વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : દ્રવ્યદ્રષ્ટિ – સ્વસમય. પર્યાયદ્રષ્ટિ – પરસમય.
પરમાત્માની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ આપણી દ્રષ્ટિ બદલાવી દે; પર્યાયદ્રષ્ટિમાંથી આપણને દ્રવ્યદ્રષ્ટિમાં લઈ જાય.
આત્મતત્ત્વ પર જેની દ્રષ્ટિ સ્થિર થઈ, તે જીનશાસનમાં આવી ગયો અને પર્યાયો પર / ઘટનાઓ પર જેની નજર છે અને એના કારણે રાગદ્વેષમાં / પરભાવમાં જે જાય છે, તેને નિશ્ચયથી શાસન મળ્યું નથી.
ઊંચકાયેલો સાધક તો સતત આત્મભાવમાં જ રહે; પ્રારંભિક સાધક પાસે પણ પોતાના નૈશ્ચયિક સ્વરૂપની દ્રષ્ટિ જોઈએ જ.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૩
પરમાત્માનો પરમપ્રેમ, આજ્ઞા પરના પ્રેમમાં ફેરવાય; અને જે ક્ષણે પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ છલકાયો પછી હ્રદયમાં છે માત્ર આનંદ અને આનંદ. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ આપણી દ્રષ્ટિને ફેરવી નાંખે છે. અત્યારસુધી આપણે માત્ર પર્યાયદ્રષ્ટિ રહ્યા; પર્યાયોમાં, ઘટનાઓમાં મનને આપણે મૂકી દીધું હતું. એક-એક ઘટના અનુકુળ થઈ તો રતિભાવ, પ્રતિકુળ થઈ તો અરતિભાવ.
પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ પર્યાય દ્રષ્ટિમાંથી આપણને દ્રવ્ય દ્રષ્ટિમાં લઇ જાય. આનંદઘનજી ભગવંતનું અરનાથ પ્રભુના ચરણોમાં પેશ થયેલું સ્તવન બહુ જ મજાનું છે. Theme એ પકડી કે આનંદઘનજી ભગવંત પ્રભુને પૂછે છે અને પ્રભુ એનો જવાબ આપે છે. પહેલી જ કડીમાં આનંદઘનજી ભગવંત પૂછે છે, “ધરમ પરમ અરનાથનો કિમ જાણું ભગવંત, સ્વપર સમય સમજાવીએ મહિમા એ મહંત” પ્રભુ તારો ધર્મ, તારી સાધનાપદ્ધત્તિ બહુ જ સુક્ષ્મ છે, મારી બુદ્ધિ બહુ જ સ્થૂળ છે. હું કઈ રીતે તારી સાધના પદ્ધત્તિને સમજી શકું? સ્વસમય એટલે શું? પર સમય એટલે શું? મને કંઈ ખબર પડતી નથી. સ્વ સિદ્ધાંત, જૈન દર્શનનો સિદ્ધાંત શું? અને હું જૈન દર્શનમાં છું કે નહિ? એની પારાશીશી શું? પ્રભુ હું બિલકુલ અણજાણ છું, તમે મને સમજાવો.
એ વખતે પ્રભુ કહેતાં હોય એ લયમાં બીજી કડી આવી; “શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસો રે; પર તણી છાંયડી જીહાં પડે, તે પરસમય નિવાસો રે” આપણે કહીએ જિનશાસન મને મળી ગયું. નિશ્ચયથી જીનશાસન મળેલું ક્યારે કહેવાય? બહુ જ સરળ ભાષામાં પ્રભુ આપણને સમજાવે છે. “શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસો રે” પ્રભુ કહે છે કે મારા દર્શનમાં, મારા સિદ્ધાંતમાં, મારા શાસનમાં તું આવ્યો કે નહિ, એની પારાશીશી માત્ર એક છે. શું? શુદ્ધ આત્મતત્વની અનુભૂતિ સદાને માટે તને થતી હોય તો તું માની શકે કે નિશ્ચયથી જિનશાસનમાં તારો પ્રવેશ થયેલો છે. અને જો તું જિનશાસનમાં નથી તો તારી સ્થિતિ કેવી હોય? “પર તણી છાંયડી જીહાં પડે, તે પરસમય નિવાસો રે” જો તું પરભાવમાં રાગ અને દ્વેષમાં રહેતો હોય સતત તો માનવું પડે કે નિશ્ચયથી મારા દર્શનમાં તારો પ્રવેશ થયો નથી.
એટલે પ્રભુએ કહ્યું; કે આત્મતત્વ ઉપર જેની દ્રષ્ટિ સ્થિર થઈ એ જિનશાસનમાં આવી ગયો. પર્યાયો પર, ઘટનાઓ પર જેની નજર છે અને એક-એક ઘટનાને કારણે જે રાગ અને દ્વેષમાં જાય છે, પરભાવમાં જાય છે; એને જિનશાસન નિશ્ચયથી મળ્યું નથી; વ્યવહારથી મળેલું કહેવાય, નિશ્ચયથી નહિ. આપણે ધ્રુજી જઈએ કે પ્રભુએ આટલો પરમપ્રેમ આપણા ઉપર વહાવ્યો અને આપણે પ્રભુના ન થઈ શક્યા! તો પર્યાય દ્રષ્ટિને છોડીને દ્રવ્ય દ્રષ્ટિમાં આવવું છે.
શરીરમાં રોગ આવ્યો એક પર્યાય, એક ઘટના; એને માત્ર જોવાની… જીવન અને મૃત્યુ એ પણ પર્યાય છે. જ્ઞાની સાધક માટે જીવન અને મૃત્યુમાં કોઈ ફરક નથી. ભગવદ્ગીતા એ કહ્યું; “वासांसि जीर्णानि यथा विहाय” જુના વસ્ત્રોને ફેંકી દેવા, નવા વસ્ત્રોને પહેરવા એનું નામ મૃત્યુ પછીનું નવું જીવન.
આ સંદર્ભમાં એક મજાની વાત કરું. આપણા દેશમાં યોગીઓ પાસે એક સાધના હતી. એ સાધના હતી પરકાય પ્રવેશની. એક યોગીને લાગે કે મારું શરીર સાધના માટે સક્ષમ નથી. ૮૦ વરસની કાયા થઈ. ૯૦ વરસની કાયા થઈ. તો દેખીતી રીતે સાધના માટે એ સક્ષમ નહિ હોય. એવી વખતે એ યોગી પુરુષ જંગલમાં વિચરતા હોય અને કોઈ વ્યક્તિ હાર્ટએટેક દ્વારા કે એ રીતે હમણાં જ મરણ પામેલો હોય. એનું શરીર અખંડ છે, અક્ષત છે. યોગીને એમ લાગે કે આ શરીરમાં હું જાઉં તો મારી સાધના સરસ રીતે ચાલશે. તો એ યોગી પોતાના જુના શરીરમાંથી પેલાના શરીરમાં જતા રહે છે.
ભારતમાં બ્રિટીશરોનો પ્રવેશ ન થયો ત્યાં સુધી આ વિદ્યા પ્રચલિત હતી. આવા યોગીઓ હતા. બ્રિટીશરો આવ્યા, એમને આ ખ્યાલ આવ્યો અને એમણે આવી વિદ્યાના જાણકાર બે-ચાર જણાને ખતમ કરી નાંખ્યા. ત્યારથી આ પ્રવાહ આપણે ત્યાં અટકી ગયો. તો જે રીતે પરકાય પ્રવેશ થઈ શકે એ રીતે જ મૃત્યુનો સ્વીકાર થઈ શકે. શરીર સો વર્ષનું થયું. સાધના માટે અક્ષમ છે તો નવા શરીરમાં જતાં રહીએ અને ત્યાં સાધનાની ડોરને અવિચ્છિન્ન રૂપે ચાલુ રાખીએ.
એક વાત તમને કહું. અસ્તિત્વના સ્તર ઉપર તમે જો સાધનાને મૂકી દીધી. તો એ સાધના જન્મોજન્મ તમારી સાથે આવશે. ક્યારેક ત્રણ વરસના દીકરાને જોઈએ. પાંચ વરસના દીકરાને જોઈએ એને સંસારની કોઈ ચીજનું આકર્ષણ ન હોય અને સીધું જ રજોહરણને પકડે; આપણે માનવું જ પડે કે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારો લઈને એ બાળક આવેલું છે. એકવાર તમે સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર મૂકી દો. પછી જન્મોજન્મમાં મોક્ષે તમે ન જાઓ ત્યાં સુધી એ સાધના તમારી જોડે રહેશે.
આ જન્મનો બેરિસ્ટર હોય કે ધૂંઆધાર લેકચરર હોય, મરે, બીજા જનમમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય; એ બે-અઢી વર્ષનો થાય, એને ABCD શીખવાડવી પડે છે! ભાઈ ગયા જનમમાં ભણેલો એનું શું થયું? ગયા જનમનો ધૂંઆધાર લેકચરર છે. આ જનમની અંદર એને ABCD શીખવાડવાની? શું કારણ? એ જે ગયા જનમનું જ્ઞાન હતું એ conscious mind ના લેવલ ઉપર હતું. તમને હું પૂછું. તમારી પાસે જે સાધના છે એ conscious mind ના લેવલની છે? કે અસ્તિત્વના સ્તર સુધી પહોંચેલી છે? તમે સાધનાને ક્યાં સુધી લઇ ગયા? પૂજા કરી, શરીરનો ઉપયોગ થયો, મન તો ક્યાંય બહાર ફરતું હતું! વ્યાખ્યાનમાં બેઠા છો, કાન પ્રવચન સાંભળે છે, મન થોડું અહીં હોય, થોડું બહાર હોય.
એક સાધના તમારી એવી કઈ છે જે અસ્તિત્વના સ્તરની હોય? અને બહુ મજાની વાત તમને કરું કે કોઇ પણ સાધનાને અસ્તિત્વના સ્તરે ઉતારવી હોય તો શું કરવું જોઈએ? અષાઢ મહીને પહેલો વરસાદ આવ્યો. બે ઇંચ વરસાદ પડ્યો. ધરતી તરસી હતી. તડકો નીકળી ગયો. ધરતી કોરી કટ થઈ ગઈ. પણ એ વરસાદ બબ્બે કલાકે, ચાર-ચાર કલાકે રિપીટ થયા કરે તો પાતાળ સુધી પાણી પહોંચે.
લલિતવિસ્તરામાં હરીભદ્રસૂરિ મહારાજાએ સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર ઉતારવા માટે આપણને મજાના ચરણો આપ્યા છે. સાધના નિરંતર થવી જોઈએ. સાધના આદરપૂર્વક થવી જોઈએ. અને સાધના બહુ કામસેવિત હોવી જોઈએ. તમારી સાધના. એ કોઇ પણ સાધના હોય. પૂજાની, સામાયિકની, પ્રતિક્રમણની; એ સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર તમારે ઉતારવી છે. તો ત્રણ તત્વો તમારી પાસે જોઈએ. પહેલી વાત એ સાધના નિરંતર ચાલવી જોઈએ. તમે કહેશો, સાહેબ નિરંતર તો કેમ ચાલે? ઓફિસે જઈશું. ઓફીસના કામમાં પડીશું. નિરંતર… સતત… સાધના શી રીતે ચાલે? જરૂર શરીરના સ્તર ઉપર સાધના સતત ન ચાલી શકે; મનની અંદર એના પ્રત્યે આદર હોય તો મનના સ્તર ઉપર એ સાધના ચાલુ રહે. અને એટલે જ કહ્યું બીજા ચરણમાં કે તીવ્ર આદર એ સાધના પર હોવો જોઈએ; સાધના કરો ત્યારે પણ અને એ થઈ ગયા પછી પણ. અને એ સાધના વર્ષો સુધી ઘૂંટાય… તો એ સાધના અસ્તિત્વના સ્તર સુધી પહોંચે છે. કેટલી મજા પછી…! જન્મોજન્મમાં એ સાધના તમારી જોડે રહે.!
તો મહાપુરુષો માટે મૃત્યુ અને જીવન એ બંને પર્યાયો એકસરખા હતા. અહીંયા પણ સાધના થાય છે; શરીર થાકી ગયું છે, નવા શરીરમાં સાધનાનો દૌર ફરીથી ચાલુ કરી દઈશું.
શશીકાંતભાઈ મહેતા પંન્યાસજી દાદાના ભક્ત. એકવાર એ અમેરિકા પ્રવચનો આપવા માટે ગયેલા. ત્યાં એમને છાતીનો દુઃખાવો ઉપડ્યો. હાર્ટની એન્જ્યોગ્રાફી થઇ. એન્જ્યોગ્રાફીમાં બ્લોકેજ ઘણા બધા છે એમ પકડાયું, અને ડોકટરોની પેનલે નક્કી કર્યું કે બાયપાસ સર્જરી કરવી જોઈએ. એ યુગમાં બાયપાસ સર્જરી હાર્ટની બહુ જ રિસ્કી ગણાતી. પણ ડોકટરોએ કહ્યું કે બીજો કોઈ વિકલ્પ નથી. સર્જરી કરાવવી જ પડશે. હોસ્પિટલમાં એડમીટ થયા એ. જે દિવસે ઓપરેશન થિયેટરમાં એમને લઇ જવાના હતાં. પોતાની રૂમમાં સાધના કરી. પ્રભુની ભક્તિ કરી. ગુરુદેવ પંન્યાસ ભદ્રંકરવિજય દાદાની ભક્તિ કરી. અને પછી પ્રભુને કહ્યું, If I die. I will come to you. પ્રભુ ઓપરેશન રિસ્કી છે. જો નિષ્ફળ ગયું તો તારી પાસે આવું છું. If I die. I will come to you. અને ઓપરેશન સફળ થયું, અહીંયા રહીશ, તો તારી વાતો કરીશ. બે હાથમાં લાડવા. If I die. I will come to you. ઓપરેશન નિષ્ફળ ગયું; મૃત્યુનો પર્યાય ખુલ્યો, તારી પાસે આવીશ. ઓપરેશન સફળ થયું, જીવનનો પર્યાય લંબાયો તો તારી વાતો કરીશ. એ ઓપરેશન પછી શશીકાંતભાઈની આખી ધારા બદલાઈ ગઈ. માત્ર પ્રભુએ આ જીવન મને આપ્યું છે, પ્રભુની ભક્તિ કરવા માટે. જ્યાં પણ પ્રવચનનું આમંત્રણ મળે ત્યાં પહોંચી જાય. અને દરેક પ્રવચનમાં એક વાત કરે; કે પ્રભુએ આ જીવન મને આપ્યું છે. આમ તો મારા ગુરુદેવ કહે જ છે કે પ્રભુએ જ જીવન આપ્યું છે. પણ, મને તો બીજું જીવન પણ પ્રભુએ આપ્યું છે. અને એમણે કહેલું એકવાર કે મેં પ્રભુને કહેલું કે ઓપરેશન નિષ્ફળ જાય તો તારી પાસે આવું છું. પણ, પ્રભુએ કહ્યું, કે તું નીચે જ રહે હમણાં! પ્રભુને થયું કે આ બખાળીયો ઉપર આવશે તો મારા કાન દુખાડશે! એના કરતાં નીચે જ ઠીક છે! મૃત્યુ અને જીવન બેઉ પર્યાયો.. પર્યાયોને માત્ર જોવાના.! રોગ આવ્યો તો આવ્યો.
પ્રેમસૂરિદાદા ખંભાતમાં અમર જૈન શાળાના ઉપાશ્રયમાં. દાદા પ્રભુની આજ્ઞાના ચુસ્ત ઉપાસક હતાં. શરીર શિથિલ બનેલું, પણ મન પ્રભુની આજ્ઞામાં સંપૂર્ણતયા લીન થયેલું. શેષકાળમાં એક મહિનાથી વધારે એક સ્થળે રહેવાય નહિ. શરીર લથડેલું, વિહાર થઇ શકે એવો હતો નહિ. તો શું કરતાં સાહેબ? રૂમ બદલી નાંખતાં.! પ્રભુની આજ્ઞાનું પાલન થવું જ જોઈએ. આ શું હતું? પ્રભુની આજ્ઞા પરનો આદર હતો. જે દિવસે સાહેબજીએ ચિર વિદાય લીધી. એ દિવસે સવારથી કહેતાં હતાં, કે આજે ઘર બદલવાનું છે. આજે ઘર બદલવાનું છે! શિષ્યો સમજ્યા કે મહિનો થઇ ગયો, એટલે સાહેબજી કહે છે; કે રૂમ બદલવાની છે. પણ, સાહેબજીએ ખરેખર ઘર બદલી નાંખ્યું! આ દેહમાંથી સ્વર્ગલોકમાં જતાં રહ્યાં..
એક કવિએ કહ્યું છે; “જિંદગી એક કિરાયે કા ઘર હૈ” “જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો નિકલના પડેગા; મૌત જબ તુમસે આવાજ દેંગી, તબ ઘર સે નિકલના પડેગા” તમને એક વસ્તુનો ખ્યાલ છે? કોઈ પણ ધર્મની પ્રાર્થના કરતાં આપણા ધર્મની પ્રાર્થના કયા અંશમાં જુદી પડે છે? એ ક્રિશ્ચયન હશે, તો ઇસુખ્રિસ્તને કહેશે; God give us long life. બીજો કોઈ ઉપાસક હશે, એ પણ પ્રભુની પાસે દીર્ઘ આયુષ્ય નિરોગી કાયા માંગશે. એક આપણે જૈનો પ્રભુની પાસે મૃત્યુની યાચના કરીએ છીએ.!
‘જયવીયરાય’ સૂત્રમાં રોજ આપણે માંગીએ છીએ; ‘સમાહિમરણં ચ’. પ્રભુ જન્મ થયો છે તો મૃત્યુ થવાનું જ છે. પણ, એ મૃત્યુ એવી રીતે થાય, કે કપડું બદલાઈ ગયું, સમાધિપૂર્વ હું ચાલ્યો જાઉં. આ પર્યાય દ્રષ્ટિમાંથી દ્રવ્ય દ્રષ્ટિમાં આપણે આવીએ, ત્યારે જીવન મુક્તદશાનું પહેલું ચરણ આપણને મળે.
જીવન મુક્તદશાનું પહેલું ચરણ શું હતું? “जाग्रत्यात्मनी ते नित्यं” આત્મભાવમાં સતત જાગૃતિ. તમારી દ્રષ્ટિ સતત તમારી નિર્મળ ચેતના ઉપર હોય. કોઈ પણ સાધના તમે શરૂ કરો. શાના માટે? સત્તા રૂપે વાસ્તવમાં તમારો આત્મા નિર્મળ છે. જેવો સિદ્ધ ભગવંતોનો આત્મા નિર્મળ છે, એવો જ મારો અને તમારો આત્મા સત્તા રૂપે નિર્મળ છે. પણ અત્યારે આપણે રાગ-દ્વેષ કરીને એ આત્મતત્વને ગંદું બનાવી દીધું છે. તો કોઈ પણ સાધના આપણે કરીએ એ શા માટે કરીએ? કે મારી જાત નિર્મળ બને એના માટે. એક પણ સાધના તમે કરો, એ સાધનાનું ધ્યેય માત્ર એક છે- મારા આત્મા ઉપર જે રાગ.દ્વેષ અને અહંકારના પડો ચડેલા છે, એ બધા જ પડોને મારે સમાપ્ત કરવા છે અને મારે મારા નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે.
તો પ્રારંભિક સાધક પાસે પણ પોતાના નિર્મલ સ્વરૂપ તરફની દ્રષ્ટિ જોઈએ, જોઈએ ને જોઈએ. ઉચકાયેલો સાધક જે છે, એ તો સતત આત્મભાવમાં જ રહે છે. એટલે મેં પહેલાં કહેલું, ચા પીવો છો તમે, ટેસ્ટી ચા છે. આસક્તિ થઇ રહી છે; એ આસક્તિને જુઓ.! તો બે તત્વો થયાં. એક આસક્તિમાં ડૂબનાર, એક આસક્તિને જોનાર. કરી શકો આટલું? આ તો કરી શકો ને? નવકારશી બાકી છે ને? ઘરે જઈને ચા-નાસ્તો કરવાના ને? આજે આ practically approach માં લાવો. ચા ટેસ્ટી છે. ટેસ્ટી ન હોય તો, તો પછી બોઈલર ફાટવાનું! શું છે આ? ચા બનાવી છે કે શું બનાવ્યું છે? ટેસ્ટી ચા છે. સીપ કરી રહ્યા છો; એ વખતે એક મનમાં આસક્તિ થાય છે અને બીજું એક તત્વ છે, જે આસક્તિને પણ જુએ છે. એ જે જોનાર છે, એ તમે છો. આસક્તિ કરનાર એ સંજ્ઞાવાસિત મન છે, એ તમે નથી. આસક્તિને જોનાર જે છે, એ તમે છો.
એ જ વાતને આગળ વધારો. ક્રોધ થઇ રહ્યો છે; ક્રોધને કરનાર, ક્રોધને જોનાર બેને છુટ્ટા પાડો. ક્રોધ થઇ રહ્યો છે. ક્રોધ કોણ કરે છે? મન ક્રોધ કરે છે. ક્રોધમાં જે છે ને એ મન છે, તમે નહિ. તમારું જે સ્વરૂપ છે, એ ક્રોધમાં જઈ શકતું નથી. પણ, તમે ઉપયોગને યોગમાં મૂકી દીધો. મનોયોગની અંદર, કે યોગ દુષિત થયો, એટલે ઉપયોગ પણ દુષિત થઇ ગયો. તો વાસ્તવિક રૂપે ક્રોધ કરનાર તમે નથી. તમે ક્રોધને જોનાર છો. આ જો છુટું પડી શકે ને, તો ક્રોધ શરુ થયો, ન થયો અને બંધ થઇ ગયો.
એક જગ્યાએ એક ભાઈ શહેરમાં જતાં ત્યારે એક સંબંધીને ત્યાં ઉતરતાં. એ સંબંધીનો જે ફ્લેટ હતો, એની બાજુમાં જ એક ફ્લેટ હતો. એમાં એક પતિ-પત્ની રહેતાં. અને સવારથી મોડી રાત સુધી એ બંનેનો ઝઘડો ચાલ્યાં કરે. ઝઘડાનો ચેમ્પિયન હોય ને, એને નિમિત્ત-મીમિત કોઈ જોઈએ નહિ હો! નિમિત્તો તો તમારે જોઈએ. ગ્લાસ આમથી આમ કેમ મુક્યો, એના ઉપર અડધો કલાક લેકચર ચાલે ભાઈનું! અને એનું લેક્ચર પૂરું થાય એ પહેલાં બહેનનું લેકચર ચાલુ થઇ જાય! તો આ ભાઈ જ્યારે આવે ત્યારે બાજુના ફ્લેટમાં વાજતું -ગાજતું ચાલુ જ હોય. પણ, એકવાર આવ્યો. બાજુના ફ્લેટમાં બિલકુલ ચુપ્પી.! અવાજ જ ન આવે ફ્લેટમાંથી.! એને પોતાના જજમાનને પૂછ્યું કે આ બાજુવાળા ક્યાં ગયા? ઘર બદલીને બહાર ગયા? તો કહે કે; ના, ના અંદર જ છે. અરે હોય? અરે અડધો કલાક થયો ને અવાજ ન આવે. એટમ બોમ્બ ફૂટે. ત્યારે પેલા જજમાને કહ્યું; કે હમણાં દસ દિવસ પહેલાં ભાઈને સિવિયર એટેક આવેલો. આ તો શહેરમાં છીએ. તરત જ સારવાર મળી ગઈ. એટલે ભાઈ બચી ગયા. પણ ડોકટરે કહ્યું છે; કે ઊંચા અવાજે બોલ્યાં તો મર્યા. બહેનને હાઇપર ટેન્શન થઈ ગયેલું. 250 સુધી પહોંચી ગયેલું BP. મરતાં મરતાં બચ્યાં. હોસ્પિટલાઈઝ કર્યા. માંડ માંડ સાજા થયા. ડોકટરે કહ્યું છે કે; ગુસ્સો કર્યો તો મર્યા. એટલે બંને હમણાં ડોક્ટરની આજ્ઞામાં છે.
તમે કોની આજ્ઞામાં? ચાલો તમને discount આપું. ક્રોધ થઇ ગયો. થઇ ગયો ચાલો. એ ક્રોધ થાય છે ત્યારે ક્રોધને જોનારને ઉભો કરો. અહંકાર આવે છે ત્યારે એક તત્વ એવું હોય જે અહંકારને જોનાર હોય. આ પ્રક્રિયા જો ચાલુ થાય, તો જ તમે આત્મભાવમાં સતત ડૂબી શકો. પરભાવમાંથી મુક્તિ અને આત્મતત્વમાં ડૂબવાનું.
એક મજાની વાત આજે કરું. કે આવા ગ્રંથો જ્યારે હું વાંચું છું ને, ત્યારે એક વિચાર આવે કે આ મહાપુરુષના શબ્દોમાં આટલું બળ છે, એમની અનુભૂતિ કેવી હશે! જ્યારે જ્યારે હરીભદ્રસૂરિ મહારાજને વાંચું, હું એમનો ભક્ત છું. યોગદ્રષ્ટિ સમુચ્ચય મેં કેટલાને વંચાવ્યું હશે ! પણ એ વાંચું, વંચાવું ત્યારે ઝૂમી ઉઠું.! એ મિત્રાદ્રષ્ટિની વાત કરે, હરિભદ્રાચાર્ય.
તમે બધાને મિત્ર માની શકો ત્યારે પહેલી દ્રષ્ટિમાં આવો. અને ત્યારે તમે મૈત્ર્યયોગી બનો. એની ટીકામાં એક સરસ વાક્ય આવે છે; “अतोSस्यापरत्र न चिन्ता तद्भावेSपि करुणांशबिजस्यैवेषत्स्फ़ुरणमिति” પરને જોવાનું બંધ થઇ જાય. દોષાત્મક સ્તર પર આપણે જે પરને જોતાં હતાં, એ પરને જોવાનું બંધ થઇ જાય. માત્ર અને માત્ર બીજાના ગુણો તમને દેખાય. એ હરિભદ્રાચાર્યને હું વાંચું ત્યારે મને થાય કે જેમની શબ્દ પ્રસાદીમાં આટલું બળ છે, કે અમને લોકોને ઉચકી લે. એમની અનુભૂતિ કેવી હશે ! એ વખતે થાય કે 1000-1200-1500 વર્ષ મોડા જન્મ્યા. એટલાં વહેલાં જન્મ્યા હોત અને હરીભદ્રાચાર્યના શિષ્ય હોત તો? એમની અનુભૂતિનો આસ્વાદ મળે.
હમણાંની એક ઘટના કહું; જર્મનીમાં એક મહિલા પ્રોફેસર. યુનીવર્સીટીમાં બૌદ્ધ ગ્રંથોને એ ભણાવતાં હતાં. એમાં એક ગુરુના ગ્રંથો એમને બહુ જ ગમી ગયા. અને એમને આ જ વિચાર આવ્યો કે એ ગુરુના શબ્દોમાં આટલું બળ છે. તો એમની અનુભૂતિ કેવી હશે ! 400 વર્ષ પહેલાંના એ ગુરુ હતાં. તો પ્રોફેસરને થયું; 400 વર્ષ મોડી હું જન્મી છું. પણ, પ્રોફેસર મંત્ર, તંત્ર, યંત્ર આ બધાના નિષ્ણાંત પણ હતાં. ઓરાનું, ઉર્જાનું એક શાસ્ત્ર છે. વ્યક્તિ જાય છે, ઉર્જા રહી જાય છે. આપણે ત્યાં જે સમાધિતીર્થો રચાયા ને એ સમાધિતીર્થોની પાછળ concept આ જ હતો કે એ મહાપુરુષ ગયા, પણ એમની ઉર્જાને સાચવી રાખવાની.
તો એ જર્મન પ્રોફેસરને થયું; કે 400 વર્ષ પહેલાંના ગુરુ જે મઠમાં રહેતાં હતાં, એ મઠમાં હું જાઉં અને કદાચ મને એમની ઉર્જા મળી જાય. તો એમની અનુભૂતિની લગોલગ હું પહોંચી શકું. ઇન્ટરનેટ પર સર્ફિંગ કર્યું. ખ્યાલ આવ્યો કે; તિબેટની અંદર આ મઠમાં, આ ગુરુ રહેતાં હતાં. અને બૌદ્ધ ગુરુ માટે એક વસ્તુ હોય કે એક જ જગ્યાએ રહેતા હોય. એ પ્રોફેસરે એ મઠના સત્તાવાળાઓ પાસે અરજી કરી કે; મારે એકાદ મહિનો મઠમાં ધ્યાન કરવા માટે આવવું છે. હું ક્રિશ્ચયન છું પણ મને પરવાનગી આપો. રેર કેસમાં એમને પરવાનગી મળી. યુનીવર્સીટીમાં રજા મૂકી અને પ્રોફેસર તિબેટ આવ્યાં. લાસા એરપોર્ટ પર ઉતર્યા અને પછી એ મઠ તરફ એ ચાલ્યાં, ટેક્ષીમાં. મઠમાં પહોંચ્યાં, સત્તાવાળાઓને કહ્યું; હું આવી ગઈ છું અને રોજ 4-5 કલાક ધ્યાન માટે અહીંયા આવીશ. 5 star હોટલમાં ઉતારો નક્કી કરેલો હતો. બૌદ્ધ મઠોની એક ખાસિયત હોય છે કે એ લોકો પરંપરાને જાળવી રાખે છે. 400 વર્ષ પહેલાંનો બૌદ્ધ મઠ હોય એને renovate કરવાનો હોય. તો એનું પણ એક શાસ્ત્ર. એ renovate આ જ રીતે થાય. એના છાપરાં એ જ રીતે રહે. એનો કલર સુધ્ધાં એ જ રહે. એટલે આજે renovate કરેલું હોય, તો પણ તમને એ 400 વર્ષ જુનું જ લાગે.
આપણે ત્યાં ટ્રસ્ટીઓ મહાત્માઓને પૂછતાં નથી, અને એથી બધા દેરાસરો જે જુના હતાં, એ આરસના ધોળા ધબ થઇ ગયાં! દેવદ્રવ્યના પૈસા બહુ છે. જુના મંદિરોમાં જે કળા હતી, એ ચિત્રકળા જે હતી. એ લાકડાનું કામ જે હતું, એ લાકડાની પૂતળીઓ હતી, એ પિત્તળના દરવાજા જે હતાં, આજે પણ ક્યાંક જઈએ એવા દેરાસરમાં, કળાની દ્રષ્ટિએ સરસ લાગે અને એમાં ઉર્જા સચવાયેલી હોય. ભગવાનની ઉર્જા અને મહાપુરુષો ભક્તિ માટે આવેલા હોય એમની ઉર્જા. એક દેરાસર જુનું તોડો એટલે ઉર્જા તૂટી ગઈ.
તો પ્રોફેસર રોજ 4 કલાક એ મઠમાં ધ્યાન કરે છે. કારણ કે ધ્યાનમાં જાવ તો જ એ ગુરુની ઉર્જા પકડાશે. મન એકદમ સ્થિર ન બને, ત્યાં સુધી તમે ગુરુની ઉર્જા પકડી ન શકો. એકદમ શાંત થઈને બેસે છે. પણ, પ્રોફેસરને એ પણ ખ્યાલ હતો, કે હોલમાં તો ગુરુની ઉર્જા રહેવાની નથી. 400 વર્ષ થઇ ગયાં. હોલના બારી-બારણાં આટલા બધા છે. ઉર્જા નીકળી જવાની. એવા rooms હોય, કે જે rooms માં બારી-બારણાં બિલકુલ ન હોય અને તિબેટમાં એ શક્ય હતું. ઠંડી બહુ જ પડે ત્યાં. એટલે બારી-બારણાં વગરનો rooms શક્ય હતો. એવા રૂમોમાં એક પછી એક રૂમમાં એ ધ્યાન કરે છે. પણ, હજુ એ અનુભૂતિ પકડાતી નથી.
એકવાર એ બહુ મોટા મઠની અંદર પ્રોફેસર ખાલી ફરે છે. ફરતાં ફરતાં પાછળની સાઈડમાં એક રૂમ જોયો, એને માત્ર તાળું મારેલું એમ નહિ, સીલ ઠોકેલો એના ઉપર અને સીલ ઉપર સહીઓ થયેલી; અને લખેલું કે આ દ્વારને કોઈ પણ રીતે ખોલી શકાશે નહિ. પ્રોફેસરે એ રૂમની situation જોઈ; એ રૂમમાં એક જ બારી ખાલી અને એક નાનકડું બારણું. એ બારી પહાડ તરફ પડતી હતી. પ્રોફેસરને લાગ્યું; આ જ એ રૂમ હોવો જોઈએ જ્યાં એ ગુરુ રહેતાં હતા. એને ખોલાવવા માટે મહેનત કરી. સત્તાવાળાઓએ સ્પષ્ટ ના પાડી કે આ રૂમ બંધ કરવામાં આવેલો છે, સીલ લગાયેલું છે, અને એ સીલ અમારે ખોલવાનું નથી. પ્રોફેસરને નક્કી થયું કે પૂર્વજોએ આ રૂમ એટલાં માટે જ બંધ કર્યો છે, કે ગુરુ આમાં જ રહેતાં હતાં, અને ગુરુની ઉર્જા આમાં સચવાઈ રહે. હવે હું આવી છું અને આ ઉર્જા લીધા વગર જાઉં તો ચાલે કેમ? એને પોતાની યુનીવર્સીટીના ચાન્સેલર ઉપર સમાચાર મોકલ્યા કે ગમે એમ કરો, તમે આપણા દેશના સત્તાવાળાઓ ઉપર દબાણ લાવો અને એ સત્તાવાળાઓ તિબેટના સત્તાવાળાઓ ઉપર દબાણ લાવે. કોઈ પણ રીતે મારે એ રૂમ ખોલાવવો છે. ખુબ રાજકીય દબાણ આવ્યું. ત્યારે આશ્રમના સત્તાવાળાઓએ એ રૂમનું સીલ તોડ્યું અને એ રૂમમાં પરમીશન આપી 4 કલાક ધ્યાનમાં બેસવાની. જ્યાં એ બેઠાં, બે જ મિનિટમાં પેલી ઉર્જા પકડાવવા લાગી. જે સદ્ગુરુને વાંચેલા છે, અને જે સદ્ગુરુના શબ્દોના સંમોહનમાં પ્રોફેસર પડેલા હતાં, એ જ સદ્ગુરુની અનુભૂતિ મળવા લાગી. અને પછી એ અનુભૂતિમાં એ કલાકો સુધી બેસી રહ્યા… અને એ વખતે એમને થયું; કે ખરેખર મારો આ જન્મ સાર્થક બન્યો.! એ ગુરુનું દર્શન ભલે ન થયું; પણ, એ ગુરની ઉર્જા, એનો સ્પર્શ મને થયો.
એકવાર હું વણોદ ગયેલો. વણોદ એટલે શીલગુણસૂરિની ભૂમિ. વનરાજ ચાવડાના પ્રતિબોધક ગુરુ. વર્ષો સુધી એ ત્યાં રહ્યા. તો પહેલીવાર વણોદ જતો હતો. તો મનમાં એક ઈચ્છા હતી. કે શીલગુણસૂરિનો ઉપાશ્રય અલગ છે અને એ ઉપાશ્રયમાં જઈને સાધના કરીશ, દેરાસરની બાજુમાં જ ઉપાશ્રય હતો. રહેવાનો ઉપાશ્રય અલગ હતો. પણ ત્યાં ગયો અને નિરાશ થઇ ગયો. આખો ઉપાશ્રય renovate કરીને નવો બનાવી નાંખ્યો અને જુના પરમાણુ બધા ખતમ થઇ ગયા હતા. તો “जाग्रत्यात्मनी ते नित्यं” આ જીવનમુક્તદશાની વાત ઉપાધ્યાયજી ભગવંતે કરી છે. ભલે અત્યારે આપણને એમની ઉર્જા ન મળે, પણ, એમના શબ્દોના સંમોહનમાં જઈને આપણે આત્મતત્વની અનુભૂતિ તરફ જઈએ એવી ઈચ્છા.
