Param Sparsh Ni Yatra – Vachana 12

23 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તમારા વિનાના અમે અમારા વિનાના

એક ક્ષણ પણ પ્રભુ વગર રહી ન શકાય. જો પ્રભુ હોય, તો જ હું હોઈ શકું; પ્રભુ વગર મારું અસ્તિત્વ ન હોઈ શકે – આવા પરમપ્રેમમાં આપણે જવું છે.

પ્રભુમિલન એટલે પ્રભુના આજ્ઞાધર્મનું મિલન. માત્ર શરીરના સ્તર પર આજ્ઞાનું પાલન એ મિલન નથી; અહોભાવપૂર્વક પ્રભુઆજ્ઞાનો સ્વીકાર એટલે આજ્ઞાધર્મનું મિલન.

જેમ જેમ આજ્ઞાનું પાલન વર્ષો, જન્મો સુધી વિસ્તરતું જાય, તેમ તેમ ગુણો વિકસતા જાય. અને પછી એ આજ્ઞા પ્રત્યેનો પ્રેમ અસ્તિત્વના સ્તર સુધી એવો જાય કે તમે પ્રભુ વિના, આજ્ઞાધર્મ વિના રહી ન શકો.

પરમ સ્પર્શની યાત્રા વાચના – ૧૨

મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ! એ પૂરણ રાગ, પરમ પ્રેમ પ્રભુની સાથે થયો, દુનિયાના તમામ સંબંધો સાથે અલવિદા. પ્રભુનો પરમપ્રેમ, એક ક્ષણ તમે એના વિના રહી ન શકો. સિંહ અણગાર યાદ આવે. પ્રભુ મહાવીર દેવના એ શિષ્ય. પ્રભુની આજ્ઞાથી જંગલની અંદર સાધના કરવા માટે ગયેલા. આપણે ત્યાં બે જ જાતની સાધના છે. “एगो गियत्थविहारो,बीयो गियत्थ निसिहिओ  भणीओ”એક ગીતાર્થની સાધના યાત્રા, બીજી ગીતાર્થની નિશ્રાની સાધના યાત્રા. આ સિવાયની બીજી કોઈ સાધના પ્રભુ શાસનમાં સંમત નથી. તમે ગીતાર્થ છો, એમ સદગુરુ Certify કરે ત્યારે જ તમે તમારી સાધનાને નક્કી કરી શકો. જ્યાં સુધી તમે ગીતાર્થની નિશ્રામાં છો, ત્યાં સુધી તમારે એમની આજ્ઞા પ્રમાણે જ એક-એક ક્ષણ જીવવાનું હોય છે.

સિંહ અણગાર ગીતાર્થ છે. પ્રભુની આજ્ઞાથી એકાકી સાધનાને ઊંડાણ આપવા માટે જંગલમાં ગયા છે. એ અરસામાં ગૌશાલકે કરેલ ઉપસર્ગને કારણે પ્રભુની કાયા થોડી કૃશ થઈ ગઈ, દુર્બળ બની ગઈ. એ વાત કર્ણોપકર્ણ વિસ્તરી. પહેલું Stage એ આવ્યું કે પ્રભુ બહુ જ અસ્વસ્થ છે અને સિંહ અણગાર પાસે એ વાત પહોંચે કે પ્રભુ હવે આ દુનિયામાં નથી. જ્યાં એમણે સાંભળ્યું પ્રભુ નથી, પહેલી ક્ષણે તો સ્તબ્ધ થઈ ગયા. મારા પ્રભુ મને છોડીને જતા રહ્યા?!

ઉપમિતિમાં વિમલ સ્તુતિ બહુ જ મજાની છે. એનો પ્રારંભ સિદ્ધર્ષિ કરે છે કે, પ્રભુ! તમે આખી દુનિયાને મૂકીને મોક્ષમાં જઈ શકો; પણ મને મૂકીને તમે જઈ શકો ખરાં? સિદ્ધર્ષિ ઉપમિતિમાં કહે છે, પ્રભુ હું તારો બાળક, તું મારી મા! તું મને મૂકીને શી રીતે જઈ શકે? અને એ વખતે એમણે એક મજાની ઉપમા આપી છે. એક હરણી શિયાળાની સવારે પોતાના બચ્ચાની સાથે કુણું-કુણું ઘાસ આરોગવા માટે નીકળી છે. એક બાજુ મા ઘાસ ખાઈ રહી છે, બીજી બાજુ બચ્ચું છે. બચ્ચાને માટે મા એટલે પૂરી દુનિયા. મા બાજુમાં છે, બચ્ચું આસ્વસ્થ છે. પણ એક ક્ષણ એવી આવે છે બચ્ચું આંખો ઉંચી કરે છે. એણે પલકોને ઉઠાવી જોયું, મા નથી? અરે અહીંયા જ તો હતી તે હમણાં! ક્યાં ગઈ? પેલા વૃક્ષોની પાસે હશે? ક્યાં ગઈ? ત્યાં દેખાણું નહિ. ક્યાંય મા દેખાતી નથી. સિદ્ધર્ષિ પ્રભુને પૂછે છે કે પ્રભુ! બચ્ચાના અસ્તિત્વ ઉપર કેટલો તો ભય ડોકાતો હોય? મા નથી, શું થશે? એ જ ભય તમને મારા પુરા અસ્તિત્વને વ્યાપેલો દેખાય છે ખરો?

સિંહ અણગાર પહેલી ક્ષણે સ્તબ્ધ બની ગયા પ્રભુ નથી? પ્રભુ ના હોય તો હું હોઈ શકું ખરો? વેણીભાઈ પુરોહિતની એક મજાની રચના છે. એનો પ્રારંભ પણ બહુ જ મીઠો છે.

“પ્રભુ તમારા વિનાના, અમે અમારા વિનાના!”

તમે જો ના હોવ પ્રભુ! તો અમારા હોવાનો કોઈ અર્થ નથી. અમારા હોવામાં અર્થવત્તા ત્યારે જ પ્રગટી શકે જ્યારે તમે હોવ. સ્તબ્ધતા! પ્રભુ નથી અને આ શરીર બંધ નથી પડ્યું? ધડકનો બંધ નથી પડી? મારા પ્રભુ વિના એક ક્ષણ હું કેમ જીવી શકું? એ સ્તબ્ધતા ધારદાર રુદનના પ્રવાહમાં બદલાઈ ગઈ. છાતીફાટ રૂદન! પ્રભુએ જ્ઞાનમાં જોયું. ગૌતમસ્વામીને બોલાવ્યા. ગૌતમ! અહીં આવો. બે સાધુઓને હમણાં જ મોકલ, જ્યાં સિંહ અણગાર સાધના કરે છે. બે સાધુઓ ત્યાં જઈને એટલું જ કહે કે, ‘સિંહ અણગાર! પ્રભુ તમને બોલાવે છે. પ્રભુ વિદ્યમાન છે અને પ્રભુ તમને બોલાવે છે. ચાલો’!

બે મુનિવરો ગયા. સિંહ અણગાર ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે. બે મુનિવરે કહ્યું, રડો છો શેના માટે? ભગવાન તો એ રહ્યા વિદ્યમાન! સમોવસરણમાં દેશના આપે છે. અને એ જ પ્રભુએ અમને  બંનેને મોકલ્યા છે. જાઓ સિંહ અણગારને લઈને આવો! ચાલો! આસ્વસ્થ બની ગયા. પ્રભુ છે? પ્રભુ છે, તો હું છું! આવ્યા પ્રભુની પાસે. ચરણોમાં પડ્યા. પ્રભુ સામે જ છે, વિદ્યમાન છે. આસ્વસ્થતા આવી, પણ પ્રભુનું શરીર દુર્બળ બની ગયું છે. ફરી આંખોમાં આંસુનો પ્રવાહ ઉમટે છે. પ્રભુ તમારી આ કાયા!

વિતરાગ પ્રભુની ભક્ત – વત્સલતા કેવી હોય છે! એનું એક મજાનું ઉદાહરણ આ ક્ષણોમાં મળે છે. પ્રભુ વિતરાગ છે, પણ ભક્તવત્સલ પણ છે. પહેલીવાર મને પણ આ વાત સમજાયેલી નહિ. પણ વાસ્તવિકતા છે કે એ વિતરાગ છે… છે…ને, છે… અને છતાં આખી દુનિયાને એ ચાહી રહ્યો છે, એ પણ વાસ્તવિક ઘટના છે. એનો પ્રેમ આપણને ન મળ્યો હોત તો આપણે અહીંયા હોત નહિ. હું અહીંયા છું, તમે ત્યાં છો, કારણ એક જ! પ્રભુનો પ્રેમ! શું પ્રભુની ભક્ત –વત્સલતા! પ્રભુએ કહ્યું, શરીર કૃશ થઈ ગયું છે ને એના માટેની દવા તારે જ કરવાની છે. કોઈ Philosophy ની વાત પ્રભુ કરતા નથી. તું મારો સાધુ, તારી નજર શરીર ઉપર હોય? હોય. પ્રભુના શરીર ઉપર હોય જ! પોતાના શરીર માટે ભલે સાધુ નિસ્પૃહ હોય. પણ પોતાના ગુરુના શરીર માટે ક્યારે પણ એ નિસ્પૃહ ના હોય.

હીરસુરિ દાદાના જીવનની એક ઘટના કહું. સાહેબજીનું ઉનામાં છેલ્લું ચાતુર્માસ. તબિયત સહેજ લથડી. મુનિ ભગવંતોએ શ્રાવકોને કહ્યું, શ્રાવકો વૈદ્યોને લઈને આવ્યા. પાંચ-સાત વૈદ્યો ભેગા થયા નિષ્ણાંત! એમણે નક્કી કર્યું આ દવા આપવી છે. ઘસારો છે, બીજું કંઈ નથી. આ દવાથી સાહેબજીની સાધના એકદમ સરસ રીતે ચાલે એવું સ્વાસ્થ્ય થઈ જાય. સાંજે વૈદ્યો આવ્યા, બીજી સવારથી દવા ચાલુ કરવાની હતી. સાહેબજી એકાસણું કરતા હતા, રોજ સવારે દવા દૂધમાં લેવાની હતી. નવકારશીનો ટાઈમ થયો, બધાને એકાસણા હતા. ગુરુદેવ માટે દૂધ લાવવાનું છે. એક સાધુ ભગવંત તરપણી અને ચેતનાનું પડિલહેણ કરે છે. ગુરુદેવ જોઈ ગયા, બોલાતું નથી, ઇશારો કર્યો એ મુનિને, અહીં આવ. મુનિરાજ આવ્યા, ઝૂક્યા. સાહેબજી ફરમાવો. તું મારા માટે દૂધ લેવા જાય છે ને? દૂધ લાવવાનું નથી, દવા લેવાની નથી. Guru Is The Supreme Boss!

હવે અહીંયા બે દ્રષ્ટિકોણ મજાના પડ્યા. સદગુરુનો દ્રષ્ટિકોણ એ છે કે, શરીર હવે લાંબુ ખેંચે એમ નથી. મને કોઈ અસમાધિ નથી, તો શા માટે નવકારશી કરું? તો શા માટે દવા લઉં? શિષ્યોની વાત એ હતી કે ગુરુદેવ બોલી ના શકે વાંધો નથી, માંગલિક પણ ન સંભળાવી શકે વાંધો નથી, ગુરુદેવ વાસક્ષેપ પણ ના આપી શકે વાંધો નથી, પણ એમનું હોવું અમારી સાધના માટે નિતાંત જરૂરી છે. એમના દેહમાંથી જે ઊર્જા નીકળી રહી છે, એ ઊર્જા તો અમારી સાધનાને ઉંચકે છે. જે ક્ષણે એ ઊર્જા મળતી બંધ થશે, એ ક્ષણે અમારી સાધનાનું શું થશે? એટલે ગુરુદેવનું હોવું જરૂરી છે. મુશ્કેલી એ થઈ ગુરુની સ્પષ્ટ આજ્ઞા આવી, મારે દવા લેવાની નથી. સાધુઓની આંખોમાં આંસુ! શિષ્ય બીજું શું કરી શકે? પ્રેમથી કદાચ કહે બાકી એમની પાસે આંસુ સિવાયની કોઈ ભાષા ગુરુ પ્રત્યે નથી. આંખમાં આંસુ!

શ્રાવકોને ખ્યાલ આવી ગયો કે ગુરુદેવે દવા લેવાની ના પાડી છે. 10 મિનિટમાં એક ઘટના ઘટી. જે ઉપાશ્રયમાં સ્વાધ્યાયનો ઘોષ ચાલી રહ્યો હતો, બિલકુલ સ્વાધ્યાયનો અવાજ બંધ થઈ ગયો. ગુરુદેવે એક મુનિને નજીક બોલાવ્યા, કેમ બધા ગોખતા હતા, અટકી કેમ ગયા? ગુરુદેવ અસ્વાધ્યાય થઈ ગયો. અત્યારે અસ્વાધ્યાય શેનો? સાહેબજી આજુબાજુ બધા જૈનોના ઘરો છે, અને નાના-નાના બાળકો રડી રહ્યા છે. એ બાળકોના રડવાનો અવાજ અમારા કાન ઉપર આવે છે એટલે તો સ્વાધ્યાય થઈ શકે નહિ. ગુરુદેવે પૂછ્યું, બાળકો કેમ રડે છે? સાહેબજી! એની માતાઓ દૂધ આપતી નથી. અરે! કેમ દૂધ ના આપે એ પણ મા? સાહેબજી આપે દૂધ લેવાની ના પાડી, દવા લેવાની ના પાડી, એ શ્રાવિકા માતાઓએ નક્કી કર્યું કે ગુરુદેવ દૂધ ના લે, દવા ના લે, ત્યાં સુધી અમે અમારા બાળકોને દૂધ નહિ આપીએ. કરુણામય ગુરુદેવ તરત કહે છે, લાવો મારા માટે દવા લઈ આવો. સદગુરુ એ સમજે છે મારા માટે જરૂર નથી, શરીર ક્યારે નષ્ટ થવાનું એ પણ એમને ખબર છે, પણ કરુણા એટલી જ છે પાછી!

અહીંયા પણ સિંહ અણગારનું દ્રષ્ટિબિંદુ જે છે, એ દ્રષ્ટિબિંદુ ઉપર પ્રભુ આવે છે. પ્રભુ સમજે છે, આ એની ભક્તિ છે અને આ જ ભક્તિ દ્વારા સિંહ અણગાર તરી જવાનો છે. જિનશાસનને સમજવું સામાન્ય બુદ્ધિનું કામ નથી. વિશિષ્ટ પ્રજ્ઞા વિના પ્રભુ શાસનના માર્ગને ક્યારેય પણ આપણે સ્પર્શી ન શકીએ. ઉપનિષદોએ એક મજાની વાત કરી. ઉપનિષદો કહે છે, સદગુરુ આપે એ જ જ્ઞાન, બાકીનું અજ્ઞાન! એટલે જ આપણી પરંપરામાં શબ્દ આવ્યો “બહુશ્રુત!” Europian Culture માં શબ્દ આવશે, Well Read- જેણે ઘણું વાંચ્યું છે. આપણી પરંપરા વાંચવાની નથી, સાંભળવાની છે. કોઈપણ વિદ્વાન હોય આપણે શું કહીશું? બહુશ્રુત છે. બહુશ્રુત શબ્દના બે અર્થ થાય. જેનું શ્રુત ઘણું છે અથવા જેણે ઘણું સાંભળ્યું છે. પણ આપણી પરંપરા પ્રમાણે બહુશ્રુત શબ્દનો અર્થ આ જ છે:- જેણે સદગુરુના ચરણોમાં રહીને પ્રભુના પ્યારા-પ્યારા શબ્દોને સાંભળ્યા છે.

બ્રાહ્મીલિપિ પ્રભુ રૂષભદેવના સમયથી હતી. પણ પ્રભુ મહાવીર દેવના શાસનમાં આગમો શરૂઆતમાં લખાયા નહિ. નિષેધ હતો. આગમો લખવાના નહિ. ગુરુ શિષ્યને મોઢે આપે, શિષ્ય એના શિષ્યને મોઢે આપે. અત્યારે પરંપરા યોગની છે ને उदेस:, ત્યાં ગુરુ આખો ગ્રંથ તમને આપતા.  समुदेस: थिर परिचित करीज्जा। અને પછી ગુરુ એને ભણાવવા માટેની તમને અનુજ્ઞા આપતા. આ આખી પરંપરા આપણે ત્યાં હતી.

તો, નિષેધ હતો કે આગમગ્રંથો લખવાના નહિ. કારણ એક જ હતું કે ધ્વનિ છૂટી જશે, એનો એક ડર હતો. તમને એક નાનકડું Example આપુ. ઋષિનો ઋ  કોઈ ઋષિ બોલે કોઈ ઋષિ બોલે. અને બે પાછા આગ્રહ વાળા હોય આમ જ ઉચ્ચારણ થાય, પણ બેઉ ખોટા છે. ઋષિ શબ્દમાં જે ઋ છે ઉચ્ચારણ રુ પણ નથી, રરી પણ નથી સ્વરની રિ શા માટે આપી? ર ની બારાખડીમાં હ્રસ્વ ઇ’ રિ અને ‘દીર્ઘ ઇ’ રી હતું અને ર ને ‘હ્સ્વ ઉ’ રુ અને ‘દીર્ઘ ઉ રુ હતું. રિ અને રુ ઉચ્ચાર તો હતો જ. આ અલગ જાતનો ઉચ્ચાર કેમ આવ્યો? તો રિ અને રુ ની વચ્ચે કંઇક ખણકાર સાથે આનો ઉચ્ચાર છે. જે ઉચ્ચાર આજે આપણે અત્યારી પાટ ગુમાવી બેઠા છીએ.

સિદ્ધહેમ વ્યાકરણમાં વિલક્ષણ રિ અને વિલક્ષણ લ્રી આવે. ગમે તેવા પંડિતજી તમને ભણાવતા હશે ને એ વિલક્ષણ રિ બોલશે. ઉચ્ચાર તો ખબર જ નથી તો વિલક્ષણ રિ નો ઉચ્ચાર ક્યાંથી ખ્યાલમાં આવે?  પણ આ તો સિદ્ધહેમ વ્યાકરણ. પાણીની વ્યાકરણમાં જાવ તો એટલા બધા રિ અને લ્રી છે કારણ કે પાણીની વેદોની પછી થયું છે. વેદોમાં ઉચ્ચારોને હતા, એ બધા જ ઉચ્ચારોને પાણીનીએ વ્યાકરણની દ્રષ્ટિએ વ્યવસ્થિત કર્યા.

હમણાં અમદાવાદની વેદ Institute એ એક સરસ કામ કર્યું. જે બ્રાહ્મણોએ માત્ર ગુરુ પાસેથી વેદોને લીધેલા, પુસ્તકોમાંથી નહિ, એવા વેદપાઠીઓને ભેગા કર્યા અને એમાંથી પણ જેમનું શુદ્ધ ઉચ્ચારણ હતું, એમના ઉચ્ચારણોને રેકોર્ડ કરી લીધા. કારણ કે એ લોકોને પણ ખ્યાલ આવી ગયો કે ભવિષ્યની પેઢીની અંદર ગુરુ પાસેથી જેમણે પાઠ લીધો, એવા ઉચ્ચારણવાળા મળશે નહિ.

તો ધ્વનિ એ બહુ જ મહત્વની વસ્તુ હતી. તો બહુશ્રુત- આ ધ્વનિ જે છે ને એ બહુ જબરદસ્ત કામ કરે છે, એટલે જ જે પણ સૂત્ર તમે કરેલા છે, એનું Pronounciation બરાબર Perfection માં છે કે નહિ, એ સદગુરુ પાસે બેસી તમે જોઈ લેજો. ઘણા છે ને, શાંતિ બોલે “ઇતિ પુર્વ સુરી દર્શીત” સાચું કે ખોટું? ખોટું! ઇતિ પુર્વ સુરી દર્શીત ઉચ્ચારણો ખોટા થયા. વાસ્તવિક ઇતિ પુર્વ સુરી દર્શિત. પૂ માં ઊ મોટો છે, સૂરી માં ઊ મોટો છે, રી નાની છે.

પ્રભુએ સિંહ અણગારને કહ્યું, બેટા! એક કામ કર, રેવતી શ્રાવિકાને ત્યાં જા. એણે પોતાના માટે ઔષધિ પાક બનાવ્યો છે, એ તું વહોરીને આવ. એ હું વાપરીશ, કાયા મજાની થઈ જશે! પ્રભુ બોલે છે આ. અને સિંહ અણગાર રાજી-રાજી થઈ ગયા. પ્રભુ માટે ઔષધિ મારે લાવવાની! વિશેષ અધિકાર મળી ગયો. રેવતી શ્રાવિકાને ત્યાં ગયા, ધર્મલાભ કહીને બેઠા. હમણાં તો વેસુમાં અને સુરતમાં, ઘરે-ઘરે ધર્મલાભનો અવાજ સંભળાય છે. એ ધર્મલાભનો અવાજ તમે સાંભળો; સાડા ત્રણ કરોડ રુવાડાં તમારા ઊંચકાઈ જાય! મારે ઘરે વેશ-પરમાત્મા! વ્યાખ્યાનમાં શબ્દ સાંભળો એ શબ્દ-પરમાત્મા છે, દેરાસરમાં પ્રભુને જુઓ એ રૂપ-પરમાત્મા છે અને તમારે આંગણે ધર્મલાભ કહેવા માટે આવે છે એ વેશ-પરમાત્મા છે.

રેવતીજી નાચી ઉઠ્યા ધર્મલાભ શબ્દ સાંભળતા! સિંહ અણગાર અંદર આવ્યા. રેવતીજીએ વિનંતી કરી, સાહેબ આવો, આવો! સિંહ અણગારે કહ્યું, પ્રભુને માટે ઔષધિ પાકનો ખપ છે. તમે તમારા માટે જે ઔષધિ બનાવી છે, એ જ પ્રભુ માટે જોઈએ છે. હવે તો રેવતીજીના આનંદનો કોઈ પાર ના રહ્યો. આમ તો મહારાજ સાહેબ વહોરી જાય; પણ પ્રભુ વાપરશે કે નહીં વાપરશે એ ખબર ક્યાંથી પડે? આ તો સ્પષ્ટ કહે છે પ્રભુને માટે વહોરવા આવ્યો છું, એ ઔષધિ એવી હતી, ભારે પચવામાં કે એક દિવસમાં એક થી બે ચમચીથી વધારે લઈ ના શકાય. સિંહ અણગારને પણ ખ્યાલ હતો. વિચાર કરો, બે ચમચી ઔષધિ વહોરાવતા, કેટલી સેકન્ડ થાય? 7-8-9? એ સેકન્ડોમાં ભાવધારા એટલી વધી કે રેવતીજીએ તીર્થંકર નામકર્મ અંકેસો એ વખતે કરી.

તો, સિંહ અણગારનો કેવો પ્રભુ પરનો પરમપ્રેમ? પ્રભુ હોય તો જ હું હોઈ શકું, એ ના હોય તો મારું અસ્તિત્વ હોઈ ના શકે! આ પરમ પ્રેમમાં આપણે જવું છે. પ્રભુનો પરમપ્રેમ, પ્રભુની આજ્ઞાનો પરમપ્રેમ!

એના માટે મહોપાધ્યાય માનવિજય મહારાજાએ ત્રણ ચરણો બતાવ્યા છે.

“મિલિયા, ગુણકલિયા પછી રે લાલ, બિછુરત જાયે રે પ્રાણ”

પહેલું ચરણ મિલન. પ્રભુનું મિલન, પ્રભુની આજ્ઞાધર્મનું મિલન.

બીજું ચરણ ગુણકલન. જેમ-જેમ આજ્ઞાનું પાલન વર્ષો સુધી, જન્મો સુધી વિસ્તરતું જાય, તેમ એક-એક આજ્ઞાના પાલનથી કયાં ગુણો મારામાં Develop થયા એ તમને ખ્યાલ આવતો જશે. અને એ પછી આજ્ઞા પ્રત્યેનો પ્રેમ લોહી, માંસ અને ચરબી સુધી જાય. તમારા અસ્તિત્વના છેલ્લા પ્રદેશ સુધી જાય કે તમે પ્રભુ વિના, પ્રભુની આજ્ઞા ધર્મ વિના રહી ના શકો.

બિછુરત જાય રે પ્રાણ! એ આજ્ઞા ધર્મ નથી ગયો. તમારું જીવન સમાપ્ત થઈ ગયું છે.

તો, પહેલું ચરણ આજ્ઞા ધર્મનું મિલન. તમારા માટે પણ આ મહત્વની વસ્તુ છે. શ્રાવકો માટે, શ્રાવકોના સ્તરની પ્રભુની જે આજ્ઞા છે, એમાં પણ આ ત્રણ ચરણો આપણે લગાવવાના છે. સાધુ-સાધ્વીઓને પ્રભુએ એમના માટે જે આજ્ઞા આપી છે, એ આજ્ઞાના પ્રેમમાં જવા માટે આ ત્રણ ચરણો છે.

પહેલું ચરણ, મિલન! અહોભાવપૂર્વક પ્રભુની આજ્ઞાનો સ્વીકાર; એ છે મિલન! શરીરના સ્તર પર માત્ર આજ્ઞાનું પાલન થયું એ મિલન નથી. પહેલું ચરણ પણ નથી, માત્ર જો શરીરના સ્તર પર પ્રભુની આજ્ઞાનું પાલન થઈ ગયું. શરીર કટાસણા ઉપર બેસે, મન ક્યાં હોય સામાયિકમાં? તમારે ઉભા થવું હોય ને તો ચરવળો જોઈએને સામાયિકમાં? એટલે તમારા શરીરને ઉભું થવું હોય તો ચરવળો જોઈએ. મન માટે કોઈ ચરવળો રાખ્યો છે? મન માત્ર સમભાવમાં જ હોય, એને છોડીને જાય જ નહિ. કોઈ ચરવળો જ નથી એના માટે! આજ્ઞાનુ પાલન અહોભાવપૂર્વક!

ઓહ! મારા પ્રભુએ આટલી સરસ સાધના મને આપી. આજ્ઞાનો પ્રેમ જેટલો વધુ એટલું જ Result વધારે! શરીરના સ્તર પરના માત્ર આજ્ઞા પાલનથી ક્યારેય રાજી ના થતા. ગુરુએ કહ્યું, પાંચ ધડા પાણી લઈ આવો, લઈ આવ્યા. કેટલી નિર્જરા થઈ? શરીર પાણી લઈને આવ્યું. કામ કરવાનું કહ્યું, કરી લો. અને ગુરુ એક ઘડો પાણી લાવવાનું કહે, એ ઘડાને તમે પૂજતા હોવો અને નાચતા હોવો, ઓહ! ગુરુદેવની આજ્ઞા મળી ગઈ મને! એ ઘડાને દોરો નાખતા હોવ અને નાચતા હોવો. વહોરવા તમે જતા હોવો  ત્યારે તમને જોતા કોઈને લાગે કે આ ચાલે છે કે નાચે છે? શું કરો એ મહત્વનું નથી, કેવી રીતે કરો એ મહત્વનું છે.

શાલીભદ્રના આત્માએ એક જ વાર ભિક્ષા આપી. શું આપ્યું એ પણ મહત્વનું નહોતું, કેવી રીતે આપ્યું એ મહત્વનું હતું. એક નાનકડી ક્રિયા જો તમારા મનમાં ખૂબ-ખૂબ ભાવ હોય તો તમને અપૂર્વ નિર્જરા અપાવી શકે.

એના માટે પંચસૂત્રમાં થોડાક સૂત્ર છે. ક્યારેક વાત કરીશ. “आणा कंठी” આજ્ઞાનુ પાલન તો પછી આવે છે. પહેલા આજ્ઞાની કાંક્ષા, ઈચ્છા આવે છે. પ્રભુની આજ્ઞા મળેલી છે. આ સમયે આ કરવાનું. સદગુરુની વિશેષ આજ્ઞા એક કલાક સુધી ન મળે, તમે બેચેન થઈ જાઓ. ગુરુદેવએ મને કોઈ વિશેષ આજ્ઞા કેમ ન આપી? એ આજ્ઞા માટેની તડપન જેટલી વધારે, એટલો જ આજ્ઞા પાલનમાં આનંદ વધારે આવશે. કે પ્રભુના દર્શન માટેની તડપન વધારે એટલો જ પ્રભુના દર્શનમાં આનંદ વધારે! એમ સદગુરુ પાસેથી મને આજ્ઞા ક્યારે મળે? ક્યારે મળે? આ ઝંખના જેટલી તીવ્ર એટલો જ આજ્ઞા પાલનનો આનંદ વધારે.

સો વર્ષ પહેલાની એક ઘટના કહું. આઠ વર્ષનો એક દીકરો જન્માંતરીય વૈરાગ્યના સંસ્કારો લઈને આવ્યો. એને સંસારની કોઈ ચીજ ગમે નહિ. માત્ર ગુરુ ભગવંતો જોડે રહેવાનું જ ગમે. માત-પિતાને પણ લાગ્યું કે એની જન્માંતરીય ધારા વૈરાગ્યની છે. એક ગુરુદેવ ત્યાં આવ્યા. માસ કલ્પે એમને રોકાવાનું થયું. આ દીકરાએ કહી દીધું, ગુરુદેવ મારે દીક્ષા જ લેવી છે. ગુરુદેવે એના માતા-પિતાને પૂછ્યું, માતા-પિતાએ કહ્યું, સાહેબ આપની જોડે લઈ જાઓ, છ મહિના આપની જોડે રાખો. આપને લાગે કે દીકરો બિલકુલ બરાબર છે, તો અમે દીક્ષા આપવા માટે તૈયાર છીએ. એ દીકરાની દીક્ષા છ મહિને થઈ પણ ગઈ. દીક્ષા પછી એટલો બધો આજ્ઞા પરનો પક્ષપાત! એમને કહેવામાં આવે કે પ્રભુની આજ્ઞા છે, એકાસણું જ કરવાનું. તાવ આવેલો હોય કે ગમે તે થયું હોય એ કહી દે ગુરુદેવ! મને એકાસણાનું પચ્ચખાણ આપો. પછી ગુરુદેવ કહે કે એકાસણું નથી કરવાનું તો ગુરુ આજ્ઞા તહત્તિ પાછી!

છ મહિને લોચનો સમય આવ્યો. બધા જ મુનિઓના લોચ થઈ રહ્યા છે. આ લોચ એ પ્રભુની આજ્ઞા. કોણ જાણે! કેવી સાધના જન્માંતરમાં કરીને આ બાળક આવેલો છે કે એક-એક પ્રભુની આજ્ઞાને જોવે અને નાચે! કોઈનો લોચ થતો હોય તો કહી દે, આ તો કર્મોના ફટાકડા ફૂટે છે, મારે પણ કર્મોના ફટાકડા ફોડવાના છે. ગુરુદેવને એણે કહ્યું બાલમુનિએ કે, ગુરુદેવ મારો લોચ ક્યારે? ઉછળે છે આમ, લોચ કરાવવા માટે ! ગુરુદેવે કહ્યું, તારો પહેલો લોચ છે, એટલે  મુહૂર્ત જોઈને કરીશું. બીજા બધાને ઘણા લોચ થઈ ગયા, તારો પહેલો લોચ છે. ગુરુદેવ બોલ્યા એટલે કોઈ વિચાર નહિ પાછો. એ જ દિવસે રાત્રે પ્રતિક્રમણ કરીને બાલમુનિ ગુરુદેવ પાસે આવે છે. ગુરુદેવના ચરણોનો સ્પર્શ કર્યો. આખો દિવસ એટલો બધો સ્વાધ્યાય કરેલો. શરીર બાલમુનિનું શ્રમિત થયેલું. ગુરુદેવના ચરણોમાં સુઈ ગયા. ગુરુદેવ પ્રેમથી એના વાળમાં હાથ ફેરવે છે અને ઘસઘસાટ સૂઈ ગયા બાલમુનિ! એ વખતે પંન્યાસજી આવ્યા. ગુરુદેવે પંન્યાસજીને કહ્યું કે આવતીકાલનું મુહૂર્ત સારું છે, કાલે એને લોચ માટે બેસાડી દઈશું. ક્યારનો ઉછળે છે કે મારો લોચ ક્યારે!

ગુરુદેવ સમજે છે કે આ ઊંઘી ગયો છે પણ એ જ વખતે બાલમુનિ જાગી ગયેલા. ગુરુદેવે કહ્યું, એનું શરીર બહુ જ Delicate છે, બહુ જ નાજુક છે. હા, એનો Will Power જોરદાર છે! પણ શરીર એનું બહુ જ Delicate છે. એટલે તમને એમ લાગે એનું શરીર Tolerate કરી શકે એમ છે, સહન કરી શકે એમ છે તો લોચ પૂરો કરાવી લેજો. નહિતર અપવાદ માર્ગે હજામત પણ કરાવી લેજો. મુંડન કરાવી લેજો. બાલમુનિ સાંભળી ગયા. થોડીવાર પછી પંન્યાસજી ભગવંતે બાલુમુનિને ઊંચક્યા અને એમના સંથારામાં મૂકી દીધા.

હવે બાલમુનિને ઊંઘ આવતી નથી. કાલે લોચ એટલે બહુ સરસ વસ્તુ છે. મારું મન સો ટકા નક્કી છે, લોચ જ કરાવવો છે, પ્રભુની આજ્ઞા છે. પણ ગુરુની આજ્ઞા એ પણ મહત્વની વસ્તુ છે. મારું શરીર સહન ન કરી શકે અને પંન્યાસજી ભગવંત કહી દે કે મુંડન કરાવવાનું છે એ વખતે મારાથી ના થોડી પડાય! પણ મારે તો Compromise જોઈતું જ નથી. આજ્ઞા એટલે આજ્ઞા! અને એ પછી જે બન્યું, આપણા રુવાડાં ખડા થઈ જાય એવી ઘટના છે. 11:30-12:00 વાગ્યા, ઊંઘ તો આવતી નથી. 12:00 વાગે બધા મુનિઓ સુઈ ગયેલા. બાલમુનિ જાગ્યા. દંડાસન હાથમાં લીધું, લોચ કરવા માટેની જે રૂમ હતી, ત્યાં પહોંચી ગયા. કાઉસગ્ગ કરી લીધો લોચ પહેલાનો. રખ્યાને બધું ત્યાં પડેલું હતું. પોતાના હાથે પોતાના વાળ ખેંચવા માંડ્યા, લોચ કરાવવો અઘરો, કરવો પણ અઘરો જ છે ને? બાવડાં રહી જાય! પણ એમને ક્યાં કરવાનું હતું? પ્રભુની શક્તિ ઉતરેલી, આજ્ઞા શક્તિ ઊતરેલી. 12:00 થી 1:30 માથું સફાચટ. લોચ પૂરો! અને પછી પોતાના સંથારા પર જઈને ઘસઘસાટ સૂઈ ગયા. હવે ચિંતા ગઈ. સવારે 5:00 વાગ્યે પાછા ઉઠી ગયા.

મુનિના શરીરમાં એક Biological Watch હોય છે. જૈવિક ઘડિયાળ. અને એટલે જ બહારની ઘડિયાળની જરૂર ના પડે. જ્યાં બહારની ઘડિયાળ આવી ત્યાં જૈવિક ઘડિયાળ લુપ્ત થઈ ગઈ. અમે લોકો રાધનપુરમાં હતા, એ વખતે અમને ભણાવવા માટે પંડિત હરગોવનદાસ આવતા. પ્રજ્ઞાચક્ષુ! આંખો બિલકુલ નહી. પણ જીવતી ઘડિયાળ. પંડિતજી કેટલા વાગ્યા? તો કહે 5:45 ઉપર 30 સેકન્ડ. ઘડિયાળ નથી, આંખ નથી. અમે કહ્યું અમારી ઘડિયાળમાં 5:46 છે, તો કહે તમારી ઘડિયાળ સુધારી નાખો.

બાલમુનિ પાંચ વાગે ઉઠી ગયા. સીધા જ ગુરુદેવના ચરણોમાં! ઉપાશ્રયમાં અંધારું હતું. ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂક્યું. ગુરુદેવે માથે હાથ ફેરવ્યો. ગુરુદેવ ચમક્યા અરે આ શું? તારા વાળ ક્યાં ગયા? રાત્રે મારા ખોળામાં સુતો હતો, તારા વાળમાં મેં હાથ ફેરવેલો એ વખતે. એ સમયે બાલમુનિ શું કહે છે? ગુરુદેવ મને પ્રાયશ્ચિત આપો. સાધુ જીવનમાં ગુરુદેવની આજ્ઞા વિના કશું જ કરી શકાતું નથી. આપે કહેલા શબ્દો મેં સાંભળેલા રાત્રે. મને ચિંતા થઈ અને આપને પૂછ્યા વગર મેં લોચ મારી જાતે કર્યો છે. મને પ્રાયશ્ચિત આપો.

હરિભદ્રસુરી મહારાજ સાહેબ કહે છે, “मुतुण आन-पानम्।” એક શ્વાસોશ્વાસની ક્રિયાને છોડીને સાધુએ સાધ્વીએ બધું જ ગુરુને પૂછીને કરવું જોઈએ. શ્વાસ લેતા કે મુકતા દરેક વખતે પૂછી શકે નહિ. પૂછવા જઈએ તો ગુરુની સાધનામાં વિક્ષેપ પડે. પણ એક મિનિટ કોઈની જોડે બોલવું છે, તમે ગુરુની આજ્ઞા વિના બોલી શકતા નથી. બે શબ્દોની ચિઠ્ઠી કોકને લખીને મોકલવી છે, તમે ગુરુદેવને પૂછ્યા વિના એ ચિઠ્ઠી મોકલી શકતા નથી.

તો, ત્રણ ચરણોમાંથી આપણે પસાર થવું છે: મિલન, ગુણકલન, એકાકારી ભવન.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *