વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રીતિ અનુષ્ઠાન
પ્રભુ પરનો એવો પરમપ્રેમ કે જે પદાર્થો, વ્યક્તિઓ અને શરીર પરના રાગને ખતમ કરી દે.
પ્રીતિ અનુષ્ઠાન. પરમાત્માના પ્રેમથી રંગાયેલું અનુષ્ઠાન. ભક્તનું નાનામાં નાનું કૃત્ય પણ પરમાત્માના પ્રેમથી અનુરંજિત હોય.
તમે જ્યારે નક્કી કરો કે જીવનને એવું બનાવવું છે કે જીવનની એક પણ ક્ષણ પ્રભુ-અદત્ત ન હોય, એ પછી જ સદગુરુ ચેતનાનો વાસ્તવિક પ્રવેશ તમારા જીવનમાં થાય.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧૧
મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ! એવો પરમ પ્રેમ પ્રભુ પરનો, જે પદાર્થો પરના, વ્યક્તિઓ પરના અને શરીર પરના રાગને ખતમ કરી દે. ભક્તનું નાનામાં નાનું કૃત્ય પરમ પ્રેમથી છલકાતું હોય છે. મેં એક મહાત્માને જોયેલા; પરમ પ્રેમથી છલોછલ એમનું વ્યક્તિત્વ હતું!
પૂજ્યપાદ દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરી મહારાજ સાહેબના શિષ્ય, મોક્ષરત્નવિજય મહારાજને રાજસ્થાનની યાત્રાએ જવાનું થયું. બેડાની બાજુમાં, દાદા પાર્શ્વનાથ તીર્થમાં સાહેબજીની શિબિર ચાલતી હતી. હું ત્યાં ગયેલો. પ્રભુનું દર્શન કર્યું, ગુરુદેવને વંદના કરી. ત્યાં સૌથી પહેલીવાર મોક્ષરત્નવિજય મહારાજને મેં જોયા. જોતાની સાથે લાગ્યું કે પરમ પ્રેમથી છલોછલ એમનું વ્યક્તિત્વ છે. કોલકત્તા યુનિવર્સિટીનું Graduation, ગોરી ગોરી કાયા, નીચે ઢળેલી આંખો અને મોઢે મુહપત્તિ! પહેલું જ જે એમનું દર્શન થયું, આજે પણ એ મારી આંખોમાં અકબંધ છે. પહેલી જ નજરે લાગ્યું કે પ્રભુના પ્રેમમાં એ પૂરેપૂરા ડૂબી ગયા છે. પ્રભુના પ્રેમમાં, પ્રભુની આજ્ઞાના પ્રેમમાં! મારી જોડે બેઠા. ઘણી બધી વાતો થઈ, પણ કેન્દ્રમાં માત્ર પરમાત્મા હતા.
નારદ ઋષિએ ભક્તિસૂત્રમાં એક મજાની વાત લખી કે, બે ભક્તો ભેગા થાય ત્યારે વાત તો પ્રભુની જ કરે. પણ કઈ રીતે કરે? બહુ પ્યારું સૂત્ર ત્યાં આવ્યું, “कंठावरोधरोमान्चाश्रुभि: परस्परं लपमाना पावयन्ति कुलानि पृथिवीं च।।” બે ભક્તો ભેગા થયા કે ચાર ભક્તો ભેગા થયા. ભક્તોની પાસે ત્રણ ભાષા છે.
- આંખોમાંથી વહેતા શ્રાવણ ભાદરવાની ભાષા,
- કંઠોમાંથી પ્રગટતા ડુસકાની ભાષા,
- અને શરીરમાંથી પ્રગટતા રોમાંચની ભાષા .
અમે બે ઉપર બેઠેલા, શબ્દો ઓછા હતા, વાતો “એ”ની હતી. બંનેની આંખો ભીની હતી. એમણે મને પછી પૂછ્યું કે પ્રભુના કયા શબ્દોમાં હવે હું ડૂબું? મેં જોયું, હરિભદ્રસૂરી મહારાજ સાહેબને, ઉપાધ્યાયજી ભગવંતને, સિદ્ધસેન દિવાકરસૂરીજીને એમણે વાંચી લીધેલા હતા, પી લીધા હતા! સવાલ આવ્યો- પ્રભુમાં ડૂબવું છે, પ્રભુમાં જ ડૂબવું છે. પ્રભુના કયા શબ્દો પકડું? ત્યારે મેં કહ્યું કે તમારા ગુરુદેવ જો આજ્ઞા આપે તો 45 આગમગ્રંથો સટીક તમે વાંચી લો. તમારે યોગોદ્વહન નથી થયું પણ ગુરુદેવ અનુમતિ આપે, પછી એમાં કોઈ વાંધો હોતો નથી. ત્રણ વર્ષ પછી ફરી મળવાનું થયું. ફરી બેઠેલા. ત્યારે એમણે કહ્યું, આપે કહ્યું એ પ્રમાણે પ્રભુના શબ્દોમાં ડૂબવાનું થયું. શું આનંદ અનુભવ્યો છે! એ આનંદ શબ્દોમાં, એ કહી શકે એમ નહોતા. પણ એમના ચહેરા ઉપર એ આનંદ દેખાતો હતો. મને પૂછે છે, 45 આગમગ્રંથો વંચાઈ ગયા સટીક, હવે શું? મેં એમની ધારાના ચારથી-પાંચ ગ્રંથો આપ્યા. મેં કહ્યું, હવે 45 આગમગ્રંથો તમારા માટે નથી. આ પાંચ ગ્રંથોમાં ડૂબી જાઓ.
આજે પણ યાદ આવે એ પરમપ્રેમ! લાગે કે પ્રભુએ આવા પરમ પ્રેમ માટે એમને પસંદ કર્યા હશે. એમને જ્યારે જોયેલાને ત્યારે કઠોપનિષદનું એક મંત્ર યાદ આવેલું, “यमेवैष व्रणुते तेन लभ्य:।“ કઠોપનિષદમાં પહેલા એક મંત્ર આવ્યો, “नायमात्मा प्रवचनेन लभ्य: न मेधया न बहुधा श्रुतेन।”. શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો કે, મારો જન્મ માત્ર અને માત્ર પરમ સાક્ષાત્કાર માટે છે અને પરમનો સાક્ષાત્કાર એ જ નિર્મળ ચેતનાનો સાક્ષાત્કાર છે. તો આત્મોપલબ્ધી શી રીતે થાય? ઋષિ કહે છે, नायमात्मा प्रवचने लभ्य: – પ્રવચન દ્વારા હાથમાં નહીં મળે. ન મેઘયા- તિક્ષ્ણ પ્રજ્ઞા તમારી હશે. શ્રદ્ધાયુક્ત બુદ્ધિ, તો પણ પ્રભુ નહી મળે. ન બહુના શ્રુતે- ઘણું બધું સાંભળ્યું તો પણ પ્રભુ નહીં મળે. તો શિષ્ય પૂછે છે કોને પ્રભુ મળે? ત્યારે ઋષિ કહે છે, “यमेवैष व्रणुते तेन लभ्य:।“ જેને પ્રભુ પસંદ કરે છે, એ જ પરમનો સાક્ષાત્કાર કરી શકે છે અને એ જ પોતાની નિર્મળ ચેતનાનો સાક્ષાત્કાર કરી શકે છે! મને લાગ્યું કે, પ્રભુએ પરમપ્રેમ માટે મોક્ષરત્નવિજયજીને Select કરેલા હતા, You Are Also Selected By God. You Are Selected By Him. પ્રભુ જ્યાં સુધી તમને પસંદ ના કરે, ત્યાં સુધી કોઈપણ સદગુરુ તમને રજોહરણ આપી ન શકે. અમારા હાથ બંધાયેલા છે. અમે ત્યારે જ તમને રજોહરણ આપી શકીએ, જ્યારે પ્રભુએ તમને આના માટે Select કરેલા હોય.
પરમ પ્રેમ! એ ભક્તનું નાનામાં નાનું કૃત્ય પરમાત્માના પ્રેમથી મનોરંજિત હોય છે. તમે પૌષધમાં છો, એક નેપકીન પલેવવાનો હોય છે. વિધિપૂર્વક તમે પલેવી લો. કદાચ 15 થી 20 સેકન્ડ લાગે છે, પણ એ ક્રિયા સપાટ(Flat) થશે. વિધિ છે, પલેવી લો. પણ એ 20 સેકન્ડની ક્રિયા પરમાત્માના પ્રેમથી ભરાયેલી હોય ત્યારે 20 સેકન્ડમાંની એક સેકન્ડ તમારી કોરી ના હોય! આંખો ભીની-ભીની હોય, મારા પ્રભુએ કહ્યું છે! મારા પ્રભુએ કેવી મજાની આજ્ઞા આપી છે! એક-એક વસ્ત્રનું પ્રતિલેખન, એક પણ જીવની વિરાધના ન થાય. એવી, એવી તો મજાની સાધના મારા પ્રભુએ મને બતાવી છે! આ 20 સેકન્ડનું તમારું અનુષ્ઠાન પ્રીતિ અનુષ્ઠાન થઈ ગયું છે. પ્રીતિ અનુષ્ઠાન પરમાત્માના પ્રેમથી રંગાયેલું અનુષ્ઠાન! એ 20 સેકન્ડ તમને કેટલી નિર્જરા આપી શકે એ માત્ર જ્ઞાની ભગવંત જ કહી શકે.
જેટલી પણ ક્રિયા કરો, પ્રીતિ અનુષ્ઠાનમાં એ બદલાવી જોઈએ. એક ખમાસમણ આપો અને એટલો બધો આનંદ છલકાય, આંખો ભીની-ભીની બની જાય! મારા પ્રભુના ચરણોની અંદર વંદના કરવાની તાકાત મને મળી. ભક્તની સામે માત્ર અને માત્ર પ્રભુ જ છે.
બદ્રિ તીર્થની યાત્રાએ હિંમતભાઈ બેડાવાલા, શશીકાંતભાઈ, ચંદ્રકાંતભાઈ, પ્રાણલાલ દોશી વગેરે જતા હતા. By Car જઇ રહ્યા છે. એક જગ્યાએ ખ્યાલ આવ્યો કે બાજુમાં એક નાનકડી ગુફા છે, અને એમાં એક સંત છે. બધા જ ભક્તો પંન્યાસજી ભગવંતના ગ્રહસ્થ શિષ્યો હતા. પંન્યાસજી ભગવંત પાસે જે પણ જાય, એની દ્રષ્ટિ ખુલ્યા વગર રહે જ નહિ. આ બધા જ ખુલ્લી દ્રષ્ટિવાળા સાધકો હતા. સંત છે; ચાલો જઈએ. ગયા. બહુ જ નાનકડી ગુફા! એક માણસ પગ લાંબો કરીને સુઈ ના શકે એવી ગુફા! હિમાલયમાં ગુફાઓનો ટોટો નથી, આટલી નાની ગુફામાં સંત રહેલા. સામાન્યતઃ સવાલ થયો કે આટલી નાનકડી ગુફામાં કેમ રહો છો? પૂછ્યું, इतनी संकरी गुहा में आप क्यूं? જે જવાબ અપાયો છે! સંતે કહ્યું કે, क्यूं? बड़ी गुहा का क्या काम हैं? मैं और मेरे भगवान दो तो यहां रह शकते हैं, फिर तीसरे का काम भी क्या है!
એ લોકો બદ્રિ ગયા. બદ્રિમાં એક સંત છે. બદ્રિની ઠંડીની અંદર પણ એમનું ઉપરનું શરીર ખુલ્લું હોય છે અને નીચે કંતાનનો એ ટોવેલ જેવું વસ્ત્ર પહેરે છે. હિન્દીમાં કંતાનને टाट કહેવાય છે. એટલે એ બાબા ટાટ બાબા તરીકે ઓળખાય છે. ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે છ મહિના જ્યારે બદ્રિમાં બરફ પડતો હોય, ભગવાનને પણ નીચે લઈ જવામાં આવે, પૂજારીઓ પણ નીચે જતા રહે, એક માણસ પણ જ્યારે બદ્રિમાં ન હોય, ત્યારે ટાટ બાબા ત્યાં હોય છે! પૂછ્યું, जब कोई यहां नहीं होता है, आप यहां रहते हैं. आपके भोजन का प्रबंध कैसे होता है? અને એ ટાટ બાબા કહે છે, क्या संतोको भोजन देनेवाले तुम होते हो? कभी मत सोचना कि हम संतो को भोजन दे रहे है! देनेवाला सिर्फ एक ही है ऊपरवाला! हम सब लेनेवाले हैं, देनेवाला एक ही है ऊपरवाला! શું એ ખુમારી? પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અસ્તિત્વની અંદર જ્યારે મઢાઈ જાય, ત્યારે જ આ શબ્દો નીકળી શકે.
બદ્રિથી એ લોકો પાછા ફરતા હતા. વચ્ચે ખ્યાલ આવ્યો કે રોડથી 200-250 મીટર દૂર એક ગુફામાં સંત છે. કાર ઉભી રાખી રોડ ઉપર અને બધા એ ગુફા તરફ ચાલવા લાગ્યા. શશીકાંતભાઈ, ચંદ્રકાંતભાઈ બધા પહેલા પહોંચી ગયા. સંતના ચરણોમાં બેઠા. હિંમતભાઈ આવે એટલે સત્સંગ શરૂ કરીએ. હિંમતભાઈ ધીરે-ધીરે ચાલે, છેલ્લે એ આવ્યા. જ્યાં હિંમતભાઈ ગુફામાં Enter થયા. હજુ તો બે ડગલાં એમણે ગુફામાં ભર્યા છે, સંત ઊભા થઈ ગયા! સંત સામે આવ્યા, હિંમતભાઈનો હાથ પકડી લીધો અને કહ્યું आप यहां क्यों पधारे? आप तो मुझसे भी बड़े संत हो! ગુફામાં હજુ Enter થયા છે, બે ડગલા ભર્યા છે. પણ હિંમતભાઈની ઉર્જા સંતે તરત પારખી લીધી. અને કહ્યું, आप यहां क्यों पधारे? आप तो मुझसे भी बड़े संत हो!
પરમ પ્રેમ! માત્ર એના પ્રેમમાં ઝુમી ઉઠવું છે. કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં આજ વાત કરી, “कदा त्वदाज्ञा करणाप्ततत्व।” પ્રભુ તારી આજ્ઞા ક્યારે પાળીશ?” એવું એમણે કહ્યું નથી. એમણે કહ્યું, પ્રભુ! તારી આજ્ઞાના પાલનના આનંદમાં હું ક્યારે ઝૂમતો હોઈશ?
એ આજ્ઞા પાલનમાં ઝૂમવા માટે ત્રણ ચરણો મહોપાધ્યાય માનવિજય મહારાજ સાહેબે બતાવ્યા છે. પરમતારક કુંથુંનાથ પ્રભુના સ્તવનમાં.
“મિલિયા ગુણ કલિયા પછી રે લાલ, બિછુરત જાયે રે પ્રાણ.”
ત્રણ ચરણો આપ્યા:
- મિલન,
- ગુણકલન,
- એકાકારી ભવન.
પ્રભુનું મિલન કે પ્રભુની આજ્ઞાનું મિલન! પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબને એક વ્યક્તિએ પૂછેલું કે ગુરુદેવ! પ્રભુ તો ગયા. સિદ્ધશિલા ઉપર પહોંચી ગયા. હવે શું? એ વખતે ગુરુદેવે કહેલું પ્રભુ ગયા છે, પણ આજ્ઞાદેહને છોડીને ગયા છે.
આર્હન્ત્ય એટલે વિશ્વવ્યાપી પ્રભુની આજ્ઞા! सकलार्हत् ના પ્રારંભમાં દેવચંદ્રાચાર્ય ભગવંત કહે છે, भूर्भुवः-स्वस्त्रयीशान-मार्हन्त्यं प्रणिदध्महे | ત્રણે લોક પર જેનું આધિપત્ય છે, એ આર્હન્ત્યનું અમે ધ્યાન કરીએ છીએ. કંઈક ખ્યાલ આવ્યો તમને? प्रणिदध्महे! હું ધ્યાન કરું છું, એમ હેમચંદ્રાચાર્ય કહેતા નથી. અમે ધ્યાન કરીએ છીએ, આપણને ભેગા લઈ લીધા. એ આર્હન્ત્ય એ જ પરમ ચેતના!
પ્રાણ-પ્રતિષ્ઠા વખતે આચાર્ય ભગવંતો શું કરે છે? મહોપાધ્યાય યશોવિજય મહારાજે પંચવિંશતીકામાં કહ્યું, ” “वयकत्या शिवपदस्थोऽसौ,शक्तियां जयति सर्वग:” વ્યક્તિ રૂપે પરમાત્મા સિદ્ધશિલા ઉપર છે અથવા સીમંધર દાદા આદિ મહાવિદેહમાં. પણ શક્તિ રૂપે પરમાત્મા પુરા બ્રહ્માંડમાં છવાયેલા છે. બ્રહ્માંડનું એક Tiniest Portion એવું નથી, જ્યાં પરમ ચેતનાના હસ્તાક્ષર ના હોય.
કલાપૂર્ણસૂરી દાદા, પંન્યાસજી ભગવંત એ આ આર્હન્ત્યનો અનુભવ કરતા હતા. કલાપૂર્ણસૂરી દાદાએ એક સરસ વાત કહેલી કે સામાન્ય તીર્થંકર ભગવંતોનું આર્હન્ત્ય સદાકાળ માટે રહેતું હોય છે. પણ જેમના શાસનમાં આપણે હોઈએ, એ જ પ્રભુનું આર્હન્ત્ય એમનું શાસન ટકે, ત્યાં સુધી હોય છે. એટલે અત્યારે બે આર્હન્ત્યના પ્રવાહો ચાલી રહ્યા છે. એક સામાન્ય તીર્થંકરોનું આર્હન્ત્ય અને બીજું પ્રભુ મહાવીરનું આર્હન્ત્ય. ‘દુપ્પસહસૂરી’ સુધી પ્રભુનું શાસન રહેશે, ત્યાં સુધી મહાવીર પ્રભુનું આર્હન્ત્ય કામ કરતું રહેશે. શાસન વિચ્છેદ થશે, ત્યારે પ્રભુ મહાવીરનું આર્હન્ત્ય જશે. પણ સામાન્ય તીર્થંકરોનું આર્હન્ત્ય એ ચાલુ જ રહેવાનું છે.
આપણે કહીએ પ્રભુનું શાસન. શાસન એટલે શું? બોલો, અત્યારે આપણે બધા ભારત સરકારના નાગરિક છીએ, ભારત દેશના નાગરિક છીએ. તો શાસન જે છે, સરકાર! એ શું કરે? તમે ભારતના નાગરિક તરીકે, દેશને, રાષ્ટ્રને સંપૂર્ણ વફાદાર હોવ, તો સરકાર તમને સુરક્ષા આપવા બંધાયેલી છે. પણ કોઈ વ્યક્તિ દેશના કાનૂનની વિરુદ્ધ જાય તો એને જેલમાં પકડવાની સત્તા પણ શાસનની પાસે છે.
આ જ વાત શાસનને શ્રી કલિકાલસર્વજ્ઞશ્રી એ વિતરાગ સ્તોત્રમાં કરી,
“आज्ञाराधा विराधा च शिवाय च भवाय च।“
આજ્ઞાનું આરાધન થયું, પ્રભુ તમને મોક્ષમાં મોકલશે. આજ્ઞાનું વિરાધન થયું એ પ્રભુની નિગ્રહ કૃપા છે. પંન્યાસજી ભગવંતે પ્રભુની બે કૃપાની વાત કરી છે. એક તો અનુગ્રહ કૃપા, બીજી નિગ્રહ કૃપા. પ્રભુ આપણને ઊંચકે, વહાલથી પંપાળે એ પ્રભુની અનુગ્રહ કૃપા અને પ્રભુ તમાચ ઠોકે, એ નિગ્રહ કૃપા! મેં પ્રભુની નિગ્રહ કૃપા પણ માણી છે, Enjoy કરી છે. ખેર, પ્રભુની હતી ને! “મધુરાધિપતે રખીલમ મધુરમ્” એ જે આપે, એ મધુર જ હોય. આપણે કોઈ Choice નક્કી ન કરવી જોઈએ. એ આ આપે તો સારું, આ આપે તો સારું નહિ. આવી Choice ભક્તની પાસે ના હોઈ શકે. ભક્ત Totally Choiceless હોય. એની જે ઈચ્છા!
એક હિંદુ સંત નદીને કાંઠે ગયેલા. એમને નદીને પેલે પાર જવું હતું. એક નાવડી પડેલી હતી. એ હિંદુ સંત એ પ્રદેશના બહુ જ મોટા પ્રભાવશાળી સંત હતા. નાવિક પણ એમને ઓળખી ગયો. ચરણોમાં પડ્યો કે ગુરુદેવ મારી નૌકાને પાવન કરો. આપને સામે પાર જવું છે ને હું લઈ જાવ. ગુરુ બેઠા. નદીનો પટ લાંબો હતો. થોડે દૂર હોડી ગઈ, તાપણ થોડું જર્જરિત થયેલું. એક જગ્યાએ કાણું પડ્યું. કાણું પડ્યું, નદીનું પાણી અંદર આવવા લાગ્યું. હવે, સંત તો બહુ મોટા ગુરુ છે. બીજા યાત્રિકોને તો કહેવાય કે લે આ વાટકી ને પાણી ઉલેચી નાખ બહાર. ગુરુને કેમ કહેવાય? એક હાથે પેલો હલેસા મારે છે અને બીજે હાથે પાણી બહાર કાઢે છે. અને એમાં સંતે શું કર્યું? છત્રી હતી પોતાની પાસે, એના સળિયાથી બીજી બાજુ કાણું પાડ્યું. આ બે કાણામાંથી પાણી આવવા માંડ્યું. પેલો એક હાથે પાણી ઉલેચે અને બીજે હાથે હલેસા મારે. અને એમ કરતા હોડી કિનારા તરફ આવવા લાગી. એ વખતે સંતે પેલાના હાથમાંથી વાટકી લઈ લીધી અને પોતે પાણી ઉલેચવા લાગ્યા.
હોડી કિનારે આવી ગઈ, સંત નીચે ઉતર્યા. બાજુમાં બાકડો હતો, ત્યાં બેઠા. નાવિક ફરી ચરણોમાં બેઠો. ગુરુદેવ! મને ન્યાલ કર્યો! પછી એણે પૂછ્યું કે, સાહેબ તમે બહુ મોટા ગુરુ છો. તમારું નાનામાં નાનું કૃત્ય હોયને એ પ્રભુના પ્રેમથી ભરાયેલું હોય છે. એ મને ખ્યાલ છે. એક નાવિક સંતને કહે છે કે તમારું નાનામાં નાનું કૃત્ય પ્રભુના પ્રેમથી છલોછલ ભરાયેલું હોય છે. સાહેબ! મને કહેશો, આપે બીજું કાણું કેમ પાડ્યું? અને છેલ્લે-છેલ્લે વાટકી લઈ, તમે પાણી ઉલેચવા કેમ માંડ્યા? હું તો ચિઠ્ઠીનો ચાકર છું. તમે વાટકી માંગો મારે આપવી જ પડે. મારી ઈચ્છા નહોતી, મારા ગુરુ પાણી ઉલેચે. મારા ગુરુ આ કામ કરે, મને ઇષ્ટ નહોતું. પણ ગુરુ તરીકે તમે Super Boss હતા. અને તમે કહ્યું એટલે મેં વાટકી આપી પણ દીધી. પણ મારે જાણવું છે આજે તમારા કૃત્યો જે હતા, એ પણ પ્રભુના પ્રેમથી ભરાયેલા હોવા જ જોઈએ. તમે મને સમજાવો.
એ વખતે ગુરુએ કહ્યું કે, પહેલું કાણું હોડીમાં પડ્યું, ત્યારે મને લાગ્યું કે પ્રભુની ઈચ્છા આપણને ડુબાડવાની છે અને એની ઈચ્છા ડુબાડવાની હોય તો તરનાર આપડે કોણ? એની જે ઈચ્છા! “તું તારે કે ડુબાડે!” બોલવું સહેલું છે. પણ એ ડુબાડે અને એની જ નિગ્રહ કૃપાને Enjoy કરવી એ પણ એની કૃપા હોય તો! તો સંત કહે છે, મેં માન્યું કે પ્રભુની ઈચ્છા ડુબાડવાની છે, તો આપણે કરનાર કોણ? તો પ્રભુની ઈચ્છા જલ્દી સાકાર બનવી જોઈએ. મેં બીજું કાણું પાડ્યું. જલ્દી પાણી અંદર આવે ને આપણે ડૂબી જઈએ. પણ હોડી તો કિનારાની લગોલગ આવવા લાગી. ત્યારે મને થયું કે પ્રભુ જો તારવા ઈચ્છે છે તો ડુબાડનાર હું કોણ? ડૂબનાર હું કોણ? અમે ડૂબી શકીએ નહીં. જો એને તારવાની ઈચ્છા છે. એટલે મેં વાટકી હાથમાં લીધી અને પાણી ઉલેચવા માંડ્યો.
એક નાનામાં નાનું કૃત્ય પરમાત્માની પ્રીતિથી છલોછલ હોય છે. કાણું કેમ પાડ્યું? એની ઈચ્છા! પાણી ઉલેચ્યું કેમ? એની ઈચ્છા! આપણું એક-એક કૃત્ય એની આજ્ઞાથી સભર હોય! કેમ કર્યું? એની આજ્ઞા!
એક બહુ મજાની વાત આજે તમને કહું. સદગુરુ ચેતનાનો પ્રવેશ તમારા જીવનમાં વાસ્તવિક રૂપે ક્યારે થાય? ઘણાએ ઘણાને ગુરુ કરી પણ દીધા છે. વાસ્તવિક રૂપે તમારા જીવનમાં સદગુરુ ચેતનાનો પ્રવેશ ક્યારે થાય? જ્યારે તમે નક્કી કર્યું કે પ્રભુની આજ્ઞા પ્રમાણે, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવવું છે. અનંતા જન્મો મેં મારી ઇચ્છાપૂર્વક પસાર કર્યા. આ એક જન્મ મારે મારા પ્રભુને આપી દેવો છે. એક જન્મની એક-એક ક્ષણ પ્રભુને સંમત હોવી જોઈએ. તમારા જીવનની એક ક્ષણ એવી ના હોય, જે પ્રભુને અસંમત હોય. એક વ્યક્તિ પર, એક પ્રભુના વેશ પર એક સેકન્ડ તિરસ્કાર આવ્યો એ સેકન્ડ પ્રભુને અસંમત થઈ જાય.
તમારે તમારા જીવનને એવું બનાવવું છે કે તમારા જીવનની એક ક્ષણ પ્રભુ અદત્ત ન હોય. જે આપણે ત્યાં બે અદત્તો આવ્યાને, પ્રભુ અદત્ત, ગુરુ અદત્ત! એ માત્ર ગોચરીના સંબંધમાં જ નહિ સમજવાના! એ બંને અદત્તો જીવન વ્યાપી છે. એક સાધુના, એક સાધ્વીના જીવનની એક પણ ક્ષણ પ્રભુ અદત્ત ના હોય, ગુરુ અદત્ત ના હોય. કોઈપણ કાર્ય તમારે કરવાનું છે, પ્રભુએ એની હા પાડેલી છે? તમારી જાતને પૂછો! પ્રભુએ હા પાડેલી છે, પણ ગુરુ એની હા પાડે છે? વેયાવચ્ચ કરવી છે, ગ્લાનની સેવા કરવી, એ પ્રભુદત્ત સાધના છે. ભગવાને તો ત્યાં સુધી કહ્યું, “जो गिलाणं पडिवज्जइ,सो मां पडिवज्जइ।“ ” જે જ્ઞાનની સેવા કરે છે, એ મારી સેવા કરે છે. તો એ પ્રભુદત્ત સાધના થઇ. પણ તમારે તમારા ગુરુને પૂછવું પડે કે સાહેબ આ મુનિરાજની સેવામાં હું જોડાઉ? ગુરુદેવની ઈચ્છા બીજાને ત્યાં જોડવાની હોઈ શકે. એટલે પ્રભુદત્ત સાધના પણ ગુરુદત્ત થઈને તમને મળે, ત્યારે જ તમે એનો સ્વીકાર કરી શકો.
તો હવે તમારા મનમાં નક્કી થયું કે મારા જીવનની એક-એક ક્ષણ પ્રભુદત્ત જોઈએ. પ્રભુ દ્વારા સંમત જોઈએ. હવે તમારા જીવનમાં વાસ્તવિકરૂપે સદગુરુ ચેતનાનો પ્રવેશ થશે. કારણ, તમારે તમારું જીવન પ્રભુને ગમે એવું કરવું છે. અને પ્રભુને શું ગમે? પ્રભુને શું ના ગમે? એ તમને ખ્યાલ ક્યાંથી આવશે? 45 આગમગ્રંથોમાં પ્રભુની આજ્ઞા ફેલાઈને પડેલી છે. તમે માત્ર સદગુરુને પૂછી જોવો. Am I Right Sir? સાહેબ હું બરાબર છું? પ્રભુની આજ્ઞા પ્રમાણે મારું જીવન ચાલે છે?
તમે રોજ અમારી પાસે આવોને? ઈચ્છકારમાં શું કહો? સુખ સંયમયાત્રા નિર્વહો છો જી! તમારો પ્રશ્ન મજાનો છે કે સાહેબજી, ગુરુદેવ આપની સંયમયાત્રા સરસ ચાલે છે ને? પણ અશબ્દમાં તમારો એક પ્રશ્ન છે કે ગુરુદેવ, આપતો પ્રભુની કૃપાને બરોબર ઝીલી રહ્યા છો એટલે આપની સાધનાયાત્રા બરાબર ચાલે જ! પણ મારી સાધના કેમ ચાલે છે? તો સવારે અને સાંજે તમે લોકો વંદન માટે આવો છો, ત્યારે તમે એક સવાલ કરો છો Am I Right Sir? સાહેબ હું બરાબર છું? મારું શ્રાવક જીવન પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને? બોલો તો, આ Certify કરાવવા આવો છો? હવે ખ્યાલ આવી ગયો ને! વંદન કરીને પૂછવાનું, Am I Right Sir? સાહેબ! મારી સાધના યાત્રા બરાબર ચાલે છે?
તો, એક નિર્ધાર કે આ જીવનની એક-એક ક્ષણ પરમ પ્રેમથી છલકાતી હોવી જોઈએ. અત્યારે હું તમને નિર્ધારની વાત કરું છું. તમે બે – પાંચ ક્ષણો એના પરમ પ્રેમને અનુભવશો. તમે એ પરમ પ્રેમ વિના રહી નહી શકો! આનંદઘનજી ભગવંતે કહેલું, “આનંદઘન બિન, પ્રાણ ન રહે છીન, કોટી જતન કરી લીજે.” પ્રભુ તારા પરમ પ્રેમ વિના એક ક્ષણ જીવી શકું એમ નથી! કદાચ બાબા રામદેવે શીખવાડ્યું હોય, તમે શીખી ગયા હોવ પ્રાણાયામ વિગેરે! તો ઓક્સિજન વિના તમે બે કે પાંચ મિનિટ રહી શકો. તમે તમારા શ્વાસને સ્થિર કરી દો, કુંભકમાં લઈ જાવ. નવો ઓક્સિજન ના લો તો પણ કામ ચાલી શકે. ઓક્સિજન વિના, પ્રાણ વાયુ વિના થોડી મિનિટો ચાલી શકે. પ્રભુ! તારા પરમ પ્રેમ વિના એક ક્ષણ મને નહિ ચાલે. અને એક વાત તમને કહું, આવી પ્રતિક્ષા તમારી પાસે આવી, પ્રભુ સામેથી મળવા આવશે.
ભગવદ્ ગીતામાં બે સૂત્રો આવ્યા. આમ બંને સ્ટેટમેન્ટ પહેલી નજરે એકબીજાના વિરોધી લાગે. પહેલા સૂત્રમાં શ્રીકૃષ્ણ ચેતના કહે છે “उद्धेरदात्मनात्मानं” તારી જાતે તું તારો ઉદ્ધાર કર. બીજા સૂત્રમાં કહે છે, “तेषामहं समुद्धता।” હું આ બધાનો ઉદ્ધાર કરનારો છું. વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ બે સૂત્રને મજાથી જોડી આપ્યા. પહેલી નજરે કયું વિરોધી લાગે છે? પહેલા સૂત્રમાં કહ્યું, તારી જાતે તારો ઉદ્ધાર કર. બીજામાં કહે છે, હું તારો ઉદ્ધાર કરીશ. વિનોબાજીએ કહ્યું, પ્રભુ તરફ એક ડગલું ભરો, પ્રભુ સામેથી આવીને તમને બાહોમાં લઈ લેશે! એક ડગ પ્રભુ સામે ભરો અને પગની તકલીફ હોય, ઊભા ન થઈ શકો તોય વાંધો નહિ થવાય, એની તરફ જવું છે એ વિચાર કરો. એ સામેથી આવશે પરમ ચેતના, અને તમને બાહોમાં લઈ લેશે.
આ અનુભવ એક નહિ, બે નહિ, અનેક ભક્તોનો છે. આપણી પાસે સમર્પણ નથી અને એટલે પરમચેતનાનો અનુભવ નથી. જ્યાં સુધી સમર્પણ નથી, પરમ ચેતનાનો પડછાયો પણ મળવાનો નથી. જે ક્ષણે તમે સમર્પિત થયા, પરમચેતના સામેથી આવશે. ગુરુચેતના સામેથી તમને લેવા આવશે. એક પ્રશ્ન કરું, સદગુરુને તમે નક્કી કરી શકો? તમારી બુદ્ધિ ક્યારે પણ ગુરુને નક્કી કરી શકે? બુદ્ધિનું એ ગજ જ નથી પણ જ્યારે તમારી પાસે સમર્પણ આવે છે, ત્યારે સદગુરુ તમને શોધવા માટે નીકળે છે. પેલો ક્યાં ગયો? પ્રભુ તમારી પાસે આવે, સદગુરુ તમારી પાસે આવે. એક માત્ર સમર્પણ, એક માત્ર પરમ પ્રેમ તમારી પાસે હોય તો! એ જ પરંપરામાં ડૂબવા માટે ત્રણ ચરણો માનવિજય મહારાજ સાહેબે બતાવ્યા. એ ત્રણ ચરણો ઉપર આવતીકાલે આપણે જોઇશું.
