Param Sparsh Ni Yatra – Vachana 44

14 Views
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સાક્ષીભાવ

એક વાર જો તમે સાક્ષીભાવના આનંદને માણી લેશો, તો પછી કર્તૃત્વની દુનિયામાં તમે જઈ નહિ શકો. વર્તમાનયોગ જેને મળેલો છે, તેના માટે સાક્ષીભાવ સામાન્ય ઘટના છે. બપોરના બાર વાગ્યાની ચિંતા સવારે છ વાગ્યે તમે કરો?!

કદાચ વ્યવહારના સ્તર પર તમે વિચારો, future planning કરો પણ ખરા. પરંતુ નિશ્ચયના સ્તરે વિચાર કરો કે આ બધું હું નક્કી તો કરું છું; પણ હું પોતે કેટલું રહેવાનો (જીવવાનો) એ મને ખ્યાલ નથી! તો વ્યવહારથી planning કરવા છતાં તમારું એવું attachment પર સાથે નહિ થાય.

આપણે નક્કી કરીએ કે આમ થવું જોઈએ અને એ પ્રમાણે ન થાય, તો આપણે દુઃખી થઈએ. દુઃખી કરનાર આપણી અપેક્ષા છે. અને આપણને સુખી બનાવનાર આપણો સાક્ષીભાવ. આમ થયું, તો પણ ઠીક; તેમ થયું, તો પણ ઠીક. જે પણ થઇ રહ્યું છે, તેનો સ્વીકાર.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

પરમાત્માનો પ્રેમ સતત આપણા ઉપર વરસતો આવ્યો. ક્યારેક શબ્દોની અંદર એ પ્રેમ વરસ્યો.. ક્યારેક કૃપા રૂપે એ પ્રેમ વરસ્યો.. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ગાથાસૂત્રમાં પ્રભુનો પ્રેમ શબ્દોમાં ઉતરી આવ્યો. “विणयं पाउकरिस्सामि” હું પોતે તને સમર્પિતતાના પાઠો શીખવીશ. પ્રભુ જાતે આપણને શીખવવા માટે તૈયાર થયા છે! પણ પ્રભુ સદ્ગુરુ તરીકે અહીંયા આવ્યા છે, અને એટલે પ્રભુ કહે છે, હું તને સમર્પિતતાના પાઠો તો શીખવું પણ એક મારી શરત છે; સાક્ષીભાવને ઘૂંટીને તું આવેલો હોય તો હું તને સમર્પિતતાના પાઠો શીખવું. 

સાક્ષીભાવ એટલી તો આનંદદાયક ઘટના છે, કે એકવાર તમે એને માણો પછી એને છોડી ન શકો. પ્રભુએ તો વ્યવહાર સાધનામાં જ સાક્ષીભાવ આપી દીધો! તથાકાર સામાચારી શું છે? સાક્ષીભાવને પ્રગાઢ બનાવવાની એક વ્યવસ્થા. સદ્ગુરુની આજ્ઞા જ રહે; તમે રહો નહિ, તમારી ઈચ્છા રહે નહિ, તમારું કર્તૃત્વ રહે નહિ! 

પરંપરામાં એક મજાની વાત આવે છે; એક સાંજે સદ્ગુરુ બે શિષ્યોને કહે છે કે કાલે સવારે તમારે વૈયાવચ્ચ માટે એક સ્થળે જવાનું છે. એક મુનિરાજ ગ્લાન હતા જ, એમની સેવામાં જે હતાં, એ પણ માંદા પડ્યા છે; એટલે તમારે બેઉએ કાલે સવારે ત્યાં જવાનું છે. બીજી સવારે બંને શિષ્યો ભેટ બાંધીને, તૈયાર થઈને આવ્યાં. સદ્ગુરુના ચરણોમાં દ્વાદશાવર્ત વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું. અને પછી પૂછ્યું; ગુરુદેવ! આપે ફરમાવ્યું હતું એ પ્રમાણે અમે જઈએ? એ વખતે ગુરુદેવ ના પાડે છે. ગુરુદેવ કહે છે, તમારે જવાનું નથી. ગુરુની આજ્ઞા..! ભેટ છોડી નાંખી, આસન ઉપર બેસી સ્વાધ્યાય શરૂ કર્યો. અને ગુરુદેવે બીજા બે મુનિઓને બોલાવ્યાં; અને કહ્યું, તમે તૈયાર થાવ, તમારે જવાનું છે. એમને ત્યાં મોકલ્યા; આમને ન મોકલ્યા. સાક્ષીભાવ એટલો ઘૂંટાયેલો હતો. કર્તૃત્વ હતું જ નહિ. સદ્ગુરુ કહે; જાવ તો જવાનું. સદ્ગુરુ કહે; રહી જાવ, તો રહી જવાનું. No thoughts… કોઈ વિચાર નહિ… કેટલો આનંદ આવે? એકવાર એ આનંદને માણવો છે. અને મારી ગેરંટી: એકવાર તમે સાક્ષીભાવના આનંદને માણી લેશો પછી કર્તૃત્વની દુનિયામાં જઈ નહિ શકો. 

મારો શિષ્ય ક્યારેક મને કહે; સાહેબજી આપ કહો છો, પણ આમાં મારો અભિપ્રાય આવો છે. એ વખતે હું હસું છું. મને હસતો જોવે, પેલાને થાય, કંઈ ભાંગરો વટાઈ ગયો. એ પૂછે; ગુરુદેવ શું થયું? ત્યારે હું કહું કે દીક્ષા વખતે તારા ‘હું’ ના સુગર ક્યુબને, તારા ‘હું’ પતાસાને પ્રભુની આજ્ઞાના ગ્લાસમાં નાંખી દીધેલો, અને પછી વાચનાની ચમચીથી એને હલાવ-હલાવ કરેલું, આ પતાસું હજી સુધી રહ્યું છે? તું કહે છે, મારો અભિપ્રાય આમ છે; તું જ ન હોય, તારો અભિપ્રાય ક્યાંથી હોઈ શકે? પ્રભુ conditionally આપણને શીખવવા તૈયાર બેઠા છે. પ્રભુની પાસે અભ્યાસ કરવો છે? સદ્ગુરુઓ પાસે તો અભ્યાસ કર્યો. ખુદ પ્રભુ પોતે તમને ભણાવે….! ભણવું છે? પણ શરત આ જ છે: સાક્ષીભાવને પ્રગાઢ બનાવવો. વર્તમાનયોગ જેની પાસે ગળથુંથીમાંથી મળેલો છે, એના માટે સાક્ષીભાવ સામાન્ય ઘટના છે. 

સદીઓ પહેલાં એક ઘટના કહું. નાગાર્જુન બૌદ્ધ પરંપરાના અત્યંત વિદ્વાન આચાર્ય. ૫૦૦ ભિક્ષુઓ ભેગા થયેલા હોય, કે ૧૦૦૦ ભિક્ષુઓ ભેગા થયેલા હોય, નાગાર્જુન જો હોય, તો નાગાર્જુનની જ વાચનાઓ ચાલે. શાસ્ત્રો પ્રત્યે આદર પૂર્વકની પકડ એમની હતી. શાસ્ત્રોના શબ્દોને ખોલવામાં એ બહુ જ મોટા નિષ્ણાંત હતા. 

તમે શાસ્ત્રો વાંચ્યા છે. પછી શું કરવાનું? 

યોગશતકમાં એક મજાની વિધિ બતાવી- એક ગ્રંથ તમે ૫-૭ વાર વાંચેલો છે, પછી તમારે તીર્થ પાસે જવાનું. ‘તીર્થ’ શબ્દ મુક્યો છે. તીર્થનો અર્થ કર્યો છે; “अभ्यस्त भावना मार्ग: आचार्य:” જેમણે સાધનાને ખુબ ખુબ ઘૂંટેલી છે, એવા આચાર્ય ભગવંતના ચરણોમાં તમારે જવાનું છે; અને પછી એ આચાર્ય ભગવંત પંક્તિ – પંક્તિ વચ્ચેના અશબ્દને, શબ્દ-શબ્દ વચ્ચેના અશબ્દને ખોલી આપશે. 

હરીભદ્રસૂરિ મ.સા.ને તમે વાંચી લો, પણ માત્ર વાંચવાથી કામ પૂરું થતું નથી. એના માટે ઊંડાણમાં જ્યારે જવું છે, ત્યારે આવા આચાર્ય ભગવંતના ઉપનિષદના બેસવું પડે છે. એ આચાર્ય ભગવંત ગ્રંથના ઊંડાણને ખોલી આપે છે, અને પછી તમે એ ગ્રંથે કહેલી અનુભૂતિમાં જાવ છો. આપણી પરંપરા એવી છે, ૨૦ વર્ષ સુધી આગમગ્રંથોનું અધ્યયન, શાસ્ત્રોનું અધ્યયન. એ પછી સદ્ગુરુ તમને એકાદ ગ્રંથ આપે, એ ગ્રંથને અનુભૂતિના સ્તર સુધી તમારે લઇ જવાનો, આ આપણી પરંપરા. 

તો નાગાર્જુન બહુ જ મોટા નિષ્ણાંત. પણ છેલ્લા દિવસોમાં એમને થયું કે ક્યાંક એકાકી જઈને સાધના કરું. એક બહુ મજાની વાત તમને કરું; આપણા આચાર્ય ભગવંતો સારણા વિગેરે કરતાં હોય, પણ પોતાની ભીતર રમતાં હોય. “સારણાદિક ગચ્છમાંહે કરતાં, પણ રમતાં નિજ ઘર હો” પણ એવા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો પણ પોતાનો અનુગામી તૈયાર થાય ત્યારે એને ગચ્છ ભળાવી દે છે, અને પોતે ગચ્છની જવાબદારીમાંથી નિવૃત્ત થાય છે. શા માટે? સેંકડો શિષ્યોની સારણા, વારણા ચાલતી હતી, છતાં પોતાની ભીતર રમવાનું તો ચાલુ જ હતું. તો શા માટે ગચ્છાધિપતિ પદને છોડે? બહુ જ મજાની વાત છે, પોતાના ગચ્છ પ્રત્યે એક સૂક્ષ્મ મમત્વ તો હોય જ. પોતાના ગચ્છના કોઈ સાધુ કે સાધ્વીએ એવું સ્ખલન કર્યું, જે જિનશાસનની ગરિમાને અનુરૂપ નહતું. ગચ્છ પ્રત્યેના સૂક્ષ્મ મમત્વને કારણે એ આચાર્ય ભગવંતને સહેજ અસમાધિ થઇ શકે કે મારા ગચ્છમાં રહેલો શિષ્ય અને એણે આવું અકાર્ય કર્યું! આટલી પણ અસમાધિ ન થાય, આટલું પણ પરમાં ન જવાય, એના માટે ગચ્છાધિપતિ પદનો ત્યાગ કરે. એ પછી નવા ગચ્છાધિપતિ જોડે પોતે વિહાર કરે. પણ જે ગામમાં ગયા. આગળથી બે શિષ્યો પહોંચેલા હોય. એ આચાર્ય ભગવંત માટે જગ્યા નક્કી કરેલી હોય, દર્શન કરીને, સંઘને માંગલિક સંભળાવીને પોતાના રૂમમાં એ જતા રહે. એ રૂમમાં એ પોતે એકલા જ, બીજું કોઈ નહિ. બહાર એક શિષ્ય બેઠેલો હોય, અને આચાર્ય ભગવંતને ગોચરી વાપરવાની હોય ત્યારે પાત્રા લઈને અંદર જાય. સાહેબ વાપરી લે, પાત્રા લઈને બહાર આવતો રહે. સાહેબનું પડીલેહણ કરવાનું છે; એક જ શિષ્ય અંદર જાય, પડીલેહણ કરીને બહાર આવતો રહે. ૨૪ કલાક એકાંતની અંદર એ આચાર્ય ભગવંત સાધનાને એકદમ સૂક્ષ્મ લયમાં લઇ જાય. 

નાગાર્જુનને વિચાર થયો; કોઈ ગુફાની અંદર જઈને સાધના કરું. એકાકી નીકળી પડ્યા. સેંકડો શિષ્યો પોતાના છે. એ એક પણ જગ્યાએ જાય, ૫-૧૦-૧૫ શિષ્યો જોડે ન હોય એવું બને નહિ. એ વ્યક્તિ બધું જ છોડીને એકલા નીકળી પડ્યા! એક ગામમાં આવ્યાં. એ ગામમાં મઠ નહતો. બૌદ્ધ આશ્રમ ન હતો. ઉતરવા માટે માત્ર ખુલ્લા ચોરાની વ્યવસ્થા હતી. મંદિર, બાજુમાં ચોરો. ચોરામાં ઉતર્યા. સાંજે આવેલા. લગભગ રાત્રિ ધ્યાનમાં ગઈ. આપણું તો સૂત્ર છે ને; દિવસ જ્ઞાન માટે, રાત્રિ ધ્યાન માટે. દિવસ માટે જ્ઞાન માટે, રાત્રિ ધ્યાન માટે. લગભગ રાત ધ્યાનમાં ગઈ. સવારે છ વાગે એમણે જોયું; કે પોતાનું કમંડળ પાણી ભરવાનું અને ભિક્ષા માટેનું લાકડાનું પાત્ર, એ બંને ખોવાઈ ગયા છે. રાત્રે કો’ક હાથ લગાવી ગયું છે. ૬ વાગે જોયું, જોયું, પણ કોઈ અસર થતી નથી. સાક્ષીભાવ એટલો ઘૂંટાયેલો છે, કે કોઈ ઘટનાની અસર થતી નથી. ૧૨ વાગે ભિક્ષા માટે જવાનું છે, ત્યાં સુધીમાં કોઈ આવી જાય, પાત્રા આપી જાય તો ઠીક  છે, નહિતર ૧૨ વાગે નીકળશું. બપોરના ૧૨ વાગ્યાની ચિંતા સવારે ૬ વાગે તમે કરો? તમારા માટે છે ને, એક મજાની વ્યવસ્થા વ્યવહારના સ્તર પર તમે શ્રાવકો વિચાર કરો, future planning પણ કરો. નિશ્ચયના સ્તર પર એ માનવાનું કે આ બધું નક્કી તો કરું છું, પણ હું કેટલો રહેવાનો એ મને ખ્યાલ નથી. તો શું થશે? વ્યવહારથી planning કરવા છતાં, તમારું એટલું attachment પર સાથે નહિ બને. 

વચ્ચે એક વાત યાદ આવી. આચાર્ય શીલચંદ્રસૂરિજીએ આ ઘટના લખી છે. મધુસૂદન ઢાકી બહુ મોટા પુરાતત્વવેદ. International ક્ષેત્રે એમની પ્રસિદ્ધિ. એ નિવૃત્ત થયા. પણ જ્ઞાન એમનું મંદિરો વિશેનું, મૂર્તિ વિશેનું અગાધ છે. શીલચંદ્રસૂરિજી એમની પાસે ઘણીવાર જતાં, અને એમના જ્ઞાનનો લાભ લેતાં. મધુસૂદનભાઈને એક જ શોખ હતો. જૂની ડીઝાઈનના દાગીના ( સોનાના ) ભેગા કરવા. Collection મોટું હતું. પણ શીલચંદ્રસૂરિજીએ જોયું; કે કોઈ પણ વ્યક્તિ એમને મળવા માટે આવે, તો મધુસૂદનભાઈ એક દાગીનો એને આપે, લે લઇ જા. એક દિવસમાં ૫ જણાને આપી દીધા દાગીના! શીલચંદ્રસૂરીજીએ પૂછ્યું; તમને તો આનો ગાંડો શોખ છે. તમે કેમ આપી દો છો? એ વખતે કેટલી જાગૃતિ એ સાધકની..! એ કહે છે; સાહેબ! મૃત્યુ નજીક આવી રહ્યું છે. કઈ ક્ષણે જીવન છૂટશે એ ખ્યાલ નથી, પણ જે ક્ષણે જીવન છૂટવાનું હોય ત્યારે મારી આજુબાજુમાં એવી કોઈ વસ્તુ ન જોઈએ કે જેના પ્રત્યે મને attachment હોય. આના પ્રત્યે મને attachment છે, એટલે પોણા ભાગનો હિસ્સો તો મેં ખાલી કરી નાંખ્યો. બે – ચાર દિવસમાં બાકીનું બધું પણ આપી દઈશ. મૃત્યુ ટાણે, એક પણ વસ્તુ મારી સામે એવી ન હોય જેમાં મને attachment થઇ શકે.. આ જાગૃતિ… 

નાગાર્જુન વિચારે છે; ૬ વાગ્યા છે, ભિક્ષાએ જવું છે ૧૨ વાગે; તો ૧૨ વાગ્યાની ચિંતા ૬ વાગે હોય? તમે તો ન જ કરો…! હું ઘણીવાર કહું; શિષ્યોને – શિષ્યાઓને મજા જ મજા.. જલસો..! ચોમાસું ઉતરશે, ક્યાં જવાનું છે? ગુરુદેવ જાણે. શિષ્યોને – શિષ્યાઓને મજા જ મજા. અને મારા જેવો ગુરુ હોય તો એ પણ મજામાં.! પાંચ આમ વર્ષના પ્રોગ્રામ નક્કી હોય, આવતી ક્ષણ માટે હું uncommitted છું. અપ્રતિબદ્ધ. આવતી ક્ષણે જે થવાનું હોય એનો સ્વીકાર. નાગાર્જુન ધ્યાનમાં લાગી ગયા. બપોરના બાર વાગ્યા. કોઈ આવ્યું નહિ. કોઈને ખ્યાલ નહિ આવ્યો કે આટલા મોટા ગુરુ અમારે ત્યાં આવ્યા છે! કાંઈ વાંધો નહિ, ચાલો ભિક્ષાએ, એ જ મસ્તી. સાક્ષીભાવ તમને મસ્તી આપે છે. એક દિવ્ય આનંદ.. આમ થયો તો પણ ઠીક છે.. આમ ન થયું તો પણ ઠીક છે.. જે પણ થઇ રહ્યું છે, એનો સ્વીકાર. 

આપણે શું થાય, આપણે નક્કી કરીએ કે આમ થવું જોઈએ; અને એ પ્રમાણે ન થાય એટલે આપણે દુઃખી થઈએ. દુઃખી કરનાર આપણી અપેક્ષા છે, અને આપણને સુખી બનાવનાર આપણો સાક્ષીભાવ છે. વહોરવા માટે નીકળ્યા, ભિક્ષા માટે. પહેલો જે બંગલો આવ્યો, એ એક પરમ બૌદ્ધ ઉપાસકનો હતો. એવો ઉપાસક કે જે વારંવાર ગુરુઓના દર્શન માટે જતો. બંગલાની બહાર એ ઉભેલો. નાગાર્જુનને આવતાં જોયા. ચમકી ગયો એ ! આ ગુરુ ! એને ખ્યાલ હતો, ૫૦૦ ભિક્ષુઓ હોય, ૧૦૦૦ ભિક્ષુઓ હોય, નાગાર્જુન બોલે આખી સભા સ્તબ્ધ બની જાય! અને એ પણ એકલા! ચરણોમાં ઢળી પડ્યો. એને ખ્યાલ આવી ગયો કે ગુરુ સૂક્ષ્મ સાધના માટે એકાંતમાં ક્યાંક જઈ રહ્યા છે. વિનંતી કરી; મારે ઘેર પધારો. ગુરુ ત્યાં ગયા. પુરા પરિવારે વંદન કર્યું. હિતશિક્ષા આપી. પછી કહે સાહેબ લાભ આપો. તો કહે કે હા. શ્રેષ્ઠીએ જોયું કે ગુરુ પાસે કોઈ વાસણ નથી. પોતાને ત્યાં તપાસ કરી. લાકડાનું પાત્ર મળ્યું નહિ. એક સોનાનું પાત્ર, આવું ડબ્બા જેવું, હીરા જડેલું, ઉપર ઢાંકણું, ગુરુને કહ્યું; સાહેબ આ ચાલશે? ચાલશે.. લાકડાનું કમંડલ આપી દીધું, ગુરુએ પાત્રમાં ગોચરી વહોરી લીધી, કમંડળમાં પાણી લીધું. નીકળ્યા. 

એ નીકળ્યા ચોરા ઉપર જવા માટે પાછળથી એક ચોર આવી રહ્યો છે. ચોર દિવસે રેકી કરે. રાત્રે ચોરી કરે. રેકી કરવા આવેલો. અને એમાં એને નાગાર્જુનને જોયા. હાથમાં સોનાનું પાત્ર, હીરા મઢેલું.. ચોરને થયું, હવે બીજે ક્યાંય નજર નંખાય નહિ. આ એક પાત્ર મળી જાય; મારું કામ થઇ જાય. હવે ગુરુ ક્યાં છે એ જોઈ લઉં. ગુરુ તો ખુલ્લા ચોરામાં ગયા. ત્યાં પોતાની વિધિ બિધિ કરીને બેઠા. ચોર પાછળ બેસી ગયો. પાછળની દીવાલને અડે ને એ રીતે. ગુરુ દિવસે સૂઈ જાય તો દિવસે. રાત્રે તો સુવાના જ છે. આ સોનાનું પાત્ર લઇ અને રફુ ચક્કર થઇ જાઉં. નાગાર્જુને પાછળથી આવતાં એ ચોરને જોઈ લીધેલો. એ ભીંતની પાછળ છુપાયો છે એ પણ જોઈ લીધું. પોતે ભોજન કરી લીધું. ભોજન કર્યું, પાત્ર સ્વચ્છ કર્યું, સોનાનું; અને બારીમાંથી પેલાને આપ્યું, લે ભાઈ લઇ જા. ચોરને કહે છે; તું લઇ જા..! ચોર આભો બની ગયો.. આખરે તો ભારતનો ચોર હતો.. ભારતના ચોરોને પણ નિયમ હતાં.! આજે સાહુકારો માટે નિયમો ખરા? 

વનરાજની વાત આવે. ચોરી કરવા નીકળેલો. ભૂખ્યો હતો, એક ઘરમાં પ્રવેશ્યા, પાંચ – સાત જણા. વનરાજ મુખી છે. ભૂખ લાગેલી. અંધારાની અંદર એક કોથળો જોયો. અંદર સફેદ – સફેદ કંઈક હતું. તો થયું કે ખાંડનું બુરું હશે! મુઠ્ઠી ભરી મોઢામાં નાંખ્યું. પણ એ ખાંડ નહતી, મીઠું હતું- નમક હતું. મોઢામાંથી કાઢી નાંખ્યું. પછી સાથીઓને કહ્યું, હવે પાછા ફરી જાવ. આ ઘરનું નિમક-મીઠું મારાથી ખવાઈ ગયું છે. જે ઘરનું નીમક સહેજ પણ પેટમાં ગયેલુ હોય, એ ઘરમાં ચોરી ન થાય. 

ચોર નાગાર્જુનની પાસે આવ્યો. એમના ચરણોમાં પડ્યો અને કહ્યું, સાહેબ ચોર છું, ચોરી ન કરવાનો નિયમ નહિ આપતાં, બાકી કોઈ પણ નિયમ આપવો હોય એ આપી દો. એ વખતે નાગાર્જુને કહ્યું; કે જે પણ કરે, એ હોંશથી કરજે – જાગૃતિથી – awareness થી કરજે. એક જ સૂત્ર આપ્યું: જે પણ કરે એ હોંશથી – જાગૃતિથી કરજે. એ જ રાત્રે ચોર ચોરી કરવા માટે નીકળ્યો. એને ઉપરના માળે જવાનું છે. કુશળ માણસ હતો. દોરડી કેમ ભરાવવી, કેમ ઉપર ચડવું, નિષ્ણાંત માણસ હતો. પણ ત્યાં જ એને સંતનું વચન યાદ આવ્યું. જે કરે તે હોંશપૂર્વક કરજે. એને થયું કે ચોરી મારે શા માટે કરવી પડે? એક જે વાસણ ગુરુએ મને આપ્યું છે, એના લાખો કરોડો રૂપિયા ઉપજે એમ છે. એકેક હીરાની કિંમત ઘણી છે. આખી જિંદગી મજા કરું તો પણ ખૂટે નહિ એટલું મને ગુરુએ આપી દીધું છે. હવે શા માટે ચોરી કરું? અને એ જમાનાના શાસકો, ચોરી કરતાં જો પકડાઈ ગયા, સીધી ફાંસીની સજા.! એક સદ્ગુરુનું વચન જે પણ કરે તે હોંશથી કરજે, જાગૃતિપૂર્વક કરજે, અને ચોરનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. એ માણસ એક દાનવીર સજ્જન તરીકે પાછળથી બહાર આવ્યો. આપણી બધી જ ક્રિયા હોંશપૂર્વક થાય ખરી? 

દર્શન કરીને તમે આવ્યા હોય, અને તમને પૂછવામાં આવે, કે ભગવાનને આંગી કેવી હતી? શું કરો તમે? આંગી તો હશે, પણ કેવી હતી ખબર નહિ. શું થયું? હોંશ ક્યાં છે? અને ક્યાં નથી? કોઈની પણ વાત સાંભળશો, તમારા વિરોધની હશે, યા તમારા ફેવરની હશે; તમને યાદ રહી જશે, પ્રવચનના શબ્દો યાદ નહિ રહે. હોંશ ક્યાં છે? હું ઘણીવાર કહું; કે તમે જાગૃતિ, હોંશ પરમાં રાખેલો જ છે. હોંશ તમારી પાસે છે. જાગૃતિ તમારી પાસે છે પણ એ પરની અંદર છે. એને સ્વમાં ફેરવી નાંખીએ…! આત્માની વિશે જાગૃત બનવું છે. આટલા વર્ષો થયા સાધના કરતાં, એ સાધનાનો આનંદ તમારા ચહેરા ઉપર દેખાવો જોઈએ. 

મયણાસુંદરી પૂજા કરીને જાય, અને ઘરે જઈને કહે છે; “આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ” કેવો ભાવ આવ્યો? શબ્દો નથી ત્યાં. પણ મયણાસુંદરી કહે છે; કે પ્રભુનો સ્પર્શ કર્યા ને એક કલાક થઇ ગયો. હજુ એક પણ રૂવાળું બેસવાનું નામ લેતું નથી. સાધના હતી, સાધનાનો આનંદ હતો. કારણ જે વખતે એ સાધનામાં હતાં, ત્યારે હોંશ હતો, સાધનામાં એ તન્મય બની ગયા હતાં. 

ત્રણ ચરણો આજે આપું: સાધના કરતાં પહેલાં અહોભાવ. પૂજા માટે નીકળો ઘરેથી અને બાથરૂમમાં બેઠા હોવ, અને અહોભાવ – મારા પ્રભુનો સ્પર્શ હું કરીશ! સાધના પહેલા અહોભાવ. સાધના કરો ત્યારે તન્મયતા, એ સાધનામાં પુરેપુરા ડૂબી જાવ.. અને તો સાધના કર્યા પછી એક કેફ.., એક આનંદ રહેશે.. આપણી એક-એક સાધના પરમ આનંદને આપે તેવી છે. આ સાધના મળી; ખરેખર પ્રભુની કૃપા..! 

આનંદઘનજી ભગવંતને કો’કે પૂછ્યું; કે ગુરુદેવ! પ્રભુ અમને ચાહે છે? ત્યારે એમણે કહ્યું; હા, પ્રભુ ચાહે છે! પેલો માણસ સશંક હતો. પ્રભુ વિતરાગ છે, એ મને ચાહે શી રીતે? એ વખતે આનંદઘનજી ભગવંતે જે કહ્યું; એને એમણે ૧૫માં સ્તવનની એક કડીમાં કીધું. “પ્રેમ પ્રતીત વિચારો ઢુંકડી” પ્રભુનો પ્રેમ તારા ઉપર છે; એની પ્રતીતિ, એની અનુભૂતિ તને હમણાં જ થઇ જશે. “પ્રેમ પ્રતીત વિચારો ઢુંકડી” કઈ રીતે થાય? “દૌડત દૌડત દોડીયો, જેતી મનની રે દૌડ” સાધનામાર્ગમાં તમારી પાસે જે ઉત્સાહ છે, જે આનંદ છે, જે ઉલ્લાસ છે, એ બતાવે છે, કે પ્રભુનો પ્રેમ તમારા ઉપર અત્યારે વરસી રહ્યો છે, આ આનંદઘનજી ભગવંત કહે છે.! “દૌડત દૌડત દોડીયો, જેતી મનની રે દૌડ” સાધનાનો વેગ કેવો હોય? શરીરની કલાકના પાંચ કિલોમીટરની વેગથી સાધનામાર્ગે ચાલવાનું નથી, મનના વેગે ચાલવાનું છે. 

મહારાષ્ટ્રના સંત નામદેવને પૂછવામાં આવેલું કે તમે સાધક તરીકે કોને સર્ટિફાઈ કરો? ત્યારે એમણે કહેલું; કે જેની સાધનાનો વેગ મનના વિચારોના વેગ કરતાં વધારે હોય, superior હોય, એ સાધક છે. સમજી ગયા? આ જો તમને મળી જાય તો શું થાય? આજે સુપર સોનિક વિમાન હોય અવાજ કરતાં પણ વધારે ગતિથી ચાલતાં હોય. એ પોતે અવાજ કરે, એ એની અંદર આવવાનો નથી. તો મનના વેગથી પણ વધારે વેગથી તમારી સાધના ચાલતી હોય તો એક પણ વિચાર તમારી સાધનાને ક્યારેય પણ disturb કરી શકે ખરો? તો “પ્રેમ પ્રતીત વિચારો ઢુંકડી” પ્રભુનો પ્રેમ આપણા ઉપર સતત વરસી રહ્યો છે અને એની પ્રતીતિ હું તને આપું, એમ આનંદઘનજી ભગવંત કહી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *