Param Sparsh Ni Yatra – Vachana 37

20 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : આગમ રીતે નાથ! ન નીરખું નિજપણું

પ્રભુના પરમપ્રેમની અનુભૂતિ થાય પછી પ્રભુની એક-એક આજ્ઞા તમને પ્રાણથી પણ પ્યારી લાગે અને એ આજ્ઞાની અનુભૂતિ થાય, એટલે આત્માનુભૂતિ મળી જાય. કારણ? પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે: તું તારા સ્વરૂપમાં સ્થિર થા.

આપણું life mission શું? રીઝવવો એક સાંઈ. દુનિયાને, સમાજને રીઝવવા નથી; માત્ર પ્રભુને રીઝવવા છે. પ્રભુને એક વાર રીઝવ્યા પછી રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત.

પ્રભુના પરમપ્રેમમાં જે ક્ષણે તમે ડૂબી ગયા, પછી બાકીની દુનિયા તમારા માટે નથી. જે ક્ષણે દ્રષ્ટાનો રસ દ્રશ્ય જગતમાંથી ચૂકાઈ ગયો, પછી એના માટે દ્રશ્ય જગત જેવું કંઈ રહેતું નથી.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

પરમાત્માનો અપાર નિર્વધી પ્રેમ સતત આપણા ઉપર વરસતો રહ્યો. એ પ્રેમને જેમણે આકંઠ માણ્યો. આ સહસ્ત્રાર માણ્યો, એવા મહર્ષિ નારદને એક ભક્તે પૂછેલું કે ગુરુદેવ! પ્રભુના પ્રેમને આપે ખુબ માણ્યો છે. એ પ્રેમની થોડીક વાતો તો કરો. એ વખતે મહર્ષિ નારદે કહ્યું; “अनिर्वचनीयं प्रेमस्वरूपं” એ પ્રભુનો પ્રેમ જે મેં માણ્યો છે, અનુભવ્યો છે, એને હું કહી શકું એમ નથી. Beyond the words.. Beyond the imaginations.. શબ્દોની પેલે પારની આ ઘટના છે.. કલ્પનાને પણ પેલે પારની આ ઘટના છે.. 

એકવાર, પહેલી વાર જ્યારે એનો પ્રેમ માણ્યો ત્યારે સ્તબ્ધ થઈ જવાયું કે આવો પણ પ્રેમ, નિર્વધિ પ્રેમ હોઈ શકે છે ખરો? સ્વાર્થીય પ્રેમની અનુભૂતિ હતી. રાગાત્મક પ્રેમની અનુભૂતિ હતી. પણ આવો રાગ વિમુક્ત, સ્વાર્થ વિમુક્ત નિર્વધિ પ્રેમ હોઈ શકે છે ખરો? પહેલીવાર અનુભૂતિ થઈ. નારદ ઋષિ કહે છે; હું સ્તબ્ધ બની ગયો.! પછી આનંદની ધારામાં એને માણ્યા જ કર્યો.. માણ્યા જ કર્યો.. અને હજુ પણ એક-એક ક્ષણે એના પ્રેમને માણી રહ્યો છું.. નારદ ઋષિ કહે છે; એનો પ્રેમ એ જ તો મારું જીવન છે. 

આનંદઘનજી ભગવંતે કહ્યું; “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીએ” પ્રભુ ઓક્સિજન વિના, પ્રાણવાયુ વિના થોડી મિનિટો રહી શકાય. તમને પ્રાણાયામનો અનુભવ હોય તો તમે પણ ઓક્સિજન લીધા વિના બે-ચાર મિનીટ, પાંચ મિનીટ રહી શકો. પણ આનંદઘનજી ભગવંત કહે છે; પ્રભુ! તારા વિના એક સેકન્ડ હું રહી શકું એમ નથી. એ પ્રેમ એમને માણ્યો. હું ઘણીવાર કહું છું. I can’t say it, but you can experience it. એ પ્રેમને મેં પણ અનુભવ્યો. તમે મને પૂછો; તો શબ્દોમાં એની વાત હું નહિ પણ કરી શકું. પણ મજાની વાત એ છે કે એ પ્રેમનો અનુભવ તમે પણ કરી શકો છો. પ્રભુને કોઈ ભેદભાવ નથી કે યશોવિજયને કે રત્નસુંદરસૂરિને જ મારો પ્રેમ આપવો, બીજાને ન આપવો. પ્રભુ તમને બધાને પ્રેમ આપવા તૈયાર છે. અરે, અંદરની વાત કહું તો પ્રભુ ચેતના ગુરુ ચેતનાને મોકલે છે; કે મારે આ બધા ઉપર વરસવું છે, હું વરસી રહ્યો છું, પણ એ લોકો ઝીલી શકતા નથી. મારા પ્રેમનું અવતરણ એમના હૃદયમાં થાય, એમના માટે એમને તૈયાર કરી દો. ગુરુચેતના પ્રભુના પ્રેમને ઝીલવા માટે તમને સજ્જ કરે અને પછી તમે પણ પ્રભુના એ પ્રેમને માણી શકો. “अनिर्वचनीयं प्रेमस्वरूपं” 

ઉદાહરણ આપ્યું, “मूकास्वादमवत्‌।।” કબીરજી કહે છે; “ગૂંગે કેરી સરકરા” ગુંગો માણસ એને સાકર ખાધી; તમે એને પૂછો, સાકર કેવી લાગી? એ કહી નહિ શકે. પણ એક વાત મજાની છે. જે વાતનો ઈશારો શ્રીપાળરાસમાં ઉપાધ્યાયજી ભગવંતે કર્યો છે. એમણે કહ્યું; કે જેણે માણ્યું, જેણે અનુભવ્યું એ જ તમને શબ્દોમાં નહિ કહી શકે. પણ જો તમને એ વ્યક્તિત્વનો ચહેરો જોતા આવડશે તો તમને ખ્યાલ આવશે કે અનુભૂતિ એને મળી ગઈ છે. શ્રીપાળરાસમાં એમણે કહ્યું; કે ‘જિન હી પાયા, તીન હી છિપાયા, એહી એક જ ચિટ્ઠો’. જેણે મેળવ્યું એણે છુપાવ્યું એ તો ખાલી વાર્તા છે. “અનુભવ મેરો છીપે કીમ મોટો”. અનુભૂતિને તમે શી રીતે છુપાવી શકો? પ્રભુ પ્રેમમાં પાગલ બનેલ એક વ્યક્તિના ચહેરાને તમે જુઓ. એના ચહેરા પરની અનુભૂતિને જુઓ. એના ચહેરા પરના આનંદને જુઓ. તમને પણ મન થઈ જશે કે મારે પણ પ્રભુનો આવો જ પ્રેમ મેળવવો છે. 

સંતોને જોઇને. મુનિવરોના દર્શન કરીને. તમારા મનમાં આ વિચાર આવ્યો? અમારી પાસે કોઈ ઘર નથી, ઉપાશ્રય પણ તમારો. એક પૈસો અમારી પાસે નથી. અમારી બેગ ગમે ત્યારે ચકાસવાની તમને છૂટ. એક પૈસો, એક રૂપિયો એમાંથી ન મળે અને છતાં આટલી મસ્તી! આટલો કેફ.! આટલો આનંદ અમારી પાસે છે, કારણ શું? ક્યારેક પૂછો તો ખરા? એ વખતે અમે કહીશું કે પ્રભુનો પ્રેમ વરસતો તો હતો જ; એ ઝીલાયો. અને જે ક્ષણથી પ્રભુના પ્રેમથી હૃદય ભરાઈ ગયું; હવે માત્ર આનંદ અને આનંદ જ છે. 

“अनिर्वचनीयं प्रेमस्वरूपं ।। मूकास्वादमवत्‌।।” પછી કહે છે; “प्रकाशते क्वापि पात्रे” એ પ્રેમનું અવતરણ યોગ્ય વ્યક્તિત્વમાં થયા વિના રહેતું નથી. “प्रकाशते क्वापि पात्रे” પણ આપણે પ્રભુને પૂછીશું, એ પાત્રતા ઉભી કોણ કરશે? પ્રભુ! પાત્રતા મારી તું ઉભી કર.! હું પાત્ર નથી તો શું થઈ ગયું? મારી કોઈ શક્તિ નહિ.! મારી કોઈ તાકાત નહિ.! પણ તું શક્તિનો ઓરછોર છે, તારી શક્તિ અપાર છે, તારી શક્તિથી બધું જ કામ થઈ જશે.! 

મેં હમણાં એક પ્રવચનમાં કહેલું કે યશોવિજયસૂરિ એમ માને કે હું વાસક્ષેપ આપું અને પેલાનું કામ થઈ જાય; એ વખતે યશોવિજયની આંગળીઓમાંથી માત્ર ચંદનની ભૂક્કી કે કપૂરની ભૂક્કી જ ઝરતી હોય. એનર્જી બેનર્જી કાંઈ ન હોય. એનર્જી ક્યારે આવે છે? પ્રભુ સાથે તમારું જોડાણ થાય છે ત્યારે. યશોવિજય ન હોય. યશોવિજય નામની સંઘટના લુપ્ત થયેલી હોય અને પ્રભુ વાસક્ષેપ આપે ત્યારે કામ થાય. યશોવિજયથી એક સળી પણ ભાંગી શકે એમ નથી. કશું જ ન થાય.! પણ એ આવી જાય, પછી કંઇ બાકી પણ ન રહે.! તમારી શક્તિ કેટલી? મારી પણ શક્તિ કેટલી? બહુ જ મર્યાદિત. પણ જે ક્ષણે આપણે એને પુકારીએ છીએ, એની શક્તિ આપણને મળે છે, પછી કોઈ કામ અધૂરું રહેતું નથી. “प्रकाशते क्वापि पात्रे” 

પાત્રની અંદર પ્રભુ પ્રેમનું અવતરણ થાય છે. તો પ્રભુ એ પાત્રતા તું આપી દે! અને તમે માંગો તો પ્રભુ પાત્રતા આપી દે! મારું એક સૂત્ર છે; પ્રભુ પાસે માંગો એટલે મળે એમ હું નથી કહેતો. પ્રભુ પાસે સાધનાનો, ભક્તિનો કોઇ પણ પડાવ આગળનો તમે માંગો એ મળે ‘જ’. પાત્રતા નથી તો શું થયું? પાત્રતા પણ એ આપશે.! 

એક ભક્ત હતો. પ્રભુના સાક્ષાત્કારની એક તડપન એની પાસે હતી. પ્રભુના આ પ્રેમ માટે એ તરફડતો હતો. દિવસ અને રાત એની આંખો સુકાતી નથી. આંસુ વરસ્યા જ કરે છે. પ્રભુ તું મને ક્યારે મળીશ? કેવી એની ભક્તિ હશે? એકવાર એ ભક્તે પ્રભુને ચેલેન્જ મારી. પ્રભુ અત્યારે સવારના આઠ વાગ્યા છે. આવતીકાલ સવારના આઠ સુધીનો સમય તને આપું છું. ૨૪ કલાકમાં તું મને મળી જાય તો બરોબર, નહિતર આ દેહને ખતમ કરી નાંખીશ. એ ન મળે તો આપણા હોવાનો કોઈ અર્થ નથી. 

મીરાંએ કહ્યું, ‘નયણા દીધા પણ દરિશન ન દીધું, ઉંચે રે ગગને જઈ બેસણું રે કીધું’. પ્રભુ તે આંખો શા માટે આપી? જો મારી આંખોમાં તું પ્રગટવાનો નહતો તો આંખો શા માટે આપી? આ હૃદય તે શા માટે આપ્યું? જો આ હૃદયમાં તું આવવાનો ન હોય તો આ હૃદયનો કોઈ અર્થ નથી. મારા હોવાપણામાં અર્થ ત્યારે જ પ્રગટે છે જ્યારે તું મારી ભીતર આવે. સુગંધ ન હોય તો ફૂલ શેનું? કાગળનું પણ ફૂલ હોઈ શકે. તું મારા જીવનમાં અવતરે.. તારો પ્રેમ મારા જીવનમાં અવતરિત થાય તો જ મારું હોવાપણું સાર્થક છે. ચોવીસ કલાકનો સમય પ્રભુને આપ્યો. 

ઘણા મુમુક્ષુઓ મારી પાસે હોય. દીક્ષા લેવી છે એ નક્કી છે. થોડીક અ વઢવમાં હોય. સંબંધીઓની રજા મળતી નથી. માતાના કે પિતાના મનને દુભવીને દીક્ષા લેવી નથી. શું કરવું? એ વખતે હું કહી દઉં; પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દે. પ્રભુને ચેલેન્જ આપી દે. તારી ઈચ્છા હોય તો તું અનુકુળતા કરી આપ તો હું તારા માર્ગે આવીશ નહિતર અહીં બેઠો છું. દિવસ પૂરો થયો. કોઈ અણસાર પ્રભુના નથી. અણસાર પણ કોને મળે? ભક્તને. 

મીરાંએ કહેલું; “સુનીરી મેને હરિ આવનકી આવાજ” શું મજાના શબ્દો છે? “સુનીરી મેને હરિ આવનકી આવાજ” પ્રભુ આવી રહ્યા છે, મને અવાજ સંભળાય છે. હું ઘણીવાર કહેતો છું. એક મુનિ સ્વાધ્યાય કરી રહ્યો હોય. કોઈનો પગરવ સંભળાય. શું થાય? આંખો ઉંચી થઈ જાય. કોણ આવ્યું? અરે ભાઈ પ્રભુ તો હમણાં તારી પાસે આવવાના નથી; અને એવું પણ બને કે જેનો પગરવ તે સાંભળ્યો છે, એ બાયપાસર હોય, એને તારું કામ ન હોય, એ આગળ જ જવાનો હોય. શા માટે આંખ ઉંચી થઈ? એક કુતુહલ. એક જીજ્ઞાસા. પરમપ્રેમમાં તમે જે ક્ષણે ડૂબી ગયા, એ ક્ષણે દુનિયા તમારે માટે નથી. 

યોગસૂત્રમાં પતંજલિ મહર્ષિએ કહ્યું કે જે ક્ષણે દ્રષ્ટાનો રસ દ્રશ્યોમાંથી ખરી પડ્યો એ વખતે દ્રષ્ટા માટે દ્રશ્ય જગત છે જ નહી. તમે પરમપ્રેમમાં ડૂબી ગયા, દ્રશ્ય જગત જોડે તમારે કોઈ રસ નથી; તમારા માટે દ્રશ્ય જગત જેવું કંઇ છે પણ નહિ. અમે લોકો રહીએ છીએ તમારી જોડે. પણ અમે અમારામાં જ છીએ. તમારી સાથે બહારથી છીએ. જે ક્ષણે પ્રભુ મળ્યા, પ્રભુનો પ્રેમ મળ્યો; દ્રશ્ય જગત પ્રત્યેનો રસ ખતમ થઈ ગયો. પ્રભુ શું કરે એમ નહિ? શું નથી કરતા? જે દ્રશ્ય જગતના રસે અનંતો સંસાર તમારો વધાર્યો, એ દ્રશ્ય જગત પરનો રસ, પ્રભુ આવે અને સમાપ્ત થઈ જાય. 

દિવસ પૂરો થયો. રાત પૂરી થવા આવી. સવારે છ વાગે નજીકમાં દરિયો હતો. તો એ ભક્ત દરિયાકાંઠે જાય છે, નિરવશાંતિમાં પ્રભુનું સ્મરણ કરે છે. આંખોમાંથી આંસુ વહે છે. ગળે ડુસકાં છે. સાડા છ, સાત, સાડા સાત, પોણા આઠ. પોણા આઠે એણે કહ્યું, પ્રભુ! તારી પાસે હવે પંદર મિનીટ છે. મારી પાસે નહિ.! તારી પાસે.! પંદર મિનિટમાં મળ.! નહિતર આ દરિયો છે ને, હું છું પછી. દરિયામાં ડૂબી જાઉં છું. તું જો ન મળે, મારે રહેવું નથી. આટલી તડપન તમારી પાસે છે? મિલનની વાત બાજુમાં રાખો. તડપન છે તમારી પાસે? અને એકવાત તમને કહું; તડપનનું આખરી બિંદુ એ જ મિલનનું પ્રારંભ બિંદુ છે. જે ક્ષણે તમારી તડપન extreme point ઉપર પહોંચી, બીજી જ ક્ષણે પ્રભુનું મિલન તમને થઈ જાય. મીરાંને પ્રભુ મળ્યા. ચંદનાને પ્રભુ મળ્યા. સુલસાજીને પ્રભુ મળ્યા. રેવતીજીને પ્રભુ મળ્યા. શ્રેણિક મહારાજાને પ્રભુ મળ્યા. તમને કેમ ન મળે? 

પંદર મિનીટ બાકી છે. એ વખતે એક બાળકના રડવાનો અવાજ કાન પર સંભળાયો છે. કોણ રડે છે? આંખો ખોલી. ભક્ત હતો. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કહ્યું. ‘સંત હૃદય નવનીત સમાન’. સંત હૃદય માખણ જેવું કોમળ હોય છે. આંખ ખોલી; કોણ રડે છે? છ વરસનું એક બાળક. હાથમાં ગ્લાસ; રડી રહેલું છે. નજીક બોલાવ્યું એને, બેટા કેમ રડે છે? ત્યારે એણે કહ્યું કે હું થોડે દુર જ રહું છું. પણ હું નાનો હતો ને એટલે મમ્મા મને દરિયે એકલો મોકલતી નહિ. હવે હું મોટો થઈ ગયો. સાતમું વરસ આજે મને બેઠું, હું મોટો થઈ ગયો. એટલે આજે મમ્માએ મને દરિયે આવવાની છૂટ આપી. હું પહેલીવાર દરિયે આવ્યો. દરિયો મને બહુ ગમી ગયો, એના આરોહ, એના અવરોહ, એના મોજા બધું ગમી ગયું. પણ હવે નાસ્તાનો ટાઇમ થયો છે. નાસ્તો તો દરિયો નહિ આપે, મમ્મા આપશે. એટલે જવું છે ઘરે નાસ્તો કરવા. પણ દરિયો એટલો ગમી ગયો છે કે દરિયાને લઈને જવું છે. પણ દરિયો મારા ગ્લાસમાં સમાતો નથી. તમારે આવું થાય ક્યારેય? પ્રભુ પાસે ગયા. પ્રભુ કેવા ગમી જાય બોલો? કેવા ગમે? 

મહોપાધ્યાયજીએ કહ્યું; “જીવ કે જીવ હમારા” મારા પ્રાણોનો પણ પ્રાણ પ્રભુ છે. એ પ્રભુ તમને ગમી ગયા. પણ ઘરે જવું પડે એમ છે. ઓફિસનો ટાઇમ થવા આવ્યો છે. તો પ્રભુને ન કહેવાય? કે પ્રભુ હું દેરાસરમાં રહી શકું એમ નથી પણ તું મારા હૃદયમાં રહી શકે એમ છે, આવી જા અંદર, આપણે સાથે જઈએ. કહ્યું કોઈવાર પ્રભુને? He is ever ready. પ્રભુ તૈયાર છે તમારા હૃદયમાં રહેવા માટે. Are you ready? તમે તૈયાર છો? પ્રભુ તૈયાર છે. એ વખતે ભક્ત પેલા બાળકને સમજાવે છે. બેટા! તારી વાત ખરી. દરિયો તને ગમી ગયો એ વાત બરોબર. પણ તારા નાનકડા ગ્લાસમાં દરિયો સમાય શી રીતે? 

એ જુના જમાનામાં આખું ગામ ભેગું જમતું ક્યારેક. ઉજાણી હોય ને આખું ગામ ભેગું જમતું. એના માટે મોટું કડાયું હોય. ૧૨-૧૨ ફૂટ. ૫-૫ ફૂટ. ૧૫-૧૫ ફૂટ ડાયામીટરનું. તો સંતે કહ્યું; ગામની લાપસી કરવા માટે મોટું કડાયું જે છે ને આપણા ગામમાં, એમાંય દરિયો ના માય, તો તારા ગ્લાસમાં દરિયો શી રીતે માય? બાળક સમજી ગયો. અંકલ તમારી વાત બિલકુલ સાચી હો. મારો ગ્લાસ નાનકડો છે. દરિયાનો વાંક નથી, વાંક મારો છે કે મારો ગ્લાસ નાનો છે. બાળક હસતું-હસતું ગયું. પણ એક જ મિનીટમાં એ ભક્તને થયું કે આ તો કોઈ બાળક આવેલું કે સદ્ગુરુ આવેલા? હું પ્રભુને કહું છું; તું મારા હૃદયમાં આવ, હૃદયમાં આવ, હૃદયમાં આવ; પણ મારું હૃદય કેવડું છે? નાનકડા ગ્લાસ જેવડું. મારા કુટુંબનું સુખ થાય બસ એટલી જ મારી ઈચ્છા છે. ગામના કલ્યાણની પણ કોઈ ઈચ્છા કરી નથી.! તો પ્રભુ આટલા નાનકડા હૃદયમાં ક્યાંથી આવે? ‘વસુધૈવ કુટુમ્બકમ્’. આખી દુનિયા એ મારું કુટુંબ આવી ભાવના મારા હૃદયમાં આવે. મારું હૃદય વિશાળ બને. તો જ પ્રભુનું અવતરણ થાય ને? એને લાગ્યું કે સદ્ગુરુ ચેતના આ બાળકના રૂપમાં આવેલી. એનો ગ્લાસ નાનો એમ નહિ, મારો ગ્લાસ નાનો છે. 

એ વખતે એ ભક્તને સમજાયું કે પ્રભુ તૈયાર છે. હું તૈયાર નથી. એ ઘરે ગયો. એણે મૈત્રી ભાવની પ્રબળ સાધના કરી. પોતાના હૃદયને વિકસિત કર્યું. પછી એ હૃદયમાં પ્રભુનું, પ્રભુના પ્રેમનું અવતરણ થયું. પ્રભુ તૈયાર છે, આપણે તૈયાર થવું છે, અને પરમ ચેતના સદ્ગુરુ ચેતનાને આના માટે જ મોકલે છે કે આ લોકોને તૈયાર કરો. 

એક વાત તમને પૂછું; એક ગ્લાસ છે. ધૂળથી ભરેલો ટોચ સુધી, એમાં પાણી નાંખીએ તો શું થાય? રગડો, કીચડ. તો પ્રભુની કૃપા પાણી રૂપે સતત વરસી રહી છે. પણ એ રાગ-દ્વેષ અને અહંકારથી ભરાયેલાં હૃદયના પાત્રમાં જશે તો શું થશે? એટલે સદ્ગુરુ શું કરે? તમારા પાત્રને સ્વચ્છ બનાવે. તમને ખ્યાલ નથી. કેટલાય જન્મોથી સદ્ગુરુ ચેતના તમારા ઉપર આ કામ કરી રહ્યું છે. સદ્ગુરુ ચેતના અને પરમ ચેતના બેઉના કામ વહેંચાયેલા છે. Initial stage નું કામ, પ્રારંભિક સ્તરનું કાર્ય સદ્ગુરુ ચેતના કરે છે. પછીનું કાર્ય પરમ ચેતના કરે છે. સદ્ગુરુ ચેતના શું કરે? તમારા હૃદયના પાત્રને સ્વચ્છ બનાવે. રાગ-દ્વેષ-અહંકાર બધું જ વ્યર્થ છે. એ તમને સમજાવે અને કહી દે કે જે તારા હૃદયમાં તે આ કચરો ભર્યો છે, એની અંદર આ પ્રભુના પરમ પ્રેમને ભરી શકાય છે. તું મને થોડી તક આપ, તારા હૃદયના પાત્રને હું સ્વચ્છ કરી નાંખું; અને એમાં પ્રભુની કૃપા રૂપી, પ્રસાદ રૂપી પાણી આવશે, અને તું ન્યાલ થઈ જઈશ.! 

પછી સદ્ગુરુ પાસે આપણે હતા. થોડીવાર સદ્ગુરુના સંમોહનમાં હતા. હા પણ પાડી દીધી. સદ્ગુરુ ચેતનાએ આપણને સ્વચ્છ પણ કર્યા. પણ જ્યાં બહાર ગયા નિમિત્તોની દુનિયામાં. ફરી નિમિત્તોની દુનિયામાં જઈ રાગ-દ્વેષ-અહંકારનો કચરો આપણે ભેગો કર્યો. આ જનમમાં નક્કી કરો. સદ્ગુરુ તમારા હૃદયના પાત્રને સ્વચ્છ કરી આપે પછી એમાં કચરો ભરવાનો નહિ. છો તૈયાર બોલો? અમે લોકોએ ‘કરેમિ ભંતે’ તમને આપ્યું. એ શું કર્યું? એક સમભાવ આપીને બધા જ વિભાવના કચરાને લઇ લીધો. સમભાવ હોય ત્યાં વિભાવ રહેવાનો ખરો? તો સદ્ગુરુ ચેતનાએ તમારા પાત્રને રાગ-દ્વેષ-અહંકારથી ખાલી કર્યો. હવે નક્કી કરો કે વિભાવમાં એક ક્ષણ પણ મારે જવું નથી, અને વિભાવમાં જઈએ તો એની વેદના કેવી હોય ? 

જિનવિજય મહારાજનું એક સ્તવન છે; અનંતવીર્ય પ્રભુના ચરણોમાં પેશ થયેલું. એની એક પંક્તિ છે; “એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કરું, ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ ક્ષણ એક નવિ કરું” એક દિવસમાં એક મુનિ, એક સાધ્વી નવ વાર કરેમિ ભંતે સૂત્ર બોલે છે. “એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કરું, ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ ક્ષણ એક નવિ કરું.” બહુ જ મજાની એ સ્તવના છે. એની જ એક કડી છે; “કામ રાગે અણ નાથ્યા, સાંઢ પરે ઢસ્યો, સ્નેહરાગની રાચે ભવ પિંજર વસ્યો, દ્રષ્ટિરાગ રુચિ કાજ પાંચ સમકિત ઘણું, આગમ રીતે નાથ ન નીરખું નિજપણું” પ્રભુ કામરાગે મને હેરાન-પરેશાન કરી નાંખ્યો છે. દ્રષ્ટિરાગને કારણે, સ્નેહરાગને કારણે હું સંસારની અંદર વસ્યો છું, અને દ્રષ્ટિરાગ એ તો ભયંકરમાં ભયંકર છે. 

વિતરાગસ્તોત્રમાં હેમચંદ્રાચાર્યએ કહ્યું; ‘द्रष्टिरागस्तु पापीयान्, दुरुच्छेद: सतामपि’ “દ્રષ્ટિરાગ રુચિ કાજ પાંચ સમકિત ગણું” કોઈ પણ દર્શનમાં, કોઇપણ ધર્મમાં ગયા, મારો ધર્મ સાચો; એ જ દ્રષ્ટિ રાગ. જે હતો કાચ એને નીલમણી જેવો કલ્પી લીધો અને એ દ્રષ્ટિરાગ હોવાના કારણે, સમ્યગ્દર્શન ન મળવાને કારણે. “આગમ રીતે નાથ, ન નીરખું નિજપણું” હું કોણ છું? એનું ભાન મને આવી શક્યું નહિ. હું એટલે માત્ર સંસાર. બસ આ જ વાત મારી પાસે હતી. હું એટલે શરીર. આ જ વાત મારી પાસે હતી. 

એટલે એક ક્રમ છે. પરમપ્રેમની અનુભૂતિ એનાથી આજ્ઞાનુભૂતિ અને એનાથી આત્માનુભુતિ; આ ક્રમ છે. પરમપ્રેમની અનુભૂતિ થઈ. પ્રભુના પ્રેમમાં તમે ડૂબ્યા. પછી પ્રભુની એક-એક આજ્ઞા તમને કેવી તો ગમશે? પ્રાણોથી પણ પ્યારી.! અને એ આજ્ઞાના પ્રેમમાં તમે પડયા. એ આજ્ઞાની અનુભૂતિ થઈ. તો આત્માનુભુતિ  આ રહી.! કારણ, પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે- “તું તારા સ્વરૂપમાં સ્થિર થા.” 

એ જ આત્માનુભુતિની વાત. હૃદયપ્રદીપ ષટ્ત્રિંશિકાકારે પહેલા શ્લોકમાં કરી. “शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति” બોલતી વખતે, ખાતી વખતે કોઇ પણ કાર્ય કરતી વખતે એક ક્ષણ એવી આવે તમે છુટા પડી જાઓ છો; તમે જોનાર તરીકે હોવ છો, ખાનાર બીજો છે, કરનાર બીજો છે. તમે માત્ર જોનાર… આ practically approach માં આવ્યું થોડું? તમે માત્ર જોનાર છો.. એક ક્ષણ છુટા પડો. કશું કામ થઈ રહ્યું છે. એક ક્ષણ છુટા પડો. એક ક્ષણ એમાંથી અલગ પડો. હું જોનાર છું; કરનાર નથી. અને જ્યાં તમારું કર્તૃત્વ છૂટ્યું; પીડા ખરી ગઈ. પીડા માત્ર કર્તૃત્વને કારણે છે, મેં આ કર્યું. 

દીકરીનું લગ્ન હોય. તો સૌથી વધારે હેરાન-પરેશાન કોણ હોય? દીકરીનો બાપ. જાનૈયા મજામાં મ્હાલતા હોય. એ દીકરીના બાપને એક ક્ષણ માટે ફુરસત ન હોય. એક ક્ષણ માટે ચિંતાની મુક્તિ ન હોય. એક ફોન આવે અમને હોટલમાં ઉતાર્યા છે, ત્યાં બાથરૂમમાં પાણી નથી આવતું. એમાં પાણી ન આવે એમાં ત્યાના મેનેજરને કહે, મને ફોન કરો છો. બીજો કહે; તમે ખાવાની વ્યવસ્થા બરોબર નથી રાખી. ત્રીજાનો ફોન આવે તમારે આ તકલીફ બહુ છે, આ તકલીફનો જલ્દી નિકાલ લાવો. કર્તૃત્વ કોની પાસે છે? દીકરીના બાપ પાસે. મારી દીકરીનું લગ્ન એવું સરસ થાય લોકો મોઢામાં આંગળી નાંખે. 

એકવાત તમને કહું. આ તમારા સમાજે તમને ક્યારેય પણ સર્ટીફીકેટ આપ્યું નથી, અને આ સમાજ ક્યારેય પણ સર્ટીફીકેટ તમને આપવાનું નથી. એ સમાજ માત્ર એટલું જ જુવે છે કે બેટો ક્યાં ચુકે છે.! તમે એકદમ આગળ વધ્યા ભૌતિક રૂપે, અબજોપતિ થઇ ગયા, તમારી નોંધ લેવી પડે છે સમાજે. પણ સમાજના મનમાં શું છે? જ્યાં તમારી કોઈ ચૂક થઈ, જોઈ લો.! પુરા સમાજના મોબાઇલ ધણધણી ઉઠશે.! સાંભળ્યું? પેલાનો છોકરો- પેલાની છોકરી ભાગી ગયા રાતોરાત.! સમાજને રસ ક્યાં છે? તમે ઉંચે જાઓ એમાં નથી, તમે પટકાઓ એમાં છે! હવે એ સમાજને તમારે રાજી કરવો છે? કે પ્રભુને રીઝવવા છે બોલો? શું કરવું છે? 

મહોપાધ્યાય યશોવિજય મહારાજે સાહેબે સ્તવનામાં કહ્યું, ‘રીઝવવો એક સાંઈ” એક જ પંક્તિમાં એમણે આખું પોતાનું લાઈફ મિશન આપી દીધું. લાઈફ મિશન શું? “રીઝવવો એક સાંઈ” એક મારે મારા ભગવાનને રીઝવવા છે, અમારી પાસે આ છે; દુનિયાને અમારે રીઝવવી નથી. મહારાજ સાહેબ તમે જરા આમ બોલો તો સારું લાગે. ભાઈ, તમને ખુશ કરવા અમારે બોલવાનું નથી. અમારી સામે પ્રભુ છે, અને પ્રભુની આજ્ઞાથી સહેજ પણ હટીને અમે એક શબ્દ પણ બોલી શકતા નથી. અમારે માત્ર અમારા પ્રભુને રીઝવવાના છે, અને ભગવાન રિઝે ત્યારે શું થાય ખબર છે? 

આનંદઘનજી ભગવંતે પહેલા સ્તવનમાં કહ્યું. ‘રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદી અનંત’. દુનિયામાં કોઈ વ્યક્તિ આવી છે? કે ખુશ થઈ જાય પછી તમારો પલ્લું છોડે જ નહ?. ભગવાનને એકવાર આપણે રીઝવ્યા; એ ભગવાન એ પછી અનંતકાળ સુધી આપણને છોડશે નહી.! તો એવા પ્રભુના પરમ પ્રેમમાં આપણે ડૂબી જઈએ. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *