Param Sparsh Ni Yatra – Vachana 28

20 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સકળ સામાચારીનું ધ્યેય – ધ્યાન

સદગુરુ એવો શક્તિપાત કરે કે જે ક્રોધની અંદર આવેશમાં આવીને જેમતેમ બોલી જનાર શિષ્યને પણ ઊંચકીને જ્ઞાન અને ધ્યાનની ધારામાં મૂકી દે.

સકળ સામાચારીનું ધ્યેય માત્ર ધ્યાન છે. આપણી બધી જ વ્યવહાર સાધના આખરે નિશ્ચય સાધના તરફ જ જવાની. અને તમારું તમારામાં હોવું એ જ નિશ્ચય સાધના. એ જ ધ્યાન.

આંખો બંધ કરવી કે ટટ્ટાર બેસવું એ ધ્યાન નથી. શબ્દો અને વિચારો પણ ધ્યાન નથી. ધ્યાન એટલે અનુભૂતિ; તમને થતો તમારો પોતાનો અનુભવ.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૮

પરમાત્મા પ્રેમ સતત વરસતો રહ્યો. આ જન્મમાં એક ક્ષણ, એક સેકંડ એવી ન જાય, કે જેમાં આપણે એના પ્રેમને ન ઝીલતાં હોઈએ. ભક્ત પોતાની અસહાયદશામાં પ્રભુના પ્રેમને સતત.. સતત.. ઝીલી શકે છે. ભક્તની એ અસહાયદશા એ જ પંચસુત્રના પહેલા સૂત્રની સાધના ત્રિપદીનું પહેલું ચરણ – ચતુ:શરણ સ્વીકાર. 

પ્રભુના શરણનો સ્વીકાર. સદ્ગુરુના શરણનો સ્વીકાર. Surrender ની સામે care. સદ્ગુરુ તમને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે છે! એકમાત્ર સમર્પણ તમારી પાસે જોઈએ! 

પરમપાવન ઉત્તરાધ્યયન સુત્રના પહેલા અધ્યયનમાં સદ્ગુરુની આ દિવ્ય શક્તિની વાતો થઇ છે. એક શિષ્ય છે, જે ક્યારેક ક્યારેક ક્રોધના આવેશમાં આવી જાય છે, અને ક્રોધના આવેશમાં આવ્યા પછી એને બોલવાનો કોઈ ખ્યાલ રહેતો નથી. હા, એનો plus point એ છે કે એ સદ્ગુરુને સમર્પિત છે. સદ્ગુરુએ એના ઉપર કામ શરૂ કર્યું; નજીક બોલાવ્યો, પ્રેમથી એને કહ્યું, “मा य चंडालियं कासी” આજથી તારે ક્રોધના આવેશમાં આવીને જેમ-તેમ બોલવાનું નથી.! એવો શક્તિપાત થયો, અને એવો ઝીલાયો, કે ક્રોધ છૂ! ક્રોધનો આવેશ આવે, તો જેમ-તેમ બોલાય ને? સદ્ગુરુએ શક્તિપાત કર્યો, “मा य चंडालियं कासी” આજથી તારો ક્રોધ બંધ.! કેટલો તો shortest cut છે.! તમને ગમે આ? એકદમ shortest cut.! સદ્ગુરુ પાસે આવવાનું, સદ્ગુરુ કહી દે, તારો ક્રોધ આજથી બંધ.! વાત પુરી થઇ ગઈ.! એ શક્તિપાત એવો ઝીલાઈ ગયો, ક્રોધ છૂ! 

હવે, ગુરુ એના તરફ જુએ છે. ગુરુને લાગ્યું કે બિનજરૂરી શબ્દો હજુ એ બોલે છે ખરો. મેં એકવાર વાચનામાં પૂછેલું, કે ગુરુ-ગુરુણીની વાત બાજુમાં રાખીએ હમણાં; શિષ્ય અને શિષ્યાઓ જે છે, એમને ૨૪ કલાકમાં કેટલી મિનિટ બોલવું પડે? જવાબ મને એ મળ્યો કે ગુરુદેવ! પાંચ મિનિટ, દસ મિનિટ અનિવાર્ય રૂપે કદાચ ક્યારેક બોલવું પડે. એટલે પોણા ૨૪ કલાકનું મૌન તો રોજનું તમારું! બરોબર ને? સદ્ગુરુએ જોયું; કે બિનજરૂરી ૨-૫-૧૦ શબ્દો પણ એ બોલે છે ખરો. ફરી બોલાવ્યો.! શક્તિપાત કર્યો, “बहुयं मा य आलवे” હવે તારે વધારે પડતું, બિનજરૂરી એક પણ શબ્દ બોલવાનો નથી.! 

એક આશ્રમમાં એક સાંજે એક ભક્ત આવ્યો. ગુરુને વંદન કર્યું. પછી એને ખ્યાલ આવ્યો; કે સવારે પાંચ વાગે ગુરુદેવ અને એમના પટ્ટશિષ્ય આશ્રમની પાછળના ઉદ્યાનમાં morning walk માટે જાય છે. દોઢ એક કલાક morning walk ચાલે છે. પેલા ભક્તને થયું; આટલા મોટા ગુરુ અને એમના પટ્ટશિષ્ય એ બેઉ ચાલતા હોય, દોઢ કલાક સુધી કેટલી તો સાધનાના મર્મની વાતો થતી હોય… મને એમાં જોડાવા મળે તો કેવું સારું.! ભક્તે પટ્ટશિષ્યને પૂછ્યું કે આવતી કાલની સવારની morning walk માં હું જોડાઈ શકું. પટ્ટશિષ્ય સદ્ગુરુને સમર્પિત હતો. તમે બધા શિષ્યો છો ને? ગુરુનું કામ અડધું કરી નાંખો. આમાં ગુરુને શું પૂછવાનું હોય?! “આવજે ને તું તારે.! તારા પગે તારે ચાલવું છે.” પણ એ પટ્ટશિષ્ય સદ્ગુરુને સમર્પિત હતો. એણે ગુરુદેવને પૂછ્યું; સાહેબ આ ભક્ત આવ્યો છે. એ આવતીકાલની morning walk માં જોડાઈ શકે? ગુરુએ કહ્યું; એને કહી દેવાનું, એક પણ શબ્દ બોલે નહિ, મૌનમાં ચાલ્યો આવે. સદ્ગુરુ આગળ, પાછળ પટ્ટશિષ્ય, પાછળ ભક્ત. સદ્ગુરુ સંપૂર્ણ મૌનમાં ચાલતાં હતાં. પટ્ટશિષ્ય પણ મૌનમાં હતો. ભક્તને સુચના અપાયેલી કે મૌનમાં રહેવાનું છે. દોઢ કલાકની morning walk માં એક સ્થળ એવું આવ્યું. એકદમ panoramic view! પહાડમાંથી ઝરણા દદળી રહ્યા હતાં.. મોરોનું વૃંદ નૃત્ય કરી રહ્યું હતું.. શહેરમાં રહેનારો ભક્ત એને ક્યારે પણ આવું દ્રશ્ય જોયેલું નહિ. એ દ્રશ્ય એણે જોયું, એના મોઢામાંથી શબ્દો નીકળ્યા, વાહ! કેવું અદ્ભુત દ્રશ્ય.! દોઢ કલાકની morning walk માં એક વાક્ય ભક્ત બોલ્યો.. બીજી સાંજ ભક્તને રોકાવાનું થઇ ગયું. ફરી એણે પટ્ટશિષ્યને પૂછ્યું કે આવતીકાલની morning walkમાં હું જોડાઈ શકું? હવે શું થાય? તમે હોવ તો શું કહો? “અરે! ભાઈ, તને કહ્યું ને બોલવાનું નહિ, આવજે ને…!” પટ્ટશિષ્ય ગુરુને પૂછવા ગયો… 

આ હિંદુ પરંપરાની વાત કરું છું. તમને, આપણને લોકોત્તર શાસન મળ્યું છે. આપણે ક્યાં હોઈએ? મેં પહેલા કહેલું; હરીભદ્રસૂરિ ભગવંતે કહ્યું; “મુત્તૂણ આણપાણં” એક શ્વાસોશ્વાસની ક્રિયા છોડીને બીજું બધું જ શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે કરે. એક શ્વાસ લેવો છે અને એક શ્વાસ મુકવો છે. એ વખતે સદ્ગુરુને પૂછી શકાય નહિ. પૂછવા જાવ તો સદ્ગુરુની સાધનાને વ્યાઘાત પહોંચે માટે એટલી છૂટ આપી, પણ, એક લીટીની ચબરખી કોઈને લખવી હોય તો શિષ્ય ગુરુને બતાવ્યા વિના એ ચિટ્ઠી લખી શકે નહિ. 

પટ્ટશિષ્ય ગુરુને પૂછવા ગયો. સાહેબ! પેલા ભક્તને આવતી કાલે પણ morning walk માં જોડાવવું છે, જોડાય? એ વખતે ગુરુ કહે છે, એ બક્બકિયાને ના પાડી દેજે.! દોઢ કલાકની morning walk માં એક વાક્ય જેણે ઉચ્ચારેલું, ગુરુની પરિભાષામાં એ બક્બકિયો છે.! કારણ? બિનજરૂરી શબ્દો એણે વાપર્યા.! ભાઈ! અમે પણ જોતાં હતાં, panoramic view છે; તારે બોલવાની જરૂર ક્યાં હતી? 

સદ્ગુરુએ બીજો શક્તિપાત કર્યો. “बहुयं मा य आलवे” બિનજરૂરી બોલવાનું નહિ.! કેટલો ટાઈમ તમારો બચે.! તમે મૌનમાં આવો; કેટલો સમય તમારો બચે! હવે એ જે સમય બચ્યો, એને સદ્ગુરુ જ્ઞાન અને ધ્યાનમાં મુકવા માંગે છે. એટલે ત્રીજા શક્તિપાતમાં ગુરુ કહે છે; “कालेण य अहिज्जित्ता” સ્વાધ્યાય માટે જે સમય નિયત કરેલા છે, એ સમયે તારે સ્વાધ્યાય કરવાનો છે. અને ચોથો શક્તિપાત કર્યો, “तओ झाएज्ज एगगो” અને ધ્યાન માટે જે સમય નક્કી કરાયો છે, એ સમયે તું ધ્યાન કરજે.! 

ઉત્તરાધ્યયન સૂત્ર તમે ભણેલા છો; તમને ખ્યાલ છે ત્યાં સ્પષ્ટ લખ્યું છે; “बिए झाणं झियायए” બીજા પ્રહરમાં ધ્યાન. ધ્યાનની પરંપરા છૂટી ક્યારે? મને એમ લાગે છે; કે ૪૦૦ વર્ષથી ધ્યાનની આ જીવંત પરંપરા છૂટી, હીરવિજય સૂરિ દાદા પછી. ૩૦૦ વર્ષ પહેલાંનો મહોપાધ્યાય યશોવિજય મહારાજનો એક મજાનો ઉલ્લેખ આપણને મળે છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનની અંદર. એ વખતે અર્થપોરસી ચાલુ હતી; ૩૦૦ વર્ષ પહેલાં, પણ એ અર્થપોરસી ધ્યાનમાં પર્યવસિત થતી હતી. સાડા ત્રણસો ગાથાનું સ્તવન, મહોપાધ્યાય યશોવિજય મહારાજે લખ્યું. એના ઉપર ગુજરાતીમાં વિવેચન, સ્તવન પદ્મવિજય મહારાજે લખ્યું. એટલે એક મણીકાંચન યોગ થયો. બે દિગ્ગજ ધુરંધરો, એક ગ્રંથમાં ભેગા થાય, એ મણીકાંચન યોગ. 

યોગવિંશીકા નાનકડી કૃતિ. પણ, એમાં મણીકાંચન યોગ થયો. હરોભદ્રસૂરિ મ.સા.ની મૂળ યોગવિંશીકા અને મહોપાધ્યાય યશોવિજય મહારાજની ટીકા.! એ ટીકા કેટલીવાર મેં વંચાવી હશે. મૂળમાં આવે છે શરૂઆતમાં “मुक्खेण जोयणाओ जोगो सव्वोवि धम्मवावारो” યોગની વ્યાખ્યા આપી- મોક્ષની સાથે તમને જે જોડી આપે તે સકલ ધર્મક્રિયા એ યોગ. ટીકાની શરૂઆત થઇ; એમાં લખ્યું, “मोक्षेण महानन्देन योजनात्” એકવાર સ્ફૂરણા થઇ કે મોક્ષના પર્યાય તો ઘણા બધા હતા. મોક્ષના પર્યાય તરીકે માત્ર મહાનંદ શબ્દ મહોપાધ્યાય યશોવિજય મહારાજે કેમ વાપર્યો? પછી એમ લાગ્યું કે અશબ્દની અંદર સાહેબ બે વાત કરવા માંગે છે. આ બધી જ ધર્મક્રિયાઓ પરંપરાએ તમને મોક્ષની સાથે સાંકળે અને તાત્કાલિક રૂપે અનંતર મહાન આનંદ સાથે જોડી આપે. 

પરંપરાએ બધી જ ધર્મક્રિયાઓ મોક્ષ સાથે જોડી આપશે, પણ, અત્યારે શું? વૈયાવચ્ચ કરી દસ મિનિટ અને આનંદથી તમારું હૃદય છલકાઈ ઉઠે.! પ્રભુની ભક્તિ કરી. પૂજા કરીને ઘરે આવો છો. કેફ કેટલો ટાઈમ રહે ભાઈ? પૂજાનો કેફ કેટલો ટાઈમ રહે..? ‘વિશાલલોચન’ સૂત્રમાં લખ્યું; “येषामभिषेक-कर्म कृत्वा, मत्ता हर्ष-भरात् सुखं सुरेन्द्रा:. तृणमपि गणयन्ति नैव नाकं” પ્રભુનો અભિષેક કરીને ઇન્દ્રો પોતાના દેવલોકમાં જાય. પણ, ત્યાં દેવલોકમાં એમને ચેન પડતું નથી. તમારે આવું થાય ક્યારેય? પ્રભુની ભક્તિ કરીને ગયા અને ઘરે ચેન ન પડે.! અને ઘરે ચેન ન પડે તો ઉપાશ્રયે આવી જવાનું… એક-એક ધર્મક્રિયા તમને મહાન આનંદ સાથે જોડી દે. 

તો આ મણીકાંચન યોગ હતો, કે બે દિગ્ગજ ધુરંધરો એક જ ગ્રંથમાં ભેગા થયેલા. By the way એક વાત યાદ આવી. ‘અમૃતલાલ વેગળે’ નર્મદા પરિક્રમામાં અને પછી શાંતિનિકેતન ના સંસ્મરણોમાં એક મજાની વાત લખી છે; એ લખે છે; કે શાંતિનિકેતનના, રવીન્દ્રનાથ ટાગોરે બંગાળમાં જે વિદ્યાપીઠ સ્થાપેલી તેના એક પ્રોફેસરે મને કહેલું, કે મારી આંખોમાં મણીકાંચન યોગ થયો છે; એક આંખમાં ઝામર હતું, એકમાં મોતિયો આવતો હતો. તો પ્રોફેસરે કહ્યું; એક આંખમાં ગ્લુકોમાં, એકમાં કેટરેક્ટ, મારી બંને આંખોમાં મણીકાંચન યોગ થયો છે. આ શું હતું? ઘટનાને એકદમ lightly જોવાની વાત હતી. 

તો ૩૫૦ ગાથાનું સ્તવન મહોપાધ્યાય યશોવિજય મહારાજે લખેલું; એના ઉપર ગુજરાતીમાં સ્તવન પદ્મવિજય મ.સા. એ લખેલું. એમાં એક પ્રસંગ આવે છે. કે એક મુનિરાજે અર્થપોરસી ચાલુ કરી. સૂત્રપોરસી થઇ ગઈ. પછી પાત્રા પોરસી ભણાવી. પાત્ર પ્રતિલેખન કર્યું. અને હવે અર્થપોરસી શરૂ કરી. પણ, અર્થ પોરસી કેવી રીતે થતી, એની વાત ત્યાં લખી છે. એકાદ ગાથા સૂત્ર કે એનું એકાદ ચરણ અથવા એકાદ શબ્દ એના અર્થના ઊંડાણમાં જવાનું… ઊંડાણમાં તમે જશો, ન શબ્દ રહેશે, ન વિચાર રહેશે, અનુભૂતિમાં તમે આવી જશો.! એ અનુભૂતિ એ ધ્યાન. શબ્દ અને વિચાર સાધન રૂપ ખરા, પણ ક્યાં સુધી? એ તમને ધ્યાનમાં લઇ જાય ત્યારે. 

કબીરજીએ એક જગ્યાએ કહ્યું; “શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે” એક શબ્દ ને બીજો શબ્દ ઘણો બધો ફરક છે. સાર શબ્દ હોય એને પકડી લો, અસાર શબ્દોને ફેંકી દો. તમને આવડે ને આવું? 

એક વેપારીએ નક્કી કર્યું કે પોતાનો birthday હતો, ખજુરનો હોલસેલ વેપારી હતો; તો ખજૂરના ૧૦૦-૧૦૦ ગ્રામના પેકેટ બનાવ્યા, હજારેક; અને નક્કી કર્યું કે આજે મારો birthday છે, દુકાન પાસેથી જે પણ પસાર થાય, એને ૧૦૦ ગ્રામનું ખજુરનું પેકેટ ભેટમાં આપવું. હવે મ.સા. ને વહોરાવવાનું હોય, તો તો ઠળિયા કાઢેલા હોય, ટાઈમ થયેલો હોય. પણ, લોકોને આપવાનું હતું એ તો ઠળિયા સાથેની જ ખજુર હોય. ૧૦૦૦ લોકોને સવારથી સાંજ સુધીમાં એણે ખજૂરના પેકેટ આપ્યાં. હવે હું તમને પૂછું? કે ૧૦૦૦માંથી કેટલા એ વેપારી જોડે ઝઘડો કરવા આવે? તમે કહેશો ઝઘડો શેનો હોય? ખજુર આપી તો…? અરે ખજુર આપી, અરે ઠળિયા જોડે આપ્યા કે નહિ આપ્યા? પણ, તમારી પાસે એક આવડત છે. ખજુર ખજુર ખાઈ લો અને ઠળિયા ફેંકી દો. બરોબર? તો કોઈએ કંઈક કીધું, હવે એને બોલતાં ન પણ ફાવતું હોય, સાર શબ્દ પકડી લો. એ શું કહેવા માંગે છે. બિનજરૂરી શબ્દ હોય એને ફેંકી દો.! આવડે કે નહિ આવડે? 

“શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે” કો’કે પૂછ્યું; સાર શબ્દની વ્યાખ્યા શું? ત્યારે એમણે કહ્યું; “જો શબ્દે સાહિબ મિલે” જે શબ્દ દ્વારા પ્રભુ મળે એ સાર શબ્દ.

પ્રશમરતિમાં આ જ વાત કહી. “तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्यं” વાંચવું છે, એક પુસ્તક હાથમાં લીધું, બે પાનાં ફેરવ્યા. તમારી જાતને પૂછો કે આ પુસ્તક વાંચવા દ્વારા મારી સાધનામાં કંઈક આગળ હું વધી શકું એમ છું? ના,  માત્ર મનોરંજનનું પુસ્તક છે. Book shelf માં મૂકી દો. એ જ વિચારવું છે, એ જ બોલવું છે, એ જ કરવું છે; જેનાથી તમારી સાધના એક પડાવ આગળ વધી શકે. તો કોઈએ કંઈક કહ્યું; વાંધો શું છે? સાર શબ્દ પકડી લીધો, અસાર શબ્દ ફેંકી દીધો. 

તો એક શબ્દ જે છે, એના ઊંડાણમાં મુનિ ઉતરે છે. જ્યાં ઊંડાણ આવે ને, ત્યાં શબ્દ પણ છૂટી જાય, વિચાર પણ છૂટી જાય, માત્ર અનુભૂતિ રહે. શબ્દ અને વિચાર એ ઉપરની સપાટી છે. હું મારા ધ્યાન સત્રોમાં ઘણીવાર શ્રોતાઓને પૂછું કે તમારા જે વિચારો છે, એમાંથી ૯૯% નકામાં કે ૧૦૦% નકામાં? પ્રશ્ન સમજ્યા ને? તમે જે વિચાર ૨૪ કલાક કર્યા કરો છો, એમાંથી ૯૯% નકામા કે ૧૦૦% નકામા? બોલો… કામના કેટલા? એ વિચારો તમારી કેટલી energy ખતમ કરે? તમારો કેટલો સમય ખતમ કરે? તો શબ્દ અને વિચારોને પેલે પાર અનુભૂતિ છે. 

ધ્યાન એટલે અનુભૂતિ. તમને તમારી જે અનુભૂતિ થાય એનું નામ ધ્યાન. આંખો બંધ કરવી એ ધ્યાન નથી, ટટ્ટાર બેસવું એ ધ્યાન નથી, એ તો પ્રાણાયામ છે. યોગના આઠ અંગો પતંજલિ મહર્ષિ એ આપ્યા. પણ એમાં પ્રાણાયામ વિગેરે તો શરૂઆતના અંગો છે. ધ્યાન એટલે શું? તમને તમારો અનુભવ થાય. કેટલાનો અનુભવ કર્યો? બીજાઓનો.! તમારો અનુભવ કર્યો? તમે આનંદઘન છો, તમને ખ્યાલ છે? આમ લમણે હાથ દઈને બેઠેલા હોવ.! 

મેં એકવાર પ્રવચનમાં કહેલું કે પુરુષોને રાત્રે પણ અમારા ઉપાશ્રયમાં આવવાની છૂટ. કોઈ પણ મુનિ રાત્રે ૧૦ વાગે પણ લમણે હાથ દઈને બેઠેલો હોય, નિરાશ થઈને બેઠેલો હોય, એને રંગાયેલા હાથે પકડજો. પણ, અમારો કોઈ મુનિ, અમારી કોઈ સાધ્વી નિરાશ, બેચેન ક્યારે પણ હોય જ નહિ. સદાને માટે આનંદમાં હોય. તમે પણ આનંદઘન છો. 

આજે meditation ની ઘણી બધી પદ્ધતિઓ નીકળી છે. આપણી પાસે meditation ની superior પદ્ધતિ છે. સર્વજ્ઞ પ્રભુએ આપેલી એક superior ધ્યાનની પ્રક્રિયા આપણી પાસે છે અને છતાં આપણે બહાર ફાંફા મારવા જઈએ છીએ.! 

મુંબઈની ગોવાલિયા ટેંકની સભામાં, માટુંગાની સભામાં આપણા meditationનું જ્યારે મેં PRSENTATION કર્યું, થીયરીકલી અને પ્રેક્ટીકલી. એટલા બધા સાધકો પાછળથી મારી પાસે આવ્યા, જે લોકો ઘણી બધી સાધના પદ્ધતિઓમાં જઈ આવેલા હતા. એમણે આનંદ સાથે કહ્યું; કે સાહેબજી આપણે ત્યાં આટલી સરસ સાધના પદ્ધતિ છે તો એનું PRSENTATION કેમ નથી થતું?! અનુકુળતા મળે ત્યારે આપણે પણ ધ્યાનના સત્રો રાખીશું અને પ્રભુએ કહેલ ધ્યાન એને જ આપણે આત્મસાત્ કરવાનું છે. 

તો શબ્દોને પેલે પાર, વિચારોને પેલે પાર ધ્યાન છે. 

તો એ મુનિરાજ ૧૧ વાગે ધ્યાનને સ્પર્શ કરવાની ક્ષણો તરફ જઈ રહ્યા છે. શબ્દો બે-ચાર જ હતા. એ ધીરે ધીરે અદ્રશ્ય થઇ રહ્યા છે. વિચારો પાંખા થઇ રહ્યા છે અને ધ્યાનદશામાં જવાની તૈયારી થાય છે. એ વખતે ગોચરી નિયામક મુનિનો આદેશ આવ્યો કે આજે ગોચરી તમારે જવાનું છે. આજ્ઞા એ તો આજ્ઞા. એ મુનિરાજ તરત જ ફરી પાત્રાનું દ્રષ્ટિ પ્રતિલેખન કરી, ઝોળીમાં પાત્રા વિગેરે નાંખી, વહોરવા માટે જાય છે. એ વખતે બે શક્યતા બતાવી. ભિક્ષાના પેટા-અર્ધપેટા વિગેરે પ્રકારો દ્વારા જો એ મુનિ વહોરવા માટે જાય, તો એટલી ગોચરી લાવતાં એમને કલાક-દોઢ કલાક થાય; અને દોઢ કલાકે એ આવે, ગોચરી આલોચી લે, પાત્રા મૂકી દે, પોતાના આસને જાય, ઈરિયાવહિયા કરી અને બેસે તો પણ ધ્યાનની ધારાનું અનુસંધાન હવે શક્ય નહિ બને. દોઢ કલાક વચ્ચે થઇ ગયો છે. પણ નજીકના ૫-૭ ઘરોમાંથી ફટાફટ ગોચરી લઈને આવે, ૫-૧૦ મિનિટમાં, કદાચ એ દુષિત ગોચરી હોય તો પણ, એ વહોરીને આવે, ગોચરી આલોચે, પાત્રા મુક્યા, પોતાની જગ્યાએ ગયા, ઈરિયાવહિયા કરી અને સીધું જ પેલી ધારાનું અનુસંધાન કર્યું, અને એ ધ્યાનમાં જઈ શકે એમ છે. તો એમણે શું કરવું જોઈએ…? તો સ્પષ્ટ ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું; કે એ વખતે એ મુનિ ૫-૭ ઘરોમાંથી ગોચરી લઇ આવે, 

અને એ રીતે ધ્યાનની ધારાનું અનુસંધાન કરે. સકલ સામાચારીનું ધ્યેય માત્ર ધ્યાન છે.! આપણી બધી જ વ્યવહાર સાધના આખરે નિશ્ચય સાધના તરફ જ જવાની છે. અને નિશ્ચય સાધના એટલે શું? બરોબર યાદ રાખો – તમારું તમારામાં હોવું.! એ નિશ્ચય સાધના.! 

એકવાર આ ધ્યાનનો અનુભવ તમે કરશો ને તો આજના stress age માં તમે છો. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે; કે આજનો માણસ stress age – તણાવના યુગમાં જીવી રહ્યો છે. એમાં ય આ સુરત. મંદીનું વાવાઝોડું પૂરું છે. Stress age માં હોવા છતાં, તમે stress free age માં જઈ શકો, ધ્યાનના કારણે. કારણ તમે ક્રિયાઓ કરો છો. પણ ક્રિયાઓ કરતી વખતે મનને તમે સંપૂર્ણતયા એમાં મુકતા નથી. 

પ્રભુના દર્શન માટે ગયા. ચૈત્યવંદન કરી રહ્યા છો. એ વખતે પરમાત્મા સામે છે. પરમાત્માનું અપાર રૂપ તમારી સામે છે.;અને કોઈ વ્યક્તિ આવે, તમારી આંખો એના તરફ કેન્દ્રિત થાય છે.! તમારું મન એ વખતે સંપૂર્ણતયા પ્રભુની અંદર ડૂબતું નથી.! 

લલિતવિસ્તરામાં ચૈત્યવંદન કરવા માટે સાધુ કે શ્રાવક જાય, ત્યારે એની સજ્જતા કેવી હોય, એની વાત કહી, “भुवनगुरौ विनिवेशितनयनमानसो” હરીભદ્રસૂરિ મહારાજ કહે છે; કે એક શ્રાવક હોય કે એક મુનિ હોય, એક સાધ્વી હોય કે એક શ્રાવિકા હોય, તમે ચૈત્યવંદન કરવા માટે ગયા, ત્યારે તમારી સજ્જતા કેવી હોય? “भुवनगुरौ विनिवेशितनयनमानसो” તમારી આંખો અને તમારું મન સંપૂર્ણતયા પ્રભુ તરફ કેન્દ્રિત થયેલા હોવા જોઈએ. અને તમારી આંખ અને તમારું મન પ્રભુ તરફ, પ્રભુના મુખ તરફ સંપૂર્ણતયા કેન્દ્રિત હોય તો પ્રભુના મુખ પર જે પ્રશમરસ ફેલાયેલો છે એ તમને જોવા મળશે. 

ચાલો, તમે હોશિયાર માણસો છો, ભાઈ એ તો પ્રભુ હતાં.! ગજસુકુમાલ મુનિની વાત આવે, ભાઈ હવે એ તો મહાપુરુષ હતાં.! પણ, તમારો સ્કુલમેટ, ક્લાસમેટ, બેંચમેટ એણે દીક્ષા લીધી. એને વંદન કરવા તમે જાવ અને એના ચહેરા ઉપર અપાર આનંદ ઝળકતો હોય, તમે એના closed friend છો, તમે પૂછી શકો ને, મ.સા. આપણે સાથે રમેલા, સાથે જમેલા, સાથે હરેલા-ફરેલા, આ આટલો આનંદ તમારી પાસે છે એ ક્યાંથી આવ્યો? પૂછ્યું કોઈવાર? 

આ સુરત દીક્ષાનું hub. તમારા કોઈના કોઈ પરિચિત, સંબંધી દીક્ષામાં હોય. તમે એમને પૂછ્યું; કે આટલો આનંદ તમારી પાસે ક્યાંથી છે? એ સ્પષ્ટ કહેશે; પ્રભુ મળ્યાં ! પ્રભુની આજ્ઞાઓ મળી ! બસ આનંદ જ આનંદ છે.! એક ક્ષણ માટે પીડાનો અનુભવ મારી પાસે નથી.! ઘટના પ્રતિકુળ ઘટી શકે.! મેલેરિયા તાવ અમને પણ આવી શકે, ડેન્ગ્યું અમને પણ આવી શકે, ચીકનગુનિયા અમને પણ આવી શકે. પણ ડેન્ગ્યું, ડેન્ગ્યું ના ઠેકાણે, અને અમે અમારા ઠેકાણે.! અમે સતત પ્રસન્ન હોઈએ. તો ક્યારેય સભાનદશામાં ગુરુદેવોને વંદના થઇ છે? એક પરંપરાથી વંદન થઇ ગયું. પણ, ખરેખર એ મુનિરાજનો, એ ગુરુદેવનો આનંદ તમને સ્પર્શ્યો હોય, એવું થયું ખરું? કોઈ તમારો મિત્ર હોય, તમને ખબર પડે, કે એવી લાઈન એને મળી ગઈ છે, કે કરોડો નહિ, અબજો રૂપિયા એને ભેગા કરી નાંખ્યા. એ મળે ત્યારે તમે એને શું પૂછો? યાર કઈ રીતે તે આ લાઈન લીધી, એ તો કહે! કયા સોર્સીસ તારી પાસે છે? એમ તમારા સ્કુલમેટ, ક્લાસમેટ કે બેંચમેટને તમે પૂછો નહિ કે આ શું થયું; કે તમે આટલા બધા આનંદમાં આવી ગયા.! 

તો સદ્ગુરુએ કેવો શક્તિપાત કર્યો.! ક્રોધની અંદર આવેશમાં આવીને જેમ-તેમ બોલી જનાર શિષ્ય એને જ્ઞાન અને ધ્યાનની ધારામાં મૂકી દીધો.! 

એકવાર મને વાચનામાં પ્રશ્ન કરવામાં આવેલો કે પહેલાં સૂત્રપોરસી અને પછી અર્થપોરસી કે ધ્યાન આવું શા માટે? સવારે ઉઠ્યા છીએ, સૂર્યોદય વખતે દાંડાનું પડીલેહણ થયું, પછી ગુરુદેવને વંદન થયું એ પછી સીધું ધ્યાન કેમ નહિ? શરીર fresh છે. મન fresh છે. તો પહેલાં ધ્યાન કેમ નહિ? પહેલાં ગોખવાનું શા માટે? પહેલાં સૂત્રપોરસી શા માટે? તો એ વખતે મેં કહેલું; કે ગણધર ભગવંતે આપેલા સુત્રો એ મંત્રો છે. એનું એક ધ્વનીની દ્રષ્ટિએ મહત્વ છે.

એક વિદ્વાને કહેલું કે વેદોનો પણ અર્થ શોધવાની બહુ કોશિશ નહિ કરો. There is the Phonetism. વેદોમાં, આપણા આગમોમાં ફોનેટીઝમ છે. ધ્વન્ત્યાત્મકતા છે. એવો એક ધ્વની મુકવામાં આવ્યો છે કે જે ધ્વની તમારા વિચારોને તોડી નાંખે.! નિર્વિકલ્પદશામાં તમને લઇ જાય.! અને સાધનામાટેનું એક base તમને આપે.! અને એટલે જ તમને ખબર છે; ગોખવાનું, ગાથા કરવાની પણ ઘોષપૂર્વક… અવાજપૂર્વક તમે ન ગોખો તો અતિચાર તમને લાગે. ‘ઘોષએણં’ એ અતિચાર છે. કેમ અતિચાર છે? શા માટે? કારણ આ જ.. કે એ ધ્વની મંત્રોનો કમસેકમ તમારા કાન પર અથડાવવો જોઈએ. 

તો ધ્વની બે કામ કરે – વિકલ્પોને તોડે, જે નિર્વિકલ્પદશા ધ્યાનમાં જવા માટે બહુ જરૂરી છે, એ foundation પણ ધ્વની આપે; અને તમારી સાધનાને એક base આપવાનું કામ પણ ધ્વની કરે. 

આ વાત બહુ જ મજાની છે. અને એના સંબંધમાં જ મંત્રચૈતન્ય, મૂર્તિચૈતન્ય આ શબ્દો આપણે ત્યાં આવ્યા. મંત્ર શબ્દ આપણે ત્યાં નથી, મંત્રચૈતન્ય શબ્દ છે. મૂર્તિ શબ્દ આપણે ત્યાં નથી, મૂર્તિચૈતન્ય શબ્દ છે. 

પણ એક મજાની વાત કરું; કે મૂર્તિની અંદર પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ છે અને મંત્રોમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ છે. તો બધી બહુ મજાની વાત આપણે અવસરે જોઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *