વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : જન્મોના ખંડો પર તરતી સાધના
જો સાધના માત્ર conscious mind ના સ્તરે હશે, તો બીજા જન્મમાં એ સાધના સાથે નહિ આવે. પરંતુ અસ્તિત્વના સ્તરની સાધના બીજા જન્મમાં પણ સાથે આવશે; એનું repetition આવતા જન્મમાં કરવું નહિ પડે.
સમભાવની જો થોડી પણ અનુભૂતિ થઇ હશે, તો નિમિત્તોની અસર તમારા પર ઓછી થશે. અને જે ક્ષણે તમને લાગે કે નિમિત્તોની કોઈ જ અસર થતી નથી, ત્યારે માનવાનું કે સમભાવ તમારા અસ્તિત્વના સ્તરે પહોંચી ગયો છે.
પ્રભુરૂપી મા ના બાળક બનવાની સજ્જતા શું? આપણી દ્રષ્ટિ ચોવીસ કલાક પ્રભુ તરફ હોય; સતત આપણી નજર સામે પ્રભુની આજ્ઞા તરવરતી હોય. પ્રભુના આવા બાળક બન્યા પછી આપણે કશું જ કરવાનું નથી; માત્ર પ્રભુને કહી દેવાનું કે “મોક્ષ આપ” અને એ આપી દે!
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪૦
પરમાત્માના પ્રેમથી જ્યારે હૃદય છલોછલ ઉભરાઈ જાય છે, ત્યારે એ ભક્તના મુખમાંથી જે શબ્દ નીકળે છે એને મંત્રની પ્રતિષ્ઠા મળે છે.
મંત્ર શબ્દના બે નિરુકત થયા. પહેલો નિરુકત એ છે; “मननात् त्राणाच्च मन्त्र” તમે ચિંતન કરો, અને જે તમારું રક્ષણ કરી આપે એ મંત્ર. “मननात् त्राणाच्च मन्त्र” “નમો સિદ્ધાણં” સહેજ ચિંતન થયું, કે ત્રણે કાળના સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. આ ચિંતન ઊંડું ઉતરે, ક્યારેક નિમિત્ત મળે, કોઈ વ્યક્તિ ઉપર સહેજ ગુસ્સો આવવાની તૈયારી હોય, તરત જ યાદ આવે, આ તો ભવિષ્યકાળના સિદ્ધ ભગવાન છે; હાથ જોડાઈ જાય, ક્રોધથી રક્ષણ તમને મળી જાય. તો પહેલું નિરુકત આ; “मननात् त्राणाच्च मन्त्र”
મંત્રની જે વ્યાખ્યા આપણે કરીએ, શબ્દની એને પારંપરિક ભાષામાં નિરુકત કહેવાય છે. બીજું નિરુકત એથી પણ સુક્ષ્મ છે. “मननात् त्रायते इति मन्त्र:” જે તમારા વિચારોને સંપૂર્ણતયા delete કરી દે, એ મંત્ર. એક નાનકડો મંત્ર ગુરુએ આપેલો હોય- અર્હં. તમે એ મંત્રનું રોટેશન ચલાવો, વર્તુળ, ઝડપથી, તો વચ્ચે વિચારને ઘૂસવાની કોઈ પણ સજ્જતા નહિ રહે. પંખો જોરથી ફરતો હોય, તમે બે પાખીયાની વચ્ચે હાથ નાંખી ન શકો. મંત્રનું એક વર્તુળ અને એ પણ ઝડપથી ફેરવો; જેથી વિચારોને ભીતર જવાનો કોઈ અવકાશ જ ન રહે. “मननात् त्रायते इति मन्त्र:” આ સાધનાને આપણે જીવન વ્યાપી બનાવવી છે. એક મંત્ર જ નહિ. તમને જે પણ યોગો મળ્યા છે, સ્વાધ્યાય, ભક્તિ, જાપ, વૈયાવચ્ચ, એને એટલી ઝડપથી ફેરવો, કે તમારું મન એ યોગોને છોડીને બીજે ક્યાંય જઈ શકે નહિ. શુભ યોગોનું એક વર્તુળ ચલાવો અને એ વર્તુળ એટલી ઝડપથી ચાલે, કે વચ્ચે વિચારને પ્રવેશવાનો અવકાશ ના રહે. અજપાજપ મંત્રની જે પદ્ધતિ હતી, એની પાછળનું કારણ આ હતું. સદ્ગુરુએ તમને એક મંત્ર નાનકડો આપ્યો. હવે તમારે અજપાજપ કરવો છે. એટલે કે આવશ્યક ક્રિયાઓ કરતાં હોય ત્યારે નહિ; પણ ખાવાની, પીવાની બીજી કોઈ પણ વૈભાવિક ક્રિયા શરીરના સ્તર પર ચાલતી હોય, એ વખતે પણ એ અજપાજપ મંત્રનું રટણ ચાલતું હતું.
વર્ષો પહેલાં મહેસાણા પાસે જોટાણામાં ગુરુદેવનું ચાતુર્માસ. ઘણા બધા પટેલ ભાઈઓ પ્રવચનમાં આવે. ગામના અગ્રણી હરીભાઈ પટેલ સંપૂર્ણ મૌનમાં અને ગુરુએ આપેલ, ‘રામ’ નામનો જાપ સતત એમનો ચાલતો હતો. એકવાર એક બપોરે ગુરુદેવ પાસે હરિભાઈ આવ્યાં, હું જોડે બેઠેલો, એ સંપૂર્ણ મૌનમાં, લખીને પ્રશ્ન આપે, ગુરુદેવ એનો જવાબ આપે. છેલ્લે ગુરુદેવે પૂછ્યું; કે હરિભાઈ! તમારો અજપાજપ જાપ ચાલે છે, દિવસે તો બરોબર ચાલતો હશે, રાત્રે શું થાય છે? ભક્તની નમ્રક્તિ કેવી હોય છે? એમણે કહ્યું; ગુરુદેવ! શિયાળાની રાત્રે ૨-૪ વાર બાથરૂમ જવા માટે ઉઠવું પડે છે. પણ જે ક્ષણે હું ઉઠેલો હોઉં છું, એ વખતે જાપ ચાલુ હોય છે, એટલે એવું લાગે છે કે ઊંઘમાં પણ કદાચ જાપ ચાલુ રહેતો હશે, બાકી વધુ તો ઉપરવાળો જાણે.
મંત્ર શબ્દાત્મક. એના પછી નાદ. નાદ માત્ર ધ્વન્યાત્મક છે. હિંદુ વિભાવના એવી છે, કે ‘ૐકાર’ નો નાદ સતત ચાલી રહ્યો છે, પણ એ કઈ રીતે? આપણે ‘ૐ’ બોલીએ, ‘ઓ’ ને પ્લુતમાં લઇ જવાનો. ઓ..ઓ..ઓ.. પછી ‘મ’ જે છે એને સુક્ષ્મ કરતાં જવાનું. ‘ઓ….મ…મ….’ એ જે સુક્ષ્મ ધ્વની થયો, ‘મ’ પણ નથી રહેતો. સુક્ષ્મ ધ્વની થઇ જાય છે; નાદ થઇ જાય છે, એ નાદ વિશ્વવ્યાપી છે, અને શાશ્વતીના લયમાં એ ચાલી રહ્યો છે. અને એ નાદના અનુસંધાનમાં જ એક પ્યારો શબ્દ આવ્યો; નાદાનુસંધાન. એ વિશ્વવ્યાપી લય, એ વિશ્વવ્યાપી નાદ સંભળાઈ જાય, અને તમારી ભીતર એવો જ નાદ શરૂ થઇ જાય તો તમે નાદાનુસંધાનની પ્રક્રિયામાં આવ્યા કે એ નાદ સાંભળીને તમારો નાદ ભીતરનો ચાલુ થઇ ગયો.
એક ઘટના મને યાદ આવે છે. રાજસ્થાન પાવાપુરીમાં, ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ. પર્યુષણા પર્વ પછી બાજુના મીરપુર તીર્થે જવાનું થયું. મીરપુર તીર્થ બિલકુલ જંગલમાં આવેલું છે. પાવાપુરીથી હાઈવે ઉપર ચાર- પાંચ- છ કિલોમીટર જાવ, પછી મીરપુરનું બોર્ડ આવે. એ રોડ ઉપર તમે દાખલ થયાં, માત્ર જંગલ, એ જંગલની અંદર મજાના દેરાસરો, ચાર-ચાર.! એ તીર્થમાં જવાનું થયું, દિવસે પ્રભુની ભક્ત થઇ. રાત્રે પ્રતિક્રમણ પછી સંથારાપોરસી ભણાવ્યા પછી થોડુંક ધ્યાન કરતો હતો, એ વખતે એક નાદ પકડાયો, બહારનો, શેનો નાદ એ ખ્યાલ આવ્યો નહિ; પણ મજાનો અને લયબદ્ધ અવાજ હતો, એ નાદના આધારે મારી ભીતરનો નાદ ચાલુ થઇ ગયો, આખી રાત નાદાનુસંધાન મારી ભીતર ચાલુ રહ્યું. સવારે પાંચ વાગ્યા, પેલો નાદ બંધ થઇ ગયો.
સવારે સાત વાગે મેં મેનેજરને પૂછ્યું; કે રાત્રે જે અવાજ આવતો હતો, એ અવાજ શેનો હતો? એમણે મને કહ્યું; સાહેબ! આ વર્ષે વરસાદ બહુ જ પડ્યો છે. અહીં આજુબાજુમાં પર્વતો જ છે. એ પહાડોની ચોટી પર બહુ જ પાણી ભેગું થયું છે. એ પાણી નીચે ટપકતું હોય, એનો આ અવાજ હતો. પાણી ઝરણા રૂપે પણ પડી શકે, પણ ક્યાંક નાનું કાણું જ હોય તો ટપ -ટપ- ટપ કરતું એ પડે; તો એ જે નાદ હતો, એ મેં રાત્રે સાંભળ્યો. પછી મેં પૂછ્યું; કે સવારે પાંચ વાગે અવાજ બંધ થઇ ગયેલો. મને કહે સાહેબ! જંગલ બોલતું થયું એટલે અવાજ સંભળાતો બંધ થયો. અવાજ તો ચાલુ જ છે ૨૪ કલાક. જ્યાં સુધી ચોટી ઉપર પાણી રહેશે, ત્યાં સુધી અવાજ ચાલુ જ રહેવાનો; પણ જંગલ બોલતું થયું. અવાજ સંભળાતો બંધ થઇ ગયો.
તો આવી એક નાદાનુસંધાનની પ્રક્રિયા છે. અને એના જ સંદર્ભમાં અનાહત નાદ શબ્દ આપણે ત્યાં આવ્યો. નાદ બે જાતના- એક આહત નાદ, એક અનાહત અનાહત. કંઈક થપથપાવો અને અવાજ નીકળે એ આહત નાદ, તમે ક્યાંક સંયોગ કર્યો; પણ કશા જ સંયોગ વિના ભીતરથી નાદ નીકળે એણે અનાહત નાદ કહેવાય છે. જો કે, સૂક્ષ્મયોગની ધારામાં, જ્યારે સુક્ષ્મધ્યાનની ધારામાં જ્યારે આપણે પણ જઈએ છીએ ત્યારે એ અનાહત નાદને પણ બાજુમાં રાખવાનો હોય છે. કારણ અનાહત નાદ એ પણ એક પૌદ્ગલિક પ્રક્રિયા છે. કોઈને લાલ-પીળો પ્રકાશ દેખાય, એ પ્રકાશ એ પણ પૌદ્ગલિક પ્રક્રિયા છે. એટલે એ બધાને બાજુમાં રાખી અને આપણે આગળ જવાનું છે.
યોગમાર્ગમાં સૌથી મોટો અવરોધ એ છે કે તમે પગથિયાંમાં ઘર કરીને બેસી જાવ છો. અનાહત નાદ સંભળાયો, લાલ-પીળો પ્રકાશ દેખાયો, તમે કહો છો કે વાહ! અરે વાહ નહિ, અહીં અટકવાનું નથી, આગળ ચાલ.! પગથિયાંમાં ઘર કરીને ક્યારે પણ બેસી શકાય નહિ. જ્યાં સુધી આત્માનુભૂતિ ન થાય ત્યાં સુધી આપણે આગળ ને આગળ ચાલવાનું જ છે.
એ અનુભૂતિની વાત હૃદયપ્રદીપ ષડત્રિંશિકાકારે બે રીતે કહેલી. એક રીત આપણે જોઈ ગયા કે જોનારને છૂટો પાડો. બીજી રીત કઈ છે? “यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथा:॥” એ અનુભૂતિનો મતલબ એ છે, કે એકવાર ધારો કે આ જન્મમાં સ્વરૂપદશાની આંશિક અનુભૂતિ થઇ, તમારા ગુણોની આંશિક અનુભૂતિ તમને થઇ, એ અનુભૂતિ આગલા જનમમાં પણ ચાલે, એના પછીના જનમમાં પણ ચાલે; કારણ અનુભૂતિ અસ્તિત્વના સ્તરની હતી. અને એટલે જ સાધના પ્રભુએ આપેલી એ જન્મોના ખંડો ઉપર તરતી સાધના છે. તમે રાત્રે પત્ર લખવા માટે બેઠા, પાંચ લીટી લખાઈ, લાઈટ off થઇ, વિચારો છો કે કાલે સવારે લખશું. બીજી સવારે પત્ર હાથમાં લીધો, પાંચ લીટી લખાઈ ગયેલી છે. હવે ક્યાંથી શરૂઆત કરશો? છટ્ઠી લીટીથી. આજ લયમાં આપણી સાધના ચાલવી જોઈએ. એક-એક સાધનાની અનુભૂતિ જો થઇ ગઈ, તો આ જન્મમાં તમે જ્યાં સુધી પહોંચ્યા છો, એનું repetition આવતાં જનમમાં કરવું નહિ પડે. માત્ર conscious mind ના લેવલ ઉપર સાધના હશે તો બીજા જન્મની અંદર એ સાધના સાથે નહિ આવે; પણ અસ્તિત્વના સ્તરની સાધના હશે, તો એ બીજા જન્મમાં તમારી સાથે આવે.
આ જન્મમાં તમારી પાસે જે પણ સાધના છે, એ પૈકીમાં અનુભૂતિના સ્તરની સાધના કઈ? સામાયિક સેંકડો નહિ હજારો કર્યા, સમભાવની અનુભૂતિ કેવી છે? ઘણા મને પૂછે કે અનુભૂતિ થઇ છે કે નહિ, એને ચકાસવી શી રીતે? ધારો કે અત્યારે સમભાવની અનુભૂતિ નથી, અને એટલે સહેજ નિમિત્ત મળતાં ભીતરથી ગુસ્સો છલકાઈ આવે છે. હવે સમભાવની અનુભૂતિ થઇ, થોડી પણ થઇ, તો શું થશે? કે નિમિત્ત મળશે પણ એની અસર ઓછી થશે; અને સમભાવની પ્રગાઢ અનુભૂતિ જ્યારે તમને થશે, ત્યારે નિમિત્તોની કોઈ અસર નહિ રહે. આપણે છે ને બહુ જ મજાના માણસો, તમે બધા મજાના માણસો, અને એથી કોઈ દોષ તમારામાં હોય ખરો? તમે શું કહેશો? ક્રોધ આવે ત્યારે, પેલાએ આમ કર્યું, પેલાએ આમ કીધું, માટે મને ગુસ્સો આવ્યો, હું તો ક્ષમાનો અવતાર છું બરોબર…! બરોબર ને ભાઈ? તમે તો સમતાનું મૂર્તિમંદ સ્વરૂપ! ગુસ્સો પેલાએ આપ્યો! ચાલો હું કહું છું, પેલાએ આપ્યો, પણ તમારે જોઈતો નથી, તો લો છો શા માટે?
વહોરવા જાવ. લોકો ઘણી બધી આઈટમની વિનંતી કરે, તમારે જેની જરૂરત ન હોય, તમે શું કહો ખપ નથી. એમ અહીંયા પણ કહી શકાય ને ખપ નથી.! No please. નિમિત્ત શબ્દ સાધકની dictionary માં, સાધકની vocabulary માં છે જ નહિ. ભક્તની dictionaryમાં, ભક્તની vocabulary માં નિમિત્ત શબ્દ પાને પાને છે, પાને પાને. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. કોઈ પણ શુભ કાર્ય થયું, પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. હું નાનકડું પ્રવચન આપું, કે સંગોષ્ઠીમાં બોલું, એ પછી મારી આંખો ભીની થતી હોય છે, અને મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય છે; કે પ્રભુ! તારી પાસે અગણિત sound system હતી અને છતાં તે મારી sound system નો ઉપયોગ કર્યો.! ભક્તની dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે; સાધકની dictionary માં નિમિત્ત શબ્દ છે નહિ. એણે આમ કર્યું માટે મને ગુસ્સો આવ્યો એ વાત જ નથી; મારું ઉપાદાન અશુદ્ધ હતું, માટે મેં ગુસ્સો કર્યો. અત્યાર સુધી ઉપાદાનની અશુદ્ધિ તરફ તમારી નજર ગઈ જ નથી, માત્ર નિમિત્તોને જ જોયા છે, એણે આમ કર્યું, એણે આમ કર્યું, એણે આમ કર્યું. તો જે ક્ષણે તમને લાગે કે નિમિત્તોની અસર નથી થતી, ત્યારે તમારે માનવાનું કે સમભાવ અસ્તિત્વના સ્તરે પહોંચી ગયો હશે.
૨૦૪૪ ના અમારા શ્રમણ સંમેલનમાં મારા ગુરુદેવ બધું જ HANDLING કરી રહ્યા હતા. ઘણા બધા મુનિવરો ઘણું બધું પૂછે, પણ ગુરુદેવ ક્યારે પણ સહેજ ગરમ નથી થયા, એમના મોઢા પરની રેખા ક્યારે બદલાઈ નથી. કોઈએ ગમે તેમ પૂછ્યું; હસતાં હસતાં જ જવાબ આપે. એકવાર એમને ચેલેન્જ મારેલી; કે મને કોઈ ગુસ્સો કરે ને તો એને હું મોટું ઇનામ આપું. તમે આવી ચેલેન્જ આપી શકો? “यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथा:॥” એક-એક સાધનાને અસ્તિત્વના સ્તર પર ઉતારવી છે, અને એ પણ પ્રભુની કૃપાથી. એ પ્રભુની કૃપાનો અનુભવ જ્યારે થાય, ત્યારે ભક્ત શું બોલે? એની વાત આપણે ગઈ કાલે કરતાં હતા.
શક્રસ્તવના છેડે સિદ્ધસેનદિવાકરસૂરિ કહે છે;
“त्वं मे माता पिता नेता,
देवो धर्मो गुरु: पर: ।
प्राणा: स्वर्गोSपवर्गश्च,
सत्त्वं तत्त्वं गतिर्मति:॥”
પ્રભુ મારું સર્વસ્વ તું છે! મારું જીવન તું છે! તું ન હોય, તો હું નથી!
પહેલી વાત ગઈ કાલે કરી; ત્વં મે માતા – પ્રભુ માં છે. એ માં છે, આપણે એના દીકરા છીએ; પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી.! નાનકડો દીકરો સ્કુલેથી આવ્યો. એનું વોટર બેગ ખરાબ થઇ ગયું છે. એણે કહી દીધું માં ને, આ વોટરબેગ નહિ ચાલે, નવું જોઇશે. એની માં રાત્રે શોપિંગ કરીને નવું વોટરબેગ લઇ આવે છે. એમ પ્રભુ રૂપી માં ના આપણે બાળક બન્યા; આપણે કશું જ કરવાનું નથી. માત્ર પ્રભુને કહી દેવાનું; મોક્ષ આપ, આપી દે.! પણ એક વાત મજાની છે. પ્રભુ તો માં છે, છે ને છે. તમે એના બાળક છો? એક છ મહિનાનું બાળક હોય, એની પથારી ભીની બની. એ શું કરશે? માં ની સામે જોશે. એને ભૂખ લાગી છે. એ શું કરશે? રડશે. માં ની સામે જોશે. પેટમાં ચૂક ઉપડી, બોલી શકતો નથી, રડશે પણ માં ની સામે જોશે. બાળક હોવાની સજ્જતા શું? આપણી દ્રષ્ટિ ૨૪ કલાક પ્રભુ તરફ હોય તો આપણે પ્રભુ માં ના બાળક બનેલા કહેવાઈએ. બોલો એકવાર તમે બાળક બની ગયા. પછી તમારે કંઈ જ કરવાનું ન રહે. માત્ર પ્રભુની પાસે માંગવાનું; મારે આ જોઈએ, મળી જાય. પણ પહેલા આ સંબંધ બાંધવો પડશે. એ સંબંધ બાંધવા માટે પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહ્યું. “तद्दिट्ठीए” એ પછીના શબ્દો બહુ જ મજાના છે, तम्मुत्तीए तप्पुरक्कारे ક્યારેક એનું વિશ્લેષણ કરીશ. “तद्दिट्ठीए”
પ્રભુ રૂપી માં નું બાળક કેવું હોય? માત્ર અને માત્ર એ પ્રભુને જોતું હોય. પ્રભુની આજ્ઞાને જોતું હોય. સતત પ્રભુની આજ્ઞા નજર સામે તરવરે ને, ખોટું કામ પ્રભુની આજ્ઞા વિરુદ્ધનું કામ કરવાનું છે; પણ એ વખતે મનમાં ડંખ પેદા થાય ને? ઘણીવાર આપણે કહીએ; ધર્મ અમુલ્ય. સત્ય પણ અમુલ્ય. અમુલ્ય શબ્દના બે અર્થ થાય. જેનું મુલ્ય થઇ ન શકે, એ અમુલ્ય; અને જેનું કંઈ મુલ્ય જ નથી એ પણ અમુલ્ય. બોલો તમારા માટે સત્ય વચન બોલવું, અને અસત્ય વચન બોલવું. ફરક પડે? એક નિયમ તમે લઇ શકો? કે સંસારી માણસ છું, નિર્બળ છું, પૈસાની આવશ્યકતા છે, એક હજાર રૂપિયા મળતાં હોય તો જૂઠ્ઠું બોલવાની છૂટ. પણ ૯૯૯ મળતા હોય ત્યાં સુધી હું જૂઠ્ઠું ન જ બોલું, પ્રાણાંતે પણ જૂઠ્ઠું ન બોલું. લેવો છે આ નિયમ બોલો.? સત્યનું આપણે થોડુંક મુલ્ય કરીએ. એક હજાર રૂપિયા મળતાં હોય તો કદાચ નિર્બળતાને કારણે જૂઠ્ઠું બોલી દો; પણ ૯૯૯ મળતા હોય, ત્યાં સુધી પ્રાણાંતે પણ જૂઠ્ઠું ન બોલું. છે આ નિયમ? બોલો.. એક પણ પૈસો મળતો ન હોય, અને જૂઠ્ઠું ઠોક્યા કરતાં હોય.! એ વખતે તમને લાગે કે પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ હું જઈ રહ્યો છું. એટલું નક્કી કરો કે; સાંસારિક લાભ તમને જ્યાં પણ નથી મળતો ત્યાં તમે પ્રભુની આજ્ઞાને વફાદાર રહેશો.
અઢાર પાપસ્થાનક વિશે આચાર્ય ભગવંતે ખુબ સરસ રીતે તમને સમજાવ્યું છે. એક પણ પૈસો તમને મળતો નથી. એ વખતે અઢાર પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનકને આચરવું નહિ. આવી એક અડગતા તમારી પાસે આવી જાય. તો પ્રભુ રૂપી માં ના તમે બાળક બની જાવ. જિનશાસનના એક પણ અંગની ક્યારેય પણ નિંદા ન કરવી. છે નિયમ? નિંદા કરવી નહિ, નિંદા સાંભળવી નહિ. કોઈ કહેતું હોય, આ મ.સા. આમ, તરત જ તમે કહી દો; no please, મારા કાન પ્રભુના કાન છે. તમારી આંખો તમારી કે પ્રભુની? “હું પ્રભુ તારો” તો તમારું શરીર કોનું? “ઇદં શરીરં દેવ મંદિરાત્” આ શરીરને પ્રભુનું ઘર કહ્યું.! તો કાન કોના? પ્રભુના. એ કાન અભળાઈ જાય ચાલે ખરું? દેરાસરમાં કુતરાએ પેશાબ કર્યો, તમે દેરાસરને ધોવડાવી નાંખો. આ કાન, પ્રભુના કાન, એની અંદર એક પણ નિંદાનો શબ્દ પડે તો આ કાન અભળાઈ જાય. લેવો છે નિયમ? નિંદા કરવી નહિ, નિંદા સાંભળવી નહિ.
એક લોકકથા આવે છે. બ્રાહ્મણના બે દીકરા. કાશીએથી ભણીને પોતાના ગામ તરફ જઈ રહ્યા છે. પગે ચાલતાં, ગરીબ દીકરાઓ છે, રોજ દસ- પંદર- વીસ કિલોમીટર કાપે. દસ-અગિયાર વાગે કોઈ ગામમાં જાય. ધર્મશાળા હોય ત્યાં રહે. કોઈ એમને જમાડી લે. એક ગામમાં અગિયાર વાગે એ લોકો શિવાલયમાં આવ્યાં. ધર્મશાળામાં ઉતર્યા. ગામનો એક સુખી શ્રેષ્ઠી હિંદુ એણે બ્રાહ્મણના દીકરાને જોયા. જોતાં જ સમજી ગયો કે ભણીને આ લોકો ગામ જઈ રહ્યા છે. તો એણે કહ્યું; બંને દીકરાઓને કે જમવા માટે કોઈ તડખડ તમે કરતાં નહિ. મારે ત્યાં જ તમારે જમવાનું છે. તમે નાહી-ધોઈને તૈયાર થાવ. હું હમણાં તમને બોલાવવા માટે આવું છું. એટલો બધો ભાવ એ શ્રેષ્ઠીનો, શીરો બનાવ્યો, દૂધ થોડું extra મળી ગયું, દૂધપાક બનાવી નાંખ્યો, અને બીજી પણ ઘણી આઈટમ બનાવી. આ બંને દીકરા સવારના ભૂખ્યા, ગઈ કાલે પણ ખાવાનું બરોબર મળ્યું ન હતું. ભૂખ્યા ડાંસ જેવા, બરોબર ખાધું. ખાધા પછી શિવાલયે જવાનું છે. પણ પેલા શ્રેષ્ઠીએ કહ્યું; કે તડકો બહુ જ છે. ચાર-સાડા ચાર પાંચ વાગે નમતા પહોરે કંઈક તમારે કડક-બડક નાસ્તો કરવો હોય તો નાસ્તો કરીને અને ત્યાં પહોંચી જજો. પેલા કહે; સારું. સુઈ ગયા. સુઈ ગયા એ સુઈ ગયા. ચાર વાગે ઉઠાડવા જાય, બેય ખતમ થઇ ગયા. Food poisoning થઇ ગયું. દૂધ જે extra લીધેલું, એ રબારણ ગામડેથી આવતી હતી. એનું મોગરડું દૂધનું ખુલ્લું હતું. રસ્તામાં થાક લેવા એક ઝાડ નીચે એ બેઠેલી અને એ ઝાડ ઉપર એક સમડી સાપને પકડીને આવેલી, સાપ ઉંધો લટકતો હતો, એ સાપના મોઢાનું ઝેર એ દુધમાં પડ્યું. રબારણને ખબર નથી. આ ભાઈને પણ ખબર નથી. એ દુધનો દૂધપાક બન્યો. Food poisoning થઇ ગયું. બેય ખતમ થઇ ગયો. પણ આ માણસ એટલો પ્રતિષ્ઠિત ગામમાં હતો, ગામના દસ જણાને બોલાવ્યા કે આ ઘટના ઘટી છે. બધાએ કહ્યું; એમાં તમારો કોઈ વાંક નથી. એમનો સામાન તપાસ્યો; ક્યાંક કોઈ નામ-ઠામ, ગામનું નામ મળે, પણ એવું કંઈ મળ્યું નહિ. બધાએ ભેગા થઈને અગ્નિ સંસ્કાર કરી દીધો.
ગામમાં એક ડોશીમાં ૮૦ વર્ષની ઉંમર. પણ ખાધું હજમ ક્યારે થાય? કોઈની ખરાબ વાત સાંભળવા મળે, અને આખા ગામમાં સરક્યુંલેટ કરે ત્યારે ખાવાનું પચે. એને આ સમાચાર મળ્યાં, અને એને તો આમ જલસો પડી ગયો. લાકડી લઈને નીકળી પડી; સાંભળ્યું! પેલો પટેલીયો ધર્મ ધર્મ ધર્મ કરે છે ને, ધરમનું પુંછડું, બેય બરાબરના દીકરાને મારી નાંખ્યા. આ લોકકથા છે. હિંદુ લોકકથા. હવે બન્યું એવું એ ઉપર યમરાજા, અને એમનો personal assistant ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત વિચારમાં પડ્યો; કે બેય બ્રાહ્મણના દીકરાની હત્યા તો થઇ; પણ હત્યાનું પાપ કોના માથે નાંખું? પેલો ભાઈ નિર્દોષ છે. રબારણ નિર્દોષ છે, એટલે મૂંઝાયો, ચોપડો લઇ યમરાજ પાસે ગયો.સાહેબ! આ હત્યાનું પાપ કોના માથે નાંખું? યમરાજાએ બધું જોયું; પેલી ડોશી ઉપર નાંખો, કહે છે! તમારે આજે નિયમ લેવો છે? નિંદા કરવી નહિ, નિંદા સાંભળવી નહિ.
આપણે તો સાર્વત્રિક હોદે જવું છે તો સૌથી પહેલો નિયમ એ લો, કે જિનશાસનના કોઈ પણ અંગનું ઘસાતું ક્યારે પણ ન બોલવું. એક વાત તમને પુછુ; તમારો દીકરો છે. કોઈ ખરાબ લતે ચડી ગયો. એટલે તમે એનો ઢંઢેરો પીટવાના? શું કરવાના? તમે ખાનગીમાં, પ્રેમથી એને સમજાવવાના. તમને શ્રાવકોને સાધુઓના માતા-પિતા કયા એ કયા અર્થમાં? તમે પ્રેમથી એ મુનિરાજને સમજાવી શકો, કે સાહેબજી! કેટલા બડભાગી તમે? અમને જે પ્રભુનો વેશ નથી મળ્યો, જે વેશ મળે, એના માટે રોજ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ; એ વેશ તમને મળી ગયો, હવે બસ પ્રભુની આજ્ઞા મુજબનું જીવન તમારું હોવું જોઈએ. તમે એમના ગુરુને પણ કહી શકો. પણ તમે ઢંઢેરો પીટો! તો આજથી નક્કી કરો, જિનશાસનના એક પણ અંગનું ક્યારેય પણ ઘસાતું બોલવું નહિ, ક્યારે પણ ઘસાતું સાંભળવું નહિ. આવા કંઈક પ્રાથમિક ગુણો હશે, તો જ આપણી સાધના અસ્તિત્વના સ્તરે પહોંચશે ને..? નહિ તો ઉપર ને ઉપર રહી જવાની! સામાયિક પણ થશે અને નિંદા પણ થશે. એ સામાયિકનો સમભાવ, અસ્તિત્વના સ્તરે ઉતરશે કઈ રીતે?
માર્ગાનુસારિતાની ભૂમિકા વિના તમે આગળ કઈ રીતે વધી શકો? એટલે હરીભદ્રસૂરિ મ.સા. તો સ્પષ્ટ કહે છે, કે ધીરે ધીરે ધીરે એમને આગળ વધારો. તમે શ્રાવક છો. અમે સાધુ છીએ. પાંચમું અને છઠ્ઠું ગુણઠાણું માત્ર વ્યવહારથી. નિશ્ચયથી કયા છીએ એ તો તમે યોગદ્રષ્ટિ સમુચ્ચયને ઊંડાણથી વાંચો ત્યારે ખબર પડે; અને એ વખતે તમારી આંખમાં આંસુ આવે કે પહેલી દ્રષ્ટિનું પણ હજી ઠેકાણું નથી!
ચાલો પહેલી દ્રષ્ટિની વાત છોડો; ચરમાવર્તમાં ક્યારે અવાય? છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં કયારે અવાય? “મુક્તિ અદ્વેષ હોય તો” બરોબર? ચરમાવર્ત માં તમે આવ્યા, એની નિશાની શું? મુક્તિ અદ્વેષ. હવે આપણે શું માનીએ કે હા ભાઈ મોક્ષ તો ગમે જ છે ને, “શિવગામી ભવથી ઉગારજો” ઉપાધ્યાયજી ભગવંતે દ્વાત્રિશત્-દ્વાત્રિંશિકામાં સ્પષ્ટ કર્યું કે મુક્તિ અદ્વેષ એટલે શું? મુક્તિની યાત્રાએ જનાર બધા જ યાત્રિકો તરફનું અદ્વેષ. હવે બોલો? જેટલા પણ સાધકો વ્યવહારથી શ્રાવકો છે એ નહિ, જૈન છે એ નહિ, જે માર્ગાનુંસારી છે, એ બધા જ પ્રભુના સેવકો છે, તો એ બધા ઉપર તમારો અદ્વેષ હોય, તમારો પ્રેમ છલકાતો હોય, તો જ તમે ચરમાવર્તમ આવેલા કહેવાય. લાગે છે ચરમાવર્ત માં આવ્યા છીએ એમ? ક્યાં છીએ? રોજ આત્મપ્રેક્ષણ કરો કે હું ક્યાં છું? મારે ક્યાં જવું છે?
તો અનુભૂતિની બીજી વ્યાખ્યા આ આપી કે એક સાધનાને અસ્તિત્વના સ્તરે તમે મૂકી દીધી, બીજા જન્મની અંદર અનુભૂતિનું સ્તર પકડાયેલું હોવાને કારણે એ સાધના બેઠી ને બેઠી તમને મળશે; અને એ સાધના તમને છેલ્લે મોક્ષ અપાવીને રહેશે. તો આપણે મોક્ષમાં જવું છે, અને એના માટે એવી સાધના આપણે કરીએ કે જે અસ્તિત્વના સ્તરની હોય.
