વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : નિરપેક્ષતા
સામાન્યતાયા આપણું હૃદય સાંસારિક અપેક્ષાઓથી ભરાયેલું હોય કે આ પદાર્થ, આ વ્યક્તિ વિના તો મને ચાલે જ નહિ. પણ કોઈક પુણ્ય ક્ષણે આપણા હૃદયમાં પરમ ચેતનાનો પ્રવેશ થાય છે અને આપણી અપેક્ષાઓનું કેન્દ્રબિંદુ માત્ર પ્રભુ બની જાય છે.
આ ચરણમાં ભલે ભૌતિક કામનાઓની પૂર્તિ માટે જ પ્રભુ પાસે જવાનું થતું હોય, તો પણ આ ચરણની મહત્તા એ છે કે તમારા જીવનના કેન્દ્રબિંદુ તરીકે પદાર્થો કે વ્યક્તિઓના બદલે માત્ર પ્રભુ આવી ગયા. પછીના ચરણમાં પ્રભુ એ હદે ગમવા લાગે છે કે પછી પ્રભુ સિવાય બીજું કંઈ ગમતું નથી. અને તમે પ્રભુ પાસે માંગો છો માત્ર અને માત્ર સાધનાના અગ્રીમ પડાવો.
અને આગળ જતાં તમને અનુભવ થઈ જાય છે કે પ્રભુ મારી સંપૂર્ણ કાળજી રાખી જ રહ્યા છે અને સદગુરુ ચેતના પ્રભુની આજ્ઞા મુજબ મારી સાધનાને આગળ વધારી જ રહી છે. આ અનુભવ પછીના ચરણમાં સાધના જગતના કોઈ પડાવો માટે પણ તમારે પ્રભુને કશું કહેવાનું રહેતું નથી!
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૮
પ્રસાદની બે પેટર્નસ્ છે. એક ભક્ત માટેની, બીજી સાધક માટેની. ભક્ત માટેની પેટર્ન એ છે જેમાં ભક્તે કશું જ કરવાનું રહેતું નથી.
કલિકાલ સર્વજ્ઞશ્રીએ આ પેટર્નની વાત કરતાં કહ્યું; “त्वमकारणवत्सलः (ત્વં અકારણવત્સલ)” પ્રભુ! મારા તરફથી કશું જ તને સમર્પિત કરવામાં આવ્યું નથી અને છતાં તું અહેતુક મારા પર વરસી પડ્યો છે! તો એક ભક્ત માટેની પ્રસાદની પેટર્ન જેમાં ભક્તે કશું જ કરવાનું નથી. આમ પણ ભક્તની જે યાત્રા છે, એનું વર્ણન કઈ રીતે થયું? 100% Grace; and i am effortless person. 100 એ 100 ટકા પ્રભુની કૃપા કામ કરી રહી છે; મારે કશું જ કરવાનું નથી.
સાધક માટેની પેટર્ન એ છે જેમાં સાધક 1% [પ્રતિશત] કામ કરે છે. એક પ્રતિશત સાધનાને ઘૂંટે છે અને 99% [પ્રતિશત] સાધનાનો વરસાદ એના ઉપર થાય છે. એટલે સાધકની યાત્રાનું વર્ણન એ રીતે આવ્યું; કે 99% grace, 1% effort.
તો આપણે સાધક હોઈએ તો આપણી સાધના ભલે એક પ્રતિશતની જ પણ શું હોય? એ સાધનાની વાત ભગવદ્દગીતામાં કહી છે અને એનો શ્લોક આપણી સામે છે. આપણી સામે કહું કે મારી સામે કહું? તમને કોઈને યાદ છે? “अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः। सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः।।” આવો જે મારો ભક્ત છે, આવો જે મારો સાધક છે, તે મને અત્યંત પ્રિય છે.
છ સાધના બતાવી: પહેલી સાધના નિરપેક્ષદશાની છે. આજે બહુ જ એક મજાની વાત કરું કે નિરપેક્ષદશાની સાધનામાં તમે આગળ ને આગળ શી રીતે વહી શકો. પહેલા તો માત્ર અને માત્ર અપેક્ષાઓથી આપણું હૃદય ભરાયેલું હોય છે. આ પદાર્થ જોઈએ.. આ વ્યક્તિ જોઈએ.. આના વિના તો મને ચાલશે જ નહિ.. માત્ર અને માત્ર અપેક્ષાઓથી હૃદય ભરાયેલું હતું. એક પુણ્ય ક્ષણે આપણા હૃદયમાં પરમ ચેતનાનો પ્રવેશ થયો. તમને કદાચ ખ્યાલ નથી; પરમચેતનાના પ્રવેશની તમે જેટલી ઈચ્છા કરો, એના કરતાં વધુ ઈચ્છા પરમ ચેતનાની તમારા હૃદયમાં પ્રવેશ કરવા માટેની છે અને એટલે પરમચેતના ગુરુ ચેતનાને મોકલે છે કે આને તૈયાર કરો, મારે આનામાં પ્રવેશ કરવો છે. આનું હ્રદય બિલકુલ સ્વચ્છ નહિ હોય, ત્યાં સુધી મારો પ્રવેશ શક્ય નથી. તો તમે એના હૃદયને નિર્મળ બનાવો.
સદ્ગુરુના અને પરમાત્માના કામો વહેંચાયેલા છે. એ initial stage નું કામ સદ્ગુરુ કરે છે. તમને સ્વચ્છ બનાવવાનું. જે ક્ષણે તમે સ્વચ્છ બની ગયા, એ ક્ષણે પરમચેતના તમારા ઉપર વરસી પડશે. તો પરમ ચેતના આપણી ભીતર આવવાની પ્રતિક્ષા કરે છે. એક એવી પુણ્ય ક્ષણ આવી કે પરમચેતનાનો પ્રવેશ આપણા હ્રદયમાં થયો. એ પછી આપણી અપેક્ષાનું કેન્દ્ર પ્રભુ બની ગયા. આ એક બહુ મજાનું ચરણ છે. દુનિયાની બધી જ વ્યક્તિઓની અપેક્ષાથી છૂટવું હોય તમારે કે બધા જ પદાર્થોની અપેક્ષાઓથી તમારે મુક્ત બનવું હોય, તો પ્રભુની અપેક્ષા કરો. પ્રભુ અને સદ્ગુરુની અપેક્ષા દુન્યવી તમામ અપેક્ષાઓથી તમને મુક્ત કરશે. તો અપેક્ષાનું કેન્દ્ર પ્રભુ અને ગુરુ બને છે. મારે આજે જે જોઈએ છે તો પ્રભુને કહી દો! સદ્ગુરુને કહી દો! પ્રભુને કહીશ, પ્રભુ મને આપી દેશે. ભલે આ સોપાધિક પ્રેમ છે.
દેવચંદ્રજી મહારાજ જેને સવિશ પ્રેમ કહે છે, એવો આ પ્રેમ છે. પણ આની વિશેષતા એ છે કે પ્રભુ તમારા જીવનનું કેન્દ્રબિંદુ બની ગયા. કંઈ પણ જોઈએ છે, ભૌતિક કામના જ છે. જવાનું ક્યાં? પ્રભુની પાસે. સોપાધિક પ્રેમ હોવા છતાં મહત્તા એની છે કે કેન્દ્રબિંદુ તરીકે માત્ર પદાર્થો, અને માત્ર વ્યક્તિઓ હતાં, એને બદલે કેન્દ્રબિંદુમાં પ્રભુ પોતે આવી ગયા. એ પછી પ્રભુ જ્યાં આવ્યા, અને પ્રભુ તમારા જીવનનું કેન્દ્રબિંદુ બન્યા. પછી પ્રભુને તમે ચાહવા લાગો છો.. અને એ પ્રભુનો પ્રેમ તમને એટલી હદે clean balled કરી નાંખે છે, કે તમે માત્ર અને માત્ર એના થઈને રહો છો.! પછી બધી જ ભૌતિક કામનાઓની ઇચ્છાઓનો અસ્ત થઇ ગયો. હવે જોઈએ છે માત્ર અને માત્ર પ્રભુ..
એટલે આપણે ત્યાં ભક્તિના બે પ્રકાર બતાવ્યા: સકારણ ભક્તિ, નિષ્કારણ ભક્તિ. શરૂઆતમાં ભક્ત સકારણ ભક્તિ કરે છે. પ્રભુએ મારા માટે કેટલું કર્યું..?! “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો” પ્રભુ તમે જ મને અહીં સુધી લઈને આવ્યા છો.! ઉપાધ્યાયજી ભગવંતે ‘હી’ શબ્દ વાપર્યો છે. “ઇતની ભૂમિ પ્રભુ તુમ ‘હી’ આણ્યો” અને આ વિતરાગ સ્તોત્રના એક શ્લોકની એક ચરણનો અનુવાદ છે. “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” ત્યાં પણ કલિકાલ સર્વજ્ઞશ્રીએ ‘એવ’ શબ્દ મુક્યો છે. એકવાર આ સ્તવના ઉપર હું ભાષ્ય કરતો હતો. “ઇતની ભૂમિ પ્રભુ તુમ ‘હી’ આણ્યો” ત્યારે એક ભાવકે મને પૂછ્યું; કે ગુરુદેવ! અમે પણ સાધના તો કરી જ છે. સાધના આપી પ્રભુએ, પછી સદ્ગુરુ દ્વારા અમને એ મળી. પણ એ સાધનાને કરનાર તો અમે છીએ ને…! તો “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો” એ ‘હી’ કેમ આવ્યો? તુમ આણ્યો તો બરોબર હતું.. એટલે partnership માં કામ ચાલત. થોડું તે કર્યું, થોડું મેં કર્યું! ગાડી ચાલી..
મેં કહ્યું; ‘હી’ એટલા માટે આવ્યું છે કે પાછળના બારણેથી પણ તમારો અહંકાર ઘુસી ન જાય. નહીતર મેં સાધના કરી. પ્રભુએ સાધના બતાવી. પછી બુદ્ધિ તો આગળ વધે! સાધના બતાવનારે શું કર્યું? સાધના કરનારે જ મહત્વતા કરી છે ને…! ડોકટરને શું હતું? એ.સી ચેમ્બરમાં બેઠેલો હતો. ફટાફટ લખી નાંખ્યું. આ દવાઓ લેવાની. આ ઇન્જેક્શનો લેવાના. એને ક્યાં સોયનો ગોદો ખાવાનો છે? તો ડોકટર કરતાં પેશન્ટની સાધના વધી જાય ને…! મેં કહ્યું; કોઈ પણ સંયોગોમાં તમારો અહંકાર પાછળના દરવાજેથી પણ ઘુસી ન જાય એના માટે ‘હી’ શબ્દ વાપર્યો કે પ્રભુ તું ‘જ’ મને અહીં લઈને આવ્યો છે. સાધના જગતમાં મારું કોઈ કર્તૃત્વ નથી. એટલે જ જપ કર્યો, શક્રસ્તવને અંતે ૧૦૮ વાર ‘ૐ હ્રીં શ્રીં અર્હં નમઃ’ પછી તરત કહેવાનું છે, ‘गृहाणास्मत्कृतं जपम्’ મેં જપ કર્યો એને તું લઇ લે પ્રભુ! જપનું પુણ્ય, જપની નિર્જરા ભલે મારી પાસે રહે, જપનું કર્તૃત્વ મારી પાસે રહેવું ન જોઈએ. સાધના જગતમાં સૌથી મોટો અવરોધ આ અહંકારનો જ છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું; કે પ્રભુ સંસારમાં હું હતો ત્યારે તો મારો પાસે અહંકાર હતો. મેં આ કર્યું.. મેં આ કર્યું.. મેં આ કર્યું.. તે મને દીક્ષા આપી. હું દીક્ષિત થયો. તારા સાધના જગતમાં મારો પ્રવેશ થયો, અને છતાં અહંકાર તો મારો એવો ને આવો સબુત છે.! “તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે” આ એમણે આપણી વેદનાને શબ્દાકિંત કરી છે. એ તો મોટા ગજાના સાધનાચાર્ય ભક્તિયોગાચાર્ય હતા. પણ, આપણી વેદનાને એમણે અહીંયા શબ્દાકિંત કરી. “તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે” તપ અને જપ શ્રેષ્ઠ સાધનાઓ, પણ એ શ્રેષ્ઠ સાધનાને કારણે મહામોહનું તોફાન ઉપડે તો શું કરવાનું? અહંકારનું તોફાન ઉપડે તો શું કરવાનું? દરિયામાં તોફાન ઉપડ્યું. નાવ શી રીતે ચાલે? પ્રભુ તપ મેં કર્યો, જપ મેં કર્યો, એ અહંકારનું તોફાન એટલું બધું છે કે મારી સાધનાની નાવ એક ઇંચ, એક સેન્ટીમીટર દરિયામાં આગળ વધતી નથી! પ્રભુની કૃપા વિના સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર તમે જઈ શકતા નથી!
એક રૂપક કથા હું ઘણીવાર કહેતો હોઉં છું. એક હાથી રોડ ઉપર ચાલતો હતો. એમાં નદી આવી. નદી પર પુલ હતો. પુલ થોડો જુનો થઇ ગયેલો. હાથીભાઈના પગલાં ધમધમ પડે ને, એટલે પુલ ધ્રુજી ઉઠ્યો. સદ્ભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. રોડ ઉપર હાથીભાઈની journey ચાલુ થઇ. હાથીને તો ખબર પણ નહતી, એક માખી હાથીના કાન પાસે બેઠેલી. એ માખીએ હાથીને કહ્યું; કે હાથીભાઈ! હાથીભાઈ! આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો! આ માખીઓ છે ને પેલી માખીને ટપી જાય એવી હોય.! એણે તો કમસેકમ હાથીને પણ credit આપી! કે આપણે બેઉએ ભેગા થઈને પુલને ધ્રુજાવ્યો.! અહીંયા બેઠેલી ઘણી માખી એવી હોય છે કે કહી દે, મેં માસક્ષમણ કર્યું.!
તો સાધનામાર્ગમાં કર્તૃત્વ માત્ર અને માત્ર પ્રભુનું છે. એને કારણે સકારણ ભક્તિ આપણા હૃદયમાં પનપી. કે પ્રભુ! તે આટલું બધું મારા માટે કર્યું! મેં તારી કોઈ ભક્તિ કરેલી નહિ, અરે! હું તને જાણતો પણ નહતો! અને એ વખતે તે મને આટલો ઉઠાવ્યો.! તે મારી આટલી personal care કરી.! આંખમાં આંસુ આવે અને પ્રભુની ભક્તિ થઇ ગઈ. આ છે સકારણ ભક્તિ.
એ પછીની નિષ્કારણ ભક્તિ. તમને પ્રભુ એટલી હદે ગમવા લાગે છે, કે તમે એની ભક્તિ વગર રહી શકતા નથી. કોઈ કારણ નથી. ભક્તિ કેમ કરો છો? ભક્તિ કર્યા વિના રહેવાતું નથી! દૂધ કોઈ માણસ પીએ ને, તો એની પાસે ઉદ્દેશ હોય. શક્તિ વધે કે કેલરી વધારે મળે. પણ, કલાકે કલાકે કોઈ ચા પીતો હોય, તો એ શું કહેશે, કેમ ભાઈ ચા કેમ પીઓ છો? ચા પીધા વિના રહેવાતું નથી. એમ નિષ્કારણ ભક્તિ એ છે જેમાં પ્રભુની ભક્તિ કર્યા વગર તમે રહી શકતા નથી.
તો આજે આપણે આપણી નિરપેક્ષદશાને બરોબર સમજવી છે. અને એ નક્કી કરવું છે કે તમે કયા સ્તર પર છો? માત્ર અપેક્ષાઓનું સામ્રાજ્ય એ પહેલું સ્તર હતું. પ્રભુચેતનાનો હૃદયમાં પ્રવેશ થયો; પ્રભુ આપણી અપેક્ષાનું કેબ્દ્ર બન્યા, એ પછીનું ચરણ આવ્યું.
જરૂર, માંગીએ છીએ ભૌતિક કામનાઓની પૂર્તિ. પણ, પ્રભુ દ્વારા જ માંગીએ છીએ. એટલે ધીરે ધીરે ધીરે અપેક્ષાઓનું કેન્દ્ર પ્રભુ બનતા જાય છે. એ પછીનું ચરણ એ આવે છે, કે પ્રભુ એટલી હદે ગમવા લાગે છે, કે પ્રભુ સિવાયનું બીજું કંઈ ગમતું નથી! અને આ ક્ષણે તમે પ્રભુ પાસે માંગો છો, માત્ર અને માત્ર સાધનાના અગ્રિમ પડાવો! કે પ્રભુ આના પછીનો સાધનાનો પડાવ તું મને આપી દે. આના પછીનું પણ એક ચરણ છે; એ ચરણ એ છે કે જ્યાં અનુભવ થઇ ગયો, કે પ્રભુ મારી સંપૂર્ણ કાળજી રાખી રહ્યા છે. સાધનાના કયા પડાવે મારે જવું, એનો ખ્યાલ પરમચેતના રાખે છે, અને એ પ્રમાણે ગુરુચેતનાને એ આદેશ કરે છે અને ગુરુ ચેતના મને એ રીતે લઇ જાય છે; એટલે કે સાધના જગતના કોઈ પણ પડાવ માટે મારે પ્રભુને કહેવાનું રહેતું નથી.!
મેં વચ્ચે કહેલું ને; કે હું કરોડપતિનો દીકરો હોય, એવી મારી ભૂમિકા હતી. અને હજુ પણ કહું છું, ‘હતી’. પણ હતી; ‘હતી’ એ સંદર્ભમાં કે હું માંગતો અને મળી જતી. સાધનાનો જે પડાવ માંગું એ મળી જાય. આ ઉદાસીનદશા જોઈએ તો એ મળી જાય.! આ નિરપેક્ષદશા જોઈએ તો એ મળી જાય.! પણ એ પછીની ભૂમિકા અત્યારે એ આવી, કે જ્યારે હવે એની પાસે કંઈ માંગવાનું જ ન રહ્યું.! મારી સાધના માટે જે-જે સમયે જે જરૂરિયાત હશે એને પુરી પાડવા માટે એ પોતે સજ્જ છે. એટલે મારે આગળનો પડાવ માંગવાની જરૂરિયાત પણ નથી. મને એ પણ ખબર નથી કે મારી અત્યારની સાધનાનું અગ્રિમ પડાવ કયો હશે, એ જ નક્કી કરશે અને એ જ મને પડાવ આપશે. આવી રીતે નિરપેક્ષદશામાં આપણે આગળ વધવું છે. તમારી પાસે બે જ ભૂમિકા હોઈ શકે- યા તો એ ભૂમિકા નિરૂપાધિક પ્રેમની કે પ્રભુ પાસે સાધનાનો કોઈ પણ પડાવ માંગો અને મળી જાય. અથવા એની પછીની ભૂમિકા કે તમારે કંઈ જ choice કરવું નથી.! You are totally choiceless.
કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશીકામાં કહ્યું; “मोक्षेप्यनिच्छो भवितास्मि नाथ:?” એવું યથાખ્યાત ચારિત્ર મને ક્યારે મળશે પ્રભુ કે મોક્ષને વિશે પણ ઈચ્છા વગરનો હું થઇ જઈશ.
ઉશનસની એક બહુ મજાની પ્યારી કવિતા છે. ઉશનસઆપણા બહુ મોટા ગજાના ગઝલકાર અને ગીતકાર. એ કહે છે; પ્રાર્થનાના લયમાં “મને કોઈ પણ ઈચ્છાનું વળગણ ન હો પ્રભુ” “મને કોઈ પણ ઈચ્છાનું વળગણ ન હો પ્રભુ” પણ પછીની જે લીટી છે; marvelous! અદ્ભુત! આ પણ ઈચ્છા છે, એ પણ ન હો!
તો અનપેક્ષ, પહેલું ચરણ: દુનિયા પ્રત્યેથી બિલકુલ નિરપેક્ષ બની જાવ; પ્રભુ તરફ માત્ર મીટ માંડીને બેસી રહો. સંત તુલસીદાસજી યમુનાને કાંઠે. શું મસ્તી હોય છે એ સંતોની! કારણ એમને કશું જોઈતું નથી હોતું. એ કહે છે; આટલા વૃક્ષો છે રહેવા માટે. ખાવા માટે ફળ-ફળાદિ છે. તો માણસને બીજું જોઈએ શું? એ તુલસીદાસજીને એકવાર અકબર રાજાનો મંત્રી તેડવા માટે આવે છે. અકબર બાદશાહે પણ તુલસીદાસની પ્રશંસા સાંભળી અને એમણે વિચાર્યું કે; મારા દરબારમાં તુલસીદાસજીને બોલાવું. મંત્રીને કહ્યું; મંત્રીએ રથ લીધો. રથ લઈને યમુનાને કાંઠે આવ્યા. તુલસીદાસજીને કહ્યું; અકબર બાદશાહ આપને બોલાવે છે. હવે આ તુલસીદાસજી ભગવાનની દુનિયામાં રહેલા માણસ. અકબર એટલે શું? અકબર બાદશાહ આપને બોલાવે છે. હું નથી આવવાનો. અરે! પણ અકબર બાદશાહ ગુસ્સે થઇ જશે તો…? તો કહે ગુસ્સે થાય તો શું થાય? સંતો નિર્ભય કેમ હતા? આના ઉપર પણ આસક્તિ નહતી માટે! Body attachment totally ખરી પડેલું, એટલે નિર્ભય હતા. તમે બધા નિર્ભય ને આમ? ડોક્ટર કહે છે કેન્સર, third stage નું, થોડા દિવસ.. સરસ. ખબર પડી ગઈ, વધારે સાધના કરી લઈશું. તમે બિલકુલ નિર્ભય હોવ ને?
તમને ખ્યાલ છે આપણા ધર્મની પ્રાર્થના બધા જ ધર્મોની પ્રાર્થના કરતાં અલગ પડે છે. ક્રિશ્ચયન હશે તો શું કહેશે; god give us long life. હિંદુ હશે તો શું કહેશે; ‘શતં જીવ શરદ:’ એક આપણે જૈનો પ્રભુની પાસે રોજ મૃત્યુની માંગણી કરીએ છીએ. ‘જયવીયરાય’ સૂત્રમાં રોજ આપણે માંગીએ છીએ; ‘સમાહિમરણં ચ’ પ્રભુ જન્મ મળ્યો, મૃત્યુ આવવાનું જ છે; પણ તારા નામનું સ્મરણ કરતાં કરતાં મનને તારામાં મુકીને, હું આ પાર કે પેલે પાર આવી જાઉં એટલી મારી ઈચ્છા છે.
સંતો નિર્ભય હતા. Body attachment ખરી પડ્યું હતું. બાદશાહ કરી-કરીને શું કરે? ફાંસીની સજા કરે! તૈયાર છે.! એ વખતે તુલસીદાસજીએ એ હિંદુ મંત્રીને કહેલું; “બનહી તો રઘુવીરશે, બિગડી તો ભરપુર; જગ સે બની બો બિગડી બો, તુલસી સરકી ધૂલ” એ કહે છે; આ જીવન શેના માટે મળ્યું છે? બનહી તો રઘુવીરશે – ભગવાન રામથી પ્રીત સાધવા માટે આ જન્મ મળ્યો છે. ‘બિગડી તો ભરપુર’ – અને કદાચ ગુસ્સો કરીશ ને તો પણ એની જોડે જ કરીશ.! નારદ ઋષિએ ભક્તિ સૂત્રમાં પણ કહ્યું; કે રાગ, દ્વેષ, અહંકાર કરવાની છૂટ! પણ પ્રભુને કેન્દ્ર બનાવીને કરવાની છૂટ.. રાગ કરો પ્રભુની સામે!
એક ભક્તે દેવચંદ્રજી મ.સા. ને પૂછેલું; કે ગુરુદેવ! આપ તો વિતરાગતાની ધારાની વાતો કરો.. વૈરાગ્યની ધારાની વાતો કરો.. અમને કંઈ પલ્લે ન પડે આ.! દેવચંદ્રજી મ.સા. મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય. એમણે કહ્યું; કે રાગ કરતાં તો આવડે? ફાવે? રાગ કરતાં ફાવે ને? પ્રભુ સાથે રાગ કર ચલ. ઝઘડો કરીએ તો પણ પ્રભુની સાથે! તે મને આ શ્રામણ્ય આપ્યું.! પ્રભુ જોડે ક્યારેય કરો છો ઝઘડો? તે મને શ્રામણ્ય આપ્યું.! તે મને આ રજોહરણ આપ્યું.! આ રજોહરણ જેની પાસે હોય, એની પાસે કઈ સજ્જતા હોય એ તને ખબર નથી?! તો એ સજ્જતા તે મને કેમ ન આપી? છોકરો પહેલીવાર ભાઈબંધના reception માં ગયો. બધા નવા કપડાં પહેરીને આવેલા, આના કપડાં જુના. શરમાઈ ગયો. પણ ઘરે આવીને મમ્મીને લડે છે કે તને ખબર નહતી, reception માં જવાનું છે, એવા કપડાં તે કેમ ન પહેરાવ્યા? પ્રભુ સાથે લડો છો?
તો તુલસીદાસજી કહે છે; “બનહી તો રઘુવીરશે, બિગડી તો ભરપુર” લડીશ તો એની જોડે લડીશ. “જગ સે બની બો બિગડી બો, તુલસી સરકી ધૂલ” જગતમાં કંઈ સારું થયું, કોઈ મારા ઉપર ખુશ થયો. તો પણ એનો શો મતલબ? કોઈ મારા ઉપર નારાજ થયો તો પણ મને શો ફરક પડે? જગત તરફ ખુલતી ઘટનાથી મને કોઈ અસર થતી નથી, મને માત્ર પ્રભુ તરફ ખુલતી ઘટનાની જ અસર થાય છે. ક્યારે એવું લાગે આમ? કોઈક વિરાધના કરીને ગયા હોઈએ, અને પ્રભુની આંખો લાલ લાલ દેખાય એવું લાગે?
મુંબઈમાં એક નાનો દીકરો. ૨૧માં માળ ઉપર ટેરેસ પર દેરાસર. ઘર દેરાસર. રોજ દીકરો ત્યાં પૂજા કરવા માટે જાય. એકવાર ટાઈફોઈડ થયો. ૧૫-૨૦ દિવસ સુધી સ્કુલે પણ જવાયું નહિ. પૂજા કરવા પણ જવાયું નથી. ન્હાવાનું જ નહતું. સ્કુલમાંથી તો leave certificate મંગાવી લીધેલું. મમ્માએ કહ્યું; જે દિવસે સ્કુલે જવાનું હતું એ દિવસે કે પહેલા પ્રભુની પૂજા, પછી સ્કુલ. દીકરો કહે છે; પૂજા કરવા જાઉં, તું મારી જોડે ચાલ. માઁ કહે છે; રોજ તું પૂજા કરવા એકલો જતો હતો. બહાર ક્યાંય જવાનું નથી. લીફ્ટમાં ઉડીને સીધું જ ટેરેસ પર જવાનું છે. મારી જરૂરિયાત કેમ? અને એ વખતે એ દીકરો કહે છે; વીસ દિવસ હું ગયો નથી, leave certificate ભગવાનનું લીધું નથી. ભગવાન ગુસ્સે થશે તો? તું જોડે હોય તો કામ આવે.
તમને આવું થાય ક્યારેય? કંઈક સારું કરીને ગયા, પ્રભુનો ચહેરો હસતો હોય. કંઇક ખરાબ કરીને ગયા… ઉપધાનવાળા ભાઈઓને કહું; એક વિરાધના કરીને ગયા દેરાસરે; આમ પ્રભુની આંખમાં સહેજ લાલાશ દેખાય ખરી? જેવી રીતે આપણા દાદા.. દાદા પાસે જાવ; ખરાબ કામ કરીને ગયા છો, દાદાનો ચહેરો upset હોય, સારું કામ કરીને ગયા છો, દાદા તમને બાહોમાં લેશે.
પહેલું ચરણ છે અનપેક્ષ: દુનિયાની અપેક્ષાથી મુક્ત બની એકવાર પ્રભુની અપેક્ષામાં આવવું તો પણ વાંધો નથી. પ્રભુની અપેક્ષામાં આવ્યા પછી, સદ્ગુરુની અપેક્ષામાં આવ્યા પછી, એમાંથી મુક્ત કેમ થવું, એ પ્રભુ અને સદ્ગુરુ તમને બતાવશે. તો પહેલું ચરણ નિરપેક્ષદશા.
