Param Sparsh Ni Yatra – Vachana 02

34 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સાધનાની પ્રભુ-કર્તૃક્તા

  • પ્રભુની કૃપાનો સ્પર્શ એ જ પરમ સ્પર્શ. પ્રભુનો માર્ગ એટલે પરમ સ્પર્શ માટેની યાત્રા.
  • પ્રભુના આ માર્ગ પર પ્રભુની કૃપા વિના એક ઇંચ કે એક સેન્ટિમીટર પણ ચાલી શકાતું નથી.
  • મંઝિલની પ્રાપ્તિનો આનંદ તો બધે હોઈ શકે. પણ માર્ગમાં યાત્રા કરતા-કરતા ઝૂમવાનો આનંદ માત્ર પ્રભુના માર્ગમાં છે!

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

વર્ષો પહેલાં રાણકપુર તીર્થની યાત્રાએ જવાનું થયું. સાધુ જીવનમાં આવી રીતે યાત્રાનો લાભ ક્વચિત જ મળી શકે. મનભાવન તીર્થ, મનભાવન તિર્થાધિપતિ ભક્તિધારામાં ડૂબી જવાયું. એક બપોરે દેરાસરે હું ગયેલો એ વખતે Guide નું કામ કરતા પૂજારી એ મને એક થાંભલા ઉપરની નાનકડી મૂર્તિ દેખાડી. 4-5 ઇંચની લગભગ મૂર્તિ હશે. કોઈ વ્યક્તિની, કોઈ શ્રેષ્ઠીની. મને એ પૂજારીએ પૂછ્યું કે, સાહેબ તમને ખ્યાલ આવે છે આ કોની મૂર્તિ હશે? મેં કહ્યું ના. એ વખતે એણે મને કહ્યું કે આ મૂર્તિ, આ મંદિર બનાવનાર ધરણાશા શ્રેષ્ઠીની છે.

પછી એણે મજાની વાત આગળ કીધી કે અમારે ત્યાં પરંપરાથી એક વાત ચાલી આવી છે. કે મંદિર નિર્માણના અંતિમ તબક્કામાં હતું, ત્યારે ધરણાશા શ્રેષ્ઠી શિલ્પી સાથે મંદિરમાં ફરી રહ્યા હતા. અચાનક શ્રેષ્ઠી એ કહ્યું કે, સ્થપતિ! મારી પણ એક નાનકડી મૂર્તિ પ્રભુના દરબારમાં મૂકાવી જોઈએ. પણ 3 શરત છે.

  1. મૂર્તિ નાનકડી હોવી જોઈએ.
  2. એ મૂર્તિ ઉપર મૂળનાયક આદિશ્વર દાદાની દ્રષ્ટિ 24 કલાક પડતી હોવી જોઈએ.
  3. અને સામાન્યતઃ કોઈ વ્યક્તિ એ મૂર્તિને જોઈ ન શકે એવી રીતે ગોઠવાયેલી હોવી જોઈએ.

મેં જોયું ત્રણે શરતો પૂર્ણ થયેલી હતી. મૂર્તિ નાનકડી હતી. ત્યાં જઈને જોયું મૂળનાયક પ્રભુની દ્રષ્ટિ બરાબર એ મૂર્તિ ઉપર પડતી હતી. અને મને પણ ખ્યાલ નહતો આવ્યો તો બીજા કોઈને ખ્યાલ ક્યાંથી આવે કે આ ધરણાશાની મૂર્તિ હશે. એ વખતે મેં ધરણાશાને કહ્યું, એ મૂર્તિને ઉદ્દેશીની મેં કહ્યુ કે, તમે તો સાધના જગતના 3 રહસ્યો અમારી સામે પ્રગટ કર્યા.

પ્રભુએ આપેલી સાધનાની, પ્રભુએ આપેલા મજાના માર્ગની 3 શરતો છે:

  1. આપણી સાધના આપણને નાનકડી લાગવી જોઈએ.
  2. આપણી સાધના પ્રભુ દ્વારા Certified થયેલી હોવી જોઈએ.
  3. અને આપણી સાધનાને બીજું કોઈ જોઈ ના જાય એવી રીતે આપણે કરવી છે.

પ્રભુના માર્ગે થોડા ડગ આજે ભરીયે. એક વાત હું ઘણી વાર કહું છું કે મંજિલ તો બધે મજાની હોઇ શકે. પ્રભુના માર્ગની વિશેષતા એ છે કે અહીંયા માર્ગ પણ મજાનો-મજાનો છે. સંઘયાત્રમાં તમે ગયેલા હોવ. છરીપાલિત સંઘયાત્રામાં, 12 K.M કીધેલું હોય ને 17 K.M ચાલ્યા ને છતાં તંબુઓ દેખાય નહિ, યાત્રિક થાકી જાય પણ જ્યાં તંબુઓની નગરી દેખાવા લાગે એને થાય બસ મારી મંજિલ આવી ગઈ.

મંજિલની પ્રાપ્તિનો આનંદ બધે જ હોઈ શકે, માર્ગમાં ઝૂમવાનો આનંદ પ્રભુના માર્ગમાં છે. કારણ? કારણ છે આચારાંગ સૂત્રની એક નાનકડી સાધના. પ્રભુએ આચારાંગ સૂત્રમાં સાધકની એક સજ્જતા આપી. પ્રભુએ કહ્યું, મારો સાધક અને મારી સાધિકા તદ્દષ્ટિક જોઈએ, પ્રભુદ્રષ્ટિક. પ્રભુની સામે નજર છે અને આપણે ચાલ્યા કરીએ છીએ. થાક ક્યાં છે?

રામાયણની એક મજાની ઘટના છે. રામચંદ્રજીને પિતાના આદેશથી વનમાં જવાનું નક્કી થઈ ગયું. સીતા માતા તૈયાર થઈ ગયા. રામચંદ્રજીએ સીતામાતાને કહ્યું જંગલમાં તમે નહી ચાલી શકો, થાકી જશો. ત્યાંના કાંટા, ત્યાંના કાંકરા, તમારા કોમળ પગ. તમે થાકી જશો. તમે અહીંયા જ રહો. સીતામાતાએ કહ્યું, આપની આજ્ઞા મારા માટે શિરોધાર્ય જ હોય. મારે કોઈ વિકલ્પ કરવાનો પણ નથી. શું મજાની પરંપરા હતી! એક ધર્મપત્ની પતિની આજ્ઞાને કોઈ પણ વિકલ્પો વગર સ્વીકારતી હતી. એક દીકરો પિતાની, માતાની આજ્ઞાને કોઈ પણ વિકલ્પો વગર સ્વીકારતો હતો. અને એવા દીકરાઓ-દીકરીઓ અમારે ત્યાં આવતાને ત્યારે અમને જલસો પડી જતો. કારણ, ઘરે રહીને આજ્ઞા સ્વીકારની જેણે ટેવ પાડેલી છે તે અહીંયા આવ્યા પછી તો ગુરુની આજ્ઞામાં જ રહેવાના છે. સીતામાતા કહે છે આપની આજ્ઞા મને શિરોધાર્ય છે. પણ, એક નાનકડું નિવેદન હું કરું, પ્રાર્થના હું કરું. પછી આપ જે કહેશો એ મારે સ્વીકારવાનું છે. એ વખતે સીતામાતાએ કહ્યું મને થાક નહિ લાગે. કારણ, આપ આગળ ચાલતા હશો, હું પાછળ ચાલતી હોઈશ. તમારા ચરણકમળનું હું ધ્યાન કરતી હોઈશ મને થાક ક્યાંથી લાગશે? તુલસીદાસજી રામચરિત માનસમાં સીતામાતાના શબ્દોને Quote કરીને લાવ્યા. “મોહી મગ ચલત ન હોઇહી હારી, છિનુ-છિનુ ચરણ સરોજ નિહારી” માર્ગે ચાલતા સહેજ પણ થાક મને ક્યાંથી લાગશે? ક્ષણે-ક્ષણે હું તમારા ચરણકમળનું ધ્યાન કરતી હોઈશ.

પ્રભુના માર્ગે ચાલીએ. પ્રભુના ચરણકમળ ઉપર, પ્રભુની આજ્ઞા ઉપર આપણી દ્રષ્ટિ હોય. થાક ક્યાંથી લાગે? માર્ગ પણ મજાનો. 15 K.M નો વિહાર કરીને મુનિરાજ આવેલા હોય. પણ એમના ચહેરા ઉપર જુવો. એજ સ્મિત, એજ હાસ્ય. પ્રભુ જોડે છે, થાક ક્યાંથી લાગે? તો. આમ પ્રભુના માર્ગે ચાલવું છે. કારણ? પ્રભુનો માર્ગ એટલે પરમસ્પર્શ માટેની યાત્રા. એ માર્ગે ચાલીશું, પરમનો સ્પર્શ આ રહ્યો.

પહેલી શરત સાધનાની છે: તમને તમારી સાધના નાનકડી લાગે. કેમ નાનકડી લાગે? જે ક્ષણે સાધનાના ભગવત-કર્તૃત્વનો ખ્યાલ આવી ગયો, લાગે કે એની કૃપાથી જ સાધના જગતમાં એક ડગલું હું ભરી રહ્યો છું. માત્ર એની કૃપા મને ચલાવે છે. ત્યારે આપણને આપણું કર્તૃત્વ બિલકુલ નગણ્ય લાગશે.

મહોપાધ્યાયજી કહે છે, તું ગતિ. પ્રભુ! સાધના માર્ગમાં મારી ગતિ તું છે. એની કૃપા વિના એક ઇંચ, એક સેન્ટીમીટર તમે સાધના માર્ગે ચાલી શકતા નથી. આનંદઘનજી ભગવંતને એક ભક્તે પૂછેલું, કે ગુરુદેવ અમે તો પ્રભુને ખૂબ-ખૂબ ચાહીયે છીએ. અમારા માટે પ્રભુ પ્રાણોથી પણ વધુ પ્યારા છે. પણ, પ્રભુ અમને ચાહે છે ખરા? એ વ્યક્તિ થોડી સશંક થયેલી હતી. પ્રભુ વિતરાગ થયેલા છે. પ્રભુ મને ચાહે એવું કઈ રીતે બની શકે? એટલે એણે પૂછ્યું, હું પ્રભુને ચાહું છું, પ્રભુ મને ચાહે છે? આનંદઘનજી ભગવંતે કહ્યું, અરે! તું તો એને શું ચાહે છે? એનો તારા પરનો જે પ્રેમ છે, એ નિરઅવધી છે. પેલો માણસ બુદ્ધિજીવી હતો. તમે તો બધા શ્રદ્ધાજીવી છો.

વીરવિજય મહારાજે 99 પ્રકારની પૂજામાં કહ્યું, ‘ શ્રદ્ધા વીણ કુણ ઇહાં આવે?’. એ શત્રુંજય ગિરિરાજની પણ વાત છે, શાસનની પણ વાત છે. માત્ર બુદ્ધિથી પ્રભુ શાસનને તમે પામી શકો નહિ. શ્રદ્ધા વીણ કુણ ઇહાં આવે. અને કદાચ કોઈ આવી ગયું તો એમણે સ્પષ્ટ કહ્યું આગળ ‘ લઘુ જળમાં કિં તે નાવે’ . બુદ્ધિના ખાબોચિયાંમાં કેમ કરીને નાહી શકાય? ઝેન આશ્રમોમાં તો તકતી મારેલી હોય છે બહાર: ‘No Mind Please.’ તમારી બુદ્ધિને લઈને આવતા નહીં.

એક સવાલ કરું. મોટા-મોટા સમારોહો આપણે ત્યાં થતાં હોય. 4-5-6 પ્રવચનકાર મહાત્માઓ પ્રવચન કરવાના હોય. તમે જો બુદ્ધિ લઈને આવો તો શું થાય? તમારી બુદ્ધિ પ્રવચનકાર મહાત્માઓને માર્ક્સ આપવા માટે નીકળી પડે. આમનું બહુ સરસ. આમના પ્રવચનમાં મજા ના આવી. બુદ્ધિ પલળી ના શકે, ભીંજાઈ ના શકે, ડૂબી તો ક્યાંથી શકે? આપણે ડૂબવું છે. અગણિત જન્મોમાં પ્રભુ શાસન મળેલું. પ્રભુની આ પ્યારી પ્યારી ચાદર પણ મળેલી. આપણે ડૂબી ના શક્યા. ના હું ડૂબી શક્યો, ના તમે ડૂબી શક્યા. અને એટલે જ આપણો સંસાર ચાલુ રહ્યો. આપણી ચેતના જન્મો પહેલા પ્રભુમય બની ગયેલી હોત તો આપણે અત્યારે અહીંયા ના હોત, મોક્ષમાં હોત.

એક બહુ મજાની વાત કરું. આપણા જ જીવનની અતીતની યાત્રાની આ વાત છે. 500-700-1000 જનમ પહેલાં, એક જનમ આપણો એવો હતો જ્યારે આપણે બિલકુલ કોરાં હતા. પ્રભુ એટલે શું? એ આપણને ખ્યાલ પણ ન હતો. પણ આપણું એક સદભાગ્ય કે એ સદભાગ્ય આપણને એક સદગુરુના ચરણો સુધી લઈ ગયું અને સદગુરુએ પરમાત્માના મોહક ઐશ્વર્યની વાતો કરી. પરમાત્મા આવા, પરમાત્મા આવા. એ જ ક્ષણે આપણે પ્રભુને પ્રાર્થના કરેલી કે પ્રભુ તું આવા સંતોને મળે, મને કેમ ના મળે? એક સેકન્ડની આપણી પ્રાર્થના ઉપર પ્રભુએ આપણને પસંદ કર્યા. પણ initial Stage નું કામ સદગુરુ કરે છે. તો પરમ ચેતનાએ સદગુરુ ચેતનાને સંદેશ આપ્યો કે I Have Selected Him, I Have Selected Her. મેં આને પસંદ કરેલ છે, શરૂઆતનું કામ તમે શરૂ કરો. સદગુરુ શું કરે? એક ગ્લાસ છેક સુધી ધૂળથી ભરાયેલ છે. એમાં પાણી જશે તો સિવાય કીચડ શું થશે? ગ્લાસને સાફ કરવો પડે, લુછવો પડે. પછી એમાં પાણી લેવાય પાણી આપણને મળે.

પ્રભુની કૃપા સતત-સતત વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવો નથી કે પ્રભુની કૃપા ના વરસતી હોય. પણ એ વખતે આપણા હૃદયનું પાત્ર રાગ-દ્વેષના કચરાંથી ભરાયેલું હતું. સદગુરુએ Initial Stage માં એ કામ શરૂ કર્યું, આપણા હૃદયના પાત્રને સ્વચ્છ બનાવવા. એમણે પોતાની સંમોહક વાણીથી બહુજ પ્રેમથી આપણને સમજાવ્યું કે, બેટા નિમિત્ત-નિમિત્ત-નિમિત્ત શું કરે છે? તારું ઉપાદાન ગડબડિયું છે, માટે તું નિમિત્તને પકડે છે.

એક પેટ્રોલ પંપ હતો. No Smoking Please એવું લખેલું હતું. એક વ્યક્તિ ત્યાં ગઈ. 10 મિનિટ ઊભા રહેવું પડ્યું. Chain Smoker એ હતો. 10 મિનિટ થઈ ગઈ, Cigarette પીધાં વિના એણે ચાલે એવું હતું નહિ. બોર્ડ વાંચ્યું પણ ખરું. છતાં એણે દીવાસળી સળગાવી, Cigarette ને સળગાવી અને સળગતી દીવાસળી ફેંકી. આખો પેટ્રોલ પંપ ભડકે બળ્યો. તમને છે ને આટલી વાતનો ખ્યાલ છે, તમે શું કહો? પેલા એ સળગતી દીવાસળી ફેંકી, માટે પેટ્રોલપંપ ભડકે બળ્યો. બરોબર? હવે મારે તમને પૂછવું છે એ જ માણસ દીવાસળીના 2-3 બાકસ લઈને પાણી ભરેલા હોજ પાસે પહોંચી જાય અને દીવાસળી સળગાવી-સળગાવીને પાણી ભરેલા હોજમાં નાખતો જાય. કેટલી આગ લાગે? તકલીફ તમારી એ છે તમને સામાની દીવાસળી દેખાય છે, તમારો પેટ્રોલ પંપ દેખાતો નથી. તમે પાણી ભરેલો હોજ થઈ જાવ. દીવાસળીની તાકાત કેટલી છે?

એક વાર કંડલા હાઇવે ઉપર હું વિહાર કરતો હતો. Oil Tanker ઘણાં જાય અને એમાં પાછળ લખેલું હોય, Highly Flammable- અત્યંત જવલંતશીલ. એ વખતે મને એક વિચાર આવેલો કે, ઘણા માણસો એવા હોય વિના કારણે ગુસ્સો કરી નાખે. કોઈ પૂછે કેમ છો મજામાં? તને શું લાગે છે મજામાં નથી લાગતો એમ? એવો માણસ એના શર્ટની પાછળ Sticker લગાવી દે કે Highly Flammable- અત્યંત જ્વલંતશીલ. તો બીજાઓને કેટલી રાહત થઈ જાય.

સદગુરુએ આપણને પ્રેમથી સમજાવ્યું કે, બેટા નિમિત્ત-નિમિત્ત-નિમિત્ત શું કરે છે? હું એક વાત ઘણી વાર કહું છું, ભક્તની Dictionary માં, ભક્તની Vocabulary  માં પાને-પાને નિમિત્ત શબ્દ છે. પાને-પાને. પ્રભુ એ મને નિમિત્ત બનાવ્યો. હું પ્રવચન આપીને કે સંગોષ્ઠીમાં બોલીને, સુધર્મા પીઠ પરથી નીચે ઉતરું છું ત્યારે મારી આંખો ભીંજાયેલી હોય છે. અને મારી આંખોની એ ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ તારી પાસે અગણિત Sound Systems હતી અને છતાં તે મારા જેવા નાચીજ માણસની Sound System નો ઉપયોગ કર્યો. પ્રભુ! તારો હું બહુ ઋણી છું.

પૂર્વે આપણા ભારતે, વિશ્વને, પશ્ચિમને જે કેટલાક નવા શબ્દો આપ્યા છે. એ પૈકીનો એક શબ્દ છે નિમિત્ત. Oxford Dictionary ના નવા-નવા Editions થતાં હોય છે. એમાં એ લોકો ઘણા બધા શબ્દો જે બીજી સાંસ્કૃતિક વિભાવનાઓમાં છે ને એમાં છૂટી ગયેલા છે એને જોડી રહ્યા છે. અને એમાં એ લોકો આવા શબ્દોને પસંદ કરી-કરીને Dictionary માં સ્થાન આપી રહ્યા છે. તો નિમિત્ત શબ્દ ભારતનો વિશ્વની ભેટ છે. નિમિત્ત! પ્રભુ એ મને નિમિત્ત બનાવ્યો. કોઈ પણ સારું કામ કરો, કરો. પણ એક જ વાત મનમાં ઘૂમરાતી હોય, પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.

એક મજાની ઘટના યાદ આવે. એક શ્રીમંત. ખરેખરો શ્રીમંત હોં. હું ઘણી વાર કહું છું, અંગ્રેજીમાં Rich, Rich Man શબ્દ છે એનું ગુજરાતી પર્યાય કોઈ પૈસાદાર કરે તો મને વાંધો નથી. પણ લક્ષ્મીવાન કરે તો મને વાંધો છે. પૈસો અલગ ચીજ છે, શ્રી લક્ષ્મી અલગ ચીજ છે. તમારી પાસે હોય માત્ર તમારા કામમાં આવે, તમારા કુટુંબના કામમાં આવે એ પૈસો. અને તમારી પાસે છે અને સમાજ માટે, સંઘ માટે અને રાષ્ટ્ર માટે કામમાં આવે એ સંપત્તિ લક્ષ્મી છે. આજે આશીર્વાદ આપી દઉં, બધા લક્ષ્મીવાળા બની જાવ. એ શ્રીમંત સવારના પહોરમાં નોટોના બંડલ લઈને બેસી જાય. લોકોની લાઈન લાગેલી હોય ને એ આપ્યા કરે પણ નીચી નજરે આપે. કોઈનું મોઢું ક્યારે પણ જોવાનું નહિ. એક વાર એ શ્રીમંતના મિત્રો ભેગા થયેલા, એ વિચાર કરે કે આપણો મિત્ર દાન તો મજાનું આપે છે. પણ નીચી નજરે કેમ આપે છે? એ લોકો વિચાર કરતા હતા ત્યાં જ એ શ્રીમંત આવી ગયા. મિત્રોએ પૂછ્યું કે તમે નીચી નજરે દાન કેમ આપો છો? એ શ્રીમંતે જે વાત કરીને આજે એને મનમાં Fit કરજો. એ શ્રીમંત કહે છે મને શરમ આવે છે. અરે! દાન આપવામાં શરમ. ત્યારે એ શ્રીમંત કહે છે, પૈસા પ્રભુના, પૈસા બીજાને આપવાનો ભાવ પ્રભુએ આપ્યો. પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવે અને લોકો એમ કહે છે કે ફલાણાં ભાઈ દાન આપે છે, મને શરમ ના આવે તો શું થાય? 3 વાત એમને કરી.

  1. પૈસા પ્રભુના કોના? સભા: પ્રભુના. તમે કહેશો પુણ્યથી મળ્યા. પુણ્યના માલિક કોણ? પ્રભુ. તમે તો દેરાસરમાં જાવ, હું પ્રભુ તારો ને તું પ્રભુ મારો. તમે આખાને આખા પ્રભુના તમારી સંપત્તિ કોની? પ્રભુની.
  2. એ શ્રીમંત કહે છે પૈસા પ્રભુના, એ પૈસા બીજાને આપવાનો ભાવ એ પણ પ્રભુ એ આપ્યો. મારો હાથ તો ખાલી નિમિત્ત છે.
  3. પ્રભુ એ ત્રીજી કૃપા કરી કે મારા હાથને નિમિત્ત બનાવ્યો. હું આમાં છું જ ક્યાં Pictureમાં?

તો સદગુરુએ આપણને સમજાવ્યું કે બેટા નિમિત્ત-નિમિત્ત-નિમિત્ત શું કરે છે? તો 2 વાત હું કહેતો હતો. ભક્તની Dictionary, ભક્તની Vocabulary માં પાને-પાને નિમિત્ત શબ્દ છે. સાધકની Dictionary માં નિમિત્ત શબ્દ છે જ નહિ. એને ગાળ આપી કે તમારા કર્મે ગાળ આપી? સાધક તરીકે તમે છો તો નિમિત્ત શબ્દ તમારી Dictionary માં છે જ નહિ. મને તો તમારા માટે એવી શ્રદ્ધા છે. અડધો કલાક કોઈ Uncle વિના કારણે Non Stop કડવા શબ્દો કહે અને થાકે. કારણ કે Action ની સામે તમારું Reaction ના હોય અને થાકે. એ વખતે તમે કહો કે Uncle મને સુધારવા માટે તમે બહુ મહેનત લીધી. તમારા ગળાને શોષ પડ્યો હશે, આ ઠંડુ પાણી જરા પીઓ ને Juice પીઓ. આવી અપેક્ષા મારી તમારા માટે છે. કારણ? પ્રભુનું શાસન તમને મળ્યું છે.

પહેલી વાત સાધના જગતની. તમારી સાધના તમને નાનકડી લાગે.

રત્નસુંદર મ.સા. : અમારી કક્ષા કંઈ? વક્તાની કે સાધકની?

ભક્તિયોગાચાર્ય : ભક્ત અને સાધકમાં ફરક કેટલો એ બતાડી દઉં. ભક્તની પાસે અલગ Composition છે, સાધકનું અલગ Compostion છે. સાધકનું સાધનાનું Composition એ છે 99% Grace, 1% Effort. નવ્વાણું ટકા માત્ર કૃપા, એક પ્રતિશત પ્રયત્ન કે હું પ્રભુની કૃપાને ઝીલું અને સાધના માર્ગે ચાલું. પણ જે ભક્ત સંપૂર્ણતયા સમર્પિત થઈ ગયો છે એનું ભક્તિ જગતનું Composition અલગ છે. એનું Composition એ છે, 100% Grace And I Am Effortless Person. સો એ સો ટકા કામ પ્રભુએ કરવાનું છે, સદગુરુએ કરવાનું છે, મારે કંઈ જ કરવાનું નથી.

એ જ લયમાં ભક્તે કહ્યું, ‘મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો, જુઠું બિરુદ શું ધારે.’ રેવતીજીને તે તાર્યા પ્રભુ, સુલસાજીને તે તાર્યા. પ્રભુ! એ તો તરે એવા હતા. મારા જેવા પત્થર ને તું તારે તો હું માનું ખરેખર તું તારક છે. શું ભક્તોની પણ દુનિયા હોય છે! સૂરદાસજી મંદિરમાં ગયેલા. એક વ્યક્તિ પ્રભુને પ્રાર્થના કરી રહી છે. અને એમાં એણે પ્રભુને કહ્યું, પ્રભુ તું પતિત પાવન છે. એ વ્યક્તિ પ્રાર્થના કરીને ગઈ એ પછી સૂરદાસજીની આંખોમાં આંસુ છલકાયા અને એમણે પ્રભુને કહ્યું, પ્રભુ! ‘મેં પતિતનમે ટીકો’. પતિતોની દુનિયામાં અગ્રણી હું છું. એક પ્રતિષ્ઠિત સંત  આવું કહે છે. અને પછી પ્રભુને કહે છે. મારાથી પદતર પતિત કોણ હતું? જેને તારીને તે પતિત પાવન વિશેષણ લઈ લીધું. જ્યાં સુધી તું મને ન તારે, ત્યાં સુધી તું પતિત પાવન નથી.

તો સાધકની દુનિયાનું Composition અલગ છે અને ભક્તની દુનિયાનું Composition અલગ છે.કારણ કે ભક્ત સંપૂર્ણતયા સમર્પિત છે. એ કહે છે મારે કંઈ કરવું નથી. પ્રભુ સદગુરુને મોકલશે. સદગુરુ મારી Care કરશે. હું મારા તરફથી કંઈ કરવાનો નથી. એક નાનું બાળક શું કરે બોલો? નાનું બાળક સાંજે સ્કુલેથી આવ્યું. એની Water Bag ચોરી થઈ ગયેલી. એણે એના Colleague ની Water Bag જોઈ. મરૂન કલરની, મજાનો Flask. એને ઘરે આવીને એની મમ્મીને કહી દીધું, આ Water Bag હશે તો કાલે સ્કૂલે જવાનો નથી. મરૂન કલરની, મજાનો Flask મને મળશે તો જ હું કાલે સ્કુલે જઈશ. બાળકને કંઈ કરવાનું નથી. Shopping કરવા જવાનું નથી. મા રાત્રે Shopping કરી આવે, એવો જ Flask લઈ આવે. સવારે દીકરો સ્કુલે જતો હોય ત્યારે હોંશે-હોંશે એના ખભા ઉપર ટાંગી આપે.

ભક્ત માટે સાધનાના એક પણ પડાવે જવું એ આયાસની ચેષ્ટા નથી, અનાયાસની ચેષ્ટા છે. એટલે જ પહેલી વાત આપણી છે, સાધના નાનકડી કેમ લાગે? કૃપાસાધ્ય છે માટે! દિવસ આપણો કૃપાના સ્વીકારથી શરૂ થાય છે. સવારે અમે ઊઠીએ, સૌથી પહેલા શું કરીએ? આ રજોહરણને મસ્તકે લગાવીએ. એ વખતે અમારી આંખો ભીની બને અને આંખોની એ ભીનાશ પ્રભુને કહેતી હોય, પ્રભુ! અમારી કોઈ સજ્જતા નહિ, લાયકાત નહિ, પાત્રતા નહિ, હેસિયત નહિ અને આવું અદભુત વરદાન તે અમને આપી દીધું. તમે પણ આ કામ કરી શકો છો. સવારે પ્રતિક્રમણ-સામાયિક કરો છો, ચરવળા મુહપત્તિને હાથમાં લો, મસ્તકે લગાડો. પ્રભુની કૃપાનો સ્પર્શ એ વખતે તમને થશે. અને એ જ પરમ સ્પર્શ! પ્રભુની કૃપાનો સ્પર્શ એજ પરમ સ્પર્શ.

મારી દ્રષ્ટિએ અમારા કરતા પણ તમને વધારે કૃપાનો સ્પર્શ થાય. કેમ? તમને થાય કે કેવી મારા પ્રભુની કૃપા! પ્રભુએ એમ ના કહ્યું કે જે દીક્ષા લે, સંપૂર્ણતયા મારી આજ્ઞાનો સ્વીકાર કરે એને હું મારા ધર્મસંઘમાં સ્થાન આપું. જેને સંસારમાં રહેવું છે એને મારા ધર્મસંઘમાં સ્થાન કેમ? આવું પ્રભુએ નથી કહ્યું. પ્રભુએ કહ્યું નિર્મળતાને કારણે સંસારમાં રહેલ વ્યક્તિ, પણ એને મારી આજ્ઞા પ્રત્યે પ્રેમ છે, મારા પ્રત્યે પ્રેમ છે તો હું એને મારા ધર્મસંઘમાં સ્થાન આપું છું. આ પ્રભુની કૃપા, આ પ્રભુની કરુણા એનો સ્પર્શ થયા વગર રહે ખરો?

પંન્યાસજી ભગવંત અને કલાપૂર્ણસૂરીદાદા. એમના જીવનની એક-એક ક્ષણ પ્રભુની કૃપાથી મજાથી ઓતપ્રોત બનેલી હતી. એક પ્રવચનમાં કલાપૂર્ણસૂરીદાદાએ કહેલું કે પ્રવચન આપવા માટે જ્યારે હું મારા આસન પરથી ઊભો થવાનો હોઉં છું, ત્યારે પ્રભુને પ્રાર્થના કરું છું. કે પ્રભુ હું તો તારું વાજિંત્ર છું. તારે બોલવાનું છે. એવા શબ્દો મારા કંઠેથી નીકળે કે સભા માટે જરૂરી હોય, સભા માટે કલ્યાણકારી હોય. દાદાએ એ વખતે ઉમેરેલું કે કોઈ પણ પ્રવચન આપતા પહેલા હું ક્યારે પણ વિચાર કરતો નથી. માત્ર પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ તું બોલાવજે. એમને મન એક-એક પ્રવચનનો શબ્દ એ પ્રભુની કૃપાનું અવતરણ છે. આપણા પૂરા જીવનને પ્રભુની કૃપાનું અવતરણ કેન્દ્ર બનાવવાનું છે. પ્રભુ આપણી ભીતર ઉતરે અને તો જ આ જીવન સાર્થક થાય. કોઈની સરસ વાત જોઈ તમારી આંખોમાં અનુમોદનાનાં લયમાં બે હર્ષના આંસુ આવ્યાં, હું કહીશ પ્રભુ તમારી આંખોમાંથી પ્રગટ થયા. કોઈની સરસ વાત સાંભળી તમારા કંઠેથી બે શબ્દો પ્રગટશે, હું કહીશ પ્રભુ તમારા કંઠેથી પ્રગટ્યા.

રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિમાં કહે છે, પ્રભુ! હું તો બાંસુરી છું. ચૂપ-ચૂપ થઈને પડી રહેનારી. હવા થઈને મારી ભીતરથી તું વહ્યો અને એટલે જે સંગીત સર્જાયું એ તારી માલીકીયત કહે છે. હું તો ચૂપ-ચૂપ થઈને પડેલો હતો. તે તારા હાથમાં મને લીધો. તે તારા હોઠનો સ્પર્શ કરાવ્યો અને મારું જીવન સંગીતમય બની ગયું.

છેલ્લે એક સૂત્ર આપી દઉં, આપણું જીવન અને એના હોઠ. એ નેમિનાથ દાદાના, એ સંભવનાથ દાદાના હોઠ. તમારા જીવનની બાંસુરી પરમાત્માના હોઠને Touch ના થાય ત્યાં સુધી ઘોંઘાટ નીકળશે અથવા એ ચૂપ રહેશે. જે ક્ષણે તમારા જીવનની બાંસુરી એના હોઠને સ્પર્શી એ જ ક્ષણે સંગીત શરૂ થઈ જશે.

સાધના જગતની બહુ મજાની પહેલી વાત, તમારી સાધના તમને બહુ નાનકડી લાગે. હમણાંની બનેલી એક ઘટના કહું. એક મુનીરાજે માસક્ષમણ કર્યું. મોટો સમુદાય હતો. 30-35 મુનિવરો હતા ગુરુદેવની નિશ્રામાં. એક મહાત્મા સ્વાધ્યાયશીલ હતા. સવારથી સાંજ સુધી માત્ર સ્વાધ્યાયમાં ડૂબેલા. ધ્યાન પણ એટલું કરતા રાત્રે. દિવસે સ્વાઘ્યાય. રાત્રે ધ્યાન. દિવસ શેના માટે? સ્વાધ્યાય માટે. રાત શેના માટે? ધ્યાન માટે. માસક્ષમણના 30માં દિવસે એ મુનિરાજને વિચાર થયો કે આ સ્વાધ્યાયશીલ અને ધ્યાનશીલ મહાત્માની ગોચરી લાવવાનું લાભ મને મળે તો ઘણું સારું. જરૂર ગુરુદેવ પરવાનગી નહીં પણ આપે, જઈ પણ ના શકાય. પણ માસક્ષમણના 30માં દિવસે એમને ભાવ થાય છે કે આ સ્વાધ્યાયશીલ મહાત્માની ગોચરી લાવીને હું ભક્તિ કરું. એમણે પોતાની સાધનાને નાનકડી તરીકે જોઈ કે મારી પાસે બાહ્ય તપ છે, એ મહાત્માની પાસે અભ્યંતર તપ છે. આ એક બહુ મજાની વાત છે કે એમણે પોતાની સાધનાને Under Estimate કરી. સાધના જગતનું સૌથી મોટું ભયસ્થાન હોય તો એ છે Over Estimation. તમે તમારી સાધના હોય એના કરતાં Superior માનીને જીવતા હોય. તમારી સાધના કેવી છે એની પરીક્ષા માત્ર સદગુરુ જ કરી શકે.

એક સાધક હતો. હિન્દુ ગુરુનો શિષ્ય. ગુરુએ એને સાધના આપી. નદી કિનારે જવાનું એકાંતમાં. એક વાર ટિફિન આવી જાય એ ખાઈ લે બાકી ધ્યાનમાં રહેવાનું. 10 વર્ષ એ સાધક નદીકિનારે એકલો રહ્યો જંગલમાં. 10 વર્ષને અંતે એને લાગ્યું કે મારી સાધના બહુ જ ઉંચકાઇ ગઈ છે. એ ગુરુની પાસે આવે છે. ગુરુએ દૂરથી એને આવતો જોયો. ગુરુ એના મુખને જોઈને સમજી ગયા, એની સાધના એટલી ઉંચકાઇ નથી. વળી એ પણ સમજી ગયાં એ પોતે એમ માની બેઠો છે કે મારી સાધના એકદમ Hi-Fi થઈ ગઈ છે. જેવો એ સાધક આવ્યો, ગુરુના ચરણોમાં પડ્યો. ગુરુ એ કહ્યું, બેટા તું એમ માને છે કે તારી ભીતર એવો એક નદીનો પ્રવાહ શરૂ થયો છે કે સ્ટીમર પણ તરી શકે. બેટા સ્ટીમર નહિ, નાનકડી હોડી પણ તરે એવી નથી. ઝરણું એ ચાલુ થયું નથી. જા પાછો. બીજા 10 વર્ષ. 20 વર્ષે તો એને લાગ્યું મારી સાધના Superior થઈ જ ગઈ. ગુરુ પાસે આવ્યો, ગુરુ એ કહ્યું હવે હોડી તારી શકે એમ છે, પણ સ્ટીમર તરે એવું પાણી નથી હજુ. ફરી જા. ત્રીજા 10 વર્ષ. 30 વર્ષની સાધનાની અંતે એ આવી રહ્યો છે. ગુરુએ જોયું, આવી રહ્યો છે. ગુરુ પોતે ઊભા થયા, સામે ગયા, એને બાહોમાં લીધો કે વાહ હવે તારી સાધના Superior થઇ ગઇ. એટલે તમારી સાધના માટે તમારું Over Estimation ક્યારેય પણ કરતા નહિ, Under Estimation જ રાખજો.

તો સાધના જગતમાં ઉતરવા માટેના 3 સૂત્રો ધરણાશાહે આપ્યા.

  1. સાધના નાની હોય,
  2. સાધના પ્રભુ દ્વારા Certified હોય
  3. અને સાધનાને બીજા કોઈ જોઈ શકે નહિ.

આ યાત્રામાં, પરમ સ્પર્શ યાત્રામાં આપણે આગળ વધીશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *