વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અસ્તિ સ્વભાવ જે આપણો રે
વ્યક્તિત્વને અસ્તિત્વમાં કેવી રીતે પલટી શકાય? રુચિ, વૈરાગ્ય સમેત. વૈરાગ્ય એટલે પરની અનાસ્થા / અશ્રદ્ધા. રુચિ એટલે સ્વભાવ તરફ જવાની ઈચ્છા. તમે તમારી સ્વરૂપદશાનો આનંદ જે ક્ષણે માણી રહ્યા છો, તે ક્ષણે તમે અસ્તિત્વની ધારામાં છો.
પરની પ્રીતિમાંથી મુક્ત થવાનો શૉર્ટ-કટ એક જ છે: પરમપ્રેમ. જે ક્ષણે પરમાત્મા પરની પ્રીતિથી હૃદય છલોછલ છલકાઈ ગયું; પછી પરની પ્રીતિને રહેવાની કોઈ જગ્યા જ ક્યાં છે!
તમારી ભૂમિકાને ઉચિત આજ્ઞાનું પાલન કદાચ તમારી પાસે છે પરંતુ એ આજ્ઞા પાલનનો આનંદ તમારી પાસે નથી. કારણ? તમે જ્યારે સાધના કરો ત્યારે માત્ર કૉન્શિયસ માઇન્ડના સ્તરથી કરો છો.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૨
પરમાત્મા પ્રેમ આપણા ઉપર સતત વરસ્યા કર્યો… એ પ્રેમની વર્ષા ઝીલાઈ… પ્રભુના પ્રેમથી છલોછલ હૃદય છલકાયું… અને પરનો પ્રેમ અદ્રશ્ય થયો…! અગણિત સમયથી પરની પ્રીતિમાં આપણું વ્યક્તિત્વ ગરકાવ થયેલું હતું, એ પરની પ્રીતિમાંથી છૂટવું કઈ રીતે? એક પરને છોડ્યું. બીજા પરને છોડ્યું. ત્રીજું પર એના પરનો રાગ રહી ગયો તો? પદાર્થો પરનો રાગ છોડ્યો, વ્યક્તિઓ પરનો રાગ છોડ્યો, પણ શરીર પરનો રાગ રહી ગયો તો? પરની પ્રીતિમાંથી મુક્ત થવાનો short cut એક જ છે – પરમપ્રીતિ. જે ક્ષણે પરમાત્મા પરની પ્રીતિથી હૃદય છલોછલ છલકાઈ ગયું; પરની પ્રીતિને રહેવાની કોઈ જગ્યા જ નથી.!
સદીઓ પહેલાંની એક ઘટના યાદ આવે. પાટણમાં દોલાશા નામના શ્રેષ્ઠી. એવો તો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, સદ્ગુરુના પ્રેમથી ઉત્પન્ન થયો કે પરનો પ્રેમ અદ્રશ્ય થયો. સદ્ગુરુ શું કરે? તમે સદ્ગુરુના પ્રેમમાં સંમોહિત બનો, બની શકો, પણ સદ્ગુરુની ઈચ્છા એક જ છે કે મારા પ્રેમમાંથી એને પ્રભુના પ્રેમમાં લઇ જાઉં. તમે લોકો અમારી આંગળી છોડીને પ્રભુની આંગળીને પકડો એ દિવસે અમારો આનંદ કેવો હોય તમને ખબર છે? એક દીકરો માઁ ની આંગળી છોડીને પોતાના પગ પર ચાલે એ દિવસે માઁ લાપસીનું આંધણ મુકે. કોઈ પણ સદ્ગુરુ પોતાની પાસે માત્ર અને માત્ર કોઈ ભક્તને રાખવા રાજી નથી. સદ્ગુરુની ઈચ્છા એક જ છે, કે પ્રભુના પ્રેમમાં એ પડી જાય.! અચ્છા, બીજી વાત, સદ્ગુરુના પ્રેમમાં પડો, તો પણ ગુરુ વ્યક્તિના પ્રેમમાં નહિ પડતાં, ગુરુ ચેતનાના પ્રેમમાં પડજો. ગુરુ વ્યક્તિના પ્રેમમાં પડ્યા, એ ગુરુ વ્યક્તિ વિદેહ થઇ, તમે શું કરશો? ગુરુ ચેતનાના પ્રેમમાં પડો. કારણ, મેં પહેલાં કહેલું, ગુરુ ચેતના અને પરમચેતના અપેક્ષાએ એકાકાર થયેલી ઘટના છે. તમે સદ્ગુરુ ચેતનાના પ્રેમમાં પડ્યા, પરમાત્માના પ્રેમમાં પડી જ ગયા છો.
એવા સદ્ગુરુ દોલાશા ને મળી ગયેલા, જે સદ્ગુરુએ પરમની પ્રીતિની ધારામાં એમને મૂકી દીધા; અને એવો પરમાત્માનો પ્રેમ પુરા અસ્તિત્વમાં ઉભરાઈ ઉઠ્યો કે પરના પ્રેમને રહેવાની જગ્યા જ ન રહી.! એક પ્રભુના મુનિ માટે, એક પ્રભુની સાધ્વી માટે આ જ ઘટના ઘટિત થાય છે. તમે પરનો ઉપયોગ કરી શકો છો; પર સાથે પ્રેમ કરી શકતાં નથી. શરીર મોટું પુદ્ગલ છે, તો એ પુદ્ગલ માટે આહારના પુદ્ગલનો તમે ઉપયોગ કરી શકો છો; પણ એ રોટલી કે શાક સારા, એ વાત તમારા મનમાં આવતી પણ નથી.! પદાર્થોનો ઉપયોગ કદાચ કરવો પડે, એ પદાર્થો જોડે પ્રેમ તમને ક્યારે પણ ન હોય, અને વ્યક્તિઓ જોડે પ્રેમ હોવાનો તો કોઈ સવાલ જ નથી.! ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી એનું ચિત્ત દર્પણ જેવું હોય છે. દર્પણની સામે સ્ફટિક મુકાયું, તો દર્પણ સ્ફટિકનું પ્રતિબિંબ પાડશે; પણ સ્ફટિક લઇ લીધું, દર્પણ કોરું કટ.! દર્પણની સામે કોલસો મુકાયો, કોલસાનું પ્રતિબિંબ પડ્યું, ડાઘ નહિ પડે. કોલસો લેવાઈ ગયો, પ્રતિબિંબ ગયું. તમારી સામે કોઈ આવ્યું. કોઈ કરોડપતિ આવ્યો કે અબજોપતિ આવ્યો, એણે વંદન કર્યું, એ ગયો, તમારા ચિત્તમાં, તમારા મનમાં એની સ્મૃતિ પણ ન હોય. કોઈ પૂછે કોણ આવ્યું હતું? કો’ક વંદનાર્થી આવેલ હશે. પ્રારંભિક સાધકનું મન દર્પણ જેવું. પણ, ઉચકાયેલો સાધક હોય, એનું મન જાદુઈ દર્પણ જેવું છે. જાદુઈ દર્પણ – સામે હોય એનું પ્રતિબિંબ પડે જ નહિ.! તમે ઈચ્છો એનું જ પ્રતિબિંબ પડે, બીજાનું પ્રતિબિંબ ન પડે.
કલાપૂર્ણસૂરિ દાદા પ્રવચન આપે. હજારો લોકો સામે હોય, એમના મનમાં એક પણ વ્યક્તિનું પ્રતિબિંબ પડતું નથી, એમના મનમાં એ વખતે પણ માત્ર ને માત્ર પ્રભુનું પ્રતિબિંબ પડે છે.! હવે મારો પ્રશ્ન તમારા માટે આવશે, તમારું મન સાદા દર્પણ જેવું કે જાદુઈ દર્પણ જેવું? સાદા દર્પણ જેવું હોય, ઘટના ઘટી, જોઈ લીધી. ઘટના પુરી થઇ, દર્પણમાં પ્રતિબિંબ ગયો. કોઈ પૂછે શું થયું હતું? કંઈક થયું હતું. શું થયું હતું ખ્યાલ નથી. આ કોની વાત? પ્રારંભિક સાધકની, હમણાં જેને દીક્ષા લીધી છે એની. પણ, ૫-૧૦ વર્ષનો દીક્ષા પર્યાય થયો હોય તો, કોઈ ઘટનાનું પ્રતિબિંબ તમારા મનમાં પડે જ નહિ. તમારા મનમાં માત્ર પ્રભુનું, માત્ર પ્રભુની આજ્ઞાનું પ્રતિબિંબ પડે. You can do this. You can do this, if you desire…. જો તમે ઈચ્છો તો આ કરી શકો એમ છો… Now and here.! આજે જ.! અત્યારે જ.! એવી પરમાત્માની પ્રીતિથી હૃદય ભરાઈ જાય, કે પર માટે સ્થાન રહે જ નહિ.!
દોલાશા આવી જ ભૂમિકામાં હતાં. શ્રાવક હતાં, પણ પરમાત્માનો પ્રેમ એવો ઘૂંટાઈ ગયો, પરની પ્રીતિ છૂટી ગઈ. એ દેરાસરે જાય, જવાનો સમય નક્કી હોય, પાછા ફરવાનો કોઈ સમય જ ન હોય નક્કી. નવ વાગે ગયેલાં હોય, બપોરે બે વાગે, ત્રણ વાગે, ચાર વાગે ગમે ત્યારે પાછા ફરે. એકવાત હું ઘણીવાર કહું છું. દેરાસરમાં તમે ગયા. પહેલી 15 મિનિટમાં તમે અને પ્રભુ બેઉ હોવ. સોળમી મિનિટે પ્રભુ જ હોય, તમે ન હોવ. પહેલી પંદર મિનિટ પ્રભુ અને તમે બે જ, ત્રીજું કોઈ નહિ. દસ મિનિટ થઇ, દેરાસરમાં બેઠા હતા એને, કોઈ કારણસર બહાર નીકળવું પડ્યું. કોઈ પૂછે આજે સિદ્ધચક્ર પૂજન ભણાવવાનું હતું દેરાસરમાં, પૂજન શરૂ થઇ ગયું? કેટલા લોકો હતા? અને એ વખતે એ ભાવક કહી દે; કે પગથિયાં ચડ્યો દેરાસરના, પ્રભુ દેખાયા, પછી માત્ર મારી ચેતના પરમાત્મામાં ડૂબી ગઈ.! હું હતો અને પરમાત્મા હતા, ત્રીજું કોઈ હતું કે નહિ મને ખ્યાલ નથી.! સોળમી મિનિટે તમે અદ્રશ્ય થઇ જાવ! તમારી ચેતના પરમ ચેતના સાથે એકાકાર થઇ જાય; પછી માત્ર પ્રભુ જ હોય, તમે હોવ નહિ. પતાસાને પાણીમાં નાંખીએ કલાક પછી શું હોય? પતાસું ક્યાં હોય? એમ પંદર મિનિટ થઇ; તમારી ચેતના એવી તો પ્રભુમય બની જાય કે તમે હોવ જ નહિ, માત્ર પ્રભુ જ ત્યાં હોય.!
એકવાર એ દોલા શેઠ પોતાની હવેલીમાં બેઠેલા અને એક સમાચાર મળ્યાં. શત્રુંજય અધિપતિ દાદા ઋષભદેવની મૂર્તિ ખંડિત થઇ. એ સમાચાર મળ્યાં. જાણે કે વીજ કડાકો બોલ્યો! થોડી ક્ષણો તો સ્તબ્ધ થઇ ગયાં.! એમના માટે મૂર્તિ નહતી, એમના માટે એ સાક્ષાત્ પ્રભુ હતાં. સ્તબ્ધતા વિખેરાઈ… આંસુમાં ફેરવાઈ… ધ્રુસકે ધ્રુસકે રડે છે… પ્રભુ ગયાં! હું શું કરીશ? પ્રભુ મારા જીવનનો આધાર, મારા જીવનનું કેન્દ્ર, એ જ જો હવે નથી. તો હું શી રીતે રહી શકું? બાજુમાં જ ઉપાશ્રય. જ્ઞાની ગુરુ ભગવંત ત્યાં પધારેલા. દોલાશા ત્યાં ગયા. વંદન પૂરું કરી શક્યા નથી.! અબ્ભુટ્ઠિયો બોલતાં બોલતાં ડૂસકાં જ ડૂસકાં… અને પછી એમણે ગુરુદેવને કહ્યું; ગુરુદેવ ! આપે સાંભળ્યું? પ્રભુ ગયા! પ્રભુ ગયા, હવે અમે લોકો શી રીતે જીવશું? આ કઈ ભૂમિકા? પરમાત્માના પ્રેમની એક extreme ભૂમિકા.! પ્રભુ એ જ મારું જીવન! પ્રભુ જ એ જ મારા અસ્તિત્વનો પર્યાય! એ હોય તો હું! એ ન હોય તો હું નહિ!
વેણીશંકર પુરોહિતે કહેલું; “પ્રભુ તમારા વિનાના, અમે અમારા વિનાના” જે ક્ષણે અમારા વ્યક્તિત્વમાં તમે ન હોવ, એ ક્ષણે અમારું હોવું પણ ન હોવા બરોબર છે. અમારા હોવાનો કોઈ અર્થ નથી. એક being આ, બીજું being અલગ. બે being છે. એક ભક્તિની ધારાનું being. એક સાધનાની ધારાનું being. ભક્તિની ધારાનું being આ છે. પ્રભુ જ છે તો હું છું; એ નથી તો હું નથી. એ મારા જીવનમાં ન હોય તો મારા હોવાનો કોઈ અર્થ નથી.! બીજું being, ધ્યાનની પળોમાં તમને મળે છે, જ્યાં તમારું શુદ્ધ સ્વરૂપ નીખરી રહેલું હોય છે.
દેવચંદ્રજી ભગવંતે ૧૭માં સ્તવનમાં પ્રભુની પાસે આ being માગ્યું છે. બીજું being. પહેલું being તો હતું જ. બહુ મજાની ગુજરાતી ભાષામાં આવેલી કડી છે; “અસ્તિ સ્વભાવ જે આપણો રે, રૂચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરીને, માંગીશ આતમ હેત” પ્રભુની પાસે જઈશ. વંદના કરીશ. અને પ્રભુ પાસે માંગીશ કે પભુ મને મારું being આપ! અસ્તિત્વ આપ! વ્યક્તિત્વને અસ્તિત્વમાં બે રીતે પલટી શકાય છે. પ્રભુમય વ્યક્તિત્વ તમારું બન્યું; એ ક્ષણે તમારું વ્યક્તિત્વ તૂટી ગયું, તમે અસ્તિત્વની ધારામાં આવી ગયા.! તમે તમારા સ્વરૂપદશાનો આનંદ જે ક્ષણે માણી રહ્યા છો, એ ક્ષણે પણ તમે અસ્તિત્વની ધારામાં છો. બહુ મજાના શબ્દો વાપર્યા; “અસ્તિ સ્વભાવ જે આપણો રે”
એક વાત વચ્ચે પૂછું; તમે જે સંઘમાં છો. એ સંઘના દેરાસરમાં મૂળનાયક જે ભગવાન છે, એમના કેટલા સ્તવન તમને આવડે? ૩૬૦ બરોબર? અઠવાલાઈન્સમાં કોઈ રહેતો હોય, આદેશ્વર દાદા મૂળનાયક છે. તો આદેશ્વર દાદાના ૩૬૦ સ્તવનો એના આવડતાં હોય બરોબર? રોજ નવું નવું સ્તવન પેશ કરાય ને? કે ૩૦ સ્તવન આવડે? કે કમસેકમ મહિનાની અંદર રોજ નવું નવું સ્તવન સંભળાવી શકાય. એવા સ્તવનો આપણી પાસે છે, જે ભક્તિની ધારા અને સાધનાની ધારા બંનેને સાથે ચલાવે.
દેવચંદ્રજી ભગવંત અને આનંદઘનજી ભગવંત માં એક મજાની theme છે અને એક theme એ છે, કે ભક્તિધારા અને સાધના ધારા એ બેઉનું મજાનું composition એમની એક-એક સ્તવનામાં, એક-એક સ્તવનની કડીમાં છે. અસ્તિત્વ માંગવું છે. અસ્તિત્વની ધારામાં જવું છે. પણ, એ વખતે પણ ભક્તિધારા ચુકાતી નથી. “પ્રભુ સન્મુખ વંદન કરીને, માંગીશ આતમ હેત”, ભક્તની ભૂમિકા હતી. અને સાધકની ભૂમિકા – “અસ્તિ સ્વભાવ જે આપણો રે”, શું કહે છે- ભગવાન તારો સ્વભાવ પણ અસ્તિત્વનો છે, મારો સ્વભાવ પણ એ જ છે, કોઈ ફરક નથી! “અસ્તિ સ્વભાવ જે આપણો રે”, એ મને આપી દે! મારો જ સ્વભાવ છે, એ મને આપી દે!
બહુ મજાની વાત એ કરી; કે એ અસ્તિત્વ કઈ રીતે મળે, એની વાત પણ ભેગી કરી. “રૂચિ વૈરાગ્ય સમેત” વૈરાગ્ય એટલે પરની અનાસ્થા, પરની અશ્રદ્ધા; અને રૂચિ એટલે સ્વભાવ તરફ જવાની ઈચ્છા.
દોલાશા ગુરુદેવને કહે છે; ગુરુદેવ ! પ્રભુ ગયા, હવે શી રીતે રહીશ હું?! આ પહેલી અસ્તિત્વની ધારા… અને આ જ પહેલી અસ્તિત્વની ધારા, બીજા beingમાં તમને મૂકી શકે. સ્થાનકવસી મહાસતીજીઓ પણ મારી વાચનામાં આવતી હોય છે. એકવાર એક મહાસતીજી જે મારી વાચનાઓને નિયમિત સાંભળતા હતાં, જેમણે મારા દરેક પુસ્તકો વાંચી લીધેલા હતાં, એ મારી પાસે બેઠેલાં. એમણે મને કહ્યું, કે સાહેબ ! સ્થાનકવાસી પરંપરામાં ઉછરી છું, ચિંતનમાં ઊંડાણ સુધી જઈ શકું છું, પણ ભક્તિધારા એટલી ઊંડાણથી પકડાતી નથી; અને એ વખતે એમના શબ્દો હતાં, કે માત્ર મૂર્તિ અમારી પાસેથી નથી ગઈ, ભક્તિની ધારા અમારી પાસેથી ગઈ.! આ ભક્તિની ધારા આપણને આપણા સ્વરૂપ સાથે જોડી આપે.
દોલાશાની આંખમાં આંસુ, ગળામાં ડૂસકાં.! ગુરુદેવ ! પ્રભુ ગયાં, હવે શું કરશું? એ વખતે ગુરુદેવે કહ્યું; કે તારો દીકરો સમરાશા એ જ શત્રુંજય તીર્થનો હવે પછીનો ઉદ્ધારક થવાનો છે અને એના હાથે દાદાની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા થવાની છે. આશ્વાસન મળ્યું. બહુ પ્યારો શબ્દ તીર્થોદ્ધારક, પણ તીર્થોદ્ધાર એટલે શું? જે વ્યક્તિએ તીર્થનો ઉદ્ધાર કર્યો એમ નહિ, તીર્થ દ્વારા મારો ઉદ્ધાર થાય એવું એ વ્યક્તિ ઈચ્છે છે, અને આ વાત નવ્વાણું પ્રકારની પૂજામાં વીરવિજય મહારાજે સ્પષ્ટ કરી. ઉદ્ધારોનું વર્ણન કરે છે, એમાં એમણે એક કડી આપી, “સંમત એક અઠલંત રે, જાવડશાનો ઉદ્ધાર; ઉદ્ધરજો મુજ સાહિબા, જાવડશા તીર્થોદ્ધારનું એક નાનકડું કૃત્ય કરીને પ્રભુના ચરણોમાં વિનંતી કરે છે, કે પ્રભુ ! તારા ચરણોની અંદર નાનકડું આ ભક્તિપુષ્પ મુકીને હું પ્રાર્થના કરું છું કે મારો ઉદ્ધાર તું કરજે! એટલે જાવડશા માનતા નથી, સમરાશા માનતા નથી કે મેં તીર્થોનો ઉદ્ધાર કર્યો; તીર્થ દ્વારા મારો ઉદ્ધાર થયો!
આજે શાસનરક્ષા માટે કાયોત્સર્ગ આપણે કર્યો. કાયોત્સર્ગ કરો, ના નથી, દસ નહિ વીસ લોગસ્સનો કરો; પણ એનો હેતુ શું? શાસનની રક્ષા નહિ; શાસન દ્વારા મારી રક્ષા.! મારા અને તમારા જેવા વેતિયા માણસો, ખતમ થઇ જવાના.! પ્રભુશાસન 18,000 વર્ષ સુધી રહેવાનું.! શાસનની રક્ષા કરનાર તમે કે હું કોણ? એ શાસન દ્વારા આપણી રક્ષા થઇ શકે.! સદ્ગુરુ આ રીતે પ્રભુ પ્રેમના નવા-નવા આયામો ખોલી આપે છે.
હમણાં જ મુંબઈ માટુંગા, અંજનશલાકા પ્રતિષ્ઠા માટે જવાનું થયું. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રાજેન્દ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં ૩૬ એક આચાર્ય ભગવંતો હતા. સેંકડો સાધુ-સાધ્વીજીઓ હતા અને એ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. એ જ માટુંગામાં આચાર્ય પ્રવર રત્નસુંદરસૂરિ મહારાજના પરમભક્ત કુમારભાઈ રહે છે. જેમની પરમાત્માની ભક્તિ અજોડ છે. એમના ત્યાં મારે જવાનું થયું. નીચે ઘર દેરાસર અદ્ભુત. એ માણસ પ્રભુની પાછળ પાગલ બનેલો છે. એમના ફ્લેટમાં અમે ગયા. મોટો ફ્લેટ.. એક-એક રૂમની અંદર દર્શનીય પરમાત્મા.. ફ્લેટનો એક પણ રૂમ એવો નહિ જ્યાં પરમાત્મા ન હોય.!
અમે લોકો હોલમાં બેઠેલા. માંગલિકની વિધિ થઇ. એ પછી કુમારભાઈએ કહ્યું કે સાહેબ! સામાન્યતયા લોકોના ઘરમાં દેરાસર હોય છે; પણ મારું તો ઘર જ દેરાસર છે.! એમણે કહ્યું કે ભગવાનના ઘરમાં હું રહું છું. મારા ઘરમાં ભગવાન છે એમ નહિ! ભગવાનના ઘરમાં હું રહું છું.! એમના એ પ્રભુ પ્રેમને જોતાં મને સુરેશ દલાલનું એક વાક્ય યાદ આવ્યું; આપણા કવિ ચિંતક સુરેશ દલાલે એક જગ્યાએ લખ્યું છે; કે પ્રેમનો માર્ગ ગણિતનો નહિ, અગણિતનો છે. પ્રેમમાં ગણિત હોઈ શકતું જ નથી અને જ્યાં ગણતરી હોય ત્યાં પ્રેમ ન હોય! બોલો, પ્રભુનો પ્રેમ કેવો? ગણતરીવાળો કે ગણતરી વગરનો? પ્રભુ અનરાધાર આપણા ઉપર વરસ્યા જ કરે…! આપણે સામે શું આપ્યું, એ પ્રભુએ ક્યારેય જોયું નથી.!
નરક અને નિગોદમાં આપણે હતાં. પ્રભુ એટલે શું? એની કોઈ સૂઝ નહતી અને એ વખતે પણ પ્રભુનો પ્રેમ આપણા ઉપર અપાર વરસ્યો.! પ્રભુના પ્રેમમાં ગણિત નથી, તો ભક્તના પ્રેમમાં ગણિત હોય? એક હિંદુ ભક્ત હતો. એક મહાત્માએ એને કહ્યું; કે ‘ૐ નમઃ શિવાય’ નો એક કરોડવાર તું જાપ કર. એણે એ વાત સ્વીકારી. ઘર નાનકડું અને નાના નાના દીકરાઓથી ભરેલું, એટલે શાંતિ મળે નહિ. મંદિરમાં પણ ભક્તોની ભીડ બહુ એટલે શાંતિ ન મળે. ગામને પાદર નદી વહેતી હતી. નદીને પેલે પાર જંગલ હતું. તો એણે વિચાર્યું, રોજ સવારે ૬ વાગે ઉઠી નદીને પેલે પાર જંગલમાં જઉં અને જાપ કરવો શાંતિનો. એક-એક માળાનો જાપ કરે. એક કાંકરો આમથી આમ મુકે. સવારે ૬ થી સાડા નવ-દસ વાગ્યા સુધી જાપ કરે. જેટલા કાંકરા ભેગા થયા હોય, એની ગણતરી એક નોટમાં પછી કરી દે, કે આજે આટલી માળા ગણાઈ. ૬ થી ૧૦ માળા ગણવાની. પણ સવારે દૂધ પીવાની ટેવ ખરી, એટલે એણે એક ભરવાડણને બાંધી દીધી કે રોજ સવારે ૮ વાગે એક લીટર દૂધ મને આપી જવાનું. એ દૂધ વચ્ચે પી લે, મોઢું ચોખ્ખું કરે, પાછો જાપ શરૂ કરી દે. એકવાર ભરવાડણ માંદી હશે, એની દીકરી આવી. ભરવાડણે કીધેલું; આટલા-આટલા આપણા ઘરાક છે; અને એમાં નદીને પેલે પાર એક ભક્ત છે, એને પણ એક લીટર દૂધ આપવાનું છે. એ દીકરી આવી. એણે લીટરીયુ કાઢ્યું. એક લીટર દૂધ એમાં નાંખ્યું. અને પેલાના લોટામાં નાંખી દીધું. પેલો ગ્લાસમાં દૂધ નાંખીને પીવે છે. એ જ વખતે એ દીકરી થોડે દૂર ગઈ. એક ભરવાડનો છોકરો ૧૮-૨૦ વર્ષનો. ઘેટાં-બકરા ચારવા માટે આવેલો. એ દીકરી ત્યાં ગઈ, જેટલું દૂધ હતું, બધું પેલાને પીવડાવી દીધું, માપ્યા વગર. આને સવાલ થયો કે મને એણે માપીને આપ્યું. પેલાને માપ્યા વગર કેમ આપ્યું? ચાલો બીજા દિવસે આવશે તો પૂછી લઈશ. બીજા દિવસે એ જ દીકરી આવી. એક લીટર દૂધ આપી દીધું. આણે પૂછ્યું; કે તું મને માપીને આપે છે દૂધ, તો કાલે પેલાને તે દૂધ પીવડાવ્યું એમાં તે માપ્યું નહતું, એનું શું કારણ? એ દીકરી શરમાઈ ગઈ. એ પણ ૧૮-૨૦ વર્ષની દીકરી હતી. એણે કહ્યું; એની સાથે મારું સગપણ થઇ ગયું છે. એની સાથે મારા મનનો મેળ થઇ ગયો છે, અને જ્યાં મનનો મેળ થઇ ગયો, ત્યાં ગણિત ક્યાંથી હોય? હિસાબ ક્યાંથી હોય? તમે જેને એન્ગેજમેન્ટ કહો છો ને, એના માટે આપણી પરંપરામાં શબ્દ હતો, વાક્દાન. વચનથી અપાયેલ. પણ ખરેખર તો એ કન્યા વેવિશાળ વખતે મનથી એ પતિને વરી જતી.
ગુણસાગરની વાતમાં આવે છે; આઠ કન્યા સાથે સગપણ થઇ ગયું, અને એનો વૈરાગ્ય મુખરિત બન્યો. દીક્ષા લેવાની વાત થઇ. છેવટે માઁ ના આંસુથી ગુણસાગર પીગળ્યા અને કહ્યું, લગ્ન કરીશ પણ લગ્નની રાત તમારી, બીજી સવારે દીક્ષા લેવા માટે હું નીકળું તમારે મને રોકવાનો નહિ. માઁ એ હા પાડી કે પેલી દીકરીઓ આવશે એ રોકશે એને. પણ આ સમાચાર spread out થઇ ગયા. એ દીકરીઓના પિતાઓને થયું; આવો માણસ ! આજે લગ્ન કરે, અને કાલે એને દીક્ષા લેવી છે, એને અમારી દીકરી કેવી રીતે આપીએ? એ પિતાઓએ દીકરીઓને કહી દીધું; આ સગપણ આપણે ફોક કરી દઈએ.
એ ગુણસાગરની સજ્ઝાયમાં એક મજાની પંક્તિ આવે છે; એ વખતે એ દીકરીઓએ કહ્યું, “કન્યા કહે નિજ તાતશું, આ ભવ અવર ન વરશું રે” આ જન્મની અંદર હવે બીજો પતિ અસંભવિત ઘટના છે! અને એ પિતા કહે છે; પણ ધારોકે લગ્નની બીજી સવારે એ દીક્ષા લેવા તૈયાર થાય તો તમે શું કરશો? એ વખતે એક-એક કન્યાના મુખેથી એક જ જવાબ નીકળ્યો, “જે કરશે એ ગુણનિધિ, અમો પણ તેહ આચરશું” જે અમારો પતિ કરશે, અમે સતી છીએ; અમે અમારા પતિના માર્ગે ચાલીશું. એ સાધુ બનશે, અમે સાધ્વીઓ બની જઈશું. કેવો યુગ હતો! સગપણ થયું છે, એન્ગેજમેન્ટ. કહેવાય વાક્દાન; પણ મનોદાન થઇ ગયું છે! મનથી એ વરી ચુકી છે, અને નક્કી કે આ જન્મમાં બીજો પતિ સ્વપ્ને પણ નહિ.
શું એ પરંપરા હતી! પરંપરાના મૂળમાં શું હતું? આપણી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠતમ સંસ્કૃતિ છે. હમણાંની એક ઘટના કહું. આપણો એક પત્રકાર લંડન ગયેલો. લંડનની સડકો પર એ એમ જ ફરી રહ્યો છે, પત્રકાર છે, કોઈ story મળે તો પોતાના news paper માટે મોકલી શકાય. એમાં એણે બોર્ડ જોયું, નવાઈ લાગી. સંસ્કૃત મીડીયમમાં ચાલતું વિદ્યાલય. લંડનમાં.! એ નવાઈમાં ડૂબી ગયો. ભારતમાં પણ આવા વિદ્યાલયો આંગળીને વેઢે ગણાય એટલા છે. લંડનમાં? એને થયું; મારે આ સ્કુલની મુલાકાત લેવી જ જોઈએ. મારા પત્ર માટે એક new story મને મળી જશે. એ ગયો, ખરેખર, સંસ્કૃતમાં દીકરાઓ બોલી રહ્યા છે.! સંસ્કૃતમાં ક્લાસ પણ ચાલી રહ્યા છે. પછી એણે એ સ્કુલના પ્રિન્સીપાલનો ઈન્ટરવ્યું લેવાનો વિચાર કર્યો. એપોઇમેન્ટ માંગી. ૨-૪ દિવસમાં મળી પણ ગઈ. પત્રકારે પ્રિન્સીપાલને પૂછ્યું કે સંસ્કૃત ભાષામાં વિદ્યાલય શરૂ કરવાનો વિચાર તમને કેમ આવ્યો? ત્યારે પ્રિન્સિપાલે કહ્યું કે પાંચ વર્ષ પહેલા ઈંગ્લીશમાં ચાલતું હતું, અને અહીંયા તો ઈંગ્લીશમાં જ ચાલે. પણ, મારા આ દીકરાઓ, શું પ્રિન્સીપાલની students પરની લાગણી છે, મારા આ દીકરાઓ અને દીકરીઓ એન.એસ.ડી, ચરસ, અને ગાંજાના રવાડે ચડી ગયેલા. વ્યસનોમાં ચકચુર… એ વખતે મને થયું કે મારે મારા આ દીકરાઓને વ્યસન મુક્ત બનાવવા હોય, એક સારા નાગરિક બનાવવા હોય, તો મારે શું કરવું જોઈએ, મેં ઇન્ટરનેટ પર દુનિયાની બધી જ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો. અને મને લાગ્યું; કે હિંદુ સંસ્કૃતિ આ બાળકોને આપવામાં આવે, તો આ બાળકો જે છે તે ખરેખર હું ઈચ્છું છું એવા સારા નાગરિક બની શકે. પણ, હિંદુ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા સાથે જોડાયેલ છે અને એટલે એક સાહસ કર્યું. મારી ભાષામાં કહું; તો મેં જુગાર કર્યો. સંસ્કૃત ભાષામાં ભણવા કોણ આવે? પણ આજે આ સ્કુલની પ્રતિષ્ઠા એવી છે કે લંડનના કરોડોપતિ અને અબજોપતિ લોકો આ સ્કુલમાં પોતાના દીકરાને મુકવા માટે લાઈનમાં ઉભેલા.
કૃષ્ણ કોન્સીયસનેસ ના જે મંદિરો ચાલે છે, વિદેશોની અંદર. એનો પણ અનુભવ બહુ સારો છે. એ ઇસ્કોનના મંદિરોના કેમ્પસમાં તમે જાવ, તમને લાગે કે વૃંદાવનમાં તમે છો. ભારતનું વૃંદાવન ખરેખર વૃંદાવન આજે રહ્યું નથી. પણ, વિદેશની અંદર તમને લાગે કે તમે વૃંદાવનમાં છો. એ ગોરા અંગ્રેજોના પાંચ વર્ષના દીકરાઓ મુંડન કરાવેલું હોય, ચોટલી હોય, ધોતી પહેરેલી હોય, અને આમથી આમ ફરતાં હોય, સંસ્કૃત બોલતાં હોય, અને માખણ અને મીસરી ખાતાં હોય. ત્યાં તમે જાવ, ગરમાગરમ શીરાનો પ્રસાદ તમને આપે. તમને લાગે કે ભારત ત્યાં સચવાયું છે. ભારતીય સંસ્કૃતિ દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. એટલે નજર વિદેશ ઉપર ક્યારે પણ નહિ રાખતા. નજર આપણા દેશની સંસ્કૃતિ તરફ જ રાખજો. જે સંસ્કૃતિ આપણને મળી છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મળી છે, અને એમાં પણ પ્રભુનું શાસન આપણને મળી ગયું! કેવા પ્રભુ મળ્યાં! કેવા સદ્ગુરુ મળ્યાં! એ પ્રભુના પ્રેમમાં આપણે ડૂબવું છે. સવારે ઉઠો, પ્રભુ યાદ આવે છે? સવારે ઉઠ્યા પહેલા જ પ્રભુ યાદ આવે? જીવન તો પ્રભુએ આપેલું પણ એ ભુલી ગયા આપણે! સવારે ઉઠ્યા એકદમ સ્વસ્થ. તાજગીભર્યા શરીરે, તાજગીભર્યા મનથી. એ વખતે પ્રભુની યાદ આવે? કે પ્રભુ તે મને એક દિવસ નવો ભેટમાં આપ્યો. સવાર આપણી પ્રભુના પ્રેમથી છલોછલ ઉભરાઈ જવી જોઈએ. અને મારે તો એક જ કામ ચોમાસામાં કરવું છે- તમને માત્ર ને માત્ર પ્રભુ પરના પ્રેમથી ભરી દેવા છે.
ગઈ સાલ મુંબઈમાં મારું ચોમાસું હતું. ચારેય મહિના આ પરમપ્રેમ ઉપર જ પ્રવચનો થયા. ત્યાંના લોકોએ મને કહ્યું કે સાહેબ! તમે એકદમ short cut અમને પકડાવી દીધો. Short cut તો પકડાવ્યો. પણ એ Short cut પર ચલાવ્યા પણ તમે.! અત્યાર સુધી અમને સાધના અઘરી લાગતી હતી. રાગ કાઢો, દ્વેષ કાઢો, અહંકાર કાઢો, અરે! કાઢવો શી રીતે પણ? અહંકાર તો બડી માયા છે તમારી! એ અડધો કલાક તમારો ખાલી ન જાય, જેમાં અહંકારે ડોકિયું ન કર્યું હોય. એક પણ વાત આવે ને, મેં પેલાને આમ કહ્યું ને, પેલો impress થઇ ગયો!
તો રાગને કાઢવો, દ્વેષને કાઢવો, અહંકારને શિથિલ બનાવવો, કઈ રીતે કરવું? સીધો Short cut.. પ્રભુના પ્રેમમાં ડૂબી જાવ! બધું જ નીકળી જશે! પ્રભુ પરનો પ્રેમ, પ્રભુની આજ્ઞા પરનો પ્રેમ, પ્રભુની સાધના પરનો પ્રેમ. એક-એક નાનકડી સાધના કરો અને ઝૂમો.. તમારી પાસે આજ્ઞા પાલન છે. શ્રાવકોને ઉચિત જે આજ્ઞા પ્રભુએ આપી, એનું પાલન કદાચ તમારી પાસે જ છે. પણ એ આજ્ઞા પાલનનો આનંદ તમારી પાસે છે? અને એનું એક ઊંડું કારણ એ છે કે તમે જ્યારે સાધના કરો છો ત્યારે માત્ર conscious mind ના લેવલથી સાધના કરો છો. તો શું ઉમેરવું જોઈએ?
ભારતીય પરંપરામાં ‘શિવ સૂત્ર’ એક બહુ જ પ્રતિષ્ઠિત ગ્રંથ છે. પાર્વતીજીએ પ્રશ્નો કર્યા છે, મહાદેવજીએ એના ઉત્તરો આપ્યા છે. તો પાર્વતીજીએ એક પ્રશ્ન કર્યો છે; કે જે તમને થવો જોઈતો હતો, તમે કરતાં નથી. પાર્વતીજી પૂછે છે; મહાદેવજીને કે સાધના કરવી છે, યોગમાં જવું છે, ધ્યાનમાં જવું છે. પહેલું પગથિયું કયું? પ્રવેશ દ્વાર શું? એ વખતે મહાદેવજી એ સૂત્ર આપ્યું; “विस्मयो योगभूमिकाः।” વિસ્મય-આશ્ચર્ય, એ જ યોગમાં, ધ્યાનમાં, સાધનામાં, ભક્તિમાં પ્રવેશવાનું દ્વાર છે. વિસ્મય… દેરાસરે ગયા, પ્રભુનું દર્શન થયું, આશ્ચર્ય કંઈ થાય છે? ક્યારેક કોઈ તીર્થમાં ગયા, ભોંયરામાં, મોટા પરમાત્મા! આશ્ચર્ય થાય! ઓહો! આટલા મોટા ભગવાન ! એ આશ્ચર્ય જે છે, એ જ સાધનામાં પ્રવેશવાનું દ્વાર છે. આશ્ચર્ય શું કરે? તમારા conscious mind ને થોડીવાર માટે બાજુમાં મૂકી દે. એ વખતે conscious mind નથી હોતું, તમે પોતે હોવ છો અને તમે પોતે હોવ છો, ત્યારે તમે સાધનાનો આનંદ માણી શકશો.
એક ઝેન કથા છે. બહુ પ્યારી કથા છે. એક ભિક્ષુક પોતાના સદ્ગુરુ પાસે ગયો. સદ્ગુરુને એણે પૂછ્યું; કે ગુરુદેવ! ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હશે? પ્રશ્ન સારો હતો, પણ ગુરુએ માત્ર પ્રશ્ન જોવાનો નહતો, પ્રશ્નકારને પણ જોવાનો હતો. તમે પ્રશ્ન પૂછો ને, ત્રણ રીતે પૂછી શકો- કુતુહલથી પૂછી શકો, જિજ્ઞાસાથી પૂછી શકો, અને મુમુક્ષાથી પૂછી શકો. કુતુહલ જે બાળકને છે; પંખી આકાશમાં ઉડે તો આપણે કેમ ઉડતા નથી? જિજ્ઞાસા- ચાલો કોઈ ગુરુ પાસે જઈએ, આત્માનુ સ્વરૂપ જાણી લઈએ. કોરી જિજ્ઞાસા સાધના માર્ગમાં એક ડગલું પણ તમને આગળ નહિ લઇ જાય. તમારી પાસે મુમુક્ષા જોઈએ, છટપટાહટ. એક વેદના.. ગુરુદેવ ! ગુરુદેવ ! મનુષ્ય જન્મ મળ્યો, પ્રભુનું શાસન મળ્યું, હવે જો નિર્મળ સમ્યગ્દર્શન મને ન મળે, તો મારા જીવનનો અર્થ શું? ગુરુદેવ ! મને કહો ને? મારે સમ્યગ્દર્શન કેમ પામવું? મુમુક્ષા – તમારી આંખોમાં આંસુ છે, તમારા ગળામાં ડૂસકાં છે. કોઈ પણ સદ્ગુરુ માટે કુતુહલથી પુછાયેલ તમારા પ્રશ્નોનો કોઈ અર્થ નથી હોતો. જિજ્ઞાસાથી તમે પૂછો, કોઈ અર્થ ગુરુ માટે નથી. તમારી પાસે મુમુક્ષા હોય, અમે તૈયાર.. ગમે ત્યારે તૈયાર..
દિલ્લીનો એક વેપારી હતો. ખાંડ-તેલનો જથ્થાબંધ વેપારી. એક રાત્રે એને એક વિચાર થયો કે આત્માનું સ્વરૂપ શું, જાણવું તો જોઈએ, જિજ્ઞાસાથી. સવારે છ વાગે ચા પી, નાસ્તો કરી, પોતાની કારમાં એ ઋષિકેશ જાય છે. ઋષિકેશમાં એક સંતને એ ઓળખતો હતો. બહુ જ્ઞાની હતા. એ ઋષિકેશના આશ્રમે પહોંચ્યો. આઠ વાગે પહોંચી ગયો. પછી એણે પૂછ્યું; ગુરુ કેટલા વાગે મળશે? પેલાએ અપોઈમેન્ટ ડાયરી ખોલીને કહ્યું, ગુરુ બપોરે ૪ વાગે મળશે. વ્યસ્ત માણસ, એક-એક મિનિટ જેની લાખો રૂપિયાની કમાણીની, પણ, રહી ગયો, ૪ વાગે ગુરુની ચેમ્બરમાં ગયો. ગુરુના ચરણોમાં ઝૂક્યો અને કહ્યું ગુરુદેવ ! આત્માનું સ્વરૂપ શું, જાણવા માટે આવ્યો. ગુરુએ સામે પૂછ્યું; ક્યાંથી આવો છો? દિલ્લી. શું કરો છો દિલ્લીમાં? ખાંડ, ગોળ ચોખા વિગેરેનો જથ્થાબંધ વેપારી છું. અચ્છા. ગઈ કાલનો કોલાપુરી નંબર એક ગોળનો શું ભાવ? પેલાએ ભાવ કીધો. બાસમતી ચોખાનો શું ભાવ? પેલો બધો ભાવ ફટાફટ બોલવા માંડ્યો. વેપારી હતો. બધા ભાવ એ કહે છે. અચાનક એને થયું; કે આટલા મોટા ગુરુ ભાવ શા માટે પૂછે છે? સાહેબ ! આશ્રમમાં જે જોઈતું હોય તે કહી દો. હું ફોન કરીશ, ટ્રક ભરાઈને આવી જશે, મને લાભ મળશે. તમારે ભાવ પૂછવાની ક્યાં જરૂર છે? તો ગુરુ કહે છે; આશ્રમમાં શું જોઈએ, એ આશ્રમના ટ્રસ્ટીઓ જાણે. હું ગુરુ છું. ગુરુ તરીકે મારે પ્રબંધ જોડે કોઈ સંબંધ નથી. મારે તો એ જાણવું હતું કે ખરેખર તમે આત્માનુ સ્વરૂપ જાણવા આવેલા છો? ગોળનો, તેલનો, ખાંડનો ભાવ ગઈકાલનો રાતનો, આજ સવારનો જેને ખ્યાલમાં છે એને આત્માના સ્વરૂપની વાત કરાય નહિ, આ બધું ભુલી જાવ ત્યારે આવજો હવે. હું પણ તમને આમ જ કહું ને…?
પેલી કથા બહુ મજાની છે. ગુરુને પૂછે છે કે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે? ગુરુએ એના ચહેરા સામે જોયું. ચહેરો જોતા ખ્યાલ આવી ગયો, કે એ માત્ર ગુરુને પ્રભાવિત કરવા માટે પ્રશ્ન પૂછી રહ્યો છે. ઘણા નમુના આવા મળે હો…! તમે જોજો, સભામાં એ પ્રશ્ન કરે. પ્રશ્ન કર્યા પછી ગુરુની સામે એનું મોઢું ન હોય, આજુબાજુવાળા તરફ એ તાકતો હોય કે મેં પ્રશ્ન આટલો સરસ પૂછ્યો; એના કારણે લોકોને કેવું લાગે? ગુરુએ જોયું; કે મને પ્રભાવિત કરવા આ પ્રશ્ન પૂછે છે. ઓહો! આવો શિષ્ય! એને આવો સવાલ થયો! પણ આ તો ગુરુ છે. ગુરુએ શું કર્યું? પાટ પર બેઠેલા, પાછળ બારી સળિયા વગરની, શિષ્યને બોચીથી પકડ્યો, સીધો બારીથી નીચે નાંખ્યો, નીચે રેત હતી એ ખબર હતી. પેલો ચત્તોપાટ રેત ઉપર પડ્યો. હવે આવી અણધારી ઘટના, અપ્રત્યાસિત ઘટના, ગુરુ જવાબ આપે અથવા ન પણ આપે; પણ પટકશે એવો તો ખ્યાલ જ નહતો.! અણધારી ઘટના ઘટે ને ત્યારે તમારું conscious mind સહેજ બાજુમાં જતું રહે. આશ્ચર્ય થાય ને એકદમ, આવું થયું…! accident વખતે જોજો. આપણે કહીએ ને બુદ્ધિ બેર મારી ગઈ છે, મગજ બેર મારી ગયું છે. એ શું થયું? conscious mind બાજુમાં જતું રહ્યું. એ ક્ષણે ખ્યાલ ન આવો કે શું કરવું? કોને ફોન કરવો? શું કરવું?
તો conscious mind બાજુમાં જતું રહ્યું. પછી ગુરુ બારીએથી ડોકિયું કરે છે. બે-એક મિનિટ થઇ ગયેલી. ગુરુ ડોકિયું કરે છે અને પેલાને કહે છે; કેમ ભાઈ! હવે ખ્યાલ આવે છે કે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે ! પેલો કહે; હાજી, હવે ખ્યાલ આવી ગયો! કઈ રીતે ખ્યાલ આવ્યો? અત્યાર સુધી એણે ગુરુના ચહેરાને પણ ધ્યાનથી જોયો ન હતો. આજે conscious mind બાજુમાં ખસેલું, એણે પોતે ગુરુના ચહેરાને જોયો. ગુરુના ચહેરા ઉપર અપાર શાંતિ, ત્યારે એણે અનુમાન લગાવ્યું; કે ગુરુના ચહેરા ઉપર આવી દિવ્ય શાંતિ છે. તો બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે! એ આવ્યો શિષ્ય, ગુરુના ચરણોમાં ઝૂક્યો અને પ્રભુના પ્રેમમાં એ ડૂબી ગયો!
એટલે સદ્ગુરુનું એક જ કામ છે, પ્રભુના પ્રેમમાં તમને ડૂબાડવા. તમે પ્રભુના પ્રેમમાં જલ્દી જલ્દી ડૂબજો.!
