વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આયઓ ગુરુ બહુમાણો
પ્રભુની કે સદગુરૂની મોટામાં મોટી સેવા કઈ? એમની આજ્ઞાનું પાલન. પ્રભુની નિશ્ચયઆજ્ઞા એ છે કે “તું તારા સ્વરૂપમાં સ્થિર થા”. સ્વગુણનો અનુભવ કરવો અથવા સ્વરૂપનો અનુભવ કરવો – એ જ પ્રભુની નિશ્ચયઆજ્ઞાનું પાલન.
પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી કે જે નિશ્ચયમાં પર્યવસિત (સમાપ્ત) ન થતી હોય. સામાયિકથી પોતાની ભીતર રહેલો સમભાવનો ગુણ અનુભવાય. પ્રભુદર્શનથી પોતાની ભીતર રહેલા પ્રશમરસ / વીતરાગદશા નો અનુભવ થાય.
ખમાસમણની ક્રિયાથી પ્રભુ / ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ આવે. એ બહુમાન પ્રભુ / ગુરુના ગુણો પ્રત્યેના બહુમાનમાં ફેરવાય. આ બહુમાન આપણી ભીતર રહેલા તે-તે ગુણોની અનુભૂતિમાં લઇ જાય.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૬
પરમાત્માનો પ્રેમ અનરાધાર, નિરંતર વરસતો જ આવ્યો… વરસતો જ આવ્યો… ક્યારેક ક્યારેક આપણે એને ઝીલી શક્યા, ક્યારેક એને ન પણ ઝીલી શક્યા. તો ગઈ કાલે આપણે એ જોતા હતાં કે પ્રભુના પ્રેમને ઝીલવા માટેની સજ્જતા કઈ?
વિતરાગ સ્તોત્રના બે વિધાનો દ્વારા ત્રણ વાતો નક્કી થઈ. ભક્ત અસહાયદશામાં વર્તતો હોય ત્યારે એ પ્રભુના પ્રેમને ઝીલી શકે છે. ભક્ત અહોભાવની દશામાં ઝૂમતો હોય ત્યારે પણ એ પ્રભુના પ્રેમને ઝીલી શકે છે. પણ અહંકારની ભૂમિકા સહેજ પણ ભીતર આવી, ચેતના ‘પર’ તરફ ફંટાઈ; એ વખતે પરમના પ્રેમને તમે ઝીલી નહિ શકો, અનુભવી નહિ શકો.
પહેલી વાત, ભક્તની અસહાયદશા. પંચસુત્રનું પહેલું સૂત્ર આપણા શ્રી સંઘમાં અતિ અતિ પરિચિત છે. એનો પાઠ કરનારા લાખો ભાવકો આપણે ત્યાં છે. એ પંચસૂત્રના પહેલા સુત્રે એક સાધના ત્રિપદી આપણને આપી; ‘ચતુ:શરણ સ્વીકાર, દુષ્કૃતગર્હા, સુકૃત અનુમોદના. તો એ સાધના ત્રિપદીનું પહેલું ચરણ છે- શરણ સ્વીકાર. ભક્તની અસહાયદશા એ જ આ શરણ સ્વીકાર. ભક્ત પ્રભુના શરણનો સ્વીકાર કરે. સદ્ગુરુના શરણનો સ્વીકાર કરે. સદ્ગુરુના શરણનો સ્વીકાર થયો, પછી સદ્ગુરુ તમારા એક-એક દોષને Pin point કરીને બતાવે, અને એ દોષમાંથી તમે મુક્ત શી રીતે થાવ એની master key તમને આપે.
મૃગાવતીજીની વાત આપણે ઘણીવાર સાંભળેલી છે. સમવસરણમાંથી ઉપાશ્રયમાં આવ્યા. થોડું મોડું થઈ ગયું. અંધારું થઈ ગયેલું. ગુરુણીજી-ચંદનાજીએ એમને આડે હાથ લીધા! અને એ વખતે એ ગુરુણીજી ઉપર જે બહુમાનભાવ પ્રગટ્યો, એ બહુમાનભાવ મૃગાવતીજીને કેવલજ્ઞાન તરફ દોરી ગયો…
ચોથા પંચસૂત્રનું સૂત્ર છે. “आयओ गुरुबहुमाणो” ગુરુ બહુમાન એ જ મોક્ષ. મોક્ષ તમને આપવાનો એ અમારા હાથમાં કે તમારાં હાથમાં? મોક્ષ તમારા હાથમાં છે. સદ્ગુરુ પ્રત્યેનો બહુમાન તમારી ભીતર પ્રગટ્યો; મોક્ષ આ રહ્યો.! તો મૃગાવતીજી ને ગુરુ પ્રત્યેના બહુમાનથી કેવલજ્ઞાન પ્રગટ્યું.
સુક્ષ્મ પ્રક્રિયા શું હોય? હું તમને બતાવું. જેમ આપણે કહીએ અઈમુત્તા મુનિ ઈરિયાવહીયં પડીક્કમતા હતા અને કેવલજ્ઞાન થયું. આખી પ્રોસેસ શું છે? ઈરિયાવહિયાનું પ્રતિક્રમણ જયારે કર્યું ત્યારે કોમળભાવ પ્રગટ્યો છે. કોમળભાવ અત્યંત મુખરિત બન્યો; પણ એ કોમળભાવે ક્ષપકશ્રેણીની શરૂઆત નથી કરાવી. કોમળભાવ સાપેક્ષ સાધના છે. અગણિત જન્મોથી કઠોર ભાવોની અંદર આપણે રાચી રહેલાં હતા. એ કઠોર ભાવોને દુર કરવા માટે કોમળભાવ જરૂરી હતો. એટલે સર્વજીવો પ્રત્યેનો સ્નેહભાવ એ છઠ્ઠા ગુણઠાણાની વાત છે. સાતમા ગુણઠાણાની નહિ. છઠ્ઠે ગુણઠાણે એ કોમળભાવ એવો પ્રગટે કે કઠોરતાના નાનામાં નાના અંશો પણ સમાપ્ત થઈ જાય. એ કોમળભાવે કઠોર ભાવને નષ્ટ કર્યો, હવે કોમળભાવની જરૂરિયાત નથી. સાતમે ગુણઠાણે તમે ક્યાં જશો? તમારી ભીતર. આત્માનુભૂતિમાં.. સાતમે ગુણઠાણે માત્ર અને માત્ર આત્માનુભુતિ છે, ત્યાં બીજા જીવોનો વિચાર નથી. કોમળભાવ છઠ્ઠે ગુણઠાણે ઘૂંટાઈ ગયો, સાતમે ગુણઠાણે ભીતર ઉતરવાનું છે.
કલાપૂર્ણસૂરી દાદાએ પાલીતાણામાં આગમ વાચનામાં એક સરસ વાત કરેલી. સ્થાનાંગજીનું એક નાનકડું સૂત્ર- “एगे आया” આત્મા એક. સાહેબજીએ કહેલું; કે છઠ્ઠે ગુણઠાણે કે even પાંચમે ગુણઠાણે “एगे आया” સુત્રનો અર્થ શું થશે? બધા જ આત્માઓ મારા જેવા છે. એટલે છઠ્ઠે ગુણઠાણે “एगे आया” સુત્રનો અર્થ ‘આત્મૌપમ્ય’ માં જશે.
કલિકાલસર્વજ્ઞે યોગશાસ્ત્રમાં અહિંસાના પર્યાય તરીકે એક મજાનો શબ્દ આપ્યો. ‘આત્મૌપમ્ય.’ તમને બીજા દરેક આત્માઓ તમારા જેવા લાગે એ વાસ્તવિક અહિંસા છે. તો છઠ્ઠે ગુણઠાણે ‘एगे आया”’ સુત્રનો અર્થ એ થયો કે દરેક આત્માઓ મારા જેવા છે. કોઇ પણ આત્માને હું સહેજ પણ પીડા ન આપું. મારા ઉપર પીડાને સહન કરી લઈશ, પણ કોઇ પણ જીવને મારી અનુકુળતા માટે હું પીડા નહિ આપું. આ છઠ્ઠા ગુણઠાણાનો કોમળભાવ.. સાતમે ગુણઠાણે તમે ગયા. ‘एगे आया”’ સૂત્ર એ જ છે, એનો અર્થ બદલાઈ જાય છે. આત્મા એક જ છે- આ મારો અને મારે એની ભીતર જવાનું છે. પછી તમે એ આત્માના ગુણોની અનુભૂતિ કરો કે સ્વરૂપની અનુભૂતિ કરો, પણ સાતમે ગુણઠાણે તમારે આત્માનુભૂતિ કરવાની છે.
આ જ લયમાં સમાધિશતકે એક મજાની વાત કરી. “ચિંતે ન પરગુણ-દોષ.” આપણે પરગુણ ની અનુપ્રેક્ષા સતત કરતા હોઈએ. પણ પરગુણનું ચિંતન એ પણ સાપેક્ષ સાધના છે. જ્યાં સુધી તમારું મન બીજાના દોષો તરફ ખેંચાય છે, ત્યાં સુધી એ તમારા મનના પ્રાયશ્ચિત માટે તમારે શું કરવાનું? એ બીજાના ગુણોને જોવાના. જે ક્ષણે દોષદર્શન સમાપ્ત થઈ ગયું, એ ક્ષણે પરગુણ દર્શન પણ સમાપ્ત થઈ ગયું. ચિંતે ન પર ગુણ-દોષ. બીજાના દોષનું ચિંતન તો નથી જ, બીજાના ગુણનું પણ ચિંતન નથી.
મૃગાવતીજી સદ્ગુરુણી પરના બહુમાનથી કેવળજ્ઞાનને પામ્યા. વચલી process શું હતી? ગુરુ બહુમાન, ગુરુ ગુણ બહુમાન પર ફેરવાયો. એ સદ્ગુરુના ગુણો એમને ગમી ગયા. એ ગુણોની અનુભૂતિ ચાલુ થઈ ગઈ સાતમે ગુણઠાણે. પ્રભુની કે સદ્ગુરુની મોટામાં મોટી સેવા કઈ બોલો? મોટામાં મોટી સેવા કઈ? એમની આજ્ઞાનું પાલન. પ્રભુએ કહ્યું નિશ્ચય આજ્ઞા આપતાં કે તું તારા સ્વરૂપમાં સ્થિર થા..
અમે લોકો કેસરની વાટકી લઈને દેરાસરમાં જઈએ ક્યારે? ભલે પાણીનો કળશ ન લઇ જઈએ, પાણી સચિત્ત હોય, કેસર તો અચિત્ત થઈ જાય ને. નહિ…! કેમ? દ્રવ્ય પૂજાનો વિષય અમારા માટે સમાપ્ત થયો; અમારા માટે માત્ર ભાવપૂજા, અને એ ભાવપૂજામાં છેલ્લી પૂજા કઈ? સ્વરૂપની અંદર સ્થિર થવું એ.! એટલે પ્રભુની બધી જ વ્યવહાર આજ્ઞાઓ, આ નિશ્ચય આજ્ઞામાં પર્યવસિત થવી જ જોઈએ.
પ્રભુનું કહેલું એક સામાયિક તમે કર્યું. તમે સમભાવમાં સ્થિર થયા. એટલે શું થયું? સ્વગુણની સ્થિરતા તમને મળી. સમભાવ એ તમારો ગુણ, એ ગુણમાં તમે સ્થિર થયા. તો એ પ્રભુની ભાવપૂજા થઈ. આપણે ત્યાં બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું; કે એક પણ વ્યવહાર સાધના પ્રભુએ કહેલી એવી નથી કે જે નિશ્ચયમાં પર્યાવસિત-સમાપ્ત ન થતી હોય. એક પ્રભુનું દર્શન, વિતરાગભાવનું દર્શન કર્યું, પ્રભુના પ્રશમરસનું દર્શન કર્યું; તમારી ભીતર રહેલ વિતરાગદશાની આંશિક અનુભૂતિ તમને થઈ, તમારી ભીતર રહેલ પ્રશમરસની આંશિક અનુભૂતિ તમને થઈ. એટલે શું થયું? પ્રભુનું દર્શન, જે વ્યવહાર કક્ષાની સાધના હતી, એ નિશ્ચય સાધનામાં પર્યવસિત થઈ ગઈ.
એક ઈચ્છામિ ખમાસમણ તમે દો, પ્રભુને કે સદ્ગુરુને; એ એક ખમાસમણની ક્રિયા તમને નિશ્ચય સાધના સુધી લઇ જાય. હું આપને વંદન કરવા ઈચ્છું છું, બહુમાનભાવ આવ્યો; એ બહુમાનભાવ પ્રભુના ગુણો ઉપર, સદ્ગુરુના ગુણો ઉપર; અને એ બહુમાનભાવ તમને એ ગુણોની અનુભૂતિ સુધી લઇ જાય.!
તો મૃગાવતીજીને ગુણ બહુમાને શું કર્યું? ગુણોની અનુભૂતિ આપી, સ્વરૂપદશાની અનુભૂતિ આપી; અને એ પછી આઠમે ગુણઠાણે ક્ષપકશ્રેણી ચાલુ થઈ, ફટાફટ વિતરાગદશા, અને કેવળજ્ઞાન. ગજસુકુમાલમુનીમાં આપણે કહીએ એમણે સહન કર્યું અને સિદ્ધ થયા. પરિષહને અને ક્ષપકશ્રેણીને કોઈ સંબંધ નથી. પરિષહ સહન એ વ્યવહાર ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર નથી.
પદ્મવિજય મહારાજે સ્પષ્ટ કહ્યું ગુજરાતી ભાષામાં; “પરિષહ સહનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા; નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા.” પરિષહ સહન એ વ્યવહાર ચારિત્ર; અને નિજગુણ સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર. તો વ્યવહાર ચારિત્રની સાધના દ્વારા, પરિષહોના સહન દ્વારા એ નિશ્ચય ચરિત્રમાં ગયા અને નિશ્ચય ચારિત્રમાં સાતમાં ગુણઠાણે જઈ અને પછી એમણે ક્ષપકશ્રેણી ચાલુ કરી. વ્યવહાર ચારિત્ર એટલે કે પરિષહોનું સહન એ કારણ છે; નિશ્ચય ચારિત્ર એ કાર્ય છે.
બહુ મજાની વાત કરી. એટલે પરિષહ સહન કરવા એ જરૂરી છે; કારણ, નિશ્ચય ચરિત્રનું એ કારણ છે. તત્વાર્થમાં ભગવાન ઉમાસ્વાતીએ બહુ સરસ કહ્યું; ‘मार्गाડच्यवन – निर्जरार्थं परिषोढव्या: परिषहा:’. નિર્જરા માટે પરિષહો સહન કરવા એ તમારા ખ્યાલમાં આવે. પણ આ એક બહુ અદ્ભુત્ત વાત લખી- માર્ગા ચ્યવન. પ્રભુના સાધનામાર્ગ પરથી તમે ચ્યુત ન થાઓ, તમે ક્યાંક ફંટાઈ ન જાવ, એના માટે પણ પરિષહોનું સહન કરવું જરૂરી છે. કારણ, અનુકુળ ભાવ એ જ સંસાર છે. એટલે પ્રતિકુલન જે છે એ તો જરૂરી છે જ. ઇન્દ્રિયો અને મનને અનુકુળ માત્ર આપી અને સાધના કરવી એ વાત આપણે ત્યાં નથી.
તો પરિષહોને સહન કરવાના બરોબરને? શીત પરિષહ સહન કરો? કરો.? ઉષ્ણ પરિષહ. આપણા દેશમાં દસ મહિના ગરમી હોય. આપણે સહન કરીએ. અરે! Enjoy કરીએ.! પણ બધા પરિષહો માટે એવું ખરું ને આમ? વચન પરિષહ… હું ઘણીવાર કહું કે પરિષહો માટે દિવસ રાખો. બાવીસ પરિષહો માટે બાવીસ દિવસ. પછી વચન પરિષહ આવે ને જે દિવસે એ દિવસે બધાને કહી દેવાનું, આજે મારે વચન પરિષહનો દિવસ છે. એટલે જેને જે કંઇ કહેવું હોય એ મને કહેજો; મને નિર્જરા કરાવજો… કહો કે નહિ? નહિ…?
ઉત્તરાધ્યયન સૂત્રમાં આના સંદર્ભમાં ઉપેક્ષા, તિતિક્ષા અને પ્રેક્ષાની વાત આવે છે. પ્રેક્ષાની વાતમાં લખ્યું; કદાચ કોઈક વ્યક્તિ આવી જાય તલવાર ખુલ્લી લઈને, મુનિના ગળે અડાડી દે, અને કહી દે તારું ગળું કાપી નાંખું છું. એ વખતે મુનિ એ પ્રક્રિયાને જોવે છે. ‘नत्थि जिवस्स नासु त्ति’ ‘भिक्खु विचिंतए’ (‘ણત્થિ જીવસ્સ ણાસુ ત્તી ઈઈ ભિક્ખુ વિચિન્તયે’) અરે! આ તો મારા શરીરને નષ્ટ કરશે ને, મારો આત્મા તો અમર છે.
તો પરિષહ સહન જે છે એ નિશ્ચય ચારિત્રનું સાધન શી રીતે બને? ધારો કે, તમે નક્કી કર્યું સાંજે, કે સવારે ચાર વાગે ઉઠી અને મારે કાયોત્સર્ગ સાધનામાં જોડાવું છે. સાડાત્રણ-પોણાચારે તમે ઉઠી પણ ગયા. પણ સીધો જ મેલેરિયા તાવનો હુમલો. શરીર ધ્રુજી રહ્યું છે. હવે કાયોત્સર્ગ ધ્યાન કેમ થશે? પણ તમે જો રોગોથી અભ્યસ્ત હોવ, તમારા શરીરને તમે રોગોથી અભ્યસ્ત કર્યું હોય તો ગમે તેવી શારીરિક પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ તમે સાધનાને કરી શકો. એટલે ગજસુકુમાલ મુનિ એ પરિષહ સહન દ્વારા નિશ્ચય ચારિત્રમાં ગયેલાં અને નિશ્ચય ચારિત્રમાં ગયા પછી એમણે ક્ષપકશ્રેણી ચાલુ કરેલી.
ભગવતી સૂત્રમાં કહ્યું છે; ગજસુકુમાલજીની સાધનાને બતાવતાં; “એક પુગ્ગલ દીટ્ઠી ઝીહાયએ” શરૂઆતમાં એમણે શું કર્યું? સ્મશાનમાં ગયા. પરિષહ આવ્યો એ તો બરોબર તમારા ખ્યાલમાં છે. પણ, એ વખતે એ કરતાં હતાં શું? એ સ્મશાનની અંદર એક હાડકાનો ટુકડો કે એક પથ્થરનો ટુકડો હતો, એના ઉપર એમણે પોતાની ચેતનાને કેન્દ્રિત કરી; એટલે આને ત્રાટક કહેવામાં આવે છે. ત્રાટક પણ આંતર્ધ્યાનમાં જવા માટે સાધનરૂપ બની શકે છે. તો એ રીતે એમણે મનને સ્થિર કર્યું; અને પછી સીધા જ પોતે આત્મભાવમાં પહોંચી ગયા.
આપણે ત્યાં શાંતસુધારસ ગ્રંથ બહુ સરસ છે. અનિત્ય, અશરણ બધી ભાવનાઓ છે. પણ એ અનિત્ય ભાવનાને ઘૂંટ્યા પછી તમારે વિચારવાનું એ કે બધું જ અનિત્ય છે. ‘સવ્વં ઈદં અણિચ્ચં’ તો નિત્ય કોણ? જે નિત્ય છે તે હું છું.! એટલે અનિત્ય ભાવનાનું પર્યવસન નિત્ય ભાવનામાં થવું જોઈએ. હું નિત્ય છું!
તો મૃગાવતીજી એક સદ્ગુરુ બહુમાન દ્વારા કેવલજ્ઞાન સુધી પહોંચી ગયા. સદ્ગુરુ તમારા દોષોને pin point કરીને બતાવે અને તમને દોષમુક્ત પણ કરી દે.!
આનંદમયી માઁ હમણાં ના વિખ્યાત હિંદુ સદ્ગુરુણી થયા. રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ જેવા સંતોની જોડે જેમનો પાટલો પડે એવા આનંદમયી માઁ હતા. હજારો એમના અનુયાયીઓ હતા. એક ભક્ત ૨૦ વરસથી આનંદમયી માઁ પાસે આવતો અને કહેતો કે માઁ મને શુદ્ધ બનાવ.! ૨૦ વરસ આનંદમયી માઁ પાસે આવ્યાને જે દિવસે એના પુરા થયા. એ દિવસે આનંદમયી માઁ ના ચરણોમાં એ ધ્રુસકે ધ્રુસકે રડ્યો છે. એને કહ્યું, માઁ! ૨૦-૨૦ વરસથી તારી પાસે આવું છું; છતાં મારી ભીતર કોઈ શુદ્ધિ નથી! કોઈ પરિવર્તન નથી! માઁ શરમાવાનું તારે છે, મારે નથી.!
ક્યારેય સદ્ગુરુને ચેલેન્જ મારી તમે? ખરેખર સદ્ગુરુની શરણાગતિ અઘરી છે. અઘરી છે.! પ્રભુની શરણાગતી સાવ સહેલી.! પ્રભુ હાથ પકડવાના નથી! “હું તો ક્રોધ- કષાયનો દરિયો, તું તો ઉપશમરસનો ભરિયો” ભગવાન હાથ પકડવાના? સાલા, હરામખોર રાડો પડે છે અહીંયા.! સદ્ગુરુ તમને કહેશે; રાડો શું પાડે છે? ક્રોધ છે તારી ભીતર, તારે એને દુર કરવાનો છે. તમારી અંદર રહેલા દોષોને સદ્ગુરુ pin point કરીને બતાવશે. તમને ગમશે? એકદમ વિચાર કરજો. સદ્ગુરુ શરણ સ્વીકાર બહુ અઘરો છે. તમારા માટે પણ… તમારા માટે પણ… એમણે તો સદ્ગુરુ નક્કી કર્યા જ નથી…! કેમ? કર્યા છે નક્કી? એક મંત્રદીક્ષા દાતા ગુરુ હોય. એક સાધનાદીક્ષા દાતા ગુરુ હોય. પંચમહાવ્રતધારી બધા ગુરુ આપણા ગુરુ છે. પણ એક ગુરુ એવા છે, જેમણે તમને સાધના આપી છે અને જે ગુરુ પાસે તમે બિલકુલ ખુલ્લાં થઈ શકો છો. તમારી અંદરની બધી વાતો, દોષોની વાતો તમે કહી શકો છો, અને એથી તમે કઈ ભૂમિકા ઉપર છો એ સદ્ગુરુ જાણે છે. એ સદ્ગુરુને તમે સમર્પિત થયા છો? હા, એવા શ્રાવકોને જોયા છે. જે સદ્ગુરુને બિલકુલ સમર્પિત હોય અને સદ્ગુરુને વિશ્વાસ છે, આને એક આજ્ઞા કરું એટલે કરોડોની સંપત્તિને ઠુકરાવી દેશે.!
સદ્ગુરુ તમારા દોષોને બતાવશે. સદ્ગુરુ માટે બહુ અઘરું છે હો.! જે સદ્ગુરુ પ્રભુના ગુણોની અંદર સતત ડૂબેલા હોય, એમને તમારા દોષોમાં ડોકિયું કરવું કેટલું અઘરું લાગે? પણ છતાં ફરજને વશ સદ્ગુરુ તમારા દોષોને પકડી આપે. તમારા દોષ સદ્ગુરુ જયારે તમને કહી બતાવે ત્યારે તમને સદ્ગુરુ કેવા લાગે? પાંચ ડોક્ટર પાસે ગયા. બધા જ reports બતાવ્યા. કોઈ ડાયોગ્નોસીસ કરી શક્યું નહિ. છઠ્ઠો ડોક્ટર બહુ જ અનુભવી, એ જ રીપોર્ટ પરથી એણે કહી દીધું, જુનો મરડો છે અને એનો કોર્સ કરવાનો છે, તમે એકદમ ક્યોર થઈ જશો; અને એ દવા તમે કરો અને તમે ક્યોર થઈ જાઓ, એ ડોક્ટર તમને ગમે કે ન ગમે? તમારો રોગ બતાવે શરીરનો, એ ડોક્ટર ગમે..? એ રોગને કાઢે એ ડોક્ટર ગમે..? તો અહીંયા તમારા આત્મામાં રોગ લાગુ પડેલો છે. સદ્ગુરુ ડોક્ટરની ભૂમિકા ઉપર છે; એ તમને દોષ દેખાડે, એ દોષમાંથી તમને મુક્ત કરવાની જવાબદારી પણ ગુરુની, જો તમે totally surrender હોવ તો. તમે totally surrender છો તો તમને દોષમુક્ત કરવાની જવાબદારી ગુરુ ચેતનાની અને તમને મોક્ષ આપવાની જવાબદારી ગુરુ ચેતનાની. We are ready? છો તૈયાર તમે? શરીરનો રોગ ખટકે છે કારણ? શરીર પ્રત્યે પ્રેમ છે.! દોષો ખટકતા નથી કેમ? નિર્મળ આત્મતત્વ ઉપર પ્રેમ નથી.!
નવતત્વ ભણ્યાં એટલે શું? નવ તત્વમાં એક જ તત્વ જાણવાનું છે. જીવતત્વ. ‘जो एगं जाणइ सो सव्वं जाणइ’ એ આત્મતત્વને તમે શી રીતે જાણ્યું? અભવિનો આત્મા, એ પ્રવચન આપે; અને આત્મતત્વની વાત કરે ને મારા જેવો માણસો હલી જાય.! આટલી સરસ આત્મતત્વની વાત.! પણ એ મનમાં સમજતો હોય આ બધા મુર્ખાઓ છે, એટલે આત્માના નામ હું ચરી ખાઉં છું. નવતત્વ ભણ્યાથી કંઇ નહિ થાય.! મારો આત્મા વાસ્તવિક રૂપે નિર્મળ છે છે અને છે; અને આ જન્મની અંદર મારે એ પ્રક્રિયા શરૂ કરવી છે કે મારી આત્માની નિર્મળતા પ્રગટ થવાની શરૂ થઈ જાય. છે આ લક્ષ્ય? આ જો નિશ્ચય સાધના તમારી પાસે ન હોય તો તમારી વ્યવહાર સાધના શેના માટે છે એ તમે કહો? બધી જ વ્યવહાર સાધના કરો. શેના માટે કરો? હું એટલે નિર્મળ ચેતના છું, આ જો ખ્યાલ નથી; અને હું એટલે શરીર છું, આ જ વાત ખ્યાલમાં છે; તો જીમમાં જાઓ, કસરત કરો. હું એટલે શરીર, તો શરીરને બનાવો બરોબર; હું એટલે આત્મા, અને મારે મારા નિર્મળ આત્મતત્વને, મારા નિર્મળ ચૈતન્યને પ્રગટ કરવું છે, માટે હું સાધના કરું છું. આ વાત છે? તો તમારા દોષો જે તમને ખ્યાલમાં નથી આવતા એને બતાવવાની પણ ફરજ અમારી અને એને કાઢવાની પણ ફરજ અમારી. બેઉ સર્વિસ અમારી પાસે છે. તમને ગમે? મારે પૂછવું છે? અત્યારે તમારા ગુરુ કે ગુરુણી તમારા દોષો બતાવે. તમને કેટલો આનંદ થાય સાચું કહેજો?
મૃગાવતીજી જેવો? પેલો ભક્ત ધ્રુસકે-ધ્રુસકે રડે છે કે માઁ ૨૦-૨0 વરસ થયા. તારી પાસે આવું છું; અને છતાં મારામાં પરિવર્તન નથી.! તારે શરમાવાનું કે મારે શરમાવાનું? સમર્પિત તમે હોવ તો ગુરુને તમે ચેલેન્જ આપી શકો. એ એક અંશમાં સમર્પિત છે અને એથી એ કહે છે, બીજા કોઈ ગુરુને મેં સ્વીકાર્યા નથી, તમને જ સ્વીકાર્યા છે; તમારી જવાબદારી છે, તમે મને દોષમુક્ત બનાવી દો.! આ ભૂમિકા ઉપર તમે છો? મારે પૂછવું છે. સદ્ગુરુને આ રીતે તમે સ્વીકાર્યા છે? એક સદ્ગુરુને તમે સદ્ગુરુ રૂપે માન્યા. પછી તમારા દોષો દુર ન થાય. તમે ક્યારેય એ સદ્ગુરુ પાસે જઈને રડ્યા છો?
એક ભક્ત હમણાં જ મારી પાસે આવેલો. એની આંખમાં આંસુ હતાં. એ કહે, ગુરુદેવ! રોજના પાંચ સામાયિક કરું છું અને છતાંય નિમિત્ત મળતાં ક્રોધની અંદર ઉંધે માથે પટકાઉ છું. ગુરુદેવ આ સામાયિક હું કરું છું, પણ મારો સમભાવ જાગૃત નથી બન્યો. મારે શું કરવું જોઈએ? તમે કમસેકમ આવું પૂછવા માટે પણ આવ્યા છો? વિતરાગ પ્રભુની તમે પૂજા કરો છો રોજ… રાગ કેટલો ઓછો થયો તમારો? રાગ કેટલો ઓછો થયો? ચાલો ન થયો તો ય વાંધો નહિ. સદ્ગુરુને પૂછો કે ગુરુદેવ! મારી ક્યાં ચૂક થાય છે?
પેલો ધ્રુસકે-ધ્રુસકે રડે છે. એ વખતે આનંદમયી માઁ એ કહ્યું, કે તું પહેલી વાર મારી પાસે આવેલો. ત્યારે મેં તને કહેલું કે તારા અહંકારને સમાપ્ત કરી દે.! અહંકાર સાધનામાર્ગમાં, ભક્તિમાર્ગમાં મોટામાં મોટો અવરોધ છે. તું એને દુર કરી દે.! તું અહંકારને કાઢતો નથી. હું શું કરું? આજ જો ખરેખર તારી પાસે આંસુ સાચા હોય, તો અહંકારને મારા ચરણોમાં મૂકી દે.
એક વાત તમને કહું. સદ્ગુરુને કાંઈ જ જોઈતું નથી તમારું.! તમે સોનામહોર મુકો, કે ૫૦૦ ની કે ૨૦૦૦ ની નોટ મુકો, એ સીધું જ પેટીમાં જતું રહેશે. અમને જોઈએ છે તમારા દોષો.! ક્યારેક આવો.! તમારો ક્રોધ અમારા ચરણે મુકો, કે સાહેબજી અઠવાડિયા સુધી ગુસ્સો નહિ કરું.! ઘણીવાર એવું થાય છે કે ગુસ્સો થઈ જ જાય છે. બરોબર.? તો એના માટે પણ રસ્તો છે.. એક મજાનો નિયમ.. જેના પર ગુસ્સે થાવ એને પાંચસો રૂપિયા આપી દેવાના.! ક્રોઘની સામે લોભને ટકરાવો..!
એક ભાઈ વ્યાખ્યાનમાં ગયેલાં. વ્યાખ્યાન ક્ષમાભાવ ઉપર હતું. પેલા ભાઈ ખરેખર પીગળી ગયા. વ્યાખ્યાન પૂરું થયું. સાહેબ પાસે આવ્યા કે સાહેબ ગુસ્સો બહુ જ આવે છે. સામાન્ય નિમિત્તમાં ગુસ્સો આવે છે. હું શું કરું? ગુસ્સો આવતો હતો. પણ એનો બળાપો હતો. એ ગુરુ મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ હતા. એમણે કહ્યું એક કામ કરો. જેના ઉપર ગુસ્સો કરો એને પાંચસો રૂપિયા આપી દેવાના. પેલો કેટલો તૈયાર? ગુસ્સાથી કેટલો કંટાળેલો..! એણે નિયમ લીધો. વ્યાખ્યાન હોલમાંથી બહાર નીકળ્યો. માર્કેટ જવાનું હતું. ટેક્સી પકડી. ટેક્સી વાળાને પહેરવેશ ઉપરથી લાગ્યું કે શેઠ કોઈ બહારગામના લાગે છે. એટલે ટેક્ષીને ઘુમાવીને લઇ જાઉં. મીટર જરા વધારે ચડી જાય. જ્યાં એને ખોટા માર્ગે ટેક્ષી લીધી. શેઠ તો મુંબઈના જ હતા. એકદમ બરાડો પાડ્યો; એય શું કરે છે? ક્યાં લઇ જાય છે ટેક્ષી? પેલાએ સીધા માર્ગે લઇ લીધી. મીટરનું બીલ થયું એ તો આપ્યું. પાંચસો રૂપિયા extra આપ્યા. ડ્રાઈવરે કહ્યું; સાહેબ આટલા બધા પૈસા? મારે તો બસો જ રૂપિયા થયા. તમે સાતસો આપ્યા. તો કહે આ મારો નિયમ છે; આજે જ લીધો કે જેના પર ગુસ્સો કરું એને પાંચસો રૂપિયા મારે આપવા.! ડ્રાઈવર કહે; આ શેઠ બહુ સારો, કહે છે.! સાહેબ આવતીકાલે ટેક્ષી ક્યાં લઈને આવું બોલો? તમારે ખરેખર ક્રોધ કાઢવો છે?
સુરતના જ એક ભાઈ. સામાયિક નહતું થતું. સાહેબ પાસે નિયમ લીધો. સામાયિક ન થાય તો ૧૦૦ રૂપિયા ધર્માદાની પેટીમાં નાંખી દેવાના. પણ કરોડોપતિ માણસ. ૧૦૦ રૂપિયાની એને પડી નહોતી. મહીને ને અંતે જોયું, બે હજાર રૂપિયા પેટીમાં. સાલું ૨૦ દિવસ સામાયિક ન થયું.! નિયમ વધારી નાંખ્યો, હજાર રૂપિયા. હજાર રૂપિયા કર્યું, તો ય ૫-૭ સામાયિક તો પડયા જ. સીધું ૧૦,૦૦૦ કરી નાંખ્યા.! એક સામાયિક પડે એટલે ૧૦૦૦૦ નાંખી દેવાના.! તમે આવું કંઇક કરી શકો? દોષો ખટકે તો દોષો જાય જ.! આ સૂત્ર આપણે ત્યાં છે..
બે સુત્રો આપું; દોષો ખટક્યા તો ગયા.! ગુણો ગમ્યા તો મળ્યા.! કોઈનો પણ ગુણ ગમી ગયો, ભીતરથી ગમી ગયો, તમને મળશે જ.!
પણ ખરેખર તમે જેને ગુણાનુરાગ કહો છો ને એમાં પણ તમારા મનનું ચીટીંગ હોય છે. તમને એક વ્યક્તિ ગમે છે. પછી તમે એના ગુણોની વાત કરો છો. આ ભાઈમાં એટલા બધા સરસ ગુણો.! એમનો ક્ષમા ભાવ આવો, એની જયણા આવી, એમની દયા આવી; એનાથી પણ ઊંચા ગુણવાળો વ્યક્તિ છે, અને એની જોડે તમારે સહેજ અણબનાવ છે, તમે એના ગુણોને જોઈ શકશો ખરા? એટલે ખરેખર શું થયું? ગુણો ગમ્યા. કોના ગમ્યા? અમુક વ્યક્તિના. એ અમુક વ્યક્તિના ગુણો કેમ ગમ્યા? એ અમુક વ્યક્તિ તમને સારી માને છે માટે! એટલે આખરે ક્યાં આવ્યો? અહંકાર તરફ વાત આવી. ગુણાનુરાગનું મૂળ તમારો અહંકાર થઈ ગયો.! તમને એ વ્યક્તિ ગમે છે. શા માટે ગમે છે? તમને એ સારી માને છે માટે તમને ગમે છે.!
એટલે જ કહું છું. એક ખતરનાક ગણિત અનંત જન્મોથી ખોટું આપણને મળ્યું છે; અને એ જ ગણિત પ્રમાણે તમે અત્યારે પણ ચાલી રહ્યા છો. કમ્પ્યુટર છે મોટા મોટા ગણિતો કરી આપે, પણ એને પાયો જ ખોટો આપ્યો હોય તો? 2+2=5. આ તમે પાયો જ ખોટો આપી દીધો તો એના બધા જ દાખલા ખોટા પડશે કે નહિ.? એ કેલ્ક્યુલેટર જે પણ દાખલા કરશે એ ખોટા. પાયો જ ખોટો છે. એમ તમારા મનમાં એક ખોટો પાયો રચાઈ ગયો છે. તમે કોઇ પણ વ્યક્તિને સારી ક્યારે માનો છો? એ તમારા અહંકારને થાબડે છે ત્યારે.! એ મને સારી માને છે માટે સારી. એ મને ખરાબ માને છે માટે ખરાબ.! તમે તો આ ભૂમિકા ઉપર નથી ને?! ‘નમો લોએ સવ્વ સાહુણં.’ કે અસવ્વ સાહુણં? સવ્વસાહુણં કે અસવ્વ સાહુણં? બધાને નમસ્કાર કરી શકો છો? એકસરખી રીતે? એટલે જ હું કહું છું, કે મન બદલવું પડશે.
વેશ આપણે બદલ્યો. પ્રભુનો વેશ મળ્યો. મન કયું છે? પ્રભુનું કે અનંતકાળની સંજ્ઞાથી વાસિત મન છે? મન ફેરવવું પડશે. તમે જિનશાસનને પામેલા છો, તમારું પણ મન ફરી ગયેલું હોવું જોઈએ. જ્યાં જ્યાં ગુણ દેખાય, ત્યાં ઝુકી જાઓ.! એ તમારો કહેવાતો વિરોધી હોય તો પણ શું થઈ ગયું.?
એકવાર અમેરિકાના પ્રેસિડેન્ટે પોતાના એક સલાહકારને કહ્યું; કે આ પોસ્ટ માટે યોગ્ય માણસો તને કયા લાગે છે? લિસ્ટ કરીને આપ. એ સલાહકારે લિસ્ટ બનાવ્યું. એ વિષયના નિષ્ણાંત હોય એનું. એમાં પહેલું નામ કોનું હતું? એ સલાહકારનો જે પ્રખર વિરોધી માણસ હતો એનું હતું. એ લિસ્ટ તૈયાર થયું. એની પત્નીએ લિસ્ટ વાંચી લીધું. એ કહે તમારામાં અક્કલ-બક્કલ છે કે નહીં કાંઈ? તમે પ્રેસિડેન્ટ ને આના નામની ભલામણ કરો છો? તમારા માટે પ્રેસિડેન્ટને બહુ જ સન્માન છે અને તમે પહેલા નંબરે આને મુકો; એટલે પ્રેસિડેન્ટ એને એ પદ ઉપર નિયુક્ત કરશે. તમારામા અક્કલ છે કે નહિ.? આ માણસ તમારો પ્રખર વિરોધી.! કોઇ પણ ભાષણમાં તમારી ટીકા કર્યા વગર રહે નહીં, અને એ માણસને તમે આ પદ માટે યોગ્ય માનો છો.! ત્યારે એ સલાહકારે પત્નીને એટલું જ કહ્યું કે એ અમેરિકન પ્રેસિડેન્ટે મને એટલું જ પૂછ્યું છે કે આ પદ માટે યોગ્ય કોણ? મારો વિરોધી કોણ? અને મારો અનુગામી કોણ? એ પૂછ્યું નથી.! તો આ પદ માટે સૌથી શ્રેષ્ઠ માણસ એ છે.! અમેરિકામાં રહેલો, અમેરિકામાં ઉછળેલો, જેણે પ્રભુશાસન નથી મળ્યું, એ માણસ પણ જો આ રીતે પોતાના પ્રખર વિરોધીને પણ એક શ્રેષ્ઠ પદ માટે યોગ્ય માની શકતો હોય, આપણે ક્યાં છીએ? Where are we?
રોજ છે ને ૧૦ મિનીટ, ૧૫ મિનીટ આત્મપ્રેક્ષણ કરો. હું ક્યાં છું? મારે શું કરવું જોઈએ? હું જિનશાસનમાં આવેલો છું. પ્રભુએ કૃપા કરી.! પ્રભુએ એક પ્રેમ મારા પ્રત્યે દાખવ્યો.! અને એના શાસનમાં મને સ્થાન આપ્યું.!પ્રભુના ધર્મસંઘમાં જેણે પણ સ્થાન મળે એ માણસ કેવો હોય? રોજ આપણે પ્રભુની પાસે માંગીએ, ભવનિવ્વેઓ મગ્ગાણુસારિઆ ઇટ્ઠફલસિદ્ધિ. આ આપણી સજ્જતાઓ છે. તો રોજ આત્મપ્રેક્ષણ માટે, આત્મનિરીક્ષણ માટે, introspection માટે દસ મિનિટ રાખો. આખી દુનિયાને તમે જોયા કરો છો. T.v ના ટચૂકડે પડદે. તમારી appointment તમે ક્યારેય લીધી? આજથી શરૂ કરો. તમારી appointment રોજ દસ મિનિટ તમારે લેવાની. બપોરે તમે ગુસ્સે થયેલા. રાતની નિરવ શાંતિમાં તમે તમારી જાતને પૂછો કે બપોરે આ જે ગુસ્સો કર્યો એ બરાબર હતો. એની બદલે પ્રેમથી વાત કરી હોત તો?
હું ઘણીવાર કહું છું કે હવે લાલ આંખવાળનો જમાનો પૂરો થયો. હવે smiling face વાળાનો યુગ શરૂ થયો છે. તમારો દીકરો હોય કે તમારો નોકર હોય. તમે કોઈને પણ લાલ આંખે આજે કહી શકતા નથી.! તમારે માત્ર હસતા ચહેરે જ તમારી વાત કહેવી પડશે. તો આજથી જ introspection શરૂ કરી દો. રોજ આંતર-નિરીક્ષણ કરો.
તો ભક્તની પાસે અસહાયદશા હશે. એ અસહાયદશા એટલે જ શરણસ્વીકાર. સદ્ગુરુનું શરણસ્વીકાર આપણા જીવનમાં કેવા પરિવર્તનો લાવી શકે એની વાત અવસરે.
