વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શુભ, શુભનો વેગ, શુદ્ધ
શ્વેતામ્બરીય સાધના પદ્ધતિનાં ત્રણ ચરણો – શુભ, શુભનો વેગ, શુદ્ધ. શુભ એ કારણ. શુભનો વેગ એ અત્યંત તીવ્ર કારણ. શુદ્ધ એ કાર્ય.
શુભ મનોગુપ્તિ – જો તમારા મનમાં કોઈ વિચાર ચાલે, તો તે વિચાર પ્રભુઆજ્ઞાને સંમત જ જોઈએ. એના માટે જોઈશે કપટરહિત થઇ આતમઅર્પણા.
શુદ્ધ મનોગુપ્તિ – જ્યાં તમારા મનમાં કોઈ વિચાર જ નથી. એના માટે જોઈશે વર્તમાનયોગ.
અતીતકાળ ગયો. અનાગતકાળ આવશે ત્યારે. અત્યારે જે એક ક્ષણ વર્તમાનની તમારી પાસે છે તેને ઉદાસીનભાવથી ભરી દો – એ વર્તમાનયોગ.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૧
પરમાત્માનો પરમ પ્રેમ, પરમાત્માની આજ્ઞાના પ્રેમમાં ફેરવાય છે; અને એ આજ્ઞા પ્રત્યેનો પ્રેમ, સર્વજીવ રાશી જોડેના સ્નેહમાં ફેરવાય છે. એક-એક સદ્ગુરુના જીવનની ઘટના જોઈએ. આપણને આ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજાશે.
સદીઓ પહેલા એક આચાર્ય ભગવંત થયા, સોમસુંદરસૂરી મહારાજા, પરમજ્ઞાની, પરમચારિત્ર મૂર્તિ. એકવાર સાહેબજી પાટ પર બિરાજમાન. ઉપાશ્રયની પાછળ જંગલ હતું. જંગલમાંથી એક સાપ ઉપાશ્રયમાં આવ્યો, અને એણે સીધો આચાર્ય ભગવંતના ચરણે ડંખ માર્યો. ડંખ મારીને સાપ વિદાય થઈ ગયો. શિષ્યવૃંદે આ દ્રશ્ય જોયું! સાપ બહુ જ ભયંકર લાગતો હતો; થોડીવારમાં ઝેર શરીરમાં ફેલાવા માંડ્યું. શિષ્યો આકુળ-વ્યાકુળ થઈ ગયા. શિષ્યો માટે સદ્ગુરુ એ જીવન.. પોતાનું પૂરું જીવન સદ્ગુરુને સમર્પિત કરેલું; પણ એ જીવનની પૂરી Care રાખનાર સદ્ગુરુ છે; એ સદ્ગુરુ ન હોય એની કલ્પનાથી પણ શિષ્યો ધ્રુજી ઉઠે! સદ્ગુરુ, એ જ જીવન. સદ્ગુરુ ન હોય તો શું થાય? શિષ્યો આકુળ-વ્યાકુળ છે, ભક્તો આકુળ-વ્યાકુળ છે; પરમ શાંતિમાં હોય તો આચાર્ય ભગવંત છે! સાહેબજી વર્તમાનયોગના સાધક હતા.
આદ્યશંકરાચાર્યે વર્તમાનયોગને જીવનમુક્ત દશા કહી છે. બહુ પ્યારો શ્લોક એમનો છે; “अतिताननुसंधानं भविष्यदविचारणम्, औदासिन्यमपि प्राप्ते जीवन मुक्तस्य लक्षणम्॥”
આપણે પણ વર્તમાનયોગ શબ્દનો પ્રયોગ કેટલી બધી વાર કરીએ! એક મુનિરાજ વહોરીને ઉપાશ્રય તરફ જઈ રહ્યા છે; લાગે છે કે ગોચરી પૂરી આવી ગયેલી છે અને એક ભક્ત વિનંતી કરે છે, ગુરુદેવ! મારે ત્યાં પધારો, મને લાભ આપો! એ વખતે એ મુનિરાજ કોઈ commitment કરી શકતા નથી! ઉપાશ્રય જઈને આવું, અથવા પછીથી આવું; આવું કોઈ જ commitment, પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી કરી શકતા નથી. એક જ શબ્દ એમની પાસે છે, વર્તમાનયોગ. મને અત્યારની વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. અત્યારે મને લાગે છે ગોચરી પૂરી આવી ગઈ છે; કદાચ ગોચરી અધુરી હોય તો હું પાછળથી આવી પણ શકું, ગોચરી ન ખૂટે તો ન પણ આવું; ન, હા; ન, ના. વર્તમાનયોગ.. અને even એક મુનિરાજ ગોચરી વહેંચી રહ્યા છે, અને બહારથી એક શ્રાવકજી કહે છે, સાહેબ! મારા ઘરે લાભ નથી મળ્યો, મારા ઘરે પધારો! એ વખતે એ મુનિરાજ કહેશે, વર્તમાનયોગ. મને માત્ર વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. ગોચરી વહેંચી રહ્યો છું, મને ખ્યાલ નથી આવતો અત્યારે, ગોચરી ખૂટશે કે નહિ ખૂટે; ખૂટે તો આવી શકું, ન ખૂટે તો ન આવું. પણ, આ વર્તમાનયોગ માત્ર ગોચરીના સંબંધમાં સીમિત નહિ કરવાનો! પુરા જીવન પર એ વર્તમાનયોગને ફેલાવવાનો.!
આચારાંગજીનું એક મજાનું સૂત્ર છે. “जस्स नत्थि पुरा पच्छा, मज्झे तस्स कओ सिया?” જો તમારી પાસે ભૂતકાળની કોઈ વિચારણા નથી. ભવિષ્યકાળનો કોઈ વિચાર નથી. તો વર્તમાનકાળમાં કયો વિચાર તમારી પાસે હશે? તમારે શુદ્ધ મનોગુપ્તિ પાળવી હોય તો પણ વર્તમાનયોગમાં જવું પડે. શુદ્ધ મનોગુપ્તિમાં વિચાર કરવાનો જ નથી! તમે માર્ક કરીને જોજો; તમારો વિચાર તમને યા તો ભૂતકાળમાં લઇ જશે, યા તો ભવિષ્યકાળમાં લઇ જશે. વર્તમાનક્ષણમાં તમે જે ક્રિયા કરી રહ્યા છો, ત્યાં વિચારની કોઈ આવશ્યકતા છે જ નહી! પણ વર્તમાનયોગની કેટલી સરસ વ્યાખ્યા આપી- અતીતકાળ તો ગયો, અનાગતકાળ આવશે ક્યારે? એક ક્ષણ વર્તમાનની તમારી પાસે છે; પણ એને પણ તમે રાગથી કે દ્વેષથી ભરી દો, તો એ વર્તમાનયોગ નથી! “अतिताननुसंधानं भविष्यत् अविचारणम्, प्राप्तेपि औदासीन्यम” જે વર્તમાનની એક ક્ષણ તમને મળી છે, એને ઉદાસીનભાવથી ભરી દો! બોલો કેટલી નાનકડી સાધના! એક સેકન્ડ ને ઉદાસીનભાવથી ભરી દેવાની! અને એક વાત તમને કહું; એક સેકન્ડ ઉદાસીનભાવથી તમે ભરી શકો, તો બીજી સેકન્ડ ઉદાસીનભાવની જ આવવાની છે! ત્રીજી સેકન્ડ ઉદાસીનભાવની જ આવવાની છે!
એક ગુરુએ, હિંદુ ગુરુએ સાધકને કહેલું; કે તું પાંચ મિનિટ શુદ્ધની મને આપે, તો હું તને કોલ આપું કે પછી તું અશુભમાં, અશુદ્ધમાં જઈ ન શકે! સાધક ઉપદ્રવી હતો. તમે બધા નિરૂપદ્રવી! તમે બધા જ નિરુપદ્રવી ને? ઉપદ્રવ ક્યારે થાય? જે સાધના આપી, તમે એના practical approach માં જશો, ક્યાંક મૂંઝવણ આવવાની, સદ્ગુરુને પૂછવા આવશો; ફરી try કરશો, ફરી મૂંઝવણ આવી, ફરી ગુરુને પુછવા આવશો. પણ સાધનાની વાત સાંભળીને જેણે સુઈ જ જવાનું હોય, એ નિરુપદ્રવી સાધક કહેવાય. ગુરુને ઉપદ્રવ બિલકુલ ન કરે! આ સાધક અનુભવી હતો. એણે કહ્યું; ગુરુદેવ! આપ તો કહો છો કે પાંચ મિનિટ શુદ્ધની તું આપે, ઉદાસીનદશાની તું આપે, તો તું અશુભમાં ન જાય, અશુદ્ધમાં ન જાય. પણ ગુરુદેવ મારો તો એક અનુભવ છે કે પાંચ મિનિટ નહિ, દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ શુદ્ધમાં રહેલો હોઉં; અને એક અશુભ નિમિત્ત મળતાં ઉંધે માથે હું પટકાઉ છું! સદ્ગુરુ અનુભૂતિવાન હતા.
એક મજાની પરંપરા આપણને મળી. કેટલા બધા અનુભુતિવાન સદ્ગુરુઓ આપણને મળ્યા! જલસો છે આપણા માટે! પ્રભુએ આપેલી મજાની સાધનાપદ્ધતિ; અને એને આપનાર અનુભુતિવાન સદ્ગુરુ! જલસો જ જલસો!
ગુરુ અનુભૂતિવાન હતા. એમણે કહ્યું; કે બેટા! તું જેણે શુદ્ધની ક્ષણ સમજતો હતો; એ શુદ્ધની ન હતી, પણ શુભની હતી. શુભ પણ ઉત્કટુ શુભ નહતું, એમાં અશુભ થોડુંક ભળેલું હતું. તો હવે બની શકે શુભ ૬૦% છે, અશુભ ૪૦% છે; તો ૬૦-૪૦ નો રેસિયો, ૪૦-૬૦ માં પણ બદલાઈ શકે. ૭૦-૩૦ નો રેસિયો ૩૦-૭૦ માં પણ આવી શકે. એટલે સદ્ગુરુએ કહ્યું; કે શુભ તારી પાસે હતું, શુભનો વેગ પણ નહતો.
આપણી શ્વેતામ્બરીય પરંપરા એકદમ perfect વૈજ્ઞાનિક અભિગમવાળી છે. શુભ, શુભનો વેગ અને શુદ્ધ. કેટલીક પરંપરાઓ શુભને ઉડાડી દે છે. શુભ જેનાથી મળે એ નિમિત્તોને પણ એ લોકો ઉડાડી મુકે છે. મૂર્તિની જરૂરિયાત નથી, આ ની જરૂરિયાત નથી… મારો એક મુમુક્ષુ એક આવા પંડિતજીની વાચનામાં ગયેલો. પંડિતજીએ શુભનો સીધો જ છેદ ઉડાવ્યો. મૂર્તિ આદિ નિમિત્તો અકિંચિતકર છે, એમ કહ્યું. એ વખતે મારો મુમુક્ષુ ઉભો થયો. એણે કહ્યું; પંડિતજી આ તમારા શબ્દો શું છે? એ પણ નિમિત્ત જ છે ને? તમે કહો છો ને નિમિત્તને છોડવાનું, ચાલો, તમને છોડીને આજે જાઉં છું!
હું પોતે આપણી આ શ્વેતામ્બરીય વ્યવહાર-નિશ્ચયના બેલેન્સીંગવાળી સાધનાનો પ્રખર પક્ષપાતી છું. નિશ્ચયના ઊંડાણમાં જવા છતાં વ્યવહાર પ્રત્યેનો મારો અહોભાવ અકબંધ છે, અને અકબંધ જ રહેવાનો છે. કારણ, ૯૦-૯૫% સાધકો અહોભાવથી જ પોતાની સાધનાયાત્રા શરૂ કરી શકે. જન્માન્તરમાં જેણે શુભને બરોબર ઘૂંટેલુ છે, એવી વ્યક્તિ જ આ જન્મમાં સીધી શુદ્ધમાં છલાંગી શકે.
તો ગુરુએ કહ્યું; કે તું શુદ્ધમાં નહતો, શુભમાં હતો. શુભ કારણ, શુભનો વેગ અત્યંત તીવ્ર કારણ, અને શુદ્ધ એ કાર્ય.
એક ઘટના વચ્ચે યાદ આવી. બ્રાહ્મણવાડા તીર્થમાં આપણા યુગના સાધના મહર્ષિ પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજય મ.સા ની નિશ્રામાં ચૈત્રી ઓળી હતી. કલાપૂર્ણસૂરી દાદા અને જંબુવિજય મ.સા. સાહેબજીની પાસે ભણવા માટે આવેલા. ચૈત્રી ઓળીનો પહેલો દિવસ, પંન્યાસજી ભગવંતનું પ્રવચન ચાલી રહ્યું છે. સાહેબજીએ કહ્યું; કે આપણી સાધના સંપૂર્ણતયા પ્રભુ કર્તૃત છે. એક ભાવકે એ વખતે પૂછ્યું; કે ગુરુદેવ આપ કહો છો એ બિલકુલ સત્ય જ હોય, પણ આના માટે કોઈ શાસ્ત્રાધાર આપ આપશો? એ વખતે એ ગુરુદેવે વિતરાગસ્તોત્રનું આધાર સૂત્ર ન આપ્યું, પણ આનંદઘનજી ભગવંતના નેમિનાથ પ્રભુના સ્તવનની એક કડીને આધારસૂત્ર રૂપે આપ્યું. એટલા માટે કે ગુજરાતીમાં અપાયેલી એ કડીનું ભાવન બધા જ કરી શકે.
આનંદઘનજી ભગવંતે નેમિનાથ પ્રભુની સ્તવનાની અંદર એક કડી એવી આપી છે, જેમાં સાધનાને પુરેપુરી પ્રભુ કર્તૃત તરીકે એમણે બતાવી છે. બહુ પ્યારી કડી છે; “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુક્તાહાર” રાજીમતીજીએ શું કર્યું? “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર” પ્રભુના ચરણોની અંદર સંયમનો સ્વીકાર કર્યો, ત્યારે એમણે પોતાનો મનોયોગ, વચનયોગ અને કાયયોગ સંપૂર્ણતયા પ્રભુને સમર્પિત કર્યો! “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર” આપણે વિચારીએ પ્રભુને આપણે શું આપ્યું?
એ જ લયમાં આનંદઘનજી ભગવંત પહેલા સ્તવનમાં છેડે કહે છે, “કપટ રહિત થઈ આતમ અર્પણા રે” તું આત્માર્પણ તો કરીશ પણ એ નિષ્કપટ ભાવે કરજે.
તો સવાલ થાય કે આત્માર્પણ કોઈ કરે પ્રભુના ચરણોમાં; આખું જ જીવન કોઈ વ્યક્તિ સોંપી દે, એમાં કપટ હોઈ શકે ખરું? દંભ હોઈ શકે ખરો? તો શા માટે લખ્યું? “કપટ રહિત થઈ આતમ અર્પણા રે, આનંદઘન પદ રેહ” જે ક્ષણે તમે નિષ્કપટ ભાવે આત્માર્પણ કર્યું, એ ક્ષણે તમે આનંદઘનના ચરણોની રેખા બની જાઓ! તમે પોતે આનંદઘન બની જાવ!
એક મુનિ પચાસ ડીગ્રી ગરમીની અંદર બપોરે બાર વાગે ગવેષણા પૂર્વક ગોચરી વહોરવા માટે જાય છે. ડામરની સડક પર એક કિલોમીટર, દોઢ કિલોમીટર દુર જાય છે. માત્ર એકવાર પ્રભુની આજ્ઞા પ્રમાણે ગવેષણા કરવી જોઈએ. શરીર પ્રભુને સોંપાયું, મન પ્રભુને સોંપાયું? શરીર પ્રભુની આજ્ઞામાં છે. મન પ્રભુની આજ્ઞામાં ખરું? મન પ્રભુની આજ્ઞામાં હોય, તો યા તો શુભ મનોગુપ્તિ હોય યા તો શુદ્ધ મનોગુપ્તિ હોય. વિચાર ચાલે તમારા મનમાં, તો એ વિચાર પ્રભુની આજ્ઞાને સંમત જ જોઈએ. શુદ્ધ મનોગુપ્તિ છે તો વિચાર નથી. શુભ મનોગુપ્તિ છે તો શુભ વિચાર છે, પણ એ શુભ વિચાર પ્રભુની આજ્ઞાને સંમત હોવો જોઈએ. એક સેકન્ડ કોઈના પ્રત્યે તિરસ્કાર તમને આવ્યો, તો શું થયું, આત્માર્પણ વાસ્તવિક બન્યું ખરું? બોલો?
“ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર” અને પછી હું કહું છું- surrender ની સામે care! એની કરુણાની, પ્રભુના પ્રેમની કોઈ સીમા નથી! અસીમ છે… વરસી જ રહ્યો છે… પણ એને ઝીલી કોણ શકે? જે એની આજ્ઞાને સમર્પિત છે, એ જ એના પ્રેમને ઝીલી શકે છે. Surrender ની સામે care.
તો રાજીમતીજીએ ત્રણે યોગ પ્રભુને સમર્પિત કર્યા ત્યારે પ્રભુએ ત્રિવિધ સાધના આપી. “ધારણ, પોષણ, તારણો રે, નવસર મુક્તાહાર” જેમ નવ શેરનો મુક્તાહાર કોઈના ગળામાં પહેરાવીએ એવી રીતે પ્રભુએ ત્રિવિધ સાધના રાજીમતીજીને આપી. આ ત્રિવિધ સાધના એ આપણી શ્વેતામ્બરીય આખી સાધના પદ્ધતિ! પહેલું ધારણ – પ્રભુ તમને શુભમાં પકડી રાખે. શુભ આપે પણ પ્રભુ; શુભયોગોમાં તમને પકડી રાખે પણ પ્રભુ. બીજું છે; પોષણ. પોષણ એટલે શુભનો વેગ. તો શુભમાંથી, શુભના વેગમાં પણ તમને પ્રભુ લઇ જાય! અને તારણ એટલે શુદ્ધ. શુધ્ધની અંદર પણ પ્રભુ તમને લઇ જાય! સંપૂર્ણતયા પ્રભુનું કર્તૃત્વ સાધનામાર્ગ પર છવાયેલું છે. મને પ્રભુનું શાસન મળ્યું. શુભ વિચારો મળ્યા. પણ એ ક્યારે મળ્યા? પ્રભુએ શાસન સ્થાપ્યું તો! એ શાસન જો પ્રભુએ સ્થાપ્યું ન હોત તો, મને ને તમને, એ શાસન મળત ક્યાંથી?
તો એકપણ શુભ વિચાર જે મારી અને તમારી પાસે છે, એ પ્રભુ શાસનને કારણે આવ્યો, અને એ શાસનને સ્થાપનાર પ્રભુ છે. તો તમારા એક-એક શુભ વિચાર પર, એક-એક શુભ ભાવ પર માલીકિયત પ્રભુની છે! શુભભાવ, શુભ વિચાર આપણને આપનાર પ્રભુ અને એટલા બધા માધ્યમો આપ્યા કે જે માધ્યમોને કારણે આપણે શુભમાં ટકી રહ્યા.
ગામડા ગામમાં એક જૈનનું ઘર હોય, તો એની પાસે બીજુ કોઈ આલંબન નથી. તમારી પાસે કેટલું મોટું આલંબન છે! સુરતમાં તમે છો. વેશ પરમાત્માનું આટલું મોટું આલંબન! અનુષ્ઠાન પરમાત્માનું આટલું બધું આલંબન! આ આલંબન, આ પરંપરા, કોણે આપી? પ્રભુએ આપી! એટલે જ મેં પહેલા કહેલું, કોઇ પણ પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય, એનું ખંડન ક્યારેય પણ કરતા નહિ. એને સમજવાની કોશિશ કરજો.
ઉપાધ્યાય યશોવિજય મહારાજે આઠ દ્રષ્ટિની સજ્ઝાયમાં કહ્યું; ‘શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ’. શાસ્ત્રો ઘણા છે, આપણી બુદ્ધિ બહુ અલ્પ છે એટલે મહાપુરુષો જે કહે, એને સ્વીકારી લેવાનું; અને એ શ્રદ્ધા તમારી પાસે છે. પ્રભુએ આપેલી શ્રદ્ધા, તમને શુભની અંદર ટકાવી રાખે છે. તો શુભ આપનાર પ્રભુ, શુભમાં તમને સ્થિર કરનાર પ્રભુ. એ પછી શુભનો વેગ. આવા મહાપુરુષો આવે, શિબિરો વિગેરે થાય; પ્રભુની વાણીનો ધોધ વહે, વિશિષ્ટ આલંબનો મળે, અને તમારા અહોભાવની અંદર એકદમ અભિવૃદ્ધિ થાય. એ જે શુભનો વેગ આવે, એ શુભના વેગ પછી તમે એક high jump લગાવો, શુદ્ધમાં પહોંચી જાવ.!
શુદ્ધ એટલે શું? તમે આનંદમાં રહો! દ્રષ્ટાભાવમાં રહો! સાક્ષીભાવમાં રહો! તમારા કોઇ પણ ગુણમાં, કે તમારા નિર્મળ આત્મસ્વરૂપમાં તમે રહો, એનું નામ શુદ્ધ; અને એ શુદ્ધની પ્રાપ્તિ જેનાથી થાય એ શુભ અને શુભનો વેગ.
સમાધિશતકમાં આ જ સંદર્ભમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે બહુ સરસ વાત કહી. સમાધિશતક ગ્રંથ બહુ સરસ છે. ગુજરાતી ભાષાની અંદર એટલી સરસ રીતે પ્રભુની સાધનાનું presentation થયું છે કે આપણે ઓવારી જઈએ. ત્યાં એમણે લખ્યું, ‘આતમ જ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડ; તો પ્રગટે ગુણ વાસના, ગુણ અનુભવ કી જોડ’. આતમ જ્ઞાને મન ધરે – જયારે તમારું મન માત્ર તમારી ભીતર પહોંચી ગયું હશે. બહાર મન કેટલો ટાઈમ? બોલજો? તમારું મન બહાર કેટલો ટાઈમ હોય? મન બહાર રહે તો આનંદ મળે કે પીડા મળે? સાચું કહેજો? તમારો અનુભવ શું? What’s your experience? કોઈની કંઈ વાત જોઈ, એથી શું થાય? આનામાં આમ છે ને, આનામાં આમ છે, અને આનામાં આમ છે! એ દોષો જોયા પછી તમારા મનમાં પીડા જ થવાની ને? એટલું તમે નક્કી કરી શકો કે મને પીડા આપે એવો વિચાર મારે નહિ કરવો. બોલો છો તૈયાર? તો તમે મનોગુપ્તિમાં આવી જાવ.
શાર્ત્ર આજના યુગના બહુ મોટા ચિંતક થયા. નિત્સે, કામુ, શાર્ત્ર. આ બધા પશ્ચિમના બહુ સારા ચિંતકો કહેવાય. શાર્ત્રનું એક બહુ સરસ વિધાન છે, “The other is hell.” “The other is hell.” બીજું એ જ નરક. શાંતસુધારસમાં વિનયવિજય મહારાજે કહ્યું, ‘पर: प्रविष्ठ: कुरुते विनाशं’. તમારા મનમાં પરનો પ્રવેશ થાય એટલે શું થાય? પીડા જ પીડા! આજે ગુરુ દક્ષિણામાં તમને આનંદ આપી દઉં બોલો. ક્યારેય પણ પીડા ન થાય! કોઈનો દોષ જોયો, સીધું જ પ્રભુને પ્રાર્થના કરો! તમારો સંબંધી છે, પ્રિયજન છે. તો પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ એનો દોષ નીકળી જાય અને મારી દોષદ્રષ્ટિ જ નીકળી જાય. બે પ્રાર્થના કરવાની હો! તમારા સંબંધીને cancer થયું, third stage માં; તો પણ તમે પ્રભુને પ્રાર્થના કરશો, પ્રભુ એનું cancer મટી જાય! એ જ રીતે તમારા દીકરામાં, તમારી દીકરીમાં કોઈ દુષણ છે; પ્રેમથી સમજાવો, નહિ સમજે, તો પ્રભુને પ્રાર્થના કરો! પ્રભુ એનો દોષ મીટી જવો જોઈએ, અને ત્યાં તમારી ફરજ છે. મારા શિષ્યોમાં દોષ હોય તો એને કાઢવાની મારી ફરજ છે. પણ દુનિયાની અંદર રહેલા માણસો, એના દોષોને હું જોઇશ ત્યારે માત્ર પ્રભુને હું પ્રાર્થના જ કરીશ. તમે પણ આ લયમાં આવી જાઓ. કોઈનો દોષ જોયો. ખરેખર એ દોષ દેખાયો કેમ પહેલા તો?
હું ઘણીવાર કહું છું. મારા ચશ્માના glass માં ડાઘ હશે તો મને ફરસ પર ડાઘ દેખાશે. તમારા કપડાં ઉપર પણ ડાઘ દેખાશે. પણ એના માટે ફરસ ધોવડાવાની જરૂર નથી. જરૂર શું છે? મારે મારા ચશ્માના glass લુછવાની. એમ તમારે તમારી દ્રષ્ટિ જે છે એ વિશુદ્ધ બનાવવાની છે.
જ્ઞાનસારનો પ્રારંભ થાય. “सच्चिदानंद पूर्णेण, पूर्णं जगदवेक्ष्यते” તમને બીજા બધા અપૂર્ણ દેખાય છે, કારણ શું છે? તમારી દ્રષ્ટિમાં અપૂર્ણતા છે! જે ક્ષણે તમારી દ્રષ્ટિમાં પૂર્ણતા આવી; કોઈ દોષયુક્ત નથી! બધા જ આત્મા અનંતગુણોથી સભર છે!
તો “આતમ ધ્યાને મન ધરે, વચન કાય રતિ છોડ” આ કડી આજે વિશ્લેષણમાં લેતો નથી; બહુ મજાની છે, ક્યારેક લઈશ. “તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી જોડ” તો શુભનો વેગ પ્રાપ્ત થાય. વાસના. હરીભદ્રસૂરી મહારાજ સાહેબને વાસના શબ્દ બહુ જ, એકદમ ગમે છે. ભાવનાના અર્થમાં એ વાસના શબ્દને વાપરે છે. ચિત્તને વાસિત કરો. તો શુભવાસના. શુભથી તમારું મન પૂરેપૂરું વાસિત થઈ જવું જોઈએ; અને એ વાસિત થયું એટલે તમે શુદ્ધમાં ગયા; ગુણનો અનુભવ તમને પ્રાપ્ત થઈ ગયો!
તો પંન્યાસજી ભગવંતે બ્રાહ્મણવાડા તીર્થની અંદર આનંદઘનજી ભગવંતના સ્તવનની કડીને ટાંકીને પ્રભુની સાધના કર્ત્રુંતાને બતાવી. એ જ સાધના કર્ત્રુંતાની વાત આપણે કરતાં હતા કે વર્તમાનયોગ એ પણ પ્રભુએ આપેલી સાધના છે. તો કેટલી નાનકડી સાધના! ભૂતકાળ ગયો. હવે યાદ કરીને શું કરવાનું? ઘટના ઘટી ગઈ. તમે કહેશો આમ થયું ને આમ કર્યું. અરે! ગમે એમ તમે કહેશો, ઘટના બીજી રીતે repeat થવાની ખરી? ઘટી ગઈ એ ઘટી ગઈ! સ્વીકાર સિવાય, બીજો કોઈ માર્ગ તમારી પાસે નથી! અને ભવિષ્યમાં ઘટના ઘટવાની છે ત્યારે જોઈ લેશું! અત્યારે શું? વર્તમાનની એક ક્ષણ, એને તમે ઉદાસીનદશાથી ભરી દો, તો જીવનમુક્ત દશા તમને મળી જાય!
આચાર્ય ભગવંત સોમસુંદરસૂરી મહારાજ આ વર્તમાનયોગના સ્વામી હતા. સાપ કરડ્યો છે તો કરડ્યો છે. ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ! જે થવાનું હોય એ થશે! હું વર્તમાનયોગમાં છું! ભક્તો દોડમદોડ કરે છે. કોને બોલાવવો? કયા માંત્રિકને બોલાઈએ? કયા તાંત્રિકને બોલાઈએ. આચાર્ય ભગવંતે જોયું કે મારા શરીર માટે આ લોકો વિરાધના કરશે, એટલે એમણે જ્ઞાનનો ઉપયોગ મુક્યો અને શ્રાવકોને બોલાવીને કહ્યું; ક્યાંય દોડમદોડ કરતાં નહિ. આટલા વાગે નગરના પૂર્વ દિશાના દરવાજે તમે જજો. ત્યાં એક કઠિયારણ બાઈ લાકડાનો ભારો લઈને આવશે. આવા કપડાં એને પહેરેલા હશે. એની પાસેથી લાકડાની ભારી તો લઇ જ લેજો પણ એ ભારી મુકવા માટે ઈંઢોણી તરીકે એને એક વેલડી મુકેલી છે. એ વેલડીને પણ લઇ લેજો. જંગલમાં એક વિષહર વેલડી થાય છે કે જે વેલડી એવી ચમત્કારિક હોય કે સાપના ઝેરને ચૂસી લે. તો એણે ઈંઢોણી તરીકે એ વિષહર વેલડીને મુકેલી છે. તો ભારી અને ઈંઢોણી બે તમે ખરીદી લેજો અને એ વેલડી દ્વારા મારા આ સર્પનું ઝેર ચુસાઈ જવાનું છે. બીજી કોઈ વિરાધના મારા માટે કરતા નહિ. એ રીતે શ્રાવકો પહોંચ્યા. એ જ ટાઈમે બાઈ આવી, એ જ કપડા! માંગ્યાથી વધારે પૈસા આપી ભારી અને ઈંઢોણી લઇ લીધી. એ વિષહર વેલડી એને મુકવામાં આવી, સહેજ ઘસીને; બધું જ ઝેર શરીરમાં જે ફેલાઈ રહ્યું હતું, એ ડંખના પ્રદેશે ભેગું થયું, અને ત્યાંથી બધું જ એ વેલડીમાં ચુસાઈ ગયું!
મારે એ વાત કરવી છે કે પ્રભુ પરનો પરમપ્રેમ પ્રભુની આજ્ઞાના પ્રેમમાં ફેરવાયો, અને એટલે વર્તમાનયોગમાં ઝૂમી રહ્યા હતા, આચાર્ય ભગવંત. એ આજ્ઞા પરનો પ્રેમ સકલ જીવરાશી પરના પ્રેમમાં ફેરવાયો. આમ જુઓ તો એક ગીતાર્થ આચાર્ય ભગવંતના શરીરને સ્વસ્થ બનાવવા માટે વનસ્પતિકાયની થોડીક વિરાધના થઈ છે. આપણે તો આપણા શરીર માટે કેટલી વિરાધનાઓ કરીએ છીએ, આપણને ખ્યાલ છે! એ આચાર્ય ભગવંતે, પ્રાયશ્ચિત પોતે જ લેવાનું હતું; એ નાનકડી વિરાધનાના પ્રાયશ્ચિત રૂપે એમણે નક્કી કર્યું, યાવજજીવન છ વિગઈનો ત્યાગ!
આપણે કહીએ છીએ ને મહાપુરુષો કેવા હોય? “वज्रादपि कठोराणि म्रुदुनि कुसुमादपि” એ પોતાની જાત માટે વજ્રથી પણ વધુ કઠોર હોય- શાર્પ! અને બીજાઓ માટે ફૂલથી પણ વધારે કોમળ હોય છે! તમારે છે ને માત્ર શીર્ષાસન કરવાનું છે. અનંતા જન્મોમાં શું કર્યું? બીજાઓ પ્રત્યે કઠોર રહ્યા, જાત પ્રત્યે કોમળ રહ્યા. હવે શું કરવાનું? બીજાઓ પ્રત્યે કોમળ ભાવ, જાત પ્રત્યે કઠોર ભાવ. એક પ્રભુનો સંયમી મોજા પણ નથી પહેરતો. હવે અનિવાર્ય રૂપે ગીતાર્થ ગુરુઓ કહે છે ત્યારે આપણે મોજા પહેરીએ છીએ, accident વિગેરે ન થાય એના માટે; પણ મોજા પણ પહેરવા એ તૈયાર નથી હોતો, કારણ કે મારા સુખના નિમિત્તે બીજા કોઇ જીવને સહેજ પણ પીડા થાય એ મને સ્વીકાર્ય નથી. એટલે પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી કઈ ભૂમિકાએ આવ્યા? કે એમનું હૃદય બીજાને માટે ફૂલથી પણ વધુ કોમળ છે, પણ પોતાના માટે વજ્રથી પણ વધુ કઠોર છે. તમે બધા પણ પ્રભુ શાસનમાં આવેલા છો, તમારા માટે પણ આજે એ જ આશીર્વાદ કે તમે બીજાના માટે ફૂલથી પણ વધુ કોમળ બની જાવ!
