચ્છા. મેં કહ્યું ઉત્તમભાઈ તમારા મોઢે આ શબ્દો, ભગવાનની ઈચ્છા. મને કહે તમારી જોડે બેસ-બેસ કર્યુંને આ મારું માથું તમે ફેરવી નાખ્યું. ખોપરી ફરી ગઈ મારી. શબ્દો ફરી ગયા. મેં કહ્યું ગુરુનું કામ જ તો એ છે ને! તમારી ખોપરીને ફેરવવી એ જ તો ગુરુનું કામ છે.

બુદ્ધિ અને અહંકાર છે તમે આપો તો પ્રેમથી સ્વીકારીએ, ન આપો તો એને કેમ પડાવી લેવા એની treat બી અમને આવડે છે. પણ any how તમારી ખોપરી ફેરવવી તો ખરી જ. એ મને કહે છે (ઉત્તમભાઈ) સાહેબ કોઈ સાધના નથી કરી, તમારા પ્રવચનો સાંભળ્યા અને તમારી જોડે બેઠો રહ્યો અને આખું મન મારું ફરી ગયું. તમે જૂનું મન મારું લઈ લીધું અને નવું મન મને આપી દીધું.

આજે તમારા બધા માટે મારી ખુલ્લી offer. જેને-જેને જુનું મન બદલવું હોય અને નવું મન જોઈતું હોય એના માટે હું તૈયાર. (આપનું આપી દેશો – આપનું મને આપી દેશો) એમની પાસે સંજ્ઞાવાસીત મન છે મારે એમણે આજ્ઞાવાસીત મન આપવાનું છે. Mind transplantation નો હું નિષ્ણાત છું, પણ એકવાત છે  Mind transplantation કરવું હોય, heart transplantation કરવું હોય કે heart ની bypass surgery કરાવવી હોય તમારે હોસ્પિટલમાં જવું પડે. ડોક્ટર કહે એમ કરવું પડે, ડોક્ટર તૈયાર. પણ તમારા ઘરે આવીને ડોક્ટર ઓપરેશન ન કરી જાય તમારે એની શરતે બધુ કામ કરવું પડે. જૂનું મન આપવા તૈયાર ખરા ? બોલો. તમારું જૂનું મન સતત તમને પીડા આપે છે. રતિ અને અરતિ. મનગમતી ઘટના બની તો રતીભાવ, અણગમતી ઘટના બની અરતી ભાવ. પુણ્ય એવું નથી કે મનગમતી ઘટનાઓ સતત ઘટ્યા કરે, પુણ્ય એવું પાતળું છે કે અણગમતી ઘટનાઓ ઘણી ઘટવાની છે. તો અરતિ-અરતિ મનમાં રહેવાની છે એને બદલે એવું મન તમને આપીએ કે જેમાં માત્ર આનંદ જ આનંદ હોય. તૈયાર! બોલો.

રતિ અને અરતિવાળું મન સદ્દગુરુને સોંપી દો. સતત જેમા આનંદ છે એવું મન તમને આપી દઈએ મન સંજ્ઞાવાસિત છે કે આજ્ઞાવાસિત? પ્રસાદ ક્યારેક સહેલાઈથી મળે છે, ક્યારેક એના માટે થોડી તમારી સાધના પણ જોઈએ છે. પ્રયાસ નથી કહેતો, સાધના. એ સાધના કેવી હોય?

ભગવદ્દગીતાએ એ સાધનાના છ ચરણો આપ્યા. બહુ મજાના છે. “अनपेक्ष शुचिर्दक्ष उदासीनो गतव्यथ:| सर्वारम्भपरित्यागी यो मद्भक्त: स मे प्रिय: ||” यो मद्भक्त: स मे प्रिय: આવો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે અને એ પ્રિય ભક્તને પ્રસાદ જ પ્રસાદ મળે, એ પ્રિય ભક્ત પાસે પ્રભુએ આપેલું મન હોય. સમાજે આપેલું મન ન હોય. એકવાત તમને પૂછું? તમારા નિર્ણયો, તમારી અવધારણાઓ એ તમારી પોતાની છે કે સમાજે આપેલી છે? કોઈ વસ્તુ સારી કે ખોટી એ તમે નક્કી કરો છો કે સમાજ નક્કી કરે છે? તમે જે સમાજમાં પેદા થયા છો એ સમાજ જેને સારું કહે છે એને તમે સારું માનો છો? Actually તમારા ઉપર mass hypnotism નો પ્રયોગ થયો છે. સમાજ કહે તેમ કરવું.

એકવાર હું હસ્તગિરીમાં હતો. હસ્તગિરી તીર્થમાં અઠવાડિયું રોકાયેલો. રાજસ્થાનના અમુક ભક્તો પાલીતાણામાં આવ્યા. એમણે ખ્યાલ હતો કે ગુરુદેવ હસ્તગિરી તીર્થમાં છે. પાલીતાણાની એમણે યાત્રા કરી હસ્તગિરી આવ્યા. ત્યાં પણ એ લોકો યાત્રા કરી આવ્યા પછી મારી પાસે બેઠા. સાડા અગ્યાર વાગેલા. એ વખતે કાંતીભાઈ પટણી જેમણે આ તીર્થ માટે પોતાના સર્વસ્વનું દાન કર્યું. એમણે ખ્યાલ આવ્યો કે સાહેબ પાસે કોઈ મહેમાનો આવ્યા છે. એ દોડતા આવ્યા. મહેમાનોને વિનંતી કરી કે જમવા માટે પધારો ભોજનશાળામાં. આ લોકોએ ના પાડી કે અમે પાલીતાણા ઉતર્યા છે તખતગઢ ધર્મશાળામાં. ત્યાં કહીને આવ્યા છીએ કે ત્યાં જ જમીશું. અહીંથી જતા વાર કેટલી અમને? કાંતીભાઈ પાછા ગયા. ત્યાં મારી ગોચરી આવી. મેં કહ્યું હું ગોચરી વાપરવા જઉં છું તમારે જમીઆવવુંતુને. એ કહે સાહેબ આપ વાપરી લો અમે બેઠા છે. વાપર્યા પછી પણ આપડે જેટલી અનુકૂળતા હોય એટલું અમારે બેસવું છે. એમણે જે વાત કરીને એ ખોટી વાત કરી. કારણ… ‘આ ગુજરાતી trandeની ભોજનશાળા છે એટલે દાળમાં ગોળ નાખેલો હશે, ટમાટરનું શાક હશે ભલે એમાં પણ ગોળ નાખેલો હશે. અમે રહ્યા રાજસ્થાની, અમને મીઠી દાળ કે મીઠું શાક ભાવે નહીં. રોટલીનો એક કકડો ખાવો શી રીતે અમારે? એટલે ખોટું જ બોલ્યા કે તખતગઢ ધર્મશાળામાં કહીને આવ્યા છે. કંઈ કહીને આવ્યા નથી’. આપણી જેટલી અનુકૂળતા હોય એટલું બેસવું છે. બે વાગ્યા –ચાર વાગ્યા સુધી. આપ આરામ કરી લો પછી પણ બેસીશું. અમારે અહીંયા જમવું નથી એ નક્કી છે. આ કોણ નક્કી કરે ? કે તુવેરની દાળ મીઠી હોય તો સારી, તીખી હોય તો સારી, આ નક્કી કોણ કરે? સમાજ નક્કી કરે છે. તો તમારી પાસે કોઈ નિર્ણય નથી, કોઈ અવધારણા નથી. તમારી માન્યતા માત્ર સમાજની માન્યતા સાથે જોડાયેલી છે.

તો એ સમાજ પ્રભાવિત મનને બદલે પ્રભુ પ્રભાવિત મન તમને આપીએ બોલો ગમે કે નહીં? તમે પણ વિચારજો. તમારી પાસે કયું મન છે? વેશ પ્રભુનો છે, મન પ્રભુનું છે? મન પ્રભુનું જોઈએ. કોઈએ કંઈક કહ્યું મજા આવી ગઈ.

વચન પરિષહ enjoy કરીશું. આમ બાવીશ પરીસહો છે ને એના દિવસો રાખ્યા છે કાંઈ? કે મહિનામાં એક દિવસ વચન પરીષહનો. એ દિવસે સવારથી કહી દેવાનું આજે મારે વચન પરીષહ છે. આક્રોશ પરિષહ છે. જેને જે કહેવું હોય એ કહેજો મને નિર્જરા કરાવજો.

તો છ ચરણો આપ્યા છે. પહેલું ચરણ છે નિરપેક્ષતા. પ્રસાદ પ્રભુનો સતત આપણને મળ્યા કરે પણ એના માટે નિરપેક્ષદશા જરૂરી છે. જ્યાં અપેક્ષા આવી ભક્તિની ધારા ખંડિત થઈ ગઈ.

પંચસૂત્રની સાધના ત્રિપદિની પહેલુ પદ છે “ચતુ: શરણ સ્વીકાર”.

હું ઘણીવાર કહું છું કે પ્રભુના શરણનો સ્વીકાર અપેક્ષાએ સહેલો છે. સદ્દગુરુના શરણનો સ્વીકાર અઘરો છે. પ્રભુ પાસે તમે ગયા. તમારી અપેક્ષા નથી પ્રભુ મારી જોડે બોલે. હું આવ્યો ને પ્રભુ સ્મિત આપે. એવી કોઈ અપેક્ષા તમારી પાસે નથી. તમે આરામથી ભક્તિની ધારામાં વહો છો. સદ્દગુરુ પાસે આવો છો એક અપેક્ષા આવી જાય છે ગુરુ મને જુએ, ગુરુ મારી સામે જોઈને સ્મિત આપે, ગુરુ મારી જોડે વાતો કરે. આ અપેક્ષા આવી, ભક્તિ ગઈ. ભક્તિ ગઈ પ્રસાદ ગયો.

એક બહુ ઊંડી વાત કરું આજે. કે તમારી અપેક્ષા કેટલી હદે દૂર થયેલી હોવી જોઈએ.

મહારાષ્ટ્રના ત્રણ સંતો. જ્ઞાનદેવ, નામદેવ અને મુક્તાબાઈ. એ ત્રણેય યાત્રા માટે નીકળેલા. જ્ઞાનદેવ પીઢ સાધક હતા, મુક્તાબાઈ પણ પીઢ સાધિકા હતી, નામદેવ થોડા નવા હતા. યાત્રા થઈ ગઈ. યાત્રા કરી પગપાળા પોતાના આશ્રમ તરફ આવી રહ્યા છે. રસ્તો અલગ લીધો. એ રસ્તે એક ગામ આવે છે જ્યાં ગોરો કુંભાર રહે છે. છે કુંભાર. કામ કુંભારનું કરે છે અને એ બહુ જ જ્ઞાની છે. તો ગોરા કુંભારને ત્યાં એ લોકો ઉતર્યા. પૂજા-પાઠ કર્યો, નાસ્તો કર્યો. જ્ઞાનદેવ અને મુક્તાબાઈ એ બેવ પીઢ સાધક છે. પીઢ સાધકનો અર્થ એ કે ‘જેમણે આત્મતત્વ સિવાય બીજે ક્યાંય જવાની ઈચ્છા ન થાય, કશું જ જોવાની, કશું જ સાંભળવાની કોઈ ઈચ્છા નથી’.

એકવાર હું અહીંથી જ ઉત્તર ગુજરાત તરફ જવાનો હતો. અહીંના એક બહુ સારા સાધકે મને કહ્યું કે ભરૂચમાં નર્મદાના પૂલ પાસે એક આશ્રમ છે એમાં એક સંત છે અને એ આત્મતત્વ ઉપર એટલું સરસ બોલે છે કે આપણું દિલ ખુશ થઈ જાય. મને એ સાધકે કહ્યું કે આપ પણ ત્યાંથી જ જવાના છો. આપની અનુકૂળતા હોય એ રીતે હું બધું જ ગોઠવી આપું. મેં એમણે કહ્યું કે ‘હવે આવી કોઈ ઈચ્છા રહી નથી. આત્મતત્વની અનુભૂતિ થઈ ગઈ, હવે કોઈ કઈ રીતે અભિવ્યક્તિ કરે એની સાથે મારે કોઈ લેવા-દેવા નથી’. અનુભવ થઈ ગયો છે પ્રભુની કૃપાથી.

મહોપાધ્યાયજીએ શ્રીપાલરાસમાં કહ્યું,

“મારે તો ગુરુ ચરણ પસાયે અનુભવ દિલમાંહી પેઠો રે, રિદ્ધિ વૃધ્ધિ પ્રગટે ઘટ મારે”

“મારે તો ગુરુ ચરણ પસાયે, અનુભવ દિલમાંહી પેઠો રે.

અનુભવ, અસ્તિત્વના સ્તરે આવી ગયો હવે શબ્દોની  ક્યાં જરૂરિયાત છે?

અધ્યાત્મબિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાય કહે છે કે ‘એકમાત્ર આત્મતત્વને જોવાનો છે અને એ આત્મતત્વ કેવું હોય એ જોવા માટે આપડે પરમાત્માનું દર્શન કરીએ છીએ. તો પરમાત્માનું દર્શન અને આત્મતત્વનું દર્શન આ બે સિવાય દુનિયામાં બીજું કાંઈ જોવા જેવું છે નહિ.

તો પીઢ સાધકે જેને માત્ર સ્વમાં ડૂબવાની ઈચ્છા છે, ક્યાંય પણ ગયા બહાર કશું જ જોવાનું નથી. ભીતર જ જવાનું છે.

તો જ્ઞાનદેવ અને મુક્તાબાઇ ઊંડા ઊતરી ગયા. જમવાનો સમય થશે, બોલાવશે. કાયાને ભાડું આપી દઈશ. જેટલો પણ સમય મળે ઊંડાણમાં ને ઊંડાણમાં જવું છે, પણ નામદેવ પાસે આ ઊંડાણ નથી. એ ફરે છે. હવે ગોરો કુંભાર છે. કુંભારના બધા ઓજારો ત્યાં છે. એક ટપલુ છે, જે ઘડા ઉપર લગાવવામાં આવે, એનાથી ઘડાને આકાર મળે, તો ટપલુ હાથમાં લીધું નામદેવે અને ગોરા કુંભારને પૂછ્યું કે ‘આનાથી શું થાય?’ ગોરો કુંભાર હસે છે, એ કહે છે ‘ઘડો કાચો છે કે પાકો એની ખબર પડે’ અને પછી કહે ‘શિષ્ય પણ કાચો છે કે પાકો એની આનાથી ખબર પડી જાય’. ગોરા કુંભારે ટપલુ હાથમાં લીધું અને મુક્તાબાઈ બેઠેલા.  ત્યાં જઈ સહેજ મુકતાબાઈના માથા ઉપર અડાડ્યું. નામદેવ ગુસ્સે થઈ ગયા. તમને શો અધિકાર? એક આ પરમસાધિકા છે અને એના માથા ઉપર ટપલુ અડાડો છો? એટલે ગોરો કુંભાર હસે છે કે આ ચેલો કાચો છે. (આમાં કેટલા કાચા અને કેટલા પાકા) કેટલા કાચા અને કેટલા પાકા? ગુસ્સો આવે એ કાચો બરાબર. જેને પણ ગુસ્સો આવી જાય એ કાચો સાધક. ગુસ્સો કેમ આવે?

સામાન્ય સંસારી માણસ કહી શકે કે નિમિત્ત હતું માટે ગુસ્સો આવ્યો? સાધક તો કહી શકે નહીં. એણે ખ્યાલ છે કે નિમિત્ત તો પોતે જ છું. મારું કર્મ જ નિમિત્ત છે, એ વ્યક્તિ તો નિરપરાધી છે. અડધો કલાક non-stop roughly કોઈ બોલે તમારી સામે તમને શું થાય? કે એ વ્યક્તિ બિલકુલ નિર્દોષ છે. દોષિત મારું કર્મ છે. આ વિચાર આવે તો પાકા, નહીંતર કાચા.

તો અનપેક્ષ:ની અંદર અપેક્ષા એ રાખી છે કે તમે જો સાધક છો તો સાધનાના ઊંડાણમાં જવા માટે કદાચ તમે ગુરુને પૂછી શકો, પણ એ સિવાયનુ જિજ્ઞાસા કે કુતૂહલના સ્તર પર કોઈપણ પ્રશ્ન તમને ન થાય, આ ટપલું છે, આ શું કામમાં આવે? આ કોઈ સાધના વિષય પ્રશ્ન છે? બે વાત તમને કહું.

એક હોય ભક્ત અને એક હોય સાધક. સાધક એની દુનિયામાં કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન હોય તો માત્ર એક જ છે કે હું સાધનાના જે પડાવ ઉપર છું એ પડાવ પરથી આગળના પડાવ ઉપર શી રીતે જઈશ? સદ્દગુરુને એ પૂછશે તો પણ આ જ પૂછશે. આખી દુનિયાની વાત ડોહળવા એ નહીં બેસે. ગુરુદેવ હું અહીંયા છું આના પછીની મારી ભૂમિકા કઈ હોય અને એ ભૂમિકાએ હું કઈ રીતે પહોંચું? આટલો જ પ્રશ્ન જેને થાય એ સાધક. અને જેને કોઈપણ પ્રશ્ન થાય જ નહીં એ ભક્ત. એ તો સમર્પિત છે. સદ્દગુરુને જે વખતે જે આપવું હશે એ મને આપી દેશે. મારે વિચાર કેવો કરવાનો?

ઝેન કથા આવે છે. હજાર વર્ષ પહેલા બોધિ ધર્મ નામના એક ગુરુ થયા. ચીનમાં એ ગયેલા. ચીનની અંદર એમણે બૌદ્ધ ધર્મનો બહુ જ પ્રસાર કર્યો. પણ છેલ્લો સમય આવ્યો ત્યારે ભારત આવ્યા અને ભારતમાં એ નિર્વાણને પામ્યા. સો એક વર્ષ પહેલા એટલે કે નવસો વર્ષ પછી એક શિષ્યને સવાલ થયો કે ગુરુ ચીનમાં ગયેલા આટલો બધો ધર્મનો પ્રસાર થયેલો એ ત્યાં જ જો કાળધર્મ પામ્યા હોત તો મોટું સમાધિસ્થળ રચાત, હજારો લાખો લોકો એ સમાધિસ્થળે જાત, ભારતથી પણ લોકો જતા હોત, ચીનના લોકો જતા હોત અને એ રીતે ધર્મનો પ્રભાવ વિસ્તરત. તો ગુરુએ ભારતમાં આવી અને મૃત્યુ કેમ સ્વીકાર્યું? એણે ગુરુને એકવાર સવાલ કર્યો કે ‘સાહેબ બોધિ ધર્મગુરુ ચીનમાંથી ભારત કેમ આવ્યા?’ ગુરુ મનમાં હસે છે એ ચીનમાં કાળધર્મ પામે કે ભારતમાં તારી સાધનાને કોઈ ફરક પડે એમ છે?

આ બધા ભેજાબાજ માણસો કયા પ્રશ્નો લાવે? જેને એમની સાધના જોડે ન્હાવા-નિચોવાનો સંબંધ હોતો નથી. એ પ્રશ્નનો અખાડો લઈને આવે.

તો ગુરુ મનમાં હસે છે કે ડફોળ નવસો વર્ષ પહેલાની ઘટના છે એ આમ ઘટી હોત કે આમ ઘટી હોત તારી સાધનાને શો ફરક પડવાનો હતો? પણ ગુરુ મહારાજ એવા મજાના હતા તે સીધું કોઈને ઉતારી ના પાડે. એટલે ગુરુએ કહ્યું કે જ્યારે એકાંતે મળે ને ત્યારે મને પૂછજે. હવે ગુરુ એટલા મોટા હતા કે chamber (houseful) સવાર થી સાંજ સુધી વ્યસ્ત રહે અને ગુરુને ધ્યાનનો સમય વધારે, ધ્યાન નો સમય હોય એટલે chamber બંધ થઈ જાય. સમય તો મળે નહીં અને આના મનમાં પ્રશ્ન ઊંચો-નીચો થાય.

તમારા માટે છે ને પ્રશ્નનું મહત્વ નથી હોતું. તમારો પ્રશ્ન. મમત્વનું મહત્વ. Actually છે ને એકપણ વિકલ્પ તમને ક્યારે પણ બંધનમાં નાખી ન શકે, પણ વિકલ્પો ઉપર તમે મમત્વનું આવરણ ચઢાવો છો. મારો વિચાર. મારો વિચાર, આવ્યો એટલે ખલાસ. એટલે પછી તમે ગયા ડબ્બામાં.

તો આના મનમાં પ્રશ્ન ઉકળ્યા કરે છે કે ગુરુ એકલા મળતા નથી પણ પછી એણે જોયું કે ગુરુ morning walk માટે સવારે જાય છે એ વખતે હું ગુરુ જોડે જાઉ એટલે એને સાંજે પૂછ્યું કે સાહેબ સવારે morning walkમાં તમારી જોડે આવી શકું? તો કહે આવજે. આશ્રમની પાછળ વાંસનું મોટું જંગલ. ગુરુ ત્યાં morning walk કરતા. પેલો શિષ્ય જોડે. હવે એને થયું કે ગુરુ એકલા છે પ્રશ્ન પૂછી લઉ. સાહેબ મારા પ્રશ્નનું  શું? એ ગુરુ ભારતમાં આવીને કેમ મૃત્યુ પામ્યા? ચીનમાં કેમ મૃત્યુ ન પામ્યા? ગુરુ કહે છે આપડે સવારે પાંચ વાગે બે જણા નીકળ્યા છે એટલે આટલા બધા વાંસ ઊભા છે તો એમણે સવાલ નહીં થતો હોય કે બે જણા હવારના પહોરમાં શું મંડી પડ્યા છે? કે સાહેબ વાંસને ક્યાંથી વિચાર આવે? તો ગુરુ કહે છે તું પણ વાંસ જેવો થઈ જા અને પછી ગુરુએ એક શબ્દની લાકડી ઠોકી. ‘હરામખોર તુ સાધક છે? નવસો વર્ષ પહેલાની ઘટના, ગુરુ ત્યાં મૃત્યુ પામ્યા કે અહી મૃત્યુ પામે? તારી સાધનાને કોઈ ફરક પડે છે? તો તારી સાધના જોડે સંબંધ નથી તો એ પ્રશ્ન તું મારી પાસે કેમ લાવી શકે?’

તો તમે ભક્ત હોવ તો તમારી પાસે એકપણ પ્રશ્ન નથી. તમે સાધક છો તો તમારી પાસે એક જ પ્રશ્ન છે કે તમારી અત્યારની ભૂમિકા જે છે એનાથી આગળની ભૂમિકાએ તમે કઈ રીતે જઈ શકો ?

यो मद्भक्त: स मे प्रिय: જે મારો ભક્ત છે એ મને પ્રિય છે અને એ પ્રસાદની ધારામા વહે છે.

છ ચરણો આપ્યા છે: પહેલું ચરણ નિરપેક્ષદશા. આજે homeworkમાં નિરપેક્ષદશાને થોડીક ઘૂંટજો. આવતીકાલે આગળ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *