વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાતા ધ્યેય ભયે દોઉં એકહું
તમારી ચેતના પરમાત્માની ચેતના સાથે એકાકાર થઇ ગઈ; પરમાત્માની ચેતના જેવી જ નિર્મલ ચેતના તમારી થઇ ગઈ તો એ ક્ષણોમાં તમે બધા જ દોષોથી મુક્ત બની ગયા. દોષમુક્તિ માટેનો કેવો મજાનો અભિગમ!
જ્યોતિર્મય એવા પરમાત્મા સાથે એકાકાર થવા માટે આપણે પોતે જ્યોતિર્મય બનવું પડશે. શબ્દ પૌદગલિક / અજ્યોતિર્મય ઘટના. વિચાર પણ અજ્યોતિર્મય ઘટના. માત્ર અનુભૂતિ એ જ જ્યોતિર્મય ઘટના છે. શબ્દો અને વિચારો જો અનુભૂતિમાં ફેરવાય, તો જ કામના; નહીંતર નકામા.
થોડી ક્ષણો માટે પણ તમે સમભાવ કે વીતરાગદશાના અનુભવમાં જાઓ અને એ ક્ષણોમાં પરમચેતના સાથે તમારી ચેતના એકાકાર થતી હોય – એ કેટલી મોટી વાત છે!
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૦
પ્રભુનો પ્રેમ અગણિત સમયથી આપણા ઉપર વરસતો જ આવ્યો, વરસતો જ આવ્યો. આ જન્મમાં પ્રભુના પ્રેમથી હૃદયને, અસ્તિત્વને છલોછલ ભરી દેવું છે. પ્રભુના પ્રેમથી પૂરું હૃદય છલકાઈ ઉઠે… પૂરું અસ્તિત્વ નીખરી ઉઠે… ત્યારે શું થાય.?
એ ક્ષણોની વાત; મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ સ્તવનામાં કહી. આખરે તો અનુભૂતિવાન વ્યક્તિ જ આવી ક્ષણોનું સૂક્ષ્મતાથી વ્યાન કરી શકે. બહુ જ મજાની કેફિયત એ ક્ષણોની… “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરન રાગ” એ પૂર્ણ રાગ ઝીલાયો, પૂરા અસ્તિત્વમાં શું થયું? “ધ્યાતા ધ્યેય ભયે દોઉં એક હું, મીટ્યો ભેદ કો ભાગ” બહુ મજાની પ્રસ્તુતિ એ ક્ષણોની આવી. ધ્યાતા ધ્યેય ભયે દોઉં એક હું, મીટ્યો ભેદ કો ભાગ – એક ક્ષણોમાં પરમાત્માની ચેતના સાથે આપણી ચેતના એકાકાર થાય છે. ધ્યાતા ધ્યેય ભયે દોઉં એક હું – ધ્યેયની ચેતના સાથે, પરમાત્માની ચેતના સાથે, ધ્યાતાની ચેતના, આપણી ચેતના એકાકાર થઇ.
મારી દ્રષ્ટિએ આ short cut નહિ, પણ shortest cut છે. કેટલા બધા દોષોથી છલકાતું આપણું હૃદય. આ દોષને કાઢવા મથીએ, પેલો દોષ આવી જાય! પેલા દોષને કાઢ્યો, બીજો દોષ આવી જાય.! દોષમુક્તિ માટેનો કેટલો મજાનો આ અભિગમ.! તમારી ચેતના પરમાત્માની ચેતના સાથે એકાકાર થઇ ગઈ.! પરમાત્માની જેવી નિર્મળ ચેતના છે, એવી જ નિર્મળ ચેતના તમારી થઇ ગઈ; એ જ ક્ષણોમાં તમે બધા જ દોષોથી મુક્ત બની ગયા.! વિતરાગ દશાની અનુભૂતિ થઇ રહી હોય ત્યારે રાગનો પ્રવેશ શી રીતે તમારા હૃદયમાં થઇ શકે?
વાત તો ગમી ગઈ કેમ? આમેય આપણે વિહારમાં હોઈએ ત્યારે શું કરીએ? Short cut મળતો હોય તો long cut એ જઈએ નહિ. આ તો shortest cut.! પ્રભુની ચેતના સાથે આપણી ચેતના એકાકાર બની જાય.
એટલે આપણે ત્યાં અભેદાનુભૂતિના બે પ્રકાર બતાવ્યા. એક અભેદાનુભૂતિ શાશ્વતીના લયની. વિતરાગદશા આપણે પામીશું, કેવલજ્ઞાની બનીશું, મોક્ષમાં જઈશું, એ પછી આપણી પાસે જે અભેદાનુભૂતિ હશે, એ શાશ્વતીના લયની. પણ, અત્યારે થોડીક ક્ષણો માટે તમે તમારી ચેતનાને પ્રભુની ચેતના સાથે એકાકાર કરી શકો છો. વાત ગમી ગઈ?
વિધિ પણ, procedure પણ, બહુ નાનકડી છે. કઈ રીતે આપણી ચેતનાને પ્રભુ ચેતના સાથે એકાકાર કરવી? એના માટે મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ શીતલનાથ પ્રભુના સ્તવનમાં વિધિ બતાવી. શું મજાની આપણી ગુજરાતી ભાષામાં આવેલી સ્તવનાઓ છે. કલાપૂર્ણસૂરિ દાદાને છેલ્લું વંદન રાજસ્થાનમાં ઝાલોર district માં કલાપુરા ગામમાં મેં કરેલું. એ વખતે દાદાએ મને કહેલું; કે દેવચંદ્રજી મહારાજને બરોબર ઘૂંટજે. એક દેવચંદ્રજી મહારાજને તું ઘૂંટી લઈશ તો જિનશાસનનું હાર્દ તારી પાસે આવી જશે. ગુજરાતી ભાષા તો તમને આવડે છે ને? તમારા દીકરાઓને નહિ આવડે. તમને તો આવડે છે. એ જ ગુજરાતી ભાષામાં તત્વજ્ઞાનની બહુ જ મજાની વાતો દેવચંદ્રજી ભગવંત, આનંદઘનજી ભગવંત અને યશોવિજય મહારાજા લઈને આવ્યા.
એ જ ક્ષણોમાં દાદા જોડે બેઠેલો. મેં દાદાને પૂછેલું કે દાદા! આપનો પુણ્ય પ્રભાવ એવો છે, કે લોકોનો પ્રવાહ, વંદનાર્થીઓનો પ્રવાહ નાના ગામમાં પણ અવિરત રીતે ચાલ્યા કરતો હોય છે. લોકો વંદન કરે ત્યાં સુધી વાંધો નહિ. એક-એક ટુકડી આવે, અને દરેકની ઈચ્છા હોય કે ગુરુદેવ અમને હિતશિક્ષા આપે. આપ પાંચ મિનિટ બોલું પણ ખરા. મેં પૂછ્યું; કે સાહેબ થાક ન લાગે? એ વખતે એમણે મને જે કહેલું, કલાપૂર્ણસૂરિ દાદાએ, આજે પણ મને યાદ આવે છે. એમણે કહ્યું; યશોવિજય ! મારા પ્રભુએ અને મારા સદ્ગુરુએ મને જે જ્ઞાન આપ્યું છે, એ કંડીશનલી આપ્યું છે; હું જો બીજાને એ જ્ઞાન hand over ન કરું, આપું નહિ તો, મારા પ્રભુનો અને મારા સદ્ગુરુનો હું અપરાધી ઠરું છું.
તો આપણી પાસે કેટલી તો મજાની સ્તવનાઓ છે. શીતલનાથ પ્રભુનું સ્તવન શરૂ થયું. “શીતલજિન મોહે પ્યારા” એક નાનું બાળક શું કહે? એ બાળકનો શબ્દકોશ નાનકડો છે. ભાવકોશ એનો બહુ મોટો છે. શબ્દો એની પાસે ઓછા છે. નાનકડો બાળક માઁ ને શું કહે? માઁ ! તું મને બહુ જ, બહુ જ, બહુ જ વ્હાલી લાગે છે.
એ જ લયમાં ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું; “શીતલજિન મોહે પ્યારા” પ્રભુ વ્હાલા છે. તો એ પ્રભુની જોડે ને જોડે જ રહેવું છે હવે. એ પ્રભુનો વિયોગ સહી શકાય નહિ. તો પ્રભુની સાથે ને સાથે કઈ રીતે રહી શકાય? અભેદાનુભૂતિનો મજાનો માર્ગ બતાવ્યો, ગુજરાતી ભાષામાં. એટલી મજાની વાત લખી છે; કે પ્રભુની અભેદ અનુભૂતિ બહુ જ સરળ છે. નાનકડું સૂત્ર આપે છે; “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” પ્રભુની જોડે જ રહેવું છે ને? શરીર ભલે ને ખાતું હોય, શરીર ભલે પાણી પીતું હોય, પ્રભુ સાથે રહેવું છે? નક્કી? ફી બહુ નાનકડી છે. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” બે વાત છે; ફી નાનકડી પણ છે, ફી મોટી પણ છે. મોટી ફી એટલે શું?
એક ગામડિયો. ચોમાસાનો સમય, છત્રી એણે જોઈ, કામ આવે એવી હતી નહિ. નવી છત્રી લેવા શહેર તરફ જાય છે. રસ્તામાં એનો એક મિત્ર મળ્યો. ક્યાં ઉપડ્યો? શહેરમાં. છત્રી લેવા. એના મિત્રે કહ્યું; શહેરવાળા તને છેતરી નાંખશે. પેલો ગામડિયો કહે; મને છેતરનારા મરી ગયા છે. મને કોણ છેતરે? છત્રીવાળાની દુકાને ગયો. પેલાએ દુકાન હમણાં જ ખોલેલી. પહેલો જ ઘરાક, તમે શું કહો? બોણી.. શું જોઈએ? છત્રી. બતાવી છત્રી. શું કિંમત? સો રૂપિયા. પેલાએ સીધું ૫૦%discount માંગ્યું. ૫૦ માં આપવી છે? બોણીનો ઘરાક. છોડ્યો પાલવે એમ નથી. ઉપાશ્રયમાં તમે સવારે ૫ વાગે આવો, સૌથી પહેલાં, બોણીનો ઘરાક, અમે કહીએ તું પહેલો આવ્યો છે આજે, આયંબિલનું પચ્ચક્ખાણ આપી દઉં. બીજે દિવસે દેખાય જ નહિ..! પેલાને થયું; બોણીનો ઘરાક છે, છોડવો નથી. ૫૦ રૂપિયામાં એને બીજી છત્રી હલકી બતાવી. આ ૫૦ માં. પેલો કહે; પેલી ૫૦માં, આ તો ૨૫ માં લઉં. વેપારી હતો ને, ગરમ તો થવાય નહિ.! થવાય? તમે ક્ષમાના અવતાર ક્યાં હોવ? ઓફિસમાં.. બોલો, એક ઘરાક જોડે ગરમીથી બોલાય ખરું?
રાજસ્થાનના એક ગામમાં મારે જવાનું થયું. પહેલી જ વાર હું એ ગામમાં જતો હતો. ગામમાં બે પાર્ટી હતી. મને એટલા માટે લઇ ગયેલા, કે કદાચ સાહેબના પગલાંથી સમાધાન થઇ જાય. સાંજે એ ગામમાં જવાનું થયું. સ્વાગત યાત્રા થઇ. માંગલિક થયું. ઉપાશ્રયની બાજુમાં જ પંચનો, જ્ઞાતિજનો. રાત્રે ૯ વાગે પંચની મીટીંગ શરૂ થઇ, સવારના ૫ વાગ્યા સુધી. ૬ વાગે એક ભાઈ આવ્યો; કે સાહેબ! ૫ વાગ્યા સુધી મીટીંગ ચાલી. પણ, કોઈ નિવેડો ન આવ્યો. ઉલટું જે પક્ષની અંદર ભેદભાવ હતો એ ઉલટો વધ્યો. મેં કહ્યું; કંઈ વાંધો નહિ. મારે ક્યાં કંઈ કરવું છે? હું doing ની ભૂમિકામાં છું જ નહિ. પ્રભુને જે કરવું હશે એ કરશે. ૯ વાગે વ્યાખ્યાનમાં બધા આવી ગયા. બધા જ. આખો હોલ ભરાઈ ગયો. મેં શરૂઆતમાં જ કહ્યું; કે મારું પ્રવચન તો હવે શરૂ થશે. પણ, તમારું પ્રવચન આખી રાત મેં સાંભળ્યું. બધાને લાગ્યું; કે સાહેબ એકદમ flexible છે. મેં માત્ર અને માત્ર પ્રભુશાસન મળે, તો શું થાય એની વાતો કરી. પ્રવચન પૂરું થયું અને અડધો કલાકની મીટીંગ, સમાધાન થઇ ગયું.! એ વખતે મેં હસતાં હસતાં કહેલું; કે આખી રાત તમારું પ્રવચન સાંભળ્યું, તમે લોકો જોર-જોરથી બોલતાં હતા, પણ, મને કોઈ નવાઈ ન લાગી. કારણ ઓફિસમાં ઘરાક સામે તમે ગુસ્સે ન થઇ શકો, ઘરે શ્રાવિકા સામે ગુસ્સે ના થઇ શકો. તો ગુસ્સો તમે કાઢો ક્યાં? પંચમની જાજમ ઉપર.!
પેલો વેપારી ગરમ થતો નથી. પેલો કહે, આ તો ૨૫ રૂપિયામાં લઉં.! તો વેપારી કહે; મફતમાં આપું? પેલો કહે; હા… પણ, મફતમાં બે આપજો.! છત્રી મફતમાં ન મળે.! પ્રભુ જોઈએ છે આપણને.! કઈ રીતે પ્રભુ મળશે? એટલે પહેલી વાત તો એ કરી; આનંદઘનજી ભગવંતે “કપટ રહિત થઇ આતમ અર્પણા રે” આ મોટી વાત કરી. તારા મન, વચન અને કાયાના યોગો સંપૂર્ણતયા તું પ્રભુને સમર્પિત કરી દે, તો પ્રભુના પ્રેમથી તારું હૃદય છલોછલ ભરાઈ જાય. પણ, મારે આજે નાનકડી વાત કરવી છે. માલ વેચવો હોય તો શું કરવું પડશે? Discount આપવું જ પડે ને…!
બહુ જ નાનકડી વાત. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” જ્યોતિર્મય પરમાત્મા સાથે તમારે મિલન કરવું છે. બરોબર…? નક્કી છે ને? તૈયાર છો ને? અમે લોકો પ્રભુને મળ્યાં, પ્રભુ અમને મળ્યાં. કેટલી મજા અમારી પાસે છે! કેટલો આનંદ અમારી પાસે છે.! એ આનંદ તમને મળે, તૈયાર…? તૈયાર..?
તો જ્યોતિર્મય પ્રભુ સાથે મિલન કરવું છે. તો આપણે જ્યોતિર્મય બનવું પડશે. શબ્દ પૌદ્ગલિક ઘટના; એટલે કે અજ્યોતિર્મય ઘટના. વિચાર પૌદ્ગલિક ઘટના; એટલે કે અજ્યોતિર્મય ઘટના. માત્ર અનુભૂતિ એ જ્યોતિર્મય ઘટના છે. એટલે ન માત્ર શબ્દોથી, શબ્દોના શ્રવણ કે વાંચનથી પ્રભુ મળે, ન વિચારોથી પ્રભુ મળે. અનુભૂતિમાં તમે ગયા જ નથી.! અધવચ્ચે અટકી ગયા છો! શબ્દ પૌદ્ગલિક ઘટના. વિચાર પૌદ્ગલિક ઘટના. જરૂર એ કામના ખરા; પણ, ક્યારે કામના? એ તમને જ્યોતિર્મય ઘટનામાં ડુબાડી શકે તો.. શબ્દ અને વિચાર અનુભૂતિમાં ફેરવાય તો જ એ કામના, નહિતર નકામાં.
તો હવે વાત એ થઇ કે પ્રભુ જ્યોર્તિમય. આપણે જ્યોતિર્મય કઈ રીતે બનવું? પ્રભુ સમત્વનો સાગર છે. આપણી ભીતર સમતાનું એક નાનકડું ઝરણું ઉત્પન્ન થાય. સમભાવની અનુભૂતિમાં આપણે ઝૂમતા હોઈએ. એ ક્ષણો કઈ થઇ? અનુભૂતિની ક્ષણો થઇ. કરેમિ ભંતે સૂત્ર તમને મળ્યું; દીક્ષા વખતે. મળ્યું ને? સમભાવનો વિચાર કરવાનો કે સમભાવની અનુભૂતિ કરવાની? ૨૫ વર્ષનો દીક્ષા પર્યાય, ૫૦ વર્ષનો દીક્ષા પર્યાય. પણ, સમત્વની અનુભૂતિ કેટલો સમય? સમભાવ અને વિભાવ આમને-સામને છે. વિભાવ એટલે રાગ, વિભાવ એટલે દ્વેષ, વિભાવ એટલે અહંકાર. સમભાવ અને વિભાવ આમને-સામને છે. જે ક્ષણોમાં તમારા મનમાં રાગ-દ્વેષ કે અહંકાર હશે, એ ક્ષણોમાં તમારા મનમાં સમભાવ હોઈ શકે ખરો?
તો આંતર-નિરીક્ષણ કરો કે ૨૪ કલાકમાં સમભાવની અનુભૂતિ કેટલો સમય તમારી પાસે હોય છે? ૪૮ મિનિટનું સામાયિક કર્યું. કેટલી મિનિટ સમભાવની અનુભૂતિની.? નદી કે દરિયામાં પથ્થર નાંખીએ તો શું થાય? પથ્થર એમને એમ પડ્યો રહેવાનો. પથ્થર નદીમાં ઓગળશે નહિ. પણ એ જ નદીમાં, એ જ દરિયામાં કોઈ ઝરણું વહેશે તો? એ ઝરણું જે ક્ષણે અંદર ગયું, એ ક્ષણે નદીમય-સમુદ્રમય બની ગયું. શબ્દ એ પથ્થર, વિચાર એ પથ્થર, પ્રભુના સમત્વના સાગરમાં તમે એને નાંખો; તો પણ કશું જ થવાનું નહિ. પણ, જે ક્ષણે તમારી ભીતર સમભાવની અનુભૂતિ ચાલુ થઇ, તો સમભાવનું ઝરણું તમારી ભીતર ચાલુ થયું, એ ઝરણું પ્રભુના સમત્વના સાગરને મળે, ઝરણું સાગરને મળ્યું, અભેદ અનુભવ થઇ ગયો.! એ જ રીતે પ્રબળ વૈરાગ્યની ધારામાં તમે હોવ, વિતરાગદશાનો આંશિક અનુભવ તમે કરી રહ્યા હોવ. વિતરાગદશાનો સમુદ્ર પ્રભુ છે; તમારી ભીતર વિતરાગદશાની આંશિક અનુભૂતિ છે, એ તમારું વિતરાગદશાનું અનુભૂતિનું ઝરણું પ્રભુના-સમત્વના સમુદ્રમાં પ્રવેશે અભેદ મિલન થઇ ગયું.! કેટલું સરળ..! બોલો…? આમાં કંઈ અઘરું છે? પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ તમે સમભાવમાં જાવ અને એ ક્ષણોમાં પરમચેતના સાથે તમારી ચેતના એકાકાર થતી હોય, તો આ કેટલી મોટી વાત થઇ? “ધ્યાતા ધ્યેય ભયે દોઉં એક હું, મીટ્યો ભેદ કો ભાવ” પરમાત્માની ચેતના સાથે આપણી ચેતના એકાકાર થઇ ગઈ.
ઉદાહરણ આપ્યું; “તીન વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તળાવ” નદી બે કાંઠાની વચ્ચે ચાલતી હોય. પણ, ઉપરવાસમાં વરસાદ બહુ થયેલો હોય, યા કોઈ ડેમ હોય અને એમાંથી પાણી છોડવામાં આવે, નદી બે કાંઠે વહે એમ નહિ, કાંઠાને તોડીને કિલોમીટર-કિલોમીટર સુધી ખેતરોમાં પાણી ફરી વળે ત્યારે શું થાય? ખેતર અને નદી બેઉ અભેદ અનુભૂતિમાં આવી જાય. એ જ રીતે મારી ચેતના અને પરમચેતના બેઉ એકાકાર થઇ જાય.
એટલે જ મેં ગઈ કાલે કહેલું; કે સાધનાની વાતો સાંભળી, સાધનાની અનુભૂતિ કેટલી? એ અનુભૂતિ સદ્ગુરુ આપણને કરાવે છે. અને એ સંદર્ભમાં મેં કહેલું; કે મંત્ર ચૈતન્ય અને મૂર્તિ ચૈતન્ય બે શબ્દો આપણી પરંપરામાં છે. પણ, મૂર્તિમાં ચૈતન્ય આરોપિત કરનાર સદ્ગુરુ ચેતના છે. મંત્રમાં ચૈતન્ય આરોપિત કરનાર સદ્ગુરુ ચેતના છે. ‘અ’ થી ‘હ’ સુધીના ખાલી શબ્દો છે. એ શબ્દોને એ રીતે compose કરવા, અને compose કરીને એમાં શક્તિ નાંખવી, આ કામ સદ્ગુરુ ચેતનાનું છે. એ શબ્દો શબ્દ ન રહે; અસરકારક શક્તિ બની જાય. એ મંત્ર તમે જપો, અને તમારો સંસાર ખતમ થઇ જાય.!
Living with the Himalayan masters માં સ્વામી રામે મંત્ર ચૈતન્યની એક બહુ મજાની વાત લખી છે. એકવાર સ્વામી રામ પોતાના ગુરુ સાથે જંગલમાં ફરી રહ્યા હોય છે. ગુરુએ એક વૃક્ષ ઉપર એક ઔષધિ જોઈ. જે ઔષધિ ઘણા બધા લોકોને રોગોમાં કામ આવે તેવી હતી. હિંદુ ગુરુ હતા. ઝાડ ઉપર ચડી ગયા. એક ડાળી ઉપર બેઠા અને પેલી ઔષધિને ધીરે ધીરે ચુંટવા લાગ્યાં. એ વખતે સ્વામી રામની નજર ઉપર ગઈ. ગુરુ બેઠેલા હતાં જે ડાળ પર, એનાથી થોડીક જ દૂર બીજી એક ડાળ હતી, અને એના ઉપર ભમરાઓનો મધપુડો હતો. ભમરા કેટલા ઝેરીલા હોય તમને ખ્યાલ છે. એ છંછેડાય તો હજારો ભમરા તૂટી પડે એકસાથે. સ્વામી રામ ગભરાઈ ગયા કે ગુરુ બેઠા છે. ડાળ તો સહેજ હલે, એના કારણે બાજુની ડાળ પણ સહેજ હલે અને ભમરા છંછેડાય તો..? પણ, એ ગુરુને કહી પણ શકતાં નથી. કારણ સહેજ ઉતાવળા અવાજે બોલે અને કદાચ ભમરા છંછેડાય તો? પણ, ગુરુ અંતર્યામી હતા. પ્રભુને આપણે અંતર્યામી કહીએ ને…!
અંતર્યામી શબ્દના બે અર્થ થાય. એક તો અંતર્યામી એટલે આપણા અંત:સ્તર ને જાણનાર અને બીજું અંતર્યામી એટલે અંત:પ્રવિષ્ટ. પહેલું અંતર્યામી શબ્દનો શું અર્થ થયો? આપણા અંત:સ્તરને જાણનાર. મહોપાધ્યાયજીએ સ્તવનામાં કહ્યું; ”અંતરયામી સવિ લહો, અમ મનને જે છે વાત હો; માં આગળ મોસાળના શા વર્ણવવા અવદાત હો” પ્રભુ તમે અંતર્યામી છો. મારા મનના વિચારોને જાણો છો.
નાનો દીકરો માઁ જોડે મોસાળમાં ગયેલો. પછી માઁ ને કહે; માઁ ! આ મારા મામા છે. માઁ મનમાં હસે. તારો મામો છે, મારો તો માની જાય તેવો ભાઈ છે, સાથે રમેલા, એક ભાણામાં જમેલા. એમ પ્રભુ અંતર્યામી છે. પ્રભુ આપણા વિચારોને જાણે છે. સવાલ એ થાય કે પ્રભુને અંતર્યામી કહેનાર એ સ્તવનાકાર સેંકડો સ્તવનો બનાવે છે.! અરે! પ્રભુ અંતર્યામી છે તો સ્તવન બોલવાની જરૂર શું? સ્તવન બનાવવાની જરૂર શું? મજાનો એંગલ ભક્ત હૃદયનો છે. બીજા કોઈ જોડે બોલવાની ઈચ્છા થતી નથી. બોલવું હોય તો માત્ર પ્રભુ સાથે બોલવું. એટલે પ્રભુ ભલે અંતર્યામી રહ્યા. હું એમની જોડે વાતો કરીશ.
બીજું અંતર્યામી શબ્દનો અર્થ થયો; પ્રભુ અંત:પ્રવિષ્ટ છે. તમારા હૃદયમાં કોણ? તમે કે પ્રભુ? બોલો અમારામાં અને તમારામાં ફરક કેટલો? તમારા કેન્દ્રમાં તમારો હું હોય; અમારા કેન્દ્રમાં પ્રભુ હોય. જે ક્ષણે આ રજોહરણ અમને મળ્યું, એ ક્ષણે અમારું કેન્દ્ર બદલાઈ ગયું. આ રાજોહરણ ન મળ્યું, ત્યાં સુધી મારા અસ્તિત્વના કેન્દ્રમાં પણ હું જ હતો. મને આ ગમે.. મને આ ફાવે.. જે ક્ષણે પ્રભુની પ્રસાદી મળી; એ ક્ષણે કેન્દ્ર બદલાઈ ગયું. કેન્દ્રમાં પ્રભુ આવી ગયા. અને અમારો આનંદ આ કારણે જ છે. કેન્દ્રમાં પ્રભુ આવી ગયા; મજા જ મજા… આનંદ જ આનંદ… શું કરવાનું? પ્રભુની આજ્ઞા હોય એમ. તો પ્રભુ બંને રીતે અંતર્યામી છે.
ભાગવત્ ભક્તિનો શ્રેષ્ઠ ગ્રંથ છે. એમાં એક ભક્ત કહે છે; “ त्वया हृषीकेश हृदि स्थितेन यथा नियुक्तोsस्मि तथा करोमि” “ त्वया हृषीकेश हृदि स्थितेन यथा नियुक्तोsस्मि तथा करोमि” એક-એક મુનિની, એક-એક સાધ્વીની વાત આ શબ્દોમાં કરી. પ્રભુ તું મારા અસ્તિત્વમાં બિરાજમાન છે. અને તું જે પ્રમાણે કહે છે, એ પ્રમાણે હું કરું છું. તો પ્રભુ અંતર્યામી. સદ્ગુરુ પણ અંતર્યામી. તમે તમારી સાધનાની વાત કરો, એ તમારા તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ તમારા ચહેરાને જોઇને તમારી સાધનાના stand point ને નક્કી કરી શકે છે અને આ જન્મના છેવાડા સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એ પણ નક્કી કરી શકે છે.
ગુરુ ઝાડ ઉપર છે. અંતર્યામી છે. એ સમજી ગયા. એ રામ ઉંચો-નીચો થઇ રહ્યો છે. ગુરુએ ઉપરથી કહ્યું; એ બધા જ ભમરા અત્યારે સ્થિર છે. એક પણ ભમરો ઉડવાનો નથી. મંત્ર દ્વારા મેં એમને સ્થગિત કરેલા છે. ઔષધિ ચૂંટી, ગુરુ નીચે ઉતર્યા. અને પછી ભમરાઓને છુટા કરી દીધા. સ્વામી રામે પાછળથી ગુરુને કહેલું; કે મને પણ આ મંત્ર આપો ને.? આવી કોઈક ઔષધિ ક્યાંક દેખાઈ જાય, તો હું પણ એને લઇ શકું. ગુરુએ મંત્ર આપ્યો, પણ કહ્યું કે this is personally for you and not for others. આ માત્ર તારા માટે જ આપું છું; આ મંત્ર તારા માટે જ કામ કરશે, બીજાના માટે કામ નહિ કરે. એ મંત્ર એમને લઇ લીધો. અઠવાડિયા પછી સ્વામી રામ એક ભક્તની જોડે જંગલમાં ગયેલા. અને ત્યાં એમણે એક વૃક્ષ ઉપર આવી ઔષધિ જોઈ. સ્વામી રામ ઉપર ચડી ગયા. અને ત્યાં પણ ઔષધિ ની લગોલગ ભમરાઓનો મધપુડો. સ્વામી રામ ઉપર ચડ્યા. મંત્રનો ઉપયોગ કર્યો. હવે એક પણ ભમરો ઉડવાનો નથી. ઔષધિ ચૂંટે છે. પેલા ભક્તને કહી દીધું; તું ઉંચો-નીચો નહિ થતો. એક ભમરો અત્યારે ઉડવાનો નથી. ઔષધિ ચૂંટી પોતે નીચે ઉતર્યા. ભમરાઓને છુટા કર્યા.
એ પછી પેલા ભક્તે કહ્યું; કે મને પણ આ મંત્ર આપો ને.? નિયતિ… સ્વામી રામ ભુલી ગયા કે ગુરુએ આ મંત્ર પોતાના માટે જ આપ્યો છે. ગુરુની કેવી શક્તિ હોય છે.! મંત્રમાં ચૈતન્ય મુક્યો, શક્તિ મૂકી; પણ કહી દીધું, personally for you. તારા માટે જ આ શક્તિ કામ કરશે; બીજા માટે શબ્દો આ જ હશે, મંત્ર આ જ હશે, કામ નહિ કરે.! ભુલી ગયા. મંત્ર પેલાને આપી દીધો. પેલાએ તરત જ એ મંત્રનો ઉપયોગ કર્યો. મંત્ર બોલ્યો; ઝાડ પર ગયો. જ્યાં એ ડાળી ઉપર બેઠો. ડાળી સહેજ હલી. બાજુની ડાળી પણ હલી, અને હજારો ભમરા એના ઉપર તૂટી પડ્યા. કારણ મંત્રની અસર થવાની હતી નહિ. હજારો ભમરા તૂટી પડ્યા એના ઉપર. ડાળ છૂટી ગઈ. ભમાંગ કરતો નીચે પડ્યો. સ્વામી રામને તરત જ ખ્યાલ આવી ગયો. ઓહો! આ મંત્ર તો મારા માટે જ હતો.! એને મેં આપ્યો એ જ ખોટું કર્યું. તરત જ આદિવાસીઓને ૫-૭ ને બોલાવ્યા, જંગલમાંથી. એ લોકોએ બધા ભમરા ધીરે ધીરે લઇ લીધા. પણ, અડધો-પોણો કલાકમાં એ ભમરાઓનું ઝેર શરીરમાં એટલું બધું ગયેલું કે આખું શરીર સુજીને દડા જેવું થઇ ગયું. બીજું તો સાધન ત્યાં હતું નહિ. એક બળદગાડામાં એને મુક્યો. નજીકના હોસ્પિટલમાં એને એડમીટ કરવામાં આવ્યો. ડોકટરોએ કહ્યું; wait and watch. અમે પુરેપુરો પ્રયત્ન કરીશું, પણ કોઈ દાવો કરી શકતાં નથી. ૨૪ કલાક, ૪૮ કલાક, ૭૨ કલાક… સોજો સહેજ પણ ઓછો થતો નથી. અંદરનું poison એટલું ઓછું થતું નથી. Semi coma જેવી અવસ્થામાં પેલો માણસ પડેલો છે. ડોકટરોએ કહેલું, ૭૨ કલાક રાહ જોઈએ. પછી બહુ આશા રાખવાની નહિ. ૭૨ કલાક થઇ ગયા. હોસ્પિટલની ડીલક્ષ રૂમમાં હતા; પાછળની રૂમમાં સ્વામી રામ ગયા, અને એમણે ગુરુનું ધ્યાન ધર્યું. ગુરુ ૫૦૦ માઈલ દૂર છે. ગુરુનું ધ્યાન ધર્યું અને ગુરુ હોસ્પિટલની રૂમમાં હજાર થાય છે. આપણે ત્યાં પણ પરંપરામાં આવી વાતો સાંભળવા મળે છે.
રત્નપ્રભસૂરિ મહારાજ નામના આચાર્ય ભગવંત બાજુ-બાજુના બે ગામોમાં પ્રતિષ્ઠા. મુહુર્ત એક જ દિવસનું અને એક જ સમયનુંઆવ્યું. સેકંડમાં પણ ફેરફાર નહિ. આચાર્ય ભગવંતે કહ્યું બંને સંઘોને, એક સંઘમાં હું હાજર રહીશ, બીજા સંઘમાં મારો વાસક્ષેપ લઇ મારો શિષ્ય હાજર રહેશે. સંઘવાળા કહે; એ ચાલે જ નહિ. અમારે આચાર્ય ભગવંતના હાથે જ પ્રતિષ્ઠા કરાવવાની છે. અને આપણો ઈતિહાસ કહે છે; બંને જગ્યાએ એક જ મિનિટે, એક જ સેકંડે આચાર્ય ભગવંત દેખાયા, અને એમના હાથે પ્રતિષ્ઠા થઇ. આને એસ્ટર બોડી કહેવામાં આવે છે.
તો ગુરુ ત્યાં હાજર થયાં. ગુરુ એ પૂછ્યું; કેમ મને યાદ કર્યો? ત્યારે સ્વામી રામ કહે છે; ગુરુદેવ! ભૂલ મારી થઇ ગઈ, ભૂલનો ભોગ પેલો બની ગયો.! શું કરવું? ગુરુ કહે છે; રાતના ૧૨ વાગ્યા છે અત્યારે, સવારે ૫ વાગે એ સ્વસ્થ થઇ જશે. ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ.. શ્રદ્ધા… સુઈ ગયા પોતે. સવારે ૫ વાગ્યા; સોજો ગાયબ પેલાનો.! Poison ગાયબ.! જે નર્સ મોનીટરીંગ કરતી હતી, નવાઈમાં પડી ગઈ, અચાનક પોણા પાંચે કંઈ નહિ, અને પાંચ વાગે સોજો ગાયબ.! એને પોતાના ઉપરી ડોક્ટરને બોલાવ્યા. પેલો તો બેઠો થઇ ગયો. ડોકટર આવ્યાં. સ્વામી રામ બાજુમાં. ડોકટર નવાઈમાં પડી ગયા. આ મિરેકલ.. આ જાદુ કોણે કર્યું? સ્વામી રામ કહે છે; મારા ગુરુએ કર્યું. પેલો કહે છે; મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. બિસ્કીટ, કોફી, ખાવા મંડી પડ્યો. અને ખાઈને પછી સ્વામી રામને કહે; ચાલો આપણે ચાલતાં જતાં રહીએ, આશ્રમે…! તો મૂર્તિ ચૈતન્ય અને મંત્ર ચૈતન્ય આ આપણી પરંપરા છે. સદ્ગુરુ મંત્ર આપે. પુસ્તકમાંથી ક્યારે પણ મંત્ર લેતા નહિ. એક તો ધ્વની બિલકુલ સાચો હોવો જોઈએ. અને સદ્ગુરુ દ્વારા એ મંત્ર તમને મળવો જોઈએ. એક મજાની વાત કરું; તમે સંસ્કૃત પહેલી બુક ભણાવો ને ત્યારથી જ ગોટાળો શરૂ કરો. रामः रामौ रामा: વિસર્ગ જે છે એનું પ્રોનસિએશન કઈ રીતે થાય? ઉચ્ચારણ, અસ્પષ્ટ ‘હ્’ रामः रामा: रामै: તમે રામૈહી કરી નાંખો. એક જ વિસર્ગ, रामः(હ) रामा: (હા) रामै: (હૈ) શું પણ?! આ તો ‘હ’ ની બારાખડી ચલાવી.! તો પહેલી બુક ભણાવો શ્રી ગણેશ કરો, સંસ્કૃતના ત્યારથી જ ખોટું ઉચ્ચારણ.! रामः रामा: શાંતિ: (આ સાંભળવું પડે, લખી નહિ શકાય) શાંતિહી નહિ. શાંતિ: એટલે પ્રોનસીએશન શુદ્ધ જોઈએ. સદ્ગુરુ દ્વારા મંત્ર મળેલો હોય; તો જ એ મંત્ર, મંત્ર ચૈતન્ય બની શકે. મૂર્તિ ચૈતન્ય કઈ રીતે બને એની વાત અવસરે.
