Param Sparsh Ni Yatra – Vachana 22

14 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : जाग्रत्यात्मनि ते नित्यं

જીવન્મુક્ત મહાત્માઓ આત્મદશામાં સતત વિહરતા હોય છે. અને એનો આંશિક અનુભવ તમે પણ કરી શકો તેમ છો.

દ્રવ્યમાં (આત્મદ્રવ્યમાં) ભીતર ને ભીતર જવાનું. પર્યાયોને (ઘટનાઓને) માત્ર જોવાની. ઘટનાઓને માત્ર જોવાની કળા જો આવડી જાય, તો તમે જીવન્મુક્ત બની શકો.

ઘટનાને જોનાર આંખ. સાંભળનાર કાન. પણ એ ઘટનાનું interpretation કરનાર મન. જો મનને બીજે (આત્મા તરફ) વાળી દો, તો આંખથી જોવાય, કાનથી સંભળાય; પણ ઘટનાનું કોઈ interpretation ન થાય. તમે ઘટના અપ્રભાવિત બની જાઓ; જીવન્મુક્ત બની જાઓ.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૨

પ્રભુનો આપણા પરનો પરમ પ્રેમ, પ્રભુની આજ્ઞા પરના પ્રેમમાં ફેરવાય; અને પ્રભુની આજ્ઞા પરનો પ્રેમ સકળ જીવરાશી સાથેના સ્નેહમાં પરિણમે. એ પ્રભુનો પરમ પ્રેમ હર ક્ષણે વરસી રહ્યો છે, એને ઝીલવા માટે માત્ર અને માત્ર પ્રાર્થનાનું પાત્ર આપણી પાસે છે. એક પ્રાર્થના, પ્રભુ તારો પરમ પ્રેમ સુલસાજીને મળ્યો, રેવતીજીને મળ્યો, શ્રેણિક મહારાજાને મળ્યો, તો મને કેમ ન મળે? એક માત્ર આટલી નાનકડી પ્રાર્થના અને એ જ ક્ષણથી પ્રભુના પરમ પ્રેમની ધારામાં તમે વહેવા લાગશો. 

એ પરમ પ્રેમ કેવો તો આનંદ આપે! આજ્ઞા પાલનનો આનંદ..! Beyond the words.! Beyond the expectations.! દાદા ગુરુદેવ ભદ્રસૂરી મહારાજા, સાહેબજીની એક આંખે મીઠો ઝામરો ઉતરી ગયેલો. ખ્યાલ નહિ આવેલો. એકવાર ડોક્ટર chekup કરતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે એક આંખ તો બિલકુલ નકામી થઈ ગઈ છે. બીજી આંખે મોતિયો આવતો હતો. સાહેબજી પાટણમાં બિરાજમાન એ વખતે. ભક્તો મુંબઈથી eye specialist ને લઇ આવ્યા અને મુંબઈના ખ્યાતનામ eye specialist એ મોતિયાનું operation કર્યું. એ યુગમાં મોતિયાનું operation risky ગણાતું. 3-4 દિવસનો પાટો બાંધેલો હોય. પાટો ખોલે પછી ખબર પડે દ્રષ્ટિ કેવી છે? મુંબઈના eye-specialist operation કરીને ચાલ્યા ગયા. પાટો ખોલાયો ત્યારે ખબર પડી; operation બિલકુલ નિષ્ફળ ગયેલું, બીજી આંખની રોશની પણ ખતમ થઈ ગઈ. શિષ્યો હતપ્રભ.. ભક્તો ગમગીન.. પ્રસન્ન હતા, માત્ર ગુરુદેવ.! એમણે હસતાં હસતાં કહ્યું; કે પ્રભુનો આમાં હું સંકેત જોઉં. અત્યાર સુધી હું માત્ર સવારથી સાંજ સુધી સ્વાધ્યાય કરતો હતો. હવે પ્રભુનો મને સંકેત મળી રહ્યો છે કે તારે હવે જપયોગમાં અને ધ્યાનયોગમાં જવાનું છે. એ ક્ષણથી ગુરુદેવ જપયોગમાં અને ધ્યાનયોગમાં એવા તો પ્રવેશી ગયા કે કલાકો ના કલાકો ધ્યાનમાં પસાર થઈ જાય, ખ્યાલ પણ ન આવે. આ શું હતું? વર્તમાનયોગ. ભવિષ્યની કોઈ ચિંતા નહતી. જે ક્ષણે જે પર્યાય પ્રગટશે એને જોવાનો છે. 

એક બહુ મજાનું સાધનાસૂત્ર આજે તમને આપું: દ્રવ્યમાં – આત્મ દ્રવ્યમાં આપણે ભીતર ને ભીતર જવાનું છે, અને પર્યાયોને, ઘટનાઓને માત્ર જોવાની છે. 

બુદ્ધ બહુ સરસ વાત કહેતાં. એમણે કહેલું કે જીવન એક પરપોટો છે અને ઘટનાઓ તો પરપોટાના પણ પરપોટા છે. એ પરપોટાના પરપોટા ઉપર આપણે કેટલું ધ્યાન આપીશું? તો ઘટનાઓને માત્ર જોવાની છે. અને એ કળા તમને આવડી જાય તો તમે જીવનમુક્ત બની જાવ.! 

જીવનમુક્તિ શબ્દ આપણી પરંપરામાં સૌથી પહેલા અર્થથી ભગવાન ઉમાસ્વાતિજીએ આપ્યો. શબ્દથી જીવનમુક્તિ શબ્દ મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ આપણને આપ્યો. પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતિએ કહ્યું, “इहैव मोक्ष: सुविहितानाम्” અહીંયા જ મોક્ષ છે! આ ક્ષણે મોક્ષ! પ્રશમરતિ તમે બધાએ કરેલું કેમ? કરેલું? આ પદ આવેલું ત્યારે તમે ઝૂમેલા? નાચેલા? “इहैव मोक्ष: सुविहितानाम्” અહીંયા જ મોક્ષ?! આ ક્ષણે મોક્ષ?! ભરતક્ષેત્રમાં મોક્ષ?! પાંચમાં આરામાં મોક્ષ?! 

મહેશયોગીનો એક યોગપદ્ધતિ હતી. T.m. transendental meditation. એમાં સાધક ઉંચે હવામાં ઉછળતો હતો. આવી પંક્તિઓ વાંચીએ અને આપણે ઉછળીએ નહિ?! “इहैव मोक्ष: सुविहितानाम्”

પંચવિંશતિકામાં મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ કહ્યું, ‘श्रामण्ये वर्षपर्यायात्, प्राप्ते परमशुक्लताम्’. નિશ્ચય દીક્ષા પર્યાય એક વરસનો તમારો થઈ જાય, એટલે જીવનમુક્તદશા તમને મળે. હું ઘણીવાર કહું કે આ જીવનમુક્તદશા તમને મળેલી હોય તો માનવાનું કે એક વરસનો દીક્ષા પર્યાય થયો છે. 

નિશ્ચય દીક્ષા પર્યાય. એક-એક ક્ષણ સમભાવમાં વીતેલી હોય. એક-એક ક્ષણ પ્રભુની આજ્ઞામાં તમે ડૂબેલા હોવ. એક-એક ક્ષણ મહાવ્રતોની અંદર તમે ડૂબેલા હોવ. 

એક બહુ મજાની વાત bye the way કરું. એક-એક મહાવ્રતની પાંચ-પાંચ ભાવના. પહેલા મહાવ્રતની પહેલી ભાવના કઈ? મનોગુપ્તિ. ક્યારેય વિચાર્યું? કે મનોગુપ્તિને અને અહિંસાને સંબંધ શું? એક-એક મહાવ્રતને પાંચ-પાંચ ભાવનાઓ આપી. એ મહાવ્રતને પુષ્ટ કરવા માટે. તો અહિંસા મહાવ્રતને પુષ્ટ કરવા માટે પહેલી ભાવના મનોગુપ્તિની છે. શા માટે? તમારા મનની અંદર એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર છલકાય; મનની અંદર, વચનથી પ્રગટ તમે નથી કર્યો. તમારા મનની અંદર એક વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર આવી ગયો તો તમારું અહિંસા મહાવ્રત જે છે એ સહેજ વિરાધિત થયું. એટલે જ કહું છું મન પ્રભુને આપી દો, બધી ઝંઝટ મટી જાય. શરીર પ્રભુનું, શરીર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તે; મનને પણ પ્રભુની આજ્ઞામાં મૂકી દો. 

એક વરસનો નિશ્ચય દીક્ષા પર્યાય અને જીવનમુક્તદશા. શરીર હોવા છતાં તમે શરીરથી પર.! એ જીવનમુક્તદશા મળે ત્યારે શું થાય? એની વાત પંચવિંશતિકામાં મહોપાધ્યાયજી ભગવંતે જ કરી. “जाग्रत्यात्मनी ते नित्यं, बहिर्भाविषु शेरते। उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ॥‘” આજે આ સાંભળ્યા પછી તમને બધાને ઈચ્છા થઈ જાય તો આજથી તમારું નિશ્ચય દીક્ષાનું વર્ષ શરૂ થઈ જાય. 

ચાર વાત કરે છે. એક શ્લોકના ચાર ચરણ. ચારેમાં એક-એક સાધના આપવામાં આવી છે. પહેલી સાધના: “जाग्रत्यात्मनी ते नित्यं” જીવનમુક્ત મહાત્માઓ આત્મદશામાં સતત વિહરતા હોય છે. શરીરમાં કંઇક થઈ ગયું, ખ્યાલ પણ આવતો નથી.! ઉપયોગ તમારો જો તમારા આત્મતત્વ ઉપર હોય તો શરીરમાં ગમે એટલી વેદના થાય તમને એનો ખ્યાલ નહિ રહે. 

હમણાંની ઘટના કહું. આપણા દેશના વિલીનીકરણ પહેલા અલગ અલગ states હતા. કાશી state ના મહારાજા, પરમ ધાર્મિક પુરુષ, ભગવદ્ગીતાના પુરેપુરા ઉપાસક. એકવાર પેટમાં દુઃખાવો થયો. મહારાજાની પોતાની જ હોસ્પિટલ સ્થાપેલી હતી. ડોક્ટરોની પેનલ આવી ગઈ. અને ડોકટરોએ નક્કી કર્યું; એપેન્ડીક્ષ છે અને ઓપરેશન કરવું પડશે. કાશીના મહારાજા હોસ્પિટલમાં એડમીટ થયા. બધા test થઈ ગયા. બધા જ test normal છે. બીજી સવારે આઠ વાગે એમને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા. થિયેટરમાં સૌથી પહેલું કામ એનેસ્થેસિયા આપવાનું હતું. મહારાજાએ કહ્યું, એનેસ્થેસિયા નહિ લઉં. હું બેભાન ક્યારેય પણ બન્યો નથી અને બનવાનો નથી. હું જાગૃત જ રહેવાનો છું. સભાન જ રહેવાનો છું. બીજો દર્દી હોય ને, ડોકટરો કહી દે, ભાગી જા. પણ આ તો vvip પેશન્ટ છે. મોટા ડોકટરે કહ્યું; સાહેબ! અમને અમારી રીતે કરવા દો. આ અમારો વિષય છે, તમારો વિષય નથી. પેટ અમે ચીરી નાંખવાના છીએ, અને એમાં એટલી પીડા થાય કે કોઇ પણ માણસ એને સહન કરી શકે નહિ; એનેસ્થેસિયા લેવો જ પડે, કોઈ વિકલ્પ જ નથી એમાં. મહારાજાએ સ્પષ્ટ કહ્યું, ઓપરેશન કરાવવા તૈયાર છું, એનેસ્થેસિયા લેવા માટે તૈયાર નથી; અને પછી એમણે કહ્યું, મારા સામાનમાંથી, રૂમમાંથી ભગવદ્ગીતાનું પુસ્તક લાવો. Vvip પેશન્ટ છે. ભગવદ્ગીતાનું પુસ્તક આવ્યું. સ્થિતપ્રજ્ઞ અધ્યાય વાંચવા લાગ્યાં. વાંચતાં વાંચતાં તન્મય થઈ ગયા. પુસ્તક નીચે પડી ગયું. ઓપરેશન શરૂ થયું. ઓપરેશન પૂરું થયું. ટાંકા લેવાઈ ગયા. એનેસ્થેસિયા અપાયો નથી.! પુરા ટાંકા લેવાઈ ગયા; ડોકટરે કહ્યું, કે સાહેબ! ઓપરેશન પૂરું થઈ ગયું. તો કહે, ચાલો રૂમમાં.! આ હમણાંની બનેલી ઘટના. શું કર્યું? એમણે સ્થિતપ્રજ્ઞદશાનો અભ્યાસ બહુ જ કરેલો. વારંવાર કરેલો. માત્ર ભગવદ્ગીતાને વાંચેલી એમ નહી. એની અનુભૂતિ કરેલી, સ્થિતપ્રજ્ઞદશામાં પહોંચી ગયા; જ્યાં ઉપયોગ બિલકુલ શુદ્ધ આત્મતત્વ તરફ હતો, શરીર તરફનો ઉપયોગ બિલકુલ છૂટી ગયો; ઓપરેશન થઈ ગયું. 

આ જે વાત કરું છું જીવનમુક્તદશાની એનો અનુભવ આંશિક રૂપે તમે પણ કરી શકો એમ છો. આત્મદશામાં સતત જાગૃત રહેવાનું, એટલે કે સદા માટે આનંદમાં રહેવાનું. બોલો ગમે કે નહિ? વારંવાર તો પૂછું છું તમને કે અમારી ever freshness તમને ગમી ગઈ? ભાઈ ગમી? Evergreen છીએ અમે. Ever fresh છીએ. આ અમારી ever freshness તમને ગમી ગઈ? ગમી ગઈ હોય તો બીજું કાંઈ જ કરવું નથી. મનને આમથી આમ બદલવું છે. 

હું ઘણીવાર એક સાધનાસૂત્ર આપું છું. અત્યાર સુધી મેં અને તમે શું કર્યું? મને આ ગમે, મને આ ફાવે. બરોબર.? આ સૂત્ર હતું ને? મને આ ગમે, મને આ ફાવે. ના, મને આ નહિ ચાલે, મને આ નહિ ફાવે. આ જ સૂત્ર હતું. એક કા’નો લગાડી આપું. માઁ ને આ ગમે. મારી પ્રભુ માઁ ને આ ગમે. અમે લોકો આ રજોહરણ જે પ્રાપ્ત કરીએ, એ જ ક્ષણે અમને આ સૂત્ર મળે છે. માઁ ને ગમે તે કરવું. કપડાં કેવા પહેરવાના? માઁ એ કહ્યું છે એવા. ખાવાનું કઈ રીતે? પ્રભુ માઁ એ કહ્યું છે એ રીતે. જીવન જીવવાનું કઈ રીતે? પ્રભુ માઁ ને ગમે એ રીતે. એક ખાલી કા’નો વધારવાનો છે. અનંત જન્મોથી જે સૂત્ર હતું એ સૂત્રમાં માત્ર આટલો ફેરફાર કરીએ એ સાધનાસૂત્ર બની જાય. હવે મને આ ગમે છે આવો શબ્દપ્રયોગ તો થાય નહિ ને? થાય? ક્યારેય પણ.? મને આ નહિ ગમે? થાય? માઁ ને ગમે, તે મને ગમે.! શરીર પર દ્રષ્ટિ હોય તો શું થાય? ઉનાળો છે. હવા ક્યાંથી આવે  છે. હવા આવે એ જગ્યાએ બેસું. કારણ મને હવા ગમે છે. પણ જ્યાં વાત આવી માઁ ને ગમે તે કરવું અને બારી પાસે બેસવું, વાયુકાયના જીવોની વિરાધના થાય. એ હવા, એ વાયુકાયના જીવો મારા શરીર જોડે અથડાય એ કોમળ જીવોને કીલામણા થાય; નહિ, હું તો હોલની વચ્ચે બેસીશ. 

આપણા મહામુનિઓ ગુફાની અંદર બેસતા હતા. મેં તો કેટલી ગુફાઓ જોઈ. હમણાં જ અંતરીક્ષજીની યાત્રાએ ગયા. ત્યારે ઈલોરાની ગુફાઓ જોઈ. ઈલોરામાં બૌદ્ધ ગુફાઓ પણ છે, હિંદુ ગુફાઓ પણ છે અને જૈન ગુફાઓ પણ છે. એ વખતે એ ગુફાઓને જોતાં પૂર્વ મુનિઓની ઈર્ષ્યા આવે કે ગામથી દુર, જંગલમાં આવેલી ગુફા અને એમાં ચોવીસ કલાક એ લોકો ધ્યાન કરતાં હશે. કેવો આનંદ એમને આવતો હશે? 

એકવાર હું આ જ સુરત માં શેષકાળમાં હતો. અને બહુ જ વ્યસ્ત કાર્યક્રમોમાં ગૂંથાયેલો હતો. માગસર મહિનો આસપાસ હશે. એ વખતે મિત્ર શીલચંદ્રસૂરિજીનો પત્ર આવ્યો. એ અમદાવાદ ચોમાસું કરી ભોયણી જવાના હતા. અને એમણે લખ્યું; એક માસકલ્પ ભોયણીમાં કરશું. મલ્લિનાથદાદાની નિશ્રામાં બેસી જઈશું પલોઠી મારીને, સ્વાધ્યાય કરીશું, ભક્તિ કરીશું. એમના પત્રનો જવાબ આપતાં મેં લખેલું કે મને તમારી ઈર્ષ્યા આવે છે. આપણા પૂર્વ મુનિઓની ઈર્ષ્યા તમને આવે છે? તમને તમારા પૂર્વજોની ઈર્ષ્યા આવે છે? મેં તો ૬૦ વરસ પહેલાનું જીવન જોયેલું છે, ગામડાની અંદર. આગળ હોય દુકાન, પાછળ ઘર. આરામથી એ શ્રાવક સવારે દર્શન કરે, ગુરુ મહારાજને વંદન કરે, નવકારશીનું પચ્ચક્ખાણ પારે, વ્યાખ્યાનમાં જાય, મધ્યાહ્નમાં પૂજા કરે. ઘરાક આવે એટલે કહે; સાહેબ! મારે આ લેવાનું છે. ભાઈ એને આપી દે થોડુક. આરામથી રહેવાનું. એટલી મજાની એમની જીંદગી હતી કે ક્યાંય હાય-વોય નહિ. ક્યાંય જવાનું નહિ. ઘરથી માત્ર દેરાસર ને ઉપાશ્રય જવાનું. દુકાન ઘરની અંદર જ છે. કેટલી શાંતિ હશે એમની પાસે? તમને એ તમારા પૂર્વજોની શાંતિની ઈર્ષ્યા આવે છે? અને ઈર્ષ્યા આવતી હોય ને તો એક માર્ગ બતાવું. Practical approach. જ્યારે તમારી સંપત્તિ એવી થઈ જાય કે તમે વ્યાજમાંથી આરામથી ચલાવી શકો એમ છો. વ્યાજ પણ તમે વાપરી શકો એમ નથી. એટલી તમારી બધી સંપત્તિ થઈ ગઈ, ત્યારે ધંધાને close કરી, wind up કરી અને આરામથી બેસી જવું. બોલો, આ નિયમ લેવા તૈયાર? ભાઈ તૈયાર? 

બીજી એક વાત કહું. દર મહીને તમે કેટલું કમાઓ છો તમને ખ્યાલ આવી જાય. એક મહિનો ઓફિસે જાવ. અને પાંચ લાખ રૂપિયા તમે કમાઓ છો. હવે એવું બને કે એકથી પાંચ તારીખની અંદર પાંચ લાખ મળી ગયા. પછી પચ્ચીસ દિવસ શું કરો? દુકાન ચાલુ તો રાખવી પડે કેમ? ઓફીસ ચાલુ રાખો, પણ તમે વિચાર એ કરો કે મારા પુણ્યનું મને મળી ગયું છે. હવે જે મળશે એ વધારાનું, એ મારું નહિ. તમે લોકોએ ક્યારેય પણ percentage પાડ્યા? કે આટલા ટકા મારા અને એટલા ટકા પ્રભુના. મળ્યું કોનાથી બોલો? કોનાથી મળ્યું? પ્રભુની કૃપાથી મળ્યું ને? બોલો તો ખરા. અને કો’ક પુણ્યના ઉદયથી. પણ પુણ્યના માલિક કોણ? પ્રભુ. નવતત્વો કોણે બતાવ્યા.? પ્રભુએ બતાવ્યા. એ પ્રભુની કૃપાથી તમને મળ્યું. માલિક કોણ? માલિક કોણ? તમે કે પ્રભુ? હું પ્રભુ તારો. બરોબર ને?

જુના જમનામાં બહેનો લગ્ન કરીને આવે ને ત્યારે પતિને કહેતી હું તમારી, અગ્નિની સાક્ષીએ હું તમારી થઈ ગઈ; પણ પિયરથી લઈને આવી છું ને એ મારું.! એમ હું પ્રભુ તારો, પણ મારું છે એ? મારું કે તારું? એની કૃપાથી મળ્યું છે. એની કૃપા વિના એક પાંદડું પણ હલી શકતું નથી. એની કૃપા એ તમને વેલસેટ બનાવ્યા. રોજ પ્રભુની પાસે જાઓ છો. શું કહો છો? પ્રભુને શું કહો છો? પ્રભુ એટલું બધું તે આપ્યું છે કે હવે તારી પાસે માંગવાનું મારે કંઇ બાકી રહ્યું નથી. 

કુમારપાળ રાજાએ પ્રભુને કહેલું. એનો ગુજરાતી અનુવાદ હમણાંના આપણા એક કવિએ કર્યો છે. શું કહે છે કુમારપાળ મહારાજા? કુમારપાળ મહારાજા છે ને, એમને હેમચંદ્રાચાર્ય ભગવંતે એક વિશેષણ આપેલું- પરમઆર્હત. આર્હત એટલે ભગવાનનો અને પરમ આર્હત એટલે માત્ર પ્રભુનો.! હેમચંદ્રાચાર્ય ભગવંતને કુમારપાળમાં કેવી તો સજ્જતા દેખાઈ હશે કે એમણે કુમારપાળને કહ્યું કે તું મનથી માત્ર અને માત્ર પ્રભુનો છે. રાજા છે. રાજ્ય કાર્ય તારે કરવું પડે છે. શરીરના સ્તર ઉપર. પણ મનથી તું પ્રભુની આજ્ઞાને સંપૂર્ણતયા વફાદાર છે. પરમઆર્હત..! માત્ર જે પ્રભુનો છે..! તમારે આ વિશેષણ જોઈએ? ગમે તમને? આ વિશેષણ ગમે કહું છું? માત્ર પ્રભુનો જે થઈ ગયો.! થવું છે? ચાલો આપણે division પાડીએ. શરીરથી કદાચ સંસારના, મનથી પ્રભુના. બોલો, તૈયાર? 

મનથી પ્રભુના એટલે શું? તમારું મન પ્રભુને જે ગમે, એમાં જ રાજી હોય. પ્રભુને ન ગમે, પ્રભુની આજ્ઞા નથી એવું કરવું પડે તો પણ મનમાં દર્દ હોય. એક-એક વિરાધનાનું દર્દ તમારી પાસે હોય. 

એ કુમારપાળ રાજાએ પ્રાર્થના કરતાં કહેલું; “પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને, ત્રૈલોક્યના નાથને” પ્રભુ તું મને મળી ગયો.! “હેમાચાર્ય સમાન સાક્ષી શિવના દેતા મળ્યા છે મને” મોક્ષને અપાવનાર સદ્ગુરુ હેમચન્દ્રાચાર્ય મને મળ્યા છે. તારી સાધના મને મળી ગઈ છે. “એહથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માંગણી” પ્રભુ તે આપવામાં બાકી જ નથી રાખ્યું.! શું માંગું? પણ ના, પ્રાર્થના કરવા આવ્યો છું. કંઇક તો માંગવું જ પડે. ત્યારે એમણે માંગ્યુ. શું માંગ્યું? “માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં, એ છે ઉરે લાગણી” પ્રભુ તું મને મળ્યો છે. તારા પ્રત્યેનો ભક્તિભાવ દિન-પ્રતિદિન મારો વધતો જાય. સદ્ગુરુ મને મળી ગયા છે. એ સદ્ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ મારો દિન-પ્રતિદિન નીખરતો જાય. તારી સાધના મને મળી છે એ સાધના કરવાનો આનંદ મારો દિન-પ્રતિદિન નીખરતો જાય. 

પ્રભુની પાસે જઈએ ત્યારે આ માંગવાનું મન થાય. તો જે પણ મળ્યું છે એ એની કૃપાથી મળ્યું છે. એટલે ભક્ત હૃદયનો એક મજાનો concept આ હોય છે કે પ્રભુની કૃપાથી આ મળ્યું છે અને પ્રભુની ભક્તિમાં એને વાપરવું છે. અને ખરેખર તમારી પાસે આ ધારા છે જ. એટલા બધા લોકો અમારી પાસે આવતા હોય છે, જેમને ઉપધાન કરાવવા છે, સંઘ કઢાવવા છે. એક જ વાત, પ્રભુની કૃપાથી મળ્યું છે તો પ્રભુએ કહ્યું છે એવી રીતે મારે એને ખર્ચવું છે. 

સ્વદ્રવ્યથી જિનાલય બનાવનારાઓની એક યાદી અમારા જેવા પાસે હોય છે. પછી બે વરસે પાછો આવે એ ભાઈ. સાહેબજી! કોઈ યોગ્ય સ્થાન આપને લાગ્યું.? ૫૦-૧૦૦ ઘર હોય, લોકો પૂજા કરતા હોય, કોઇ પણ શહેરની સોસાયટી હોય, કોઇ પણ નાનકડું ગામ હોય; મારે સ્વદ્રવ્યથી દેરાસર ત્યાં બનાવવું છે. આ તમારી વિચારણાની પાછળ એક જ ભાવ છે કે પ્રભુની કૃપાથી મળ્યું છે અને પ્રભુની ભક્તિમાં એને વાપરવું છે. 

તો જીવનમુક્તદશા માટે ચાર સાધના આપે છે. પહેલી સાધના આપે છે: ‘जाग्रत्यात्मनी ते नित्यं’ આત્મભાવમાં સતત જાગૃત રહેવાનું. તમે કેટલા બધા આત્મભાવમાં હોવ. દશવૈકાલીક સૂત્રમાં લખ્યું, “न य दिट्ठं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ” (“ण य दिट्ठं सुयं सव्वं साहू अक्खाऊमरीहइ”) એનો સામાન્ય અર્થ તમારા ખ્યાલમાં છે: કે કંઇક સાંભળ્યું, કંઇક જોયું, સાધુ બીજાને કહેતો નથી. પણ એનું ઊંડાણ સાધનાના સ્તર ઉપર બહુ જ ગહેરું છે. એક સાધુ સ્વાધ્યાય કરતા હોય કે અનુપ્રેક્ષા કરતા હોય. બે ભાઈઓ ત્યાં આગળ આવ્યા, નજીકમાં અને કંઇક વાતચીત કરતા હતા. એ વાતચીત કરીને ગયા પણ ખરા. એક ભાઈને આશંકા હતી કે આ બે જણા મારા માટે કોઈ વાત કરતા હશે. એ મહારાજ સાહેબ પાસે આવ્યો, કે સાહેબ ! આ બે જણા તમારી બાજુમાં બેઠેલા હતા, એ કંઇક વાતો કરતાં હતા, શેની વાત કરતા હતા? એ વખતે એ મુનિરાજ કહે છે ભાઈ! હું મારામાં એટલો ડૂબેલો હતો. આ પ્રભુના શબ્દોમાં એટલો ડૂબેલો હતો કે એ લોકો વાત કરતાં હતા એટલો ખ્યાલ છે. પણ એ કઈ વાત હતી? શું વિષય હતો? એ મને કંઇ જ ખબર નથી. જોનાર આંખ છે. સાંભળનાર કાન છે. પણ interpretation કરનાર મન છે. એ interpretation કરનાર મન જો બીજી બાજુ ફંટાઈ ગયું તો આંખ ખુલ્લી છે; દ્રશ્યો અંદર પડશે, પણ જોનાર ક્યાં છે? તમારી આંખની કીકી એ કેમેરાનો લેન્સ જ છે, બીજું કાંઈ નથી. એ અંદર દ્રશ્યો ઉપસાવે છે. પછી તમારું conscious mind, unconscious mind એ નક્કી કરે છે, આ દ્રશ્ય સારું કે ખોટું. આંખ નક્કી કરતી નથી. Interpretation કરનાર, સમજુતી કરનાર તમારું મન છે. એ મનને તમે બીજી બાજુ મૂકી દીધું. હવે કંઇક સંભળાય છે, કંઇક જોવાય છે; નથી સાંભળનાર, નથી જોનાર. 

હું ઘણીવાર કહું છું કે ભક્તિ અને સંગીત, નૃત્ય આ એકદમ મજાની કળાઓ છે. સંગીત અને નૃત્યમાં extreme પળો જ્યારે આવે છે, ત્યારે ગાનાર નથી રહેતો, નાચનાર નથી રહેતો; ત્યાં માત્ર ગાન હોય છે, માત્ર નૃત્ય હોય છે. તમારું વ્યક્તિત્વ એ ક્ષણોમાં ખતમ થઈ જાય છે અને એક પરમ અસ્તિત્વ સાથે તમે જોડાઈ જાઓ છો. 

ભક્તિ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ! Superb ટેકનીક છે. જ્ઞાનયોગ શ્રેષ્ઠ. કર્મયોગ શ્રેષ્ઠ. પણ ભક્તિયોગ સૌથી superb.. કારણ ભક્તિયોગની ક્ષણોમાં તમે તમારા વ્યક્તિત્વને છોડીને અસ્તિત્વ સુધી પહોંચી શકો છો. એ વખતે પરમચેતના સાથે અભેદ અનુભવ તમે કરી શકો છો. 

આ એક નવો શબ્દ આવ્યો અભેદ અનુભૂતિ. પ્રભુ સાથે અભેદ અનુભૂતિ બે રીતે થાય છે. એક તો શાશ્વતીના લયમાં, જ્યારે આપણે વિતરાગ બની જઈશું. બીજું થોડીક ક્ષણો માટે. થોડીક ક્ષણો માટે તમારી ચેતના પ્રભુમય બને તો એ પ્રભુ સાથેનો તમારો અભેદ અનુભવ થયો. અને એ અભેદ અનુભવની વાત શ્રીપાળરાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કરી છે. એમણે કહ્યું: “ભેદ છેદ કરી આત્મા, અરિહંત રૂપી થાય” જે ક્ષણે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંતનું, આર્હન્ત્યનું અનુભવન શરૂ થયું, એ જ ક્ષણે વ્યક્તિત્વ છૂટી ગયું, વ્યક્તિત્વ ખતમ થઈ ગયું અને પરમ અસ્તિત્વમાં તમે ડૂબી જાવ છો. આ એક બહુ મજાની process છે. ક્યારેક એની પણ વાત કરીશ કે તમે તમારી ચેતનાને પ્રભુમય સંપૂર્ણતયા શી રીતે બનાવી શકો?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *