વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : રુચિ અનુયાયી વીર્ય
કોઈ પણ યોગને તમે ઉપયોગ ન આપો, તો એ યોગ પ્રવાહિત ન થઇ શકે. જો યોગ અશુભમાં જઈ રહ્યો છે, તો પણ તમે તેને આત્મશક્તિ કેમ આપો છો?
કારણ છે રુચિ અનુયાયી વીર્ય. તમારી આત્મશક્તિ અત્યાર સુધી પરમાં જ ગઈ છે કારણ કે તમારી રુચિ અત્યાર સુધી પરની જ હતી. જો સ્વની રુચિ થઇ, તો તમારું આત્મવીર્ય સ્વ તરફ જશે.
એક વખત આત્મશક્તિ સ્વ તરફ ગઈ, તો પછી ચરણધારા સધે હો લાલ. આચરણ પણ એ પ્રમાણેનું થઇ જ જવાનું. પછી તમારી યાત્રા માત્ર અને માત્ર સ્વાનુભૂતિ તરફની હશે.
પ્રભુ વીર ની સાધના – વેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦૨
પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વર્ષની સાધના યાત્રા
પહેલું જ સૂત્ર પ્રભુની અસંગયાત્રા. “अहुना पव्वईए रीयत्था”. એ અસંગયાત્રાના સંદર્ભમાં એક સાધકની અસંગયાત્રા કેવી હોય એનું વર્ણન આપણે કરતા હતા. બહુ જ પ્યારી સ્તવના કાલે આપણી પાસે હતી. આપણી પાસે હતી કહું કે મારી પાસે હતી, એમ કહું. કાલે જે સ્તવનાને ઘૂંટી, મેં તો ઘૂંટી, તમે હાજર હતા કે ગેરહાજર હતા.
તું ગત મેરી જાને, જિનજી, તું ગત મેરી જાને,
મે જગ વાસી, સહી દુ:ખ રાશી, સો તો તુમસે ન છાને”
પ્રભુ હું જગતમાં રહ્યો, પરમાં રહ્યો અને એને કારણે મેં પીડાને અનુભવી. તો તુ મને પરમાંથી બહાર કેમ કાઢતો નથી? પરની પીડા કેમ છે? પરમાં જવાય છે માટે. પરમાં કેમ જવાય છે? પરનો રસ છે માટે. એ પરનો રસ શી રીતે ઉડે? સ્વ નો રસ મળે, પર નો રસ ઊડી જાય. તો પ્રભુને ભક્ત એ કહે છે કે મારા પરના રસને ખતમ કરવા માટે સ્વનો રસ તેં કેમ નહીં આપ્યો? તમે આવો સવાલ કરો ક્યારે ? પ્રભુએ શું જવાબ આપ્યો તમને ખ્યાલ છે? જો તમારો આ પ્રશ્ન હોય તો પ્રભુનો ઉત્તર જાણવામાં મજા આવશે. તમારો આ પ્રશ્ન ખરો? કે પ્રભુ ! પરમાં રસ છે, માટે પરમાં જાઉં છું અને પરની પીડાને અનુભવું છું. તું મને સ્વનો રસ આપી દે, પરનો રસ જતો રહે, પરમાં જવાનું ન રહે, પરની પીડા ન રહે. આ સવાલ તમારો ખરો? તો પ્રભુએ શું જવાબ આપ્યો એ કહું. દેવચંદ્રજી મહારાજ એ જવાબ પ્રભુનો લઈને આવ્યા. એ એવા મહાપુરુષો હતા, કે પ્રભુનો ઉત્તર તો લાવે-લાવે, પણ પ્રભુ વતી તમને વચન પણ આપી શકે.
તુલસીદાસજીને એક ભકતે પૂછ્યું. પ્રભુ શી રીતે મળે? એમને કહ્યું “પર ધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન”. બીજાના ધનને માટી સમાન ગણવાનું, કોઈપણ સ્ત્રી તરફ બેનનો, દીકરીનો, માં નો ભાવ ગણવાનો. પ્રભુ તને મળી જાય. પેલો થોડો સસંગ છે. શું આટલું કરીએ અને પ્રભુ મળી જાય? તો એણે પૂછ્યું ? ખરેખર! હું આટલું કરું ત્યારે પ્રભુ મળી જ જાય? એ વખતે તુલસીદાસજી ગર્જના કરે છે. ‘ઇતને સે હરી ના મિલે’ તુલસીદાસજમાન. તું આટલું કરે અને પ્રભુ તને ના મળે, તુલસીદાસ વચ્ચે છે. હું પ્રભુને કહી દઉં કે કેમ એણે મળતા નથી.
તો દેવચંદ્રજી મહારાજ પ્રભુવતી ઉત્તર આપી રહ્યા છે. અને એ કહે છે કે પ્રભુ તૈયાર છે. મજાની વાત એ છે પ્રભુ તૈયાર છે. સ્વનો રસ તમને આપવા માટે. તમે તૈયાર નથી. એ વખતે પ્રભુ! સદ્દગુરુ ચેતનાને કહે છે કે મારે આ લોકોને સ્વ નો રસ આપવો છે તમે એમને તૈયાર કરો. સદ્દગુરુ ચેતના પ્રભુનું વરદાન સ્વીકારવા માટે તમને સજ્જ કરવા માટે જ છે. બીજું કોઈ જ પ્રયોજન સદ્દગુરુ ચેતનાનું નથી. તો, બહુ મજાની કડી આવી.
“પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ ! પ્રભુતા લખે હો લાલ,
દ્રવ્ય તણે સાધર્મ્ય, સ્વસંપત્તિ ઓળખે હો લાલ,
ઓળખતા બહુમાન, સહિત રુચિ પણ વધે હો લાલ,
રુચિ અનુયાયી વીર્ય, ચરણધારા સધે હો લાલ”.
પ્રભુનો ઉત્તર:- પ્રભુ કહે છે હું તૈયાર છું. કઈ રીતે? પહેલું ચરણ કડીનું ‘પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ! પ્રભુતા લખે હો લાલ’. દેરાસરમાં ગયા, પરમાત્માનું દર્શન કર્યું. એ પ્રભુની મુખમુદ્રાને, એ પ્રભુની શરીર મુદ્રાને જોતા, તમને પ્રભુના ઐશ્વર્યનો ખ્યાલ આવશે. પ્રભુ સ્વરૂપ સ્થિતિમાં ડૂબેલા છે અને જે આનંદ હોઈ શકે એ પ્રભુના ચહેરા ઉપર દેખાય છે. તો પહેલું ચરણ કહે છે ‘પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ! પ્રભુતા લખે હો લાલ’. જે ક્ષણે પ્રભુને તમે જોયા એ જ ક્ષણે પ્રભુની પ્રભુતા શું છે? એનો તમને ખ્યાલ આવશે.
હું નાનો હતો. ત્યારની એક ઘટના કહું. અંગ્રેજીમાં જેને well red કહે. એવો હું માણસ. Book Worm. સેંકડો – હજારો પુસ્તકો હાથ નીચેથી નીકળ્યા કરતા હોય. એકવાર વિહાર યાત્રામાં હતો અને એક મેગેઝીનનો થોકડો મળી ગયો. એક દિવસમાં વાંચી કાઢ્યું. પણ, એમાં એક લેખ હતો. કે જૈનો વિતરાગી પરમાત્માને સોના અને ચાંદીના આભૂષણોથી લાદી નાખે છે. કોઈ સુધારકે લખેલો લેખ હશે. એ વખતે મારી બુદ્ધિ પરિપક્વ નહીં. Rationalist ખરો પણ સાચો Rationalist નહીં. એટલે મને એ વાત ગમી ગઈ. શંખેશ્વર આવ્યાં. શંખેશ્વરમાં જંબુવિજય મહારાજ સાહેબ હતા. સાંજના પ્રભુની ભક્તિ કરી. એ હીરાનો મુગટ, સોનાની આંગી, દર્શન કરીને ઉપાશ્રય ગયા. મેં જંબુવિજયજી મહારાજ સાહેબને પૂછ્યું કે વિતરાગી પરમાત્મા અને એમને હીરાનો મુગુટ, સોનાની આંગી શા માટે? મને કહે ભાઈ, એ તો જગતનો ઠાકુર છે ઠાકુર. ઠકુરાઈ એના દરબારમાં જ હોય, બીજે ક્યાંય હોય નહીં. એક નવી દ્રષ્ટિ એમને મને આપી.
તો પ્રભુની પ્રભુતાને આપણે બે રીતે જોઈ. એક આ બાહ્ય ઐશ્વર્ય બીજું યોગેશ્વર્ય. યોગેશ્વર્યની અંદર પ્રભુની પરમ ઉદાસીનદશા દેખાય. સમવસરણમાં પ્રભુ બિરાજમાન છે. 64 ઇન્દ્રો પ્રભુના ચરણોમાં પડેલા છે. પ્રભુ! એ બધાથી પર છે.
તો પહેલું ચરણ:- “પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ ! પ્રભુતા લખે હો લાલ”. પ્રભુનું દર્શન કેટલી વાર કર્યું. પ્રભુની પ્રભુતા, પ્રભુનું યોગેશ્વર્ય કેટલી વાર જોયું?
બીજું ચરણ :- ‘દ્રવ્યતણે સાધર્મ્ય, સ્વ સંપત્તિ ઓળખે હો લાલ.’ પ્રભુનું નિર્મળ આત્મદ્રવ્ય છે, મારું પણ એવું નિર્મળ આત્મદ્રવ્ય છે. દ્રવ્યતણે સાધર્મ્ય. આત્મદ્રવ્યમાં કોઈ ફેરફાર નથી. સત્તારૂપે મારી પાસે પણ એટલી જ નિર્મળતા છે. જેટલી પ્રભુની પાસે છે. ‘દ્રવ્યતણે સાધર્મ્ય સ્વસંપત્તિ ઓળખે હો લાલ’ ત્યારે પોતાના ઐશ્વર્યનો ખ્યાલ આવે છે, કે મારી પાસે પણ આ જ પ્રશમ રસ છે, મારી પાસે આ જ વિતરાગ દશા છે, મારી પાસે આ જ ઉદાસીનદશા છે.
ત્રીજું ચરણ :- ‘ઓળખતા બહુમાન સહિત રુચિ પણ વધે હો લાલ’ પ્રભુના દ્રવ્યની સાથે પોતાના આત્મદ્રવ્યનું જે ક્ષણે સરખાપણું જોયું, એ જ ક્ષણે બહુમાન ભાવ થાય છે. ઓહ ! પ્રભુની અંદર આટલા નિર્મળગુણો, પ્રભુની આટલી નિર્મળ સ્વરૂપદશા, એ બહુમાન જે છે એ રુચિમાં ફેરવાય છે. પ્રભુની પાસે આટલું બધું છે. મારી પાસે પણ સત્તારૂપે બધું જ છે, પણ ઢંકાયેલું છે. તો રુચિ થઈ કે મને પણ આવું મળશે? ક્યારે મળશે? મારી સ્વરૂપદશામાં હું સતત રહેતો હોઉં એવું મને ક્યારે મળશે? મારા જેવો માણસ કહી દે Now & here ? If you ask? તમે જો પૂછો કે સાહેબ સ્વરૂપદશામાં મારી સ્થિતિ ક્યારે? Now & here તમે તમારામાં ન હોવ એનાથી મોટી કોઈ વિડંબના ખરી? તમે માત્ર પરમાં હો ઉપયોગ રૂપે ઉપયોગ રૂપે તમે સ્વમા હો જ નહીં.
કોઈ માણસ હોય, ઘરમાં રહે જ નહીં અને બહાર આટા ફેરા માર્યા કરે છે, ઘરનું કોઈ કામ કરે નહીં, ઘરમાં શું જોઈએ છે શું નહીં એની ખબર ન રાખે અને બહારથી મોટો સેવાભાવી થઈને ફરે છે. આખા ગામવાળા કહે કે સેવાભાવી માણસ છે. એની ઘરવાળી એને શું કહે? એમ આપણે ઉપયોગને સતત બહાર રાખ્યું. સ્વમાં ઉપયોગ ક્યારે મૂકવો છે. ‘રૂચિ પણ વધે હો લાલ’ હવે ઈચ્છા થઈ પ્રબળ ઈચ્છા કે મારી સ્વરુપદશા મને મળવી જ જોઈએ અને પછી એક બહુ જ સરસ સૂત્ર ચોથા ચરણમાં આવ્યું. ‘રુચિ અનુયાયી વીર્ય’. આ બહુ સરસ સાધના સૂત્ર છે ”રુચિ અનુયાયી વીર્ય”. તમારી આત્મશક્તિ ત્યાં જવાય, તમારી આત્માશક્તિ પરમાં કેમ જાય છે? કોઈપણ યોગને તમે ઉપયોગ ન આપો, તો એ યોગો પ્રવાહીત થઈ શકે નહીં. એ યોગ અશુભમાં જઈ રહ્યો છે, છતાં તમે આત્મશક્તિ કેમ આપો છો? રુચિ અનુયાયી વીર્ય’ તમારી આત્મશક્તિ અત્યાર સુધી પરમાં ગઈ છે કારણ તમારી રુચિ પરની છે. જો સ્વની રુચિ થઈ તો એ આત્મવીર્ય સ્વ તરફ જશે.
વિનોબાજી કહેતા, પાણી એકનું એક હોય ખેતરોમાં, રાઈના ખેતરમાં એ પાણી નાખો તો એ પાણી રાઈની તિખાશને ઉભારે, શેરડીના ખેતરમાં નાખો તો એ જ પાણી શેરડીની મીઠાશને ઉભારે. અત્યાર સુધી ઉપયોગ તમે પરને જ આપ્યો છે. હવે ઉપયોગને સ્વમાં મૂકો. “રુચિ અનુયાયી વીર્ય”’ અને આત્મશક્તિ જ્યાં સ્વ તરફ ગઈ પછી ‘ચરણ ધારા સધે હો લાલ’. પછી આચરણ બિલકુલ એ પ્રમાણે થઈ જવાનું, કે તમારી યાત્રા માત્ર ને માત્ર સ્વાનુભૂતિ તરફની હશે. તો પ્રભુનો જવાબ આવી ગયો કે તને સ્વ નો રસ હું આપી દઉં. માત્ર મારે જો મારી સ્વરૂપદશા તને ગમી જાય, તારી સ્વરૂપદશા તને આપી દઉં. પણ અમૃતવિજય મહારાજ ભક્ત છે અને ભકતને ખ્યાલ હોવા છતાં રડવાનું ગમે છે. બહુ મજાની વાત છે. ખ્યાલ હોવા છતાં, એને રડવાનું ગમે, આંસુ સારવાનું ગમે, ડુસકા ભરવાનું ગમે છે.
ટાગોરે ગીતાંજલીમાં એક સરસ વાત કરી. બહુ મજાની છે. ટાગોર કહે છે “હું ઉપર ગયો, દાદર ચઢીને હું ઉપર ગયો, રૂમ બંધ હતી. બારણામાં એક તિરાડ હતી. તિરાડમાંથી મેં જોયું. એ ત્યાં જ હતા. એ એટલે ટાગોરની ભાષામાં “પરમાત્મા”. એ ત્યાં જ હતા. મેં જોયું કે ત્યાં જ છે એ. બારણું અંદરથી બંધ હોય એવું પણ લાગતું ન હતું. બારણાને સહેજ ધક્કો માર્યો હોત તો બારણું ખુલી જાત, એ મળી જાત. પણ મેં બારણું ખોલ્યું નહીં, હું નીચે ઉતરી ગયો અને પછી બૂમ મારવા માંડ્યો કે હે ભગવાન તમે ક્યાં છો? તમે ક્યાં છો ? જો કે મને ખબર છે કે ત્યાં જ છે. ટાગોર છેલ્લે લખે છે, જો કે મને ખ્યાલ છે કે એ ત્યાં જ છે. પણ જો અત્યારે મિલન કરી લઉં તો પ્રતીક્ષા નો આનંદ, વિરહનો આનંદ હું ક્યારે માની શકું? ભક્તો આપણને એક નવી દુનિયામાં લઈ જતા હોય છે. આંસુ સારવા એ જરૂરી છે, વિરહ પ્રભુનું જરૂરી છે કારણ કે વિરહવ્યથા ને અંતે જ મિલનનો આનંદ મળે. એટલે એક ફિલોસોફરે કહ્યું હતું તેમ. વિરહ વ્યથાનો જે extreme point છે, એ જ મિલનનો starting point છે. તમે પ્રભુને નથી મળી શકતા. કારણકે પ્રભુનો વિરહ અંતિમ બિંદુ સુધી તમારો પહોંચ્યો નથી. વિરહ પણ તમારી પાસે નથી, મિલન ક્યાંથી થશે? ડૂસકે-ડૂસકા ક્યારેય ભર્યા છે? એ નથી મળતો, એ ન મળે તો મારા જીવનનો શો અર્થ. તમારા વિનાના, અમે અમારા વિનાના આ ભાવાનુભૂતી અનુભવી છે ક્યારે?
આના જ સંદર્ભમાં નારદઋષિ ભક્તિસૂત્રમાં એક સૂત્ર આપે છે. “દૈન્ય પ્રિયત્વાચ” પ્રભુને દીનતા ગમે છે. એકવાર એવું થયું, આ બાજુ દેવચંદ્રજી મહારાજનો સ્વાધ્યાય ચાલે મારો અને બીજી બાજુ નારદભક્તિસૂત્ર ચાલે. બંનેમાં એક સરખા સૂત્ર આવ્યા. 24માં સ્તવનમાં આવ્યું. ‘દયાનીઘી દીન પર દયા કીજે…”. હું દીન છું. તું મારા ઉપર દયા કર. નારદઋષિએ કહ્યું કે, “દૈન્ય પ્રિયત્વાચ”. પ્રભુની દીનતા ગમે છે. સીધો સવાલ થયો. હું પ્રભુરૂપી મા નું બાળક છું. કોઈ મા ને બાળક રડે તો ગમે ખરું? બાળક દિન-હિન હોય, એ માં ને ગમે ખરું? તો કેમ લખ્યું? દૈન્ય પ્રિયત્વાચ કેમ લખ્યું છે? ‘દયાનીઘી દિન પર દયા કીજે’ પાછળથી સમજાયું કે કઠોરતાની આપણી ભૂમિને નાષ માં લઈ જવા માટેની આ વાત છે દિનતા એટલે તમે ગરીબ બનો. એવી કાંઈ વાત નથી, તમે ઐશ્વર્યહીન બનો, એવી કાંઈ વાત નથી. રડો ધ્રુસકે – ધ્રુસકે રડો. એ નથી મળતું અને રડો. એ મળ્યો છે પણ બરોબર નથી મળ્યો રડો. એ રડવાથી તમારી એક ભૂમિકા સજ્જ થશે. તો અહીંયા પણ એ ભૂમિકા સજ્જ કરવા માટે આગળ વધે છે કે પ્રભુ! તારી પાસે કેવળજ્ઞાન ને કેવળદર્શન છે. તું આખી દુનિયાને જોઈ રહ્યો છે. ‘ઇનકારણ ક્યાં તુમસે કહેવો’ તું જુવે છે કે હું દિન હીન છું, હું રડું છું તારા માટે, મને સ્વનો રસ મળતો નથી અને હું રડું છું. હું પરમાં જઉં છું, પીડાને પામું છું અને રડું છું. તું પૂરા જગતને જુએ છે. ‘સબ લોકન મે તેરી સત્તા, દેખત દર્શન જ્ઞાને….સબ લોકન મે તેરી સત્તા દેખત દર્શન જ્ઞાને’. કેવળજ્ઞાન અને કેવળદર્શનથી તું આખા લોકને જોઈ રહ્યો છે, તું મને નથી જોતો? ‘ઇનકારણ કહા તુમસે કહેવો’. તો પછી તમને શું કહેવું? મારી પીડાની વાત તમને કેમ કહેવી પડે. અને એ પછી છેલ્લે એક ભાવ આવે છે. ‘ઈનકારણ કહા તુમસે કહેવો, કહીયે તો ન સુણે કાને’ કહીયે તો ન સુણે કાને’. અમે રાડો પાડીએ તારે સાંભળવું પણ નથી પણ પછી લાગ્યું કે થોડું વધારે કહેવાઇ ગયું. પ્રભુ મારી care તો કરે છે! personal care કરે છે. અને એનો અનુભવ છે. તો આવું કેમ કહેવાય. ‘કહીયે તો ન સુણે કાને’ અને પછી વાતને વાળી નાખે છે. કુશળ સ્તવનાકાર હોય છે ને તે શબ્દોની અને ભાવોની જે તાન પલટ કરે છે ને એનો આનંદ અનોખો હોય છે. આખો તાન પલટો કરી નાખે છે. ‘અપનો હી જ જાન નિવાજસ કીજે’. ભલે આ બધી વાતો કરી, આખરે હું તમારો છું. ‘અપનો હી જાન નિવાજસ કીજે’ દેઈ સમકિતદાને’. સમકીત દર્શન મને આપી દો અને વાતો પૂરી થઈ જાય અને સ્વ નો રસ મળી જાય, પરની પીડા જતી રહે, પછી તમારા ગુણ ગાન ગાઈશ. “અપનો હી જાન નિવાજસ કીજે દેઈ, સમકિતદાને, માનો અજીતપ્રભુ! અરજ હૈ ઇતની જયું અમૃત મન માને.”….બસ મારું મન થોડું શાંત થઈ જાય કે મારા પ્રભુએ મને ખૂબ-ખૂબ આપ્યું, મારા પ્રભુએ મારી personal care કરી. તો પ્રભુની અસંગયાત્રા પરમ ઉદાસીનદશામાં ફેરવાઇ. જેને આપણે સમવસરણમાં જોઈ હતી અથવા જોઈશું. મુનિની અસંગયાત્રા સ્વરસ પ્રાપ્તિના આનંદમાં ફેરવાય છે. એક શ્રાવકની અસંગયાત્રા શેમાં ફેરવાય છે? કોઈપણ સાધકની અસંગયાત્રા પરમસંગની યાત્રામાં ફેરવાય છે. બધાનો અસંગ બરોબર પરમનો સંગ. અને એ પરમનો સંગ થાય એટલે શું થાય? પરમને ગમે તે કરું એને ગમે તે કરું.
મુંબઈ માટુંગામા મારું ચાતુર્માસ. એક બપોરે થોડાક સાધકો સંતુષ્ટી માટે આવેલા. એમના પ્રશ્નો હતા. ઉત્તરો અપાયા. વાતમાંથી વાત નીકળી. એક સાધિકાબેહેને બહુ સરસ વાત કરી એમણે કહ્યું, કે સાહેબ લગ્ન પહેલા ભારેમાં ભારે dresses નો મને શોખ હતો. સમૃદ્ધ પિતાની હું દીકરી હતી. પચાંસ હજાર નો ડ્રેસ, લાખનો ડ્રેસ. જે પણ મારે જોઈએ પપ્પા લઈ આપતા અને એનો મને ગાંડો શોખ હતો. લગ્ન થયા. લગ્ન વખતે આપણે ત્યાં પારંપરિક પોષક પહેરાતો હોય છે. એટલે મેં સાડી પહેરેલી. મારા પતિએ મને કહ્યું કે સાડી એ ભારતીય નારીનો પોશાક છે. ‘તું સાડી પહેરીશ તો મને ગમશે’ મારા પતિએ એક જ વાક્ય કહ્યું છે ‘તું સાડી પહેરીશ તો મને ગમશે’ અને સાહેબ એ જ દિવસથી બધા જ dresses પેટીમાં પુરાઈ ગયા. માત્ર સાડી એ જ મારો પોશાક બન્યો. પતિએ force નથી પાડ્યો. એટલું જ કહ્યું છે ‘તું સાડી પહેરીશ તો મને ગમશે’. એક પતિ પરના પ્રેમને કારણે પત્ની મોંઘામાં મોંઘા dresses નો મોહ છોડી શકે. તમને પરમાત્મા પ્રત્યે પ્રીતિ થાય, પછી તમે શું ન છોડી શકો?
તો પ્રભુની પહેલી યાત્રા અસંગયાત્રા. પ્રભુએ કરેમિ – સામાઇયં દ્વારા સામાયિક લીધું અને અસંગદશામાં જતા રહ્યા. ‘યોગપ્રદીપ’ નામનો એક બહુ સરસ ગ્રંથ છે. અદ્દભૂત. એ પણ પરા અને પશ્યંતીમાં જ આવેલો છે. એમાં સામાયિકની વ્યાખ્યા આવે. બહુ સરસ વ્યાખ્યા આવે. એવું મન એ સામાયિક, આવું મન એ સામાયિક. એ મનને એમણે પાંચ વિશેષણો આપ્યા કે આવું મન હોય તો એ સામાયિક કહેવાય. આપણને લાગે કે કેટલી અદ્દભૂત વાત કરી છે. નિરાભાસ, નિરાકાર નિરાશ્રય. બહુ અદ્દભૂત વાતો કરી છે. આવતીકાલે એનો ષ્લોક લઈને આપણે ચર્ચા કરીશું કે ખરેખર મનની સ્થિતિ કેવી બને ત્યારે તમે સામાયિક દશામાં આવેલા કહેવાવ. એક વાત કહું, પ્રભુની સાધનાયાત્રા થોડા દિવસ ચાલશે. તમારું જે શ્રવણરસ છે એ મજાનો છે.
મને એક ઘટના યાદ આવે. રાજસ્થાન પાવાપુરીમાં પ્રતિષ્ઠા હતી. કલાપૂર્ણસુરીદાદાની નિશ્રા હતી. 500 થી વધુ શ્રમણ- શ્રમણી ભગવંતો ત્યાં હતા. એ પછી ભેરુતારકમાં પ્રતિષ્ઠા થઈ. ત્યાં પણ આટલા જ સાધુ-સાધ્વીજીઓ હતા. સવાર થી સાંજ સુધી ભક્તિના કાર્યક્રમો ચાલ્યાં કરે. સવારે દેરાસરમાં ભક્તિસ્તોત્રો, ચૈત્યવંદન, અંજનશલાકારી મંદિરની વિધિ આઠેક વાગ્યા સુધી ચાલે. તરત જ આ બાજુ નવ વાગ્યા પહેલા તો સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થઈ જાય. બાર – સાડાબાર- એક – બે સુધી. બપોરે પણ પ્રોગ્રામો હોય. પ્રદ્યુમ્નસુરી મહારાજ પણ ત્યાં હતા. પ્રદ્યુમ્નસુરી મહારાજને થયું કે આખો દિવસ બેન્ડબાજા તો વાગ્યા જ કરે છે પણ તાત્વિક વાતો પણ આ સમયમાં સાધુ-સાધ્વીજીઓને મળવી જોઈએ. મને એમને વાત કરી. મને કહે વાંચના શરૂ કરીએ. મેં કહ્યું સમય કયો? આખો દિવસ કાર્યક્રમ ચાલ્યા કરે છે. સમય કયો કાઢવો? પ્રોગ્રામ ચાલતો હોય, લાઉડ સ્પીકર એટલા ગર્જતા હોય તો શાંતિ મળે નહીં. છેલ્લે એક ટાઈમ એમને શોધ્યો. ક્યો ? દેરાસરમાં વિધિ પૂરી થઈ જાય. ૮.૦૦, ૮.૧૫, ૮.૩૦ એ અને સવારના સ્ટેજ પ્રોગ્રામ શરૂ થવાના હોય, લોકો નવકારશી કરવા જાય એ જ ટાઇમ એમણે પસંદ કર્યો. આમ આપણે pick ટાઈમ લેતા હોઈએ. આ ખોટી રીતે pick ટાઈમ લઈ લીધો. અને જાહેરાત કરી દીધી એમણે તો કે આ મંડપમાં આ મંદિરની વિધિ પૂરી થાય તરત જ વાંચના છે. અમે લોકો બેઉ ગયા વાચના માટે. અમારી કલ્પના હતી કે ૨૫-૫૦ જણાં કદાચ આવેલા હોય, કેમ કે, નવકારશીનો ટાઈમ અને કોઈ તિથિ પણ ન હતી, તો એકાસણા – બિયાસાણાવાળા કદાચ ૨૫-૫૦ જણાં આવેલા હોય, પણ અમારી નવાઈ વચ્ચે આખું ઓડિટોરિયમ ફુલ. ૫૦૦-૬૦૦ સાધુ-સાધ્વીઓમાંથી ૯૦% હાજર અને શ્રાવકોમાંથી પણ સેંકડોની સંખ્યામાં હાજર. ત્યારે એમ થયું કે આ સમયે વાચના રાખી, આટલા લોકો. તો એમને તત્વ સાંભળવાની જિજ્ઞાસા કેટલી. પછી તાત્વિક વાચનાઓ થઈ. આવું જ હમણાં માટુંગામાં બન્યું. ગચ્છાધિપતિ રાજેન્દ્રસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા. ઉનાળાનો સમય….આ શિયાળો હતો અહીં ઉનાળો હતો. ૩૬ આચાર્ય ભગવંતો, સેંકડો સાધુ સાધ્વીઓ. થોડાક મુનિવરોની બહુ ઈચ્છા કે વાચના તો રાખો જ. મેં કીધું રાખું. સમય નક્કી કરો. તો જે આચાર્ય ભગવંત બધું manage કરતા હતા. એમણે પૂછ્યું કે ના આ ટાઈમ નહીં રહે, આ ટાઈમ નહીં રહે, આ ટાઈમ નહીં રહે, એક પ્રોગ્રામ એક, દોઢ, બે વાગ્યા સુધી ચાલે અને પછી પાછો તરત જમ્યા પછીનો પ્રોગ્રામ હોય. પાંચ – સાડા પાંચ સુધી. છેવટે મુનિવરોએ સાંજના છ નો ટાઈમ નક્કી કર્યો. ઉનાળો હતો સૂર્યાસ્ત મોડો હતો. ૬ થી ૭. જાહેરાત કરી અને ૬ થી ૭ ના સમયમાં માટુંગાના નવા ઉપાશ્રયનો આખો હોલ ભરચક. છેલ્લા દિવસે અભયશેખરસૂરી મહારાજે કહ્યું કે આટલા awkward ટાઈમમાં વાંચના રાખવા છતાં આટલા લોકો આવે છે એ બતાવે છે કે પ્રભુના તત્વની જાણવાની જિજ્ઞાસા કેટલા હદે વિસ્તરેલી છે. તમારી શ્રવણરુચિ બહુ જ છે. આવતીકાલે વાચના ૮.૩૦ થી સવારમાં બરાબર. ૪૫ મિનિટનો ડોઝ બહુ બરાબર હોય છે. હું સામાન્ય તયા કલાકના પ્રવચન હોય એમાં એ જે હોય ૪૫ મિનિટનું. બહુ તો બહુ ૪૮ મિનિટનું… સામાયિકનો time. તો આવતીકાલે શરૂઆતમાં જ યોગપ્રદીપે જે સામાયિકની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા ઉપર આપણે ચાલવાનું છે. સ્લોક એ છે :-
નિસંગમ્ યન્નિરાભાસમ્, નિસંગમ્ યં નિરાભાષમ્,
નિરાકારમ્, નિરાશ્રયમ્, નિસંગમ્ યં નિરાભાષમ્,
નિરાકારમ્, નિરાશ્રયમ્, પુણ્ય પાપ વિનિર્મુક્તમ્, મન: સામાયિકમ્ પુરિતમ્ જે મન નિ:સંગ છે, જે નિરાભાસ છે, જે નિરાકાર છે, જે નિરાશ્રય છે અને જે મન પુણ્ય-પાપથી રહિત છે એ મન તે સામાયિક. તમે તો શરીરની અમુક સ્થિતિમાં બેસવું એનું નામ સામાયિક એવો અર્થ કરો છો, તો બહુ મજાની વ્યાખ્યા છે. મન: સામાયિકમ પુરિતમ. પાંચ વિશેષણથી યુક્ત જે મન એ સામાયિક છે એ સામાયિકની વ્યાખ્યા આપણે આવતીકાલે જોઈશું.
