Namaskar Bhaav Ni Sadhna – Vachana 9

43 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : આત્મવિશ્રાંતિ

સામાન્ય માણસના મનનું conditioning થયેલું હોય કે અનુકૂળ, તે સારું અને પ્રતિકૂળ, તે ખરાબ. સાધકને તો પ્રતિકૂળતામાં પણ આનંદ આવે. આપણા જીવનમાં આ સૂત્ર સ્થાપિત થઇ જવું જોઈએ કે જેટલી પ્રભુની આજ્ઞા વધુ, તેટલો આનંદ વધુ. પ્રભુની આજ્ઞાથી શરીરની સુખાકારી પણ મળે, ચિત્તની પ્રસન્નતા પણ મળે પણ સૌથી મહત્ત્વનું, આત્માની નિર્મળતા મળે.

જેટલી પ્રભુમયતા વધુ; પ્રભુની આજ્ઞામાં જેટલું તમે વધુ ઊંડે ગયા, તેટલી જ પદાર્થોની અને વ્યક્તિઓ પ્રત્યેની અપેક્ષાઓ ગઈ. અપેક્ષા ગઈ એટલે પીડા પણ ગઈ. પોતે પોતાના આનંદમાં ડૂબી જવાય. પરમાં આપણી ચેતના ક્યાંય જાય નહિ, માત્ર સ્વમાં સ્થિર થયેલી હોય તે જ આત્મવિશ્રાંતિ.

જિમ ધાવ ખેલાવત બાળ. આપણે એ અવસ્થાએ પહોંચવું છે કે જ્યાં વ્યવહારના સ્તર પર ફરજોનું પાલન થયા કરે, પણ રસ માત્ર સાધનામાં હોય. ઉપરનું મન અભ્યાસને વશ પ્રવૃત્તિ કરી લે; પણ ચેતના, ઉપયોગ ભીતર ડૂબેલો હોય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

નમસ્કાર ભાવ ની સાધના વાચના –

પ્રસાદ લગભગ અનાયાસે જ પ્રાપ્ત થઇ જતો હોય છે. કયારેક જન્માન્તરીય સાધના હોય છે. ક્યારેક સદ્ગુરુનો શક્તિપાત હોય છે. પરંતુ ક્યારેક એના માટે સાધના પણ કરવી પડે છે. એ સાધનાનું પહેલું ચરણ નિરપેક્ષદશા. પરમાત્માનો મુનિ, પરમાત્માની સાધ્વી સંપૂર્ણતયા નિરપેક્ષ; અને એથી શાતામાં નહિ, પરમ શાતામાં.! તમને શાતા પૂછવા આવનાર શરમાઈ જવો જોઈએ. એને લાગે કે આમને વળી શાતા શું પૂછવાની?! આ તો પરમ શાતામાં ડૂબેલા છે!

પરમપાવન દશવૈકાલિક સુત્રે એટલે જ કહ્યું; ‘संजया सुसमाहिया’. સંજયા સમાહિયા નથી કહ્યું, संजया सुसमाहिया. પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી પરમશાતામાં… એવી શાતા, એવો આનંદ જે દુનિયામાં બીજે ક્યાંય હોઈ ન શકે. લોકોના મનનું conditioning થયેલું હોય છે. અનુકૂલન એ સારું, પ્રતિકૂલન એ ખરાબ. મુનિના મનનું, એક પ્રભુની સાધ્વીના મનનું conditioning અલગ હોય છે. અહીંયા તો જેટલી પ્રતિકૂળતા વધારે એટલો આનંદ વધારે. અનુકૂળતા ઘણી બધી આપણી પાસે હતી, બધી છોડીને આવ્યાં, પ્રતિકૂળતાને માણવા માટે- Enjoy કરવા માટે. કોઈ પ્રતિકૂળતાને ક્યારે પણ સહન કરવાની નથી, Enjoy કરવાની છે- માણવાની છે; મજા આવી જાય.. “आयावयंति गिम्हेसु, हेमन्तेसु अवाउडा। वासासु पडिसंलीणा, संजया सुसमाहिया” ગરમી છે, પતરાવાળો ઉપાશ્રય છે. પણ, એ ગરમીનો બોધ કોને થશે? એ ગરમીના સમયમાં જેને ખુલ્લા તાપમાં જઈને આતાપના લેવી છે, એને પતરાવાળા મકાનમાં પ્રતિકૂળતાનો બોધ કઈ રીતે થશે?

પ્રભુની સાધનામાં એક બહુ સરસ વાત આવે છે, કે ઠંડી બહુ હોય ત્યારે પ્રભુ શું કરતાં? થોડું ચંક્રમણ કરતાં- ફરી લેતાં; અને ફરી પાછા ઉભા રહી જતાં. ઠંડી છે, બહુ જ ઓછા વસ્ત્રો પહેરીને રહેવું છે. “वासासु पडिसंलीणा” ચોમાસું છે તો શરીરને ગોપવીને રહેવું છે. ગુફાઓ જે હતી ને, એ ગુફાઓ વર્ષાકાળ માટે બહુ સારી હતી. ગુફામાં તમે અંદર અંદર અંદર બેસી જાવ તો વરસાદની વાછટ તો ન આવે, પણ એ વરસાદની ઠંડકથી મિશ્રિત હવા પણ એ ગુફામાં અંદર અંદર આવે નહિ. પ્રભુની આજ્ઞાનું પાલન; અને આનંદ જ આનંદ. એટલે આપણા જીવનમાં એક સૂત્ર આ સ્થાપિત થવું જોઈએ કે જેટલી પ્રભુની આજ્ઞા વધારે એટલો આનંદ વધારે. મેં તો એને માણ્યો છે… એટલી બધી મજા… એટલો બધો આનંદ… શબ્દોમાં એને વ્યક્ત ન કરી શકાય! પ્રભુની બધી જ આજ્ઞાઓ શરીરની સુખાકારી માટે પણ હોઈ શકે, ચિત્તની પ્રસન્નતા માટે પણ હોઈ શકે; પણ સૌથી વધુ આત્માની નિર્મળતા માટે છે.

સો એક વર્ષ પહેલાંની એક ઘટના કહું. એક ગામમાં આચાર્ય ભગવંત પધારેલ. ૧૦-૧૨ શિષ્યો જોડે હતા. ઉનાળાનો સમય. એ ગામમાં એક વૈદ્યરાજ રહેતાં. બહુ જ અનુભવી. ૮૦ વર્ષની વય. પણ કોઈ પણ વ્યક્તિને જોવે, અને કહી દે, એને આનો રોગ છે. નાડી પણ તપાસવાની નહિ! માત્ર એના ચહેરાને જોઇને નક્કી કરી લેવાનું કે આ દર્દ છે. જેમ-જેમ સાધનો વધ્યા ને ડોકટરો પાસે, એમ ડોકટરોની મૂળભૂત શક્તિ ખતમ થઇ ગઈ. મેં પણ એવા વૈદ્યો જોયા છે કે જે માત્ર આપણા ચહેરાને જોઇને આપણા દર્દની વાત કરી શકે.

તો ઉનાળાનો સમય. બપોરના ૧૨-૧૨.૩૦ વાગેલા. એક યુવાન મહાત્મા ગોચરી વહોરીને ઉપાશ્રય તરફ જઈ રહ્યા છે. વૈદ્યરાજની દુકાન પાસેથી એ પસાર થયા. વૈદ્યરાજે એમના ચહેરા પરથી જોઈ લીધું કે અત્યંત તરસ એમને લાગેલી છે. પણ આટલી તરસમાં એ ઉપાશ્રયે જઈને જો તરત પાણી પીશે તો એમની હોજરી ફાટી જશે. એક ખાલી મુખ જોઇને આટલું diagnosis કરી લીધું! કે તરસ બહુ લાગેલી છે; જઈને તરત પાણી પીશે. આટલી ગરમીમાં એ જઈ રહ્યા છે.. આટલી ગરમીમાં એ ફર્યા છે, અને જ્યાં એ પાણી પીશે હોજરી ફાટી જશે. મુનિરાજ તો ઝડપથી નીકળી ગયા. વૈદ્યરાજની ઉંમર ૮૦-૮૨ ની છે. ઝડપથી ચાલી શકે એમ નથી. બપોરનો સમય. ગામડું ગામ. કોઈ નાનકડો છોકરો પણ હાજર નથી; નહીતર દોડાવત છોકરાને કે મ.સા. વૈદ્યરાજ આવે છે, તમે પાણી પીતા નહિ. કોઈ એવું નથી. છેવટે પોતાનો ધર્મ તો હતો જ. દુકાન એમને બંધ કરી. ધીમી ગતિએ ઉપાશ્રય તરફ ગયા. ઉપાશ્રય પહોંચ્યા. એ મ.સા. ઉપાશ્રયની અંદર ઠેઠ છેલ્લા બારણાં પાસે બેઠેલા. ઉપાશ્રયની ડહેલીમાં પ્રવેશ થાય, વૈદ્યરાજે પેલા મહાત્માને જોયાં. જોયાં અને શાંતિ થઇ, કે છે તો સ્વસ્થ; અને પુસ્તક વાંચી રહ્યા છે. ગયા, હવે કંઈ ઉતાવળ નથી. વંદન કર્યું. પૂછ્યું; મ.સા. તમને તરસ બહુ જ લાગેલી હતી. મેં તમારું મુખ જોઇને નક્કી કરેલું કે તમને તરસ બહુ જ લાગેલી છે. આવી તરસ જેને લાગેલી હોય, એ પાણી પીધા વિના રહી શકે નહિ. તમે પાણી નથી પીધું એ નક્કી છે. પાણી પીધું હોત તમારી હોજરી ફાટી ગઈ હોત. તમે જીવતાં રહત કે નહિ એ સવાલ હતો. પણ, તમે પાણી નથી પીધું એ નક્કી છે. તો આટલી તરસ હોવા છતાં તમે પાણી કેમ ન પીધું? એ વખતે મહાત્માએ કહ્યું; કે અમારો આ આચાર છે. પ્રભુએ અમને આજ્ઞા આપેલી છે. અમે ઉપાશ્રયમાં આવીએ. ગુરુજીને ગોચરી બતાવીએ. ગોચરી આલોચવાની ક્રિયા કરીએ. પાત્રાને યથાસ્થાને મૂકી દઈએ. અને પછી અમારા આસન ઉપર બેસી ઈરિયાવહિયા કરી અને અમે સ્વાધ્યાય કરીએ. પા-અડધો કલાક -પોણો કલાક સ્વાધ્યાય કરીએ. એ સ્વાધ્યાય કર્યા પછી પચ્ચક્ખાણ પારવાની વિધિ કરીએ, અને પછી અમે પાણી પીએ. મ.સા. તમારા આચાર ધર્મે, તમારા પ્રભુની આજ્ઞાએ આજે તમને બચાવી લીધા. નહીતર ૮૨ વર્ષની મારી life માં એક પણ મારું diagnosis ખોટું પડ્યું નથી. હું કહી દઉં કે અઠવાડિયામાં આ માણસ રહેશે નહિ, તો એ ન જ રહે. આજે પણ મેં diagnosis કરેલું, કે તમે જઈને પાણી પીશો; પાણી પીશો અને હોજરી તમારી ફાટી જશે. પણ, તમારા આચાર ધર્મે, તમારા આજ્ઞા ધર્મે તમને બચાવી લીધા.

તમે બધા એક પત્ર લખી શકો, પ્રભુના નામ ઉપર? કે પ્રભુ! તારા માર્ગ ઉપર હું આવ્યો, તારી આજ્ઞાનું પાલન થયું, અને એ આજ્ઞા પાલને મને જે આનંદ આપ્યો, એની વાત આજે તારા ચરણમાં હું મુકું છું. ઉપધાનવાળા સાધકોને પણ કહું; ભાઈઓને, બહેનોને એક પત્ર પ્રભુના નામ ઉપર લખવો છે. ૧૫ દિવસ ઉપધાનના થઇ ગયા. કેવો આનંદ મળ્યો? ઘર યાદ આવે છે આમ? ઘર યાદ આવે? આ મોબાઈલ છૂટ્યો ને એટલે બધું છૂટી ગયું! કેમ…? આખી દુનિયા છૂટી ગઈ.!

એક સંઘયાત્રા હતી, કદંબગિરિથી પરમપાવન શત્રુંજય તીર્થની. પહેલા જ દિવસે બપોરે પ્રવચન. મેં મંગલાચરણ કર્યું. ઉદ્ઘોષક ભાઈએ જાહેરાત કરી; કે બધાના મોબાઈલ off કરી દેજો, Silent mode ઉપર મૂકી દેજો. પછી મારું પ્રવચન ચાલુ થયું. વચ્ચે ને વચ્ચે કો’કનો કો’ક મોબાઈલ રણકી ઉઠે. લોકોની નજર ત્યાં જાય. સહેજ લોકો આકળા થઇ જાય. ભાઈ કહેલું છે; છતાં તમે મોબાઈલને કેમ off કરતાં નથી? હું એકદમ ફ્લેક્ષીબલ માણસ.. મેં કહ્યું; શત્રુંજય તીર્થની યાત્રાએ જવા નીકળેલો યાત્રિક એનો મોબાઈલ રણકે, તો એવું ન મનાય કે આદેશ્વર દાદાનો ફોન આવ્યો હશે!

બીજા દિવસે હું ચાલતો હતો. એક ભાઈ મારી પાસે આવ્યા. મને કહે સાહેબ; તમારી ગઈકાલ વાળી વાત મને બહુ ગમી, કે આદેશ્વર દાદાનો ફોન અમને આવે? તો તો અમે ન્યાલ થઇ જઈએ.! મને કહે સાહેબ; મારા ઉપર હજુ આદેશ્વર દાદાનો ફોન નથી આવ્યો, પણ મને નંબર આપો. હું લગાડું. મેં કહ્યું; નંબર તો આપું. પણ તારા મોબાઈલના બધા જ નંબર તારે ડીલીટ કરવા પડે. જે મોબાઈલથી તું પ્રભુ જોડે વાત કરે, એનાથી જ બીજાઓ જોડે વાત કરે, એ ચાલી શકે? એ પણ હોશિયાર ખોપરી હતી! મને કહે; નંબર ડીલીટ કરે તો પાલવે નહિ, એના ઉપર તો ધંધો આખો set થયેલો છે. પણ આજે જ નવો મોબાઈલ લઇ આવું, અને એમાં પ્રભુનો જ નંબર રાખીશ. એમાં માત્ર ભગવાનનો નંબર રાખીશ. હવે નંબર આપો. મેં એને કહ્યું; કે પ્રભુનો નંબર યાદ રાખવો બહુ સહેલો છે, પણ લગાડવો બહુ અઘરો છે. મને કહે ગમે એટલો અઘરો હોય, તમે નંબર મને કહો. મેં કહ્યું; પ્રભુનો નંબર આટલો જ છે; 10 time zero. 000 – તમે bodyless experience માં આવ્યા તો પહેલો ઝીરો. ઉપધાનમાં આવ્યા એટલે શું થયું? bodyless experience થયું. સવારે ઉઠતાં અને ચા યાદ આવતી, હવે પ્રતિક્રમણ યાદ આવે છે, પ્રભુ યાદ આવે છે. તો bodyless experience – first zero.

Nameless experience; નામથી પણ પર બની જવાનું! નામ તો શું છે? સોસાયટીએ વ્યવસ્થા માટે આપેલી એક સંઘટના છે. સોસાયટીએ નામ આપ્યું, માત-પિતાએ શરીર આપ્યું, તમે એના ઉપર હું નું સ્ટીકર લગાડી દીધું! bodyless experience, nameless experience, mindless experience આ રીતે 10 time zero જ્યારે થાય ત્યારે પ્રભુ સાથે વાત થાય! અમારી લોકોની રોજ પ્રભુ સાથે વાત થાય છે. રોજ…! જ્યાં 10 time zero આવ્યો; નંબર લાગી ગયો, વાતચીત શરૂ થઇ ગઈ.

તો મોબાઈલ છૂટ્યો છે તો એના કારણે કેટલી બધી રાહત છે આમ…! મૌન સાધના શિબિર હોય છે ને અઠવાડિયાની હોય કે પાંચ દિવસની હોય, એમાં પણ કમ્પલસરી મોબાઈલ તમારો લઇ લે. એ પાંચ કે સાત દિવસ મોબાઈલ વિના જ્યારે સાધકો રહે છે, એટલી તો શાંતિ એમને લાગે છે, કે જતી વખતે પોતાનો મોબાઈલ હાથમાં લેતા એમનો હાથ ધ્રુજે છે કે આ બલા ક્યાંથી આવી ફરી? દોઢ મહિનાનો તમારો અનુભવ તમારા પુરા જીવનને બદલી નાંખશે. અત્યાર સુધી ઘણા બધાની અપેક્ષામાં તમે છો. પદાર્થોની, વ્યક્તિઓની; આ ઉપધાન પછી તમે નિરપેક્ષ બની જવાના. ખાવા નહિ મળ્યું, વાંધો નથી, મને ટેવ છે. ૪૮ કલાકે એકવાર જમતો, અને એમાં ય ઉલટી થઇ જતી, તો પણ આરામથી ઉપધાન કર્યા છે. જમવાનું નથી મળ્યું તો શું વાંધો છે! ચલાવી લઈશું. કંઈક મળ્યું. કંઈક ન મળ્યું. કંઈક ઓછું મળ્યું. બસ, મજા જ મજા. તમારો આનંદ, તમારી મજા ક્યારેય પણ તૂટે નહિ એવી વ્યવસ્થા પ્રભુએ તમારા માટે કરી છે. કોઈ માણસ હોય ને, અખાડામાં જાય, જીમમાં જાય કસરત કરે. કસરત કરી શરીરને સુદ્રઢ બનાવ્યું. પછી એનો ઉપયોગ ક્યાં કરે? કોઈ રસ્તામાં મળે અને ફેટ મારે ત્યારે ઉપયોગ કરી નાંખે. એમ દોઢ મહિનામાં જે તમે શીખશો, એનો ઉપયોગ તમારે અહીંથી નીકળ્યા પછીની જીંદગીમાં કરવાનો.

પહેલા અમે કોઈ પણ ગામડામાં જઈએ, આયંબિલશાળા તો હતી નહિ. ટેલીફોનની વ્યવસ્થા નહતી, નાના ગામડાઓમાં. કે મ.સા. પધારવાના છે, એવી સુચના સંઘવાળા પણ કરી શકે. 7/7.૩૦/8 વાગે સામે ગામ પહોંચીએ. પહોંચ્યા પછી પહેલી જ આવશ્યકતા પરમાત્માની અને પછી પાણી. ઉનાળો હોય અને તરસ લાગેલી હોય. એ વખતે એક સેવક આવી જાય. સાહેબ! હમણાં ચાર જણા અમારે ત્યાં ઉપધાન કરીને આવ્યાં છે. એ ચારે ઘરે ઉકાળેલું પાણી હોય જ. ચાલો તમને ત્યાં લઇ જાઉં. એવી એક પરંપરા હતી કે ઉપધાન કરીને આવે, એ ઉકાળેલું પાણી પીએ જ, એનાથી કાચું પાણી પીવાય જ નહિ. શું પ્રભુનું શાસન છે! કેટલા ઉપધાનો, કેટલા સંઘો, કેટલા ભવ્ય મહોત્સવો, એક-એક મહોત્સવ તમને પ્રભુમય બનાવીને જાય. અને જેટલી પ્રભુમયતા વધારે, પ્રભુની આજ્ઞામાં જેટલું તમે વધુ ઊંડે ગયા, પદાર્થોની, વ્યક્તિઓની અપેક્ષા ગઈ.

એક હિંદુ સંત હતા. બહુ જ નિઃસ્પૃહ. કશું જ જોઈએ નહિ. એમની પાસે ભાગવતનું એક પુસ્તક હતું, હાથે લખેલું, સચિત્ર. આવું પુસ્તક એન્ટીક હોય, ૨૦૦-૪૦૦ વર્ષ જુનું હોય, તો એની કિંમત લાખો રૂપિયામાં ગણાતી હોય છે. પણ સંતને માટે તો સ્વાધ્યાય માટે જ ભાગવત ગ્રંથ હતો. અને એ ભાગવતનો સ્વાધ્યાય કરતાં એ એટલા તો પ્રભુમય બનેલા, કે દુનિયા સાથેનો એમનો સંબંધ બિલકુલ તૂટી ગયેલો. એકવાર એવું બન્યું, સંત સ્વાધ્યાય કરી રહ્યા છે, એ જ પોથી સચિત્ર, એક માણસને ત્યાં આવે છે, એ કળા કૃતિઓનો ચોર હતો. કોઈ પણ કળા કૃતિ હોય, એને ઉઠાવી લેવી; અને પછી મોંઘા ભાવે વહેંચી નાંખવી. એની નજર પડી કે આ તો એન્ટીક. આપણા કેટલાય કલ્પસુત્રો ફોરેન પહોંચી ગયા. બ્રિટીશરોનું જ્યારે સામ્રાજ્ય હતું; ત્યારે આપણને ખ્યાલ નહતો કે આ આટલું બધું કિંમતી છે, એમને ખ્યાલ હતો. આપણી ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓ આજે પણ બ્રિટીશ મ્યુઝીયમમાં છે.

તો પેલાએ નક્કી કર્યું કે આ ગ્રંથને ઉઠાવી લેવો. એકવાર જોયું. બાપજી અંદર ગયા. બહાર હોલમાં કોઈ નથી. પુસ્તક એને ઉઠાવ્યું. પુસ્તક ઉઠાવ્યું અને પછી એ જ ગામમાં એક કળાનો વેપારી હતો, એની પાસે ગયો; કે આ એક પુસ્તક છે, ભાગવતનું છે, આટલું જુનું છે. તમારે લેવું છે? પેલાએ કહ્યું; લેવાની વાત પછી, પહેલા મારે ખાતરી કરવી પડે. બે પાનાં કે ચાર પાનાં ભાગવતના હોય અને અંદર આખું બીજું જ હોય તો? અને ખરેખર તું કહે છે એટલું જુનું એ છે કે કેમ? એ પણ શું ખબર પડે?

એકવાર પારી પાસે એક કળાનો વેપારી આવેલો. દલાલ. ડહેલાવાળા રામસૂરિ મ.સા.એ પોતાની પાસે કલ્પસૂત્રની હસ્તપ્રત હતી એને છપાવેલી. એટલે હસ્તપ્રત જેવું જ લાગે. તો એવો ઉસ્તાદ માણસ આગળના પાનાં એણે કાઢી નાંખ્યા બધા; અને વાંચનાર ને એમ જ લાગે કે આ કલ્પસૂત્ર હાથે જ લખેલું છે. મારી પાસે આવ્યો. મને કહે; છ લાખ રૂપિયામાં આ મળે છે. લેવું હોય તો… સારું થયું કે મેં પેલું જોયેલું હતું બરોબર. મેં કહ્યું; આ તો છાપેલો ગ્રંથ છે, રામસૂરિમહારાજવાળો; રફુચક્કર થઇ ગયો.

વેપારીએ કહ્યું; પહેલા હું ખાતરી કરી લઉં પછી વાત. બે દિવસ પછી તું આવ. બે દિવસ પછી પેલો આવ્યો ચોર. બોલો રાખવું છે કે નહિ? વેપારી કહે; કે રાખવું છે. પછી ભાવ-તાલની વાત થઇ. છેવટે બે લાખ રૂપિયામાં વહેંચાઇ ગયું. ચોરે વેપારીને ગ્રંથ આપી દીધો. બે લાખ રૂપિયા લઇ લીધા. પછી ચોરે વેપારીને પૂછ્યું; કે તમે કોની પાસે નક્કી કરાવ્યું કે આ ગ્રંથ જુનો છે? આ ગ્રંથ ભાગવતનો છે? તો કહે; કે આપણા ગામમાં બીજા કયા વિદ્વાન માણસ છે? પેલા બાપજી છે એ જ. બાપજી પાસે ગયો. બાપજીને ગ્રંથ દેખાડ્યો. મેં કહ્યું; આટલો જુનો એ હોઈ શકે? તો કહે; કે હા, આટલો જુનો છે. ભાગવતનો જ છે? હા, ભાગવતનો જ છે. એ બાપજીએ હા પાડી, પછી મેં લેવાનું નક્કી કર્યું. કેવા એ નિરપેક્ષ સંત હશે ! કેવા..! પોતાનો જ ગ્રંથ ચોરાઈ ગયો છે, અને એ જ આ છે, ઈશારો કરવા પણ તૈયાર નથી.! આપણે આવું કરી શકીએ? આપણે ફટ કહી દઈએ, આ તો મારો છે!

નિરપેક્ષદશાનું ઊંડાણ તમને ક્યાં સુધી મૂકી શકે.. એની એક બહુ મજાની વાત અષ્ટાવક્રઋષિએ કહી છે; “आत्मविश्रान्तितृप्तेन निराशेन गतार्तिना । अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते ॥“ निराशेन – નિરપેક્ષ આત્મા કેવો હોય? गतार्तिना – અપેક્ષા ગઈ; પીડા પણ ગઈ! પણ, બહુ સરસ વિશેષણ પહેલું મુક્યું; आत्मविश्रांति तृप्तेन. જે સાધક નિરપેક્ષ બન્યો, એ કેવો બન્યો? आत्मविश्रांति तृप्तेन – એ પોતે પોતાના આનંદમાં ડૂબી ગયો છે. આપણો ultimate goal અત્યારે શું છે? આ જ છે..! आत्मविश्रांति तृप्तेन.. પરમાં આપણી ચેતના કયાંય જાય નહિ, અને માત્ર સ્વની અંદર આપણી ચેતના સ્થિર થયેલી હોય. એવા સાધકોને જોયા છે, જે બહારથી પ્રવૃત્તિમાં થોડા ઘણા પણ ડૂબેલા હોય, અને છતાં માત્ર અને માત્ર એ ભીતર હોય! પૂછીએ એમને કે આ પ્રવૃત્તિ શી રીતે થઇ શકે છે? જો તમારી ચેતના, તમારો ઉપયોગ માત્ર ભીતર ડૂબેલો છે, તો આ પ્રવૃત્તિ કેમ થાય છે? ત્યારે એ કહે છે; કે ઉપરનું મન જે છે એ આદતને વશ આ પ્રવૃત્તિ કરી લે છે. એક બહુ સારો પ્રવક્તા હોય, વર્ષોથી જે બોલ્યા કરતો હોય, એને તમે કહો કે પ્રવચન કરવાનું છે, તો કહે કે ચાલો કરી દઉં! અડધી રાત્રે ઊંઘમાંથી એને ઉઠાડો, અને કહો કે આ ૫૦૦૦ માણસ સામે છે, પ્રવચન કરવાનું છે, કરી લે. કારણ – એ આદતને વશ એ ક્રિયા કરી શકે છે.

બહેન રસોઈ કરતી હોય, છતાં રેડિયો સાંભળતી હોય, કે ટી.વી. જોતી હોય, બની શકે. કારણ કે પેલું ઓટોમેટીકલી થયા કરે છે. રોજની જે પ્રક્રિયા થઇ ગઈ, એમાં મનને વિશેષ રૂપે રાખવું પડતું નથી.

તો ઉપધાનમાં તમે આવ્યા છો. તમારો પણ આશય એક જ છે, કે પરમાંથી સ્વની દુનિયામાં આવવું; અને એકવાર સ્વની દુનિયાનો આનંદ તમે ચાખો પછી પરમાં જઈ શકો નહિ. એટલે જ આપણે ત્યાં કહ્યું; કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા એ કેવો છે; “જિમ ધાવ ખેલાવણ બાણ” બેબી સીટર હોય – આયા, શેઠને ત્યાં કામ કરતી હોય. સવારે સાત વાગે જાય, સાંજના સાત સુધીની એની duty હોય. દિવસના 12 કલાક એ શેઠના દીકરા જોડે રહે છે પણ એનો પ્રેમ ક્યાં છે? પોતાના દીકરા ઉપર, આ એની ફરજ છે; પેલામાં એનો રસ છે. ઉપધાન પછી આ ઘટના ઘટશે, સંસારમાં જશો તો પણ સંસાર એ ફરજ હશે, અને સાધના એ રસ હશે. એ સાધનાના રસમાં ખુબ ખુબ ડૂબો એવા આશીર્વાદ…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *